21 Lessons for the 21st Century

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


21 Lessons for the 21st Century.jpg


21 Lessons for the 21st Century

Yuval Noah Harari

એકવીસમી સદી માટે એકવીસ બોધ

તોળાતા ભવિષ્ય સામે આત્મરક્ષણની તૈયારી
યુવલ નોઆ હરારી


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: હેમાંગ દેસાઈ


લેખક પરિચય:

Yuval Noah Harari-2.jpg

ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં પીએચડીની ઉપાધિ મેળવનાર યુવલ નોઆ હરારી સેપિયન્સ: માનવજાતનો સંક્ષિપ્ત ઇતિહાસ અને હોમો ડીયસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ જેવાં લોકપ્રિય પુસ્તકોના લેખક છે. 50થી વધુ ભાષાઓમાં અનુવાદ થયલાં એમનાં પુસ્તકોની વિશ્વભરમાં 12 મિલિયનથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.

પુસ્તક વિશે:

એકવીસમી સદી માટે એકવીસ બોધ (2018) માનવ સભ્યતા સામે ઊભા થયેલા પડકારરૂપ પ્રશ્નોની એક ચોટદાર, આલોચનાત્મક તપાસ છે. આજે માનવજાત ઉત્તરોત્તર તદ્દન અજાણ્યા તકનિકી અને સામાજિક પરિવેશની ગર્તામાં ઊંડે-ઊંડે ધકેલાઈ રહી છે. એક રીતે પ્રસ્તુત પુસ્તક, સાંપ્રત સંદર્ભો અને રસપ્રદ ઉદાહરણો થકી, સતત પરિવર્તનની આ સદીમાં શ્રેષ્ઠતમ જીવનનિર્વાહનું પ્રદર્શન કરે છે.

આ પુસ્તક કોના માટે છે?

• કરંટ અફેર્સના રસિયા • સૂક્ષ્મબોધ શોધતા ઇતિહાસપ્રેમીઓ • વૈશ્વિક સમસ્યાઓ પર એક નવો અને બૃહદ પરિચય મેળવવા મથતા વિચારકો

પૂર્વભૂમિકા:

એમાં મારા રસનું શું છે? એકવીસમી સદીમાં માનવતા પર તોળાઈ રહેલા વરવા ભવિષ્ય સામે આત્મરક્ષણની રૂપરેખા છે અહીં.

અવિરત પરિવર્તન અને અનિશ્ચિત ભવિષ્યના આ કપરા યુગમાં, વ્યક્તિ તથા સરકાર સમાન રીતે એકવીસમી સદીની વિશિષ્ટ તકનિકી, રાજકીય અને સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે. ભયાનક રીતે બુદ્ધિશાળી બની ગયેલાં કમ્પ્યુટર, વૈશ્વિકરણ અને રોગચાળાની વિશે ફાટી નીકળતાં ફેંક ન્યૂઝ (જુઠ્ઠાણાં) વગેરે આધુનિક ઘટનાઓને આપણે કેવી રીતે જોઈ-સંબોધી શકીએ? અને આતંકવાદના ખતરાને - આપણે ઊંડા શ્વાસ લઈને ધ્યાનમાં બેસી જઈશું કે પછી એને નાથવા સત્વરે પગલાં લઈશું?

આ પુસ્તકમાં, આવા અને બીજા અનેક પ્રશ્નોના જવાબ મળશે. શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલી તમારાં બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરી શકાય, રોબોટ્સ અને ઓટોમેશનના વ્હાઇટ-કોલર નોકરીઓના ભાવિ સંબંધે સૂચિતાર્થ શું છે? દેશાગમનના (ઇમિગ્રેશન) નાજુક પ્રશ્ને કેવી રીતે એકવીસમી સદીના યુરોપના વિનાશની ભીતિ સેવાઈ રહી છે? વગેરે કૂટપ્રશ્નોનો ઊકેલ આ પુસ્તકમાંથી મળી શકશે.

આવા દિલચસ્પ અને દારુણ યુગનો સામનો કરવા લેખક યુવલ નોઆ હરારીએ કેટલાક મહત્ત્વપૂર્ણ પાઠ તૈયાર કર્યા છે. આ વિચારબોધમાંથી મુખ્યત્વે છ નિર્ણાયક મુદ્દાઓ તારવી શકાય છે.

આ મુદ્દાઓનું વિશ્લેષણ આપણને નીચેની બાબતો પર ચિંતન કરવાની ફરજ પાડશે.

- તકનિકી ભંગાણ બ્રેક્ઝિટ માટે શી રીતે જવાબદાર છે. - શા માટે આપણે આતંકવાદીઓ કરતાં કારથી વધારે ડરવાની જરૂર છે. - આજની તારીખમાં શા માટે આપણે આપણાં બાળકોને ઓછું ભણાવવાની જરૂર છે.

અગત્યના મુદ્દાઓ:

૧. કમ્પ્યુટર ટેક્નોલોજી આપણી આર્થિક, નાણાંકીય અને રાજકીય વ્યવસ્થાઓમાં વિક્ષેપ ઊભો કરી રહી છે.

