Many-Splendoured Love/નક્કામી બધી ચીજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નક્કામી બધી ચીજો

“આજે અચાનક જ મારાથી આ પાનાંમાં લખવાનું શરૂ થઈ ગયું છે. આ ડાયરી તો ક્યારની ય પડી’તી. આમ તો અભિનવના ટેબલના ખાનામાં હતી. એ વળી ક્યાંથી લાવ્યા હશે? કોઈએ આપી હશે? પણ એમણે રાખી મૂકી એ વાતની જ નવાઈ લાગે છે. પોતાને કામની ના હોય તેવી ચીજ એ રાખે જ નહીં. એક વાર ખાનામાંથી પોસ્ટેજ સ્ટૅમ્પ લેવા ગઈ ત્યારે મેં એ જોયેલી, પણ એના પર કાંઈ ધ્યાન નહોતું આપ્યું. ભૂલાઈ જ ગયેલી. પણ મગજનું તંત્ર પણ અદ્ભુત જ છે. નહીં તો, આજે દિલ ખોલવાનું મન થયું, ને આ ડાયરી ક્યાંથી યાદ આવી ગઈ હશે?

દિલ ખોલવાનું મન - એ શબ્દો જાણે અજાણ્યા લાગે છે. મેં વળી ક્યારે દિલ ખોલ્યું કોઈની યે પાસે? એવી તક જ ક્યાં મળી? અભિનવ આગળ તો એ ચાલે જ નહીં. વેવલાવેડાં જ લાગે એમને તો. કદાચ વઢી પણ બેસે.

એવું બીજું કોઈ પણ નહોતું, જેની સામે દિલ ખોલી શકાય. મા હોત તો કદાચ - પણ એને તો એક વાર છોડી તે છોડી. એ જીવી ત્યાં સુધીમાં ક્યાં મારાથી - એટલેકે અમારાંથી- પાછાં દેશ જવાયું? (જવાનું તો સાથે જ હોય, અભિનવ કહેતા.) બરાબર દેશવટો જ મળી ગયો હતો મને તો. મન ઝૂરી ઝૂરીને કરમાઈ ગયું. આંખો વરસી વરસીને સૂકાઈ ગઈ. જોકે આ બધુંયે છાનાંમાનાં. અભિનવની સામે તે રોદણાં હોય? એ તો મોટા સાહેબ. ને કહેશે, અરે મેઘા, તને શું સુખ નથી આપ્યું તે આમ રડતી રહે છે? ને બધાંને ઇર્ષા થાય એવા ઘરમાં રહેવા મળ્યું છે તોયે તારાં મા-બાપનું પેલું સાવ ખોલી જેવું મકાન આટલું શું યાદ કરતી હોઈશ?”

• • •

કેટલા બધા દિવસ પછી અચાનક આ ડાયરી મેઘાના હાથમાં આવી ગઈ. આશરે ખોલેલા પાના પરના આ શબ્દોથી એને પોતાને જ નવાઈ લાગી. આવું બધું વિચાર્યું હતું ક્યારેય એણે? છી, છી - અભિનવને માટે એના મનમાં આવી ફરિયાદ થઈ આવેલી?

પણ આ લખ્યાને ઘણાં વર્ષો વીતી ગયાં. ને એ પછી મેઘાનું જીવન ક્યાં ઓછા આનંદમાં વીત્યું હતું? તોયે ડાયરી બંધ કરી દઈને મેઘાએ આમતેમ જોયું. જો અભિનવ નજીકમાં હોય તો કદાચ માફી માગી લઉં, એને થયું હશે.

અભિનવના ફોટા પર રેશમી ફૂલોનો સરસ હાર પહેરાવેલો હતો. નિરાલિએ જોતાંવેંત ફગાવી દીધો હતો એને. પપ્પા આવા દેખાવ કરવામાં માનતા નહતા, ને ખોટાં ફૂલોને તો એ અડકે પણ નહીં, તે તું નથી જાણતી?, એ એની માને વઢી હતી. બરાબર અભિનવની જેમ જ. મેઘાએ નિરાલિના મોઢા પરના ભાવ અને ચઢી ગયેલાં ભવાં જોયાં હતાં.

નિરાલિ તો થોડા દિવસ પછી પાછી ન્યૂયૉર્ક જતી રહી હતી. ત્યાં જ એનું કામ હતું, કરિયર હતી, રસપ્રદ પ્રવૃત્તિઓ હતી, મિત્રો હતાં. સબર્બના આ ઘરમાંથી તો એ વર્ષો પહેલાં નીકળી ગઈ હતી.

