12 Rules For Life

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ12 Rules for Life Front Cover.jpg


12 Rules For Life - An Antidote to Chaos

Jordan B. Peterson

જીવનના 12 નિયમો


અરાજકતા નિવારણના ઉપાય
જોર્ડન બી. પીટરસન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: શબીર અહેમદભાઈ ગલરીયા


લેખક પરિચય:

જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

આ પુસ્તકનો વિષય શું છે?

લેખક જોર્ડન બી. પીટરસન દ્વારા લખાયેલ જીવનના ‘12 નિયમો’(2018) પુસ્તકમાં વાચકોના જીવનની સૌથી મહત્ત્વની ચિંતા વિશે અને પ્રાચીન સમયથી માનવ માનસમાં રહેલા મુદ્દાઓ સંદર્ભે સૂચિ આપવામાં આવી છે. લેખક અર્થપૂર્ણ જીવન માટે આપણને 12 માર્ગદર્શિકાઓ આપે છે. આ તમામ માર્ગદર્શિકાઓ આપણાં કેટલાંક અત્યંત સ્થાયી દાર્શનિક અને ધાર્મિક નિવેદનો તેમજ આપણી સૌથી પ્રિય વાર્તાઓના બોધ પર આધારિત છે. તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ઇતિહાસ અને પૌરાણિક કથાઓના વાચન - મનન વડે, દરેક વ્યક્તિ પોતાનું જીવન સ્પષ્ટ અને સુસંગત જીવી શકે છે. આ પુસ્તક મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને, એવા વાચકો કે જે પોતાના જીવનમાં અર્થ શોધે છે અને પૌરાણિક કથાઓના બોધમાં જેને રસ છે તેમને માટેનું આ પુસ્તક છે.

પરિચય:

‘જીવનના 12 નિયમો’ (2018) પુસ્તકમાં આપણા માટે શું છે? આ પુસ્તકમાં આપણને જીવનના ઉબડખાબડ રસ્તા પર માર્ગદર્શન આપવા માટે કેટલીક નક્કર, વ્યવહારુ સલાહ આપવામાં આવી છે. પિનોકિયોની વાર્તામાં, એક નાનકડી કઠપૂતળી એના જીવનને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતા તારમાંથી મુક્ત થાય છે ત્યારે તેની ઇચ્છા પૂર્ણ થાય છે ને તે એક સ્વતંત્ર વ્યક્તિ બનવાની તક મેળવે છે. પરંતુ પિનોકિયોને ખ્યાલ ન હતો કે આનો અર્થ વાસ્તવિક જીવનનાં તમામ જોખમોનો સામનો કરવાનો પણ છે. સાથે સાથે તેણે જીવનમાં પ્રામાણિકતા, મિત્રતા અને પરિવાર દ્વારા ઉત્પન્ન થતા પીડાદાયક અનુભવોનો પણ સામનો જાતે જ કરવો પડશે. પિનોકિયો જેવી ઉત્તમ વાર્તાઓ, કેટલીક લોકપ્રિય પૌરાણિક કથાઓ, પરીકથાઓ અને ધાર્મિક દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને લેખકે જીવનનો અર્થ શોધવાનું તથા પરિચિત અને અપરિચિત અથવા સુરક્ષા અને સાહસ વચ્ચે જીવનને સંતુલિત કરવાનું કાર્ય કર્યું છે. આપણે આપણા જીવનને અર્થ આપવા માટે સાર્વત્રિક મૂલ્યો અને નિયમોની ઝંખના કરીએ છીએ. સોક્રેટીસ અને ઍરિસ્ટોટલ જેવા ફિલસૂફોની કૃતિઓ સાથે ઐતિહાસિક ગ્રંથોનું પુનઃ વાંચન ચાલુ રાખે છે. આજના વ્યસ્ત સમયમાં લોકોને મદદ કરવા માટે આવાં 12 મૂલ્યોની નવી સૂચિ બનાવી છે. જેમાં લેખકે પ્રસ્તુત વિષયો ધ્યાનમાં લીધા છે. આ પુસ્તકમાં, આપણને જાણવા મળશે કે : • લૉબ્સ્ટર આપણને આત્મવિશ્વાસ વિશે શું શીખવી શકે છે. • કમળનું ફૂલ આપણને જીવનમાં અર્થ શોધવા વિશે શું બતાવી શકે છે. • યુવાન સ્કેટબોર્ડર્સ આપણને માનવ સ્વભાવ વિશે શું કહી શકે છે. તમે કદાચ "ધ પેકિંગ ઓર્ડર," વાક્યાંશ સાંભળ્યો હશે ખરો, પરંતુ તમે જાણો છો કે તેની ઉત્પત્તિ ક્યાં થઈ? આ વાક્યાંશ આપણને નોવીજન પ્રાણીશાસ્ત્રી થોર્લીફ શ્જેલ્ડરપ-એબે પાસેથી મળ્યો છે, જેઓ 1920 ના દાયકામાં બાર્નયાર્ડ ચિકનનો અભ્યાસ કરતા હતા. તેમણે આ પક્ષીઓમાં સ્પષ્ટપણે હાઇઆરાર્કી જોઈ. આ હાઇઆરાર્કીના ટોચ પર સૌથી તંદુરસ્ત, સૌથી મજબૂત મરઘાનો સમાવેશ છે. ખાવાનું આવે ત્યારે આ મરઘાં હંમેશા પ્રથમ સ્થાન પર પોતાની ચાંચ વડે ભોજન કરે છે. હાઇઆરાર્કીના તળિયે સૌથી નબળી મરઘીઓનો સમાવેશ થાય છે, જેમના પીંછા ખરી રહ્યાં હતાં, અને જેમને માત્ર બચેલા ટુકડા ખાવા મળતા હતા. ઉપર ચર્ચિત 'પેકિંગ ઓર્ડર' મરઘાં પૂરતો મર્યાદિત નથી. આ સમગ્ર પ્રાણી સામ્રાજ્યમાં કુદરતી રીતે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, લોબસ્ટર4 ભલે સમુદ્રમાં અથવા કેદમાં ઉછરેલા હોય, પરંતુ આશ્રય માટે શ્રેષ્ઠ અને સૌથી સુરક્ષિત સ્થળ મેળવવા માટે આક્રમક રીતે બીજા દાવેદારો સાથે લડશે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ સ્પર્ધાત્મક સંઘર્ષો દ્વારા વિજેતાઓ અને હારનારાઓના મગજમાં વિવિધ રાસાયણિક સંતુલન જોવા મળશે. વિજેતાઓના મગજમાં હોર્મોન સેરોટોનિન અને ઓક્ટોપામીનનો ઉચ્ચ રેશિઓ (ગુણોત્તર) હશે જ્યારે હારનારાઓના મગજમાં આ સંતુલન વિરુદ્ધ દિશામાં નમશે. આ સ્તર લોબસ્ટર્સના પોશ્ચરને પણ અસર કરી શકે છે: સેરોટોનિનની વધુ માત્ર વિજેતાઓને ટટ્ટાર શરીર સાથે વધુ ચપળ બનાવશે જયારે વધુ ઓક્ટોપામીન હારનારાઓને વાંકાચૂકા શરીર સાથે ચિંતાગ્રસ્ત બનાવે છે. જેમ તમે અનુમાન કર્યું તેમ, મનુષ્યના જીવનમાં પણ હાઇઆરાર્કી અને હાર-જીતનાં ચક્રો જોવા મળે છે. કેટલાંક સંશોધનોએ દર્શાવ્યું છે કે જે લોકો મદ્યપાન અથવા હતાશાની પકડમાં છે તેમની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં પ્રવેશવાની શક્યતા ઓછી છે. આવી પરિસ્થિતિ તેમને વધુ નિષ્ક્રિય બનાવે છે અને સતત નીચા આત્મસન્માન અને હતાશા તરફ દોરે છે. તેનાથી વિપરિત,જે લોકો સતત જીત્યા કરે છે તેઓ ખૂબ જ ગર્વથી અને આત્મવિશ્વાસપૂર્ણ પોતાની બોડી લેંગ્વેજ રજૂ કરે છે, જે તેમને તેમની જીતવાની સ્ટ્રીકને જીવંત રાખવામાં મદદ કરી શકે છે. લોબસ્ટર્સની જેમ, માણસો પણ સતત એકબીજાની વિરુદ્ધ પોતાને માપે છે અર્થાત્ પોતાના ગુણની તુલના બીજા માણસોના ગુણ સાથે કરે છે. સાથે સાથે ઘણી વાર આપણે વ્યક્તિની બુદ્ધિને તેમની શારીરિકતા સાથે સાંકળી લઈએ છીએ. તેથી જો તમે તમારી જાતને ફાયદો કરાવવો હોય, તો આ પ્રથમ નિયમ અનુસરવું જોઈએ — તમારું માથું ઊંચું રાખો અને વિજેતાના પોશ્ચરને ધારણ કરો.