વીસમી સદીમાં વૈશ્વિક સર્વોપરિતા માટે ત્રણ અલગ-અલગ રાજકીય વિચારધારાઓ વચ્ચે યુદ્ધ છેડાયું - સામ્યવાદ, ફાંસીવાદ અને ઉદારવાદ. ફાસ્ટ-ફોરવર્ડ કરી વીસમી સદીના ઉત્તરાર્ધ તરફ આવતા જણાશે કે લોકશાહી, મુક્ત સાહસ અને વ્યક્તિગત સ્વતંત્રતાની તરફેણ કરતા ઉદારવાદને સ્પષ્ટ વિજેતા જાહેર કરવામાં આવ્યો. પણ પશ્ચિમની ઉદાર-લોકતાંત્રિક વ્યવસ્થા એકવીસમી સદીમાં એનો કેવી રીતે સામનો કરશે? ખેદજનક રીતે, એના જીવનસૂચક સંકેતો ઉત્સાહજનક નથી - અને એના માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આવેલી ક્રાંતિ જવાબદાર છે. દાવાપૂર્વક કહી શકાય કે 1990ના દાયકાથી, કમ્પ્યુટર ટેક્નોલોજીએ અન્ય પરિબળોની સરખામણીએ આખા વિશ્વમાં કલ્પનાતીત પરિવર્તન આણ્યું છે. પરંતુ તેની વ્યાપક અસરોની જાણકારી હોવા છતાં, મોટાભાગના રાજકારણીઓ આ નવીનતાને નિયંત્રિત કરવાની વાત તો જવા દો, એની આંટીઘૂંટીઓને સમજી શકવા પણ ભાગ્યે જ સક્ષમ હોય તેવું લાગે છે. જરા ફાઇનાન્સની દુનિયાનો જ વિચાર કરો. કમ્પ્યુટરે આપણી નાણાકીય વ્યવસ્થાઓને ભયંકર જટિલ બનાવી મૂકી છે - એ હદે કે આજની તારીખમાં બહુ ઓછા લોકો એની આંતરિક હિલચાલ અને કાર્યશૈલી સમજી શકે છે. એકવીસમી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કૂદકે ને ભૂસકે વધતા પ્રભાવ અને પ્રસાર હેઠળ, માનવજાત એ તબક્કે પહોંચી જશે જ્યાં કોઈ પણ વ્યક્તિ નાણાકીય ડેટાનું અર્થઘટન નહિ કરી શકે. આપણી રાજકીય પ્રક્રિયાઓ માટે આવો માહોલ ચિંતાજનક છે. એક એવા ભવિષ્યની કલ્પના કરો જેમાં સરકારોએ તેમનાં બજેટ કે કરસુધારા સંબંધી યોજનાઓને અમલી બનાવવા અલ્ગોરિધમ્સની લીલીઝંડીની ધૈર્યપૂર્વક રાહ જોવી પડશે. કમનસીબે, એકવીસમી સદીના રાજકારણીઓ માટે તકનિકી વિક્ષેપ એટલો અગત્યનો મુદ્દો નથી. દાખલા તરીકે, 2016ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી દરમિયાન, ન તો ડોનાલ્ડ ટ્રમ્પ કે ન હિલેરી ક્લિન્ટને ઓટોમેશનને કારણે થયેલી નોકરીની ખુવારીની ચર્ચા કરી હતી. હકીકતમાં, એ સમયે વિક્ષેપકારક ટેકનોલોજીની ખરી ચર્ચા - જો કોઈ થઈ હોય તો એ - થયેલી હિલેરી ક્લિન્ટનના ઈમેઈલ કૌભાંડના સંદર્ભમાં. મૌનની આ પ્રચંડ દીવાલ મતદારોના સ્થાપિત સરકારોમાંથી ઊઠતાં જતા વિશ્વાસનું મુખ્ય કારણ છે. પશ્ચિમી વિશ્વની ઉદાર લોકશાહીઓમાં વસતા સામાન્ય લોકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્લોબલાઇઝેશન અને મશીન લર્નિંગની આ નવી દુનિયામાં ઉત્તરોત્તર અનાવશ્યક બની ગયાની અનુભૂતિ થઇ રહી છે. અપ્રસ્તુત અને ત્યાજ્ય બની ગયાનો ડર તેમને, મોડું થઈ જાય એ પહેલાં, શક્ય એટલી બધી રાજકીય સત્તા અખત્યાર કરવા મજબૂત કરી રહ્યો છે. વિશ્વાસ નથી બેસતો? જરા 2016ના રાજકીય ભૂકંપો પર એક નજર નાખોને. યુ. કે. માં બ્રેક્ઝિટ અને યુ. એસ.માં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી, બંનેને સામાન્ય લોકોના એક એવા સમૂહનો ટેકો હતો જેને ચિંતા હતી કે દુનિયા અને તેની પ્રભાવશાળી ઉદારવાદી રાજકીય વ્યવસ્થાઓ તેમને રેઢાં મૂકી રહી છે. વીસમી સદી દરમિયાન, સામાન્ય કામદારો આર્થિક ભદ્ર વર્ગ દ્વારા કરાતાં શ્રમના શોષણ વિશે ચિંતિત હતા. પરંતુ આજે, જનતાને ઉચ્ચ-તકનિકી અર્થતંત્રમાં - જેને હવે તેની મજૂરીની જરૂર નથી - પોતાની આર્થિક હેસિયત ગુમાવી બેસવાનો ડર સતાવે છે.

૨. ન્યુરોસાયન્સનાં ક્ષેત્રમાં થઈ રહેલી નવી શોધો કમ્પ્યુટરને આપણી નોકરીઓ પર તરાપ મારવા સક્ષમ બનાવી રહી છે.