પછી મેઘાએ એ જ હાર પાછો અભિનવના ફોટાને પહેરાવી દીધેલો.

અભિનવે બહુ શોખથી બંધાવેલું આ ખૂબ મોટું ઘર હવે ખાલી કરવાનું હતું. એ ગયા પછી પણ મેઘા એમાં જ રહી હતી. એને તો પહેલેથી નાનું અમથું, હુંફાળું, પોતાનું ને એકદમ અંગત લાગે તેવું ઘર જ વધારે ગમ્યું હોત. શરૂઆતમાં એણે એવી વાત કરી હશે, ને ત્યારે અભિનવે તરત જ, મેઘાનાં મા-બાપના ખોલી જેવા ઘરનો ઉલ્લેખ કરેલો. જોકે એ પોતે પણ એવી નાની ખોલી જેવા ઘરમાંથી જ આવેલા. એ વાત અભિનવ ક્યારેય જાણે યાદ પણ ના કરતા. એ ભૂલવા જ, અને અન્ય સર્વેને તેમજ પોતાને બતાવી દેવા જ જાણે એમણે આવા અનહદ મોટા ઘરમાં વસવાટ કરવાનો આગ્રહ રાખેલો.

અભિનવના ગયા પછી પણ મેઘા ત્યાં જ રહી. ઘરના છમાંથી ચાર રૂમો તો બંધ જ રહેતા હતા તોયે. નિરાલિએ તો તરત જ ઘર વેચી દેવાની સલાહ આપી હતી. મેઘાએ એ વાત પર ધ્યાન જ નહતું આપ્યું. નિરાલિને ક્યારેક લાગતું કે મમ્મી કશાકની જીદ કરે છે. પણ નિરાલિને ખબર નહતી કે કયા કારણથી, ને કયા ઉદ્દેશથી પપ્પાએ આ ઘર બનાવેલું. એ સમજી નહતી, કે એકલાં થઈ ગયા પછી પણ, એની મમ્મી એના પપ્પાના માનસની બધાંને બતાવી આપવાની જરૂરને માન આપતી રહી હતી.

પણ હવે લગભગ છેલ્લો સમય થઈ આવતો જતો હતો. એકલાં આ ઘરમાં રહેતાં દસ વર્ષ થયાં, હવે મેઘાથી આટલી સંપત્તિ સચવાતી નહતી. ડૉક્ટરે એને કહી જ દીધેલું, કે “આર્થરાઈટિઝ, અને આલ્ઝાઇમરની અસર ગમે ત્યારે થવા માંડે, ને ધીરે ધીરે પછી હાથ-પગ નહીં ચાલે, ને દિમાગ પણ નહીં ચાલે, એ ખ્યાલ છેને?”

મેઘાને એમ તો હજી કોઈ ખાસ તકલીફ નહતી. પણ લગભગ સાથે જ અમેરિકા આવ્યાં હોય અને સ્થાયી થયાં હોય તેવાં બીજાં મિત્રોની હાલત બગડતી જતી મેઘાએ જોઈ હતી. સરખેસરખી ઉંમરનાં ઘણાં હવે ‘સ્કેલ-ડાઉન’ ને ‘ડાઉન-સાઇઝ’ કરવાની વાતો કરી રહ્યાં હતાં.

જે હતું તે બધું નિરાલિને જ આપવાનું હતું. મેઘાએ તો માન્યું હતું, કે નિરાલિ ખુશ થઈને આ ઘરમાં રહેશે, અહીં જ એનો પોતાનો સંસાર માંડશે. પણ ના, ના, એ આ ઘરમાં રહેવા માગતી જ નહતી. સબર્બમાં રહીને શું કરવાનું? અહીંનું તે કાંઈ જીવન કહેવાય? ન્યૂયૉર્ક શહેરમાં રહીને જુએને, મમ્મી, તો તને ખબર પડે, એ બોલી હતી.

એ સિવાય પણ, મમ્મી, સાવ નાનકડા અપાર્ટમૅન્ટમાં રહેતાં રહેતાં ય લોકો કેટલી નિરાંતમાં, ને કેટલા આનંદમાં જીવતા હોય છે, તે પણ જોવા ને સમજવા જેવું છે. ફક્ત વાહ-વાહ સાંભળવા માટે જીવવાનું તે કાંઈ સાચું જીવન નથી, નિરાલિએ કહ્યું હતું.

