‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘સંજાણા’ કે ‘સંજાના’ ? : હેમન્ત દવે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૧
સતીશ વ્યાસ

‘સંજાણા’ કે ‘સંજાના’?; અને ‘ગુજરાતી’ ભાષા અંગે

પ્રિય રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ના ગતાંકમાં દીપક મહેતાના પુસ્તક વિશે મારું અવલોકન છપાયું છે. તેમાં મેં બે ઠેકાણે જહાંગીર સંજાનાનો નિર્દેશ કર્યો છે. મેં મારા લખાણમાં ‘સંજાના’ લખેલું. છતાં, મારા આશ્ચર્ય વચ્ચે, બંને સ્થળે એ નામ ‘સંજાણા’ એમ છપાયેલું જોવા મળ્યું! એ લેખકનું સાચું નામ ‘સંજાણા’ નહીં પણ ‘સંજાના’ છે તે સ્પષ્ટ કરવા આ પત્ર. કોઈ પણ લેખકના નામની જોડણીમાં અવઢવ થાય અથવા વિકલ્પ જોવા મળે ત્યારે એ પોતે પોતાના નામને જે રીતે લખતા હોય તે જોડણી અંતિમ ગણાવી જોઈએ. સંજાના પોતાનું નામ ‘સંજાણા’ નહીં પણ ‘સંજાના’ લખતા. તેમનાં લખાણોમાં પણ એ જ નામ જોવા મળે છે, અને આપણા સદ્‌નસીબે સંજાનાનાં આવાં ગુજરાતી લખાણો તેમના નામની ખરાઈ માટે મોટો આધાર બને છે. દા.ત., ‘અનાર્યનાં અડપલાં’ની મૂળ આવૃત્તિમાં. સાહિત્ય પરિષદે જ્યારે એની નવી આવૃત્તિ કરી ત્યારે નામમાં સુધારો કરી, મુખપૃષ્ઠ પર ‘સંજાણા’ કરી નાખ્યું! (જોકે, ‘પ્રસ્તાવનામાં, ‘સાંકળિયું’ની સામે, તેમજ પુસ્તકમાં અન્યત્ર સર્વત્ર ‘સંજાના’ છે, અને મુખપૃષ્ઠ પર જ ‘સંજાણા’ છે એ પરથી જણાય છે કે જ્યારે મુખપૃષ્ઠ તૈયાર થયું ત્યારે કોઈ વિદ્વાને પોતાની છેલ્લી ઘડીની વિદ્વત્તાનો લાભ એ નામને આપ્યો હશે!) પરિણામે ચંદ્રકાન્ત ટોપીવાળાએ કરેલા એ પુસ્તકના અવલોકનમાં પણ નામ ‘સંજાણા’ જ છપાયું : ‘સંજાણાનાં વિસરાયેલાં અડપલાં’ (‘પ્રત્યક્ષ’, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૫, પૃ. ૩૪-૩૭). પણ, આ ગરબડ જરા જૂની જણાય છે કારણ કે રા. વિ. પાઠક તેમના ‘બૃહત્પીંગળ’માં ફારસી પીંગળ સંબંધે સંજાનાને પ્રમાણ માનતી વખતે તેમનું નામ ‘સંજાણા’ એમ લખે છે! (સર ૧૯૫૫/૧૯૯૨ : ૫૪૩) ચીવટવાળા લેખકો તો ‘સંજાના’ જ લખે છે. જેમ કે, નરસિંહરાવ જેવા કાનના પાક્કા વિદ્વાન ‘સંજાના’ લખે છે (‘રોજનીશી’, ૧૯૫૩, પૃ. ૩૩૬; ‘અનાર્યનાં અડપલાં’માં