Many-Splendoured Love/પસંદગી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પસંદગી

એ સાંજે ન્યૂયૉર્કના ઍરપૉર્ટ પર ખૂબ ભીડ હતી. જાણે હજારો લોકો ઊમટી પડ્યા હતા. ચારે બાજુ લોકો આમ જતા ને તેમ જતા દેખાય. માણેક ચૉકના શાક-માર્કેટથી પણ ખરાબ અવસ્થા છે અહીં તો, ભવાં ચઢાવીને મહેશ બબડ્યો. દુનિયાનાં બધાં અહીં આવી ચઢ્યાં છે, પણ જેમની જરૂર છે અત્યારે તે લોકો ક્યાં છે? એ વિચારે મહેશને જરા ગભરાટ થવા માંડ્યો. સિલુ ફોઇ ને ફુવા નહીં મળે તો આટલી ભીડમાં? અરે, આવશે જ નહીં લેવા તો શું થશે?

ક્યાં જવું, શું કરવું-ની કશી ખબર મહેશને હતી નહીં. અરે, ભગવાન, આ ક્યાં આવી પડ્યો? એણે ઘડિયાળ સામે જોયું, તો ભારતનો ટાઇમ. પ્લેનમાં જરા લાગણીશીલ થઈને એણે સમય બદલ્યો નહતો. કોઈ સારા માણસ જેવું દેખાય તો મદદ માટે પૂછું, એ આસપાસ જોતો રહ્યો. બધાં પોતપોતાનાંને શોધવામાં કે મળવામાં વ્યસ્ત છે અહીં તો. મારી સામે વળી કોણ જોવાનું? બહુ શોખ થતો હતોને સ્ટેટ્સ ભણવા આવવાનો. કરજે હવે મઝા, જાત પર જ એનાથી દાંત કચકચાઇ ગયા.

આખરે કંઇક સૂઝતાં ઍરલાઇનના કાઉન્ટર પર એ જવા ગયો. ત્યારે ખુલ્લાં બારણાંમાંથી ઉતાવળે અંદર આવવા જતાં, પણ ભીડમાં અટવાતાં, ધક્કા ખાતાં સિલુ ફોઇ ને ફુવા દેખાયાં. એનાથી બૂમ પડાઈ ગઈ, સિલુ ફોઇ, અહિંયાં, અહિંયાં. સામાન સાથેની ટ્રૉલી ભૂલીને લગભગ દોડીને એમની તરફ જવા ગયો, ને ત્યાં એમણે એને જોયો. જલદી પાસે આવીને એ લોકો સૉરી કહે, ને બહુ ટ્રાફિક નડ્યો, એવી સમજૂતી આપે તે પહેલાં મહેશ ચીડ સાથે બોલી ઊઠેલો, કેટલું મોડું. ક્યારનો ઊભો ...સિલુ ફોઇ હસતે મોઢે ભેટેલાં. ફુઆએ તરત હાથ લંબાવેલો, વેલકમ, વેલકમ.

• • •

પહેલાંઃ અમેરિકામાંના એ પહેલા કલાકની ચીડ ઘણા લાંબા સમય સુધી મહેશને ચઢેલી જ રહી. હાઇ-વેના નામે રસ્તામાં કેટલા પૈસા લઇ લે છે આ લોકો. ને પાછા પૈસા લેનારા બધા કાળેકાળા છે. ફોઇ-ફુવાએ સામસામે જોયું હતું એનો ખ્યાલ મહેશને નહતો આવ્યો. એ બોલ્યે જતો હતો, આ દેશ તે ધોળાઓનો છે કે કાળાઓનો? સિલુ ફોઇએ મન વાળ્યું, કમસે કમ, ખરાબ લાગે તેવા શબ્દો તો નથી જાણતોને અહીંની પ્રજા માટે.

ઘરમાં પણ બેએક દિવસ પછી એ સલાહ આપવા માંડેલો. બહુ મોટું મોટું ફર્નિચર રાખ્યું છે. રૂમો નાના છેને. અને દીવાલો તદ્દન સફેદ રંગી છે તે કેટલી જલદી ગંદી થઈ જાય. એના કરતાં તો ઘેરા રંગ વધારે સારા લાગે. સિલુ ફોઇ સાંભળી લેતાં. દલીલ કરતાં જ નહીં. ફુવા પણ નહીં. બંને સમજે કે હજી બાલિશ છે, બિનઅનુભવી છે. એની મેળે સમજશે. મહેશ સમજ્યા વગર બોલ્યે જતો. ઘરમાં હોઈએ તો પણ બારણાં ચાવી મારેલાં જ રાખવાનાં? એટલો બધો ડર હોય છે બધાંને? ને બારીઓ અહીં ખૂલે જ નહીં? એ તે કેવું. ચોખ્ખી હવા કોઈને જરૂરી નથી લાગતી આ દેશમાં? ઇન્ડિયામાં તો કેવું સારું. બધું ખુલ્લું, ને સરસ પવન આવે. ફુવાએ હવે હસીને કહ્યું, હા, ને સાથે ના જોઇએ તેટલી ધૂળ પણ આવે - તેનું શું?

