Many-Splendoured Love/નિર્ણય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિર્ણય

સવારથી જ અનુભા ધમાલમાં હતી. કારણમાં એ જ કે થોડા દિવસ માટે એ બહારગામ જવાની હતી. ને તે પણ એકલાં નહીં, પણ શિઉલીની સાથે. તેથી જ શું એ આટલી ચંચળ, આટલી ઉત્સુક બનેલી હતી? કે પછી સવારની ટપાલમાં આવેલા એક કાગળથી એ હચમચી ગઇ હતી? એ કોનો હતો તે તો અક્શર પરથી સમજાઇ ગયું હતું. આટલા વખતે આ કાગળ? એ જ્યારે કાગળ લખતી હતી ત્યારે તો એક વાર પણ જવાબ નહતો આપ્યો. વર્ષો પછી પણ એ ઉપેક્શાનો ચમચમાટ એના સ્મરણપટ પર હતો.

એકાએક શું કામ કાગળ લખ્યો હશે ધનંજયે? કવરને પકડીને જરા વાર એને જોઈ રહી, પણ અત્યારે એ વાંચવાનો સમય એની પાસે નહતો. વળી શિઉલીને એ બતાવવા પણ નહતી માગતી. સાથે લેવો, કે પછી પાછાં આવીને વાંચવો? - એ વિષેની ખેંચતાણ મનમાં થઇ રહી હતી. અને કદાચ એનું જ ટૅન્શન હતું.

આમ તો, શિઉલી સાથે આવવા તૈયાર થઇ ગઇ ત્યારથી જ અનુભા અકલ્પ્ય આનંદ અને જરા ગભરાટની મિશ્રિત લાગણીઓમાં ગુંચવાઇ ગઇ હતી. મહિનાઓ પછી ધીરે ધીરે કરતાં એને દીકરી જાણે પાછી મળી હતી. રખે ને એ ફરી દૂર થઇ જાય.

કેટલો કઠિન વીત્યો હતો એ સમય. પણ તે વખતે અનુભાએ ધીરજ રાખી હતી. એને હજી યાદ હતી પોતાની એ ઉંમર. એ પોતે એકવીસની હતી ત્યારે એને ક્યાં કશી જ સમજણ હતી,?,ને જાતે વિચાર કરવાની આવડત તો બીલકુલ નહતી.

એ ઉંમરે અનુભાનું લગ્ન નક્કી થયું હતું. એમાં પણ એ વાંધો ઉઠાવી શકી નહતી. મન મનાવેલું કે કાંઇ નહીં, સાસરું ઘરની નજીક તો છે. એને ક્યાં કોઇએ કહેલું કે ધનંજય તો તરત જ અમેરિકા જતો રહેવાનો હતો. પત્ની માટેના વિસાની તૈયારી એણે શરૂ કરાવી દીધેલી - પછી જે છોકરી પત્ની બને તેની સહી વગેરેનું જ કામ બાકી રહે ને. અનુભાને દેશ તો શું, શહેર પણ છોડવું નહતું. પણ એનો વિરોધ પિતાએ જરા પણ કાને ના લીધો. માતાએ પણ એમ જ સમજાવેલી કે જે મૂરખ હોય તે જ છોકરી અમેરિકા જવા ના માગે.

આ બધા વિચારોમાં એ ક્યારે કામ ભૂલીને બેસી પડી હતી તેનો એને ખ્યાલ નહતો રહ્યો. પોતાની પાસેની ચાવીથી બારણું ખોલીને શિઉલી ક્યારે અંદર આવી તેની પણ એને ખબર ના પડી. શિઉલીએ જોરથી કહ્યું, ક્યાં છે, મા, તું? કેટલી વાર છે? હજી શું બાકી છે?

અરે ભઇ, હું તૈયાર જ છું, અનુભા બોલી. કાગળ સાથે નહીં લેવાનું એણે એકદમ, એ ઘડીએ જ નક્કી કરી નાખ્યું. શિઉલી સૂટકેસ લઇને બહાર નીકળી એટલાંમાં જલદીથી અનુભાએ કાગળ ફોન પાસેના ખાનામાં સરકાવી દીધો, ને ઉતાવળે ફ્લૅટનું બારણું બંધ કર્યું.