છપાયેલા તેમના પત્રોનાં સંબોધનોમાં, ૨૦૦૭, પૃ. ૩૦, ૩૧, ૩૫, વગેરે) ઉમાશંકર જોશી પણ ‘સંજાના’ જ લખતા (સર ‘હૃદયમાં પડેલી છબિઓ-૧’, ૧૯૧૦, પૃ. ૨૮-૨૯). એ જ અંકમાં સંજાનાના પુસ્તક [ના અનુવાદ] ગુજરાતી અનુશીલનોના રમેશ ઓઝાના અવલોકનમાં પણ સર્વત્ર ‘સંજાણા’ છે. ત્યાં એના મૂળમાં શાલિની ટોપીવાળાએ તેમના અનુવાદમાં લેખકનું નામ ‘સંજાણા’ લખ્યું છે તે કારણરૂપ જણાય છે. અંગ્રેજી વ્યાખ્યાનોમાં તો Sanjana એટલું જ હોય તેથી એ ‘ન’ દંત્ય છે કે મૂર્ધન્ય તે ન સમજાય! (રોમન લિપિ આપણી ભાષાઓ માટે સાવ જ અપૂરતી છે, ને એને કારણે ઉચ્ચારોના એટલા ગોટાળા થાય છે જેનો સુમાર નથી : ‘સાંકળિયા’ને બદલે ‘સંકાલિયા’, ‘ઢવળીકર’ને બદલે ‘ધવલીકર’, ‘(ઐશ્વર્યા) રૈ’ને બદલે ‘રાય’, ‘માંકડ’ને બદલે ‘મનકદ’, (પ્રેમ/પ્રિયંકા) ‘ચોપડા’ને બદલે ‘ચોપરા / ચોપ્રા’, ‘તાતા’ને બદલે ‘ટાટા’, અને ‘બિડલા’ને બદલે ‘બિરલા/બિર્લા’!!!) એટલે, ‘સંજાણા’ નહીં પણ ‘સંજાના’ એટલો નામમાં સુધારો. ૦ બીજું, તમે સેવેલી ગુજરાતી ભાષાની ચિંતા અંગે. (બાબુ સુથારે પણ તેમના સંધિના ગતાંકમાં આ વિશે ચિંતા પ્રગટ કરી છે.) હું જ્યારે પુણે ભણતો ત્યારે એક દિવસ સાંજે વાળુ પછી વાતો ચાલી. જુદી જુદી ભાષામાં કોને શું કહેવાય, વગેરે. કોઈએ મને પૂછ્યું કે ગુજરાતીમાં ‘મા’ને શું કહેવાય. મેં કહ્યું, ‘મમ્મી’. સાંભળનારાઓના માન્યામાં એ વાત આવી જ નહીં કે મા જેવી મા માટે ગુજરાતીમાં અંગ્રેજીનો ‘મમ્મી’ શબ્દ હોય. મને કહે કે તને ખબર નહીં હોય, મમ્મી નહીં કહેતા હોય. પછી એક પારસી છોકરીએ પણ હામી ભરી કે ના, હેમન્તની વાત સાચી છે, ગુજરાતીમાં ‘મા’ માટે ‘મમ્મી’ શબ્દ જ છે. કાંઈ શંકા પડ્યાથી કે ગમે તે કારણે બીજો પ્રશ્ન પુછાયો કે તો ‘બાપ’ને શું કહેવાય. જેટલી ઝડપથી અને જેટલી નિખાલસતાથી મેં પહેલા પ્રશ્નનો જવાબ આપેલો તેટલી ઝડપ અને નિખાલસતાથી હું ન બોલી શક્યો કે પપ્પા. મરાઠીમાં તો આઈ-બાબા જ છે. મા-બાપ જેવા સાવ જ નિકટના રક્તસંબંધ માટે પણ આપણે અંગ્રેજીનો આધાર લેવો પડે છે તે કદાચ આપણી અંગ્રેજીની ઘેલછા દર્શાવે છે. (– ને હવે, ‘મમ્મી-પપ્પા’ તો ગુજરાતી જ થઈ ગયા હોઈ કેટલાક એને બદલે ‘અંગ્રેજી’ મોમ-ડેડ અને મધર-ફાધર પણ બોલતા થયા છે!) રંગ પણ હવે રંગ બદલીને ‘કલર’ થઈ ગયો છે, ને રંગનાં નામ પણ અંગ્રેજી : લાલ, પીળો, વાદળી, સફેદ, કાળો, નારંગી આ બધા રંગો હવે બદલાઈને રેડ, યલો, સ્કાય બ્લૂ, વ્હાઇટ, બ્લૅક, ઓરેન્જ થઈ ગયા છે. બહારથી આવતા ને આપણી ભાષામાં ઉમેરાતા શબ્દો સામે વાંધો ન હોય, પણ એ માટે આપણા અહીંના શબ્દોને પણ આ રીતે તડીપાર કરી દેવાના! આ સાથે સંકળાયેલો બીજો મુદ્દો પારિભાષિક શબ્દોનો છે. અંગ્રેજીના પારિભાષિક શબ્દો ગ્રીક અને લૅટિનમાંથી આવેલા-બનાવેલા હોય છે તેથી એ પારદર્શક હોતા નથી. ‘તાવ માપવાનું સાધન’ તેને ‘થર્મોમીટર’ કહીએ ત્યારે એમાં જરાય પારદર્શકતા નથી. તો એને ‘તાવમાપક’ ન કહી શકાય? ‘અગ્નિનો તાપ માપવાનું સાધન’ તેને ‘પાયરોમીટર’ને બદલે ‘અગ્નિમાપક. કહીએ તો શો વાંધો આવે? માક્સ મ્યુલર ભવનમાં અને આલિયોંસ ફ્રોસેઝમાં જ્યારે જર્મન અને ફ્રેંચ ભાષા શીખવવામાં આવે છે ત્યારે જે તે વસ્તુ કે વિચારને એમની ભાષાના શબ્દો દ્વારા જ કહેવાનો, અને સમજવાનો પણ, આગ્રહ સેવવામાં આવે છે. પરિણામે, દા.ત., ફ્રેંચમાં ‘મોબાઇલ’ને ‘પોર્તાબ્લ’ (સર. અં. પોર્ટેબલ) અને ‘એસએમએસ’ને ‘તેક્સ્ટ’ (અં., ટેક્સ્ટ) કહેવાય. ગુજરાતી માટે આમ ન કરી શકાય તેમ માનવાને કશું જ કારણ નથી. આયાતી શબ્દો માટે જો પર્યાય ઘડી શકાતો હોય તો તેનો પણ શા માટે વાંધો હોવો જોઈએ? હમણાં જ ગુજરાતી લેખનરીતિની કાર્યશાળામાં ભારતીય સંસ્થાનના અધિકારી મલ્લિકાર્જુને ગુજરાતીમાં કોપીરાઈટ માટે શો શબ્દ છે તેવી પૃચ્છા કરી, ને સ્વાભાવિક રીતે જ જવાબ મળ્યો કે ગુજરાતીમાં એ જ શબ્દ સ્વીકારાયેલો છે (બેશક, કોઈએ પર્યાય ઘડવાની તસ્દી નહીં લીધેલી તેથી જ), ને એ જ પ્રયોજાય છે. એમણે કહ્યું કે કન્નડમાં એ માટે ‘કૃતિસ્વામીત્વ’ શબ્દ છે. કેટલો સરસ શબ્દ! અંગ્રેજી ‘કોપીરાઈટ’ શબ્દ બિલકુલ પારદર્શક નથી. કોઈએ કોપી કહેતાં નકલ કરવી હોય તો તેમ ન કરી શકાય તે માટેના રાઇટ કહેતાં અધિકાર મેળવી લેવામાં આવ્યા છે તેવો લાંબોલચક એનો અર્થ કરી શકાય. સામે પક્ષે કૃતિસ્વામીત્વ કૃતિ પર લેખકનું સ્વામીત્વ કહેતાં અધિકાર છે તે સાવ પારદર્શક રીતે સૂચવાયું છે. છતાં, એ શબ્દની