‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘માત્ર અશોક લેખ માની લેવાની ભૂલ કરી છે’ : નરોત્તમ પલાણ
નરોત્તમ પલાણ
[સંદર્ભ : ઑક્ટો.-ડિસે. ૨૦૧૨, વી. બી. ગણાત્રાની પત્રચર્ચા]
‘માત્ર અશોકલેખ’ માની લેવાની ભૂલ કરી છે.
‘પ્રત્યક્ષ’ જુલાઈ-સપ્ટે. ૨૦૧૨માં ‘ભગવાનલાલ ઇન્દ્રજી’ની સમીક્ષામાં ‘અશોકશિલાના ત્રણ લેખો’ની વાત છે. (પૃ. ૭) તેને મુ. શ્રી વી. બી. ગણાત્રાએ ‘પ્રત્યક્ષ’ ઑક્ટો.-ડિસે. ૨૦૧૨માં માત્ર ‘અશોકલેખ’ માની લેવાની ભૂલ કરી છે. જૂનાગઢ શહેરથી ગિરનાર તળેટી તરફ જતાં જમણા હાથે, સ્મશાનની સામે ‘અશોકશિલા’ આવેલી છે. આ શિલા ઉપર જુદા જુદા સમયના કુલ ત્રણ લેખો કોતરાયેલા છે. પહેલો લેખ અશોકનો છે, બીજો લેખ રુદ્રદામાનો છે અને ત્રીજો લેખ સ્કંદગુપ્તનો છે. ભાષા અને લિપિની નજરે અશોકનો લેખ પ્રાકૃતભાષા અને બ્રાહ્મલિપિમાં છે. રુદ્રદામાનો લેખ સંસ્કૃત ભાષા અને બ્રાહ્મલિપિમાં, જ્યારે સ્કંદગુપ્તનો લેખ સંસ્કૃત અને દેવનાગરી લિપિમાં છે. આ ત્રણ લેખોની વચ્ચે કુલ સાતસો વર્ષોનો ગાળો છે. અશોકલેખ પછી આશરે ચારસો વર્ષ બાદનો રુદ્રદામાનો લેખ છે એટલે આ ગાળામાં ભાષા ફરી છે. રુદ્રદામા પછી આશરે સો વર્ષ બાદ સ્કંદગુપ્તનો લેખ છે એટલે લિપિ પણ ફરી છે. ખેર, ભાષાવિચાર, છંદવિચાર અને લિપિવિચારમાં આપણે અભિલેખોને ધ્યાનમાં લેતા નથી પણ અશોકલેખની પ્રાકૃતમાં આભીરી અને તે પછીની સોરઠીના અંશો છે, તેમ રુદ્રદામા લેખમાં શિષ્ટ ગદ્ય તથા સ્કંદગુપ્તના લેખમાં વસંતતિલકાદિ છંદો છે. આજની આપણી શિરોરેખાવિહીન ગુજરાતી લિપિના પ્રથમ નમૂના તરીકે ‘આદિપર્વ’ની ઈ.સ. ૧૫૯૧ની હસ્તપ્રત ઉલ્લેખાય છે, પણ ૧૬૦૦થી મળતા ગુજરાતી લિપિમાં લખાયેલા પાળિયાની નોંધ [આપણે] લેતા નથી. (જુઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘સાહિત્ય કોશ’ ખંડ ત્રીજો ૧૯૯૬, પૃ. ૨૩૩) ભાષાસાહિત્યવિષયક આપણા અભ્યાસની ઘણી ખૂટતી કડીઓ અભિલેખોના અભ્યાસથી મળી શકે તેમ છે.
પોરબંદર, ૧, માર્ચ ૨૦૧૩
– નરોત્તમ પલાણ
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૩, પૃ. ૫૦-૫૧]