શિઉલીને ગ્રીસ જવાની, અને ખાસ તો ત્યાંના વિખ્યાત સાન્તોરિનિ અને મિકોનોસ ટાપુઓ જોવાની બહુ જ ઈચ્છા હતી. પહેલવહેલી વાર દીકરીની સાથે આમ નીકળવાનું બનતું હતું. અનુભા વિચારવા નહતી બેઠી. એણે તરત રજા મૂકી દીધેલી, અને શિઉલીની એકવીસમી વર્ષગાંઠની ભેટ તરીકે આ ટ્રીપ આપવાનું નક્કી કરી દીધેલું. બસ, હવે સાત દિવસ ચોવીસે કલાક શિઉલી એની સાથે ગાળવાની હતી. ભેટ તો જાણે એને પોતાને મળવાની હતી.

પછી તો બધો વખત - ઍથેન્સમાં તેમજ એ બે ટાપુઓ પર-બંને જણાં સાથે મ્યુઝિયમોમાં ગયાં, દુકાનોમાં ફર્યાં, સાંકડી ગલીઓમાં ચાલ્યાં. દિવસને અંતે નાની, શાંત જગ્યામાં જમવા બેસી સાંજને અને રંગીન સૂર્યાસ્તને ઊજવ્યાં. ને રાતે? ઊંઘવાને બદલે વાતો. આડીઅવળી વાતોની વચમાં અર્થપૂર્ણ વાતો પણ થતી રહી. પપ્પાને શિઉલીએ યાદ કર્યા, પણ વધારે તો કટકે કટકે અનુભાના સંઘર્ષનો ખ્યાલ એને મળતો ગયો.

અનુભાએ પોતે એ ખ્યાલ રાખ્યો કે ધનંજયને અન્યાય ના કરે. એણે જાણી જોઇને માનસિક ક્રૂરતા દાખવી હતી એવું સાવ નહતું. એની સમજણ પ્રમાણે એ વર્ત્યો હતો. ઘણાંયે હશે કે જેમને અનુભા જ સ્વાર્થી લાગતી હોય. પણ ઘણાં વર્ષ ભારતીય સ્ત્રી અને ફક્ત પત્ની તરીકે ગાળતાં ગાળતાં એક દિવસ એને લાગ્યું હતું કે પોતે વ્યક્તિ બની રહી હતી. પોતાના જીવનના હક્ક પણ જરૂરી હતા, એમ એને સમજાવા માંડયું. આટલાંમાં અમેરિકામાં છવ્વીસ વર્ષ વીતી ગયાં હતાં. એકવીસ-બાવીસ વર્ષે જે છોડવાની ફરજ પડી હતી તે હવે તો સાવ છૂટી જ ગયું હોયને. સર્વસ્વ છોડવું પડવું હતું એને - દેશ, શહેર, મા-બાપ, કુટુંબીઓ, મિત્રો. બધુંયે કે જે પ્રિય હતું, પરિચિત હતું.

સાથે જ વિશ્વાસ પણ. શરુઆતમાં ધનંજયે ખાત્રી આપેલી - એમ તો વચન જ આપેલું, કે બેએક વર્ષમાં ભારત પાછાં ફરી જ જઇશું. એ પછી અનુભા રડતી, કરગરતી રહેલી. ધનંજય મનાવતો, સમજાવતો, સંભળાવી દેતો, હસી કાઢતો, ગુસ્સે થતો, બારણું પછાડી કલાકો માટે બહાર ચાલી જતો. એ સાડા પાંચ વર્ષ ઉદાસ ચિત્તે વીત્યાં. દરમ્યાનમાં અનુભાને અમુક સારાં મિત્રો થયાં, એ સારી રસોઈ કરતી થઈ ગઈ, કમ્પ્યુટર વાપરતી થઈ, જાઝ મ્યુઝિકનો શોખ કેળવાયો - જોકે તે ધનંજયની ગેરહાજરીમાં. જયારે એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે એણે ગાડી ચલાવતાં શીખી જવાનો આગ્રહ રાખ્યો. પહેલાં તો ધનંજયની ચોખ્ખી ના જ હતી. તને શું જરૂર પડવાની છે?, એની દલીલ હતી. અંતે એક ખાસ મિત્ર-દંપતીની મદદથી એણે ડ્રાઇવિંગ શીખી લીધું.