પસંદગી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો અને એ શબ્દ છેવટે પડતો મુકાયો! કારણ? અંગ્રેજીમાં કર્મ, જેગરનોટ (જગન્નાથના રથ પરથી), બનિયા, ગુરુ, પંડિત વગેરે જેવા શબ્દો ઉમેરવા સામે છોછ નથી, ને પરિણામે એ ભાષા સમૃદ્ધ બની છે! સારું છે કે પહેલાંના સમયમાં ભાષાની સમૃદ્ધિની આવી સમજ નહોતી નહીંતર પ્રગતિ, લાગણી, પ્રકાશસંશ્લેષણ, ઉત્સેચક, ભૂમિતિ, ભૂગોળ વગેરે જેવા શબ્દો ક્યારેય ગુજરાતીમાં આવ્યા જ ન હોત. આપણે પ્રોગ્રેસ, ફિલિક, ફોટોસિન્થિસિસ, એન્ઝાઈમ, જિઓમિટ્રી, જિઓગ્રફી જેવા શબ્દોથી જ ભાષા સમૃદ્ધ કરી લીધી હોત!

નડિયાદ : ૩૦, નવે. ૧૧

હેમન્તનાં સાદર વંદન

તા.ક. એ જ અંકમાં મારા અવલોકનના મથાળે મારું નામ ‘હેમંત દવે’ એમ છપાયું છે, તે ‘હેમન્ત દવે’ એમ હોવું જોઈતું હતું.*


* પ્રિય હેમન્ત, ગયા અંકનાં છેલ્લાં પ્રૂફ મેં જોઈ લીધેલાં આદત મુજબ, વળી છેલ્લે, પ્રેસને મોકલતાં પહેલાં હું સળંગ નજર કરી લઉં – ઝડપથી એ રીતે જોતાં મારી નજર પડી : અરે, આ બે ઠેકાણે તો સંજાના રહી ગયું છે! તરત પેન ચલાવી સંજાણા સંપાદકની ચોકસાઈ (!) તો જુઓ... એટલે કે, મારા મનમાં પણ સંજાણા જ છપાયેલું હતું. તમારો ચર્ચાપત્ર મળતાં જ હું પાછે પગલે શોધવા લાગ્યો. તમે બતાવ્યાં છે એ સ્થાનો ઉપરાંત પણ કેટલુંક નજરે પડ્યું તે આ : (૧) ‘ગુજરાતી સાહિત્યકોશ ખંડ : ૨ અર્વાચીન’માં પણ સંજાણા છે એમાં બીજી બે ભૂલો પણ છે : સંજાનાના પુસ્તકનું નામ ‘અનાર્યનાં અડપલાં’ એટલું જ લખાયું છે (કોશે તો પૂરું કૃતિનામ આપવું જોઈએ - ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’); વળી, એમાં જ, કલાન્ત કવિ ક્લાન્ત કવિ! – એમ છે (સાચું : ક્‌લાન્ત કવિ કે કલાન્ત કવિ?) (૨) ‘ગુજરાતી વિશ્વકોશ ખંડ ૨૨’માં અધિકરણ શીર્ષકમાં બંને વિકલ્પો છે : સંજાણા(ના) જહાંગીર એદલજી. અધિકરણસામગ્રીમાં બધે જ સંજાણા છે. હવે, ધીરુભાઈ ઠાકરે એમના ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા’માં તો બધે જ સંજાના લખ્યું છે તો અહીં, ‘વિશ્વકોશ’માં એમણે બન્ને વિકલ્પો સંજાણા(ના) કેમ રાખ્યા હશે? ધીરુભાઈ ઠાકરમાં એક બીજું જોવા મળે છે – એમના ઉપર્યુક્ત ઇતિહાસના, જૂની-નવી