101 Essays that will change the way you think…

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


101 Essays That Will Change-title.jpg


101 Essays that will change the way you think…

Brianna Wiest
Philosophical Meditations that will change your Life.

તમારી વિચાર તરેહને બદલી નાખનારા ૧૦૧ નિબંધો..


બ્રિયાના વીસ્ટ


(જીવન-પરિવર્તક તત્ત્વજ્ઞાન વિષયક ચિંતન)


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખિકા પરિચય :

બ્રિયાના વીસ્ટ એક સિદ્ધહસ્ત અમેરિકન લેખિકા અને કવયિત્રી છે. Forbes, Huffington Post, Thought Catalog જેવાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમનાં સુંદર લેખો-કાવ્યોએ એમને ખ્યાતિ અપાવી છે. ૨૦થી વધુ ભાષામાં અનુદિત થયેલી તેમની કૃતિઓ લાખોની સંખ્યામાં વેચાયાનો એનો ટ્રેક રેકોર્ડ નોંધનીય છે.

વિષય વસ્તુ :

‘તમારો વૈચારિક દૃષ્ટિકોણ બદલનારા ૧૦૧ નિબંધો’ (૨૦૧૬) આપણા રોજબરોજના જીવનમાં ઉદ્ભવતી ચિંતા-વ્યગ્રતા જોડે કેવી રીતે કામ લેવું તેનો અજોડ અભિગમ બતાવતું પુસ્તક છે. એવી બેચેની પ્રેરતી ઊંડી લાગણીઓને દબાવવા કરતાં એના ઉપર લગામ લગાવી વ્યક્તિગત વિકાસ સાધવાનાં પગથિયાં અહીં આપ્યાં છે. વિચારો ઉપર નિયંત્રણ રાખીને, દૈનિક જીવનમાં સાચો સંતોષ અને આનંદ આપે તેવી ટેવો, વર્તન તરેહો ઘડવાની ચાવી આમાં બતાવી છે.

પ્રસ્તાવના :

આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?

તમારા માઈન્ડસેટમાં ક્રાંતિકારી બદલાવ લાવનારા ૧૧ ખ્યાલો.

તમે કલ્પના કરો કે જો તમે તમારા વિચારોમાં થોડુંક જ સાદું પરિવર્તન કરી શકો તો તમારું જીવન સંપૂર્ણ બદલાઈ શકે છે. વિચારવાની રીત કે દૃષ્ટિકોણ સહેજ બદલી જુઓ તો તમારી લાગણી ઉપર કાબૂ આવશે અને જીવનનો સમગ્ર અનુભવ તમને ઉન્નતિકારક જણાશે.

ભૂતકાળના અનુભવો જોતાં સુખ અંગે તમે શું શીખ્યા એ કદાચ ભયાવહ કાર્ય જણાય, પણ સુખ જો આપણો આખરી હેતુ ન હોત તો બીજું શું હોત? આ પુસ્તકમાં લેખિકા બ્રીયાના, તમારે શિસ્તબદ્ધ અને સ્વ-નિર્દેશિત જીવન જીવવું હોય તો, તમારી વર્તમાન માન્યતાઓમાં ધરમૂળથી બદલાવ લાવવાનું સૂચવે છે... જો વિચાર નિયંત્રણ અને માન્યતા-પરિવર્તનનો ખ્યાલ તમને બંધનકારક અને બિન-ઉત્તેજક લાગે તો એને રસદાર ફળો અને સુંદર ફૂલો આપનારા ઝાડનાં મૂળ તરીકે કલ્પો... અને જુઓ કે આ અભિગમ તમારા દૃષ્ટિકોણને કેવો બદલી શકે છે !

તમે હવે તમારી વિચાર-પરિવર્તનની પ્રક્રિયામાં આવી ચૂક્યા છો, ધબકતા છોડનાં બરછટ મૂળમાંથી રુચિકર ફળ-ફૂલ સુધી, એટલે કે એક માનવી તરીકે બદલાઈ રહ્યા છો. એ ખરું કે, ૧૦૧ નિબંધો એકી બેઠકે વાંચવા અને તેને પચાવવા મુશ્કેલ તો છે જ. તો તમારી સરળતા ખાતર અમે ૧૦૧ ને ૧૦+૧ એમ ગોઠવી ૧૧ ઉત્તમ અસરકારક ખ્યાલોને તમારી સમક્ષ પાચક ગોળીના સ્વરૂપમાં રજૂ કર્યા છે. તો આવો, એ ચુનંદા ૧૧ ખેલાડીઓને મળીએ :

ચાવીરૂપ ખ્યાલો :

૧. તમારા વિચારો અને લાગણીઓની જવાબદારી તમારી છે એ વાત સ્વીકારો.

(Take responsibility for your thoughts and feelings.)

આપણે આ ધરતી પર જન્મ લઈએ છીએ ત્યારથી જ, આપણે સ્થાપિત પરંપરાઓ અને સામાજિક ધારાધોરણોના દરિયામાં ગરકાવ થઈ જઈએ છીએ....અને જેમ જેમ જીવનસફરમાં આગળ વધતા જઈએ તેમ તેમ એ ધારા-ધોરણો, નીતિ-નિયમોને અભાનપણે અથવા હેતુપૂર્વકની તાલીમ દ્વારા અપનાવતા જઈએ છીએ. અને જેઓ એનો વિરોધ કરે કે તેનાથી જુદા પડવાની હિંમત કરે તેના ઉપર સમાજ દબાણ ઊભું કરે અથવા તેમનો તિરસ્કાર કરે છે- પછી તે ફેમીલી ડીનર ટેબલ રીતભાત અંગે હોય કે સોશ્યલ મીડિયાના વાર્તાલાપોના ક્ષેત્રમાં હોય...

તો પછી, આવી પ્રવર્તમાન અનુરૂપતાના માહોલમાં તમે કેવી રીતે આગળ વધશો?... બસ, અહીંથી જ તમારી યાત્રા શરુ થાય છે. તમારે, તમને યોગ્ય લાગતાં તમારાં વિચારો અને લાગણીઓની જવાબદારી ધારવી અને સ્વીકારવી ફરજીયાત છે. તમારા લાગણીના હાર્દને તમારી ભીતરથી જાગવા દો અને દૈનિકજીવનમાં આવતી બાહ્ય વિચલિતતાઓથી એને જોડાવા ન દેશો. વધુમાં, ક્યારેક કોઈ દેખીતા કારણ વિના પીડાકારક લાગણીઓ સપાટી પર આવતી લાગે અને તમારું ધ્યાન બીજે દોરે, તમારી પકડ ઢીલી પાડે, તેને ઓળખો.

એ લાગણીઓ જેવી જાગે તેવી તેને અનુભવો- અને પછી તેને રીલીઝ કરો.

૨. એક નિયત દિનચર્યા બનાવો.

(Create a daily routine)

કેટલાકને મન ‘રુટીન’-દિનચર્યા- એટલે એકધારાપણું, ચોકઠાબદ્ધ જીવન, નવીનતા-સાહસિકતા વિનાનું જીવન- એવો ભાવ મનમાં આવે... તેમ છતાં, તમે જેને સફળ અને આદર્શ વ્યક્તિ ગણતા હો, તેમના જીવનનો અભ્યાસ કરશો તો જોઈ શકશો કે એક પ્રકારની વિચારપૂર્વકની દિનચર્યાથી એમના જીવનમાં સ્થિરતા, એક પ્રકારનો લય, વ્યવસ્થિતતા આવી હોય છે. આવી રીધમ-લયાત્મકતાની અંદર તેમને એક flow-આગળ વધવાનો પ્રવાહ, સર્જનાત્મકતાના સાહજિક અને સતત વિકાસની સ્થિતિ પ્રાપ્ત થતી હોય છે.

એટલા માટે, માનસિક શાંતિ અને વિચારોની સ્થિરતા, આનંદ-સંતોષ આપે તેવી નાની નાની ટેવો-પ્રવૃત્તિઓ-ક્રિયાઓનું એક દૈનિક માળખું તમે જાતે જ ઘડી કાઢો, અને પછી તેને દરરોજ ચોકસાઈથી અનુસરો.. આવી ટેવ તમને એક જાતનો સલામતીનો ભાવ આપશે. વ્યગ્રતા ઘટાડશે અને કામને પાછા ઠેલવાની આળસવૃત્તિ દૂર કરશે. તમે એક જાગૃત, સભાન વ્યક્તિ બની રહેશો.

૩. તમારી સુખ શોધવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો.

(Evaluate your capacity for Happiness)

તમને નવાઈ લાગશે તમારા વિશે જ જાણીને, કે નિરંકુશ સુખ કે અતિ વિલાસી જીવન પાછળ દોડવાની તો તમને અંદરથી ઇચ્છા જ નથી... (न त्वहं कामये राज्यं, न स्वर्गं, न पुनर्भवम्) તમે અજાણતાં જ એવી એક બેઇઝલાઈન(નિમ્નરેખા) કલ્પી છે કે જેની ઉપર જતાં તમને બેચેની લાગવા માંડે, અને થાય કે આના કરતાં એક વધુ સ્વીકાર્ય સુખના સ્તરે પાછા વાળીએ.

જુઓ આવું વિચારો:— તમારી સફળતાઓ/સિદ્ધિઓને સેલીબ્રેટ કરવાનો, ઉજવવાનો વિચાર તમે માંડી વાળ્યો હોય એવા પ્રસંગ તમને યાદ છે? એમ કરવાનું કારણ એવું હતું કે તમને તમારા સામાન્ય કક્ષાના, ઓછી આવડતવાળા મિત્રો તેનાથી અસુખ અનુભવશે એવો ડર હતો? તમે પાર્ટી આપો તો તેમને પોતાના વિશે નાનમ, લઘુતા લાગશે? તમે એમનાથી જુદા પડી જશો. એવો ડર તમારા અચેતન મનમાં તમને ચેતવી રહ્યો હશે. આવે વખતે તમે એવા ધારી લીધેલા ભયના નિશાન-ટાર્ગેટ-બની જાવ છો, અને તમે એવા રહેવાનું પસંદ પણ કરો છો... હવે સુખની ક્ષમતાને વિસ્તારવાની દિશામાં એક ડગલું આગળ ચાલો, એ તમારી આનંદજનક લાગણીને લાંબો સમય મમળાવવા માંડો. આભારવશતાની પ્રક્રિયામાં જોડાવ, ધ્યાન કરો, અને તમારા આંતરિક સુખને વિકસવા દો. સંજોગો, સમય ગમે તે હોય, તેની ચિંતા વિના જુઓ કે તમારામાં સુખને પસંદ કરવાની શક્તિ છે. તમે ઉત્તમ-ઉમદા માનવી બની રહેવાનું પસંદ કરો એ ઇચ્છા તમારામાં પડેલી જ છે. હું સારો શા માટે ન લાગું? ચાલ, સારો બનું જ, એવી વૃત્તિ આપણામાં હોય જ છે.

૪. તમારી સર્જકતાને વહેવા દો, બહાર લાવો.

(Let your creativity flow.)

આંતરિક રીતે, આપણે બધા સર્જનાત્મકતાનાં જ તો સંતાનો છીએ. સર્જનાત્મક હોવું એ આપણું માનવીય લક્ષણ છે.

એક ઉત્કૃષ્ટ અભિવ્યક્તિની સ્થિતિમાં પહોંચીએ ત્યારે સંતોષની, કંઈક પ્રાપ્તિની ભાવના આપણને થાય છે, પછી એ સર્જનાત્મક અભિવ્યક્તિનું માધ્યમ ભલે ગમે તે હોય. આપણા એક સમયના ગુફાવાસી, શિકાર-આહારી પૂર્વજો પણ તેમની ભય અને પડકારભરી રોજીંદી જિંદગીની વચ્ચે પણ ગુફાની દીવાલ ઉપર કે ખડક શિલાઓ ઉપર ચિત્રો કોતરવાનો, શોભા વધારવાનો સમય કાઢી લેતા હતા જ ને?

તો મિત્રો, જ્યાં કલા હોય, કલાત્મકતા જણાય ત્યાં એને શોધીને, એની પ્રસંશા કરવી, અપનાવવી, તેમાંથી આનંદ લેવો એ માણસની અંદર રહેલી વૃત્તિ(અને પ્રવૃત્તિ) રહી છે. તો તમારામાં રહેલી એ સર્જનપ્રિયતાને શોધો, ઢંઢોળો અને એને તમે સમર્પિત થાવ. કોઈ એને સમજે, જુએ, વખાણે એ જરૂરી નથી. બસ, તમને પોતાને એમાંથી આનંદ મળવો જોઈએ. કોઈની નકલ કરવાની ઇચ્છાને રોકીને, પોતાના કાજી બન્યા વિના, પોતાની સર્જનાત્મકતા જે કાંઈ હોય તેને બહાર લાવવામાં રાજી રહો... આ પ્રક્રિયાનું એક આંતરિક મૂલ્ય છે તેને ખાતર પણ તમે એમાં પ્રવૃત્ત થાવ... ધીમે ધીમે ધ્યાનથી કાળજીપૂર્વકના પુનરાવર્તનથી એને તમારો ‘બીજો સ્વભાવ’ (સેકન્ડ નેચર) બનાવી દો, તમારા અસ્તિત્વનો આંતર્સ્ફૂરણનો અંશ બનાવી લો.. આવું થાય તો કેવું સરસ ! સુખ-આનંદનું ઝરણું તમારી અંદર જ છે. એના માર્ગનાં માટી-પત્થર હટાવી એને નિર્મળ વહેવા દેવાની જરૂર છે.

