‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પરંતુ મારે ફરીથી જણાવવું છે કે...’ : સુમન શાહ
સુમન શાહ
[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૦૨, હેમન્ત દવેની પત્રચર્ચા]
૩. ‘પરંતુ મારે ફરીથી જણાવવું છે કે...’’
પ્રિય રમણભાઈ ‘પ્રત્યક્ષ’ના એપ્રિલ-જૂન ૨૦૦૨ના અંકમાં તમે શ્રી હેમંત દવેની પત્રચર્ચા છાપી છે. એમાં એમણે પોતાની અગાઉની સમીક્ષાનો બચાવ કરવા અનેક નવા બુટ્ટા ઉપસાવ્યા છે. એમ કરવા જતાં, એમાં નવા પ્રશ્નો જન્મ્યા છે. એમનો એ બચાવ વિભાવના-સમજ પરત્વે તેમજ અન્યથા કાચો છે – એટલે કે માત્ર ‘બચાવ’ જ છે. એમાં પદ્ધતિ-દોષ પણ છે. છતાં, આ ઘડીએ મને એ ચર્ચામાં પડવા જેવું નથી લાગતું. તેઓ લખે છે કે તેમને મારા પુસ્તકમાં ‘ગુણપક્ષે કશું જ, હા, કશું જ જડ્યું નથી.’ તેમની એવી શોધ તેમને મુબારક પણ, તેમના એવા દૃઢ અભિપ્રાયોને મારી ચર્ચા બદલી નહીં શકે એવી શંકાથી મને લાગે છે કે આખું નિઃસાર પુરવાર થાય, બલકે, એથી ‘પ્રત્યક્ષ’ના કે ‘સાહિત્યિક અર્થનો કોયડો’ના વાચકને ભાગ્યે જ કશી મદદ મળે... માટે, અલમ્... પરંતુ મારે અહીં એ ફરીથી જણાવવું છે કે મેં કુંજુન્ની રાજાના પુસ્તકમાંથી એ માહિતી નથી મેળવી એ સ્વીકારો. કારકિર્દી દરમ્યાન જ્યારે પણ જેનું લીધું તેનો ઉલ્લેખ સીધો-આડકતરો કર્યો જ છે તેની સુજ્ઞજનોને જાણ છે એમણે ફકરા રજૂ કરીને દર્શાવ્યું છે કે આ કુંજુન્ની રાજામાંથી છે કે કેમ તે સરખાવો. તેમની સરખામણીથી તેઓ સાચા પુરવાર થાય છે એમ હું જરૂર સ્વીકારું છું. હૈદરાબાદમાં ત્યારે સાંભળેલાં વ્યાખ્યાનોની નોંધો, ઉપરાંત, મને યાદ આવે છે કે રોજ રોજ અપાતી પૂર્તિરૂપ સામગ્રીને આધાર રાખી મેં એ માહિતી રજૂ કરેલી. એ પીરસનારે કુંજુન્ની રાજાનો જ આધાર લીધો છે એમ જરૂર સમજાય છે, પણ ત્યારે એમને, એ ‘માત્ર માહિતી’ હોઈને, કુંજુન્ની રાજાનો મૂળાધાર આપવાનું જરૂરી નહીં લાગ્યું હોય. મને પણ ‘માહિતી’ જ મળેલી અને ‘માહિતી’ મળ્યાનો આનંદ હતો ને તેથી તેના કર્તા કોણ છે તે જાણવાની જરૂર નહીં જણાયેલી. ‘માહિતી’ વસ્તુ પોતે જ એક હાથથી બીજા હાથે પહોંચનારી ‘સામાન્ય’ છે – એ જ એનો ‘ગુણધર્મ’ છે એમ કહું તો દોષ છાવરવા નથી કહેતો, પણ શું ભાર આપવા લાયક અને શું નહીં, તે ચીંધવા કહું છું. કુંજુન્ની રાજાને ય એ માહિતી ક્યાંથી મળી એમ કોઈ પૂછે તો પૂછી શકે, પણ ત્યારે આવા જ વિવેકનો પ્રશ્ન જન્મે. એમણે મારું નામ ‘સુ.શા.’ લખ્યું, બેએક વારના અપવાદે, સળંગ. તમે એમ જ છાપ્યું, તંત્રી તરીકે. આ ખોટું નથી, પણ વાંધાજનક જરૂર છે. નામને આમ ટૂંકમાં રજૂ કરવાથી સમય, જગ્યા અને શક્તિ બચી શકે તે બરાબર, પણ એથી લેખકનામોને ‘એ’ સ્વરૂપે ‘ચલણી’ બનાવી દેવાય ને ‘તેવો’ દોષ સ્થિર કરાય તે પણ એક રીતે ખાસ્સું ચિંત્ય છે. તમારા લખાણમાં કે તમારા સમગ્ર સામયિકમાં પુસ્તકમાં ‘આ’ ચાલ પડે તો કેટલું વરવું લાગે, તે સમજાય તેવું છે. બચતહેતુથી કરાતી નામ સાથેની એવી ચેષ્ટા તે નામધારીને તો અકળાવે જ, બલકે વાચકોને પણ તેના એકધારાપણાથી થોડા દૂર જ રાખે. ભાષામાં નામ-વ્યવસ્થા છે, ઉપરાંત, સર્વનામ-વ્યવસ્થા ય છે, તેનો વિનિયોગ કરીએ તો આવી કઢંગી બચત-પદ્ધતિથી બચી શકાય. જો કે તેઓએ ને તમે ‘કુંજુન્ની રાજા’ વારંવાર આવે છે તો પણ તેનું ‘કું.રા.’ કેમ નથી કર્યું તે મને સમજાયું નથી! પોતાના જ નિયમમાં સુસંગત રહેવું જોઈએ એમ સૌએ સ્વીકાર્યું છે. ‘સરતચૂકથી થયું છે’ એવો જવાબ કોરો ‘બચાવ’ જ હશે, એમ ઉમેરવાની જરૂર ખરી? કુશળ હશો.
અમદાવાદ
– સુમન શાહ
૧૬, સપ્ટેમ્બર ૨૦૦૨
[જુલાઈ-સપ્ટે-ડિસેમ્બર, ૨૦૦૨, પૃ. ૪૨]
ઉપર્યુકત વિષયની ચર્ચા, ‘ખેવના’માં
– બાબુ સુથાર, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૫૦-૫૬
– સુમન શાહ, ૭૪, જૂન, ૨૦૦૨, ૫૫-૬૦