શરુઆતના દિવસો જ નહીં, વર્ષો સુધી એને બધી બાબતે વાંકું જ દેખાતું રહ્યું. આ તે કેવો દેશ છે. અહીં તો બધું ક્યાં તો ઊંધું ક્યાં તો વિચિત્ર. લાઇટની સ્વિચો - તો ઊંધી, ગાડીઓ ચાલે - તો ઊંધી દિશામાં. પૅટ્રૉલને ગૅસ કહે. સાવ નવા જેવી, વીસ-પચીસ વરસ જૂની વસ્તુઓને ઍન્ટિક કહે. ઇન્ડિયાનું કંઇક જુએ તો ખબર પડે કે ઍન્ટિક કોને કહેવાય. ગાંડા જેવો દેશ છે. અરે, યુનિવર્સિટીને સ્કૂલ કહે છે. ક્યાં યે સાંભળ્યું છે એવું?

ઍડમિશન લઇને ઍન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા આવેલો એટલે સ્કૂલ શરૂ થતાં મહેશ હૉસ્ટેલમાં જતો રહ્યો. ત્યાં પણ એના વાંધા ચાલુ જ રહ્યા. ગજબ છે આ દેશ. નથી કોઇ એ જાણતું કે વેજીટેરિયન ખાવાનું એટલે શું. પૂછશે, પણ ચિકન તો ખાઓને? ફિશ તો ખવાયને? મેંદાની બ્રૅડના ડુચા ખાઈને તો પેટને નુકશાન થવાનું. સિલુ ફોઇને ત્યાં લંચમાં વાશી ખાવું પડતું હતું, પણ રાતે તો તાજું ખાવાનું મળતું હતું. આ વિચારે અચાનક એને ફોઇ અને ફુવા પ્રત્યે આભારની લાગણી થઈ આવી. એણે માફી માગવાનું ધારીને એમને ફોન જોડ્યો, પણ એ લોકો બહાર ગયાં લાગ્યાં. મશિન પર માફીનો સંદેશો એ છોડી ના શક્યો.

કદાચ સૌથી મોટી તકલીફ એને પોતાના નામને કારણે પડવા માંડી. મહેશ નામ અંગ્રેજીમાં વાંચે એટલે ગોરાઓ - અને કાળાઓ પણ - ઉચ્ચાર એવો ખોટો કરે કે સહન ના થાય. હલો, મા હેશ, કે એથી યે ખરાબ હલો, મધર હેશ - એમ જ બોલે. પાછા ઉપરથી હસે. નામ પણ સરખું નહીં બોલાય આ દેશમાં, એવું કોણે ધાર્યું હતું? એ મશ્કરી એનાથી સહન ના થઈ, ને એ પોતાને ફક્ત હેશ તરીકે ઓળખાવા માંડયો. દેશીઓ સાથે હોય ત્યારે મહેશ, ને ફિરંગો સાથે હોય ત્યારે નછૂટકે સાવ અર્થ વગરનો હેશ. આનો ગુસ્સો પણ એના મનમાં રહ્યો જ, પણ અપમાન થયા કરે એના કરતાં તો સારુંને.

એ અરસામાં એ બીજા બે સ્ટુડન્ટની સાથે ભાડાના ફ્લૅટમાં રહેવા માંડેલો. એમાં એક તો એની જેમ ઇન્ડિયન હતો -રાકેશ, ને બીજો આયરલૅન્ડનો પૅટ્રિક હતો. મહેશને એ માટે વાંધો તો હતો, પણ એ રાકેશને ચોખ્ખું કહી ના શક્યો કે સાલા પરદેશીઓ તો ગંદા હોય. બે દિવસમાં જ એને થયું કે એવું કાંઈ એ ના બોલ્યો તે સારું જ થયું, કારણકે પૅટ્રિક બધી રીતે ઉત્તમ સાથીદાર હતો. હંમેશાં મોઢા પર સ્મિત, ગાતો ક્યાંતો સિટી મારતો ફરે, સાફસૂફીનું કામ તો જાણે એનું જ, અને એ શાકાહારી હશે એ તો મહેશે કલ્પ્યું પણ નહતું. સ્વાભાવિક સરસ વર્તાવ જોતાં જોતાં, એમેરિકામાં આવ્યા પછી કદાચ પહેલી વાર, એના મનનો વળ જરા ઊતર્યો.

આ પછી એક દુકાનમાં કશું લેવા જતાં કાળા માણસોને કામ કરતાં જોઈ એનું મોઢું જરા બગડ્યું. મનમાં કહે, આ લોકો મને લૂંટી ના લે અહીં. બીજાં ઘણાંયે ખરીદનારાં હતાં, એટલે ખરેખરો ભય નહતો. બે-ત્રણ ચીજો લઈ, પૈસા આપી એ જલદી બહાર નીકળ્યો. ત્યાં જ એક કાળા માણસને એની પાછળ આવતો જોયો. એણે ઝડપથી ચાલવા માંડ્યું, તો પેલો પણ ઝડપ કરવા લાગ્યો. હવે સાલું શું કરવું, એમ મહેશ વિચારતો હતો ત્યાં પેલો એનો રસ્તો રોકવા લાગ્યો. શું જોઇએ છે તારે?, મહેશે ઘાંટો પાડ્યો. પેલાએ હાથ લંબાવી કહ્યું, સર, તમારા પાકિટમાંથી આ પડી ગયું હતું. હાથમાં મહેશનું ક્રૅડિટ કાર્ડ હતું. આપીને એક સેકન્ડ પણ ઊભા રહ્યા વિના એ દુકાન તરફ પાછો ચાલી ગયો.