૫. તમારા કૌશલ્યમાં સ્વાયત્તા કેળવો :

(Achieve skill Autonomy :)

તમારું કેળવેલું કલા-કૌશલ્ય તમારી ‘સેકન્ડનેચર’ બને તે માટે શું કરશો?

તો આવો, એવી સર્જનાત્મક કૌશલ્ય કેળવણી માટે ત્રણ પગથિયાં છે, તેના ઉપરથી પસાર થઈએ :

પહેલું, તમને જે કૌશલ્યમાં રસ છે તેના સર્વાંગી જ્ઞાન મેળવવામાં અને તેના વ્યવહારુ ઉપયોગ શીખવાની પ્રવૃત્તિમાં ડૂબી જાવ. તમે જે શીખ્યા છો, તેમાં માસ્ટરી કેળવી તેને વ્યવહારમાં ઉતારો, તેમાં થતી ભૂલોની નોંધ કરો, જેથી શુદ્ધિ-વૃદ્ધિને ગતિ મળે.

ત્યાર પછી, એ કૌશલ્યને અમલમાં મૂકવા માટે જે જુદાં જુદાં પાસાં કે બાબતો છે તેને યાદ કરો અને તેને ઉત્તમતાની કક્ષા સુધી પહોંચાડવા તમારી જાતને પડકાર આપો. શા માટે? કારણ કે એકાદી એકાકી ઘટના કે એક જ વારની પ્રેક્ટીસ કરતાં અવારનવાર પુનરાવર્તિત પ્રેક્ટીસ આપણને બરાબર યાદ રહી જાય છે. પછી તમે થોડા સમયમાં જોશો કે ક્રિયા/કૌશલ્ય તમારે માટે ખૂબ જ સહજ, સ્વાભાવિક બની જાય છે, તમે પ્રયત્ન વગર પણ તે કરવા ટેવાઈ જાવ છો.

ત્રીજું પગથિયું- તમને પુનરાવર્તિત અભ્યાસથી ઓટોપાયલટ મોડમાં મૂકી આપે છે. એ કાર્ય વધુ ને વધુ સરળતાથી થતી જશે અને તમે જાણે એક પ્રવાહની સ્થિતિમાં આવી જશો કારણ કે તમારું અચેતન મન એ કરી રહ્યું છે.

૬. તમારું આત્મ-ગૌરવ વિકસાવો :

(Build your Self-esteem:)

આપણે આગળ જોઈ ગયા તે, તમારી લાગણીઓને પ્રભાવિત કરતા તમારા વિચારો ઉપર લગામ લગાવવાના પાઠને યાદ કરો. એ જ સિદ્ધાંત, અહીં તમારા સ્વ-ગૌરવને વધારવા માટે પણ ઉપયોગી છે... તમારી પોતાની બાબતોનું વિહંગાવલોકન કરવાની તમારી શક્તિ છે એવું ચિત્ર કલ્પો. પ્રયત્નપૂર્વક અને સભાનતાપૂર્વક તમારા કૌશલ્યને મૂલવાનું ને માનથી જોવાનું રાખો, તો તમે જોશો કે ધીમે ધીમે તમારી તમારા પોતાના ઉપરની ખાત્રી વધતી જશે, કે આ તો મને હવે બરાબર આવડે છે, હું સરસ રીતે કરી શકું છું.

આ સાથે જ, તમારી નીતિમત્તા, જવાબદારીની ભાવના, નૈતિકતાનાં તમારાં પોતાનાં ધોરણો ઊંચાં રાખો, જે તમારા સ્વ-ગૌરવ અને આંતરિક મૂલ્યોમાંથી જ ઉદ્ભવશે, બહારના સ્રોત ઉપર તમારે આધાર નહિ રાખવો પડે. તમારી જાતને, તમારા વિચારને બિન-રક્ષણાત્મક રીતે assert કરતા શીખો, કારણ કે કોઈની રક્ષણાત્મક ઢાલ લેવાનું રાખશો તો તમે ભયભીત છો, આત્મવિશ્વાસુ નથી એવું લાગશે.

તમને દરરોજ સતત ઉર્ધ્વગતિનો જ અનુભવ થવાનો નથી એ વાત સ્વીકારવી અગત્યની છે. તેમ છતાંયે, તમને એ વાતનું તો આશ્વાસન જરૂર રહેશે જ કે તમે આંતરિક શાંતિ અને નિયંત્રણ કેળવી શક્યા છો અને જીવન ઉપર માસ્ટરી મેળવી છે.

૭. તમારા ઉત્કટ આવેગ અને હેતુને સંવાદિત બનાવો :

આપણને ઘણી વાર ‘તમારા દિલનું સાંભળો, હૃદયની લાગણીને અનુસરો’ એવી સલાહ આપવામાં આવે છે, પરંતુ દિમાગની તર્કબુદ્ધિથી આપણી જીવનયાત્રા ચલાવીએ તો શું થાય? અહીં પ્રશ્ન દિલ કે દિમાગ, લાગણી કે બુદ્ધિ- બેમાંથી કોને વધુ મહત્ત્વ આપવું તે નથી, પરંતુ પ્રશ્ન વિવેકનો છે-ક્યાંથી પેશન-ઉત્કટ આવેગ શરૂ થાય છે અને કયા હેતુ એના ઉપર હાવી થાય છે તે સમજવાનું છે. પેશન આપણામાં એક પ્રારંભિક ઇચ્છા જગાડે છે, જે વખત જતાં ચંદ્રની કળાની જેમ ઘટતી જાય છે. અને ત્યાંથી તાર્કિક વિચારણા મેદાનમાં આવે છે. એક સુનિશ્ચિત હેતુ તમારું ફોકસ જાળવી રાખશે અને રોજીંદાં કાર્યો માટે જરૂરી કૌશલ્યો મેળવવામાં ને પારખવામાં તમને મદદ કરશે, સાથોસાથ તાત્કાલિક સંતોષવાં પડે તેવાં કામોને મુલ્તવી રાખવાની હિંમત પણ આપશે.