પોતાની મજલ વિષે અનુભા સભાન તો હજી નહતી થઈ, પણ મનમાં કોઇ ફણગા ફૂટવા લાગ્યા હતા. ક્શિતિજ પર અત્યાર સુધી અટકી ગયેલી એની નજર હવે આકાશ તરફ જોવા લાગી હતી. એના મનમાં થઈ રહેલા ફેરફારો શું એના શરીરમાં થઈ રહેલા ફેરફારો પર આધારિત હતા? છ વર્ષે અનુભા મન ને તનથી સાચો હર્ષ અનુભવવા લાગી હતી. બાળક જન્મે તે પહેલાંથી જ એ એનો આભાર માનવા લાગી હતી.

ધનંજય એની નિરાશા છુપાવી શકયો નહતો. મહિનાઓ સુધી બાળકને એણે હાથમાં પણ લીધું નહતું. પણ અનુભા માટે દીકરીનું અવતરવું અત્યંત મોટી કૄપા સમાન હતું. સાક્શાત દેવી જ એને બચાવી લેવા એના જીવનમાં આવી પહોંચી હતી. ધનંજયને એનું નામ કાજૉલ પાડવું હતું. અનુભાને શિઉલી પસંદ હતું. પેલો સંદર્ભ કાળા રંગ સાથે હતો, પણ આ તો ગોરી હતી. એ કોમળ ફૂલોની જેમ જ શ્વેત-ગુલાબી. કદાચ પહેલી જ વાર ધનંજયનું કાંઇ ચાલ્યું નહતું.

એક ગ્રીક સાંજે વાત સાંભળતાં સાંભળતાં શિઉલીએ કહ્યું, સારું થયું કે મારા નામ માટે તેં નમતું ના મૂક્યું. પણ મા, તું હવે ક્યારેય ઈન્ડિયા નહીં જાય?

અરે, એમ તે કાંઇ હોય? જઇશ, પણ મન થશે ત્યારે, ફાવશે ત્યારે. ને જરૂર હતી ત્યારે ગઈ જ હતી ને. પણ તેય છેક સાત વર્ષે. પહેલવહેલી વાર. મારી મા ખૂબ માંદી હતી. એની ખાસ સેવા તો હું ના કરી શકી, પણ મને સંતોષ છે કે એ તને જોવા તો પામી. તારું નામ એને બહુ જ ગમેલું, હોં.

બીજાં ચાર વર્ષે તને લઈને હું ફરી ઈન્ડિયા ગઈ ત્યારે તારાં દાદી માંદાં હતાં. કાકા-કાકી તો અહીં નોકરી કરે. એમને તરત રજા મળે તેમ હતી નહીં. એટલે આપણે ગયેલાં. મેં મારી ફરજ પૂરેપૂરી બજાવી. ચાર મહિના ગાળ્યા, એમને સાજાં પણ કરી દીધેલાં - મેં ને દાક્તરોએ. પણ મારી મા તે પહેલાં ગુજરી ગયેલી. એ ખોટ ઓછી હોય તેમ બાપુજી પણ એ વખતે જ અચાનક ગુજરી ગયા. આ પછી ત્યાંથી મારું મન તદ્દન ઊઠી ગયું. ત્યારથી ઈન્ડિયામાં મારું કાંઇ નથી. દેશ છે, ને શહેર હશે, પણ નથી મા-બાપ કે નથી એવાં મિત્રો રહ્યાં.

અનુભાને માટે જન્મથી પરણ્યા સુધીનાં વર્ષોનો આખો ભૂતકાળ ઇસ્ત્રી થઈ ગયેલી ચાદર જેવો બની ગયેલો હતો. યાદોની ભાગ્યે જ કોઈ સળ એમાં બચી હતી. ને હવે એ માટે કોઇ પસ્તાવો કે આંસુ પણ બચ્યાં નહતાં. એવી જરૂર પણ નહતી રહી હવે. અનુભાના જીવનનો સંપૂર્ણ અર્થ શિઉલી હતી. પહેલેથી એને એ અમેરિકામાં જ ઉછેરવા માગતી હતી. અને ધનંજય પણ ક્યાં ઈન્ડિયા પાછાં ફરવાનું નામ હજી લેતો હતો?

પણ મા, તને ભણવાનો વિચાર કઈ રીતે આવ્યો?

તારે લીધે, અનુભા હસી. તું કિન્ડરગાર્ટનમાં જવા માંડી ત્યારે મને કહેતી કે “મા, તું પણ આવને. તું નહીં ભણે તો તને કાંઈ નહીં આવડે”. તેં એક વાર એમ પણ કહેલું કે “કાંઇ નહીં, મા, હું તને ભણાવીશ.”