મોટાભાગના નિષ્ણાતોમાં એ વાતે સહમતિ છે કે એકવીસમી સદીમાં રોબોટિક્સ અને મશીન લર્નિંગ લગભગ તમામ કામોની રૂપરેખા બદલી નાખશે, આમ છતાં આ બદલાવ કેવો હશે તેનું આપણે અનુમાન કરી શકતા નથી. આગામી વીસ વર્ષોમાં અબજો લોકો પોતાને આર્થિક રીતે અપ્રસ્તુત માનવા લાગશે કે પછી ઓટોમેશન બધા માટે વ્યાપક સમૃદ્ધિ અને નવી નોકરીઓમાં પરિણમશે? ઘણા આશાવાદીઓ આંગળી ચીંધે છે; ઓગણીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ તરફ, જયારે નવી મશીન ટેકનોલોજીને કારણે સામૂહિક બેરોજગારી સર્જાવાનો ભય વ્યાપક હતો. તેઓના મત મુજબ, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી જ નવી ટેક્નોલોજીએ લુપ્ત થતી પ્રત્યેક નોકરી સામે એક નવી નોકરી ઊભી કરી આપી છે. બદનસીબે, એવું માનવા માટે પૂરતાં કારણ છે કે, એકવીસમી સદીમાં નવી ટેકનોલોજીની રોજગાર પર થનારી અસરો તુલનાત્મક રીતે વધુ વિનાશક હશે. ચાલો, માત્ર એક જ તથ્યને કેન્દ્રમાં રાખી ચકાસણી કરીએ. મનુષ્યમાં બે પ્રકારની ક્ષમતાઓ હોય છે - જ્ઞાનાત્મક અને ભૌતિક. અગાઉની ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં, મહદંશે માણસોની મશીન સાથેની સ્પર્ધાનું ક્ષેત્ર હતું શારીરિક ક્ષમતાઓનું ક્ષેત્ર. તે દરમિયાન મશીનો આપણી ઉત્કૃષ્ટ જ્ઞાનાત્મક ક્ષમતાઓ સામે પાણી ભરતાં જણાયાં. આથી કરીને, ઉદ્યોગ અને કૃષિમાં હાથકારીગરીનાં કામોમાં ઓટોમેશન થયું ત્યારે પણ ત્યાં સમાનાંતર રોજગારની નવી તકો ઊભી થઈ, એવી નોકરીઓ કે જેમાં વિશ્લેષણ, સંચાર અને શિક્ષણ જેવાં માનવીય જ્ઞાનાત્મક કૌશલની જરૂર હતી. પરંતુ એકવીસમી સદીમાં, મશીનો એટલા સ્માર્ટ બની ગયાં છે કે જ્ઞાનસંબંધી નોકરીઓ હાંસલ કરવાની હોડમાં ઉતર્યાં છે . ન્યુરો સાયન્ટિસ્ટોની તાજેતરની શોધ અનુસાર, આપણી મોટા ભાગની પસંદગી, પ્રાથમિકતા અને લાગણીઓ “સ્વતંત્ર ઇચ્છા” જેવી કોઈ જાદુઈ માનવશક્તિનું પરિણામ નથી હોતી. એથી વિપરીત, અણીપળના અવકાશમાં વિવિધ સંભાવનાઓની ગણતરી કરવાની આપણા મગજની ક્ષમતામાંથી પલ્લવિત થાય છે માનવીય સમજશક્તિ. શું કાયદા અને બેંકિંગ જેવા વ્યવસાયોમાં, કે જેમાં “માનવ અંતઃપ્રેરણા” મહત્વનો ભાગ ભજવે છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માણસોને કાર્યક્ષમતાની કસોટીએ મહાત કરી દેશે? એની સંભાવના ઘણી મોટી છે. કમ્પ્યુટર વૈજ્ઞાનિકો હવે સુપેરે જાણે છે કે એક જમાનામાં જે અભેદ્ય લાગતી હતી તે માનવ અંતઃપ્રેરણા હકીકતમાં ફક્ત આપણા ચેતાતંતુઓની જાળ છે જે પરિચિત તરેહોને ઓળખી કાઢે છે અને સંભાવનાઓ વિશેની ગણતરીને ઝડપી બનાવે છે. આમ, એકવીસમી સદીમાં, કમ્પ્યુટર અમુક પ્રકારના બેન્કિગ નિર્ણયો વધુ કુશળતાથી લઈ શકશે, જેમ કે અમુક ગ્રાહકને નાણાં ધીરવા કે નહીં, કે પછી સચોટ અનુમાન લગાવી શકશે કે કોર્ટમાં ઊભેલો વકીલ સાચું બોલી રહ્યો છે કે ગપગોળા કાઢી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, આવનારાં વર્ષોમાં, સૌથી વધુ જ્ઞાનાત્મક કૌશલ પર નભતી નોકરીઓ પણ ઓટોમેશનની બાજનજરમાંથી છટકી નહિ શકે.

૩. દેશાગમનના મુદ્દે ચર્ચાનું ધ્રુવીકરણ થતાં યુરોપિયન યુનિયનના લીરેલીરા થવાની ભીતિ છે.