૧. તમારા પ્રિયજનની તમે જે રીતે સંભાળ રાખો છો તે જ રીતે નમ્રતાથી પોતાની સંભાળ પણ રાખો.

જો તમારો કૂતરો બીમાર થયો હોય અને પશુ ચિકિત્સક તેને દવા આપે તો શું તમે ડૉક્ટર પર પ્રશ્ન/શંકા કરીને પ્રિસ્ક્રિપ્શન અધૂરું છોડી દેશો, નહીં ને? તેમ છતાં, એક તૃતીયાંશ લોકો ડૉકટર દ્વારા આપવામાં આવતા તબીબી પ્રિસ્ક્રિપ્શનને અવગણે છે, જે આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે : શા માટે આપણે આપણાં પાલતુ પ્રાણીઓની આપણા કરતા વધુ સારી રીતે કાળજી લઈએ છીએ? તેનું કારણ એ છે કે આપણે હંમેશાં આપણી પોતાની ખામીઓ પ્રત્યે સભાન હોઈએ છીએ અને સાથે સાથે આપણે આત્મ-દ્વેષ પણ અનુભવીએ છીએ. તેથી આપણે પોતાની જાત સાથે બિનજરૂરી કડકાઈથી વર્તતા હોઈએ છીએ. આ બધું આપણને એવી ભાવના તરફ પણ દોરી જાય છે કે આપણે સારું અનુભવવા માટે અયોગ્ય છીએ. આપણે અયોગ્ય છીએ એ માન્યતા આપણને આદમ અને ઈવના ઇડન ગાર્ડનમાંથી દેશનિકાલ કરવામાં આવેલી વાર્તા સુધી જાય છે. આ રૂપકાત્મક વાર્તામાં, આદમ અને ઈવ બધા મનુષ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, અને જયારે તેઓ જ્ઞાનથી ભરપૂર પણ પ્રતિબંધિત સફરજન ખાય છે ત્યારે તેઓ દુષ્ટ સર્પ દ્વારા છેતરાઈ જાય છે. સાપની સલાહને અનુસરવાથી, મનુષ્યો કાયમ માટે દુષ્ટતાથી ભ્રષ્ટ થતા દેખાય છે. ઈડન ગાર્ડનની વાર્તા આપણને આપણી અંદર આ અંધકારથી ભરેલી બાજુ વિશે આત્મ-સભાન બનાવે છે અને આપણામાં એ ભાવનાને મજબૂત કરે છે કે આપણે સારી વસ્તુઓને લાયક નથી. આ વાર્તાને બીજી રીતે પણ વાંચી શકાય છે : કે ફક્ત આપણે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ જ દૂષિત છે. માણસો અને (ઈડન) બગીચાના સર્પને સમગ્ર વિશ્વની વ્યવસ્થા(ઓર્ડર) અને અરાજકતાના (કેઓસ) કુદરતી મિશ્રણ તરીકે જોઈ શકાય છે. પ્રકૃતિની આ દ્વૈતતા પૂર્વીય ફિલસૂફીમાં પણ જોઈ શકાય છે. યીન-યાંગ પ્રતીકની બે બાજુઓમાં આ દ્વૈતતા રજૂ થાય છે: યીન-યાંગના પ્રતીકમાં એક પ્રકાશ અને એક અંધારી બાજુ છે, તેમ છતાં બંને બાજુઓ તેમની અંદર બીજાનો એક ભાગ ધરાવે છે, અને બંનેમાંથી કોઈ એક-બીજા વિના અસ્તિત્વ ધરાવતા નથી. આ પરિસ્થિતિમાં આપણે પ્રકાશ અને અંધકાર વચ્ચે સંતુલન શોધીને હાર્મની (સંવાદિતા) પ્રાપ્ત કરી શકીએ છીએ, અને વ્યક્તિએ બંને દિશામાં - પ્રકાશ અને અંધકારના રસ્તે દૂર જવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો માતા-પિતા પોતાના બાળકને કોઈ પણ "ખરાબ" વસ્તુના સંપર્કમાં આવવાથી બચાવવા માટે પ્રયત્ન કરે છે અને તેનું રક્ષણ કરે છે, તો તેઓ ફક્ત તે અરાજકતાને (કેઓસ) ઓર્ડરથી બદલી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો, સંપૂર્ણ સારા બનવાનો પ્રયાસ કરવો નિરર્થક છે.

૨. તમે પોતાની એવી રીતે સંભાળ રાખો જેમ તમે પોતાની કોઈ પ્રિય વ્યક્તિની રાખો છો.

તમે પોતાની સંભાળ રાખો, પરંતુ અરાજકતા સામે લડશો નહીં, કારણ કે આ એક અજેય લડાઈ છે. અને જે તમને ખુશ કરે છે તે કરવાને બદલે, તમારા માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરો. જ્યારે તમે એક બાળક હતા ત્યારે તમે તમારા દાંત સાફ કરવા અથવા તમારાં હાથમોજાં પહેરવા માંગતા ન હતા, પરંતુ આ પ્રક્રિયાઓ આપણે કરવી જોઈએ. પુખ્ત વયે, તમારે એવાં ધ્યેય નક્કી કરવાં જોઈએ કે જે તમે કોણ છો અને તમે જીવનમાં કઈ દિશામાં જવા માગો છો તે નિર્ધારિત કરવામાં મદદ કરે. ત્યાર પછી, તમારે એવાં પગલાં લેવાં જોઈએ જે તમારા માટે શ્રેષ્ઠ હોય. તેવા રસ્તાઓ તમને મળશે.

૩. ખોટા સાથીઓ/મિત્રો તમને નીચે ખેંચી શકે છે, તેથી તમારા મિત્રોને સમજદારીથી પસંદ કરો.

લેખકના બાળપણના મિત્રોમાંના એક મિત્રએ પોતાનું ઉત્તરીય કેનેડિયન વતન ફેરવ્યું, આલ્બર્ટાની પ્રેયરીઝ ક્યારેય છોડી નહીં. તેના બદલે, તે તેના ઘરની આસપાસ રહ્યો અને શહેરના અન્ય આળસુ અને બેજવાબદાર લોકોમાં પોતાનો સમાવેશ કર્યો. જયારે પણ લેખક ઘરે પાછા ફરતા અને તેના મિત્રને મળતા ત્યારે દરેક વખતે, તેને તેના મિત્રની યુવાની ધીમી અને દુઃખદ બનતી સ્પષ્ટ થતી દેખાતી. એક સમયે યુવાની ક્ષમતાવાળી હતી તે હવે વૃદ્ધત્વનો રોષ બની ગઈ હતી. લેખકને, એ સ્પષ્ટ થઈ ગયું કે એમના મિત્ર સાથે રહેતા આળસુ અને બેજવાબદાર/નિષ્ક્રિય લોકો તેમના મિત્રના જીવનની પ્રગતિમાં અવરોધ કરતા હતા અને તેને જીવનમાં પાછા પકડી પણ રહ્યા હતા. અને આ એવી વસ્તુ છે જે કોઈપણ સાથે ગમે ત્યાં થઈ શકે છે. જ્યારે અન્ડરએચીવરને સારું પ્રદર્શન કરનારાઓની ટીમમાં મૂકવામાં આવે છે ત્યારે કાર્યસ્થળના વાતાવરણમાં પણ આ જ વસ્તુ જોઈ શકાય છે. મેનેજરે ધાર્યું હતું કે અન્ડર એચીવર કર્મચારી અન્ય લોકો પાસેથી સારી ટેવો પસંદ કરશે. પરંતુ સંશોધન જણાવે છે કે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા વધુ છે, જેમાં અન્ડર એચીવર કર્મચારીની ખરાબ ટેવો આખી ટીમમાં ફેલાવાનું શરૂ કરે છે અને દરેકના સક્ષમતાને નીચી કરે છે. આથી જ ત્રીજો નિયમ એ છે કે તમે તમારી જાતને સપોર્ટિવ મિત્રોથી ઘેરી લો, કારણ કે આ પ્રકારની મિત્રતા સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આપણા મિત્રોને પસંદ કરવામાં સાવચેતી રાખવી એ એક સ્માર્ટ ચાલ છે અને તેને સ્વાર્થી અથવા સ્નોબી પ્રવૃત્તિ ગણી શકાય નહીં. સપોર્ટીવ અને પ્રોત્સાહક મિત્રતા બંને રીતે ફાયદાકારક છે: જ્યારે તમને પ્રોત્સાહનની જરૂર હોય, ત્યારે તમારો મિત્ર તમારા માટે હાજર રહેશે, અને જો તમારા મિત્રને જીવનમાં સમસ્યા/મુશ્કેલીમાંથી બહાર આવવા અથવા સુધારો કરવા માટે મદદની જરૂર હોય, તો તમે તેમના માટે હશો. આવી ગોઠવણ વ્યક્તિગત સફળતાને પ્રોત્સાહિત કરી શકે છે અને, સાથે સાથે એક ટીમના ભાગરૂપે, માણસને મહાન સામાજિક સિદ્ધિઓ તરફ દોરી શકે છે. જોર્ડન પીટરસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તેમજ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને સાંસ્કૃતિક વિવેચક છે. તેમણે પોતાના વારંવારના વિવાદાસ્પદ યુટ્યુબ વિડિયો દ્વારા વ્યાપક મીડિયા કવરેજ મેળવ્યું છે, જેમાં તેઓ પોલિટિકલ કરેક્ટનેસની ટીકા કરે છે.