શિઉલી સ્કૂલમાં જોડાઈ ત્યારે એની સાથે રહેવાના ઉદ્દેશથી અનુભા ત્યાં મદદગાર તરીકે સમય આપવા માંડી હતી. એને ઘણું શીખવા મળતું ગયું. દીકરીની સાથે એ પોતે પણ મોટી થવા માંડી. એમાંથી એવું સૂચન મળ્યું કે એ ડિપ્લોમા કોર્સ કરી લે તો એને નોકરી પણ મળી જઈ શકે. આ આઇડિયાએ જાણે એની આંખો ખોલી નાખી. એણે ક્લાસ શરૂ કરી દીધા. ગાડી શીખ્યા પછી આ બીજું મોટું પગલું એણે ભરેલું. જાણે એની બુધ્ધિની ત્વચાનાં છિદ્રો પણ હવે ખુલી જઈ રહ્યાં હતાં, અને કશુંક તેજસ્વી એની અંદર પ્રવેશી રહ્યું હતું.

સૌથી પહેલી નોકરી એણે સ્કૂલમાં જ લીધી. એમાંથી એને બીજી તકો મળી. રાજ્ય સરકારની પરીક્શા પાસ કર્યા પછી સ્કૂલ ઇન્સ્પેક્ટરની પદવી એને ઘણી ફાવી ગઈ. એ સંસ્થામાં જ એની ઓળખાણ કેટલાંક અમેરિકનો સાથે થઈ. એમને ઘેર આવવા-જવાનું પણ થવા માંડયું.

શિઉલીની કૉલેજ પૂરી થઈ પછી એ પણ, બીજાં છોકરાંની જેમ, આગળ ભણવા પહેલાં થોડો વખત નોકરી કરવા માગતી હતી. ઉપરાંત એક બહેનપણીની સાથે એ ફ્લેટ લઇને પોતાની મેળે રહેવા ઇચ્છતી હતી. અનુભાને આ કશાનો વાંધો નહતો. બલ્કે એ તો પ્રોત્સાહન જ આપતી. પણ ધનંજય શિઉલીને પરણાવી દેવા માગતો હતો. આટલાં જલદી લગ્ન, ને તે પણ ઇન્ડિયામાં. “સારાં કુટુંબો ને સારા છોકરાઓ ત્યાં જ મળવાનાં”, એ કહેતો. અનુભા કહેતી કે અમેરિકામાં જન્મેલી ને ઉછરેલી છોકરીને એની ઇચ્છા વિરુધ્ધ પરણાવાય જ કઈ રીતે? ને તે પણ ઈન્ડિયામાં? ધનંજયની દલીલ હવે એ હતી કે તારે જ તો હંમેશાં પાછાં જવું હતું. હવે જ્યારે હું લઈ જવા તૈયાર છું ત્યારે વાંધા શા માટે પાડે છે? અને છોકરાંને શું ખબર પડે? એણે ઊમેર્યું હતું, અને મા-બાપનું કહ્યું તો માનવાનું જ હોયને.

અનુભાને ખબર ના પડી કે હસવું કે રડવું, કે પતિની હાંસી કરવી કે દલીલો કરવા બેસવું. પોતાની પાછાં જવાની આજીજીઓને તો પચીસ વર્ષ થયાં. ત્યારે આપેલાં વચન તો ધનંજયે ત્યારે જ ફગાવી દીધેલાં. જે રીતે પ્રાણીની જેમ નાથીને એને અહીં લાવવામાં આવેલી તે જ રીતે એ હવે એને પાછી ખેંચી જવા માગે છે? શું એ શક્ય છે તેમ માને છે ધનંજય? શું એની એ જ હતી એ, તેમ માને છે? પચીસ વર્ષમાં થયેલી એની મજલનો કશો અંદાજ નહીં હોય ધનંજયને?

અનુભાને એ વાતની પણ ખબર ના પડી કે આનો ઉકેલ શું હોઈ શકે, અને એ જો ઇન્ડિયા જતાં રહેવા, ને મા-દીકરીને સાથે લઈ જવા માગતો જ હોય તો એને કોઈ રીતે રોકી શકાય ખરો?