એને આ ઘરનો પીછો હંમેશ માટે છોડવો હતો. ઘરને ખાલી કરવાની પણ બહુ મોટી હેરાનગતિ હતી. કેટકેટલી ચીજો- ફર્નિચર, જાજમો, ચિત્રો, ફ્લાવરવાઝ, કપ-રકાબીના સેટ. ઓહોહો, બધી નક્કામી ચીજો, સાવ નક્કામી ચીજો, નિરાલિ ચીડમાં બોલ્યા કરતી હતી. મા-બાપે જાણે એને સજા ફટકારી હતી. આ બધું લીધું એમણે, ને હવે બધું ખાલી કરવાનો આવો ત્રાસ મારે માટે રાખ્યો, એમ જ લાગતું હતું નિરાલિને.

પણ ત્યાં સુધીમાં મેઘાએ નક્કી કરી લીધેલું, કે ઘર છોડવું જ છે, ને એને ખાલી પણ પોતે જ કરશે. નિરાલિની સાવ અનિચ્છા હોય તો ભલે. એ પણ મેઘાએ સ્વીકારી લીધું.

ડાયરીને હાથમાં પકડીને, જરાક પીળાં પડવા માંડેલાં, અને જૂનાં, જર્જરિત થઈ ગયેલાં પાનાં પરના કળાત્મક લાગતા પોતાના જ અક્શરોને જોતી મેઘા ક્યાંય સુધી બેસી રહી. સમય નહતો, ને ઊઠવું પડે તેમ હતું, તે છતાં. દિવાનખાનાનું ફર્નિચર લેવા ‘વૅટૅરન ગ્રૂપ’ના માણસો આવવાના હતા. કોઈ ને કોઈ રીતે બધું જ કાઢી નાખવાનું હતું. આમે ય નિરાલિને તો બધું સાવ નક્કામું જ લાગતું હતુંને. મેઘાએ ઊંડો શ્વાસ લેતાં વિચાર્યું, હવે એ પોતે પણ જરૂરી અને ખાસ ગમતી થોડીક જ ચીજો રાખવા માગતી હતી.

મેઘાએ બીજાં બે-ત્રણ પાનાં જલદી વાંચી લેવા પ્રયત્ન કર્યો.

• • •

“ મારી નિરાલિ જન્મી પછી ઘણું બદલાયું. મારું મન આ ઘરમાં ઠરવા લાગ્યું. અભિનવ પણ થોડા હળવા ચોક્કસ થયા. નિરાલિને કેટલું વહાલ કરતા. એની પાછળ કેટલી દોડાદોડી કરતા, એનો ઘોડો થતા. હું જોઈ જ રહેતી બંનેને. નિરાલિને ઉછેરવાનાં વર્ષો મારી જિંદગીનાં સૌથી મોંઘાંમૂલાં હતાં.”

• • •

“કૉલૅજ માટે તો નિરાલિને ઘરથી દૂર જ જવું હતું. એણે ના આભિનવનું સાંભળ્યું, ના મારી સમજાવટ માની. અમે બંને ઝંખવાઈ ગયેલાં. અઢાર વર્ષ જે છોકરી અમારી હતી - અમારી સંપત્તિ જ વળી, તે હવે અમને તરછોડી રહી હતી. એ પોતાનું જ ધાર્યું કરવા માગતી હતી. આ ફટકો અભિનવને ઘણો વધારે લાગ્યો.

મનમાં ને મનમાં એ જાણે જરા ઉદાસ થઈ ગયા. હું બહુ સાચવી-સંભાળીને રહું, બધું એમને ગમતું જ કરું, પણ એમને જાણે ખુશ કરી જ નહોતા શકાતા. એમણે જૉબમાં પણ વધારે બહાર જવું પડે તેવા પ્રોજેક્ટ લેવા માંડ્યા. ક્યારેક તો નિરાલિ રજાઓમાં ઘેર આવી હોય ત્યારે પણ અભિનવ બહાર હોય એમ બને. સારું ને? તને ને તારી છોકરીને એક્સ્લુઝિવ ટાઇમ મળશે, એ બોલ્યા હતા. શરૂઆતમાં આવી કડવાશ ભરાઈ ગઈ હતી એમના મનમાં.”

