Many-Splendoured Love/ચતુષ્કોણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચતુષ્કોણ

હવાના શહેરની એક નાની હોટેલની લૉબીની શાંતિમાં સબીને ફ્રેશ લાઇમનો ઘૂંટડો ભર્યો. એની ઠંડકની સાથે ફાબિયાનની યાદ આવી જતાં એ રોમાંચ અનુભવી રહી. એના હોઠનો મલકાટ સ્મિત થઈને આખા મોઢા પર ફેલાયો. બંધ આંખે જ ગ્લાસને હાથમાં લઈ મોઢું સહેજ નીચું કરી ફ્રેશ લાઇમનો બીજો ઘૂંટડો એણે ભર્યો. એ જ વખતે, ‘હલો, આર યુ સ્ટેઇંગ હિયર?’ કહી કોઈ પોતાને બોલાવતું હોય તેવું લાગતાં સબીને આંખ ખોલીને સામે ઊભેલા માણસ તરફ જોયું. જોતાં જ એને લગભગ એક ઊબકો આવી ગયો. કોઈ બહુ કદરૂપો લાગતો માણસ સામે ઊભો હતો. એનું કદ નીચું હતું ને બાંધો એકવડો હતો. ત્વચાને સફેદ અથવા લાઇટ કહી શકાય. એની આંખો માંજરી લીલી હતી, વાળ થોડા વાંકડિયા હતા ને નાક એકદમ તીણું ને જરા વળેલું હતું. પહેલી જ નજરમાં સબીને આટલું બધું નોંધી લીધું. સ્પષ્ટ રીતે જ એની મુખાકૃતિ અરબી હતી. ‘પણ આટલો કદરૂપો કેમ લાગે છે મને?’ સબીને જાતને પૂછ્યું. પછી જવાબ આપવા માટે ફરીથી સબીને એની સામે જોયું. ત્યારે એને પોતાને પણ જવાબ મળી ગયો : એક તો એનું કદ અરબી નથી – પણ માંદલા જેવું કદ છે. આંખોમાં ખુન્નસ જેવો ભાવ છે ને એથીયે વધારે, ગંદા લાગતા એના હોઠ એવી ગંદી રીતે વંકાય છે. માંડ માંડ ઘૂંટડો ગળે ઉતારીને સબીને નકારમાં માથું હલાવ્યું. ‘તો ક્યાં ઊતર્યાં છો?’ પેલાએ પૂછ્યું. ‘બીજી એક હોટેલમાં', સબીને મોઘમ જવાબ આપ્યો. ‘એકલાં?’ હવે સેબીને હકારમાં માથું હલાવ્યું. પેલાની નજર સબીનના ખુલ્લા હાથ, ખભા ને ગળા પર ફરી રહી હતી. ‘ક્યુબામાં જ રહો છો?’ એણે પૂછ્યું. ‘ના.’ ‘તો? અમેરિકા જવું છે એટલે?’ ‘ના.’ ‘અમેરિકા જવા માગો છો એટલે?’ પેલાએ ફરી પૂછ્યું. સબીને ગ્લાસ આઘો ખસેડ્યો. હવે પીણું ગળે ઊતરે તેમ નહોતું. એણે હૅન્ડબૅગ હાથમાં લીધી. પેલાને જવાબ આપવાનો અર્થ નહોતો. એ ખાતરીપૂર્વક બોલ્યો, ‘અમેરિકા જવાની રાહ જુઓ છો, નહીં? અઘરું છે, પણ રાઇટ માણસ મળી જાય તો કરી આપે.’ સબીનને થોડી સમજ પડી કે એ શું કહેવા માગતો હતો. ક્યુબાથી અમેરિકાનો કિનારો ફક્ત નેવું માઈલ, તેથી અમેરિકાની અંદર ઘુસાડી આપવાની વ્યવસ્થા, ડૉલર આપતાં રાઇટ માણસો કરી આપતા હશે. બધાં કાંઈ ક્યુબા એટલા માટે જ આવતાં હશે?’ સબીનને ચીડ ચડી ગઈ. પછી પરાણે પેલાની સામે જોઈ જરા જુસ્સામાં એ કહેવા માંડી, ‘મારે એવી જરૂર જ નથી. મારા પાસપોર્ટ પર હું ગમે ત્યારે અમેરિકા જઈ શકું.’ પેલાના અવાજમાં અવિશ્વાસનો ભાવ વર્તાતો હતો : ‘ફરવા તે કોઈ ક્યુબા આવે? તમારે બીજું કોઈ કારણ હશે; નહીં?’ સબીન આવેલી તો ફરવા જ પણ એનુંયે કારણ તો હતું જ. એ અજાણ્યા માણસે બહુ સૂચક પ્રશ્ન પૂછ્યો હતો. સબીન પોતાના જીવનથી કંટાળી હતી. જર્મનીથી જાણે એ ભાગી છૂટવા માગતી હતી. વળી, માબાપ, નોકરી, બૉયફ્રેન્ડ, નાનો ફ્લૅટ વગેરે સઘળાંથી ખૂબ ખૂબ દૂર જવાના ઇરાદાથી એ છેક ક્યુબા આવી ચડી હતી. ફરતાં ફરતાં એક દિવસ ‘હવાના’ની મહેલ જેવી સુંદર નેશનલ હોટેલમાં એને ફાબિઆન મળી ગયેલો. શહેરમાં ચાલી રહેલા સ્પેનિશ ફિલ્મોના વાર્ષિક મહોત્સવમાં કંપની તરફથી હાજરી આપવા એ ફ્રાન્સથી આવેલો. બંને તરત જ એકબીજાંથી આકર્ષાયેલાં ને દરેક સાંજ સાથે જ પસાર કરવા માંડેલાં. પણ પોતાને વિશેની આવી કોઈ વિગત સબીન આપવા માગતી નહોતી. જવાબ આપવાનું ટાળીને સોફા પરથી ઊઠતાં ઊઠતાં એણે વાત વાળવાનો પ્રયત્ન કર્યો. ‘તો તમે અહીં શા માટે આવ્યા છો?’ જાણી- જોઈને એણે પ્રશ્નનો ઉત્તરાર્ધ–‘અમેરિકા જવા માટે?’ બાકાત રાખ્યો. પેલો હોઠ વંકાવી બોલ્યો, ‘ઓહ હું? ઓહ, હલો, મારું નામ ખાલેદ છે. હું પેલેસ્ટિનિયન છું – પણ લેબેનોનથી છું. વર્ષોથી ટેક્સાસમાં રહું છું.’ એ જવાબ સંતોષકારક ના હોય એમ સબીને ખાલેદની જ રીતે એને તંગ કરવા માટે ફરી પૂછ્યું, ‘પણ તમે અહીં આવ્યા શા માટે? ઑફિસના કામે?’ જાણીને એણે ઉમેર્યું, ‘કંપની તરફથી આવ્યા હશો.’ ખાલેદ ગોળ ગોળ બોલવા માંડ્યો, ‘પહેલાં હું લેબેનોન ગયો. ત્યાંથી સ્વિત્ઝર્લેન્ડ, પછી અહીં આવ્યો.’ ‘ટેક્સાસ પાછા ક્યારે જવાના? ઝેરી તીર જેવો પ્રશ્ન સબીને પૂછ્યો હતો. ખાલેદ કશું કહે તે પહેલાં રિસેપ્શનિસ્ટે એને બૂમ પાડી, ‘તમારો ફોન લાગી ગયો છે.’ ખાલેદની રાહ જોઈને ઊભેલા લાગતા બીજા એક માણસને જોતાં સબીનને થયું કે, એ અરબી નહીં પણ ઇન્ડિયન લાગે છે. એણે ખાલેદને પૂછી લીધું. જતાં જતાં ખાલેદે જવાબ આપ્યો, ‘હા, એ છે તો ઇન્ડિયન. મુંબઈનો. એનું નામ બાબુ છે. બીજું કાંઈ હું જાણતો નથી.’ પણ સબીન સમજી ગઈ કે ખાલેદ ઘણું વધારે જાણતો હતો. બહુ આવેશપૂર્વક ખાલેદ કોઈ સાથે ફોનમાં અરબીમાં લાંબી ચર્ચા કરવા લાગી ગયો હતો. બીજી તરફથી બાબુ સબીનનાં ગૌર અંગોની સામે તાકી રહ્યો હતો. એનું મોઢું સહેજ ખુલ્લું રહી ગયું હતું. સબીન સાથે વાત કરવા એ ગયો નહીં, અને જ્યારે સબીનની નજર ફરી એના પર પડી ત્યારે એણે નજર ફેરવી લીધી ને માથું નીચું કરી ઝડપથી લિફ્ટમાં ચડી ગયો. ગોળ ચહેરા પરનાં ચશ્માં પાછળ છુપાયેલી એની આંખોનો સ્પર્શ સબીને એટલામાં અનુભવી લીધેલો. ખુલ્લા ગળા પર લટકતી ઝીણી ચેઇન સાથે અભાનપણે રમત કરતાં કરતાં સબીન હોટેલની બહાર જવા માંડી. ફૂટપાથ પર સબીને પગ મૂક્યો – ના મૂક્યો ત્યાં જ હોટેલની અંદર જઈ રહેલા એક માણસે એને અટકાવી : ‘અરે, ક્યાં ખોવાઈ ગઈ હતી આટલા દિવસ?' સબીનને ઓળખાણ પડી નહોતી, એ જોતાં એણે ફોડ પાડ્યો. ‘કેમ, આપણે હવાના ઍરપૉર્ટ પર મળેલાં. તેં કહેલું બીજે દિવસે મળીશું. યાદ આવે છે?’ છ-સાત દિવસ પહેલાંની એ અછડતી મુલાકાત સબીનને આછી આછી યાદ આવી. એનું નામ એ જાણતી નહોતી. એણે પૂછ્યું નહોતું, પેલાએ કહ્યું નહોતું ને એમ તો એ સબીનનું નામ પણ નહોતો જાણતો. એ પાકિસ્તાની હતો, એ ખબર પોતાને કઈ રીતે પડી હશે એ પણ સબીન ભૂલી ગઈ હતી. રાષ્ટ્રીયતા વિશે કદાચ વાત થઈ હશે, કારણ કે પાકિસ્તાની આગળ બોલ્યો, ‘મેં તારી રાહ જોયેલી. મારા કેટલાક મિત્રો પણ હતા. મારે તારી ઓળખાણ મારા જર્મન મિત્રો સાથે કરાવવી હતી.’ જે-તે જર્મનોને હવાનામાં મળવાની ઇચ્છા સબીનને હતી નહીં. ત્યાં તો પાકિસ્તાનીએ કહ્યું, ‘કાંઈ નહીં, હવે મળીએ. બોલ, ક્યારે મળવું છે? ‘જોઈશ, ફાવશે તો મળીશ. કહેવાય નહીં.’ છેવટે સબીન બોલી. પછી જાણભેદુની જેમ એણે પૂછ્યું, ‘તમે ક્યાં ચાલ્યા? પેલા ઇન્ડિયનને મળવા જાઓ છો ને?’ ‘કોણ, નીલેશને? ‘શું નામ છે? નીલેશ કે બાબુ?’ ‘ઓહ, હું તો એને નીલેશ તરીકે મળ્યો છું.’ પાકિસ્તાની થોડો અચકાયો. ‘બહુ ઓળખતો નથી કાંઈ.’ ‘પણ વાત શું છે?’ સબીને દબાણ કર્યું. ‘એને કાંઈ પ્રૉબ્લેમ છે? દૂતાવાસમાં કામ કરનારા સિવાયના કોઈ ઇન્ડિયન ક્યુબામાં નહીં હોય તો એ અહીં શું કરે છે? ગોટાળો લાગે છે મને તો.’ સબીને છેલ્લું વાક્ય ગીતની લીટીની જેમ ઉચ્ચાર્યું. ઊંડી મુશ્કેલીમાં લાગતા એ પુરુષો પર સબીનને કશી દયા નહોતી આવતી, બલ્કે એમની જિંદગીની જટિલતા વિશે જાણીને પોતાને વિશે જાણે એ નિરાંત મેળવવાની હતી. પાકિસ્તાની અચકાતો હતો, પણ સબીન સ્મિતથી અને તીક્ષ્ણ નજરથી એના પર બેધારી અસર કરી રહી હતી. એક વાર હોટેલના બારણા તરફ જોઈ સંકોચથી જરા ગળું ખંખેરી એ કહેવા માંડ્યો, ‘લાંબી વાત છે આમ તો. એ ન્યૂજર્સીમાં રહેતો હતો. ત્યાંથી ઇન્ડિયા પરણવા ગયો ને હવે એને અમેરિકામાં દાખલ થવા નથી દેતા.’ સબીનને ખ્યાલ આવી ગયો કે પહેલેથી જ ગેરકાયદેસર રીતે નીલેશ અમેરિકા ગયો હશે. પછી દેશનિકાલ થયો હશે, ને હવે પાછો જવા મથતો હશે. ‘હા, એમ?’ એણે પૂછ્યું, ‘તો એ અહીં શું કરે છે?’ ‘અરે, દોઢ વર્ષથી અથડાય છે. પૈસા આપો – ઇન્ડિયામાં જ, પાંચ-સાત લાખ રૂપિયા આપો તો ગમે તે રીતે તમને અમેરિકામાં દાખલ કરાવી આપે એવા એજન્ટ હોય છે. આખી ચેઇન હોય છે. આ બાજુના અમુક દેશોમાં પણ આવા એજન્ટ હોય.’ પણ ‘ગમે તે રીતે’ એટલે શું?’ સબીન સમજી નહીં. ‘અરે, વિમાન દ્વારા કે ક્યુબામાંથી શક્ય થાય તો હોડી દ્વારા. નહીં તો પછી ગૉતેમાલાનાં જંગલોમાંથી મેક્સિકો અને મેક્સિકોનાં જંગલોમાં થઈને અમેરિકામાં ઘૂસી જવાનું.’ સબીનની આંખો પહોળી થઈ ગઈ. બહુ ગંભીર બાબત હતી. આ બધું કરતાં પકડાઓ તો કદાચ પોતાને દેશ પાછાં જતાં રહેવું પડે, અથવા એથીયે ખરાબ – ક્યાંક જેલમાંય જવું પડે. જંગલમાં ભૂખ્યા-તરસ્યા ચાલ્યા કરવાનું ને હોડી ક્યારેક ડૂબી પણ જાય. હવે સબીનને એ અજાણ્યા માણસ પર દયા આવી ગઈ. પાકિસ્તાની વાત પૂરી કરતો હતો. ‘નીલેશ તો ક્યાંનો ક્યાં ફર્યો. કેટલાયે મહિના એક્વાદોરમાં રહ્યો, કેટલાયે મહિના પેરુમાં પડી રહ્યો. અંતે અહીં પહોંચ્યો છે. અહીં પૈસા ખવડાવીને ગૉતેમાલા કે નિકારાગ્વા જશે. ત્યાંથી મેક્સિકો. ગરીબ દેશોમાં લાંચ લેનારા ઘણાં મળી જાય. પણ આમ ને આમ એનું દોઢ વર્ષ ગયું. હવે એ માને છે કે બધું પતી જશે, ને બેએક અઠવાડિયાની અંદર તો એ અમેરિકાની ભુલભુલામણીમાં ક્યાંય ખોવાઈ જશે.’ સબીનને એ વિશે શંકા હતી, પણ હવે કશી ચર્ચા કરવાની શક્તિ એનામાં રહી નહોતી. ‘ચાલો, હું જાઉં. બહુ મોડું થાય છે.’ એમ ઓચિંતું કહી એ ચાલવા માંડી. પાકિસ્તાની ‘અરે, ફરી ક્યારે મળીશ?’ કરતો રહ્યો. બીજે દિવસે ઘણા કલાકો સબીન નૅશનલ હોટેલના સ્વિમિંગ પુલ પાસે ઝાડના છાંયડામાં પડી રહી. થોડો થોડો પવન આવતો હતો, એટલે તાપ સહન થતો હતો. નાહી-ધોઈને છેક સાંજે એ નીકળી. ફાબિયાના મોડે સુધી કામમાં હતો. રાતે જમવાના સમયે મળવાનો હતો. સૂર્યાસ્ત જોવાના ઇરાદાથી સબીન દરિયાકિનારે ગઈ. હવાના શહેરનો એ સરસ ખુલ્લો વિભાગ હતો. એની પહોળી ફૂટપાથ પર જાણે આખું હવાના