Many-Splendoured Love/બે ધ્વજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે ધ્વજ

ન્યૂયૉર્ક પાછી આવતી ફ્લાઇટ બહુ ભરેલી નહતી. સોહનને સામટી ત્રણ ખાલી સીટો મળી ગઈ હતી. આમ તો એને છેડે બેસવું જ વધારે ગમે, જેથી ઇચ્છા પ્રમાણે ઊભાં થઈ શકાય, ને દર વખતે એ પ્રમાણેની સીટ જ નિયત કરાવે. આજે એમ છેડે થોડી વાર બેઠા પછી એ બારી પાસેની સીટ પર જઈને બેઠો. જોયુંને, સંકડાશ ના હોય તો ઊડવાની કેવી મઝા પડે છે, એણે જાતને કહ્યું. સ્ટુઅર્ડેસને બોલાવીને ફરી એક બિયર મંગાવ્યો. ખોલતાં ખોલતાં એને રીતુ યાદ આવી. એ હોત તો કહેત, લાવ, ખોલી આપું. તું તો પાછો વગાડી બેસીશ.

રીતુનું બોલવાનું હંમેશાં આવું જ રહેતું. ક્યારેક એમાં વહાલ લાગતું, ને ગમતું, ને ઘણી વાર સોહનને ચીડ ચઢતી. હું એનો નાનો મિલન હોઉં એવી રીતે વર્તે છે મારી સાથે. અરે, ઇન્ડિયામાં હોતને તો ખબર પડત.

જોકે શું હોત, ને શાની ખબર પડત તે સોહન સ્પષ્ટ જાણતો કે કહી શકતો નહીં. રીતુ એને સીધું કશું કહેતી નહીં, પણ મનમાં ને મનમાં ગણગણતી, જ્યારે ને ત્યારે ઇન્ડિયા-ઇન્ડિયા કરે છે તે જાય, ને ત્યાં રહે, ને જુએ કેવું ગમે છે, ને ફાવે છે તે. પછી જ પડે ખરી ખબર.

સોહન પોતાની મરજીથી જ આવ્યો હતો અમેરિકા. રીતુ સાથે પ્રેમલગ્ન કરેલાં, ને કુટુંબ સાથેની જિંદગી બહુ સરસ જ હતી, પણ ઑફીસમાંથી અણધારી એક તક ઊભી થયેલી, એટલે એને બહુ મન થઈ ગયું. કદાચ કશા નવા જીવનની ઇચ્છા હશે, કે પછી કોઈ નવી ચૅલૅન્જ માટે જીવ ઊંચોનીચો થતો હશે.

રીતુને અમેરિકા આવવાની જરા પણ ઇચ્છા નહતી, એમ જ કહી શકાય. એણે સોહન સાથે ઘણા ઝગડા કરેલા. એમ પણ કહેલું એક વાર તો, કે જો આવી ખબર હોત તો એણે લગ્ન કર્યાં જ ના હોત. પછી સોહને ખાતરી આપેલી કે બસ, થોડાં વર્ષો ત્યાં રહીએ, મઝા કરી લઈએ, ને પછી પાછાં. બસ?

ન્યૂયૉર્ક જેવું શહેર. શક્યતાઓનો પાર નહીં. સોહન તરત કામ પર લાગી ગયેલો, ને રીતુએ આગળ ભણવાનું શરૂ કરી દીધેલું. હજી ડિગ્રી મળે તે પહેલાં જ એને નોકરી મળી ગયેલી. પછી તો સોહનને ઑફીસ તરફથી અમેરિકામાં પર્મેનન્ટ થવાની ઑફર મળી, ને ત્યારે સોહને દેશ પાછાં જવાનો વિચાર જરા પાછો ઠેલ્યો હતો. “સક્સેસ સ્ટોરી” કહેવાય તેવું એમનું અમેરિકામાંનું જીવન હતું.

ત્રણેક વર્ષ પછી રીતુ પ્રૅગ્નન્ટ થઈ ત્યારે સોહન કહેવા માંડેલો, કે ડાર્લિન્ગ, મેં તને વચન આપેલું તે પ્રમાણે ચાલ, હવે આપણે પાછાં જતાં રહીએ. બાળક ઉછેરવાનું તો ત્યાં જ સારુંને.

આ સાંભળીને રીતુ જરા સ્તબ્ધ થઈ ગઈ હતી. એમ નહીં કે એ સોહનની આ ખાતરી ભૂલી ગઈ હતી, પણ એટલા માટે કે ત્યારે પહેલી વાર એને પોતાને ખ્યાલ આવ્યો કે પાછાં જવાની હવે એને ઇચ્છા થતી નહતી. હા, અહીં થોડું અઘરું હતું - બધું જાતે કરવાનું, ઘરનું કામકાજ સાચવવાનું, નોકરી પર દોડવાનું. પણ આમ જુઓ તો બધું કેટલું સહેલું પણ હતું. પોતાને જે પસંદ હોય તેમ કરવાનું, ઘર રોજ ધૂળિયું થાય નહીં, ને ઑફીસમાં તો રીતુની બુદ્ધિ એવી ખીલતી હતી કે ક્યારેક પોતાને જ નવાઇ લાગતી.