૪. પોતાની ભૂતકાળની સિદ્ધિઓ સાથે પોતાની સરખામણી કરીને પ્રગતિ થાય છે, અન્ય સાથે નહીં.

થોડા સમય પહેલા આપણે એક નાના તળાવમાં મોટી માછલી હોવા જેવી વસ્તુની કલ્પના કરી શકતા હતા. પરંતુ હવે, ઈન્ટરનેટના કારણે, નાના સમુદાયના અસ્તિત્વનો ખ્યાલ પણ ભૂતકાળની વાત છે. ઈન્ટરનેટના દિવસોમાં, આપણે બધા વૈશ્વિક સમુદાયનો ભાગ છીએ, અને આપણે ગમે ત્યાં હોઈએ, આપણા કરતાં હંમેશાં કોઈ શ્રેષ્ઠ માણસ આપણને મળી રહેશે. આ વાત આપણને સ્વ-ટીકાના મુદ્દા પર લાવે છે. પોતાની જાતની ટીકા કરવી મહત્વપૂર્ણ છે - જો આપણે આપણી જાતની ટીકા ન કરીએ તો આપણી પાસે પ્રયત્ન કરવા માટે કંઈ ન રહે. આપણી જાતને વધુ સારી બનાવવા માટે કોઈ પ્રેરણા ન હોય તો આપણું જીવન ઝડપથી અર્થહીન બની જાય. સદભાગ્યે આપણે વર્તમાનને હંમેશા અભાવની દૃષ્ટિએ અને ભવિષ્યમાં વધુ સારા તકો મળશે અને જીવન સુધરશે - એવું માનીએ છીએ. આ એક માનવીય વલણ છે જેના કારણે આપણને જીવનમાં આગળ વધવા અને જરૂરી પગલાં લેવા માટે પ્રેરણા મળે છે. જો કે, જ્યારે આપણે આપણી જાતને અન્ય લોકો સાથે સરખાવતા હોઈએ ત્યારે સ્વ-ટીકા અર્થહીન બની શકે છે. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે ઝડપથી આપણી પ્રગતિની દૃષ્ટિ ગુમાવી દઈએ છીએ. સૌ પ્રથમ, આ વિષય આપણને કાળા અને સફેદની દૃષ્ટિએ એટલે કે ચરમસીમામાં વિચારવાની વૃત્તિ તરફ દોરી જાય છે: આપણે યા તો સફળ થયા અથવા નિષ્ફળ ગયા. આ વિચાર આપણામાં વધતા જતા સુધારાને જોતા અટકાવે છે જે સુધારા ઘણી વખત નાના હોય છે, તેમ છતાં મહત્વપૂર્ણ હોય છે. બીજા સાથે સરખામણી કરવાથી આપણા જીવનના મોટા ચિત્રની દૃષ્ટિ આપણે ગુમાવી શકીએ છીએ કારણ કે આપણે આપણા જીવનના એક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેની અતિશયોક્તિ કરીએ છીએ.

દાખલા તરીકે, વિચારી લો કે તમે પોતાના પાછલા વર્ષની સમીક્ષા કરી રહ્યા છો અને નોંધ લો કે તમે તમારી સાથે કામ કરી રહેલા કેટલાક સાથીઓ જેટલા ઉત્પાદક ન હતા. તમે તરત જ સંપૂર્ણ નિષ્ફળતા જેવી લાગણી અનુભવી શકો છો. પરંતુ જો તમે ઝૂમ આઉટ કરીને તમારા જીવનનાં તમામ પાસાંઓને જોશો, તો તમને ખ્યાલ આવશે કે તમે તમારા પારિવારિક જીવનમાં કેટલાક વાસ્તવિક સુધારાઓ કર્યા છે. આથી જ ચોથો નિયમ એ છે કે તમારી જાતને ક્યારેય અન્ય લોકો સાથે સરખાવવી નહીં. તેના બદલે તમારી પોતાની અગાઉની સિદ્ધિઓ સામે હંમેશા તમારી જાતને જજ કરવી. ભૂતકાળનાં પરિણામો સાથે વર્તમાન પરિણામોની તુલના પણ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. જો તમે એવું વિચારશો કે તમે હંમેશા જીતી રહ્યા છો, તો આ લાલબત્તી સમાન મુસીબતની નિશાની છે. તેનો અર્થ એ છે કે તમારે જોખમો લેવાની અને પોતાની જાતને પડકારરૂપ લક્ષ્યો આપવાની જરૂર છે. આપણી પ્રગતિ તપાસતી વખતે, આપણે આપણી જાતને એક ગૃહ નિરીક્ષક તરીકે વિચારવી પડે. આનો અર્થ એ છે કે વસ્તુઓને ઉપરથી નીચે સુધી જોવી અને દરેક સમસ્યાનું વર્ગીકરણ કરવું. શું તેમાં કોસ્મેટિક અથવા માળખાકીય ખામી છે? તમે મંજૂરીની મહોર મારી શકો તે પહેલાં, એવી વસ્તુઓની સૂચિ બનાવો કે જેને સુધારવાની જરૂર છે. આ વિગતવાર અભિગમ તમને પોતાનામાં એટલા વ્યસ્ત રાખશે કે તમે અન્ય લોકો સાથે પોતાની કેવી રીતે તુલના કરો છો તેનાથી બેફિકર બની જશો.

૫. જવાબદાર અને દયાળુ બાળક ઉછેરવું એ માતાપિતાની ફરજ છે

તમે એવાં માબાપ જોયાં હશે કે જેમનાં બાળકો તેમને પરેશાન કરતાં હોય ને માબાપ એવા બાળકની અવગણના કરતાં હોય, ત્યારે તમે વિચાર્યું હશે: શું તેઓ ફક્ત ખરાબ માતાપિતા છે અથવા તેઓ બાળક થાકી જાય એની રાહ જુએ છે? બાળકોના ઉછેર માટેના અભિગમો વર્ષોથી બદલાયા છે. તે ઘણીવાર નેચર -વર્સસ-નર્ચર-સંવર્ધનની વર્ષો જૂની ચર્ચાનું પરિણામ છે. આપણે જે પ્રકારની વૃત્તિ સાથે જન્મ્યા છીએ તેના વિશે પણ અલગ-અલગ મંતવ્યો છે.

