Many-Splendoured Love/એક સ્વપ્નનો રંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એક સ્વપ્નનો રંગ

આંખોની અંદર શું સરોવર હશે? પાણી વહેતું જ રહે છે. જાગી જાઉં છું એ જ ઘડીથી આંસુ છલકી પડે છે. માંડ માંડ ઊંઘ આવે છે. વિચાર, વિચાર. હમણાં તો રૂમમાં એકલી છું તે સારું છે. અડધી રાતે પણ બેઠી થઈ શકું છું, બત્તી કરી શકું છું. પેલા રૂમમાં સાથે જુલી રહેતી હતી, ત્યારે તો બાપ રે, બહુ સાચવવું પડતું. સહેજે હલાય નહીં, અવાજ કરાય નહીં. મડદાની જેમ પડી રહેવાનું. ના-ના, એવું અશુભ નહીં. હવે ઊંઘ ઊડી જાય છે ત્યારે ફટાક દઈને બત્તી ચલાવી દઉં છું. સિસ્ટર કારા માને છે કે હું બાઇબલ વાંચું છું. એમણે મને પૂછ્યું નથી જોકે. ને મેં કશું કહ્યું પણ નથી. એ જે માને છે તે માનતાં મેં રોક્યાં નથી એમને. શું એ ખોટું કહેવાય? હું માનું છું કે ના કહેવાય. છતાં, ફરી એક વાર વાત નીકળશે ત્યારે કહી દઈશ. બત્તી કરીને હું મારા માઇકલનો ફોટો જોવા માંગું છું. ઓશીકાની નીચેથી એને કાઢીને હૃદયે ચાંપું છું, એને ચૂમીઓ ભરું છું. મારાં આંસુના કેટલાયે ડાઘા પડી ગયા છે એના પર. પણ એ તો વહાલનાં આંસુ. અરે, હરખનાં પણ ખરાં. બધું ગુમાવી દીધું, પછી કૃપા કરી ઈશુએ, ને ભેટ આપી મને માઇકલની. હવે મારે એક જ રાહ જોવાની છે – ક્યારે માઇકલ મારી સાથે રહેવા આવી જાય એની. થોડી વધારે ધીરજ રાખવાની છે મારે. તબિયત એકદમ સારી થઈ જાય, અશક્તિ જતી રહે પછી. સિસ્ટર કારા કહ્યા કરે છે ને કે બહુ અઘરી સુવાવડ હતી મારી. ને માઇકલ તો માંડ બચ્યો. સાચે જ દેવનો દીધેલો છે એ. શું એવી જ રીત હશે દેવોની? કશુંક કીમતી લઈ લીધા પછી જ બીજું કંઈક આપવાની? કે પછી ઉપર જઈને મિગેલે જ કાકલૂદી કરી હશે મારે માટે? મિગેલ તો સ્વર્ગમાં જ ગયો હશે – નક્કી. મારો ઉદ્ધાર કર્યો એણે. કેટલો બધો પ્રેમ આપ્યો મને અને પછી ચાલી ગયો. ના, છીનવી લીધો એને દેવોએ મારી પાસેથી. સહન ના થયું મારું સુખ એમનાથી? મિગેલ, પ્રિય, તું શું જોઈ શકે છે માઇકલને? આપણું બાળક, જો, મેં એને તારું જ નામ આપ્યું છે. પણ મેક્સિકોમાંનું તારું નામ અહીં કેરાલામાં બહુ જુદું પડી જાય ને બહુ ધ્યાન ખેંચે – એવું લાગ્યું મને. બરાબર છે ને? અને જો, હું કેરાલા પહોંચી ગઈ. એકલી એકલી જ. તને યાદ કરી કરીને હિંમત મેળવતી ગઈ. જો, પ્રિય, તારી કૈરાલી હવે મજબૂત બની ગઈ છે. સાચવનાર તું હતો ત્યારે તો.. સમય જ એવો આવ્યો કે....