ફરવા આવ્યું હતું. મોટા ગોળ ફુવારાની વાછંટથી ભીનાં થઈ ખિલખિલ હસતાં બાળકોને સબીન જોઈ રહી. એને પણ હસવું આવી ગયું એમનું નિર્દોષ તોફાન જોઈને. પછી એ દરિયા પરની પાળી તરફ જવા માંડી. સામેની બાજુ ખાલેદ અને નીલેશ કશી વાતોમાં મગ્ન હતા. ખાલેદ હાથ લાંબા-ટૂંકા કરીને બોલતો હતો. એ ગુસ્સામાં લાગતો હતો. નીલેશ સાંભળી રહ્યો હતો. સબીન થોડી પાસે જતાં એ બંનેની નજર એના પર પડી. ખાલેદ ચૂપ થઈ ગયો. નીલેશ થોડો દૂર ખસી ગયો. ‘હલો, ખાલેદ, કેમ છે?’ ‘શું કેમ છે? સાલા, બધા નકામા છે. મારી પાસે ગન હોય તો બધાને મારી નાખું.’ સબીનને લાગ્યું કે એ ગાંડો થઈ ગયો હતો. એણે નીલેશની દિશામાં જોયું પણ એ તરત આડુંઅવળું જોવા માંડી ગયો. ખાલેદ ફરી બોલવા માંડ્યો. ‘ટેક્સાસમાં મારું ઘર છે. મારી વાઇફ, બાળકો – અમેરિકામાં જન્મેલાં બાળકો, પણ ઈર્ષા કરનારાં અનેક હોય છે. અમે સુખેથી રહેતાં હતાં તે બીજાં પેલેસ્ટિનિયનો જ ના જોઈ શક્યાં.’ ખાલેદની ખાલી ખાલી નજર જાણે રખડતી હતી – આકાશ પર, જમીન પર, દરિયા પરના દૂરના કોઈ મોજા સુધી; પણ આજે એનું ધ્યાન સબીનનાં ખુલ્લાં અંગો પર નહોતું. પોતાની જિંદગીની જેમ એનું ચિત્ત પણ વેરવિખેર થઈ ગયું લાગતું હતું. અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ ખાલેદની દુકાનો પર જપ્તી મારેલી. ધંધો ખલાસ થઈ ગયો, જીવન બરબાદ થઈ ગયું. હવે અનહદ કડવાશથી ખાલેદનું મન ભરાઈ ગયેલું. ‘અમેરિકા હું પાછો જવાનો જ – ગમે તે રીતે. સાલા, એ બધા ઑફિસરોને એક એક કરીને હું ગોળીથી ઠાર કરવાનો. એમાં કશું પાપ હું જોતો નથી. એને તો અલ્લા પણ ન્યાય જ ગણવાના.’ છેવટે ખાલેદ સબીન તરફ ફર્યો. એ તો ચૂપચાપ હતી. કહેત પણ શું? ખાલેદ હાથ લાંબો કરી ગણાવવા માંડ્યો, ‘ને કેટલો ખર્ચ થાય છે મારે. હું અહીં, મારી વાઇફ ત્યાં. દર બીજે-ત્રીજે દિવસે આટઆટલાં. પેપર્સ મોકલું છું સ્પેશિયલ કુરિયર સાથે. અને દરરોજ બે વાર, ત્રણ વાર અમેરિકા ફોન કરું છું. ઘણી વાર કલાક કલાક વાત કરવી પડે છે. મારાં છોકરાંને ખબર પણ નથી કે હું ક્યાં છું, મારું શું થયું છે.’ ખાલેદના વાંકા હોઠ પર સબીનનું ધ્યાન નહોતું રહ્યું – એની વાતમાં જ હતું. સાંભળતાં સાંભળતાં એ વિમાસતી હતી, ‘આ વળી કઈ દુનિયા છે? એની તો મને કશી કલ્પના પણ નથી ને શું જીવન છે આ લોકોનું?’ મનમાં ને મનમાં સબીન કશો પસ્તાવો અનુભવવા માંડી – પોતાના જીવન માટે આ બે અજાણ્યા પુરુષોનાં જીવન માટે. એ કશું સારું કહેવા ગઈ – ‘ચાલો, સાથે બેસીને કૉફી પીએ, ગપ્પાં મારીએ.’ પણ એ પહેલાં તો ખાલેદ ચાલવા માંડી ગયો હતો. નીલેશ અકળાયા વગર રાહ જોઈને ઊભો હતો. એની નજર સબીન પર હતી. સબીન સાથે આંખો મળતાં આ વખતે નીલેશે તરત નજર ફેરવી ના લીધી, પણ થોડી જ પળોમાં ખાલેદ એની સાથે થઈ ગયો ને બંને રસ્તો ઓળંગી જવા લાગ્યા. ખાલેદ સબીનને ‘આવજો’ કહેવાનું પણ ભૂલી ગયો. ‘એમાં એનો વાંક ક્યાં છે? એમ વિચારતાં સબીને પીઠ ફેરવી. હૂંફાળા નિઃશ્વાસ જેવો આછો પવન દરિયા પરથી ઊઠતો હતો. પોતાની જાતને સબીન વાસ્તવિકતા સમજાવતી હતી : એ લોકો સાથે મૈત્રી શક્ય નથી. યુરોપિયન એશિયન સ્ત્રી-પુરુષ! ઉપરાંત અત્યારે એમનામાં મૈત્રીનો મૂડ જ ક્યાં છે?'

નૅશનલ હોટેલની ભવ્ય ઇમારત રોશનીના ઝગઝગાટને કારણે દૂરથી જ દેખાતી રહેતી હતી, પણ એના ચોગાનમાં પ્રવેશતાં એનો ખરો ઠાઠ નજરે પડતો. રંગરંગીન ધજા-પતાકા, યત્નપૂર્વક બનાવેલા બાગબગીચા, મોટરોની ભીડ, ફક્ત દ્વાર ખોલવાનું કામ કરવા માટે રખાયેલા દરવાનો ને અંદર જતાં વિશાળ લૉબી, અનેક લોકોની અવરજવર, લપસી પડવાનો ભય લાગે તેવી આરસની ફર્શ... નીલેશ જાણે બાઘો બની ગયો. એને ખરો ભય એ લાગ્યો કે કોઈ કાઢી ના મૂકે. એણે આમતેમ નજર કરી. કોઈ એની સામે જોતું નહોતું. એની ચિંતા ઓછી થઈ ને સાથે જ કશા કામ માટે આવ્યો હોય તેવો ડોળ એ કરવા માંડ્યો. ફિલ્મ મહોત્સવને માટેના ટેબલ પરનાં ચોપાનિયાં હાથમાં લીધાં, એક નોટિસ બોર્ડ પર લગાવેલા ફોટા જોયા, પણ એની આંખો કોઈને શોધતી હતી. સબીનને મળવાના ઇરાદાથી નીલેશ એ સાંજે નેશનલ હોટેલ પર ગયો હતો. ત્યાં એ મળી જશે એવું અનુમાન હતું. લૉબીમાં થોડી મિનિટો કાઢ્યા પછી એ દાદર ઊતરીને નીચે આંટો મારી આવ્યો. આશરે જ લિફ્ટ લઈને એક-બે માળ પર જઈ આવ્યો. ફરી લોબીમાં આવી પાછળ તરફ ગયો. મોટા એ ખંડમાંના બધા સોફા ખાલી હતા. ડાબા બારણામાં ડોકિયું કર્યું, તો જાતજાતનાં પીણાં લઈ બેઠેલાં સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ એક નાનો રૂમ હતો. વાતો ને હસવાના અવાજોની વચ્ચે બધાં મઝા કરતાં લાગતાં હતાં. નીલેશની આંખો બધાં પર ફરી વળી ને તરત એ ત્યાંથી બહાર નીકળી ગયો. જમણી બાજુનું બારણું વરંડા તરફ જતું લાગ્યું. પહોળા વરંડામાં ઉદ્યાન દેખાય તે રીતે