અઢારમી સદીમાં, ફિલસૂફ જૉન-જેક રૂસોની પ્રચલિત માન્યતા હતી કે આપણા પ્રાગૈતિહાસિક પૂર્વજો મધુર, સૌમ્ય અને બાળક જેવા હતા. આપણા પર સંસ્કૃતિના ભ્રષ્ટ પ્રભાવ માટે માણસના યુદ્ધ અને હિંસાથી ભર્યા ઇતિહાસને રૂસોએ દોષી ઠેરવ્યો. પરંતુ આજકાલ, આપણને એ હકીકતની સ્પષ્ટ સમજ છે કે લોકો ખરેખર આક્રમક વૃત્તિ સાથે જન્મે છે, તેમણે દયાળુ, સૌમ્ય, વધુ "સંસ્કારી" પુખ્ત કેવી રીતે બનવું તે શીખવું જોઈએ. છેવટે, તમે કદાચ જોયું હશે કે રમતના મેદાન પરનાં બાળકો કેવી રીતે આક્રમક થઈ શકે છે; તે દૃશ્યની સરખામણીમાં મોટાભાગનાં કાર્યસ્થળો પર શાંતિનું ચિત્ર જોવા મળે છે. લેખકના મતે, તે ખરેખર માતાપિતા પર નિર્ભર છે. માતાપિતા ખાતરી કરે કે આક્રમક યુવાન કેવી રીતે સમાજમાં હળી-મળીને એક સ્થિર તથા જવાબદાર વ્યક્તિ બને. આ વિચાર આપણને પાંચમા નિયમ પર લાવે છે: માતાપિતાએ તેમનાં બાળકો માટે મિત્ર કરતાં વધુ બનવાની જરૂર છે - તેઓએ એક જવાબદાર અને પ્રેમાળ માનવીનો ઉછેર કરવાની જરૂર છે. આ એક પડકાર બની શકે છે કારણ કે કોઈને "ખરાબ વ્યક્તિ" બનવું પસંદ નથી. પરંતુ બાળકો આક્રમક હોય છે જેનું એક મુખ્ય કારણ એ છે કે તેમની પાસે સીમાઓને ઓળંગવાની કુદરતી વૃત્તિ હોય છે જેથી તેઓ શોધી શકે કે સમાજની રેખાઓ/સીમાઓ ક્યાં દોરવામાં આવી છે. તેથી માતાપિતા તે રેખાઓ/સીમાઓ દોરવામાં મક્કમ અને નિર્ણાયક હોવાં જોઈએ. જો કે, આ મજાની પ્રવૃત્તિ નથી, પરંતુ માતા-પિતાએ આ રીતે વિચારવું જોઈએ: જો બાળકો આ વસ્તુઓ પ્રેમાળ, સમજણવાળાં માતાપિતા પાસેથી શીખતાં નથી, તો તેમનાં બાળકો આ વસ્તુઓ પછીથી એવી રીતે શીખશે કે જેમાં ઓછાં પ્રેમ અને સમજણનો સમાવેશ હશે. બાળકોની તકલીફ વધશે અને માતા-પિતાને દુઃખનો અનુભવ થશે. તો ચાલો જવાબદાર બાળકના ઉછેર માટે માતા-પિતાએ શું કરવું જોઈએ તેની ત્રણ મુખ્ય પદ્ધતિઓ જોઈએ: પ્રથમ પદ્ધતિ પ્રમાણે બાળકો માટે મર્યાદિત સંખ્યામાં નિયમો બનાવવા જોઈએ. ઘણા બધા નિયમો બાળકોને નિરાશા તરફ દોરી જાય છે. જેથી બાળકો જીવનમાં સતત અવરોધોનો અનુભવ કરી રહ્યાં હોય એવું તેમને લાગશે. તેથી વસ્તુઓને કેટલાક મૂળભૂત, સમજવામાં સરળ એવા સિદ્ધાંતો સુધી મર્યાદિત કરો, જેમ કે સ્વ-બચાવ સિવાય કોઈને કરડવું નહીં, લાત મારવી નહીં અથવા કોઈને મારવું નહીં. બીજી પદ્ધતિ એ છે કે ન્યૂનતમ જરૂરી બળનો ઉપયોગ કરવો. અસરકારક અને ન્યાયી શિસ્ત ત્યારે જ લાગુ કરી શકાય છે જ્યારે પરિણામો સ્પષ્ટ થાય. બાળકો માટેની સજા પણ "ગુનામાં બંધબેસતી" હોવી જરૂરી છે, જેનો અર્થ છે કે સજા માત્ર એટલી જ ગંભીર અને જરૂરી હોવી જોઈએ કે બાળક ફરીથી નિયમ તોડવાનું ન શીખે. ક્યારેક માતા-પિતાનો નિરાશ ચહેરો જરૂરી સજા પૂરી પાડી શકે છે; અન્ય સમયે એવી સજા પણ આપી શકાય જેમાં બાળક વિડિઓ ગેમ્સ વિના એક અઠવાડિયું રહે. ત્રીજી પદ્ધતિમાં માતા-પિતાએ એક જોડીમાં કામ કરવું જરૂરી છે. બાળકો હોંશિયાર હોય છે અને પોતાની જીદ પૂરી કરવા અથવા માર્ગ કાઢવા માતા-પિતાને એક-બીજા સામે દલીલ/વાદવિવાદ કરવા પ્રોત્સાહિત કરશે – તેથી માતા-પિતાએ એકીકૃત રહેવું મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત, દરેક માતા-પિતા ભૂલો કરે છે, પરંતુ જો તમારી પાસે સપોર્ટિવ જીવનસાથી હોય, તો તમને તે તમારી ભૂલો ધ્યાનમાં લેવા અને પકડવામાં મદદરૂપ બની શકે છે.

૬. દુનિયા અન્યાયથી ભરેલી છે, પરંતુ આપણે તેના માટે બીજાને દોષ ન આપવો જોઈએ

વાતને ગોળ-ગોળ ફેરવ્યા વગર સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમગ્ર વિશ્વ પડકારો અને વેદનાથી ભરેલું છે - પરંતુ આ નિરાશાનું કારણ નથી. તેમ છતાં, સમગ્ર યુગમાં ઘણા લોકોએ જીવનને એટલું ક્રૂર અને અન્યાય ભર્યું જોયું છે કે જીવન જીવવા પ્રત્યે તેમના સખત પ્રતિભાવો વાજબી છે. રશિયન લેખક લિયો ટોલ્સટોયે અસ્તિત્વને એબ્સર્ડ, અન્યાયી ગણાવ્યું છે. તેમણે સૂચવ્યું કે અસ્તિત્વ પ્રત્યે ફક્ત ચાર માન્ય પ્રતિભાવો હોઈ શકે: બાળસમાન અજ્ઞાનતા, હેડોનિસ્ટિક આનંદ, આત્મહત્યા અથવા આ બધી મુશ્કેલીઓ હોવા છતાં સંઘર્ષ કરવો. ટોલ્સટોયે પોતાના નિબંધ "અ કનફેશન"માં (એક કબૂલાત) આ સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને તારણ કાઢ્યું કે સૌથી પ્રામાણિક પ્રતિસાદ આત્મહત્યા છે, જ્યારે સંઘર્ષ કરવો એ યોગ્ય પગલાં લેવામાં માણસની નબળાઈ તથા અસમર્થતાની નિશાની છે. અન્ય લોકોએ સમાન રીતે પ્રતિક્રિયા આપી છે. જો કે, ઘણા લોકો ખતરનાક બની જાય છે કારણ કે તેઓ પોતાની સાથે બીજા વ્યક્તિઓનો જીવ પણ લઈ લે છે. આવાં કૃત્યોને 'મર્ડર-સ્યૂસાઇડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉદાહરણ તરીકે, સેન્ડી હૂક અથવા કોલંબાઈન સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ગોળી ચલાવનારાએ પોતાના જીવનની સાથે બીજાનો જીવ લેવાનું પણ નક્કી કર્યું. જૂન 2016 માં, યુનાઇટેડ સ્ટેટ્સમાં અગાઉના 1,260 દિવસમાં એક હજાર ગોળીબાર થયા હતા, જેમાં કોઈએ ચાર કે તેથી વધુ લોકોની હત્યા કરી હતી, ઘણા કિસ્સાઓમાં, ગોળી ચલાવનારે પોતાને પણ ગોળી મારી હતી. પરંતુ ટોલ્સટોયનો વિશ્વ પ્રત્યે ટૂંકો દૃષ્ટિકોણ હોવા છતાં, અને તમે જીવનમાં ગમે તેટલું સહન કર્યું હોય અથવા ગમે તેટલું ક્રૂર અને અન્યાયી જીવન તમને લાગતું હોય, તમારે વિશ્વને દોષ આપવો જોઈએ નહીં. જીવન માટેના છઠ્ઠા નિયમનો ભાવાર્થ છે, જે જણાવે છે કે તમે વિશ્વને જજ કરો તે પહેલાં તમારે તમારા પોતાના જીવનની જવાબદારી લેવી જોઈએ. એલેક્ઝાંડર સોલ્ઝેનિટ્સિન નામના બીજા એક રશિયન લેખક માનતા હતા કે જીવનની ક્રૂરતાને નકારવી શક્ય છે, પછી ભલેને જીવન તમારી સાથે ક્રૂર હોય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ સામે લડનારા સામ્યવાદીઓમાં સોલ્ઝેનિટ્સિનનો સમાવેશ હતો. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા હોવા છતાં, યુદ્ધ પછી તેમના પોતાના રાષ્ટ્ર દ્વારા તેમને કેદ કરી દેવામાં આવ્યા હતા. અને રશિયન ગુલામનું જીવન જીવવું એટલું ખરાબ ન હતું, ત્યારે સજા ભોગવતી વખતે પોતાને કેન્સર હોવાનું પણ જાણવા મળ્યું. પરંતુ આ બધા પડકારો હોવા છતાં, સોલ્ઝેનિટ્સિનને પોતાના જીવન માટે વિશ્વને દોષ આપ્યો ન હતો. તેમણે સામ્યવાદી પક્ષને ટેકો આપવાની તેમની ભૂમિકા સ્વીકારી જેના કારણે તેમને જેલ થઈ હતી. તેમણે પોતાના મૃત્યુ પહેલા બચેલા સમયનો ઉપયોગ વિશ્વમાં કંઈક સારું અને અર્થપૂર્ણ યોગદાન આપવા માટે કરવાનું નક્કી કર્યું. સોલ્ઝેનિટ્સિને 'ધ ગુલાગ આર્કિપેલાગો' (1973) નામનું પુસ્તક લખ્યું હતું, જે સોવિયેત લેબર કેમ્પનો ઇતિહાસ આપે છે, જે તેમણે જાતે જ અનુભવ્યો હતો. તેમજ લોકો દ્વારા ત્યાં આચરવામાં આવતી ક્રૂરતાના દોષારોપણનો ઉલ્લેખ પણ છે. આ પુસ્તકે વિશ્વભરના બૌદ્ધિક વર્તુળોમાં સ્ટાલિનના સામ્યવાદની બ્રાંડના કોઈપણ વિલંબિત સમર્થનને ઓલવવામાં આવશ્યક/ચોક્કસ ભૂમિકા ભજવી હતી.