પાછાં જવાનો સોહનનો આગ્રહ વધતો જતો લાગ્યો, ને રીતુને મનોમન વિચાર કરતાં એક સરસ દલીલ સુઝી. એણે સોહનને કહ્યું કે, ડાર્લિન્ગ, તું કહે છે તે બરાબર છે, પણ તને એમ નથી લાગતું કે બાળકનો જન્મ અહીં થાય તે એના ભવિષ્ય માટે વધારે સારું છે? અમેરિકન નાગરીક તરીકે એને માટે અમેરિકામાં ભણવા આવવાનો, કે રહેવું હોય તો તે માટેનો રસ્તો ખુલ્લો અને સહેલો થઈ જાય, એમ નથી લાગતું તને?

બાળકના જન્મ પછી રીતુએ કહેલું, બાબો થોડો મોટો થઈ જાય પછી ક્યાં પાછાં નથી જવાતું આપણાંથી?

એની આવી દલીલોથી હવે સોહન થોડો સ્તબ્ધ થઈ ગયો હતો. પણ એમાં લૉજિક તો હતું જ. યાર, આ રીતુ છે હોંશિયાર. ને ત્યારે રીતુ પણ પોતાની હોશિયારી પર ખુશ થતી હતી. પછીની વાત પછી, એ ચૂપચાપ કહેતી હતી પોતાને.

મિલન મોટો પણ થવા માંડ્યો. સોહન પાછાં જવાની વાત ફરી કાઢે તે પહેલાં એવું બન્યું કે મોટાભાઈનો દીકરો અમેરિકા ભણવા આવવા માંગતો હતો. ઍડમિશન મળી ગયું, અને તે પણ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં. તમારા લોકોનું ઘર પણ ન્યૂયૉર્કમાં છે, એટલે અમને શાંતિ છે, ભઇ, મોટાં ભાભીએ કહ્યા કરેલું. સોહન કહી જ નહતો શક્યો કે એ તો પાછાં આવવાનું વિચારતો હતો.

પછી તો સોહન-રીતુએ ભત્રીજાને સાથે જ રાખ્યો. વરસેક સુધી બધો ખર્ચો પણ એમણે જ આપ્યો. એ આગ્રહ રીતુનો હતો. એ કહે, ના, મોટાભાઈ પાસેથી પૈસા ના લેવાય.

એ પછી થોડા વખતમાં સોહનનાં મોટાં બહેનની દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો. નાનાં ભાઈ-ભાભીએ આવવું જ પડશે, એવો એમનો આગ્રહ હતો. રીતુને તાજેતરમાં બહુ સારું પ્રમોશન મળેલું, અને એ નીકળી શકે તેમ હતી નહીં. એ સાંભળીને મોટાં નણંદ છંછેડાયાં. કહેવા માંડ્યાં, એવી તે કેવી નોકરી છે કે ઘરના પ્રસંગમાં ના અવાય. કે પછી બહાનું છે? અમેરિકા જેવી સાહ્યબી અહીં ના મળે એટલે?

સોહને ફોનમાં કશી દલીલ કરી નહતી. ઑફીસમાંથી રજા તો એને પણ મળે તેમ નહતી, પણ પોતે નહીં જાય તો બહેનને બહુ ખરાબ લાગવાનું. એ ચૂપચાપ કપાતે પગારે રજા લઈને લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયેલો. ભાણીએ મંગાવેલી બધી ચીજો રીતુ લઈ આવેલી. આટલી બધી વસ્તુઓ મંગાવી છે?, જોઈને સોહન બોલી ઊઠેલો.

ઇન્ડિયા જવાને દિવસે રીતુએ એના હાથમાં એક કવર મૂક્યું. શું છે?, પૂછતાં સોહને ખોલ્યું. જોયું તો ડૉલરની થોકડી હતી. પહોળી થઈ ગયેલી એની આંખોમાંના પ્રશ્નનો જવાબ સહજે આપતાં રીતુએ કહેલું, બહેનને હાથોહાથ આપજે. એમને જે રીતે વાપરવા હોય તે રીતે વાપરે.

આટલા બધા ડૉલર જોયા પછી મોટાં બહેનનો ભાવ બદલાઈ ગયેલો. નાના ભાઇની વાઇફ હવે બહુ સારી ને સમજુ લાગવા માંડેલી. ભાણી તો મંગાવ્યા કરતાં પણ વધારે કૉસ્મૅટિક્સ અને પર્ફયુમની શીશીઓ જોઈ મામાને કહેવા લાગી, મામી તો કમાલ છે, હોં. મારા વતી ખાસ થૅન્ક્સ કહેજો એમને.