યાદ છે મને બધું. શરૂઆતથી માંડીને છેક સુધીનું બધું. એ દિવસે નિશાળેથી હું ભૂખી થઈને આવેલી, ને ઘેર પહોંચતાંવેંત કજિયો કરવા બેઠેલી. કંટાળીને મોટીએ એક ધબ્બો માર્યો, એટલે અમ્માને ફરિયાદ કરવા રડતી રડતી હું બહારના રૂમમાં ગઈ. જમનારા તો થોડા હોય, પણ બધા લગભગ રોજના આવનારા, એટલે ચાલે. પણ બારણામાં જ હું અટકી ગયેલી. અમ્મા ખુશ ખુશ હતી. એની સામે ઊભી હતી સ્વર્ગની એક દેવી – ધોળા ધોળા હાથ, ગુલાબી મોઢું, આકાશના રંગની આંખો ને સોનેરી વાળ. ઓહ, અમને દર્શન આપવા એક દેવી આવી હતી અમારી વીશીમાં. અંદર મોટીને ખબર આપવા હું દોડવા જતી હતી ત્યાં અમ્માની નજર મારા પર પડી. એણે મને પાસે આવવા કહ્યું, પણ હું લપાઈને ઊભી રહી બારણા પાસે. ના, ના, વધારે પાસે કાંઈ જવાય? એ અલોપ થઈ જાય તો? દૂરથી જોયા જ કરું દેવીને એવું થતું હતું. પણ અમ્મા પાસે આવી, મારો હાથ પકડીને લઈ ગઈ ને કહે, ‘જો બેબી, આ મદામ રૉટ્રિગૅઝ છે. જો એમને બતાવ તને સ્કૂલમાં શું શિખવાડ્યું છે તે.’ નિશાળમાં શિખવાડેલું અમને કે શું કહેવાનું સામા માણસનો હાથ હલાવીને – ‘હલ્લો સર, હલ્લો લેડી, હાઉ ડૂ યુ ડૂ? ઍન્ડ થૅન્ક યૂ. આઇ એમ ફાઇન ટૂ.’ એમ તો કડકડાટ બોલી શકતી હતી હું એટલું, પણ દેવીના હાથને કાંઈ અડકાય? પણ તો અમ્મા એમને ‘મદામ’ કેમ કહેતી હતી? અમ્મા બોલી હતી, ‘આ મારી સૌથી નાની.’ ખંજરી વાગતી હોય તેમ એમણે કહ્યું હતું, ‘એટલે કે તમારું સોળમું સંતાન, ખરું?’ કુટુંબની બધી વાત અમ્માએ કરી દીધી હતી એમને? મને શરમ આવી ગઈ, પણ અમ્મા ખડખડ હસેલી. બહુ જોરથી હસતી હતી અમ્મા. મને તો એની પણ શરમ આવી. પણ અમ્મા? એને સંકોચ ક્યાં? ઊલટું, એણે તો સમજૂતી આપી, ‘એ ખરું, પણ પાંચ બાળક તો મરી ગયેલાં. એટલે આ છેલ્લી ને અગિયારમી.’ હૂંફાળા અવાજે એમણે મને પૂછ્યું હતું, ‘બિટિયા, તારું નામ શું છે?" એમને તાકીને જોયા જ કરતી હતી હું, ને હોઠ જાણે સિવાઈ ગયા હતા. ત્યાં જ અમ્મા કહેવા માંડેલી, ‘એનું નામ તો છે કૈરાલી...’ ‘ના, કેલી છે.’ જોરથી બોલાઈ ગયેલું મારાથી. અટક્યા વગર અમ્મા આગળ બોલેલી, ‘અમારા ઘરમાં એ સૌથી કાળી છે ને એને એક જ ઇચ્છા છે અત્યારે – ધોળા થવાની.’ ‘સૌ નકામી છે અમ્મા. બધું કહી દે છે.’ મને ચીડ ચડી ગઈ હતી. એનો હાથ છોડાવીને હું ભાગી જ જવાની હતી અંદર, પણ એ જ ઘડીએ એમણે હાથ લંબાવેલો ને કહેલું, ‘હલો કૈરાલી, હાઉ આર યૂ?’ મને બહુ જ ગુસ્સો આવ્યો અમ્મા પર. એને કારણે એ પણ મારું ખોટું નામ બોલ્યાં હતાં. મારો જમણો હાથ હાથમાં રાખી એ અમ્માને કહેતાં હતાં, ‘તમારી દીકરી કાળી હશે, પણ બહુ મીઠી છે ને એવું જ મીઠું એનું નામ છે.’ બીજા હાથથી મારા ગાલ પર ધીમી ટપલી મારી હતી એમણે. નહોતી રહી ચીડ, ને નહોતો રહ્યો ગુસ્સો. નામનું તો ચાલશે પણ દેવી જેવાં એ મદામ મને અડક્યાં હતાં, ને ધીરે ધીરે ધોળી થવાની જ હતી મારી ચામડી. ઓ મિગેલ, તારાં સ્નેહલ મા એ પહેલી વાર મળ્યાં ત્યારે મને દસ વર્ષ પણ પૂરાં નહોતાં થયાં. તેં એ પહેલી મુલાકાત વિશે સાંભળ્યું ત્યારે તું હસી પડેલો, મને યાદ છે. પણ એ દરમ્યાન સાત વર્ષ વીતી ગયેલાં, ને કેટલું બધું બદલાઈ ગયેલું મારા જીવનમાં. ધોળા રંગના બનવાનું મારું સ્વપ્ન સાકાર નહોતું જ થવાનું – ના જ થઈ શકે – એ સમજણ તો આવી ગઈ હતી ક્યારની, પણ એ ઇચ્છા સમૂળગી ઘસાઈ ગઈ નહોતી. દેવોને ફરિયાદ પણ કરી બેસતી હતી ક્યારેક ક્યારેક જ જોકે.