મહેશની સભાનતામાં થૅન્ક્યુ, ભાઈ જેવા શબ્દો ઊભરાઈ આવ્યા, ને એના મનને રૂંધી રહ્યા. અરે, આવી ઇમાનદારી આવા સાધારણ લોકોમાં પણ હોઈ શકે છે? ને એ પોતે તો અન્યાય જ કરતો રહેલો આટલા લાંબા વખતથી - આ દેશને, એના લોકોને. અચાનક કશોક ફેરફાર થયો જીવનને જોવાની એની દ્રષ્ટિમાં. ને એ સમયસર જ થયો કારણકે હવે એની નોકરી શરૂ થવાની હતી. સારી કંપનીમાં. ત્યાં જો એ પહેલાંના જેવી, દરેક બાબતમાં બીજાને ઉતારી દેવાની વાતો કરતો રહેત. ને ડંફાસ મારતો રહેત, તો લાંબું ટકત નહીં. પહેલો પગાર આવતાં સિલુ ફોઇ અને ફુવાને એ ખાસ બહાર જમવા લઈ ગયો, ને ત્યારે એણે આખરે એમની માફી માગી. કેટલો બાલિશ વર્ત્યો હતો હું. કઈ રીતે સહન કર્યો હતો તમે મને? એકરાર કરીને એને સારું લાગ્યું.

કામ કરતાં કરતાં એ ઘણાં એમેરિકનોના પરિચયમાં આવતો ગયો. અમેરિકાના ઇતિહાસ અને વર્તમાન જીવનને સમજતો થયો. દરેક દેશની કેવી આગવી પર્સનાલિટી હોય છે, એ હવે વિચારતો. એની ઑફિસમાં એની દોસ્તી વેરોનિકા સાથે થઈ એ પછી મહેશમાં બીજો ઘણો ફેર પડવા માંડ્યો. ધોળી છોકરીઓ એટલે પુરુષોની પાછળ પડવામાં જ રસ હોય એમને, એવો એનો ખ્યાલ પણ ખોટો ઠરવા લાગેલો. વેરોનિકાની હોશિયારી એને મોટી પદવી પર લઈ આવેલી. વિનય છોડ્યા વગર એ જરૂરી અંતર રાખીને વર્તતી. એ ઈન્ડિયા જઈ આવેલી અને મહેશ કરતાં ઘણું વધારે ત્યાં જોયેલું, એટલે મહેશ સાથે એને ઈન્ડિયાની વાતો કરવી ગમતી.

એક વાર મહેશ એને રૉયલ ઈન્ડિયા પૅલૅસમાં જમવા લઈ ગયો. વેરોનિકાને ખૂબ ભાવ્યું, ને સામે એણે મહેશને પોતાના ફ્લૅટ પર કૉફી પીવા બોલાવ્યો. સાથે કામ કરતાં કરતાં, ધીરે ધીરે સાથે જમવાનું, બહાર જવાનું, ઘરમાં એકલાં બેસવાનું વધતું ગયું. મહેશ વેરોનિકાનો હાથ પકડી રાખતો, એના ગાલ પર હાથ ફેરવતો. એક વાર વેરોનિકાએ એને આલિંગન આપી એના હોઠ પર કિસ કરી. મહેશે એ ક્શણ પસાર થઈ જવા દીધી. પછી કહ્યું, મને પણ તું બહુ જ ગમે છે. મારે તારી નિકટ જ રહેવું છે, પણ હમણાં આપણે ગાઢ મિત્રો બનીને જ રહીએ તો? મને થયા કરે છે કે હું મારાં માતા-પિતાને મળી આવું. ને એમને આપણે વિષે જાણ કરું. એટલી પ્રથા જાળવું એમ મને થયા કરે છે. વેરોનિકા સ્પેઇનની હતી. એને માટે પણ કુટુંબનું માન રાખવું બહુ અગત્યનું હતું. મહેશ સાથે એ સંમત થઈ.

• • •

પછી: મહેશ જવા વિષે વિચારતો હતો, પણ કોઈ ચોક્કસ પ્લાન નહતો કરતો. જવાશે-થશે જેવો ભાવ એના મનમાં રહેતો હતો. એક બપોરે ઑફિસમાં સિલુ ફોઇનો ફોન આવ્યો. વાત હંમેશાં ઘેરથી જ થાય, તેથી મહેશને ચિંતા થઈ. પણ બનેલું એમ કે એની નાની બ્હેનનાં લગ્ન એક એન.આર.આઇ. સાથે નક્કી થયાં હતાં, અને તાત્કાલિક કરવાનાં હતાં કારણકે ગમી ગયેલા મૂરતિયા પાસે અઠવાડિયું જ હતું. ઘરનું પહેલું લગ્ન એટલે મમ્મી-પપ્પાની ખૂબ ઈચ્છા હતી કે મહેશ હાજર રહે જ. સિલુ ફોઇ તો પછીની સાંજે જ નીકળી જવાનાં હતાં. સદ્ભાગ્યે મહેશને ઑફિસમાંથી રજા મળી ગઈ. બે દિવસ પછી એ નીકળવાનો હતો. વેરોનિકા ઍરપૉર્ટ મૂકવા આવી. એને ભેટીને વિદાય આપતાં કહે, પાછો આવીને મારી સાથે મારા ફ્લૅટમાં રહેવા આવી જજે. એના મોઢાને પ્રેમથી બે હાથે પકડીને હવે મહેશે એને કિસ કરી. પર્ફેક્ટ આઇડિયા, એણે કહ્યું.