દુનિયા ક્યારેય આટલી નાની નથી લાગી. એકવીસમી સદીએ આપણા પૂર્વજો માટે અકલ્પનીય એવાં પરિવર્તનોની સરવાણી વહાવી છે. દાખલા તરીકે, વૈશ્વિકરણને લીધે આજે દુનિયાભરના લોકોને મળવાનું શક્ય બન્યું છે. કમનસીબે, આ પ્રકારના મેળાપે સંઘર્ષની નવા પ્રશ્નો ખડા કર્યા છે. સારી નોકરીઓ અને સલામતીની શોધમાં વધુને વધુ લોકો વૈશ્વિક સરહદો પાર કરી રહ્યા છે. તે અજાણ્યા આગંતુકોને તગેડવાની, સંમુખ થવાની કે સમાવવાની વૃત્તિ આપણી રાજકીય વિચારધારા અને રાષ્ટ્રીય ઓળખને કપરી કસોટીની એરણે ચડાવી રહી છે.ખાસ કરીને યુરોપ સામે ઈમિગ્રેશનનો પડકાર મોટો છે. વીસમી સદીમાં, ફ્રાન્સ, જર્મની અને અન્ય યુરોપિયન રાષ્ટ્રોના નાગરિકો વચ્ચે પ્રવર્તતી સાંસ્કૃતિક અસમાનતાને પરાજિત કરવાના આશયથી યુરોપિયન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. પણ વિડંબણા જુઓ કે, આ રાજકીય પ્રોજેક્ટ હવે યુરોપિયન નાગરિકો અને મધ્ય પૂર્વ તથા આફ્રિકાના આગંતુકો વચ્ચેના સાંસ્કૃતિક તફાવતને સમાવવામાં સાંપડેલી નિષ્ફળતાને કારણે પડી ભાંગી પાડવાની કગાર પર છે. દાખલા તરીકે, આ પ્રદેશોમાંથી આવનારા લોકોની વધતી જતી સંખ્યાને કારણે યુરોપના લોકોમાં સહિષ્ણુતા અને ઓળખના મુદ્દે વરવા વિવાદો ફાટી નીકળ્યા છે. જો કે એક બાબતે વ્યાપક સહમતી છે કે વસાહતીઓએ યજમાન દેશની સંસ્કૃતિમાં હળીમળી જવાના પૂરતા પ્રયાસ કરવા જોઈએ, જોકે આ સમાવેશન કેટલી હદ સુધી કરી શકાય કે થવું જોઈએ તે એક વિવાદાસ્પદ વિષય છે. યુરોપનાં અમુક લોકો અને રાજકીય જૂથો એવી દલીલ કરે છે કે આગંતુકોએ એમની ખુદની સાંસ્કૃતિક ઓળખને - પરંપરાગત પોશાકથી લઈ ખાણીપીણીના નિયમો સુધીનું બધું - સંપૂર્ણપણે ફારગત કરી દેવું જોઈએ. એમની દલીલ એવી છે કે અત્યંત પિતૃસત્તાક અને ધાર્મિક સંસ્કૃતિમાંથી આવતા વસાહતીઓએ યુરોપના ઉદાર સમાજમાં પ્રવર્તતા નારીવાદી અને બિનસાંપ્રદાયિક ધોરણોને અપનાવવાં જોઈએ. આથી વિપરીત, પ્રવાસન-તરફી લોકો દલીલ કરે છે કે યુરોપ પહેલેથી જ અત્યંત વૈવિધ્યપૂર્ણ રહ્યું છે અને અહીંના સ્થાનિક લોકોનાં ભાતીગળ મૂલ્યો અને આદતો એક વિશાળ શ્રેણીનું સર્જન કરે છે, પરિણામે વસાહતીઓ પાસે કોઈ અમૂર્ત સામૂહિક ઓળખને (મોટાભાગના યુરોપિયનોને ખુદ ન્હાવા નિચોવવાનો સંબંધ નથી) આત્મસાત કરવાની અપેક્ષા રાખવી તે અનુચિત છે. એમનો પ્રશ્ન એ છે કે જ્યારે મોટાભાગના બ્રિટિશ લોકો ખુદ ચર્ચમાં જતા નથી ત્યારે મુસ્લિમ વસાહતીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ફરજ પાડવી કેટલી વાજબી છે. અને પંજાબના વસાહતીઓ શા માટે એમની પરંપરાગત વાનગીઓનો માછલી અને ચિપ્સની તરફેણમાં ત્યાગ કરે? અને એ પણ ત્યારે જયારે મોટાભાગના મૂળનિવાસીઓ શુક્રવારની રાત્રે માછલી અને ચિપ્સની દુકાનમાં નહિ પણ પંજાબી કરી હાઉસમાં દેખાતા હોય? વાસ્તવમાં, વસાહતી સમાવેશનનો મુદ્દો અત્યંત જટિલ છે. આથી, એકવીસમી સદી માટેનો બોધપાઠ એ છે કે આ ચર્ચાની ઘડામણ ‘ફાસીવાદી’ ઈમિગ્રેશન વિરોધીઓ અને યુરોપિયન સંસ્કૃતિની ‘આત્મહત્યા’ની પેરવી કરતા ઈમિગ્રેશન તરફીઓ વચ્ચેના નૈતિક સંઘર્ષ તરીકે ન થાય. તેના બદલે, ઈમિગ્રેશન પર તર્કસંગત ચર્ચા થવી જોઈએ, કારણ કે બંને રાજકીય દૃષ્ટિકોણમાં તથ્ય અને તર્ક રહેલાં છે.

૪. અલ-કાયદા જેવાં આતંકવાદી જૂથો હેરાફેરીમાં માસ્ટર છે.

