Many-Splendoured Love/ફરજના ભાગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ફરજના ભાગ

એ રાતે હજી સાડા દસ જેવા થયા હતા. સૂવા માટે હજી વહેલું હતું. કૌશિકભાઈ અને ચેતનાબ્હેન નિરાંતે ટેલિવિઝન પર સિરિયલ જોઈ રહ્યાં હતાં. થોડી વાર પહેલાં એમની રેવાબાઇ રોજના રિવાજ પ્રમાણે એક રકાબીમાં થોડી દ્રાક્શ અને સફરજનની ચીરીઓ આપી ગઈ હતી. ચેતનાબ્હેને કહેલું, હવે તું બેસ અને ટીવી જોવું હોય તો જો. રેવાબાઇ કુટુંબ સાથે ઘણાં વર્ષોથી હતાં. ચેતનાબ્હેન જ નહીં, કૌશિકભાઈ પણ એમને ઘરનાં જ ગણતાં. મન થાય ત્યારે એ સાથે બેસીને ટીવી જોતાં, પણ એ રાતે એમને વહેલાં સૂઈ જવું હતું. કહે, સવારના પહોરમાં વડીઓ પાડવી છે. તડકો ચઢે એટલે તરત સૂકાઈ જાયને.

એને કામનો થાક નથી, ચેતનાબ્હેન બોલ્યાં. આ વર્ષે કાળી દરાખ શું મીઠી આવી છે. નહીં?, કૌશિકભાઈનું ધ્યાન ટીવીથી પણ વધારે ફ્રૂટમાં હતું. બે-ત્રણ સામટી મોઢામાં મૂકતાં ચેતનાબ્હેને કહ્યું, વાહ. એ જ વખતે ફોનની ઘંટડી સાંભળીને બંનેને નવાઈ લાગી. આ ટાઇમે કોણ કરે? બધાં સિરિયલ જોતાં હોય. ફોન કરવાનો વિચાર પણ કોને આવે? એમનો દીકરો સૂરજ એમેરિકામાં, ને એ બહુ ફોન ના કરે. પહેલાં પહેલાં બંને ફોનની રાહ જોતાં, વલખતાં, ફોન આવે ત્યારે સૂરજને જરા વઢતાં - કે ભઈ, મહિને એક વાર ફોન કરવાની ટેવ પાડોને. પણ એવું ક્યારેય બન્યું નહીં. વહુથી કહેવાઈ ગયેલું, કેટલા પૈસા થાય છે, ખબર છે? ખાલી ‘કેમ છો’ કહેવાનું હોય, ને બધાં સારાં જ હોય એમ માની લેવાનું. સૂરજ બોલેલો, પપ્પાજી, અમેય અહીં એવા કામમાં હોઈએને કે ક્યાં દિવસો જતા રહે એનો ખ્યાલ ના રહે.

બંનેએ મન વાળી લીધેલું. ફોન જ્યારે ક્યારેક આવે ત્યારે ફરિયાદ કરતાં નહીં, ને લાંબી વાતો કરવા પણ ના બેસતાં. એ રાતે ફોન સૂરજનો જ હતો. ઓહો, કેમ છો, ભઈ? સુરખી બેટા મઝામાં? લે, મમ્મી તમને--- ના, ના, પપ્પાજી, તમને સારા સમાચાર આપવાના છે. સુરખીને ન્યુઝ છે. અરે વાહ, ભઈ. કૉન્ગ્રેચ્યુલેશન. તમને બંનેને. લે, આ મમ્મી વિશ કરે --- એક મિનિટ, પપ્પાજી. જરાક તમારી સાથે કામની વાત કરી લઈએ, સૂરજે ઉતાવળે કહ્યું. હા, બોલ, ભઈ.

