‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘નરોત્તમ પલાણની પત્રચર્ચામાં કેટલાક વિગતદોષો’ : હેમન્ત દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૬ ઘ
હેમન્ત દવે

[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૨૦૧૩, નરોત્તમ પલાણની પત્રચર્ચા]

નરોત્તમ પલાણની પત્રચર્ચા વિશે

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના ગતાંકમાં છપાયેલી નરોત્તમ પલાણની પત્રચર્ચામાં કેટલાક વિગતદોષો છે. તેના સંદર્ભમાં આ પત્ર છે. તેઓ લખે છે કે ‘ભાષા અને લિપિની નજરે અશોકનો લેખ પ્રાકૃતભાષા અને બ્રાહ્મલિપિમાં છે. રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મલિપિમાં, જ્યારે સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃત અને દેવનાગરી લિપિમાં છે. આ ત્રણે લેખ વચ્ચે કુલ સાતસો વર્ષનો ગાળો છે. અશોકલેખ પછી આશરે ચારસો વર્ષ બાદનો રુદ્રદામાનો લેખ છે એટલે આ ગાળામાં ભાષા ફરી છે. રુદ્રદામા પછી આશરે સો વર્ષ બાદ સ્કંદગુપ્તનો લેખ છે એટલે લિપિ પણ ફરી છે.’ (પૃ. ૫૧) નરોત્તમ પલાણ જેવા ચીવટ રાખતા અભ્યાસી વિદ્વાન દ્વારા આ વિગતદોષો થયા છે, એનું આશ્ચર્ય! એમના મતને ગુજરાતી વિદ્યાજગતમાં આદર અને સન્માનથી જોવામાં આવે છે, ને એથી જ એમની કલમે થયેલા આ વિગતદોષો ચલણી ન બની જાય તે હેતુસર આ પત્ર લખું છું. અશોકનો અભિલેખ બ્રાહ્મીમાં છે અને રુદ્રદામાનો અભિલેખ પણ બ્રાહ્મીલિપિમાં જ છે, પણ બન્નેની (ચારસો કરતાં પણ વધુ વર્ષોનો સમય વીત્યો હોવાથી) ન કેવળ ભાષામાં બલકે લિપિમાં પણ ઘણું અંતર છે. અશોકના લેખોની લિપિ ‘અશોકની બાહ્મી’ તરીકે ઓળખાય છે, જ્યારે ક્ષત્રપોના અભિલેખોમાં પ્રયોજાયેલી બ્રાહ્મીને ‘ક્ષત્રપકાલીન બ્રાહ્મી’ કહેવી જોઈએ એવા પણ મત છે. સ્કંદગુપ્તનો અભિલેખ દેવનાગરી લિપિમાં હોવાનું નરોત્તમ પલાણ કહે છે તે કશી ગેરસમજનું પરિણામ જણાય છે. કારણ કે, એ દેવનાગરીમાં નહીં, પરંતુ પુરાલિપિશાસ્ત્રમાં જેને ‘દક્ષિણાત્ય બાહ્મી’ કહે છે તેમાં છે. મૈત્રકોના તામ્રપટોમાં પણ આ જ ‘દક્ષિણાત્ય બાહ્મી’ લિપિ જ સળંગ પ્રયોજાઈ છે. જેમાંથી દેવનાગરી ઉદ્‌ભવી તે ‘ઉત્તરી બ્રાહ્મી આપણે ત્યાં, ગુજરાતમાં, રાષ્ટ્રકૂટો સાથે શરૂ થાય છે, અને સમયાંતરે તેમાંથી ‘મધ્યકાલીન નાગરી’ આવી. એ પછી મૂળરાજ સોલંકીનાં તામ્રશાસનોમાં આપણે ‘અર્વાચીન નાગરી’ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બીજા શબ્દોમાં, દેવનાગરી લિપિ ગુપ્તો જેટલી પ્રાચીન નથી. બીજું, સ્કંદગુપ્તનો લેખ ‘રુદ્રદામા પછી આશરે સો વર્ષ બાદ’નો નથી, પણ ત્રણસો વર્ષ બાદનો છે. રુદ્રદામાના અભિલેખનો સમય ઈ.સ.ની બીજી સદીનો મધ્યભાગ છે, જ્યારે સ્કંદગુપ્તનો સમય ઈ.સ.