હા, ઘણું બદલાઈ ગયેલું – બધું સારા માટે, ને બધું મદામને કારણે. વીશીમાં એ અચાનક જ આવી ચડેલાં, પણ એ પછી અમારી સાથે બહુ સારો સંબંધ રાખ્યો. હું તો સૌથી વધારે નસીબદાર હતી. સૌથી નાની એટલે મને તો પાસે બેસાડીને એ વાતો કરતાં, રંગીન ફોટાવાળી અંગ્રેજી ચોપડીઓ લાવી આપતાં. એક વાર મને મોટી મોટરમાં ફરવા લઈ ગયાં. મને બીક લાગી હતી અંદર બેસતાં, પણ એમણે મારો હાથ પકડી રાખ્યો હતો. રજા પર એ મેક્સિકો પાછાં જતાં ત્યારે મને ગમતું નહીં – જોકે એવું હું કોઈને કહેતી નહીં. કોઈ હસે તો? હાઈસ્કૂલ પૂરી કરી પછી અમ્માને પૂછી એ મને રંગૂન એમની સાથે રહેવા લઈ ગયાં. કેટલો મોટો બંગલો! પાછો મને મારો પોતાનો રૂમ આપ્યો – સરસ પલંગ, સુંવાળા પડદાવાળી બારી અને છત પર પંખો. મને થતું કે જાણે રૂમમાં જ બેસી રહું આખો દિવસ! પણ મદામ તો કામમાં ને કામમાં. એ જોઈને આળસના વિચારથી જ શરમ આવવા માંડી હતી મને. એટલે હું ઘરકામમાં ને રસોઈમાં ક્યારેક મદદ કરતી દાઈને અને અબુને; નહીં તો વાંચતી, મદામની સાથે તમારા મેક્સિકોનું સંગીત સાંભળતી. રાજ્યદૂત તરીકેના એમના અનુભવોની વાતોમાંથી મને કેટલું બધું જાણવા મળ્યું! તારી વાતો મદામ કોઈ કોઈ વાર કરતાં, પણ એ પરથી તારી ઓળખાણ મળી ગઈ હતી મને. મિગેલ, હવે કહું છું તને એક ખાનગી વાત. જોતાંની સાથે ગમી ગયો હતો તું મને – ઊંચો, પાતળો, હસતું મોટું, ભૂરી આંખો, સોનેરી વાળ; તડકામાં રહી રહીને તું થોડો શ્યામ થયેલો, પણ મૂળમાં ચામડી તો ગોરી જ ને પણ યાદ છે ને, કેટલી શરમ આવતી મને શરૂઆતમાં? તે ખાસ્સી મહેનત કરેલી એ છોડાવવામાં. આખું રંગૂન મારે જ તને બતાવવું પડ્યું. તને તો ઇતિહાસની બધી જાણ એટલે મેં પણ જાણે એ બધી જગ્યાઓ પહેલી જ વાર જોઈ અને જાણી. વળી તેં પહેલેથી જ સ્પષ્ટ કહી દીધેલું, ‘હું તને ‘કેલી’ નથી કહેવાનો. એ તો પશ્ચિમનું નામ છે. એટલું સરસ ‘કૈરાલી’ નામ તને ગમતું કેમ નથી?’ મનમાં તો મેં કહેલું, ‘તે મને એ સારું ના લાગતું હોય તો? મારે પશ્ચિમના થવું હોય તો?’ પણ શરમ એવી કે તારો વિરોધ નહોતી કરી શકી. પછી તેં મને મારો જ કૌટુંબિક ઇતિહાસ સમજાવ્યો હતો, કે ‘તારાં માતા-પિતા કેરળથી બર્મા આવ્યાં હશે અને એ સંદર્ભે એમણે તારું આ નામ પાડ્યું હશે.’ ઇન્ડિયાનો નકશો ખોલી તેં મને બતાવ્યું હતું કે કેરલા ક્યાં હતું. અમ્મા પાસેથી એ નામ સાંભળ્યું તો હતું મેં, પણ એ કઈ જગ્યા હતી ને ક્યાં હતી – એની ખબર ન હતી. મિગેલ, તારી પહેલાં કોઈએ મને નકશામાં બતાવી નહોતી એ જગ્યા. અમ્મા સાવ નાની હતી ત્યારે મારા નાના-નાની સાથે એ બર્મા આવેલી. અહીં જ એ પરણી, વીશી શરૂ કરી, છોકરાં થયાં. ક્યારેક એ કેરલાને યાદ કરતી. ‘મરતાં પહેલાં એક વાર કેરળ પાછાં જવું છે જરૂર.’ એમ કહેતી મેં એને ક્યારેક સાંભળી હતી ખરી, પણ હું કશું સમજી નહોતી – મૂળ એટલે શું? પાછા જવું એટલે શું? તીવ્ર ઇચ્છા એટલે શું? જિંદગીની બધી સમજણ મને તારી પાસેથી જ મળીને મિગેલ? તારો આભાર તો હું માનતી જ રહેવાની, પ્રિય. તું સદેહે નથી મારી સાથે, પણ હજી – અને હંમેશ માટે તું જ મારો આધાર છે. તું ને આપણો માઇકલ.

કેટલું બધું બની ગયું છેલ્લાં બે વર્ષમાં! તું મેક્સિકો પાછો ગયો ત્યારે હું એકલી પડી ગઈ, સાવ સૂની થઈ ગઈ જાણે; પણ એ લાગણીઓને પ્રેમ કહેવાય એવી સમજણ નહોતી. તેં મોકલેલું કાર્ડ મદામે મને આપેલું, ને ત્યારે હસીને કહેલું, ‘મિગેલ તને ઘણું યાદ કરતો લાગે છે.’ બહુ શરમ આવેલી મને એ સાંભળીને, પણ હવે વિચારતાં લાગે છે કે એ ઘણું વધારે જાણતાં હતાં – આપણે માટે! કદાચ તેથી જ હું ગુમસૂમ બેસી રહીને સમય બગાડું નહીં એટલે એમણે મને ટાઇપિંગ શીખવા મોકલી હતી, અને એકાઉન્ટિંગના ક્લાસ લેવડાવ્યા હતા. તું ભણવાનું પતાવીને ફરીથી રંગૂન આવ્યો. મારા હાથ પકડીને કહ્યું હતું તેં, ‘બહુ યાદ કરતો હતો તને, કૈરાલી. મને કહે કે હવેથી મારી સાથે રહીશ.’ મારી સાથે લગ્ન કરવાની ઇચ્છા તારાં માતાએ જાણી ત્યારે એમણે તને રોક્યો નહીં. મારી ગેરહાજરીમાં કદાચ થોડું સમજાવ્યું હશે ખરું. ને સાચે જ કેટલો બધો ફેર હતો આપણી વચ્ચે, આપણાં જીવનમાં! પણ એ બાબતો વિશે મેં વિચાર કરી લીધેલો અને તું મક્કમ જ હતો. પછી મદામ આપણને બંનેને લઈને અમ્માની રજા લેવા ગયાં હતાં, યાદ છે? અમ્મા તો ગાંડી જ થઈ ગઈ હતી જાણે – એક બાજુ ખડખડ હશે, ને બીજી બાજુ રડે! તારા વાળ પર હાથ ફેરવીને એ બોલી હતી, ‘તને આપવા જેવું બીજું કશું અમારી પાસે નથી, પુત્ર. પણ મારું આ કાળું રતન ખુશીથી તને સોંપું છું. તમે બંને સુખી થઈને રહેજો.’ હું તો બર્માની બહાર નીકળી શકું તેમ જ ન હતી. પાસપૉર્ટ હતો જ ક્યાં મારી પાસે? મારું કુટુંબ પણ ક્યાં નીકળી શકે તેમ હતું? રંગૂનમાં લગ્ન થયા એનો કોઈને વાંધો ન હતો – ફક્ત તારી બહેને અમેરિકાથી બર્મા આવવાની તકલીફ લેવી પડી. વિમાન-મથકે મને જોતાં સાથે જ બોલાઈ ગયેલું એમનાંથી ‘આ છે તારી થનારી વહુ મિગેલ? અંધારામાં બિલકુલ ભળી જાય.’ કહી ભવાં ચડાવી માથું ધુણાવ્યું હતું. સ્પેનિશ ભાષા હતી છતાં હું એ શબ્દો સમજી ગઈ હતી. તું તરત એને લડ્યો હતો – ‘બસ, માતિલ્દે, બહુ થયું.’ મને ખબર હતી કે વારંવાર બનતું જ રહેવાનું આવું. અઢાર વર્ષ સુધી મેં દેવોને ફરિયાદ કર્યા કરેલી એ માટે. કેમ આવું કર્યું હશે એમણે મારી સાથે? આંસુયે કેટલાં વહાવેલાં! પણ પછી તું મળ્યો, મિગેલ, કે દેવોએ જ મોકલ્યો તને મારી વહારે? તેં મને તારી બનાવી, ને તારા પ્રેમે મારો રંગ-પલટ કરી દીધો જાણે.

જો પ્રિય, અડધી રાતે કે વહેલી સવારે આમ લાંબી લાંબી વાત કરું છું; પણ ખાસ તો મારે એ જણાવવું છે તને કે હું કેરળ કઈ રીતે પહોંચી. ટૂંકમાં જ કહીશ, કારણ કે વિગતો કહેવા બેસીશ તો ભાંગી જ પડીશ હું. પરણ્યા પછી તેં જે મહેનત કરી મને પાસપૉર્ટ અપાવવા માટે, તે જ લેખે લાગી. થોડી માથાકૂટ કરવી પડી, પણ ફૉરેન પાસપૉર્ટ હતો એટલે તો તારી સાથે બર્માની બહાર નીકળી શકી. તેં થાઈલૅન્ડમાં કામ લીધું, એટલે મારે જવું જ પડે ને સાથે? મારાં ભાઈ-બહેનોને અને અમ્માને છોડીને જવું તો અઘરું જ હતું, પણ મદામ વગર રહેવાના વિચારથી જ હું ગભરાઈ ગયેલી. સદ્ભાગ્યે બૅન્ગકોકના આપણા ઘરની નજીકમાં ‘નોત્ર પાદ્રે’નું ચર્ચ હતું. એ કારણે ઓળખાણ થઈ ફાધર રુબેનની સાથે. મેં ચર્ચમાં મદદ કરી એક વર્ષ, ને એમણે મને જિંદગીભર ચાલે એટલી સહાય કરી. અને પેલો રિક્ષાવાળો હતો ને? મુકિચુ નામ હતું એનું. સાધારણ માણસ, પણ કેટલી કરણા હતી એના હૃદયમાં! એ અને એની પત્ની મારી સાથે ને સાથે જ રહ્યાં – હું તારાથી વિખૂટી પડી ગઈ પછી. ઓ પ્રિય, તારે જો મેક્સિકો જવાનું ના થયું હોત તો હજી સાથે જ હોત આપણે બે. તારા મૃત્યુની વિગતો મને ક્યારેય પૂરેપૂરી મળી જ નહીં. એ ખબર પણ મને મહિના પછી મળી. બેભાન થઈ ગઈ હતી હું, ને પછી કલ્પાંત કરતી રહી હતી દિવસો સુધી. તને હું માંડ ત્રણ વર્ષ માટે પામી. લગ્ન પછી