ઘેર લગ્નની ધમાલ હતી. બધાં ખુશ ખુશ હતાં. બહારગામથી મહેમાનો આવી ગયાં હતાં. ચારેક વર્ષ પછી મહેશ બધાંને મળતો હતો. એક વાર મમ્મી એને બોલાવીને કહે, આ મારી ખાસ બ્હેનપણી છે. ચંદામાસી. મહેશ પહેલાં ક્યારેય એમને મળ્યો નહતો. એણે નમસ્તે કર્યાં, ને જવા માંડ્યો. અરે, એમ નમસ્તેથી નહીં ચાલે, ચંદામાસી બોલ્યાં. મને પગે લાગવું પડશે. તમારી સાસુ થવાની છું તે. એકદમ અટકીને મહેશથી ઘાંટો પડાઈ ગયો, શું બોલો છો આ? મમ્મી કહે, અરે, તું નલિનીને જોજે તો ખરો. ત્યારે મને કહીશ કે શું છોકરી શોધી છે તારે માટે.

એ લોકોએ બધ્ધું નક્કી કરી રાખેલું. એને ગમી જ જવાની, એમાં કોઈને શંકા નહતી. ભેગાભેગી મહેશનું પણ થઈ જાય તો નિરાંતને. પરણીને પછી ભલેને પાછો જતો ફૉરેન. પપ્પા કહે, શું લકી છું તું. નલિની પાસે ત્યાંનો વિસા પણ છે. એ ત્યાં ફરી આવી છે. ને બધી ખબર છે ત્યાંની. તારી સાથે જ આવશે. પછી તને નિરાંત, ને અમે છૂટ્ટાં. કેમ, બરાબરને? પપ્પા, મને પૂછ્યા કે જણાવ્યા વગર આટલી અગત્યની બાબતનું ડિસિશન તમે લોકો લઈ જ કેવી રીતે શકો?

અરે, પણ તું છોકરીને મળ તો ખરો. તને પસંદ પડે એવી જ છે. પપ્પા, મેં પસંદગી અમેરિકામાં કરી લીધી છે. પરણવાની ઉતાવળ અમારે કરવી નથી.

પપ્પા અપમાનિત થઈને સમસમી ગયા, પણ ચૂપ રહ્યા. લોકોથી ભરેલા ઘરમાં એ ઘાંટાઘાટ કરવા નહતા માગતા. મમ્મીને પણ એમણે ધીમે રહીને કહ્યું. મમ્મી આઘાત પામીને જાણે અવાજ ખોઈ બેઠાં. એ રાતે એમને છાતીમાં દુખાવો થયો, દાક્તર બોલાવવા પડ્યા. સાચું કારણ કોઈને કહેવામાં આવ્યું નહતું. બસ, વધારે પડતી ઍક્સાઇટમેન્ટ. બીજું કાંઈ નહીં.. ચંદામાસી કહી ગયાં કે બધાં લગનનું સંભાળો. મારી નલિની રહેશે માસીની સાથે. પપ્પા એક શબ્દ મહેશ સાથે બોલ્યા નહીં.

ફક્ત સિલુ ફોઇને લાગ્યું કે કંઇક થયું છે. એ ધીરેથી મહેશ પાસે જઈને બેઠાં, ને પૂછ્યું, મને કહીશ કે શું થઈ રહ્યું છે? મહેશે એમને નલિની સાથે લગ્ન નક્કી કર્યાનું જણાવ્યું. તો શું છે?, ફોઇ બોલ્યાં. મેં જોઈ છે એને. સરસ છે ને હોશિયાર છે. આખરે મહેશે એમને વેરોનિકાની વાત કરી. ફોઇ નવાઈ પામી ગયાં ખરાં, પણ સંજોગ સમજી પણ શક્યાં. એમણે ડહાપણપૂર્વક મહેશને સમજાવ્યું, જો ભાઈ, જીવનમાં દરેક જણને પોતાની પસંદગીનું પાત્ર મળતું નથી હોતું. બધાંયે ટેવાઇ જતાં હોય છે, ચલાવી લેતાં હોય છે. તું આસપાસ જો. કોઈ પતિ-પત્ની દેખાય છે દુઃખી? ને તમે મિત્રતાથી આગળ વધ્યાં નથી. કોઈ વચનો એકબીજાને આપ્યાં નથી. તેથી આમાં છેતરપીંડી નથી થતી.

મહેશને વિચારતો જોઈ સિલુ ફોઇ આગળ બોલ્યાં, નક્કી તારે કરવાનું છે. એકને ના કહીશ તો જીવ બળશે પણ થોડો વખત. પણ બીજાંને, એટલેકે મા-બાપને ના કહીશ તો જિંદગીભર મનમાં અશાંતિ રહેશે. તારા પપ્પા કદાચ ફરી તારું મોઢું પણ નહીં જુએ. બધી બાજુનો સરખો વિચાર કરી જો, ભાઈ.

મમ્મીને કાંઈ થશે તો પપ્પાને કાંઈ થઈ જશે. બ્હેનના લગ્નનું ઠેકાણું નહીં રહે. પોતાના એકલાથી બધાંને નુકસાન થવાનું, એ નક્કી. એની જવાબદારી મા-બાપ પ્રત્યે વધારે જ હતી. આખી બપોર એ નજીકના બાગમાં ફરતો રહ્યો, વિચારતો ને વિમાસતો રહ્યો. સાંજે સિલુ ફોઇની મદદથી પપ્પા સાથે સમાધાન થયું. પછી પપ્પાએ મમ્મીને એ વાત કરી લીધી હશે. કદાચ તેથી જ એ નલિનીને પકડીને બહાર આવીને બેઠી હતી.