તમારી નાની નાની પ્રાપ્તિઓ, વિજયો, સિદ્ધિઓને વખાણવા માટે જરાક સમય કાઢો. હેતુ અથવા ધ્યેયલક્ષિતા તમારામાં શાંત-સ્વસ્થતા અને સંકલ્પશક્તિનો વધારો કરશે, જે તમારા ખાલીપાને કંઈક અર્થપૂર્ણ પ્રવૃત્તિથી ભરવાની પ્રેરણા આપશે. તમારા વ્યક્તિગત સંબંધોમાં પણ, કેટલાંક સર્વસાધારણ મૂલ્યો ઘણીવાર ઊંચી પૂર્ણતા અને સંતોષનો અનુભવ કરાવનારાં બને છે.

૮. વિચલન કે વિક્ષેપને ટાળો :

(Avoid distractions:)

ડેનિશ દીદેરો નામના સુખ્યાત નવજાગૃત્તિ તત્ત્વચિંતકે એક પ્રખ્યાત નિબંધમાં બતાવ્યું હતું કે એક ચમકીલા લાલરંગના ડ્રેસીંગ ગાઉનની ભેટથી તેઓ કેવા અસંતુષ્ટ, વ્યગ્ર અને દેવાદાર બની ગયા હતા. એ લાલચટ્ટક ગાઉને એમને અન્ય મોટા ખર્ચના ખાડામાં ઉતાર્યા હતા, કારણ કે એને મેચ થાય તેવી બીજી જણસો, વસ્તુઓ એમણે ખરીદવી પડેલી, વળી પોતાની પાસે જે વસ્તુઓ પહેલેથી પડી હતી તે બધી પેલા નવા ગાઉન આગળ હવે ઝાંખી લાગવા માંડી હતી તે લટકામાં. તમે મોંઘાં પેન્ટ-શર્ટ-સૂટ ખરીદો ને પછી તેના મેચીંગ શૂઝ પણ મોંઘામાઇલા લેવા પડે ટેવો ઘાટ થાય.

લોભામણી જાહેરાતો, સાથીઓના પ્રભાવો, સેલીબ્રીટીઝ અમુક ચીજો વાપરે છે તેવી માનસિક છાપ તમને સતત વધુ ને વધુ વસ્તુ વસાવવા-વાપરવા-ખરીદવા પ્રેરતી રહે છે. જરૂરત હોય કે ન હોય, યે દિલ માંગે મોર ! ભૌતિકવાદમાં સંતોષવાનું ભ્રામક છે. તેના બદલે, જે વસ્તુનું ખરેખર મહત્ત્વ છે, વાસ્તવમાં ઉપયોગી છે તેના ઉપર જ ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ.

૯. જરા વિરામ લેતાં શીખો.

(Learn to rest:)

તમારા દૃષ્ટિકોણને નવો આકાર આપનારા કેટલાક ખ્યાલો આપણે તપસ્યા...હવે જરા ફરી એકવાર ત્રણ સંક્ષિપ્ત મુદ્દાઓ વિચારી લઈએ.

સૌ પ્રથમ તો, વિરામ લેવાની કળાની અગ્રિમતા રાખો. આખો વખત ગાંડાની જેમ જીવનમાં દોડ દોડ જ નથી કરવાનું. તમારા તન-મનની ઊર્જા ખર્ચાય છે, તેને પાછી મેળવવા માટે ઊંઘ પણ જરૂરી છે. આરામ પણ આવશ્યક છે. થોડી ચિંતનની ક્ષણો પણ વિતાવો, ક્યારેક આળસની પણ મઝા માણો, મારા ભાઈ ! વગર વિચાર્યે, લેસર જેવી એકાગ્રતાથી આખો વખત મંડી રહેનાર થાકી જતો હોય છે. માટે થોડી વિશ્રાંતિની ક્ષણો વચ્ચે રાખવાથી મન કુદરતી રીતે જ રીચાર્જ થશે. ઘટનાઓનું પ્રોસેસીંગ કરશે, પડકારો ઉઠાવવા તૈયાર થશે અને નવાં નવાં ઉપાયો, સમાધાનો શોધી શકાશે.

૧૦. જગતકાજી ન બનો...

(Avoid Judgement:)

આપણું જયારે કોઈ જજમેન્ટ કરે, આપણી લાગણીઓને ઠેસ પહોંચાડે ત્યારે આપણને તેની જોડે તકરાર કે સંઘર્ષ કરવાનું વલણ રહે છે. તેથી કોઈના કાજી ન બનો, ખાસ કરીને નાનાં બાળકો-જેઓ હજી દુનિયામાં તેમની યાત્રા શરૂ કરી રહ્યાં છે તેમની નકારાત્મક ટીકા-ટિપ્પણ ન કરો.. નાનાં બાળકોને બાળપણમાં મળેલી આવી ટીકા, અવમાનના ત્યારે તો તેઓ દબાવી દે છે. પણ પાછલી ઉંમરે તે તણાવ, વ્યગ્રતા, હતાશા તેના જીવનમાં સપાટી પર આવે છે.

૧૧. તમારો દૃષ્ટિકોણ બદલો :

(Change your Perspective:)

જીવનનું મૂલ્યાંકન કરવા અને ગુણવતત્તા સુધારવા, વિવેચનાત્મક વિચારશક્તિ વિકસાવવી જરૂરી છે. તો તે કેવી રીતે થાય તે હવે જોઈએ. જીવનમાં બનતી ઘટનાઓ કે ઊભા થતા સંજોગો ઉપર તો તમારો કાબૂ ન હોય એમ બને, પરંતુ તમારે એ પરિસ્થિતિમાં સ્વસ્થ કેમ રહેવું, શું કરવું/ન કરવું તે તો તમારા હાથમાં છે ને? તમારી સામે આવતા નકારાત્મક વિચારો, પરિસ્થિતિઓનો વિરોધ કરવાને બદલે તેમને તેમાં કેવો પ્રતિભાવ આપવો, કેવું સ્ટેન્ડ લેવું તેના ઉપર વિચારવાની તક તરીકે લો. તમારા ડરનું અસરકારક વ્યવસ્થાપન કરો અને તેને પ્રેરણાનું સ્રોત બનાવો. જીવનમાં આવતા દરેક અવરોધને જીતવા માટે તમારે તમારો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે.