મનની રમતો રમવામાં એકવીસમી સદીનનાં આતંકવાદીઓનો જોટો જડે એમ નથી. 9/11ના હુમલા બાદ, યુરોપિયન યુનિયનમાં દર વર્ષે સરેરાશ 50 લોકો આતંકવાદીઓનો ભોગ બને છે. અમેરિકામાં લગભગ દસ લોકો માર્યા જાય છે. હવે જરા વિચારો કે આ દરમિયાન ટ્રાફિક અકસ્માતોમાં મરનારાઓની સંખ્યા યુરોપમાં હતી 80,000 અને અમેરિકામાં 40,000. સ્પષ્ટપણે, આતંકવાદીઓની તુલનાએ આપણા રસ્તા આપણા જીવન માટે ઘણું વધારે જોખમ ઊભું કરે છે. તો પછી પશ્ચિમના લોકો ડ્રાઇવિંગ કરતાં આતંકવાદથી શા માટે વધુ ડરે છે? સામાન્ય રીતે નબળા અને મરણિયા થયેલા પક્ષો દ્વારા ખપમાં લેવાતી એક વ્યૂહરચના છે આતંકવાદ. ઝાઝું ભૌતિક નુકસાન કરી શકવા અસમર્થ હોવાને કારણે આતંકવાદ શત્રુઓના દિલમાં ડરની વાવણી કરી રાજકીય પરિસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. સામાન્ય રીતે આતંકવાદીઓ બહુ ઓછા લોકોની હત્યા કરે છે, આમ છતાં એકવીસમી સદીએ આપણને શીખવ્યું છે કે તેમનાં નિર્મમ અભિયાનો બેહદ અસરકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, અલ-કાયદાના 9/11ના હુમલાએ 3,000 અમેરિકનોનો ભલે ભોગ લીધો હોય કે ન્યુ યોર્કની શેરીઓમાં ભલે આતંક મચાવ્યો હોય પણ તેથી અમેરિકાની એક લશ્કરી મહાશક્તિ તરીકેની છાપ પર કોઈ ખાસ અસર પડી નહોતી. હુમલા પછી, અમેરિકા પાસે પહેલા જેટલા જ સૈનિકોહતા. જહાજો અને ટેન્કો વગેરે હતાં, દેશના રસ્તા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ અને રેલ્વેને પણ કોઈ નુકસાન થયું નહોતું. પરંતુ ટ્વીન ટાવર્સ તૂટી પડવાની પ્રચંડ ઑડિયો વિઝ્યુઅલ અસર રાષ્ટ્રને લોહિયાળ બદલો લેવાની પ્રેરણા આપવા પૂરતી હતી. આતંકવાદીઓ મધ્ય પૂર્વમાં રાજકીય અને લશ્કરી ઉત્પાત મચાવવા માંગતા હતા, અને એમાં તેઓ ફાવ્યા. હુમલાના થોડાક જ દિવસો બાદ, જ્યોર્જ ડબ્લ્યુ. બુશે અફઘાનિસ્તાન-સ્થિત આતંકવાદ સામે યુદ્ધની જાહેરાત કરી, જેનાં વરવાં પરિણામોનો પડઘો આજે પણ આ ક્ષેત્રમાં સંભળાય છે. ક્ષુલ્લક લશ્કરી સંસાધનોવાળા આતંકવાદીઓના આવા તુચ્છ જૂથ માટે વિશ્વની મહાશક્તિને આવો અપ્રમાણસર બદલો લેવા ઉશ્કેરવાનું કેવી રીતે શક્ય બન્યું? આ પ્રશ્નનો જવાબ મેળવવા, અલ-કાયદા જેવાં આતંકવાદી જૂથોને ચાઈના ગ્લાસનાં વાસણોની દુકાનમાં ઊડતી માખી તરીકે જોવા પડશે. આ માખી કોઈ જાતની તોડફોડ કરવા તત્પર છે, પરંતુ એક ચાનો કપ ખસેડી શકે એટલી પણ તાકાત નથી એનામાં. જો કે, તેની પાસે એક રામબાણ ઈલાજ છે. દુકાનમાં ઊભો છે એક વિશાળ બળદ, અને જો માખી તેના કાનમાં બણબણી એને હેરાન કરે તો માખીને મારવાના પ્રયાસમાં ભૂરાયેલો બળદ કદાચ પોતે જ બધું ખેદાન મેદાન કરી નાખે. 9/11ના હુમલા અને આતંકવિરોધી યુદ્ધના કિસ્સામાં, આત્યંતિક ઇસ્લામિક માખી સફળ થઈ, અને યુનાઈટેડ સ્ટેટ્સ નામના આખલાએ, ગુસ્સા અને ડરથી ભૂરાઈ, મધ્ય પૂર્વીય દુકાનને ખેદાનમેદાન કરી નાંખી. પરિણામે, આજે વિધ્વંસના કાટમાળમાં કટ્ટરવાદીઓ ફૂલીફાલી રહ્યા છે. એકવીસમી સદી માટે બોધ? શક્તિશાળી સરકારો તગડી પ્રતિક્રિયા આપે ત્યારે આતંકવાદીઓ જીતે છે, આતંકવાદ મજબૂત થાય છે.

૫. એકવીસમી સદીના માનવીઓ ધાર્યા કરતા ઘણા વધારે અબુધ છે

સદીઓથી, ઉદારમતવાદી સમાજો વ્યક્તિની તર્કસંગત રીતે વિચાર અને વર્તન કરવાની ક્ષમતા પર અખૂટ વિશ્વાસ મૂકતા આવ્યા છે. હકીકતમાં, આપણો આધુનિક સમાજ પ્રત્યેક પુખ્ત મનુષ્ય એક તર્કસંગત, સ્વતંત્ર એજન્ટ હોવાની માન્યતા પર ઊભેલો છે. ઉદાહરણ તરીકે, આપણી લોકશાહી પણ એવી કલ્પના પર મદાર રાખે છે કે મતદારને બધું ખબર છે, શું શ્રેષ્ઠ અને શું રદબાતલ. આપણો મુક્ત-બજારી મૂડીવાદ પણ ગ્રાહક ક્યારેય ખોટો નથી હોતો એવા મનઘડંત સિદ્ધાંત પર ટકેલો છે. અને આજનું ઉદારમતવાદી શિક્ષણ પણ વિદ્યાર્થીઓને વૈચારિક સ્વતંત્રતા કેળવવા આહવાન કરે છે. પરંતુ એકવીસમી સદીમાં, મનુષ્યની તાર્કિક ક્ષમતામાં - મનસા, વાચા, કર્મણા એ ત્રણેય કક્ષાએ - આટલો આંધળો વિશ્વાસ મૂકવો એ ભૂલભરેલું છે. કેમ કે એક વ્યક્તિની રૂએ આધુનિક માનવી પાસે વિશ્વ વ્યાપાર અને પરિચાલન સંબંધે અત્યંત જૂજ માહિતી છે; બીજા શબ્દોમાં દુનિયા કેવી રીતે ચાલે છે એ અંગે એનું અજ્ઞાન ધરાર અને ભયાનક છે. પાષાણ યુગના લોકો જાણતા હતા કે કેવી રીતે શિકાર કરવો, પ્રાણીઓની ચામડીમાંથી કપડાં કેમ બનાવવાં અને આગ કેવી રીતે પ્રગટાવવી. એ હિસાબે, આધુનિક માણસ ઘણો ઓછો આત્મનિર્ભર છે. સમસ્યા એ છે કે, લગભગ બધી જરૂરિયાતોની આપૂર્તિ માટે નિષ્ણાતો પર નભતા હોવા છતાં, આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે વ્યક્તિગત રીતે આપણે પાષાણયુગી પૂર્વજો કરતાં બહુ વધારે જાણકાર છીએ, જ્ઞાની છીએ. દાખલા તરીકે, એક પ્રયોગમાં, સહભાગીઓને પૂછવામાં આવ્યું, “જાણો છો, બેગની ચેઇન કેવી રીતે કામ કરે છે?” પહેલાં તો મોટાભાગના સહભાગીઓએ આત્મવિશ્વાસપૂર્વક માથું ધુણાવ્યું, પરંતુ જ્યારે તેમને એ જ્ઞાનનો વિસ્તૃત અહેવાલ આપવા જણાવવામાં આવ્યું ત્યારે મોટાભાગના લોકો આ રોજિંદી ચીજની કાર્યપદ્ધતિ બાબતે ધરાર અજાણ હોવાનું બહાર આવ્યું. એકવીસમી સદી માટે પદાર્થપાઠ? આધુનિક માણસ વૈજ્ઞાનિકો જેને “જ્ઞાનનો ભ્રમ” કહે છે તેનો શિકાર બનતો રહ્યો છે, વારંવાર લગાતાર. એટલે એમ કે, વ્યક્તિઓ અન્ય લોકોના જ્ઞાનને - જેમ કે બેગની ચેઇન કેવી રીતે કામ કરે છે - પોતાનું જ્ઞાન ઠેરવી પોતે સર્વજ્ઞાની હોવાનો દાવો ઠોકી બેસાડતા હોય છે. જ્ઞાનસંબંધી ભ્રમણાનાં દુષ્પરિણામ સ્વરૂપે, વ્યક્તિઓ - જેમ કે મતદારો કે સરકારી અધિકારીઓ - વિશ્વ ખરેખર કેટલું જટિલ છે અને પોતે કેટલા અજાણ છે તે હકીકતનો સ્વીકાર નથી કરી શકતા. આને કારણે, હવામાનશાસ્ત્રનો 'હ' પણ ન જાણતી હોય એવી વ્યક્તિ આબોહવા પરિવર્તનની નીતિઓ બનાવતી જોવા મળે છે, અને યુક્રેન કે ઈરાક યુદ્ધનો ઊકેલ લાવવા વાણીવિલાસ કરતા રાજકારણીઓનો પણ આજે છોછ નથી, ભલે પછી એ દેશોને દુનિયાના નકશા પર ચીંધી બતાવવામાં પણ એમને મોઢે ફીણ આવી જતાં હોય. તો હવે જયારે કોઈ તમને એમનો અભિપ્રાય આપે, ત્યારે વિષય બાબતે એમનું જ્ઞાન કેટલું ઊંડું છે તે શોધવા જરા ઊંડું ખોદજો. અને અચંબામાં પડી જાવ તો નવાઈ ન લગાડતા.