રાતે મહેશે ફોનબૂથ પર જઈ વેરોનિકાને ફોન જોડ્યો હતો. એ લાંબું સમજાવવા ગયો હતો. હા, હા, બરાબર છે. હા, વાંધો નહીં, જેવું કહી એણે ફોન મૂકી દીધો હતો. મહેશ હલો, હલો, સાંભળ- કહેતો રહી ગયો હતો.

ઑફિસમાં ફોન કરીને વધારે રજા માગી હતી. વગર પગારે લેવી પડી. પપ્પા કહે, મળી ગઈ એટલે બસ. એકલા પૈસાને શું કરવાના? મહેશ જોઈ તો શક્યો કે નલિની અમેરિકા માટે લાયક પાત્ર હતી - દેખાવડી, ભણેલી, સ્માર્ટ, મોટર ચલાવે, રસોઇ કરે, અંગ્રેજી બોલે. બધાં કહે, આનાથી વધારે શું જોઇએ?

અમેરિકા પહોંચીને પહેલાં સિલુ ફોઇને ત્યાં રહેવાનું હતું. નલિની કહે, મને બધું ખબર છે. અહીં તો મીઠું યે મોળું હોય અને ખાંડ પણ મોળી હોય. બાકી બધું જમ્બો સાઇઝનું. પૂરું થાય નહીં, ને ફેંકી દેવું પડે. બલિહારી છે આ દેશમાં તો. ને કાળાના હાથનું તો કશું પકડવું પણ નથી ગમતું. મહેશ સંકોચાય, પણ મનમાં જાણે કે પોતાની જેમ એના સમયે એ પણ સમજશે, ને બદલાશે. ઑફિસમાં જતાં પણ એ સંકોચ પામતો હતો, કે વેરોનિકા મળશે ત્યારે શું કહેવું?, કેવું લાગશે? પણ એવો વારો જ ના આવ્યો. ને એ મળી પણ નહીં, કારણકે એ રજા પર ઊતરેલી હતી.

હવે ભાડાના ફલૅટમાં જવાને બદલે મહેશે ઘર જ લઈ લીધું. નલિનીએ કામ મેળવી લીધું હતું. બે આવક ખર્ચા માટે પૂરતી થતી હતી. પણ મહેનતની સાથે નલિનીને એક રોગ લાગુ પડી ગયો - ખરીદવાનો રોગ. જે જુએ તે જાણે એને ખરીદવું જ હોય. જેનું કાંઈ કામ ના હોય તેવું પણ ખરીદે ને પછી પાછું આપવા જાય. એ માટેની લાઇનમાં ઊભી રહીને કંટાળે, ને પછી ઘેર આવીને ફરિયાદ કરે. આ જાણે એનું રૂટિન થઈ ગયું. કેટકેટલી વસ્તુઓ - રસોડાની, બાથરૂમની, બીજા રૂમોની. મૂકવાની જગ્યા નહીં, વાપરવાનો અવકાશ નહીં. મહેશ ઑફિસમાં ઘણો વ્યસ્ત રહેતો. કામમાં એને મઝા પણ આવતી. વેરોનિકા પાછી એ ઑફિસમાં આવી જ નહીં. ક્યાં હશે એની મહેશને ખબર નહતી, પણ એક વાર રસ્તામાં અચાનક બંને ભેગાં થઈ ગયાં. મહેશ વાત કરતાં અચકાયો, પણ વેરોનિકાએ સીધેસીધું કહ્યું, મારો ફલૅટ અહીં જ છે. ચાલ ઉપર. કૉફી પીવડાવું.

• • •

અત્યારે: મહેશ લલચાયો હતો, પણ એ જઈ ના શક્યો. આજે નહીં. ઉતાવળમાં છું, કહીને એ જતો રહ્યો હતો. એને જતાં રહેવું પડ્યું. એણે એક તક ગુમાવી હતી કદાચ. પણ એ સાંજે નલિનીને હૉસ્પિટલમાં લઈ જવાની હતી. આમ તો ચેક-અપ માટે, પણ ત્યાં ગયા પછી દાક્તરે એને દાખલ કરી દીધી. એને જોડિયાં બાળક આવવાનાં હતાં, ને ધાર્યા કરતાં વહેલાં અવતરે એમ લાગતું હતું. સારું થયું કે લાલચમાં ના ફસાયો, એણે નિઃશ્વાસ મૂક્યો. શું થયું હોત સમયસર ઘેર ના પહોંચ્યો હોત તો?

આવ્યાં એક દીકરો અને એક દીકરી. બંને સરસ અને સાજાંસમાં. મહેશ એમનાં એવાં નામ પાડવા માગતો હતો જે ટૂંકાવાય નહીં, અને બગાડાય પણ નહીં. વળી, એને નહતો જોઇતો મહેશનો મા, કે નલિનીનો ના. એ પણ ક્યારની લિની જ બની ગયેલી હતી. એમણે નામ પાડ્યાં જીગર અને જિયા. આમાં બોલતાં ના આવડે એવું કશું છે જ નહીં, એમ બંને કહેતાં. અને નામને કારણે બાળકોને કોઈ તકલીફ પડી પણ નહીં.

