Many-Splendoured Love/અઝેલિયાનાં ફૂલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અઝેલિયાનાં ફૂલ

સબર્બન ન્યૂજર્સીના મોટા સરસ ઑડિટોરિયમમાં ગુજરાતી નાટક જોવા આવનારાંની ઘણી ભીડ થઈ ગઈ હતી. હંમેશ મુજબ શરૂ થવાને વાર હતી. હૉલનાં બારણાં ખોલવામાં આવ્યાં નહતાં. લૉબીમાં જ અસંખ્ય લોકો આમથી તેમ જતા હતા, ભીડ વધારતા હતા, ઘોંઘાટ કરતા હતા. લોપા ફરિયાદ કરવા લાગી ગઈ હતી. મોંઢું બગાડી એણે કહ્યું, ખ્યાલ આવ્યો ને હવે કે હું કેમ આવા પ્રોગ્રામોમાં જતી નથી?

એની ફ્રેન્ડ કોકિલાએ બહુ આગ્રહ કરેલો. કહેલું, મુંબઇથી ગ્રૂપ આવ્યું છે. ને નવું જ નાટક લઈને આવ્યા છે એ લોકો. બહુ જ હસવાનું છે. પણ ભીડ, ઘોંઘાટ ને વિલંબને કારણે લોપા એટલામાં જ થાકી ગઈ. લૉબીનો કોઈ જરા ખાલી ભાગ શોધવા એ પાછળ તરફ ગઈ. બારણાંથી દૂર એ બાજુ ભીડ જરા ઓછી હતી ખરી. કોકિલાને બોલાવી લેવા એણે મોંઢું ફેરવ્યું તો સામે જ ચંદ્રાને જોઈ. એ પણ કોઈ બહેનપણીને શોધી જ રહી હતી. લોપા અને ચંદ્રા બંને પહેલાં જરા ચોંકી ગયાં. મળવાનું કલ્પ્યું નહતું બેમાંથી કોઈએ.

પછી ફૉર્મલી હસીને અરસપરસ કેમ છો કહ્યું. વધારે કશી વાત થાય તે પહેલાં બંનેની સાથીદારો આવી ગઈ, ને હૉલમાં જવા માટે બારણાં પણ એ જ ઘડીએ ખોલાયાં. લોપાનું ધ્યાન હવે ક્યાંયે ના રહ્યું. એક્ચ્યુઅલી એ જરા હચમચી ગઈ હતી. ઘણા વખતે ચંદ્રાને જોઈ. સ્હેજ સૂકાયેલી લાગી, એણે વિચાર્યું. ને સાથે દિવાકર કેમ નહતો? બંને સાથે જ હોય. એકલાં ક્યાંય જાય જ નહીંને. જૂના કોઈ વખતની ચીડ એના મન પર અત્યારે ચઢી આવી. કે પછી દિવાકર દેખાયો નહીં? લોપાએ આમ-તેમ જોવા મોંઢું જરા ફેરવ્યું.

ખાસ કોઈ ઓળખીતું દેખાતું જ નથી, નહીં? કોકિલા બોલી. પણ તું ચંદ્રાને ઓળખે છે તેનો મને ખ્યાલ નહતો. કેવું થયું, નહીં? - એની જિંદગીમાં? શું થયું?, લોપાએ ચમકીને પૂછ્યું. મને કશી ખબર નથી. પડદો ખૂલવા માંડ્યો હતો, નાટક શરૂ થતું હતું. કોકિલા વાત કરી ના શકી. લોપાએ વિચાર્યું, શું થયું હશે? માંદગી આવી હશે? છોકરાના ઍંગેજમેન્ટ તૂટ્યા હશે? કે પછી ચંદ્રા અને દિવાકરના ડિવોર્સ થયા હશે? ના, એ અનુમાન લોપા પોતે જ માની ના શકી. એવી તો શક્યતા જ નહતી.