૧૨. ‘આપત્તિ છો આવતી, છે ઈશની આશિષ બધી.’

(Problems are blessings in disguise )

તમને કંઈક અસુખ કે પીડા થાય છે, તો તે સુખ શોધવાનો રસ્તો બતાવવા આવી છે. જીવનમાં સમસ્યા છે, તો તે સમાધાનનાં સાધન સર્જવાની તક લાવી છે. યાતના ને પ્રશ્નોની ભૂલભૂલામણીમાંથી ઉપર ઊઠો અને સુંદર જીવનરાહ બનાવો. ક્યારેક તમને ખરાબ લાગણી થાય તો એ હંમેશા ખરાબ નથી હોતી, એ તો તમે કોઈક કરવા જેવા કામમાં પ્રવૃત્ત થયા છો તેની નિશાની છે. ઇતિહાસમાં નજર કરશો તો ખૂબ સફળ થયેલા લોકોમાં અમુક ટેવો જણાશે, જે તેમના અચેતન મનની રક્ષા કરનારી હોય છે. લોકોને તેમના અજ્ઞાન કે ભૂલોમાંથી બહાર લાવી સુધારવાની-ઘડવાની કોશિશ ન કરશો, તેમ કરવાથી તેઓ સ્વ-રક્ષાત્મક દલીલો જ કરશે અને બીજાના દૃષ્ટિકોણ સમજવાની બારી બંધ રાખશે. માટે પહેલાં તેના દૃષ્ટિકોણને જેવો હોય તેવો સ્વીકારો, પછી તમારો દૃષ્ટિકોણ ચર્ચા માટે મૂકો, તો તેઓને ખ્યાલ આવશે કે હા, મારી માન્યતામાં હજી સુધારાનો અવકાશ છે ખરો. આમ તમે બંને કંઈક નવું શીખશો

તમને તમારા વિશે કે જીવન વિશે કંઈક શંકા સંશય થાય (સાલું, મારી સાથે જ કેમ આવું થાય છે?) અને તમે ઉદાસ રહો, થોડા દિવસ મૂડ ખરાબ રહે એ સૂચવે છે કે તમારામાં વિકાસની હજી શક્યતા છે, તમે તમારી જાત માટે સભાન છો, વસ્તુલક્ષી વિચાર કરી શકો છો, તમે બદલાવાને તૈયાર છો. માટે પોતાની દયા ખાવાને બદલે પ્રગતિકારક-હકારાત્મક કામમાં જોડાઈ જાવ.

૧૩. સુખ-ચૈન, સુવિધા-આરામ એ કઈ બલા છે, ભલા? મને કેમ મળતી નથી?

(What is Happiness and Comfort? Why can’t I find it?)

શરીરને આરામ અને ઇંદ્રિયોને આનંદ એ કાંઈ સુખ-ચૈનની વ્યાખ્યા નથી, સાચો આનંદ-આરામ તો આંતરિક માનસિક શાંતિમાં રહેલો છે, સુખ-સગવડનાં સાધનોમાં નહિ. માટે સાધનનો ઢગલો કરવામાં નહિ પણ મનમાં શાંતિનો સફેદ બંગલો ઊભો કરવામાં ધ્યાન આપો. અસુખની અને બધું બગડી ગયાની ફરિયાદ જ કરતા રહેશો, તો બીજા હકારાત્મક માઈન્ડસેટવાળા લોકો એ જ પરિસ્થિતિ/પ્રશ્નો જોડે એડજસ્ટમેન્ટ સાધી આગળ નીકળી જશે. માટે તમે જ તમારો માઈન્ડસેટ બદલાવાની તક શા માટે ગુમાવો છો?

તમે બિનઉપયોગી વસ્તુઓ કે ભાવનાઓથી છૂટકારો મેળવો. નાની નાની નકામી ચીજો છોડતા જાવ. તો એની નેગેટીવ અસરથી પણ તમે મુક્ત થશો. વિશ્વાસ રાખો કે સમય જતાં વસ્તુ/પરિસ્થિતિ બદલાશે, આશાવાદી બનો કે તે સુધરશે... તમે જોશો કે તમે અંદરથી વિકસી રહ્યા છો, હવે તમને સારું લાગે છે. જીવન સરળ છે, સમય બદલાય છે તેથી નહિ, પણ તમે સમજદાર, વિવેકપૂર્ણ, બુદ્ધિમાન છો એટલે તમને સુખ-સંતોષ-શાંતિ મળી શકે છે. એ તમારી ભીતર જ હતું. શોધો, ખોદીને બહાર લાવો, unearth કરો તો બધા અનર્થમાંથી બહાર આવી જશો.

‘મૃગ કી નાભિ માંહી કસ્તૂરી. બન બન ફીરત ઉદાસી’ જેવા આપણા ઘાટ છે. ‘કસ્તૂરી-મૃગ આપણે સહુ’!

૧૪. ‘ઢાઈ અક્ષર પ્રેમ કા, સમજો તો બહુત કામ કા.’

તમને કોઈ પ્રેમ કરે એવો તમે જો આગ્રહ/પ્રયાસ કરતા હો, તો તમે કદી પ્રેમનો અનુભવ નહિ કરી શકો... આપણામાં જે વસ્તુ હોતી નથી તેની જ આપણે વધુમાં વધુ ઈર્ષ્યા કરતા હોઈએ છીએ. આપણે સુંદર છોકરીની ઈર્ષ્યા કરીએ છીએ, તે આપણે તેના જેવા સુંદર-પ્રેમાળ બનવા ઇચ્છીએ છીએ એટલા માટે નહિ, પણ આપણામાં ઘણું મોટું કંઈક ખૂટે છે (આપણા પોતા માટેનો પ્રેમ) તેથી તેના સૌંદર્યની આપણને ઈર્ષ્યા થાય છે (કે હું કેમ આવી સુંદર વ્યક્તિ નથી?)... જે લોકો તમને ખૂબ હર્ટ કરે છે, તેઓ જ તમને સૌથી વધુ ચાહી પણ શક્યા હોત. જેઓ આપણા દિલની નજીક નથી, તેમની આપણા ઉપર ઝાઝી અસર પણ નથી હોતી... તમે કેટલા લોકોને ચાહો છો તે નહિ, પણ કેટલા લોકો તમને ચાહે છે તે તમારા પ્રેમની પારાશીશી છે.... પ્રેમ કેવો હોવો ઘટે તે વિશેનો આપણો ખ્યાલ ખોટો હોય, તો આપણે એવી કંઈક વસ્તુને વળગી રહીએ છીએ જે આપણને કટુ વાસ્તવિકતાથી સુરક્ષા ને સલામતી બક્ષે અથવા તમે કંઈક જુદા છો એવું માનવા પ્રેરે... પણ પ્રેમને જેવો જોવા માગીએ છીએ, તેવો તે હંમેશા દેખાતો નથી, કારણ કે એને એવા (આપણે ધારીએ તેવા) દેખાવું જરૂરી નથી હોતું.... જ્યાં સુધી તમે તમારી જાતને પૂર્ણપણે ચાહતા ન હશો, ત્યાં સુધી કોઈ તમને ચાહશે એવી અપેક્ષા ન રાખશો.