નલિની બાળકોનાં વખાણ કરતાં થાકે નહીં. ને હતાં પણ બંને હોશિયાર. રમત-ગમત હોય, પિઆનો હોય, ભણવાનું હોય કે ડિબેટની હરિફાઇ હોય - જીગર અને જિયા આગળ પડતાં જ હોય. કોઈ પણ પ્રવૃત્તિ માટે બંને તત્પર રહેતાં. માતા-પિતાની ના ચાલતી જ નહીં. એક વાર હાઇસ્કૂલમાં હૉકી રમતાં જિયાને સખત ઇજા પહોંચી. એના માથામાં બૉલ વાગ્યો, એ પડી, ને ત્યારે એના કાંડા એને કોણીનાં હાડકાંમાં તડો પડી. જીગરે મૉમ અને ડૅડને ખબર આપી ત્યારે જિયા હૉસ્પિટલમાં ખસેડાઈ ગયેલી.

મહેશની ચિંતાનો પાર નહતો, પણ નલિની તો જાણે બેબાકળી બની ગઈ હતી. જિયાને હૉસ્પિટલમાં નિશ્ચેત પડેલી એનાથી જોવાતી નહતી. આ અકસ્માતે એને જાણે કલાકોમાં બદલી નાખી. એનાં આંસુ સરતાં રહેતાં હતાં, હોઠ ફફડતા રહેતા હતા. દુકાનોમાં ને ખરીદવામાં રત રહેનારી વ્યક્તિ એ દિવસથી આપોઆપ પ્રાર્થના કરવામાં પરોવાઈ ગઈ. દાદીને રટતાં સાંભળતી આવેલી તે શ્રીકૃષ્ણ શરણં મમ શબ્દો એને માટે મોટો આધાર બની ગયા. જિયાના હાથમાં ઑપરેશન કરવા પડ્યાં. સદ્ભાગ્યે મગજ પર એવો માર નહતો પડ્યો કે એના પર સર્જરી કરવી પડે.

એ સાજી થઈ ગઈ તે એની પ્રાર્થનાને જ કારણે, એમ નલિની ખાત્રીપૂર્વક માનતી હતી. જિયા ઘેર આવી ગઈ પછી દીકરીની સાચવણી કરતાં કરતાં એણે રટણ ચાલુ જ રાખ્યું. એમાંથી એ પુરાણ-કથાઓ, અનાસક્તિ યોગ તેમજ ધમ્મપદ વગેરે વાંચતી થઈ. એને ખબર પણ ના પડે તેમ એના જીવનને નિશ્ચિત વળાંક મળી ગયો હતો. સમજણાં થવાનો એનો સમય આખરે આવી લાગ્યો હતો. દાંપત્ય જીવન પણ શાંત અને સુખી થયું હોય તેમ મહેશને હવે પંદર વર્ષે લાગવા માંડ્યું. તોયે એને એ ખબર નહતી કે બપોરે બપોરે હવે નલિની નહીં વપરાતી અને નહીં વપરાયેલી વસ્તુઓ ગાડીમાં મૂકીને નીકળી જતી હતી, અને કોઈ ચર્ચમાં, કે હૉસ્પિટલમાં, કે સાલ્વેશન આર્મીની દુકાનમાં દાનની રીતે આપી આવતી હતી. ગળ્યાં ને ખારાં બિસ્કીટનાં નહીં ખોલેલાં પૅકૅટ અને ખાવાનાંનાં ટિન વગેરે એ સૂપ કિચનમાં દઈ આવતી. જેના વગર ના જ ચાલે તેવી બાબતો જીવનમાં કઈ હોય છે તે હવે એને સમજાઇ ગયું હતું.

જીગર એને જિયા કૉલેજમાં જવા માંડ્યાં પછી જાણે નલિનીને જુદી ચિંતા થવા માંડી. ઘરમાં ભાઇબંધો અને બહેનપણીઓની અવરજવર પહેલેથી જ રહી હતી. ધોળાં અને કાળાં મિત્રો ઉપરાંત સ્પૅનિશ, ચીની વગેરે પણ એમનાં મિત્રો હતાં. નલિની આ બધાંને જોવાથી ટેવાઇ ગયેલી, છતાં કૉલેજમાં ગયા પછી સારાં ઈન્ડિયન છોકરા-છોકરી સાથે ઘનિષ્ટતા થાય તેમ એ ઈચ્છતી. જીગર જુદી જુદી બહેનપણીઓને બે-ત્રણ વાર ઘેર લઈ આવેલો, ને મૉમ સાથે ઓળખાણ કરાવતો રહેલો. પણ પછીથી એક છોકરીની સાથે સંપર્ક વધતો લાગ્યો ત્યારે નલિનીએ મહેશને જીગરની સાથે આ વિષે વાત કરવા સૂચવ્યું.

ઓહો, પરણાવવાની બાબતે વાત કરવાનો સમય આવી ગયો? આટલાં મોટાં થઈ ગયાં છોકરાં? કેટલાં જલદી નીકળી ગયાં વર્ષો, એમ નથી લાગતું?, મહેશ પૂછતો રહ્યો.

એક સાંજે જિયા નહતી ત્યારે મહેશે આ વાત કાઢી. જીગર કહે, ડઁડ, અમે અમેરિકામાં જન્મ્યાં ને ઊછર્યાં, ને અમેરિકન જ છીએ. એ જરૂરી નથી કે ઇન્ડિયનોની સાથે જ અમે ઇન્ટીમેટ થઈએ. અને મારી મિત્ર સોફિયા અને હું એકબીજાંને પસંદ કરીએ છીએ તે હું તમને અને મૉમને કહેવાનો જ હતો. અમે સિરિયસ છીએ, ડૅડ. મહેશ કહે, ઉતાવળ ના કર, બેટા. આવી બાબતોમાં ઉતાવળ ના કરાય.