એવું છે કે સુરખી તો અહીં સાવ એકલી. એને જાતે બધું ફાવશે નહીં --- હા, ભઈ, તમારી ત્યાંની જિંદગી તો એવી જ --- પપ્પા, વાત સાંભળી લોને. સૂરજ કદાચ ઘડિયાળ તરફ જોતો હશે, કૌશિકભાઈએ ઉદાસ ભાવે વિચાર્યું. અમારે અહીં ડિલિવરીમાં અને પછી બાળકને ઉછેરવામાં કોઈની જરૂર પડશે. એટલે મમ્મીએ અહીં આવી જવું પડશે. એમણે એકલાંએ. શું કહે છે, સૂરજ. પછી અહીં ઘર કોણ ચલાવશે? અરે, ત્યાં તમારે ક્યાં અહીં જેવાં કૉમ્પ્લિકેશન હોય છે? ત્યાં માણસોની ખોટ નથી. સહેજમાં કોઈ પણ કામ કરી આપનારાં મળી જાય. ને રેવાબાઇ તો છે જને?

જુઓ, પપ્પા, અત્યારે હવે વધારે વાત નહીં પોસાય, સૂરજ પતાવતાં કહેવા માંડ્યો. જુઓ, અમારા એક ફ્રેન્ડ સાથે હું કાગળ મોકલું છું. એમાં લખું છું મમ્મીએ ક્યારે આવવાનું છે તે. ચાલો, આવજો.

એટલી રાતે કૌશિકભાઈ ચેતનાને અપસેટ કરવા નહતા માગતા. એમણે કહ્યું, એ ફરી કરવાનો છે. ત્યારે તું ધરાઈને વાત કરજે.

કૌશિકભાઈ સવારની કૉલેજ પૂરી કરીને દોઢેક વાગ્યે આવી ગયા. જમીને આડા પડવાની રોજની ટેવ, પણ આજે એમની ઊંઘ ઊડી ગયેલી. ચેતનાબ્હેન કહે, પછી સાંજથી બગાસાં ખાશો હોં. મારી સિરિયલ બગાડશો. સૂરજની સાથે થયેલી વાત ક્યારે કહેવી ચેતનાને? એ તો સાવ દુઃખી થઈ જવાની. કૌશિકભાઈ મુંઝવણમાં હતા. બંને ક્યારેય એકલાં પડ્યાં નહતાં. હંમેશાં સાથે ને સાથે જ. દીકરો અમેરિકા ગયા પછી તો બંને એકબીજાનો ઘણો મોટો આધાર બની ગયાં હતાં. ચેતના શું કરશે મારા વગર, ને હું શું કરીશ એના વગર?

ચેતી, કૌશિકભાઈએ વહાલનું સંબોધન વાપરતાં કહ્યું, સૂરજે શું કહ્યું છે ખબર છે? એણે કહ્યું છે કે મમ્મી વગર તો નહીં જ ચાલે - એને કે સુરખી વહુને. સૂરજના શબ્દો અને એનો બોલવાનો ઢંગ એ ચેતનાને કહેવા નહતા માગતા. પોતાની રીતે એમણે કહ્યું, જો, એણે આપણને વિનંતી કરી છે--- શેની વિનંતી? એમ કે તારી બહુ જ જરૂર પડશે એમને. એટલે તને ખાસ આગ્રહ કરીને ત્યાં બોલાવી છે. હા, તે જઈશું. દીકરાને ત્યાં પ્રસંગ છે તે આપણે જવાનું જ હોયને. ચેતનાબ્હેન સમજ્યાં નહતાં કે એમને એકલાંને જ બોલાવવામાં આવ્યાં હતાં.

પછીના દિવસોમાં તો જાણે શુંનું શું થઈ ગયું. સૂરજનો મિત્ર કાગળ આપવા આવ્યો, ને ત્યારે એણે સૂરજના કહ્યા પ્રમાણે બધી લાંબી વાત કરી. વિઝા માટેના જરૂરી બધા કાગળો પણ એ લેતો આવેલો. કહે, તમારા દીકરાનું કામ બહુ ચોક્કસ છે, હોં. કશું ભૂલ્યો નથી. ફીક્કાં પડી ગયેલાં મા-બાપ સંમતિનું સહેજ હસેલાં. જુલાઇની ચોથીએ અમેરિકાનો સ્વાતંત્ર દિન. એ દિવસે બાળક જન્મશે એવું ડૉક્ટરનું કહેવું છે, એટલે મમ્મીએ જૂનના છેલ્લા અઠવાડિયામાં આવી જવાનું, એમ સૂરજે કહેવડાવેલું.