૧૫. તમારું કાર્ય, પરિસ્થિતિ, પ્રશ્નો-એને જ તમારા વ્યક્તિત્વ વિકાસનાં સાધન બનાવો :

તમે ભલે શિક્ષક હો કે વિદ્યાર્થી, લેખક હો કે પ્રકાશક, મજૂર હો કે એંજિનીયર, આખરે તો તમારું સોંપાયેલું જે તે કામ(કરતી વખતે) દ્વારા તમે કેવા માણસ બનવા માગો છો તે અગત્યનું છે... શાંત-સ્થિરતા નિષ્ક્રિયતા સાથે જોડાયેલી છે, અને નિષ્ક્રિયતા નિષ્ફળતા સાથે સંલગ્ન છે. આપણને વધુ પડતું કામ(ગધ્ધા મજૂરી) કરવાનું શીખવાયું છે, જે ન કરીએ તો ધ્યેયપ્રાપ્તિ દૂર રહેશે એવું સમજાવાયું છે. પણ વાસ્તવમાં તેમ કરવાથી આપણે આપણી જાતથી-સ્વ-થી દૂર થતા જઈએ છીએ... માટે થોડો સમય ‘doing nothing’ની દશામાં રહો જે તમારી તન-મનની તંદુરસ્તી માટે, સુખી-શાંત-સંતુલિત જીંદગીના ધ્યેય માટે ખૂબ જરૂરી છે.... આપણા ઘણા પ્રશ્નો આપણે જાતે ઊભા કરેલા ને આપણા ઉપર જાતે જ લાદેલા હોય છે, તેમ કરવામાં આપણને એક પ્રકારની મઝા પણ આવે છે, આપણે માનીએ છીએ કે આપણે તેને જ લાયક છીએ, એ આપણા જીવનને અર્થ બક્ષે છે. તે આપણે કંઈકમાંથી પસાર થયા હોવાની માનવીય આધારભૂતતા આપે છે... પરંતુ આમાંથી બહાર આવો. બદલાવાની તૈયારી રાખો. તમારી ટેવો, રુટીન જોબ, નિવાસ, શહેર, માઈન્ડસેટ...વગેરે... હતાશાને હાવી ન થવા દો. તમે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં મુકાઇ જાવ તેમાં ચિંતા કરવાથી, રડવા-ફૂટવાથી, નિરાશાવાદી થવાથી કાંઈ વળવાનું નથી... પરંતુ આને જ તમારા વ્યક્તિત્વ વિકાસનાં સાધન બનાવો. તમારા હાથમાં જે નથી તેની ચિંતા છોડી, તમારી પાસે જે છે તેમાં ધ્યાન દઈ, વર્તમાનમાં જીવો, ‘તીવ્ર મનોસાંવેગિક બ્રેકડાઉન’ એ હંમેશા અંદર કંઈક સુધારો-રીપેરીંગ થઈ રહ્યું હોવાનો સંકેત છે. આત્મગૌરવ કેળવો. ઊભા થાવ....

૧૬. સંબંધોના સંકુલ આટાપાટા સમજીએ :

આપણા સંબંધો એ આપણા શિક્ષણનું એક સશક્ત સાધન છે, તીવ્ર ઘા રૂઝાવનારી દવા છે, આપણી અંદર જે વણઉકલ્યા પ્રશ્નો (unresolved issue) છે તેને જોવાનું પાવરફૂલ દૂરબીન છે... માટે એકલા બેસી પીડાયા ન કરો. મિત્રો-સંબંધીઓને ફોન કરો, તેમને કહો કે તેઓ તમારા માટે કેટલા અગત્યના છે, પછી ભલે તમે એમને માટે મહત્ત્વના હો કે ન હો... આપણને પ્રેમ, દોસ્તી અને સાથીદારીમાં બાંધી રાખનારું તત્ત્વ છે-પરિચિતતાની લાગણી... તમે એકમેકને સમજો છો એવી તમારી ઊંડી સમજ છે, એનો સાદો અર્થ એ જ કે તમે તમારું પ્રતિબિંબ બીજાનામાં જોઈ શકો છો. આપણે બધા એક Collective being છીએ, એક મોટા પ્રકાશનું એક એક કિરણ આપણા ઉપર પડી પરાવર્તિત થાય છે, જેથી આપણે આપણી જાતને જોઈ અને સમજી શકીએ... આપણા સંબંધોનું મોટા ભાગનું ટેન્શન, આપણે પ્રેમને કેવી રીતે જોઈએ છીએ, તેની પાસે શી અપેક્ષા રાખીએ છીએ, પ્રેમ આપવા-લેવામાં પોતાના ફાયદાનાં લેખાં-જોખાં કરીએ છીએ—તેમાંથી ઊભું થાય છે.... સંબંધોમાં અવિરોધી વલણ એ નિષ્ક્રિયતા સૂચક નથી, પણ એ તમને જીવન સાથે લડવાને બદલે જીવન સાથે વહેતાં શીખવે છે.... તમારે તમારી જાતને સમજવાનું બહુ મુશ્કેલ એટલા માટે છે કે તમને બાંધનારી વ્યાખ્યાઓ, તમારી ટેવો, નોકરી, ભૂમિકાઓ, તમારી એક ચોક્કસ પ્રકારની બની ગયેલી ઓળખ—વગેરે કરતાં તમે ઘણું બધું વિશેષ છો. તેને ઓળખવાનો પ્રયત્ન કરો.