૭. બલિદાન એક અર્થપૂર્ણ કાર્ય બની શકે છે, અને આપણે તાત્કાલિક આનંદ/ત્વરિત પ્રસન્નતા કરતાં જીવનમાં અર્થ શોધવો જોઈએ

શું તમે એ વાંદરાની વાર્તા સાંભળી છે કે જેનો હાથ કૂકીની બરણીમાં ફસાઈ ગયો હતો જયારે તે કૂકીની બરણીમાંથી પોતાનો હાથ બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વાર્તા આ પ્રમાણે છે, એક ખુલ્લી બરણીની અંદર એક કૂકી બાકી હતી. આ બરણીના મોઢામાં વાંદરાનો હાથ પ્રવેશી શકે તેટલી જગ્યા હતી - પરંતુ કૂકી સાથે વાંદરાની મુઠ્ઠી બરણીમાંથી બહાર નીકળી શકે તેટલી જગ્યા ન હતી. તેથી, જો વાંદરો કૂકીને પકડી રાખવાનો આગ્રહ રાખશે, તો તેનો હાથ બરણીમાં ફસાઈ જશે. આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે લાલસા માટે કિંમત ચૂકવવી પડે છે: વાંદરાનો હાથ કૂકીની બરણીમાં ફસાઈ ગયો કારણ કે તે તેના હાથમાંથી કૂકી છોડવા ઇચ્છતો ન હતો. માનવ વર્તનથી આ કેટલું અલગ છે? કેટલાક લોકો દરરોજ એવા આનંદનો ભોગ કરે છે જે તેમના હિતમાં નથી? અને કેટલાક લોકો પોતાના હિતમાં બલિદાન આપવા તૈયાર નથી. વિશ્વને નિરાશાના ખાડા તરીકે જોવાથી એની એક આડ અસર એ થાય છે કે તે તાત્કાલિક આનંદ પર આધારિત જીવનને ન્યાયી/ઉચિત બનાવે છે. લોકો એવું માને છે કે આવો વિચાર તેમના મુશ્કેલીભર્યા જીવનને વધુ સહનશીલ બનાવશે. આ ઉપરાંત, માણસ એમ પણ વિચારે છે કે જો આવા તાત્કાલિક આનંદ માણસને ખુશ કરે છે, તો તે એટલું ખરાબ ન હોઈ શકે, બરાબર? અતિશય ખાવું-પીવું, માદક દ્રવ્યોનો ઉપયોગ, વ્યભિચાર અને અન્ય સ્વ-નુકસાનકારક વર્તણૂકો માટે મોટાભાગના લોકો આ તર્ક આપતા હોય છે. આ દલીલની બીજી બાજુ બલિદાનનો વિચાર છે. આ વિચાર દ્વારા માણસ વર્તમાનમાં કંઈક વસ્તુને છોડીને અથવા ત્યાગ કરીને ભવિષ્યમાં વધુ સારી વસ્તુઓનો લાભ મેળવે છે. આ વિચાર પ્રાચીનકાળ સાથે જોડાયેલો છે. જ્યારે આદિવાસીઓ શિયાળા દરમિયાન ખોરાકનો ઉપયોગ કરવા માટે અથવા સમુદાયમાં પોતે શિકાર અથવા ખેતી કરી શકતા ન હતા, તેમને મદદ કરવા માટે ખોરાકને બચાવીને સંઘરી રાખતા હતા. બાઇબલમાં પણ બલિદાનનો વિચાર સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે આદમ અને ઈવને સ્વર્ગમાંથી ભગવાન બહાર કાઢે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે તેમના મૂળ પાપને કારણે દરેક માણસને એક કઠોર અને ક્રૂર જીવનનો સામનો કરવો પડે છે. જો કે, જીવનમાં આપણા દુઃખને બલિદાન સાથે સરખાવી શકાય છે. અને આપણે બલિદાન આપવું જોઈએ જેથી આપણે પછીના જીવનમાં આનંદનો અનુભવ કરી શકીએ. આ વાત આપણને સાતમા નિયમ પર લાવે છે : તાત્કાલિક આનંદ/ત્વરિત પ્રસન્નતાને બદલે અર્થપૂર્ણ લક્ષ્યો શોધો. હવે, તમને લાગશે કે આ એક ખૂબ જ સરળ વિચાર છે અને મોટાભાગના લોકો પહેલેથી જ કરતા આવ્યા છે. આપણે પોતાના કામ પર જવા માટે આપણા સમયનું બલિદાન આપીએ છીએ અને ઘણા કલાકો મહેનત કરીએ છીએ જેથી પછીથી આપણે વેકેશન લઈ શકીએ અથવા ઉનાળામાં બીચ પર આરામ કરી શકીએ. પરંતુ આ વિચાર આપણા અંગત લાભ માટે બલિદાન આપવા કરતાં વધારે વિચારવા જેવો છે. આપણે સમાજના લાભ માટે કેટલીક નાની-મોટી વસ્તુઓનું બલિદાન આપી શકીએ છીએ અને જેટલું મોટું બલિદાન તેટલું વધુ સારું ફળ મળી શકે છે. આ વિચારને સ્પષ્ટ રીતે સમજવા માટે કમળના ફૂલનું ઉદાહરણ લઈએ. કમળનો છોડ તેના જીવનની શરૂઆત તળાવના તળિયે કરે છે, અને ધીરે-ધીરે તે અંધકારમાંથી બહાર આવે છે. અંતે તે પાણીની સપાટી પર પહોંચે છે અને સૂર્યનાં કિરણોમાં ખીલે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણે કંઈક એક કામ/વસ્તુ સાથે વળગી રહીએ અને આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે બલિદાન આપવા માટે તૈયાર રહીએ તો આપણને મહેનતનો પુરસ્કાર અવશ્ય મળશે.

૮. જૂઠું બોલવું એ પોતાની જાતને છેતરવાનું એક સામાન્ય સાધન છે, પરંતુ આપણે સત્યપૂર્ણ જીવન જીવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શે માનતા હતા કે કોઈ પણ વ્યક્તિ કેટલું જૂઠું સહન કરી શકે છે તેના આધારે વ્યક્તિનો ઉત્સાહ કેટલો મજબૂત છે તે માપી શકાય છે. જ્યારે આપણી સંસ્કૃતિમાં સત્યને ઘણીવાર એક કમૉડિટિ અર્થાત મૂલ્યવાન વસ્તુ ગણવામાં આવે છે, તેમ છતાં આપણે હંમેશા જૂઠું બોલીએ છીએ. આપણે આપણી જાત સાથે અને અન્ય લોકો સાથે જૂઠું બોલવાનું મુખ્ય કારણ આપણે જે જોઈએ છીએ તે મેળવવાની આપણી ઇચ્છા છે. ઑસ્ટ્રિયન મનોવૈજ્ઞાનિક આલ્ફ્રેડ એડ્લરે આપણી આ ઇચ્છાઓને 'લાઇફ- લાઇસ' (life-lies) તરીકે ઓળખાવે છે. 'લાઇફ- લાઇસ' એ એવી વસ્તુઓ છે જે આપણે કહીશું અને કરવાની ઇચ્છા ધરાવશું અને આ બિનઆયોજિત રીતે વિચારેલા ધ્યેયને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કરીશું. ઉદાહરણ તરીકે, તમે તમારી નિવૃત્તિને મેક્સિકોના એકાંત બીચ પર, માર્ગેરિટા પિઝાના અનંત સપ્લાય સાથેનું ચિત્રણ કરી શકો છો. આ પ્રકારનું લક્ષ્ય આકર્ષક હોઈ શકે છે. પરંતુ તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો કે આ સ્વપ્ન પ્રાપ્ત કરી શકાય તેવું છે, પછી ભલે તમારા જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને કે જે તમારા સ્વપ્નને વધુને વધુ દૂર લઈ જાય છે. તમને સૂર્ય, રેતી અને શરાબની એલર્જી પણ થઈ શકે છે, પરંતુ તમે આ સંપૂર્ણ યોજના વિશે તમારી જાત સાથે ખોટું બોલવાનું ચાલુ રાખશો. જો કે તે ખરેખર કોઈ યોજના જ નથી, કારણ કે તમે કોઈ નક્કર પગલાં ઓળખ્યાં નથી જે સંભવિતપણે તેને વાસ્તવિકતા બનાવી શકે. આ પ્રકારની ભ્રમણા ઘણીવાર આપણી જાતને મૂર્ખ બનાવવાની ક્ષમતા સાથે મળીને વિચારે છે કે આપણે જે જાણવાની જરૂર છે તે બધું આપણે પહેલેથી જ જાણીએ છીએ. આ એક ખૂબ જ મૂર્ખતાભર્યો પરિપ્રેક્ષ્ય છે, કારણ કે તે માણસની શીખવાની અને આગળ વધવાની કુદરતી ઇચ્છાને રોકી દે છે. જ્યારે તમે 'લાઈફ-લાઇ' જીવી રહ્યા હોવ અને સત્યને ઓળખવા માટે તૈયાર ન હો, ત્યારે ઘણી ખરાબ અને દુષ્ટ વસ્તુઓ થઈ શકે છે. જોન મિલ્ટનનું મહાકાવ્ય, 'પેરેડાઇસ લોસ્ટ’(1667) માં, લૂસિફરને એક સમજદાર (વાજબી) પાત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તે પોતાની જાત પર ખૂબ જ ગર્વ અનુભવે છે અને પોતાની પ્રતિભાઓથી આકર્ષિત થાય છે. એટલા માટે જ લૂસિફર અને તેના અનુયાયીઓ ભગવાનના અંતિમ સત્યને પડકાર ફેંકવાની હિંમત કરે છે, જેના પરિણામે ભગવાન તે બધાને સ્વર્ગમાંથી બહાર કાઢી મૂકે છે. આ આપણને નિયમ નંબર આઠ આપે છે : જૂઠું બોલવાનું બંધ કરો અને સત્યને અપનાવો. તમારે તમારા દરેક મહત્ત્વાકાંક્ષી ધ્યેયને છોડી દેવાની જરૂર નથી, પરંતુ તમારે અનુકૂલનક્ષમ બનવું જોઈએ જેથી કરીને તમારાં લક્ષ્યો વાસ્તવિક બને અને તેમાં સત્ય પણ પ્રતિબિંબિત થાય. તેથી, જેમ જેમ તમારી સમજ અને વિશ્વ-દૃષ્ટિ બદલાય છે, તેમ તમારાં લક્ષ્યો પણ બદલાય છે. અને જો તમારું જીવન ટ્રેક પર નથી, તો જે વર્તમાન સત્યને અનુસરી રહ્યા છો તેને પડકારવાનો સમય હોઈ શકે છે કારણ કે તેણે તમને નબળા, નકારેલા અથવા નકામા બનાવ્યા છે. તમારે તમારા અંગત સત્યની પુનઃ પુષ્ટિ કરવી જોઈએ જેથી કરીને તમે સાચા માર્ગ પર પાછા આવી શકો.