• • •

ઑડિયન્સમાં હસવાનું ચાલુ થઈ ગયું હતું. લોપાના કાન સુધી એ કશું પહોંચતું નહતું. એ વિચારોમાં મગ્ન થઈ ગઈ હતી. કે પછી સ્મરણોમાં. મહિનાઓ પછી, સતત ઘવાયા કરવાની સ્થિતિ માંડ કંઇક સુધરી હતી. ને ત્યાં આમ ચંદ્રા મળી ગઈ. બધા ઘા ફરી જાણે ખુલી ગયા. અંદર ને અંદર લોહી ફરી વહેવા માંડ્યું હોય એમ લોપાને લાગ્યું.

કોઈને કહેવાય એવી વાત નહતી. એ વાત છુપી રહી શકી હતી તે ય નવાઇ જ ને. દિવાકર ઘરમાં સાવ નૉર્મલ રહેતો હતો. જોકે ઘર જ એની પ્રાયોરિટી હતી, તે સ્પષ્ટ હતું. લોપાને પહેલેથી જ આ કેટલું ખટકતું, પણ એ ક્યાં કશું પણ બદલી શકે તેમ હતી?

લોપાના મનમાં કડવાશ ભરાઇ આવી. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. હજી ક્યાં રુઝ આવી હતી હૃદય પર. એમ તો ઍફેર ટૂંકો જ હતો. વધારે તો વાતો જ થતી રહેલીને? સ્માર્ટ વાતો - વાતોની સ્માર્ટ, ઝડપી આપ-લે, જુદી જુદી કેટલીયે વાતો. પહેલવહેલી વાર કૉમન ફ્રૅન્ડ્સ સુમિતા ને શિશિરને ત્યાં જમવામાં એ બે મળેલાં. એટલેકે લોપા અને દિવાકર-ચંદ્રા. કેમ છો?, ક્યાંનાં છો?, શું કરો છો? - જેવી વાતો ત્રણેય જણે સામસામે કરેલી, પણ થોડી વારે ચંદ્રા મહિલા-ગ્રૂપમાં જઈને બેઠેલી, ને લોપા એકલી પડી ગયેલી.

પછીથી દિવાકર અને લોપા વાઇનના ગ્લાસ હાથમાં લઈને પાછળના પૅટિયો પર ઊભેલાં. નીચેના છોડ પર અઝેલિયાનાં ફૂલ ખીચોખીચ ખીલેલાં હતાં. કેવા સરસ રંગ છે, લોપા બોલેલી. ગુલાબી અને સફેદ. અમારે ત્યાં પણ બહુ જ સરસ અઝેલિયા થયાં છે. એક છોડ પર સફેદ છે. પણ જાંબલી અને ફૂલગુલાબી ફૂલોવાળા છોડ ઘણા છે, દિવાકરે કહેલું. અરે વાહ, તમે ફૂલગુલાબી જેવો શબ્દ જાણો છો? અરે, ચંદ્રાએ બરાબર શીખવાડી દીધો છે. ગાર્ડનિંગનો શોખ મને છે, પણ મેમસાહેબ કહે તેમ કરવું પડે. બંને હસેલાં. સૌથી સારી ગણાતી નર્સરી ક્યાં છે એની વાત પરથી ફોન નંબરની લેવડ-દેવડ થયેલી. તમે ફોન કરજોને. હું એનું નામ-સરનામું આપીશ, લોપાએ કહેલું.