• • •

આવી કડવાશ ભરાઈ ગઈ હતી અભિનવના મનમાં? હવે મેઘાને એવું યાદ નહતું આવતું. કેમ, અમે પછી નિરાલિની ગેરહાજરીથી ટેવાઈ ગયાં નહોંતા? અમે બંનેએ મુસાફરીઓ પણ કેટલી બધી કરી. મિત્રો સાથે ભેગાં થઈને કેટલું હસ્યાં છીએ. ઘણી યે મઝા કરી છે અમે નિરાલિ વગર પણ.

દરેક જગ્યાએથી ત્યાં ત્યાંની સ્પેશિયલ ચીજો બહુ જ શોખથી ખરીદી હતી. ઇન્ડિયાથી ચાંદીના, ઝીણી કોતરણી કરેલા વાડકા તો વાપર્યા યે બહુ. પૂર્વ યુરોપમાંથી ક્રિસ્ટલના મોંઘા પ્યાલા અને કપ-રકાબીનાં તો દર વખતે વખાણ થતાં. દક્શિણ આફ્રિકાથી રંગ-રંગીન કીડિયાંની ઝૂલવાળી ટેબલ-મૅટ્સથી તો ટેબલ એવું શોભતું. ને જાપાનથી કિમોનો પહેરેલી બે સુંદર ડૉલ લીધેલી. નિરાલિને હવે યાદ નથી, પણ ત્યારે એને બહુ જ ગમી હતી એ જાપાની ઢીંગલીઓ. આ તો હું જ રાખીશ, એણે કહી દીધેલું.

પણ નિરાલિની નજરમાં હવે આ બધું એટલે મમ્મી અને પપ્પાએ ભેગી કરેલી સાવ નક્કામી ચીજો. કોઈ ટેસ્ટ જ નહીં હોય એમનાંમાં? નિરાલિને નહોતી ગમતી ઈસ્ટ યુરોપિયન ક્રિસ્ટલની મોંઘી ચીજો - તૂટતાં વાર જ નહીં, ને કરચો વાગી જાય તે વધારામાં, એણે ચીડમાં વિચાર્યું, અને ઓહોહો, છેક ઇન્ડિયાથી આવેલી સાચ્ચી ચાંદીની, ‘હવે તો જોવા ય ના મળે’ એવી વસ્તુઓ - નિરાલિએ મા-બાપના શબ્દોના ચાળા પાડતાં જાતને ઉદ્દેશી.

એણે કોઈ એજન્ટ નીમવાનું મેઘાને સૂચવેલું. ભલે કરતો એ જ બધી માથાકૂટ - ચીજો વેચવાની કે ચૅરિટીમાં આપી દેવાની. આ નક્કામા ડખા પાછળ ટાઇમ બગાડવા કરતાં, એનો જે ચાર્જ હોય તે આપી દેવો સારો. કશા પ્રયત્ન વગર મેઘાનું મન નિરાલિના સૂચન તરફ સભાન થતું ગયું હતું.

સહેજ નિરાંત મળતાં ફરીથી મેઘાના હાથમાં એ ડાયરી આવી ગઈ. ચાલ, જોઉં બીજાં બે-ચાર પાનાં, કરીને એણે ખોલી. ઘણાં પાનાં સાવ છૂટાં થવાં આવેલાં. જલદી ફેરવતાં એક પાનું એના હાથમાં જાણે ચોંટી ગયું.

• • •

“મેં કલ્પના પણ નહોતી કરી કે આટલાં મોટાં થઈ ગયાં પછી પણ કોઈને માટે કશું આકર્ષણ અનુભવી શકાય. કૉલૅજમાં પણ પ્રેમ નહતો થયો. ત્યારે તો ઘરમાં જ એવી જપ્તી હતી, કે હૃદય છે એવો ખ્યાલ પણ નહતો આવ્યો ક્યારેય. ને લગ્ન તો બાપુએ કહ્યું તે પ્રમાણે, ત્યારે ને ત્યાં જ, થયું. અભિનવ સારા હતા, ને મારા મનની કશી માગણી પણ નહતી.

પછી એમણે મને યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સાધારણ એક નોકરી અપાવી દીધેલી. ખોટો સમય બગાડવા કરતાં જે થોડા પૈસા આવે તે, એમણે કહેલું. મને ત્યાં વાતાવરણ બહુ ગમી ગયેલું. ત્યાં જ રાફાએલ સાથે સહેજ ઓળખાણ થયેલી. મને તો એ સ્કૉલર જેવો લાગતો. જાડી જાડી ચોપડીઓ આપવા-લેવા રોજ આવે.