એ સાંભળ્યું જ ના હોય તેમ જીગર જરા ઉત્સાહિત થઈને બોલ્યો, અરે ડૅડ, સોફિયાનાં આન્ટ તમને ઓળખે છે. એને ત્યાં ગયા શનિવારે ફૅમિલી ભેગું થયું હતું. બધાંને મારી ઓળખાણ કરાવી. તો મારી અટક સાંભળીને આ આન્ટ મને કહે, મુન્શી? ખરેખર? હું એક મુન્શીને ઓળખતી હતી. ઘણાં વર્ષો પહેલાં. મેં સહજ જ નામ પૂછ્યું તો કોણ નીકળ્યું ખબર છેને? તમે જ. મહેશ મુન્શી પોતે. ગજબ કોઇન્સિડન્સ કહેવાય, નહીં? તમને પણ ચોક્કસ એ યાદ હશે જ.

મહેશને એક ધ્રાસકો પડી ગયો. જીગર બોલ્યે જતો હતો, મારી સોફિયા દેખાવડી છેને? પણ એનાં આ આન્ટ તો આ ઉંમરે પણ બહુ સરસ લાગે છે. આન્ટ વેરોનિકા. એ પેલી નૉન-કૉમર્શિયલ ન્યૂઝ ચૅનલમાં કામ કરે છે. એમાં તો એ સ્ટાર થઈ ગયાં છે. અને અંકલ જોસેફ પણ હૅન્ડસમ છે. મોટા વકીલ છે. એટલાંમાં નલિની રૂમમાં આવી. જીગર એને કહેવા માંડ્યો, બસ, મૉમ. હવે શાંતિ ને? તેં સાંભળી લીધુંને? ડૅડ ઓળખે છે સોફિયાનાં આન્ટને. એટલે ફૅમિલી તો સારું જ છે તે નક્કી થઈ ગયું. બસ તો? ચાલો, અત્યારે હું સોફિયાને લઇને બહાર જાઉં છું. જમવાનો નથી, હોં. રાહ ના જોતાં.

મહેશને ભય હતો કે નલિની કાંઈ કહેશે કે પૂછશે. પણ એવું કાંઇ એણે કર્યું નહીં. આજકાલ એ ઝેન પ્રથા પર પુસ્તક વાંચતી હતી. તે લઇને બેસી ગઈ. થોડી વારે મહેશ બોલ્યો, તેં કાંઇ કહ્યું નહીં. શું લાગે છે જીગરનું? નલિની કશું બોલી નહીં. પુસ્તક બંધ કરી એણે એક સ્મિત આપ્યું. ને હું સૂવા જાઉં છું, હોં, કહી એ ઉપર ચાલી ગઈ. એમ ગૂઢ હસીને એ શું કહેવા માગતી હશે તે મહેશને સમજાયું નહીં. મૂંઝવણ અનુભવતો એ બેસી રહ્યો. ત્યાં વેરોનિકાવાળી ચૅનલ ચાલુ કરવાનો વિચાર આવ્યો. એણે ટૅલિવિઝનનું રીમોટ હાથમાં લીધું. કેટલીયે વાર હાથમાં ફેરવતો રહ્યો. ચલાવવાનું મન થયું નહીં. છેવટે પાછું ટેબલ પર મૂકીને એ સૂવા ચાલી ગયો.

જિયાનું જીવન જાણે સમાંતર જ જતું હતું. એને પણ એક યુવાન સાથે ઘનિષ્ટતા બંધાતી જતી હતી. એક રાતે નલિનીએ એને પૂછ્યું, બહુ મોડું કર્યું આજે. કોણ મૂકી ગયું? જૅફ, મૉમ. કોણ જૅફ? એરે, જૅફ બ્રિગમૅન. એનાં મૉમને તું જાણે છે, એમ કહેતો હતો. કોણ, પેલું બ્લૅક કુટુંબ? મૉમ, પ્રેસિડન્ટ ઓબામા તને ગમે છે કે નહીં? આ લોકો તો એમનાથી પણ ઓછા બ્લૅક છે. ને તું એ તો વિચાર કે આપણે વળી ક્યાં વ્હાઇટ છીએ તે? હા, પણ ઇન્ડિયનોમાં કલ્ચર કેટલું --- ઇન્ડિયનોમાં અહીં મને એકલું બૉલિવૂડ કલ્ચર દેખાય છે, મૉમ. જૅફનાં મૉમ અને ડૅડ સાદાઇથી રહે છે, અને ચર્ચમાં કેટલું ચૅરિટીનું કામ કરે છે, તને ખબર છે? ને જૅફ? એ હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી ગ્રૅજ્યુએટ થવાનો છે. પૂરો આઇડિયાલિસ્ટ છે. એનાથી વધારે સારો જીવનસાથી મને ક્યાંયે મળવાનો નથી, એ હું જાણું છું. મહેશને ઉદ્દેશીને એણે કહ્યું, ડૅડ, તમને અને મૉમને મળવા અને પરણવા માટે તમારી રજા લેવા જૅફ ક્યારનો આવવા માગે છે. મેં જ એને રોક્યો છે. એમ કે મૉમની વર્ષગાંઠ પર આવે તો વધારે આનંદ થાય. ને બે કારણે એ દિવસ આપણને યાદ રહે. પણ જુઓ, મૉમને કારણે મારે જ કહી દેવું પડ્યું. જિયા જરા ગંભીર થઈ ગઈ. તરત ગૂડ નાઇટ કહીને ઉપર ચાલી ગઈ.