આ રીતે ફોન શરૂ થયેલા. એક-બે વાર તો દિવાકરે ચંદ્રાને જણાવેલું. એ સ્વાભાવિક હતું. પણ ફોન કૉલ ચાલુ રહ્યા, ને એણે ચંદ્રાને કહેવાનું છોડી દીધું. દિવાકર સાથે વાતો કરવાની લોપાને એટલી મઝા આવતી હતી. દરેક બાબત માટે દિવાકર પાસે કંઇક ને કંઇક કહેવાનું હોય જ. માહિતી ના હોય ત્યારે પણ એ જવા તો ના જ દે. સ્હેજ ગપ્પું મારે. ક્યારેક લોપા એને સાચું માની બેસે, કયારેક પકડી પાડે. ને પછી એનું હસવું માય નહીં. કમાલ છો હોં. ગપ્પું પણ સાચું હોય તેવું મારો છો. આવે વખતે દિવાકરે એને કહેલું, પ્લીઝ, તમે મને તમે ના કહો. તો તું પણ મને તમે ના કહેતો. આમ બંને વચ્ચે ફૅમિલિયારિટી વધતી ગયેલી.

મોટે ભાગે દિવાકરની પાસે માહિતી હોય જ. એમેરિકન શૅરમાર્કેટ હોય, રાજકારણ હોય, સ્પૉર્ટ્સ હોય, કે પછી મૂવીની વાત હોય - દિવાકરે વાંચેલું હોય અથવા જોયેલું હોય. એની પાસે ઓપિનિયન હોય જ. કોઇક વાર જાણી જોઈને લોપા દલીલ કરે - મૂવીની બાબતમાં તો ખાસ. એમાંથી જ એક વાર એ ખરેખર ચિડાઈ ગયેલી. સિરિયસ મૂવીઝ બોરિંગ હોય છે એવું તું કઈ રીતે કહી શકે છે? સાવ મૂરખ જેવી સ્લૅપસ્ટિક કૉમેડી જ જેને ગમતી હોય એની સાથે સમય બગાડવાનો કોઇ અર્થ નથી, વગેરે વગેરે. કોણ જાણે સંસારની કઈ બાબતથી કંટાળેલી હશે એ દિવસે કે છેલ્લે એનાથી ફોન પછાડાઈ ગયેલો.

એ કદાચ પહેલો ઝગડો. એ પણ સાવ અર્થ વગરનો, બીજે દિવસે લોપાને લાગેલું. એ દિવાકરના ફોનની રાહ જોતી રહેલી. પાંચ દિવસ. છ દિવસ. એ હવે ફોન નહીં કરે તો? ને એ પહેલી વાર એણે સંતાપ અનુભવ્યો - દિવાકરની ગેરહાજરીનો. ત્યારથી એક બીજ રોપાયું દિવાકરને માટેની ઝંખનાનું.

દસેક દિવસ પછી એણે મન મક્કમ કરીને ફોન જોડ્યો. કદાચ છે ને દિવાકર ઉપાડે. પણ ચંદ્રાએ જ લીધેલો. લોપાએ કારણ વિચારી રાખેલું. એણે કહ્યું, શનિવારે હું એક નાનું ડિનર કરી રહી છું. તમે બંને આવશો જમવા? સુમિતા ને શિશિરને પણ કહ્યું છે. દિવાકર ઘેર નહતો. એ પછી તમને ફોન કરશે, એમ ચંદ્રાએ કહ્યું. હાશ, દિવાકર ફોન તો કરશે. લોપાને ધરપત થઈ.

ફોન તો જાણે દિવાકરે કર્યો, પણ એ ફૉર્મલ થઈ ગયેલો, અને જમવા આવવાનું નહીં ફાવે એમ કહ્યું. લોપાએ એને મનાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, મને લંચ માટે નહીં મળે? મારા તરફથી માફી-લંચ, બસ?

એક જ વાર કૉમન ફ્રૅન્ડ્સને ત્યાં મળ્યાં પછી ત્રણેક મહિના ફોન દ્વારા જ સંપર્ક રહ્યો હતો. લોપા મનથી દિવાકરની નજીક થઈ ગયેલી. તેથી એ દિવસે લંચ માટે મળ્યાં ત્યારે એ જરા સેલ્ફ-કૉન્શિયસ હતી. દિવાકરને જોઈને એને ભેટવાનું મન થયેલું, પણ એણે રોકેલું. દિવાકરે જ્યારે કહ્યું કે બહુ સરસ લાગે છે વૅસ્ટર્ન આઉટફિટમાં, ત્યારે લોપાને ઇન્સ્ટિન્ક્ટીવલી લાગેલું કે દિવાકર પણ એના તરફ ખેંચાયો છે. બંનેની આંખો મળેલી. એમાંથી કશાક અર્થ પસાર થયા હતા.