૬. એકવીસમી સદીમાં, શાળાઓ વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવા પર ઓછો અને એમની સટીક વૈચારિક ક્ષમતા કેળવવા પર વધારે ભાર મૂકે.

આઆ લખાઈ રહ્યું છે (ઈ.સ. ૨૦૨૦) તે વર્ષમાં જન્મેલ બાળક 2050માં ત્રીસીમાં હશે અને આશા રાખું છું કે તે 2100માં પણ જીવિત હશે. પરંતુ કેવા પ્રકારનું શિક્ષણ આ બાળકને આવનારા સમયમાં સમૃદ્ધિ પ્રદાન કરી શકશે? એકવીસમી સદીનાં બાળકો ખીલે અને સક્ષમ પુખ્તતા પ્રાપ્ત કરે તે માટે આપણે આપણી શાળાકીય પ્રણાલી પર ધરમૂળથી પુનર્વિચાર કરવો પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, આપણને વારસામાં મળેલી શાળાઓ આપણને મંઝિલ સુધી પહોચવામાં મદદ નહિ કરે. હાલમાં, શાળાઓ તેમના વિદ્યાર્થીઓનાં મગજને માહિતી-કોઠાર સમજી એને ઠૂંસીઠૂંસીને ભરવા પર ભાર મૂકે છે. ઓગણીસમી સદીમાં નિષ્ણાતોને આ અભિગમ ઘણો અર્થસભર લાગ્યો હતો, કારણ કે તે જમાનામાં માહિતી દુર્લભ હતી. એ જમાનામાં દૈનિક અખબારો, રેડિયો, જાહેર પુસ્તકાલયો અને ટેલિવિઝન ન હતાં. અધૂરામાં પૂરું, જે થોડીઘણી માહિતી હતી તે પણ સેન્સરશીપના સકંજામાં. ઘણા દેશોમાં, ધર્મગ્રંથો અને નવલકથાઓ સિવાય અન્ય કોઈ વાંચનસામગ્રી ઉપલબ્ધ નહોતી. પરિણામે, ઇતિહાસ, ભૂગોળ અને જીવવિજ્ઞાનનાં તાત્વિક તથ્યો પર ભાર મૂકતી આધુનિક શાળાકીય પ્રણાલી દાખલ કરવામાં આવી ત્યારે મોટાભાગના સામાન્ય લોકો માટે એ જ્ઞાનક્ષેત્રે એક હરણફાળ બની રહી.પરંતુ એકવીસમી સદીમાં જીવનની પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે અને આપણી શૈક્ષણિક પ્રણાલીઓ આજે નિરાશાજનક રીતે પ્રાચીન ભાસે છે. આજની દુનિયામાં, આપણે માહિતીના અતિરેકથી લગભગ છલોછલ ભરાઈ ગયા છીએ, અને મોટા ભાગની સરકારો હવે તેના પર નિયંત્રણ મૂકવાનો પ્રયાસ નથી કરતી. આજે સમગ્ર વિશ્વમાં લોકો પાસે સ્માર્ટફોન છે, અને સમય અને ઇચ્છા હોય તો લોકો આખો દિવસ દરરોજ વિકિપીડિયા, TED ટૉક અને ઑનલાઇન કોર્સમાં જોડાઈ અભ્યાસ કરી શકે છે. આજે સમસ્યા માહિતીની અછતની નથી પરંતુ ગેરમાહિતીની છે જે બેફામ ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા ફિલ્ડમાંથી પસાર થતાં કંઈ કેટલાં ફેંક ન્યૂઝ સાથે આપણો ભેટો થાય છે એનો વિચાર કરો. આવા માહિતી અતિરેક સામે, શાળાઓએ બાળકોના મગજમાં વધુને વધુ ડેટા ઠૂંસવાનું બંધ કરવું પડશે. તેના બદલે, એકવીસમી સદીના બાળકોને રોજેરોજ બોમ્બમારા જેમ ઝીંકાતી મબલખ માહિતીને અર્થપૂર્ણ રીતે પ્રોસેસ કેવી રીતે કરવી તે શીખવવાની જરૂર છે. મહત્ત્વપૂર્ણ માહિતી અને અનાવશ્યક તથા તદ્દન બકવાસ સમાચાર વચ્ચે તફાવત કેવી રીતે કરવો તેની તાલીમ આપવાની વધારે જરૂર છે. એકવીસમી સદીમાં, માહિતી મેળવવી સાવ સરળ બની જશે, આંગળીના ટેરવે માહિતી મળશે. જોકે સત્યની શોધ એટલી જ મુશ્કેલ સાબિત થશે.