૯. વાર્તાલાપ/વાતચીત એ કંઈક શીખવાની અને આગળ વધવાની તક છે, સ્પર્ધાની નહિ.

પ્રાચીન ફિલસૂફ સોક્રેટિસ, તેમના મૃત્યુનાં હજારો વર્ષો પછી પણ, હજુ સુધી સૌથી બુદ્ધિમાન માણસોમાંના એક માનવામાં આવે છે. આનું એક કારણ એ તેમની માન્યતા હતી કે તે માત્ર એક જ વસ્તુ વિશે ચોક્કસ હતા કે તેઓ કંઈ જાણતા ન હતા. આ તેમની વાતચીત માટેની પ્રેરક શક્તિ હતી અને તેમને કંઈક નવું શીખવા માટે પ્રોત્સાહિત પણ કરતી હતી. જ્યારે આપણે જેન્યુઇન વાતચીતમાં ભાગ લઈએ, ત્યારે તે વિચારવાની પ્રક્રિયા જેવી જ હોવી જોઈએ. વસ્તુઓ પર વિચારવું એ અનિવાર્યપણે પોતાની જાતને સાંભળવું છે કારણ કે આ સમય દરમ્યાન આપણે કોઈ મુદ્દાની બંને બાજુઓનું અન્વેષણ કરતા હોઈએ છીએ. તેથી, એક રીતે, આપણે આપણો પોતાનો આંતરિક સંવાદ બનાવી રહ્યા છીએ. આ કામ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે વ્યક્તિએ દલીલની બંને બાજુઓને સચોટ રીતે રજૂ કરવાની છે અને તેની સાથે નિષ્કર્ષનો ઉદ્દેશ્ય પણ રહે છે. આ કારણને લીધે જ લોકો એકબીજા સાથે વાત-ચીત કરે છે જેથી કરીને તેઓ મુદ્દાની બંને બાજુઓ વધુ સરળતાથી રજૂ કરી શકે, સમજી શકે અને કોઈ નિષ્કર્ષ પર આવી શકે. બાળકો પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરશે: જો કોઈ એક બાળક વિચારે કે છત પર રમવામાં મજા આવશે, તો તે આ વિચાર પોતાના મિત્રને જણાવશે. ત્યારબાદ આ વિચારનાં જોખમો પણ બંને બાળકો વિચારશે. જે વાતચીત થાય છે તે બાળકને મૂળ વિચાર સાથે નવા પરિપ્રેક્ષ્ય પણ આપે છે. બંને બાળકો એ વાતને ધ્યાનમાં લે છે કે કોઈ વ્યક્તિ છત પરથી પડીને પોતાને નુકસાન પહોંચાડે તેવી શક્યતા કેટલી છે અને આ રીતે યોગ્ય નિર્ણય લેવાની આશા આપશે. જો કે, વાતચીત ઘણીવાર આ રીતે થતી નથી. તેના બદલે, એક વ્યક્તિ - અથવા કદાચ બંને વ્યક્તિઓ - સંવાદને સાંભળવાનો ઇનકાર કરશે. બંને લોકો સંવાદને એક સ્પર્ધા તરીકે માનશે જે તેમને જીતવાની જરૂર છે અને આમ તેમની પૂર્વધારણાઓને માન્યતા મળી શકશે. તેથી, બીજી વ્યક્તિ શું કહેવા માંગે છે તે સાંભળવાને બદલે, તેઓ આગળ શું બોલવું તે વિશે વિચારશે અથવા એવું વર્તન કરશે જેમ કે તે એકબીજાથી આગળ વધવાની હરીફાઈમાં છે. તેથી જ નવમો નિયમ એ છે કે આપણે બીજા લોકો પાસેથી કંઈક શીખવાનું છે એવું માનીને અન્ય લોકો શું કહે છે તે સાંભળવું જોઈએ. સારા કૉન્વર્સેશનલિસ્ટ (વાતડાહ્યા) બનવા માટે એક સરળ ટિપ એ છે કે બીજી વ્યક્તિ શું કહે છે તે સાંભળો અને પછી તેની વાતનો સારાંશ આપો, અથવા બીજી વ્યક્તિએ જે કહ્યું તેને સંક્ષિપ્તમાં રજૂ કરો. આનાથી બહુવિધ હેતુઓ પૂરા થાય છે: સૌથી પેહલા ખાતરી થશે કે તમે વસ્તુઓ યોગ્ય રીતે સાંભળી છે, અને તેની સાથે-સાથે તમારી સ્મૃતિમાં પણ આ વસ્તુઓ યાદ રહેશે. અને તમારા વાર્તાલાપના દૃષ્ટિકોણને અનુરૂપ વિગતોને વિકૃત અથવા વધુ સરળ બનાવવાની સંભાવનાને પણ ઘટાડે છે. કેટલીકવાર સત્ય દુઃખ પહોંચાડે છે, અને તેની માહિતી લેવી પીડાદાયક બને છે કારણ કે આના પછી તમારે તમારા વિચારો અને પૂર્વધારણાઓ બદલવાં પડશે.પરંતુ આ તો એક કિંમત છે જે તમે શીખવાની અને જીવનમાં આગળ વધવાની સુંદર પ્રક્રિયાના ભાગરૂપે ચૂકવો છો.