દિવાકરનો ગુસ્સો ઊતરી ગયો હતો. એ લોપા માટે એક ભેટ લેતો આવેલો. એક કુંડામાં તાજાં ખીલેલાં ઘેરા જાંબલી રંગનાં ફૂલ હતાં. ઓહ, અઝેલિયા?, લોપા બોલી. મને યાદ છે, હોં, કે તને અઝેલિયા ગમે છે. સૉરી કે ફૂલગુલાબી રંગનાં ના મળ્યાં. ચળકતા લીલા કાગળમાં લપેટેલું કુંડું લોપાને આપતાં એણે કહ્યું. અને ગ્રીક ભાષામાં એક શબ્દ છે - અઝાલેઓસ, એટલે કે સૂકી જમીન. એના પરથી આ ફૂલનું નામ પડ્યું. પણ સાચો ઉચ્ચાર એઝાલિઆ છે, મૅડમ, પડી ખબર? હા ભઇ, તમારા જેવું હોશિયાર કોઈ હોઈ શકે કાંઈ?

બંને હસીને હળવાં થઈ ગયાં, પણ મળવાનું ઉતાવળમાં જ થયું હતું. એક એક સૅન્ડવિચ ખાવાનો જ સમય મળ્યો હતો. ફરી જલદી મળીએ, દિવાકરે કહેલું. મૂવી જોવા જવું છે? તું નક્કી કરજે, લોપા બોલેલી. એને થતું હતું કે જાણે ખસે જ નહીં ત્યાંથી. પણ- ચાલ, હું જાઉં, કહી દિવાકર એની ગાડી તરફ જતો રહ્યો. લોપા એને જતો જોઈ રહી.

આટલામાં જ, કેટલાંયે સંવેદન મિશ્રિત થઈ એના ચિત્તને ગુંચવી રહ્યાં. જે થઈ રહ્યું છે તે બહુ ખરાબ કહેવાય? જોકે કશું થયું છે જ ક્યાં? આ એક વાર તો મળ્યાં. મનમાં જે ફીલિન્ગ થાય છે તેને પ્રેમ કહેવાય? પણ ફોન પર વાત કરતાં કરતાં પ્રેમ થઈ જતો હશે? ઇમ્મૉરલ કહેવાય એને? પણ કોઈને દુ઼ઃખ ના થવા દઈએ તો? ને આ તો મૈત્રી છે. બે મિત્રો એકબીજાંને ગમી ના જાય? મૈત્રીનો વિચાર આવતાં લોપા નિશ્ચિન્ત થઈ ગઈ. સંબંધ વધી ગયા પછી પણ લોપા આ જ લૉજિક જાતને સમજાવતી રહી.

દિવાકર શક્ય હોય ત્યારે લોપાને ત્યાં જવા માંડ્યો હતો. રાતે તો એ ભાગ્યે જ જઈ શક્યો હતો, પણ બપોરે ઑફિસમાંથી નીકળી જતો. છતાં અઠવાડિયામાં ત્રણેક કલાકથી વધારે મળવાનું બનતું જ નહીં. લોપા ગુસ્સે થતી, રડી પડતી, દિવાકરને પકડી રાખતી, પણ એ ચાલી જ જતો. લોપા ફરી મળવાની રાહ જોતી રહેતી.