અંતિમ સારાંશ

વણથંભી તકનિકી અને રાજકીય ઊથલપાથલ આ સદીમાં, ઉત્તરોત્તર વધતી જટિલતાની વચ્ચે આપણા અજ્ઞાનને સ્વીકારી અને ઈમિગ્રેશન જેવા ભડકે બળતા રાજકીય વિષયો પર શાંત, સમજદાર ચર્ચા કરી આપણે ભવિષ્યમાં સફળ પદાર્પણ કરવા આપણી જાતને તૈયાર કરી શકીએ છીએ. વાસ્તવિક અને નકલી સમાચાર વચ્ચે નીરક્ષીર વિવેકથી તફાવત કરતાં શીખી આપણે તોળાતા ભવિષ્ય સામે આત્મરક્ષણની તૈયારી કરી શકીએ છીએ. એકવીસમી સદી આતંકવાદ અને સામૂહિક બેરોજગારીની ભયાનક સમસ્યા લઈને આવી છે, આમ છતાં આપણી સમૃદ્ધિ અને સુરક્ષાની ચાવી આપણા જ હાથમાં જ છે એ વાત ભૂલાવી ન જોઈએ.

કાર્યવાહી યોગ્ય સલાહ: સત્ય સત્તાને ઉલંઘી શકતું નથી. એવું માનવું સરળ છે કે શક્તિશાળી નેતાઓ પાસે અંદરની માહિતી હોય છે અને તેઓ પરિસ્થિતિઓ પર તથા અન્ય લોકોની વિચારસરણી પર સટીક બાજનજર રાખતા હોય છે. હકીકત એ છે કે કહેવાતા મહાન નેતાઓ ઘણીવાર એક સરેરાશ વ્યક્તિ કરતાં પણ ઓછી માહિતી ધરાવતા હોય છે. એવું કેમ? કારણ કે, જેમ જેમ લોકો વધુ ને વધુ શક્તિશાળી બનતા જાય છે, તેમ તેમ તેમની આસપાસના લોકો તેમને સચોટ અને અસ્વસ્થ કરનારાં સત્યો કહેવાનું ટાળતા જાય છે. એથી વિપરીત, આવા લોકો હંમેશા નેતાઓની ખુશામત કેવી રીતે કરવી, અને જે બે ઘડી નેતાઓ એમને સાંભળવાની તસ્દી લે છે એમાં કંઈ ઊંધું કે અપ્રિય બફાઈ ન જાય એની ચિંતામાં ગરક થયેલા જણાય છે. એટલે, જો સત્ય જાણવાની ખેવના હોય તો સત્તાના કેન્દ્રને છાંડી એના પરિઘ પર તોળાવાનો પ્રયાસ કરો. તો જ તમે કંઈક શીખી શકશો.

બીજા શબ્દોમાં: "એકવીસમી સદી માટે એકવીસ પદાર્થપાઠ" (2018) ઇઝરાયેલી ઇતિહાસકાર અને પ્રાધ્યાપક યુવલ નોઆ હરારી દ્વારા લખાયેલ પુસ્તક છે. આ પુસ્તક 21મી સદીમાં માનવતા સામે ઊભી થયેલી વિવિધ સમસ્યાઓ અને વિવિધ પડકારોની છણાવટ કરે છે અને આ જટિલતાઓ સામે જૂજવા જરૂરી અંતરદૃષ્ટિ અને પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે. પુસ્તકમાં આવરી લેવામાં આવેલ મુખ્ય વિષયવસ્તુનો સારાંશ નીચે મુજબ છે: 1. ટેકનોલોજી અને ભવિષ્ય: હરારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને બાયોટેકનોલોજી જેવી ઊભરતી તકનિકોની સમાજ પર થનારી અસરોની તપાસ કરે છે, જેમાં નોકરીઓની છટણી અને સંલગ્ન નૈતિક દુવિધાઓ પણ સમાવિષ્ટ છે . 2. ગેરમાહિતીની સમસ્યા: આજના ડિજિટલ યુગમાં વકરી રહેલી ફેંક ન્યૂઝ, દુષ્પ્રચાર અને માહિતીની હેરાફેરીની સમસ્યા ઓ પ્રત્યે આ પુસ્તક વાચકનું ધ્યાન દોરે છે અને એને નાથવા વિવેચનાત્મક વિચારસરણી અને મીડિયા સાક્ષરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકે છે. 3. રાષ્ટ્રવાદ વિ. વૈશ્વિકવાદ: હરારી રાષ્ટ્રવાદનાં પુનરુત્થાન અને વૈશ્વિક સહકાર અને પરસ્પર જોડાણથી પોતાને અલગ રાખવાનાં સંભવિત પરિણામોની ચર્ચા કરે છે. તે સ્થાનિક અને વૈશ્વિક નિસ્બતો વચ્ચે સંતુલન સાધવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે. 4. ધર્મ અને બિનસાંપ્રદાયિકતા: લેખક ધર્મની ભૂમિકા અને સમાજ પર તેની અસર, તેમજ બિનસાંપ્રદાયિકતાના ઉદય અને વ્યક્તિગત અને સામૂહિક ઓળખ પર તેની અસરોની છણાવટ કરે છે. 5. સુખ અને દુઃખ: અભૂતપૂર્વ તકો અને અનિશ્ચિતતાઓથી ભરેલી આ દુનિયામાં સુખની પ્રકૃતિ અને અર્થપૂર્ણ જીવનની ખેવના પર હરારી પ્રકાશ ફેંકે છે અને ઉપભોગ-સંચાલિત સંસ્કૃતિમાં પરિપૂર્ણતા પામવાની રાહ પર આવનારા અંતરાયોની ચર્ચા કરે છે. 6. શિક્ષણ અને કામગીરીનું ભવિષ્ય: પુસ્તક કામની બદલાતી જતી પ્રકૃતિ અને આવનારા સમયમાં તે માટે જરૂરી કૌશલ્યોનો અભ્યાસ કરે છે, તેમજ અનુકૂલનક્ષમતા અને આજીવન શિક્ષણના મહત્ત્વ પર ભાર મૂકે છે. 7. બાયોટેક્નોલોજી અને હોમો સેપિયન્સનું ભવિષ્ય: હરારી આનુવંશિક એન્જિનિયરિંગમાં થઈ રહેલી પ્રગતિના નૈતિક સૂચિતાર્થો ચકાસે છે, જેમાં માનવીય ક્ષમતાઓને વધારવાની અને આનુવંશિક રીતે શ્રેષ્ઠ વ્યક્તિઓનો એક નવો વર્ગ ઊભો કરવાની સંભાવનાઓનો પણ સમાવેશ થાય છે. 8. સ્થિતિસ્થાપકતા અને ધ્યાન: ઝડપથી બદલાતી દુનિયામાં, આંતરિક શાંતિ અને સ્થિતિસ્થાપકતા કેળવવાના સાધન તરીકે લેખક ધ્યાનની હિમાયત કરે છે. આખા પુસ્તકમાં, હરારી વાચકોને વિવેચનાત્મક રીતે વિચારવા, ખુદની માન્યતાઓને પડકારવા અને સાંપ્રત સમયના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ રહેલા અર્થપૂર્ણ સંવાદમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. ભૂતકાળ, વર્તમાન અને સંભવિત ભાવિ-દૃશ્યોની તપાસ કરી, "એકવીસમી સદી માટે એકવીસ પદાર્થપાઠ" આવનારા પડકારો અને તકોનું વિચારપ્રેરક અન્વેષણ પ્રદાન કરે છે.