વાંસની સરસ ખુરશીઓ અને કાચનાં ગોળ ટેબલ ગોઠવેલાં હતાં. કેટલાંક સોફિસ્ટિકેટેડ જણને એ શાંતિ પસંદ હતી. એવી એક ખુરશીમાં માથું અઢેલીને સબીન બેઠી હતી. એનો એક હાથ ગળા પરની ચેઇન સાથે રમત કરતો હતો ને બીજા હાથમાં લાલ ગુલાબનું ફૂલ પકડેલું હતું. અડધી મીંચેલી આંખે કોઈ મનગમતું સ્વપ્ન એ જોઈ રહી હતી. સબીનને જોઈને નીલેશના મનમાં કેટલાયે ભાવ ઊછળી આવ્યા. એના મનની ઇચ્છા તો હતી – સબીનની ખૂબ પાસે બેસવાની; એના બંને હાથ પકડીને, એની આંખોમાં જોઈને ઘણુંબધું કહેવાની, પણ એ સહેજ પણ ખસી ના શક્યો. ચશ્માંની પાછળથી એની આંખો સબીનને સ્વપ્નમાંથી જગાડવાનો પ્રયત્ન દૂરથી કરતી રહી. ઘણો સમય વીત્યો હોય એવું નીલેશને લાગ્યું. સબીનનો ધ્યાનભંગ થયો નહીં. આખરે નીલેશે સબીનની પાસે જવા પગ ઉપાડ્યો. એ જાણતો હતો કે આવું જ કંઈક થશે ને તેથી એ મનમાં મક્કમ નિર્ધાર કરીને આવેલો કે ‘આજે તો હું એ પરીની સાથે વાત કરીશ જ.’ એણે પોતાની જાતને એ નિર્ધારની યાદ અપાવી ને પરાણે પોતાને આગળ ધકેલ્યો. સબીન ગુલાબને સૂંઘતી હતી, નજરને તીરછી કરી મારકણું હસતી હતી. નીલેશ એક ખુરશી સાથે અથડાઈ પડ્યો. સબીને એ જોયું નહીં. આખા નિલેશને જ એને જોયો નહોતો. નીલેશ આગળ વધે એ પહેલાં એક દેખાવડો યુવક સબીન પાસે પહોંચ્યો. એના બંને હાથમાં પીણાંના ગ્લાસ હતા. એમને ટેબલ પર મૂકી નીચા નમી એ યુવકે સબીનનું મોઢું ચૂમી લીધું; પછી એની ખૂબ પાસે જઈ એનો ફૂલ વગરનો હાથ પકડીને બેઠો. પ્રસન્ન થયેલી સબીન આખેઆખી જાણે ખીલી ઊઠી હતી. હવે તો પાછાં જ ફરી જવાનું હતું, પણ નીલેશના પગ જાણે ખોડાઈ ગયા હતા. ‘આટલી પાસે, આટલી દૂર’, કપાતે જીવે પણ એ જોઈ શક્યો કે ‘છોકરી ને પેલો એકબીજાની સાથે શોભે તો છે.’ એ પોતે ફરી એક વાર રખડી પડ્યો હતો. એણે ખુરશીની પીઠ પકડી લીધી. એની આંખો હજી સબીનને છોડતી નહોતી. ‘વ્હૉટ આર યુ ઑર્ડરિંગ, સર?’’ એક વેઇટર એને પૂછતો હતો. નિલેશને લાગ્યું કે એ વેઈટરની નજરમાં બીજો એક પ્રશ્ન હતો : ‘અહીં ઊભા ઊભા ક્યારના શું કરો છો?’ નીલેશના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં. મોઢાની આગળ જોરથી હાથ હલાવી એણે નકાર સૂચવ્યો ને આવ્યો હતો એ રીતે પાછો નીકળવા માંડ્યો. અનેક મસ્ત સ્ત્રી-પુરુષોની વાતો અને હસવાનો અવાજ એનો પીછો કરતો રહ્યો. હોટેલની બહાર હવાનાના રસ્તા સૂમસામ થઈ ગયા હતા.