જાણ્યું તે દિવસથી જ પતિ-પત્ની ઉદાસ થઈ ગયાં. દસેક મહિનાનો વિયોગ નક્કી હતો. કેમ કરીને જશે એટલો સમય?, બંને મનોમન કહેતાં હતાં. પોતાની ટિકિટ માટેના પૈસા થોડી સગવડ કરીને કૌશિકભાઈ કાઢી તો શકે એમ હતા, પણ સૂરજે કાગળમાં ચોખ્ખું લખ્યું હતું કે બે જણને આટલા બધા મહિના રાખવાનું નહીં પોસાય. વળી, મમ્મી તો રાત-દિવસ બિઝી રહેવાની, એટલે પપ્પાજી એકલા પડવાના, ને ખોટા બોર થવાના. એના કરતાં પછી વખત આવ્યે જોઈશું.

સૂરજે વિઝાના ખર્ચાના અને ટિકિટ માટેના ડૉલર મોકલાવેલા. કહેલું કે વન-વે ટિકિટ ઇન્ડિયાથી ઘણી સસ્તી પડે છે. મેં ટ્રાવેલ એજન્ટને પૂછ્યું છે કે આશરે કેટલા થાય. આટલામાંથી થઈ જશે ટિકિટ. ખરીદવાનો વખત આવ્યો ત્યારે અને પછી ક્યારેય કૌશિકભાઈએ ચેતનાબ્હેનને કહ્યું નહતું કે એ પૈસા પૂરતા નહતા. પોતે બેન્કમાંથી કાઢીને જોઈતા ઉમેરી દીધા હતા. ચેતનાબ્હેનને એ સાંત્વન આપતા રહેલા - દીકરાને જરૂર હોય ત્યારે મદદ કરવાની આપણી ફરજ છે, ખરું કે નહીં? તું ચિંતા ના કર. મહિનાઓ ક્યાંયે નીકળી જશે. પછી ઉનાળાની રજાઓમાં તો એ મને બોલાવવાનો છે. . . . . . . સૂરજનો ફ્લૅટ આટલો નાનો હશે, તેવું ચેતનાબ્હેને નહતું વિચાર્યું. ને કરકસર તો એ જાણતાં હતાં, પણ દીકરો-વહુ આટલી કંજુસાઇથી કેમ રહેતાં હશે તે એમને નહતું સમજાતું. એક બૅડરૂમ હતો એ દીકરો-વહુ વાપરતાં. જમવા માટેના ભાગમાં એક પાટ જેવું મૂકેલું. તે હતો ચેતનાબ્હેનનો ખાટલો. રસોડામાં બે જણ ખાઈ શકે તેવું નાનું ટેબલ હતું. દીકરા-વહુને જમાડીને ચેતનાબ્હેન પોતે ત્યાં જમવા બેસતાં.

શરુઆતના દિવસો ઝડપથી ગયા. બેબી આવી પછી થોડી અવર-જવર રહી, ને મહિનો સુરખી ઘેર રહી. પણ છોકરું સંભાળવા મમ્મી હતાં તેથી એ નોકરી પર જલદી ચઢી ગઈ. એ પછી ચેતનાબ્હેનના દિવસો સાવ સૂના થઈ ગયા. કૌશિકભાઈ અઠવાડિયે બે વાર ફોન કરતા હતા તે બંધ થઈ ગયું. સુરખીએ કહેલું કે ગમે ત્યારે ફોનની ઘંટડી વાગે તો અમારી ચાંદની રાણી ચમકીને જાગી ના જાય? અમે ઘેર હોઈએ ત્યારે મહિને એકાદ શનિ-રવિમાં કરવો હોય તો ભલે કરે.