આવૃત્તિઓના બધા ખંડોમાં લેખકનામ સંજાના જેહાંગીર એરચ એમ લખ્યું છે તો આ જેહાંગીર અને એરચ કેમ? ક્યાંથી? ‘ગુજરાતી સાહિત્યકોશ : ૨’માં કુલ ત્રણ ‘સંજાણા’ લેખકો છે. મારા મનમાં સંજાણા છપાયેલું (ને એમ મેં બીજે પણ એકબે જગાએ, સંજાના હતું એ સંજાણા એમ સુધારી (?) લીધેલું) એનું સમર્થન મને એમાંથી સાંપડેલું કે પારસીઓ જ્યાં પહેલાં આવીને સ્થિર થયા ગણાય છે તે સ્થાનનું નામ સંજાણ છે. એટલે, સંજાણના એથી સંજાણા પણ, ‘ગુજરાતી વિશ્વકોશ’ (ખંડ : ૨૨) જોતો હતો ત્યાં એક અધિકરણ નજરે પડ્યું : સંજાણ સંજ્જાન (અધિકરણલેખકો : હસમુખ વ્યાસ, જયકુમાર શુક્લ) એમાં, પતરાં પરનાં દાનશાસનોનો ઉલ્લેખ છે – એકમાં ‘સંજ્જાનપત્તન’ અને બીજામાં ‘સંયાનપત્તન’ એવા સ્થળનામ-નિર્દેશો છે. અર્થાત્‌ સંજાન પણ બોલાતું. પ્રચલિત હોઈ શકે. પછી પરિવર્તનક્રમે સંજાણ થયું હશે. પરંતુ, મૂળ વાત તો એ કે લેખકે પોતે જે નામ સ્વીકાર્યું હોય એ જ સર્વસ્વીકાર્ય ગણવું જોઈએ. સંજાનાએ પોતે સંજાના જહાંગીર એદલજી એમ લખેલું છે. લેખકનામ કે કૃતિનામને આપણે કંઈક નચિંતપણે બલકે શિથિલતાથી લખતા હોઈએ છીએ, કોઈ ચુસ્તી કે ચોકસાઈથી નહીં. એ જ કારણે વિકલ્પો પ્રસર્યા કરતા હોય છે (નરસિંહરાવ) દીવેટિયા / દીવટિયા; બળવંતરાય / બલવંતરાય ઠાકોર; જયા-જયંત / જ્યા અને જયંત (કવિ ન્હાનાલાલ) વગેરે. મને લાગે છે કે, ચરિત્રાત્મક ને વિવેચનાત્મક લેખો/પુસ્તકોમાં પણ મૂળ નામની ચોકસાઈ જરૂરી હોય છે, પણ કોશોમાં તો એ ચોકસાઈ અનિવાર્ય ગણાય. મૂળ સુધી જઈને પણ કોશકારોએ અધિકૃત વિગતો પ્રકાશિત કરવી જોઈએ. કેમકે એ મુખ્ય આધારો છે; એ સદ્યસંદર્ભો પણ છે. ચાલો, તમે ચર્ચાપત્ર લખ્યો તો આટલી વાત થઈ. આપણે સૌ, લખનારા, હવે ચીવટ રાખીએ એવી જાત-શુભેચ્છા. ભાષા અંગેની ચર્ચા પણ તમે આગળ ચલાવી તે સારું થયું. ‘ગુજરાતીમાં પરિભાષા’ અંગે પણ એક સ્વતંત્ર લખાણ કરવાનું મનમાં છે. મનમાં તો એવું પણ છે કે પ્રત્યક્ષનો એક આખો અંક એકપણ અંગ્રેજી શબ્દ વિનાનો પ્રગટ કરવો. * મારા આ લખાણમાં કેટલાક શબ્દો ઘેરા છાપ્યા છે તે વિશેષ સુવિધા ખાતર જ છે. – સંપાદક

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૧, પૃ. ૩૯-૪૧]