‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/સકલ અને શકલ (‘સિદ્ધાન્તે કીમ્‌’ની સમીક્ષાની આસપાસ) : વિજય પંડ્યા

૧૮ ખ
વિજય પંડ્યા

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૧૦, હર્ષવદન ત્રિવેદીની પત્રચર્ચા]

‘સકલ અને શકલ (‘સિદ્ધાન્તે કિમ્‌’ની સમીક્ષાની આસપાસ)’

પ્રિય સંપાદક રમણ, પ્રત્યક્ષ (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૦)માં હર્ષવદન ત્રિવેદીની ‘સિદ્ધાન્તે કિમ્‌’ પુસ્તકની પત્રચર્ચામાં પૃ. ૫૦ પરના લખાણ “તો પછી ફુટકળ લેખોના ‘સંઘરા’ જેવા ‘સિદ્ધાન્તે કિમ્‌’ ને ‘શકલગ્રન્થ’ કહેવો તે સ્કૉલરશિપનું નહીં, સેલ્સમેનશીપનું ઉદાહરણ ન ગણાય?’ના સંદર્ભમાં આટલું. આ હર્ષવદન ત્રિવેદીના અહીં ઉતારેલા વાક્યમાં ‘શકલગ્રંથ’ના ‘શકલ’ શબ્દ વિશે થોડો ગૂંચવાડો જણાય છે તેટલા પૂરતો મારો આ કલમક્ષેપ. ‘શકલગ્રંથ’ને હર્ષવદન ત્રિવેદીએ અવતરણચિહ્નમાં મૂક્યો છે એટલે, મૂળ સુમનભાઈના પુસ્તકમાંથી જ ઉદ્ધૃત છે એમ મનાય (મેં મૂળ પુસ્તક ‘સિદ્ધાન્તે કિમ્‌’ જોયું નથી) અને હર્ષવદન ત્રિવેદી જે રીતે અવતરણ આપી રહ્યા છે તે પરથી મૂળ પુસ્તકમાં સુમનભાઈનો પોતાના પુસ્તક માટેનો આ શબ્દપ્રયોગ પ્રશંસાત્મક હશે એવું મનાય. અને હર્ષવદન ત્રિવેદીના વાક્યમાંથી એવો અર્થ નીકળે છે કે ‘શકલગ્રંથ’નો અર્થ પ્રશંસાત્મક હોવા છતાં પણ ‘સિદ્ધાન્તે કિમ્‌’ ગ્રંથ માટે આ શબ્દપ્રયોગ ગ્રંથની ગુણવત્તા જોતાં, ઉચિત નથી એમ ગણાય. પણ ‘શકલ’નો અર્થ સંસ્કૃતમાં ટુકડો થાય છે એટલે જો સુમનભાઈને ‘સકલગ્રંથ’ કહેવું હોય અને તેને બદલે ‘શકલગ્રંથ’ કહ્યું હોય તો, વાક્યમાં પ્રવેશેલો અર્થદોષ છે પણ જો તેમને ‘શકલ’ એટલે મૂળ સંસ્કૃત પ્રમાણે ‘ટુકડો’ અર્થ અભિપ્રેત હોય તો, તેઓ આ ગ્રંથને ટુકડાઓનો ગ્રંથ કે છૂટક વિચારોનો ગ્રંથ છે એવું કંઈક કહેવા માગે છે એમ અર્થ થાય. તો પછી, આ અર્થ પૂરતો એ દોષ નથી એમ કહી શકાય. ‘શકલ’નો અર્થ અને ગ્રંથની ગુણવત્તા બન્ને વચ્ચેની સંવાદિતા તપાસવાનો મારી આ પત્રચર્ચાનો ઉદ્દેશ નથી. પણ જો તેમને એટલે કે સુમનભાઈને ‘સકલગ્રંથ’ કહેવું અભિપ્રેત હોય તો તે પછી altogether એ બીજું proposition થયું અને તે અર્થ માનીને હર્ષવદન ત્રિવેદી ટિપ્પણ કરી રહ્યા છે એવું માનીએ તો જ, વાક્યાર્થ તેમણે – હર્ષવદને – માનેલી પરિસ્થિતિ સાથે સંવાદિતા ધરાવે છે અને તે પ્રમાણેનું અર્થગ્રહણ થાય. પણ સુમનભાઈના