જીગર કરતાં વધારે સિરિયસ છે, નહીં? તું ઓળખે છે આ કુટુંબને? શું કરવું છે આપણે? નલિનીએ માથું હલાવી હા કહી, અને બોલ્યા વગર ફરી એવું જ સ્મિત આપ્યું. મહેશને એ ફરી ગૂઢ લાગ્યું. આજે એણે ત્યાં વાત છોડી નહીં. જરા ભાર મૂકીને એણે કહ્યું, કશું બોલ તો ખરી. શું વિચારે છે તે તો કહે.

છોકરાં કેવાં આનંદમાં રહે છે. મારે કોઇ રીતે એમને રોકવાં નથી. પરસ્પર સાચી લાગણી હોય, અને પોતાની પસંદગીના પાત્ર સાથે જીવન જીવવા મળે તેવું નસીબ બધાંનું હોતું નથી.

મહેશ સ્તબ્ધ થઇ ગયો હતો. વર્ષો પહેલાં સિલુ ફોઇ લગભગ આવું જ બોલ્યાં હતાં. હજી એને એ વાક્યો ક્યારેક યાદ આવી જતાં. આજે નલિનીએ પણ એવી જ વાત કરી. શું એમને પણ પરાણે પરણવું પડ્યું હશે? મહેશનું મન લજ્જાથી છવાઇ ગયું. આખી જિંદગી મનની પછીતેથી એણે પોતાના નસીબને દોષ દીધા કરેલો. કેટલી યુવતીઓ પોતાના પ્રિય પાત્રોને નહીં પામી શકી હોય, તે ક્યારેય વિચાર્યું પણ નહતું. શું સિલુ ફોઇ અને નલિનીએ પણ ચલાવી લીધું હશે એમની જિંદગીમાં?

• • •

ચારેક મહિના પછી જીગર અને જિયાએ જણાવ્યું કે એમને એક પાર્ટી આપવી હતી- પોતાનાં એન્ગેજમેન્ટ જાહેર કરવા. મહેશ બધી વ્યવસ્થા કરી આપવા તૈયાર જ નહીં, આતુર હતો. પણ દીકરા-દીકરીએ કહી દીધું કે, અમે જ બધું કરવા માગીએ છીએ. પાર્ટી અમારંા મિત્રો માટે જ છે. મોટું કોઈ અમારે નથી જોઇતું. તમે બંને પણ નહીં, એમણે મૉમ અને ડૅડને જણાવી દીધું. એ બંને નવાઇ પામ્યાં અને ઘણાં નિરાશ થયાં. આવું વિચાર્યું છોકરાંઓએ? પણ પછી મન વાળી લીધું, કે ભલે કરતાં સરખેસરખાં મઝા. આપણે ફોટા જોઇ લઇશું.

પાર્ટીને દિવસે જીગર અને જિયા દોડાદોડમાં રહ્યાં. ખાસ મળ્યાં જ નહીં મૉમ અને ડૅડને. રાતે નવ વાગી ગયા હતા. ત્યારે બેલ વાગતાં મહેશ ચમક્યો. નલિનીને ચિંતા થઇ આવી. બારણું ખોલ્યું તો લાગ્યું કે જિયા અને જીગર ઊભાં હતાં. એવું જ લાગ્યું પહેલી નજરે. પણ ના, ના, આ તો સોફિયા અને જૅફ હતાં. સોફિયાએ લાલ, કાળું ને સોનેરી ચુડીદાર-કુરતું પહેર્યાં હતાં. જૅફ નેવી બ્લુ અને રૂપેરી ભરેલા કુરતામાં હતો. આહા, કેવાં દેખાવડાં લાગે છે બંને, નલિનીને થયું. કોઇ કહે કે નૉન-ઇન્ડિયન હશે? ક્યાંથી અહીં?, અત્યારે?, મહેશે પૂછ્યું.

સોફિયાએ નલિનીને વ્હાલ કરતાં કહ્યું, મૉમ, ચિંતાનું કોઇ કારણ નથી. બસ, તમે જલદી તૈયાર થઈ જાઓ. જૅફ બોલ્યો, અમે તમને બંનેને લેવા આવ્યાં છીએ. તમારા વગર અમે કેક કાપીશું અને રીંગની આપ-લે કરીશું એમ માન્યું હતું તમે? ચાલો, હૉલમાં બધાંને સરપ્રાઇઝ આપવાની છે.

પંદર મિનિટ પછી બધાં ગાડીમાં હતાં. સોફિયા કહે, જીગર અને જિયાએ પહેલેથી જ આ નક્કી કરેલું. તમને પણ સરપ્રાઇઝ આપવા વિચારેલું એમણે. ને જીગર જ લેવા આવવાનો હતો, પણ મેં ને જૅફે કહ્યું કે ના, અમે જ જઇશું, અને મૉમ ને ડૅડને ખેંચી લાવીશું. તમારા વગર અમને કાંઈ ચાલે?

મહેશને ગળે ડુમો ભરાઇ આવ્યો. એણે જોયું તો નલિની પાલવથી આંસુ લુછી રહી હતી. એણે હાથ લંબાવીને નલિનીનો હાથ પકડ્યો. નલિનીએ ભીની આંખે એની સામે જોયું, ને ફરી પેલું સ્મિત આપ્યું. એ સ્મિત હવે ઓળખાયું હોય એમ મહેશને લાગ્યું.