ધનંજયે ઘર વેચવા મૂકી દીધું. નસીબજોગે એની ઑફિસ બીજી કંપની સાથે જોડાઈ રહી હતી, ને તેથી ઊંચી પદવીવાળાંને નોકરી છોડ્યા પછી પણ લાભ મેળવવાની તક અપાઈ રહી હતી. જો સ્વેચ્છાએ નોકરી છોડે તો ધનંજયને સારું એવું બોનસ ઉપરાંત છ મહિનાનો પગાર મળે તેમ હતું. આટલું તો ઘણું લાગ્યું એને, કારણકે એમ તો બીજી બચત પણ હતી. ઘર વેચાય એના પણ પૈસા આવવાના. ત્યાં જ એનાં મા ફરી ખૂબ માંદા પડ્યાના સમાચાર આવ્યા. હવે ઘર વેચાય ત્યાં સુધી એ રાહ જોઈ શકે તેમ નહતો. એણે અનુભાને કહ્યું કે કાંઈ નહીં. થોડાં મોડાં જઈશું. તું ને શિઉલી લેવાનું - નહીં લેવાનું છૂટું પાડવા માંડો. હું પાછો આવીને પછીથી એ પતાવી દઈશ.

પણ બધું બહુ જ ઝડપથી બની ગયું. ઘર માર્કેટમાંથી ખસેડી લે તે પહેલાં એક સરસ ઑફર મળી. એમાંથી સારો એવો નફો મળે તેમ હતું. અનુભાની ઑફિસના સીનિયર અકાઉન્ટન્ટ જ્હૉનની સલાહ ઘર તરત વેચી દેવાની હતી. આ કારણે શિઉલી ખૂબ ચિડાઈ હતી. જ્હૉન તે વળી કોણ નક્કી કરનારો. પપ્પાની રાહ નહીં જોવા માટે માની સાથે ઘણો ઝગડો કર્યો એણે. અનુભાએ એને સમજાવી કે પોતે જે કરશે તે યોગ્ય જ કરશે, કુટુંબના લાભમાં જ કરશે. પણ શિઉલી મિજાજમાં ઘરમાંથી નીકળી ગઈ હતી.

અનુભાની નજર હૃદયની અંદર ઊંડે ઊંડે ઊતરી હતી, ને શું યોગ્ય કહેવાય તે પામવા મથી હતી. એક ક્શણે જાણે એવો વજ્રપાત થયો કે બધું સ્પષ્ટ થઈ આવ્યું. બસ, આ જ ઉકેલ હતો. એ ઘર વેચશે, એમાંના અમુક પૈસામાંથી એક નાનો ફ્લૅટ લેશે, બાકીના પૈસા બચતમાં મૂકશે. એ ધનંજયના. નોકરીમાંથી પોતાનું નીકળી રહેશે, એવો એનો આત્મવિશ્વાસ હતો. ધનંજયને અમેરિકામાં આવીને રહેવું હશે ત્યારે જરૂર એ ફ્લૅટમાં રહી શકશે. પણ એ પોતે અને શિઉલી હાથ ખંખેરીને ઈન્ડિયા પાછાં જવાનાં નહતાં. ગંગામાં અને હડસન નદીમાં ઘણું પાણી વહી ગયું હતું. હવે એ વહેણમાં પાછાં ફરાય તેમ નહતું. આ જ વિષદ નિર્ણય હતો અનુભાના હૃદયનો, અને એની બુધ્ધિનો.

શિઉલી સાથે દલીલો, ઝગડા, રુદન ચાલ્યા કર્યું. પછી અબોલા. બધાં કામોની વચમાં પણ અનુભાનું હૈયું કપાતું રહ્યું હતું. એણે શિઉલીને કહ્યું પણ નહતું કે ધનંજયનો પ્લાન શું હતો - ઈન્ડિયા પાછાં જવું, એનું ત્યાં લગ્ન કરવું વગેરે. એને શું કામ અપસેટ કરવી?, એણે વિચાર્યું હતું.

કેટલાક મહિનાઓ પછી શિઉલી પોતે જ દોડીને આવી હતી, વળગીને રડી હતી. તેં મને કશું કહ્યું કેમ નહીં, મા? છેક હમણાં મને કાકી પાસેથી જાણવા મળ્યું. એમને પણ નહતી ખબર કે તેં મને નથી કહ્યું. રીટા આન્ટી પણ આટલાં વર્ષે હવે વિનોદ અંકલ સાથે ઇન્ડિયા પાછાં નથી જતાં રહેવાનાં. કાકી એવી રીતે કોઈ બીજાં આન્ટીની વાત પણ કરતાં હતાં.