નાનકડી ચાંદની સૂઈ ગઈ હોય ત્યારે ચેતનાબ્હેન ફ્લૅટનું બારણું ખોલીને કોઇ કોઇ વાર ઊભાં રહેતાં - બારણામાં જ. હજી ઘરની ચાવી એમને અપાઈ નહતી. ઍક્સ્ટ્રા બનાવડાવવાની છે. રહી જાય છે, સૂરજે કહેલું. ને તું એકલી જવાની પણ ક્યાં? ચેતનાબ્હેન લાંબા કોરિડોરમાં બે તરફ જોતાં. હંમેશાં એ ખાલી રહેતો. બાજુમાં, સામે કે પેલી તરફ રહેતું કોઈ ક્યારેય એમણે જોયું નહીં. જાણે મકાન ભૂતિયું, ને પોતે એમાં બંધ હતાં. આવા જીવનને લીધે જ અહીં રહેતાં રહેતાં બધાં સાવ એકલપેટા થઈ જતાં હશે?, એ વિમાસતાં, ને કૌશિકભાઈ સાથે ચર્ચા કરવા ઝંખતાં.

ચાંદની ત્રણેક મહિના થઈ ત્યારે સુરખીએ ચેતનાબ્હેનને સૂચના આપી કે હવે બાબાગાડીમાં એને બરાબર ઢાંકી કરીને રોજ બહાર ફરવા લઈ જજો. ને બપોરે બાર વાગ્યા પહેલાં ઘરમાં આવી જજો. બહુ તડકામાં ના ફેરવતાં એને. આ કારણે ચેતનાબ્હેન મકાનની નજીકમાંના બાગ સુધી નીકળતાં થયાં. ત્યાં એમની ઓળખાણ શુભા સાથે થઈ. એ ત્રણેક વર્ષની દીકરી ઝુમુને લઈને આંટો મારવા આવતી. વાતો શરૂ થયા પછી શુભાએ કહેલું કે એ સુરખી અને સૂરજને સાધારણ ઓળખતી હતી. આસપાસના સ્ટોર્સમાં એ બધાં ક્યારેક મળી જતાં હતાં.

બંને વચ્ચે ઉંમરનો આટલો તફાવત હતો તે છતાં ધીરે ધીરે એક મૈત્રી બંધાઈ. શુભા ચેતનાબ્હેનને દર રવિવારે બપોરે પોતાની સાથે બહાર લઈ જવા માંડી. ચાંદનીને રમાડવા ઘેર આવી ત્યારે એણે સુરખીને પૂછી લીધું હતું - વાંધો નથીને? પછી તો સાથે જમી લેવાનો રિવાજ થઈ ગયો. કોઈ વાર બહાર તો કોઈ વાર પોતાને ઘેર લઈ જઈને શુભા ચેતનાબ્હેનને જમાડી લેતી. દિદિ, એ કહેતી, તમે જરાય સંકોચ ના કરો. મને પણ કંપની મળે છેને. જુઓ છોને, મારા હસબંડ કામમાંથી ઊંચા જ નથી આવતા તે.

થોડા વખત પછી શુભાએ એમને પૂછ્યું, દિદિ, મારે પાંચેક મહિનાનો એક કોર્સ કરવાનો છે. એ પછી હું લૅબ ટૅકનિશિયનની નોકરી માટે ઍપ્લાય કરી શકીશ. તમને વાંધો ના હોય તો તમે ઝુમુને રાખશો? સવારે દસથી એક જેટલું, બસ. હા, મને વાંધો નથી. પણ સુરખીને ગમે કે ના ગમે. એની સાથે હું વાત કરી લઈશ. અથવા તો એને ખબર પણ નહીં પડે કે ઝુમુ તમારી પાસે આવે છે. શુભા આગળ કહે, દિદિ, હું તમને થોડા પૈસા પણ આપીશ. ના, તમે જરા પણ આર્ગ્યુમેન્ટ ના કરતાં. એ વાત તો આપણે સુરખીને નહીં જ કરીએ. એ તમારે જ માટેના. જેમાં જરૂર હોય તેમાં તમે વાપરજો.