ની પાંચમી સદીનો મધ્યભાગ છે. એટલે રુદ્રદામાથી સ્કંદગુપ્ત વચ્ચે ‘સો વર્ષો’નો નહીં પણ ત્રણસો વર્ષોનો ગાળો પડે. જોકે, તેમણે આ ત્રણે લેખો વચ્ચે ‘સાતસો વર્ષોનો’ ગાળો મૂક્યો છે એ ઉપરથી સ્પષ્ટ જ છે કે તેમણે ‘સો વર્ષ’ સરતચૂકથી લખ્યું છે. ‘અશોકલેખની પ્રાકૃતમાં આભીરી અને તે પછીની સોરઠીના અંશો છે.’ એમ પણ તેઓ લખે છે તેનો શો મતલબ થાય તે હું સમજી શકતો નથી. અશોકની આ પ્રાકૃત ભાષાની સૌથી નિકટની ભાષા પાલિ છે. (સર. ‘[...]’ in the Girnar version of Asoka’s inscriptions, the language [...] is close to Pali.’ (યેલિઝારેન્કોવા અને તોપોરોફ, ‘The Pali lagnguage’, Moscow ૧૯૭૬: ૧૮) અશોકના ગિરનારના અભિલેખોની ભાષા પાલિને મળતી આવતી હોવા છતાં બન્ને એક નથી. પ્રદેશની દૃષ્ટિએ પાલિ પશ્ચિમ-મધ્ય ભારતની ભાષા હોવાનું વિદ્વાનો માને છે. પૂર્વોક્ત વિદ્વાનો લખે ‘Linguistically it is beyond all questions that in its main features the Pali of the Ceylonese Canon is a Western Middle Indian dialect.’ (એ જ, પૃ. ૧૭) જ્યૂલ બ્લોક પણ લખે છે કે ગિરનાર અભિલેખની ભાષા સિંહાલી બૌદ્ધ ગ્રન્થોની પાલિ ભાષાને ખૂબ મળતી હોવાને કારણે જ વિદ્વાનો પાલિનું ઉદ્‌ભવસ્થાન એની આસપાસના પ્રદેશમાં હોવાનું ધારવા પ્રેરાય છે. (જુઓ : ‘Les Inscription of d’Asoka’. Paris: Less bells letters, ૧૯૫૦, pp ૪૪ – ૪૫) આમ જ હોય તો, ઉજ્જયિની અને એના વિસ્તારની ભાષા પાલિ કે પાલિને મળતી આવતી ભાષા હોવી જોઈએ. પરન્તુ મેહેન્દળેએ બતાવ્યું છે તે પ્રમાણે અશોકના આ વિસ્તારના અભિલેખોની ભાષા તો પૂર્વની માગધી જ છે. (સરખાવો : ૧૯૪૮, Asokan Inscriptions in India, Bombay. The University of Bombay : ix) મેહેન્દળે અશોકના અભિલેખોમાં પૂર્વની ભાષાને માગધી, મધ્યની ભાષાને શૌરસેની, અને પશ્ચિમની ભાષાને મહારાષ્ટ્રી સાથે સાંકળે છે. (એ જ, પૃ. ૫૩). ટર્નર પણ અશોકના ગિરનાર અભિલેખની ભાષા વિશે લખે છે કે આ ભાષા આજની ગુજરાતીની સીધી પૂર્વજ નથી – ‘not the direct ancestor of Gujarati’, બલકે એ મરાઠીને વધુ મળતી આવે છે – ‘agress rather with Maraathi than Gujarati’. (૧૯૨૧. Gujarati Pholology. Journal of the Royal Asiatic Society, p. ૩૩૧-૩૨) કહેવાનો અર્થ, અશોકના ગિરનાર લેખમાં પ્રયુક્ત પ્રાકૃત ભાષાનો ‘આભીરી’ કે ‘સોરઠી’ સાથે કશો કહેતાં કશો જ સંબંધ નથી.

[એપ્રિલ-જૂન, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]

[* શ્રી વેલજીભાઈ બી. ગણાત્રાએ મોકલેલો, હાથે લખેલાં ૧૬ પાનાંનો દીર્ઘ પ્રતિભાવ, સંપાદકને આવશ્યક તથા આ સંદર્ભે પ્રસ્તુત લાગ્યા એ અંશો જાળવીને પ્રગટ કર્યો છે. લાંબાં ઉદ્ધરણો વગેરે સમાવતા જે જે પત્ર-અંશો જ્યાં જ્યાં બહાર રાખ્યા છે તેટલા ત્યાં ત્યાં ‘[...]’ નિશાની દ્વારા દર્શાવ્યા છે. આ સંક્ષેપની જવાબદારી સંપાદકની છે. – ૨.]