દિવાકરે એક દિવસ અણધાર્યું જ એને કહ્યું કે હવે એ એફૅર ચાલુ રાખી નહીં શકે. દરેક જણમાં એક ‘સેવન્થ -સાતમી- સેન્સ’ હોય છે, એણે કહ્યું હતું. ચંદ્રાને કંઇક આછો વહેમ પડવા માંડ્યો હોય એવું એને લાગતું હતું. કદાચ બેડરૂમમાં દિવાકરની વર્તણૂંક જરા જેટલી પણ બદલાઇ હોય. લોપાની સાથે શરીર અને મનથી એ સંકળાયો હતો, ને ગમે તેટલું સાચવે-સંભાળે તો પણ પત્નીને કશું બદલાયાનો ખ્યાલ આવી જ જઈ શકે. કુટુંબને એ તૂટી જતું તો જોઈ શકે તેમ જ નહતો. છોડવાનો હોય તો તે લગ્નેતર સંબંધ જને?

લોપાનો હાથ પકડીને એણે આવું બધું સમજાવ્યું હતું. લોપા સમજતી હતી - પરિણામ શું આવી શકે તે, છતાં આ સંબંધના અંતની વાતના ચાબખા ખાઈ એનું હૃદય લોહીલુહાણ થઈ ગયું હતું. પછીના મહિનાઓમાં એનું વજન ઊતરી ગયું, છાતી બેસી ગઈ, ઉદાસીનો ભાર એને ગુંગળાવી રહ્યો. આખરે એ ત્રણેક મહિના ઇન્ડિયા જતી રહી. લગભગ વરસ આમ નીકળી ગયું હતું.

• • •

ઉદાસ થઈને લોપા બેસી રહી હતી, ને નાટક દરમ્યાન એના વિચાર ચાલુ રહ્યા હતા. છતાં, મળવાની-છૂટાં પડવાની, પ્રેમની-ઝગડવાની બધી ક્શણો યાદ કરવાની શક્તિ એનામાં રહી નહતી. હૉલમાં બેઠાં બેઠાં જ એ અશક્ત થઈ ગઈ હતી. મોટરમાં કોકિલા અને એના હસબંડ નાટકમાંની જોકો યાદ કરી કરીને હસતાં રહ્યાં. છેક લોપાને ઉતારતી વખતે કોકિલા બોલી, અરે, હું ભૂલી જ ગઈ તને કહેવાનું. બનેલું એવું કે ગાડીને અકસ્માત થયેલો ને ફેફસાંમાં ધુમાડો એટલો ભરાઈ ગયેલો કે દિવાકર બચી નહતો શક્યો. પણ ચાલ, અત્યારે જઇએ. કાલે ફોન કરજે. વધારે વાત કરીશું. લોપા ત્યાં જ પથ્થરની હોય તેમ ઊભી રહી. આઘાતથી એ જડ થઈ ગઈ હતી. જે મહિનાઓ દરમ્યાન એ દિવાકરના પ્રેમમાંથી મનને વાળવા મથતી રહી હતી ત્યારે દિવાકર પોતે તો ક્યારનો યે ચાલી નીકળેલો. જેને અખંડ રાખવા માગતો હતો તે કુટુંબ અકલ્પ્ય રીતે તૂટી ગયું હતું. ઘરની અંદર જઈને આખી રાત લોપા તરફડતી રહી. હૃદય કલ્પાંત કરતું હતું, ને એની આંખો સૂકી હતી. સવારે એણે કોકિલાને ફોન ના કર્યો. સીધો ચંદ્રાને જ કર્યો. એ પોતાની વાત કરવા નહતી માગતી. ને જે છૂપું રહ્યું હતું તેને છતું કરવા પણ નહતી માગતી. જો શક્ય હોય તો એ ચંદ્રાને સાંત્વન આપવા માગતી હતી.