ગ્રંથમાં ‘સકલગ્રંથ’ને બદલે ‘શકલગ્રંથ’ એવી છાપભૂલ હોય અથવા હર્ષવદનના કે પ્રત્યક્ષના પક્ષે છાપભૂલ હોય તો એ પણ altogether different proposition થશે. ખરેખર, બહુ જ ગૂંચવાડો છે! આ સર્વ જનો સ્પષ્ટતા કરે તો જ આ ગૂંચ દૂર થાય. પણ એ દરમિયાન એક સંસ્કૃત સુભાષિત આ સંદર્ભમાં રસપ્રદ અને પ્રસ્તુત છે. ગુરુ અથવા પિતા પોતાના શિષ્ય કે પુત્રને કહી રહ્યા છે : યદ્યપિ બહુ નાધીષે તથાપિ પઠ પુત્ર વ્યાકરણમ્‌ | સ્વજનઃ શ્વજનો મા ભૂત સકલં શકલં સકૃત-શકૃત્‌ || હે પુત્ર વધારે ભલે ન ભણે પણ વ્યાકરણ તો જરૂર ભણ જેથી સ્વજનનું શ્વજન (કૂતરાઓ), સકલ (આખું)નું શકલ (ટુકડો) અને, સકૃત્‌ (એક વાર)નું શકૃત્‌ (છાણ) ન થાય. અહીં દન્ત્ય ‘સ’ને બદલે તાલવ્ય ‘શ’ બોલાય કે લખાય તો, અર્થનો અનર્થ થવા સંભવ છે! એટલે, સુભાષિતે તો સંસ્કૃત ભાષામાં પણ પ્રચલિત શબ્દોના ઉચ્ચાર વિશેની નુક્તેચીની કરી (બીજાનાં છિદ્ર શોધવાં કે ટીકા કરવી – એવું કામ, એવો સાર્થ ગુજરાતી જોડણીકોશ (૧૯૪૯)નો અર્થ છે પણ ગુજરાતીમાં આ જ અર્થમાં આ શબ્દ પ્રયોજાય છે કે કેમ તે વિશે મને સંશય છે.) પણ ‘સકલ’ શબ્દનો પણ જો વધારે વિચાર કરીએ તો સ-કલ એમ શબ્દ બને છે. અને ‘કલ’ એટલે ભાગ, અવયવ, અંશ, જેમાં સામેલ છે તે ‘સકલ’ એવો અર્થ થાય, બ્રહ્મને ‘નિષ્કલમ્‌’ (કલમ્‌-અવયવ વગરનું) કહ્યું છે તે આ અર્થમાં, એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. મૈત્રાયણી ઉપનિષદમાં બ્રહ્મનાં ‘કાલ’ અને ‘અકાલ’ એમ બે રૂપો કહ્યાં છે. આદિત્યની પૂર્વેનો તે ‘અકાલ’ અને ‘અ-કલ’ (અવયવ વિભાગ વગરનો) અને આદિત્યમાંથી ઉદ્‌ભવેલો કાલ ‘સ-કલ’ (વિભાગ-ખંડ સાથેનો) છે જેમાં સંવત્સર જેવા વિભાગ છે. એટલે ‘સરસ્વતીચંદ્ર’ને જો ‘સકલકથા’ કહેવામાં આવી હોય તો, તે સમગ્ર કથા અને ખંડમય કથા – જેમાં સાંધાઓનું જોડાણ છે, એમ બન્ને અર્થમાં સાચું છે. (વિવેચકને જે તે અર્થ સંમત હોય તે પ્રમાણે) તો ‘સિદ્ધાન્તે કિમ્‌’ ને ‘સકલગ્રંથ’ અથવા ‘શકલગ્રંથ’ જે પણ સંજ્ઞાથી ઓળખવામાં આવ્યો હોય તે યથાર્થ છે. પણ હું આશા રાખું છું કે ‘સકલ’ ‘શકલ’નો ગૂંચવાડો મારી આ ચર્ચા પછી દૂર થશે. અથવા Really?

અમદાવાદ, ૮-૫-૨૦૧૦

વિજય પંડ્યા

  • મૂળ પુસ્તક ‘સિદ્ધાંતે કિમ્‌’માં ‘શકલગ્રંથ’ શબ્દ છે જ, અને ‘દરેક લેખ મારી આખી સમજનો એક ટુકડો છે. ‘શકલ’ એવી પ્રસ્તાવના-નોંધ પણ એમાં છે. – સંપા.

[એપ્રિલ-જૂન, ૨૦૧૦, પૃ. ૫૦-૫૧]