૧૦. જીવનની જટિલતાનો સામનો સ્પષ્ટ અને સચોટ ભાષા સાથે કરવો જોઈએ

જીવન ખરેખર એક વિપુલ અને જટિલ ટેપિસ્ટ્રી સમાન છે, અને તેમ છતાં આપણે ફક્ત તે જ અલગ ભાગોને જોવાનું વલણ રાખીએ છીએ જે આપણે જોવાની જરૂર છે. જો તમે ચાલતા હો અને જમીન પર સફરજન દેખાય,તો તમે કદાચ સફરજન પડતા પહેલા તેની સાથે જોડાયેલી ડાળી, ઝાડ, તેનાં મૂળ અને જમીનમાં રહેલી માટી વિશે વિચારશો નહીં. તેનું કારણ એ છે કે આપણે ફક્ત તે વસ્તુઓને ઓળખવા અથવા તેના પર ધ્યાન આપવાનું વલણ રાખીએ છીએ જે કાં તો આપણા માટે ઉપયોગી છે અથવા આપણા માર્ગમાં ઊભી છે. જમીન પર પડેલું સફરજન આપણું ધ્યાન ખેંચે છે કારણ કે તે ખોરાક અને પોષકનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આપણે વૃક્ષ અને માટીને ધ્યાનમાં લેતા નથી કારણ કે તે આપણી જરૂરિયાતોને સંતોષવામાં કોઈ કામનાં નથી. અલબત્ત, આપણે દરેક સમયે દરેક વસ્તુ વિશે વિચારી શકતા નથી - વિશ્વ તેના માટે ખૂબ જટિલ છે. તેથી આપણું મન વસ્તુઓને સરળ બનાવે છે અને આ પ્રક્રિયાથી જીવનમાં આગળ વધવાનું પણ સરળ બને છે. જો કે, દરેક સમયે, કેટલીક એવી વસ્તુઓ બને છે જે વિશ્વની આપણી કલ્પનાને તોડી નાખે છે. અને આ વસ્તુઓમાં સંપૂર્ણ અવ્યવસ્થા ઉત્પન્ન કરી શકે છે. આ કારણે દસમો નિયમ અત્યંત મહત્ત્વપૂર્ણ છે: પ્રિસાઈસ28 ભાષાનો ઉપયોગ કરો. આ નિયમ આપણને કેવી રીતે મદદ કરી શકે છે? તમે "કાર" શબ્દનો વિચાર કરો. તમે જાણો છો કે કાર શું છે? તે એક વાહન છે જે તમને બિંદુ Aથી બિંદુ B તરફ લઈ જાય છે. પરંતુ જ્યારે આ વાહન બિંદુ A અને બિંદુ B વચ્ચે અડધા રસ્તે બંધ પડી જાય છે, ત્યારે શું તમે જાણો છો કે આ કાર કઈ રીતે કામ કરે છે? શું તમે બોનેટ ખોલીને કારની અંદર રહેલી ગૂંચવણથી ભરેલી મશીનરીના આ ભાગને ઠીક કરી શકો છો? જ્યારે તમારી કાર બંધ થઈ જાય છે, ત્યારે તમને કારને શાપ આપવાની પ્રાથમિક ઇચ્છા થાય અને કદાચ હવે તમે કારને લાત પણ મારશો કારણકે હવે તે કાર એક સરળ વસ્તુ/મશીન રહી નથી. જ્યારે વસ્તુઓ જટિલ અને અસ્તવ્યસ્ત બને છે ત્યારે આવો સ્વભાવ જોવા મળે છે. તેથી, સ્થિતિ પર પુનઃ કાબુ મેળવવા માટે, તમારે કારમાં શું ખોટું થયું છે તે સ્પષ્ટ અને ચોક્કસ રીતે સમજાવીને ઓર્ડર પુનઃસ્થાપિત કરવો આવશ્યક બને છે. જ્યારે તમારા શરીરમાં વ્યાધિ થાય છે અને તમે બીમાર પડો ત્યારે આ જ વસ્તુને અનુસરવાની જરૂર છે. તમારે તમારા ડૉક્ટરને ચોક્કસ લક્ષણો જણાવવાની જરૂર છે કારણકે આ સમય દરમ્યાન તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોઈ શકે છે. શું તમારું પેટ દુખે છે કે તમને તાવ છે? તમે કંઈક ખાધા પછી તે શરૂ થયું? તમે શું ખાધું હતું? આમ ચોક્કસ/પ્રિસાઈસ રહેવાથી, તમે ઓર્ડર પુનઃસ્થાપિત કરી શકો છો અને વધુ સારું અનુભવવાનું શરૂ કરી શકો છો. સચોટ/પ્રિસાઈસ ભાષા તમારા સંબંધોને વધુ સરળ રીતે સાચવી શકે છે. શું તમારો સાથી એવું કંઈક કરે છે જે તમને પરેશાન કરે છે, જેમ કે તે પોતાની જાતે સાફ-સફાઈ રાખવામાં નિષ્ફળ થાય છે? તમે તમારા સાથી સાથે જેટલા વહેલા પ્રામાણિક અને ચોક્કસ બનશો, જીવન એટલું સરળ બનશે.

૧૧. આ જગતમાં ખરાબ અને જુલમી માણસો/પુરુષો છે, પરંતુ આપણે માણસના સ્વભાવને દબાવવાનું ટાળવું જોઈએ.

જ્યોર્જ ઓરવેલની 'ધ રોડ ટુ વિગન પિયર' (1936)માં લેખક એવા નિષ્કર્ષ પર આવે છે કે સમાજવાદ ઇંગ્લેન્ડમાં ડિફેન્ડર્સને આકર્ષી રહ્યો હતો. તેઓ ખાણિયાઓ દ્વારા સામનો કરવામાં આવતી કઠોર પરિસ્થિતિઓ પ્રત્યેની સહાનુભૂતિને કારણે નહીં, પરંતુ શ્રીમંત અને શક્તિશાળી લોકો પ્રત્યેના તિરસ્કારને કારણે ઇંગ્લેન્ડ આવ્યા હતા. આજે, પિતૃસત્તા તરીકે ઓળખાતા પુરુષપ્રધાન નેતૃત્વ પ્રત્યે સમાન વલણ જોવા મળે છે. પિતૃસત્તા માટેના આ તિરસ્કારનો એક પ્રભાવશાળી સ્ત્રોત માર્ક્સવાદ આધારિત ફ્રેન્કફર્ટ સ્કૂલના મેક્સ હોર્કેહાઇમર છે, જે કહેવાતા "ક્રિટિકલ થિયરી"ના સમર્થક છે. તેઓ માનતા હતા કે શિક્ષણ અને બૌદ્ધિકતાએ સામાજિક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે કામ કરવાને બદલે, તેમણે સંસ્કૃતિમાં શક્તિશાળી દમનકારીઓ - એટલે કે શાસક પુરુષોનો સામનો કરવો જોઈએ અને તેનો નાશ કરવો જોઈએ. તેવી જ રીતે, આજે વિશ્વભરના હ્યુમેનિટીઝના અભ્યાસક્રમોમાં, આગ્રહણીય રાજકીય પગલાં માચો સંસ્કૃતિને નાબૂદ કરવાના છે. બધું ઠીક/સારું કરવા અથવા બનાવવાને બદલે નાશ કરવા વિશે છે, અને લેખકના મતે, તે આપણને પુરૂષ વર્તન પર નિર્દેશિત આક્રોશ સાથે ભરી દે છે જે અતિશય કઠોર અને દીર્ઘ-દૃષ્ટિ વગરનું બની શકે છે. ઉદાહરણ તરીકે, ઘણા પુરૂષ વિદ્યાર્થીઓ નિયમિતપણે પિતૃસત્તાનો ભાગ હોવાના પ્રતિકૂળ આરોપોનો સામનો કરે છે - પરંતુ ન્યાયી પરિવર્તનના માર્ગે દરેક પુરૂષને સંભવિત લૈંગિક અપરાધી ગણવો જોઈએ નહીં. જ્યારે તે પણ સાચું છે કે ઘણા પુરુષોએ ઠપકાપાત્ર દુ:ખદ વર્તન કર્યું છે. લેખક દલીલ કરે છે કે પુરુષોએ પોતાના સ્વાભાવિક રીતે આક્રમક વલણનો સારા માટે પણ ઉપયોગ કર્યો છે, જેમ કે સ્પર્ધામાં ભાગ લેવો, જોખમી ક્ષેત્રોની શોધખોળ કરવી અને ખૂબ જ જરૂરી પ્રગતિ કરવી. લેખક આ સમયે સ્કેટબોર્ડર્સને યાદ કરે છે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના કેમ્પસની કેટલીક ઇમારતોની બહાર, ઘણાં અદ્ભુત સ્કેટબોર્ડર્સ પ્રશંસનીય નિર્ભયતા અને જોખમને સ્વીકારવાની ઇચ્છા દર્શાવતા હતાં. પરંતુ શહેરના અધિકારીઓએ કેમ્પસમાં સ્કેટબોર્ડિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. આ આપણને નિયમ નંબર 11 પર લાવે છે: સ્કેટબોર્ડિંગ કરતા યુવાનોને પરેશાન કરવા જોઈએ નહીં. આપણે એવા નિયમો સ્થાપિત કરી શકતા નથી કે જે આપણા માણસ તરીકેના સ્વભાવની વિરુદ્ધ જાય. આપણા દ્વારા ઘડેલા નિયમો ચોક્કસપણે આપણું રક્ષણ કરતા હોવા જોઈએ, પરંતુ આ રક્ષણ લોકોમાંના સારા ગુણોને દબાવી દે તેવી રીતે ન કરવું જોઈએ. જ્યારે પુરૂષો પાસેથી તેમના પુરૂષત્વને છીનવી લેવાય છે ત્યારે શું થઈ શકે છે તે અંગે આપણે કાલ્પનિક દૃશ્યો જોયાં છે. 'ફાઇટ ક્લબ'ની વાર્તા આપણને બતાવે છે તેમ, આક્રમકતા પ્રતિબંધિત ફળ બની શકે છે જે ફાંસીવાદી વલણમાં પોતાને પ્રગટ કરે છે. જમણેરી રાજનીતિનું વર્તમાન પુનરુત્થાન એ પણ ઇમૅસ્ક્યુલેશની વાસ્તવિક-વિશ્વમાં દેખાતી પ્રતિક્રિયા છે. સત્ય એ છે કે, સ્ત્રીઓ એવું ઇચ્છતી નથી કે છોકરાઓ પોતાને માટે વસ્તુઓ શીખવાની અને સ્વતંત્ર બનવાની તક વિના મોટા થાય. લેખક કહે છે કે દરેક છોકરાની એક મમ્મી હોય છે, અને આશ્રિત પુરુષ-બાળકની સંભાળ ક્યા પ્રકારની મમ્મી લેવા માંગે છે?