તો દેવોએ મને પૂરું વર્ષ પણ ના આપ્યું તારી સાથે. એમની ક્રૂરતા તો જુઓ. તને છીનવી લીધો, ને મારા પેટમાં મૂક્યો નવો એક જીવ. હા મિગેલ, જેમણે એક છોડ હણી કાઢ્યો એમણે રોપ્યું એક બીજ – ત્યાં જ. જે પરમ આનંદના સમાચાર હોત આપણે માટે – તે તને જાણવા પણ ના મળ્યા. તારા વગરના જીવનમાં મારે નહોતું જ જોઈતું એક બાળક. એનો નિકાલ કરાવી જ દીધો હોત મેં – જો ફાધર રુબેને મને રોકી ના હોત. સૌથી પહેલાં તો એ મને ચર્ચમાં રહેવા લઈ ગયા – ત્યાંના મહેમાનગૃહમાં, અને આપણું ઘર બંધ કરાવી દીધું. દરરોજ પ્રાર્થના અને પ્રવચન ઉપરાંત એ મારી સાથે ઈશુ તથા માતા મેરીની કરુણાની વાતો કરતા રહ્યા, મારા આંસુ લૂછતા રહ્યા. મારી અંદરના બાળક માટે મારા હૃદયમાં ફાધર રુબેને જ પ્રેમની લાગણી સીંચી. એ ઉપકાર શું હું ક્યારેય ભૂલવાની? થાઈલૅન્ડમાં રહેવાનો અર્થ મને લાગ્યો નહીં. ફાધરની પણ સલાહ હતી કે મારે રંગૂન પાછા જવું. મિગેલ, તેં મને આગળ જતાં, આગળ જોતાં શિખવાડ્યું હતું. પાછળ કેવી રીતે જોઉં હું? ના, ના, આટલાં બધાં દુઃખની અંદર એક સંકેત હતો દેવોનો. મારો સાથી લઈ લીધો ને હવે મને માર્ગ ચીંધતા હતા એ. તારા સાથમાં પરિચિત બનેલી જગ્યાઓમાં તારા વગર કઈ રીતે જીવી શકાય મારાથી? મઝધારમાં હતી મારી નૌકા. એ બીજા કિનારે પહોંચે એ જ સારું હતું. જીવવાની કોઈ જુદી રીત શોધવાની હતી મારે. વીસ વર્ષની ઉંમર પણ નહોતી થઈ, ને જો તો ખરો મિગેલ, કેટલી સમજણ આવી ગઈ અને કેટલી હિંમત! ફાધર રુબેને અને મુકિચુએ બધી મદદ કરી મને ઘરવખરી વેચવામાં, બૅન્કનું ખાતું બંધ કરવામાં, કેરાલા સુધીની ટિકિટ ખરીદવામાં. હા, કેરાલા જવાનો નિર્ણય કર્યો હતો મેં. અમ્મા જ્યાંથી આવી હતી ત્યાં જ મારું બાળક જન્મે તો જાણે, મારા અંગત ઇતિહાસનું વર્તુળ સંપૂર્ણ થાય. તું થાય છે સંમત મારી સાથે, મિગેલ? ફાધર રુબેને ત્રિવેન્દ્રમની બહાર આવેલા ‘સેક્રેડ હાર્ટ’ ચર્ચ અને સાધ્વી-મઠનું નામ મને મેળવી આપ્યું. કશો સામાન લીધા વગર નીકળી પડી હું – એક સાધ્વીની જેમ જ. કશું પરિચિત મારે રાખવું ન હતું સાથે – તારી સ્મૃતિ સિવાય. મુકીચુ મને બેંગકોકના વિમાનમથકે ટૅક્સીમાં ઉતારવા આવ્યો ત્યારે એની આંખો ભીની હતી. હું સંઘર્ષ માટે તૈયાર હતી અને સૂકી હતી ત્યારે મારી આંખો.