અનુભાની દુનિયામાં આ સાથે મેઘધનુષ જેવા રંગ પૂરાઇ ગયા હતા. શિઉલી સમજી હતી કે જે પત્ની અને માતા હોય તે સ્ત્રી વ્યક્તિ પણ હોય છે. જે નિર્ણયને કારણે અનુભાએ મહિનાઓથી વિરોધો અને અપમાનો સહ્યાં કર્યાં હતાં તે નિર્ણય પસ્તાવા જેવો નહતો, તે સાબિત થઈ ગયું હતું. હવે શિઉલીએ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સમજણનાં આટલાં બધાં વર્ષો જ્યાં ગાળે ત્યાંનું જીવન જ એનું પોતાનું થઈ ગયું હોયને. એ છોડીને જવાનો આદેશ ખરેખર જુલમ જ કહેવાય. મા, હું આશા રાખું છું કે સમય આવ્યે હું પણ તારા જેવી બની શકું - મૅચ્યૉર, કૉન્ફિડન્ટ, પેશન્ટ. અને બ્રેવ. એ અનુભાને ભેટી પડી હતી.

* * *

ગ્રીસથી આવીને શિઉલી સીધી એના ફ્લૅટ પર ગઈ. ટૅક્સીમાં અનુભાએ એને પહેલાં ઉતારી દીધી. બંનેને કાલની ઑફિસની તૈયારી કરવાની હતી. ઘેર આવીને અનુભાએ હાથ-મોંઢું ધોયાં, રસોડામાં જઈ ચ્હા માટે પાણી મૂક્યું, પછી સંદેશા સાંભળવા ફોનનું મશિન ચલાવ્યું. કામના ત્રણ સંદેશા હતા - એક કાકીનો, એક ઘનિષ્ટ મિત્ર રીટાનો, ને એક હતો ઇન્ડિયાથી - ધનંજયનો.

ધનંજયે કાગળ મળ્યે અનુભાની પાસેથી તરત એક ફોન-કૉલની આશા રાખી હતી. કાગળમાં એણે અનુભાની માફી માગી હતી. ને હવે ફોન પર પણ એ જ કહ્યું હતું. એમ પણ કે પોતે કેટલો સ્વાર્થી હતો તે સમજતાં એને આટલાં બધાં વર્ષ થયાં હતાં વગેરે. એ કાગળ અનુભા ભૂલી જ ગઈ હતી પ્રવાસ દરમ્યાન. પણ હવે ફોનનો આ સંદેશો મળી ગયો. હવે કાગળનો જવાબ એક-બે દિવસમાં લખી મોકલાશે. ખબરઅંતર જ પૂછવાના હતા. માફીની વાત પર એ જરા પણ ભાર મૂકવા માગતી નહતી.

ગરમ ચ્હાનો કપ લઈને, ટેવ પ્રમાણે એ રેડિયો પર જાઝ સ્ટેશન ચલાવવા ગઈ. પણ કશું યાદ આવતાં એણે હૅન્ડબૅગ ખોલીને એક સી.ડી. કાઢી, અને પ્લેયરમાં ગોઠવી. થોડી પળોમાં ગાયિકા હારિસ ઍલેક્સિઉનો મખમલી સ્વર ફ્લૅટમાં ફેલાવા લાગ્યો. સંગીત હતું તો ગ્રીક ભાષામાં, પણ સાથે અંગ્રેજીમાં સાર આપેલા હતા. પહેલા જ ગીતનું નામ હતું - ઘેર પાછાં ફરતાં. અતિ મૃદુ સ્વરે ગાયિકા કહેતી હતી કે, મારી પાસે લાખોની સંપત્તિ નથી, પણ હું ધનવાન છું. મારું આ નાનું ઘર મારી દુનિયા છે, ને જુઓ તો, આખી મોટી દુનિયા મારું ઘર બની ગઈ છે.

સોફાના તકિયા પર માથું ટેકવીને, એ મુલાયમ સૂરો સાંભળતાં સાંભળતાં અનુભાની આંખો ભીની થઈ આવી હતી, ને એના ચહેરા પર આછું સ્મિત પ્રસરતું ગયું હતું.