ફરી એક સાંજ પડવા આવી હતી, પણ સબીના દરિયા તરફ ગઈ નહોતી. સ્પેનિશ ફિલ્મોનો મહોત્સવ પૂરો થયો હતો. દેશવિદેશથી આવેલા લોકો પાછા જતા રહ્યા હતા. છેલ્લી સવારે ફાબિઆને કહ્યું હતું, ‘ફરી મળવાના પ્લાન આપણે કરીશું. ફ્રાન્સ ને જર્મની ક્યાં દૂર છે?’ પણ સબીન હજી જર્મનીનો વિચાર નહોતી કરી રહી. ત્યાંના જીવનનો કંટાળો હજી એના મન પરથી ઊતર્યો નહોતો. પણ ફાબિઆન જતાં હવાનામાંની મહેફિલો ને મિજબાનીઓ બંધ થઈ ગઈ. અચાનક સબીન એકલી પડી ગઈ. માથે હાથ મૂકી રસ્તા પરના એક કાફેમાં એ બેઠી હતી. ટેબલ પર ખુલ્લી ચોપડી હતી, પણ વાંચવામાં એને રસ નહોતો પડતો. જતા-આવતા લોકો તરફ બેધ્યાનપણે એ જોતી હતી. એવામાં થોડે દૂર એણે એક ઓળખીતી વ્યક્તિ જોઈ. ખુશ થઈને એ ઊભી થઈ ગઈ. હાથ હલાવી એ હલો હલો કહેવા માંડી. એનું નામ તો એ ક્યાં જાણતી હતી? આજે નામ પૂછી લઈશ ને કઈ હોટેલમાં છે એ જાણી લઈશ.’ એણે નક્કી કર્યું. પાકિસ્તાની પાસે આવતાં સબીને ઉત્સાહ બતાવી કહ્યું, ‘કેમ છો? સારું થયું મળી ગયા. બેસો, બેસો. ચાલો, હું કૉફી પીવડાવું.’ ‘જુઓ, એવું છે કે હું ખરેખર ઉતાવળમાં છું.’ ઊભાં ઊભાં જ એ બોલ્યો, ‘તમે મઝામાં? હું તો કાલે સવારે ચાલ્યો.’ ‘ક્યાં ચાલ્યા? પાછા પાકિસ્તાન?’ ‘ના, ના, હોતું હશે?’ પાકિસ્તાની હસ્યો. ‘હું કૅનેડા જઈશ. એ ગોઠવાઈ ગયું છે.’ ‘ઓહ’ સબીન ધીમેથી બોલી, ‘ને પેલા લોકો? ખાલેદ, ને....’ ‘ખાલેદ કાંઈ હમણાં દેખાયો નથી. મને લાગે છે કે બિચારાને પાછા લૅબેનોન જતાં રહેવું પડ્યું છે. એના પ્રોબ્લેમ તો સોલ્વ થાય એવા નથી લાગતા ને પેલો ઇન્ડિયન – નામ તો હું ભૂલી ગયો – હજી અહીં જ છે. લાંચ આપતાં પણ એને ગૉતેમાલાનો વિસા ના મળ્યો. માંડ માંડ નિકારાગ્વાનો મેળવ્યો, તો હવાનાના ઍરપૉર્ટ પરથી પાછો. કાઢ્યો. કોણ જાણે હવે એ શું કરશે.’ પાકિસ્તાનીએ ઘડિયાળ જોઈ. તોયે સબીને આગ્રહ કર્યો, ‘બેસોને થોડી વાર. સાથે એક કૉફી તો પીઓ.’ જાણે પાસાં જ બદલાઈ ગયેલાં. પાકિસ્તાની બોલ્યો, ‘ના, મારે જવું પડશે. ક્યુબામાં આ છેલ્લી રાત છે, મેં કહ્યું ને?’ એણે આંખ મિચકાવી ને ચાલતો થયો. સબીને મોઢું ફેરવ્યું. ખુલ્લી પડી રહેલી ચોપડી બંધ કરીને થોડી ક્ષણો એ સ્તબ્ધ બેસી રહી. પછી ઊભી થઈને એ ચાલવા માંડી – એમ જ, આશરે જ. એ જ દિશામાં પેલી હોટેલ હતી જ્યાં પહેલવહેલી વાર ખાલેદ અને નીલેશ એને મળ્યા હતા.