જોકે ચંદ્રા ઉપરથી સ્વસ્થ થઈ ચૂકી હતી. એની ફરજ હવે બે દીકરાઓ તરફ હતી. ને એને સંતોષ હતો કે દિવાકરના શરીરના ઑર્ગન પહેલેથી નક્કી કર્યા પ્રમાણે દાનમાં આપવામાં આવ્યા હતા. કેટલાં જણને એ મદદ કરતો ગયો. એની બે કિડની, લીવર, અને હૃદય પણ ટ્રાન્સપ્લાન્ટ માટે આપી દેવાયું હતું.

અરે, એની આંખો તો કદાચ સૌથી વધારે કામમાં આવી હતી. આમ તો આવાં દાન ગુપ્ત જ રખાતાં હોય છે, પણ એ જ હૉસ્પિટલમાં એક એમેરિકન વૃધ્ધાને બહુ જરૂર હતી, ને તાત્કાલિક ઑપરેશન કરવામાં આવેલું. લોપાએ હિંમત કરીને ચંદ્રાને એનું નામ પૂછ્યું. વાતો કરતાં કરતાં ભાવની એવી ભરતી ચંદ્રાના મન પર ચઢી હશે કે એણે સહજ ભાવે નામ કહી દીધું. વળી કહે, આન્ટી એટલાં થૅન્કફુલ છે કે વારંવાર ફોન કરતાં રહે છે, છોકરાઓ માટે કેક બનાવી આપે છે.

ચંદ્રા સાથે વાત કરીને લોપાને થોડી શાંતિ લાગી. જીવતેજીવે દિવાકર પત્નીને સુખી રાખવા માગતો હતો, ને મરણમાં એ પત્નીને ગૌરવ બક્શતો ગયો હતો. લોપા મનોમન લજવાઇ પણ ખરી. જે પોતાનો નહતો, ને થઈ શકે તેમ નહતો, એનો કેટલો વાંક કાઢતી રહી હતી એ છેલ્લા એક વર્ષથી. ને ચંદ્રા? પંદરેક વર્ષનો સંસાર વિચ્છિન્ન થઈ ગયો હતો, તે છતાં કેટલી ડિગ્નિટીથી જીવી રહી હતી.

• • •

એક સવારે બેલ સાંભળીને મિસિસ ચાન્સેલરે બારણું ખોલ્યું. સાદાં કપડાં પહેરેલી એક દેખાવડી ઇન્ડિયન સ્ત્રી પગથિયા પર ઊભી હતી. એ સમજી ગયાં કે કુટુંબની વ્યક્તિ હશે - પોતાને આંખોનું દાન કરનારના કુટુંબની. એમણે કહ્યું, આવોને અંદર.

લોપા એ હસતી આંખોમાં જોઇ રહી હતી. જે આંખોને એ ગમી ગઈ હતી તે જ આંખો હતીને આ. પોતે જેની સાથે નજર પરોવી બેસી રહેતી હતી તે જ આંખો હતીને આ. જે છોડીને જતો રહ્યો હતો તે પ્રેમપાત્રની બચી રહેલી છેલ્લી નિશાની હતી આ. બસ, એક વાર એને ફરી જોઈ લેવી હતી.

લોપાના હાથમાં તાજાં સુંદર ઘેરા ફૂલગુલાબી રંગનાં અઝેલિયા ફૂલનું રૂપેરી કાગળમાં લપેટેલું કુંડું હતું. બે હાથ લંબાવીને એણે એ એમની સામે ધર્યું. આ તમારે માટે લાવી છું. ઓહ. મને અઝેલિયા બહુ જ ગમે. થૅન્ક્સ, મિસિસ ચાન્સેલરે કહ્યું. આવોને અંદર. એક કપ ચ્હા પીને જાઓ.

લોપા અપલક એ હસતી આંખોમાં જોઇ રહી હતી. થૅન્ક્સ, પણ આજે નહીં, કહી હાથથી ગૂડબાય જણાવી એ પગથિયાં ઊતરી ગઈ. મોટરમાં બેસી જોરથી એણે આંખો મીંચી દીધી. દિવાકરને એમાં એ હંમેશ માટે બચાવી રાખવા માગતી હતી.