ઝુમુ બહુ શાંત અને મીઠી હતી. ચેતનાબ્હેનને દિદા, દિદા કહેવા માંડેલી. શુભાએ સમજાવેલું કે નાનીને માટે બંગાળીમાં દિદા શબ્દ હતો. બંને બાળકીઓને ચેતનાબ્હેન થોડું ફેરવીને આવે પછી શુભાએ મોકલાવેલું દૂધ પીને ઝુમુ ઊંઘી જતી. ઊઠે ને એના જ ઘરનું નાનું કેળું ખાય એટલામાં તો સમય થઈ જતો અને શુભા આવીને એને લઈ જતી. સુરખીના ઘરનું કશું જ ના વપરાય એવી કાળજી શુભાએ પહેલેથી રાખી હતી. વળી, ચાંદનીના રૂટિનમાં પણ કશી દખલ ના થવી જોઈએ, એ કહ્યા કરતી.

શિયાળાનો ઠંડો, અંધારિયો સમય પણ શુભાને લીધે ઘણો સારો જવા માંડેલો, છતાં કૌશિકભાઈની ચિંતા મનમાંથી દૂર થતી નહીં. માર્ચ મહિનો શરૂ થવામાં હતો ત્યારે ચેતનાબ્હેને સૂરજને કહ્યું, ભઈ, હવે એમના વિઝા માટે તૈયારી કરો. આવતે મહિને એમનું વેકેશન શરૂ થવાનું. ત્યારે એ અહીં આવી જાય તો સારુંને.

સૂરજે જાણે જવાબ તૈયાર જ રાખેલો. મમ્મી, તને ખબર તો છે કે અહિંયા એક વધારે માણસની જગ્યા જ નથી. પપ્પા આવશે તો ક્યાં સૂશે? પછી બાળકને પટાવતો હોય તેમ કહે, જો, હમણાં થોડા પૈસા બચાવીએ છીએ. તું ધીરજ રાખ. થોડા વખતમાં અમે બે બેડરૂમનો ફ્લૅટ લેવાનાં જ છીએ, ત્યારે જોઈશું. પહેલાં પણ એણે એમ જ કહેલું કે જોઈશું, પણ ચેતનાબ્હેન એ કેમ સમજ્યાં નહતાં? એમને પોતાનો જ વાંક લાગવા માંડ્યો. અત્યારે પણ સૂરજ જોઈશું, જોઈશું જ કરે છે. એની ઈચ્છા જ નથી કે પપ્પાજી આવે. રખેને ખાવાનો ખર્ચો વધી જાય.

ચેતનાબ્હેન મનમાં ખૂબ ગુસ્સે થયાં. દુઃખી તો એથી યે વધારે થયાં. કશોક નિર્ણય કરી લીધો હોય એમ એ બોલ્યાં, જો સૂરજ, મને આવ્યે દસ મહિના થવા આવ્યા. આપણે વાત થયેલી કે આ પછી પપ્પાજી પણ આવશે, અમે બંને બીજા બે મહિના અહીં રહીશું અને બેબીને એક વરસની કરી આપીશું. હવે જો એ ના આવવાના હોય તો આવતા મહિને હું પાછી જવા માગું છું. સુરખીને બોલવા જતી અટકાવીને એમણે કહ્યું, જુઓ બેટા, તમે તો મારાં બાળક છો. તમારી પ્રત્યે મારી ફરજ છે, તે હું કબૂલ કરું છું. તમારે જરૂર છે તે જોઈને હું કોઈ દલીલ કર્યા વગર અહીં આવી, ને રહી. તમે બંને યુવાન છો, અને તમારી ઈચ્છા પ્રમાણે જિંદગી જીવી શકો છો. પપ્પાજીને માટે આમ એકલાં રહેવું કેટલું કઠિન હશે તે હું જ જાણું છું. મને એમની તબિયતની ચિંતા છે. હવે મારી ફરજ એમના પ્રત્યે છે.