અવતરણ સંચય :

(૧) “તમારું દિમાગ માત્ર જાણીતી વસ્તુને જ સમજી શકે છે, આથી તમે તમારી ભવિષ્યની જરૂરિયાતો પસંદ કરો છો, ત્યારે વાસ્તવમાં તમારા ભૂતકાળના કોઈ આદર્શ કે સમસ્યાના સમાધાનનું માત્ર પુનઃસર્જન કરો છો.”
(૨) “સામાજિક રીતે બુદ્ધિશાળી માણસો, પોતાના ઉપરની ટીકા-ટિપ્પણનો તરત પ્રતિભાવ નથી આપતા, એને પહેલાં બરાબર સાંભળે છે. વિચાર્યા વગરનો શીઘ્ર ઈમોશનલ રીસ્પોન્સ એ માત્ર સ્વ-રક્ષણાત્મક દલીલ જ ગણાય.”
(૩) “તમને કાંઈક અસુખકારક લાગણી આવે તો એ સૂચવે છે કે તમે યોગ્ય માર્ગે છો, “અંદર કંઈક બદલાઈ રહ્યું છે.”
(૪) “તમે ક્યારેક કોઈક લાગણીને દબાવો છો, તો એ તો તમને કંઈક કહી રહી હોય છે.
(૫) “ડાહ્યો-શાણો માણસ તે છે જે દિવસને અંતે, પોતાનાં કાર્યો પર નજર નાખી વિચારે કે આના કરતાં આમ કર્યું હોત તો વધારે સારું થાત.”
(૬) “ડરના બે અદૃશ્ય ચહેરાઓ હોય છે : એક, જે તમને ભય જોતાં ભાગી છૂટવાનું કહે. અને બીજો, તમને તપાસ કરવાનું કહે (કે જુઓ તો ખરા, ભય દૂર કરવાનો કોઈ માર્ગ છે?)”
(૭) “બાળકો સાથે આપણે જે રીતે વાત કરીએ છીએ, તે એમનો અંદરનો અવાજ બની જાય છે.”
(૮) “તમે કંઈક ગુમાવ્યું છે તેના લીધે તમે અપસેટ નથી, પણ જે તમારી પાસે ક્યારેય હતું જ નહિ, તે જ તમને સૌથી પહેલાં જોઈતું હતું તેથી તમે અસ્વસ્થ થાવ છો.”
(૯) “ખાવા-પીવા-ચાલવા-વિચારવા જેટલી જ સર્જનાત્મકતા પણ આપણામાં જન્મજાત રહેલી વૃત્તિ છે. એને આપણે સ્વાભાવિક રીતે જ પ્રાધાન્ય આપવાનું ઈચ્છીએ તેવી એ પ્રક્રિયા છે. આપણા ગુફાવાસી પૂર્વજોએ ચિત્રો ને વાર્તાઓ ગુફાની દિવાલ ઉપર કોતરવાનો સમય કોઈપણ રીતે કાઢ્યો જ હતોને !”
(૧૦) “તમારી આસપાસની બધી જ વસ્તુઓ/પરિસ્થિતિ તમને મદદ કરવા તત્પર છે-સવાલ માત્ર તમારા આંતરિક મોટીવેશનનો છે. સફળ ને ઉમદા લોકો વિપરીતતાઓની વચ્ચે પણ એને લીધે જ સફળ થયા છે.”
(૧૧) ‘સફળતા એ કૌશલ્ય કરતાં આદત(પુનરાવર્તિત ટેવ)ની પેદાશ વધુ છે.’
(૧૨) “તમારા પગ જ્યાં છે, ત્યાં જ ઊભા રહો... એટલે કે રોપાયા છો, ત્યાં જ પાંગરો. તમારું જીવન તે ક્ષણે ત્યાં જ આકાર લઈ રહ્યું છે.”
(૧૩) “તમે દરેક વસ્તુને પ્રશ્ન કરી રહ્યા હો છો, તે બતાવે છે કે તમે નવી સંભાવનાઓ અને તકોને ખોલી રહ્યા છો.”
(૧૪) “આપણા જીવનની એક જ તકલીફ એ છે કે જીવન વિશે આપણે વિચારીએ છે બહુ જ, પણ તે મુજબ જીવતા નથી.”
(૧૫) “વ્યગ્રતા મોટેભાગે આપણી નિષ્ક્રિયતામાંથી જન્મે છે. આપણે આપણા સામર્થ્યને સાકાર કરવા જન્મ્યા છીએ, માત્ર તેનું પૃથક્કરણ કરવા નહિ.”
(૧૬) “જ્યાં સુધી તમે તમારા અચેતન ન ચેતનમાં બદલશો નહિ ત્યાં સુધી એ તમારા જીવનને દોરતું રહેશે... અને તમે એને ભાગ્ય/નસીબનું નામ આપશો.
(૧૭) “કાશ ! હું શરીરને બદલે આત્માને જોઈ શક્યો હોત ! એ તો કેટલો સુંદર હતો !”
(૧૮) “તમને વાસ્તવમાં જે પ્રેમ જોઈએ છે, તે તમારો પોતાનો જ જોઈએ છે. તમે જે પ્રેમ બીજામાં શોધો છો, તે તમે પોતાની જાતને તો આપતા નથી. જે તમે સ્વીકારતા નથી તે તમને ગુસ્સે કરે છે. જે તમને આનંદ અને આશા આપે છે તે ચીજો તો તમારા પોતાની અંદર જ છે.”
(૧૯) “જો તમે તમારી પરિસ્થિતિમાં કમ્ફર્ટેબલ –ખુશ ને સંતુષ્ટ છો, તો તમે બદલાવાના નથી.”
(૨૦) “તમારી પરિચિત કોઈ વ્યક્તિ સફળતા હાંસલ કરતી તમે જુઓ છો, તો તમારો ત્વરિત પ્રતિભાવ તેને વખાણવા કે સ્વીકારવાને બદલે તેનામાં ખામીઓ કઈ છે તે શોધવા લાગી જવાનો રહેતો હોય છે.”
(૨૧) “તમારા ભીતરના ઊંડાણનું પ્રગટીકરણ તમારી જાત સાથેની શાંત-પ્રશાંત ક્ષણોમાં જ થતું હોય છે. લોકોથી ઘેરાયેલા હોઈએ, મળીએ-વાતો-વિચારો વ્યક્ત કરીએ, ક્યારેક કંઈક સર્જન કરીએ ત્યારે આપણું ઊંડાણ એટલું આશ્ચર્યજનક રીતે વ્યક્ત થતું નથી. માટે જીવનમાં એકલતા, માનસિક દુકાળ, nothingnessની ક્ષણો પણ ખૂબ જરૂરી છે.”
(૨૨) “તમારી પીડા-યાતનાનો હેતુ તમારા વિકાસ માટેનો છે.”
(૨૩) “તમારી સાથોસાથ તમારા જીવનનો પણ વિકાસ થાય છે. તમે જે અનુભવો છો, તે તમે કેવા છો તેનું પ્રતિબિંબ છે.”
(૨૪) “સારું લાગવાની સ્થિતિ લંબાતી રહે એને જ આપણે સુખ માનીએ છીએ. આ માન્યતા જ આપણા દુઃખનું મૂળ છે.”
(૨૫) “પ્રશ્નો હોય છે એનો પ્રશ્ન નથી, પણ એના વિશે તમે કેવું વિચારો છો તે પ્રશ્ન છે.”