અવતરણો

"એકવીસમી સદી માટે એકવીસ પદાર્થપાઠ"માંથી ઉદ્ધૃત કેટલાંક નોંધપાત્ર અવતરણો: 1. “અનાવશ્યક માહિતીથી ઊભરાતી દુનિયામાં, સ્પષ્ટતા એ શક્તિ છે.” 2. “અજ્ઞાનતાની શોધ આપણી સૌથી મોટી વૈજ્ઞાનિક શોધ હતી.” 3. “વૈશ્વિક દુર્દશાથી તમે જખમી છો, મૂંઝવણ અનુભવો છો? તો તમે સાચા માર્ગ પર છો.” 4. “આખેઆખું સ્ટ્રેટોસ્ફિયર સાયબર અવકાશમાં ઠલવાઈ રહ્યું છે તે સમજ્યા વિના તમે એકવીસમી સદીના રાજકારણને નહિ સમજી શકો.” 5. “માહિતી અતિરેક્ના યુગમાં, અર્થ અને સંદર્ભ સાચા અર્થમાં વૈભવના સંકેતકો છે.” 6. “ઇતિહાસ વિશે સૌથી મહત્ત્વની યાદગાર બાબત? એ કે ઇતિહાસ હંમેશા આશ્ચર્યથી ભરેલો હોય છે.” 7. “માહિતીના ટેરાબાઇટ થકી વલોવાતા મોટા ડેટા એલ્ગોરિધમ્સથી ચાલતી દુનિયામાં, કોલાહલ સાત ગરણે ગાળી શકવાની ક્ષમતા જ સૌથી મહત્ત્વપૂર્ણ માનસિક કૌશલ્ય બની જાય છે.” 8. “પરિવર્તન જ એકમાત્ર સાતત્યપૂર્ણ સત્ય છે. એકવીસમી સદીમાં, હાંસલ કરેલી સિદ્ધિઓના ઈંડામાં પુરાઈ રહેવું કોઈને પાલવશે નહિ.” 9. “આવા વિશ્વમાં ટકી રહેવા અને ખીલવા માટે, તમારે ઘણી બધી માનસિક સુગમતા અને ભાવનાત્મક સંતુલનના અખૂટ કોઠારની જરૂર પડશે.” 10. “ઐતિહાસિક જ્ઞાનનો વિરોધાભાસ એ છે કે જેઓ તેનાથી ઓછા વાકેફ છે તેઓને તે ઘણીવાર શ્રેષ્ઠ સેવા આપે છે.” 11. “અજ્ઞાન પરમાનંદ હોઈ શકે, પણ તેને દાંત પણ હોય છે.” 12. “આપણા સમાજના રાજકીય અને આર્થિક માળખામાં કંઈ પણ કુદરતી કે અનિવાર્ય નથી.” 13. “આપણાં વિશ્વોનો આંતરસંબંધ એ હદે જટિલ બની ગયો છે કે એક સમાજનું સ્વપ્ન જોતજોતામાં બીજા સમાજનાં દુઃસ્વપ્નમાં ફેરવાઈ શકે છે.” 14. “મનુષ્યો પોતાની પાસે જે છે તેનાથી ભાગ્યે જ સંતુષ્ટ હોય છે. તેઓ હંમેશા કંઈક વધુ અથવા કંઈક અલગ ઈચ્છતા હોય છે.” 15. “ટેક્નોલોજી ક્યારેય પૂર્વનિર્ધારિત નથી હોતી. તેનો ઉપયોગ વિવિધ પ્રકારનાં સમાજો અને અર્થતંત્રોની સંરચના માટે થઈ શકે છે.”

આ અવતરણો "એકવીસમી સદી માટે એકવીસ પદાર્થપાઠ"માં પ્રસ્તુત વિચાર-પ્રેરક જીવનદૃષ્ટિ અને મૂલ્યોની ઝલક આપે છે.