‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘બનારસ ડાયરી’ અને ‘પ્રત્યક્ષીય’ : હેમંત ધોરડા
હેમંત ધોરડા
[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૬, ‘બનારસ ડાયરી’ની સમીક્ષા, રાજેશ પંડ્યા]
‘બનારસ ડાયરી’ અને ‘પ્રત્યક્ષીય’
સંપાદકશ્રી, ‘પ્રત્યક્ષ’ના, જુલાઈ-સપ્ટે., ૨૦૧૬, અંકમાં શ્રી હરીશ મીનાશ્રુના કાવ્યસંગ્રહ ‘બનારસ ડાયરી’ની સમીક્ષા શ્રી રાજેશ પંડ્યાએ કરી છે. સમીક્ષામાં ‘કેટલીક કડવી(?) વાત’ છે. તે સંદર્ભે કેટલીક કડવીતર (?) વાત. શ્રી રાજેશ પંડ્યાનાં વિધાન અવતરણ ચિન્હમાં છે. ૧. ‘ધ્રિબાંગસુંદરથી શરૂ થયેલું ભાષાવૈચિત્ર્યમય શબ્દવિચલન ‘બનારસ ડાયરી’માં કલાસંયમની પાળ તોડી અતિરેકે ફેલાઈ જાય છે.’ – ‘કલાસંયમની પાળ’ તેમ જ ‘અતિરેકે’ કોણ નક્કી કરે? કયા આધારે નક્કી કરે? કેટલાં દૃષ્ટાંતે નક્કી કરે? દેખીતું છે કે ઉભય નિરપેક્ષ અવધાર નથી. કથિત ભાષાવૈચિત્ર્યમય શબ્દવિચલન (ભા.શ.) કાવ્યપંક્તિઓમાં પ્રયોજાયેલા શબ્દોના પરસ્પર અન્વયના, વિન્યાસના અનુસંધાને નોંધવું રહ્યું, કાવ્યની રચનારીતિ, કાવ્યપંક્તિઓની બાંધણી સંદર્ભે તપાસવું રહ્યું. આ નોંધ, આ તપાસ પ્રત્યેક કાવ્યમાં ભા. શ. ના ઔચિત્ય અંગે કાવ્યની સીમામાં સ્વતંત્રપણે થવી રહી. ભા. શ. ના સામંજસ્યનું સર્વસાધારણીકરણ ન હોઈ શકે. વળી ભા. શ. ની ઉપસ્થિતિ એક લઢણ ગણાય તો, સિક્કાની બીજી બાજુએ, ભા. શ. ની અનુપસ્થિતિ પણ એક લઢણ ગણાય. શબ્દો તેમ જ શબ્દોની સહોપસ્થિતિ વડે નીપજતા સંકેતો દ્વારા કાવ્યબાની રચાય છે. શબ્દો સાથે સપાટ, ચપટા, લીસ્સા, બોદા વ. વ. વિશેષણો શબ્દોનો અતિવપરાશ સૂચવે છે. કોશગત શબ્દોના નોખનોખેરા વિનિયોગ, વિચલન, નવસર્જન આગવી કાવ્યબાનીની શક્યતા વધુ ઉપસાવવાની પ્રયુક્તિઓ છે. આવી પ્રયુક્તિઓ વિના અતિ વપરાયેલા શબ્દો બાબતે ઉપરોક્ત વિશેષણો તેમ જ કાવ્યબાની બાબતે ભા. શ. વડે રચાતા આગવાપણાની અનુપસ્થિતિ આંખ તળે આવે. આ પરિપ્રેક્ષણમાં ભા. શ. કાવ્યની માવજતનું એક મહત્ત્વનું ઘટક છે. ૨. ‘શબ્દચાતુરીમાં સર્જકતા દબાઈ જાય છે.’ કસબ-કરામતના કમનીય કામણ આગળ તરી આવે છે.’ ‘કેટલાંક કાવ્યો-કાવ્યાંશ-કાવ્યપંક્તિઓમાં અભ્યાસી લેખનની લીલી શાહી પાનાં ફેરવતાં આંગળીએ અડકે છે.’ – આ સર્વે વિધાનમાં મૂળ ’કલાસંયમની પાળ‘ તેમ જ ‘અતિરેકે’માં છે, નિરપેક્ષ અવધારના અભાવમાં છે શબ્દચાતુરી અને ભાષાકર્મ વચ્ચેની ભેદરેખા અવ્યાખ્યેય છે. ‘કસબ-કરામતના કમનીય કામણ’ શબ્દોમાં ‘ક’કાર નોંધનીય છે. લીલી શાહીની લીલપ, તાજપ ભોગનીય હોઈ શકે. સર્વે લેખન આયાસી હોય છે. અનાયાસી લેખનની અપેક્ષા મુગ્ધતા છે. વળી એક છાબડામાં ‘કલાસંયમની પાળ’ તૂટવી તેમ જ ‘અતિરેકે’ ફેલાવું તો બીજા છાબડામાં ‘કેટલાંક’ સમીક્ષાનાં ત્રાજવાંને સંતુલિત રહેવા દેતા નથી. વળી ‘કેટલાંક કાવ્યો-કાવ્યાંશ-કાવ્યપંક્તિઓમાં.’ તો શું અન્ય કાવ્યો-કાવ્યાંશ-કાવ્યપંક્તિઓમાં ‘આવાસી લેખન નથી?’ ‘લીલી શાહી આંગળીએ અડતી નથી? સમીક્ષકે અન્ય વિશે કશું કહ્યું નથી. ૩. ‘જેવું આયાસી લેખનનું તેવું ફાવટનું – Comfort Zoneનું’ – સર્જકનું કર્તવ્ય સર્જન છે, પોતાના કતૃત્વ મુજબ થઈ શકે એટલું સારું સર્જન, પોતાના કે અન્યના comfort zoneની પળોજણમાં પડ્યા વિના, બેકેટના, કાફકાના, આયોનેસ્કોના comfort zone વિશે શું કહેવાનું છે? કેટલું કહેવાનું છે? ૪. તા. ક. કવિ કિતાબ વિશે હિસાબ આપે છે – કવિએ કિતાબ વિશે હિસાબ આપવાનો ન હોય તેમ સમીક્ષકે સમીક્ષામાં (કડવી (?) વાત’ વિશે આ કંઈ ટકોરપાટ નથી, ‘ચેતવણીની વાણી ય નથી’, ‘વાંકદેખાતાં વેણ પણ નથી, જેવી સફાઈ આપવાની ન હોય.’ ‘પ્રત્યક્ષીય’ વિશે, હું ભાષાશાસ્ત્રી નથી, તેમ છતાં, કંઈ કહું. જોડણી દૃઢ જ હોવી રહી. એક શબ્દની વૈકલ્પિક જોડણી ન હોઈ શકે. જોડણી બાબતે વિવાદ અપ્રસ્તુત છે. પરંતુ ખંડક્રમાંક (૧)માં એક-થી સો સુધીના આંકડામાં વિકલ્પો તમે નોંધ્યા છે તે શબ્દોની વૈકલ્પિક જોડણી નથી પરંતુ વૈકલ્પિક શબ્દો છે, ભિન્ન શબ્દો છે. રાત્રિ અને રાત્રી વૈકલ્પિક જોડણી છે, જે સ્વીકાર્ય નથી, પરંતુ દસ અને દશ વૈકલ્પિક શબ્દો છે, એકમેકથી ભિન્ન, માટે તે શબ્દોની, દર્શાવી છે તે, જોડણી સ્વીકાર્ય છે. સાર્થ જોડણીકોશમાં તમે દર્શાવ્યા છે તેવા સમાનાર્થી શબ્દો ઉપરાંત અન્ય શબ્દો બાબતે, વૈકલ્પિક સમાનાર્થી શબ્દો, શબ્દમાં ભિન્ન અક્ષર હોવાને કારણે, ભિન્ન અક્ષર કૌંસમાં મૂકીને દર્શાવ્યા છે. જેમ કે અધોટ(ડ), અભોગ (ગ). આવા, દસ અને દશ જેમ, અનેકાનેક દૃષ્ટાંત જોડણીકોશમાં છે. વાચિક શબ્દ લેખિત શબ્દ પર પ્રાધાન્ય ભોગવે છે. વૈકલ્પિક સમાનાર્થી શબ્દો નકારીએ તો, એ શબ્દ જ્યાં બોલાતો હોય ત્યાં, ગુજરાતી પ્રજાના એક ભાગની, એક વિસ્તારની ભાષાનો આપણે અસ્વીકાર કરીએ છીએ. પ્રજાના એક ભાગની જીભ પરથી શબ્દોના તેમના પોતીકા ઉચ્ચાર આપણે ભૂંસી ન શકીએ. વૈકલ્પિક જોડણી સ્વીકાર્ય નથી જ, પરંતુ વૈકલ્પિક શબ્દોથી ભાષા વધારે સમૃદ્ધ થાય છે. એટલે તે સ્વીકાર્ય છે. લાગ્યું એવું લખ્યું. વધુ તમે જાણો. ‘સંપાદકીય’ના અનુસંધાને ‘પ્રત્યક્ષીય’ સારો વિકલ્પ છે. ‘પ્રત્યક્ષ’માં છે માટે સંપાદકીય કરતાં વધારે સારો શબ્દ છે. (તમારા) હસ્તાક્ષરમાં છે એથી શબ્દમાં સુગંધ ભળી છે. ‘પ્રત્યક્ષ’ના અક્ષરાંકનથી સ્થપાતા આગવાપણામાં આ ઉમેરણ છે. આ રચેલા શબ્દને ભાષાવૈચિત્ર્યમય શબ્દવિચલન કરી શકાય. તમારું આવું ભા. શ. ક્યારથી શરૂ થયું છે?
મુંબઈ; ૫-૧૧-૨૦૧૬
– હેમંત ધોરડા
[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૬, પૃ. ૩૬-૩૭]