સમાપન :

આપણે પોતાના માનેલા ઘણા બધા વિચારો, વાસ્તવમાં આપણને પ્રવર્તમાન સાંસ્કૃતિક પ્રભાવો તરફથી વારસામાં મળેલા હોય છે. તેમાંથી આપણી પોતાની આગવી કેડી કંડારવા માટે આપણે બહારના અવાજો શાંત કરી સ્વતંત્ર ચિંતન કેળવવું પડશે. વાસ્તવમાં વિવેકપૂર્ણ વિચારણા સભાનતાપૂર્વક કરતા રહેવાથી આપણો દૃષ્ટિકોણ પુનઃઘડાતો હોય છે. જે જગતને જોવાની આપણી બારી ખોલી આપે છે.

આ નવી મળેલી સ્પષ્ટતાથી, એક નવો ઉત્પાદક/સર્જનાત્મક દૈનિક જીવનક્રમ ગોઠવાય છે, જે આપણા જીવનના હેતુની ભૂમિકા બનાવી આપે છે, અને આપણને ક્ષણિક આવેગાત્મક ધૂન કે તરંગીપણાથી દૂર રાખે છે. અંતિમ ઉપલબ્ધિઓ ઉપરથી- તેના રોમાંચ ઉપરથી તમારું ધ્યાન ખસેડી આપણાં દૈનિક જીવનક્રમ ઉપર લાવીએ તો સાચું-સારું સંતોષપ્રદ જીવન પ્રાપ્ત થાય. આવી દિનચર્યામાંથી જ આપણું સર્જનાત્મક પાવરહાઉસ સર્જાય છે અને ધીમે ધીમે તે ઓટોપાયલટ મોડ ઉપર આવી જાય છે. આપણો પોતાનો આત્મવિશ્વાસ જેમ વધશે, તેમ આપણું સ્વ-ગૌરવ પણ વધશે. આ રીતે આપણે આપણી જાતને દયાભાવથી ટ્રીટ કરીએ, એવી ભૂમિકા બનાવીએ તો એ દયાભાવના પછી જગત તરફ, માનવજાત તરફ વિસ્તરતી હોય છે.

વ્યક્તિગત વિકાસ, સ્વ-જાગૃતિ અને દૃષ્ટિકોણ પરિવર્તન શીખવતા આ પુસ્તકની કંડિકાઓ ઘણી બધી અવતરણો જેવી છે. પરંતુ એનાં કેટલાંક ચાવીરૂપ વિચારબિંદુઓ જોઈ લઈએ :

૧. સ્વ-ચિંતન : પોતાનાં વિચાર-વાણી-વર્તનની ત્રિવેણી ઉપર ઊંડો વિચાર-મનન કરવા અને આંતરમુખી દર્શન કરવા વાચકને આ પુસ્તક પ્રેરણા આપે છે.
૨. માઈન્ડસેટ શીફ્ટ કરો : વધુ અર્થપૂર્ણ જીવન અને સંતોષપ્રદ પૂર્ણતા તરફ દોરી જતી વિચાર-તરાહો અને તે માટે માઈન્ડ સેટ બદલવાના મહત્ત્વની ચર્ચા અહીં સરસ કરી છે.
૩. હેતુ અને તીવ્ર ઉત્કટતા : જીવનના ઊંડા અર્થ શોધવા અને પોતાની પેશનને અનુસરવા વચ્ચે સંતુલન જાળવવાનો અહીં અનુરોધ કર્યો છે.
૪. સર્જનાત્મકતા : વ્યક્તિત્વ વિકાસ અને સ્વ-અભિવ્યક્તિમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સર્જનાત્મકતાને કેવી રીતે કેળવવી તેની ચર્ચા અહીં થઈ છે.
૫. સ્વ-ગૌરવ : પોતે જેવા છીએ તેનો વાસ્તવિક સ્વીકાર અને પોતાના તરફ કરુણાપૂર્ણ વ્યવહાર કરવાથી સ્વ-મૂલ્ય સમજાય છે અને સ્વ-ગૌરવ વધે છે. આમ કરવું ખૂબ અગત્યનું છે.
૬. સ્થિતિસ્થાપકતા : જીવનમાં આવતા આઘાત-પ્રત્યાઘાતો, પડકારો અને સેટબેક વખતે પોતાની સ્થિતિસ્થાપકતા કેવી રીતે જાળવવી અને પડકારો-આઘાતોની ખરાબ અસરથી કેમ બચવું તે શીખવાનું બતાવ્યું છે.
૭. અભારવશતા : જીવન પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ ઘડવા માટે અને સરેરાશ સુખાકારી વધારવા માટે સર્વ પ્રત્યે-પ્રભુ પ્રત્યે આભારવશતાની લાગણી ખૂબ મોટો ભાગ ભજવે છે.
૮. નિયંત્રણ અને સ્વીકારવૃત્તિ : પોતાના જીવન ઉપર નિયંત્રણ રાખવું અને ન બદલાઈ શકનારી વસ્તુ/પરિસ્થિતિનો સ્વીકાર કરવો - આ બે વચ્ચે સંતુલન સાધવાનું પણ અગત્યનું છે.
૯. દયા : આ બધા નિબંધોમાં, પોતાની જાતને અને અન્યને દયાભાવ અને કરુણાથી ટ્રીટ કરવાનું સમાન્ય વિષયવસ્તુ ચર્ચાયેલું જોવા મળે છે...

તો, આવાં કેટલાંક મહત્ત્વપૂર્ણ વિચારબિંદુઓ વાચકોને તેમના દૃષ્ટિકોણ વિશે પુનર્વિચાર કરવા અને જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા લેખિકા બ્રીયાના વીસ્ટ સૂચવે છે.

તેમનાં કેટલાંક સર્જનો આ રહ્યાં :
o The Human Element
o Salt Water
o The Mountain is you.