તો પછી, મમ્મી, તમારે અમારી મુશ્કેલી પણ સમજવી જોઈએ, સુરખીથી રહેવાયું નહીં. સૂરજે ઊમેર્યું, મમ્મી, હમણાં આ ખર્ચા ---એમાં તમારી ટિકિટ કાઢવાની અઘરી છે. ભલે. તો હું પપ્પાજીને કહીશ. એમની પાસે હશે ઇન્ટરનેશનલ ટિકિટ જેટલા પૈસા? અપમાનના ભાવ પર સંયમ રાખીને ચેતનાબ્હેન બોલ્યાં, એમની પાસે પૈસા છે કે નહીં તેની ચિંતા તું ના કરતો. મને ખાત્રી છે કે એ સગવડ કરી શકશે. ખરેખર તો એ જાણતાં હતાં કે શુભાના આપેલા ડૉલર પોતાની પાસે હતા, ને ટિકિટ માટે એ પૂરતા હતા.

શુભાની સાથે બહાર જવાનું થયું ત્યારે એમણે ત્યાં પાડોશીઓને આપવા બદામ ખરીદી, અને સુગંધી કેસરનો ડબ્બો - ભલેને એ મોંઘોદાટ હતો. રેવાબાઈ માટે એમણે એક સાડી લીધી અને એક સેન્ટની શીશી. ભલેને એ શોખ કરતી. બધું થોડા દિવસ શુભાને ત્યાં જ રહેવા દીધું. ટિકિટનો બંદોબસ્ત કૌશિકભાઈ તરફથી થયો છે એમ વાત જ કરી. શુભાના હસબંડની ઑફિસમાંથી સહેલાઈથી વાયર-ટ્રાન્સ્ફર થઈ ગઈ, એવું એમણે કહ્યું. સૂરજને એની પોતાની ગરીબીની કોઈ દલીલ કરવાની તક જ એમણે આપી નહીં. શુભાને ત્યાંથી ફોન કરીને કૌશિકભાઈને એમણે એમ કહ્યું કે સૂરજે ટિકિટની વ્યવસ્થા કરી છે, ને એ કહે છે કે આવતા વર્ષે આપણને બંનેને સાથે બોલાવશે.

• • •


જે બૅગ લઈને અગિયાર મહિના પહેલાં આવેલાં તે જ લઈને ચેતનાબ્હેન પાછાં જઈ રહ્યાં હતાં. શુભાએ ઘેર આવીને બહુ વિવેકથી કહેલું, સૂરજભાઈ, તમે અને ભાભી નાના બાળક સાથે તકલીફ ના લેતાં. હું જ દિદિને ઍરપૉર્ટ લઈ જઈશ. મારી ઝુમુને ગાડીમાં ફરવા જવું ગમશે પણ ખરું. સૂરજ અને સુરખી ફીક્કું હસેલાં. જવાને દિવસે બંને ચેતનાબ્હેનને આવજો કહેવા સાથે નીચે ઊતર્યાં. સુરખીના હાથમાં ઊચકેલી ચાંદનીના માથા પર વહાલથી ચેતનાબ્હેને હાથ ફેરવ્યો, ને એના નાનકડા હાથમાં એક કવર મૂકતાં કહ્યું, પપ્પાજીએ ખાસ આશીર્વાદ આપ્યા છે અને શુકનના આ એકાવન ડૉલર ચાંદનીને આપવાના કહ્યા છે.

બે પળ કવરને હાથમાં ફેરવ્યા પછી ચાંદનીએ એને મોઢામાં ખોસ્યું. સુરખી એને ખેંચવા ગઈ, પણ તરત નીકળી ના આવ્યું. એ કહેવા માંડી, અરે વાહ, ચાંદની રાણીને દાંત આવવા માંડ્યા છે.

સૂરજનો આવજો કહેવા નકામો ઊંચો થયેલો હાથ નીચો પડતો ગયો ત્યારે એ સ્તબ્ધ થઈ વિચારતો હતો કે મમ્મીએ જતાં જતાં પાછું વળીને જોયું નહીં.