‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘પરિભ્રમણ’ અને સંપાદન : જયંત મેઘાણી, અશોક મેઘાણી
જયંત મેઘાણી, અશોક મેઘાણી
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૨૦૧૦, ‘પરિભ્રમણ’ની સમીક્ષા, કિશોર વ્યાસ]
‘પરિભ્રમણ’ અને સંપાદન
સંપાદકશ્રી, ‘પરિભ્રમણ’ (નવસંસ્કરણ)ની કિશોર વ્યાસે કરેલી સમીક્ષા (પ્રત્યક્ષ ઑક્ટો.-ડિસે., ૨૦૧૦)ને એમનાં વિશાળ પરિપ્રેક્ષ્યનો અને સહૃદયતાનો ભરપૂર લાભ મળ્યો છે. એમણે ઉલ્લેખેલા બેએક મુદ્દાઓ અમારા તરફથી સ્પષ્ટતાની અપેક્ષા રાખે છે. એક, ‘સૌરાષ્ટ્ર’ની (અને ‘ફૂલછાબ’ના આરંભકાળની આંશિક) રસમ ઘણાંખરાં લખાણો લેખકના નામના ઉલ્લેખ વિના આપવાની હતી, અને તેથી આ બે સામયિકોમાંથી અમે લીધેલાં લખાણો ઝવેરચંદ મેઘાણીનાં છે એવું અમારે અનુમાન કરવાનું થયું છે. અમે નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે તેમ ગણ્યાગાંઠયા કિસ્સાઓમાં જ આમ બન્યું છે. સાહિત્યના અભ્યાસીઓ જેને ‘ઇન્ટરનલ એવીડન્સ’ કહે એવા ઉલ્લેખો-સંદર્ભોનો આધાર અમે ક્યાંક મેળવ્યો છે. (દા.ત. ‘સંસ્કૃતિની સ્નેહ સાંકળો [૧], ખંડ-૧, પાન ૪૭) લેખકનાં શૈલી, લાક્ષણિક ભાષાપ્રયોગો, વાક્યલઢણો વગેરે સાથેનો અમારો સંસર્ગ પણ અમને આવાં નિશ્ચિત અનુમાન કરવામાં ઉપયોગી થયો છે. બીજું, કિશોરભાઈનું અનુમાન છે કે ‘સંપાદનને કારણે કેટલાક મુદ્દાઓ સંક્ષેપમાં, ક્યારેક તો અત્યંત ટૂંકાણથી આવે છે.’ સાચું તો એ છે કે, અમે ટૂંકાવવાની બાબતમાં લખાણોની અદબ જાળવી છે. જ્યાં અત્યંત જરૂરી લાગ્યું ત્યાં જ, અપવાદરૂપે જ, પૂરી નજાકતથી સંક્ષેપ-કાતરનો ઉપયોગ કર્યો છે. અતિ લાંબા લખાણો જ ટૂંકાવ્યાં છે, અને તેને અંતે ટૂંકાવ્યાનો નિર્દેશ કર્યો છે. દાખલા તરીકે, ‘દુલાભાઈની કાવ્યભોમમાં’ (ખંડ ૧, પાનું ૩૨૩) એ લેખ બે પ્રસ્તાવનાઓનું સંકલન છે. પુનરાવર્તન નિવારવા જ તેના કેટલાક અંશો જતા કર્યા છે. કિશોરભાઈને જે લખાણો અત્યંત ટૂંકાં ને અછડતાં લાગ્યાં એ ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ’ પાનાંઓ પર ‘આંદોલનો’ મથાળા નીચે પ્રગટ થયેલી મિતાક્ષરી નોંધો હશે. તત્કાલીન સાહિત્યિક મુદ્દાઓ વિશે ઘણુંખરું આવી નાની નુક્તેચીનીઓ આપવાની ‘આંદોલનો’ની પરિપાટી હતી. ‘પરિભ્રમણ’માં એ નોંધો સ્વતંત્ર લખાણો રૂપે મૂકી છે, એ વિશેની આ છાપ જણાય છે. એક સુંદર અવલોકને આટલી સ્પષ્ટતા માટે નિમિત્ત આપ્યું એ બદલ આભારી છીએ.
ભાવનગર,
૧૬ માર્ચ ૨૦૧૧
– જયંત મેઘાણી
– અશોક મેઘાણી
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૧, પૃ. ૫૨-૫૩]