એમ કરતાં કરતાં પરિચય જરા વધેલો. પહેલાં ચોપડીઓની વાતો, પછી દૂર દૂરના એના બ્રાઝીલ દેશની વાતો, પછી કૅફૅટેરિયામાં સાથે કૉફી પીવા જવું, પછી એક વાર લાયબ્રેરીમાં જ એક વ્યાખ્યાનમાં સાથે બેસવું. એક વાર એક ચોપડીમાંથી કશું બતાવવા ગયો ને અમારા હાથ અડી ગયેલા. પછી ક્યારે એણે હાથ પકડ્યો, અને મારી આંખોમાં જોયું ---”

• • •

મેઘાના હાથમાંથી ડાયરી સરકીને નીચે પડી. ટેબલને અથડાઈ, ને એનાં આમેય ઢીલાં થઈ આવેલાં પાનાં છૂટાં થઈને વિખેરાઈ ગયાં. આ તો એટલા સમય પહેલાંની યાદ હતી કે એની યાદ પણ નહતી રહી. આવું બનેલું ખરું?, જાણે પોતાને જ પૂછવું પડે તેમ હતું.

મનની અંદર ઊંડો કૂવો હોવો જોઈએ. ક્યારે પડી ગઈ હશે એમાં આ યાદ?

થીજી ગઈ હોય એમ મેઘા બેસી રહી, ને બહુ વારે કશુંક સપાટી પર આવવા માંડ્યું.

એક મૈત્રી થઈ હોત, તો બહુ કિંમતી બની હોત, પણ બંને વચ્ચે આકર્ષણ થઈ આવેલું. જોકે એક વાર હાથ પકડ્યો તે જ. એ સિવાય આગળ વધાય તેમ તો હતું જ નહીં. શક્યતા જ નહતી. મેઘા પરિણીત હતી, અને રાફાયેલને અચાનક કૌટુંબિક કારણોસર બ્રાઝીલ પાછાં જવું પડે તેમ હતું. ફરી ક્યારેય બંનેને મળવાનું થયું જ નહતું, ને એ પ્રસંગ ભૂલાઈ જ ગયેલો.

ઇન્ડિયન સમાજના શિસ્તબદ્ધ ઉછેર અને જીવન પછી, મનની અંદરના કૂવામાં નાખી દેવો પડે તેવો, જોકે વિદેશના સંદર્ભમાં સાવ સાધારણ જેવો, અનુભવ મેઘાને થયો હતો.

ધીરે ધીરે એને એ પણ યાદ આવ્યું, કે કેટલાક વખત પછી અભિનવ અને મેઘા એક મોટા ફંક્શનમાં ગયાં હતાં ત્યારે રાફાયેલ મળી ગયો હતો. પહેલાંથી પણ વધારે સ્કૉલર જેવો દેખાતો હતો. મેઘાને જોઈને એ જરાક સંકોચ પામી ગયો.

એવું શા માટે?, ત્યારે જ મેઘાને પ્રશ્ન થયેલો.

એણે તરત અભિનવ સાથે ઓળખાણ કરાવી. રાફાયેલે એ જ સંકોચ સાથે એની પત્નીની ઓળખાણ કરાવી. ઓહ, તો વચમાં એ આ બ્રાઝીલિયન સુંદરીને પરણી આવેલો. શું એ માટે જ એ બ્રાઝીલ પાછો ગયો હશે? એ જ હતું એનું “કૌટુંબિક કારણ”, ને શું એથી જ આટલા વખત પછી એ લજ્જિત થઈ રહ્યો હતો?

ચારે જણે ખપ પૂરતો વિવેક દાખવેલો, ને બંને દંપતી જુદી તરફ ચાલી ગયાં હતાં.

ડાયરીનાં પાનાંમાંથી આ વાત નીકળી આવી. રાફાયેલ વિષે આટલું પણ પોતે લખ્યું હશે, એવું મેઘાને યાદ નહતું. અભિનવના હાથમાં ગયું હોત તો? સાવ કારણ વગર મનદુઃખ થાત, ને કદાચ થોડા આર્ગ્યુમેન્ટ પણ થયા હોત.

કારણ વગર. કશાયે કારણ વગર જ ને.