બૅન્ગકોકથી મદ્રાસ, મદ્રાસથી ત્રિવેન્દ્રમ ને પછી ટૅક્સીમાં મઠ પર પહોંચી ત્યારે થાક અને ભૂખથી હું સાવ નંખાઈ ગઈ હતી. એ રાતે તો નહીં જ, પણ પછી પણ ત્યાં કોઈએ મને ખાસ પ્રશ્નો ના પૂછ્યા. મેં મારી ઓળખાણ ટૂંકમાં આપી દીધી. ત્યારે મને છઠ્ઠો મહિનો ચાલતો હતો. મઠમાં રહેવાની મારી વિનંતી મધર સુપિરિયરે સ્વીકારી લીધી. બીજી બે-ત્રણ સ્ત્રીઓ પણ ત્યાં રહેતી હતી, ને મઠમાં કામ કરતી હતી. મેં પણ શક્ય તે રીતે મદદ કરાવવા માંડી. બધાં સારી રીતે જ રાખતાં હતાં મને. સહેજ આંસુ જુએ કે તરત પૂછવા માંડી જાય, ‘શું થયું? શું થયું?’ તેથી પ્રયત્ન કરીને આંસુ અટકાવી રાખું, પણ એકલી પડું કે સરોવરની પાળ તૂટી જ જાય. હવે મને મારો પોતાનો રૂમ મળ્યો છે, એટલે કોઈ જોનાર નથી એ. અઘરી સુવાવડ પછી હજી અશક્તિ છે, અને મોટે ભાગે રૂમમાં જ હોઉં છું. માઇકલ જન્મ્યો ત્યારે સિસ્ટર કારાએ લીધેલો ફોટો જોયા કરું છું. દિવસે એકાદ વાર એને જોવા પામું છું, એ પણ હજી નબળો છે. થોડા દિવસ પછી હું એને મારું દૂધ પિવડાવી શકીશ કદાચ. પછી જોજે મિગેલ, એ કેવો મોટો થવા માંડે છે તે. બૅન્ગકોક છોડ્યા પછી મેં કોઈને મારા સમાચાર આપ્યા નથી. ચિંતા કરે એવાં ચારેક જણ તો જરૂર છે. મારી અમ્મા, મદામ, ફાધર રુબેન, મુકિચુ – એ બધાંને સરસ લાંબા કાગળ લખવાની છું હું. એમને લખીશ કે, ‘જુઓ, જુઓ, ડૂબતી બચી ગઈ છું હું. બચાવી દીધી છે મને મારા માઇકલે.’ અને તેં. તું તો છે જ મિગેલ, મારા દરેક શ્વાસમાં. અને સાંભળ, સ્વસ્થ થાઉં એ પછી હું નોકરી શોધી લઈશ. મદામે ટાઇપિંગ અને એકાઉન્ટિંગના ક્લાસ લેવડાવ્યા ત્યારે કેવો કંટાળો આવતો હતો! ને હવે એ આવડત મારી વહારે આવશે. થોડો સમય લાગશે કદાચ, પણ મારી કમાણીથી હું અમ્માનું સપનું પૂરું કરીશ. અહીં કેરાલા ફરવા બોલાવીશ હું એમને.

• • •

પહેલાં તો પ્રિય, કોઈ માની જ ના શકે કે મારી કૂખેથી અવતર્યો છે માઇકલ. એની ચામડીનો રંગ બરાબર તારા જેવો છે ધોળો ધોળો. આંખો પણ તારી જેમ ભૂરાશ પડતી આવી છે, પણ વાળ કાળા-ભમ્મર છે. મારા વાળની જેમ. સિસ્ટર કારાએ તો પૂછેલું, ‘સાબિતી છે તો ખરી ને, કૈરાલી? કારણ કે દરેકે દરેક જણ આ શંકા કરવાનું.’ ભલે ને કરે. મને કશી બીક નથી. જોકે લગ્ન વખતનો આપણો ફોટો મારી પાસે છે. તું મારી સ્મૃતિમાં સતત છે, પ્રિય, અને જીવંત છે, પણ છેલ્લે એક ફોટો સાથે લીધા વગર ના રહી શકી. એ સારું જ થયું, કારણ કે માઇકલ મોટો થશે ત્યારે એ જોઈ શકશે એના પિતાનું મુખ. અને ત્યારે જ એને સમજાશે અમારાં મા-દીકરાની વચ્ચેનો રંગભેદ, જો મિગેલ, તું મને સ્પર્શ્યો તો મારી નિર્દોષ માગણી પણ સંતોષાઈ – આપણા બાળકના રૂપમાં. તેં મને પરિપૂર્ણ કરી, પ્રિય. ચાલ, ફરી હું આંખો લૂછી લઉં અને થઈ જાઉં તૈયાર માઇકલને મારા હાથોમાં ઝીલવા. તું ક્યાંયે જતો નહીં, મિગેલ. તું હોઈશ તો આપણે કુટુંબ બનીશું. જો, માઇકલને લઈને હમણાં આવશે સિસ્ટર કારા. હાશ.