૧૨. જીવન કઠિન પરિસ્થિતિઓ અને દુ:ખથી ભરેલું છે, તેથી જીવનમાં નાની નાની ખુશીઓ ઉજવવી મહત્ત્વપૂર્ણ છે.

શું તમારે ક્યારેય બીમાર વ્યક્તિની સંભાળ લેવી પડી છે? તે જીવનના સૌથી મુશ્કેલ પડકારોમાંથી એક હોઈ શકે છે. લેખકની પુત્રી છ વર્ષની હતી ત્યારથી ગંભીર આર્થ્રાઇટિસનો સામનો કરી રહી છે. તે સતત પીડામાંથી પસાર થઈ છે. લેખકની પુત્રીને વારંવાર ઈન્જેક્શન લેવાં પડતાં હતાં અને જૉઇન્ટ રિપ્લેસમેન્ટ માટે ઘણી સર્જરીઓમાંથી પસાર થવું પડતું હતું. જો તમારી પોતાની પુત્રી આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય, તો તમે વિચારશો કે જીવન તમારી સાથે અન્યાયી છે. પરંતુ પીડા, વેદના અને દુ:ખના અંધકારથી ભરેલા ટુકડાઓ સારી ક્ષણોને મૂલ્યવાન બનાવે છે તેને ઓળખવા મહત્ત્વપૂર્ણ છે. આ વાત સમજવા માટે સુપરમેનના ઉદાહરણનો વિચાર કરો. જ્યારે આ પાત્રને પહેલીવાર રજૂ કરવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. પરંતુ તે પછી, કોમિક બુકના લેખકો તેને પાવર પછી પાવર આપતા રહ્યા જ્યાં સુધી તે વર્ચ્યુઅલ રીતે અજેય ન થયો. સ્વાભાવિક રીતે, વાચકોને સુપરમેન સુપરબોરીંગ (કંટાળાજનક) લાગવા લાગે છે. જો સુપરમેની સામે કોઈ જોખમ અથવા ભય નથી, તો સુપરમેનની જીત ખોખલી બને છે. અને તે જ રીતે, જીવનની સારી ક્ષણો અર્થહીન બને જો આપણે તેમના સુધી પહોંચવા માટે મુશ્કેલીઓ અને વેદનાઓમાંથી લડવું ન પડે. તેથી જ નિયમ 12નું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે: જીવન જે નાનામાં નાની ખુશીની પળ આપે છે તેને પણ શ્રેષ્ઠ બનાવી, તેનો આનંદ માણવો જોઈએ. આ નિયમને અનુસરીને, તમે જીવનને સ્વીકારશો અને તમારા જીવનમાં આવતી દરેક સારી વસ્તુની પ્રશંસા કરશો. સાથે-સાથે મુશ્કેલ સમયમાંથી પસાર થવાની ક્ષમતા પણ મળશે, પછી ભલે તે લાંબા સમય સુધી હોય. વર્ષોની પીડા અને અગવડ ભોગવ્યા પછી, લેખકની પુત્રીને આખરે એક નવો ફિઝિયોથેરાપિસ્ટ મળે છે જેણે લેખકની પુત્રીને વધુ ગતિશીલતા આપી. લેખકની પુત્રીનું જીવન સામાન્ય વ્યક્તિ જેવું થવા લાગ્યું અને પીડા પણ ઓછી થવા લાગી. તેમના આગળના જીવનમાં વધુ ગૂંચવણો હોઈ શકે છે, પરંતુ તેઓ બંને તેમના જીવનમાં હાલના સુધારાઓનો આનંદ માણે છે અને ખુશ પણ છે. જીવનમાં આ શ્રેષ્ઠ વલણ બની શકે છે. આ એ પ્રકારનું વલણ છે જેમાં તમે સમય કાઢીને ઊભા રહો છો કારણ કે તમારે ફૂટપાથ પર જોયેલી બિલાડીને વહાલ કરવું છે. યાદ રાખો,રાતના અંધકાર વિના દિવસનું કોઈ અસ્તિત્વ નથી, જેમ અરાજકતા વિના કોઈ વ્યવસ્થા નથી. જીવનમાં દુઃખ તો છે જ, પરંતુ તે જ આપણી દૃઢતાને અર્થ આપે છે અને શાંતિની ક્ષણોને ખૂબ લાભદાયી બનાવે છે.


સારાંશ

"જીવનના 12 નિયમો" એ મનોવૈજ્ઞાનિક જોર્ડન બી. પીટરસન દ્વારા લખાયેલ સેલ્ફ હેલ્પ પુસ્તક છે. આ પુસ્તક જીવનના પડકારોને કેવી રીતે નકારવા અને જીવનમાં અર્થ અને હેતુ કેવી રીતે શોધવો તે અંગે વ્યવહારુ સલાહ અને આંતરદૃષ્ટિ આપે છે. આ પુસ્તકમાં 12 નિયમો અથવા સિદ્ધાંતો છે જે પીટરસન માને છે કે માણસને વધુ પરિપૂર્ણ જીવન જીવવામાં મદદ કરી શકે છે. આ નિયમો જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લે છે, જેમાં વ્યક્તિગત જવાબદારી, પ્રતિકૂળતાઓનો સામનો કરવો, અર્થપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા, સંતુલન શોધવા અને સાથે-સાથે વ્યક્તિગત વિકાસને અનુસરવાનો સમાવેશ પણ થાય છે. પીટરસન મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, પૌરાણિક કથાઓ અને વ્યક્તિગત ટુચકાઓ/પ્રસંગો સહિતના સ્ત્રોતોની શ્રેણી પર ધ્યાન દોરે છે, જે વાચકોને તેમના જીવનમાં સલાહ અને સુધારણા માટે વિચાર-પ્રેરક માર્ગદર્શિકા આપે છે.

કેટલાંક નોંધપાત્ર અવતરણો:

જોર્ડન બી. પીટરસન દ્વારા "જીવન માટેના 12 નિયમો" માંથી અહીં કેટલાંક નોંધપાત્ર અવતરણો છે: "તમારે પોતાની જાત સાથે સરખામણી કરવી જોઈએ કે તમે ગઈકાલ કરતાં અત્યારે જીવનમાં આગળ વધ્યા છો કે નહીં. બીજા સાથે પોતાની સરખામણી કરવી જોઈએ નહીં"

"વિશ્વની ટીકા કરતાં પહેલા પોતાના ઘરને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરો."

"લોકોને રિઝિલિઅન્ટ બનાવા માટે તમારે તેમને સ્વૈચ્છિક રીતે એવી વસ્તુઓનો સંપર્ક કરવો પડે કે જેનાથી તેઓ ડરતા હોય અને જે તેમને અસ્વસ્થ બનાવે છે."

"તમે જે બની શકો છો એ બધું તમે નથી,અને તમે આ વાત જાણો છો."

"તમે નફરત કરતા હોવ તેવી વસ્તુઓ ન કરો." "સીધા ખભા સાથે પાછા ઊભા રહેવાનો અર્થ જીવનની ભયંકર જવાબદારી, આંખો ખુલ્લી રાખીને સ્વીકારવાનું છે."

"તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તે એ પણ નક્કી કરે છે કે તમે શું જુઓ છો."

"જીવનનો હેતુ એ સૌથી મોટો બોજ શોધવાનો છે, જે તમે સહન કરી શકો છો"

"તમારી જાત સાથે એવી રીતે વર્તો જેમ કે તમે કોઈ બીજા વ્યક્તિ છો જેની મદદ માટે તમે પોતે જવાબદાર છો."

"તમારા માટે શ્રેષ્ઠ ઇચ્છતા લોકો સાથે મિત્રતા કેળવો."

"તમારા બાળકોને એવું કંઈ ન કરવા દો જેનાથી તમે તેને નાપસંદ કરો."

"વિશ્વમાં દુઃખ ઘટાડવા માટે તમે તમારા દુઃખને ઘટાડી શકો છો, અને પોતાનું દુઃખ ઘટાડવા માટે તમે સ્વેચ્છાએ મુશ્કેલ કાર્યો હાથ ધરી શકો છો." આ અવતરણો પુસ્તકમાં અન્વેષણ કરાયેલ કેટલીક મુખ્ય થીમ્સ અને વિચારોને આવરી લે છે. તે વ્યક્તિગત જવાબદારી, સ્વ-સુધારણા, રિઝિલિયન્સ અને અર્થની શોધ પર ભાર મૂકે છે.