કેટલું અર્થ વગરનું લાગે છે અત્યારે. રાફાયેલની સાથે થયેલો જરાક જેવો પરિચય. સાવ સાધારણ જ હતો. હા, ખરેખર બધું અર્થ વગરનું છે. અરે, તદ્દન નક્કામું છે, મેઘા વિચારવા લાગી. બધું - મોટેથી નાનું, ખાસથી સાધારણ; કશી પણ જૂની યાદો, ઘરની બધી વસ્તુઓ - બધું યે.

અચાનક જાણે મેઘાને સમજાયું, કે ડહાપણ તો ખરેખર નિરાલિમાં જ છે. એણે ક્યારે પણ કોઈ બંધન સ્વીકાર્યાં નહીં. એ પોતાની મરજી પ્રમાણે જ રહી. મા-બાપે વસાવેલું કાંઈ એને જોઈતું નહતું. જે જોઈશે તે પોતે વસાવી લેશે. સમર્થ હતી નિરાલિ એ માટે.

તમને પણ હવે આવું જ નથી લાગતું, આભિનવ? ઘણી વાર આપણને એ ઉદ્ધત ને મનસ્વી લાગી હતી, નહીં? પણ જીવનનો અર્થ તો જાણે એ જ સમજી છે - એમ કે, ઓછામાં પણ ઘણું મળી શકે છે, ને જગ્યા નાની હોય પણ મન મોટું હોઈ શકે છે. શું કહો છો, અભિનવ?

અભિનવે વિચારપૂર્વક કહ્યું હોત, આ દેશમાં વાંચન વધારે છે એટલે, કે સ્કૂલમાંથી જ છોકરાંઓને સ્વતંત્રપણે વિચારવા પ્રોત્સાહન અપાતું હોય છે એટલે, પણ હા, અહીં ઘણાં છોકરાં સરસ મૅચ્યૉર થઈ જતાં હોય છે, જીવનની વાસ્તવિકતાને નાની ઉંમરથી સમજવા લાગતાં હોય છે. હા, સાચી વાત છે, આપણી નિરાલિ આમાંની એક જ છે.

મેઘાને દીકરી પર વહાલ જ નહીં, માન પણ થઈ આવ્યું. પહેલેથી જ એ ખોટી સેન્ટિમેન્ટાલિટીથી દૂર રહી હતી. નાનપણથી જ આટલું ડહાપણ કઈ રીતે આવ્યું હશે એનામાં?

ચોથે દિવસે સવારે મેઘા ઘર છોડી રહી હતી.

એક ઍસ્ટૅટ એજન્ટ નીમી દીધો હતો. એ ગોઠવશે જાહેર હરાજી, અને જે નહીં વેચાય તે ચૅરિટી ખાતે જશે. એ જ ઘરને સાફ કરાવી લેશે. એક રિયાલ ઍસ્ટેટ કંપનીને ઘર વેચવાને માટે નીમી દીધી હતી. એ પૈસા મેઘાનાં બાકીનાં વર્ષો માટે, નિરાલિના ભવિષ્ય માટે, ઇન્ડિયા ને અમેરિકામાં દાન માટે વાપરવાના હતા. એની વ્યવસ્થા વકીલને મળીને થશે. અત્યારે તો જરૂર પ્રમાણેનાં બધાં કાગળિયાં પર સહી-સિક્કા થઈ ગયાં હતાં.

ડાયરીનાં જે થોડાં પાનાંમાં લખાણ હતું તે પાનાં ફાડીને મેઘાએ કચરાની બૅગમાં નાખ્યાં હતાં, ને બાકીનાં પાનાં પસ્તી ભેગાં થયાં હતાં.

સાવ હળવી થઈ ગઈ હતી મેઘા. નક્કામી બધી ચીજો અને યાદો જ્યાં હતી ત્યાં જ રહેવા દીધી હતી. એ એક નાના ને સાદા ફ્લૅટમાં રહેવા જતી હતી. જે કપડાં અને જરૂરી ચીજો વગેરે સાથે લેવાનું હતું તે બધું મોટરમાં માઈ ગયું હતું. એ ફ્લૅટ સાવ ખાલી જેવો રહેશે, પણ મન નિરાંતના ભાવથી ઊભરાતું રહેશે, એને લાગતું હતું.

અભિનવનો ફોટો મેઘાના હાથમાં હૃદયસરસો હતો. ફોટાને પહેરાવેલો હાર તો એણે ચાર દિવસ પહેલાં જ કાઢી નાખ્યો હતો.