તું એક ફોન કરને. તું વાત કરીશ તો રીતુ બહુ ખુશ થશે. ઓહ, હમણાં તો ત્યાં રાત ચાલે છે. હા, તો તું એક ઇ-મેલ મોકલી આપ. જો કહું એનું આઇડી. અરે, મામા, મને ટાઇમ ક્યાં છે. તમે તો ખરા છો. જોતા નથી મારે કેટલું કરવાનું છે? તમે પાછા જાઓ ત્યારે કહી દેજોને.

પછી એ બહેનપણીઓ સાથે કૉફી પીવા બહાર જતી રહેલી.

રીતુનું દિલ ઉદાર છે, ને ખરેખર એ સમજુ પણ છે, સોહન વિચારતો હતો. એને રીતુ પર બહુ વ્હાલ ઊભરાયું, અને મિલન બહુ યાદ આવવા માંડ્યો. એ ઘેર જવાના દિવસો ગણવા માંડ્યો. ને ત્યારે એ ચોંક્યો. ઘર? અહીં ઘેર તો હતો. અહીં અમદાવાદમાં.

પછી એક રાતે એણે ઘરનાં બધાંને કહી દીધેલું, કે હવે એ રીતુ અને મિલનને લઈને પાછો અમદાવાદ આવી જવાનો હતો. હું તો ગયો ત્યારનો જ કહેતો હતો કે થોડાં વર્ષોમાં હું પાછો આવી જઈશ, યાદ છેને?

મોટાભાઈ ને ભાભીએ માથું હલાવ્યું. મોટાં બહેન જાણે કશી વિમાસણમાં પડ્યાં. ત્યાં સુધી બેધ્યાનપણે પગના નખ પર રંગ-પૉલિશ કરતી ભાણી આ સાંભળીને જોરથી કહેવા માંડી, અરે, હોતું હશે? હવે તમારાથી અહીં ના અવાય, હોં. અમારે હજી ત્યાં ફરવા આવવાનું બાકી છે.

ઊંચું જોયા વગર એણે બોલ્યા કરેલું, અને મામા, ભૂલતા નહીં. મામીને ચોક્કસ કહેજો કે આવાં જ મોંઘાં કૉસ્મૅટિક્સ અને પર્ફયુમ છ છ મહિને - ના, દર ચાર મહિને મને મોકલાવતાં રહે. તમે યાદ રાખજો. મામીને પણ કહેજો કે મારો ઑર્ડર યાદ રાખે.

સોહન જાણે ઠંડો જ થઈ ગયો. ફટાફટ કોઈ આવું બોલી નાખે, તેવું એ જાણતો નહતો. રીતુ હોય તો ક્યારેય આવું બોલે જ નહીં. વળી, સોહને માન્યું હતું કે પોતે પાછો આવવાનો છે સાંભળીને ઘરનાં બધાં ખુશ થશે. એવું તો કાંઈ લાગ્યું નહીં. જરા ઉદાસ ભાવે એ વિચારવા લાગ્યો, કે ફક્ત લેવામાં રસ હોય, ને થૅન્ક્સ જેવું આપવાનું પણ સૂઝતું ના હોય, તેવા સંબંધ માટેની પોતાની જવાબદારી કેટલી હોવી જોઇએ.

સોહનને કંઇક સમજાતું જતું હતું. રીતુએ ક્યારેય સોહનને ઇન્ડિયા પાછાં નહીં જવાનાં કારણ આપ્યાં નહતાં, કે કોઈ જાતના વાસ્તવિક પ્રશ્નો વિષે દલીલ કરી નહતી. પણ એને બધો ખ્યાલ હશે જ, હવે સોહનને લાગતું હતું. એને નિરાંત થઈ આવી કે પોતે ઉતાવળે પત્ની અને દીકરાને પાછો ખંેચી લાવ્યો નહતો. ખરેખર તો, એને નિરાંત થઈ આવી કે ન્યૂયૉર્કમાં હતું એનું પોતાનું ઘર.

• • •

ભાણીનાં લગ્ન પતાવીને અત્યારે સોહન ન્યૂયૉર્ક પાછો ફરી રહ્યો હતો. વિચાર કરતાં કરતાં એની નજર બહાર સ્થિર થઈ હતી. સીટ પાસેની નાનકડી બારીમાંથી વિમાનની લાંબી વિન્ગ દેખાતી હતી. એણે જોયું કે એના એક છેડે અમેરિકાનો ધ્વજ ચીતરેલો હતો. નાનો મિલન ફરકતા વાવટાને જોઇને કેવી સૅલ્યુટ મારતો તે એને યાદ આવ્યું. એણે દીકરાને મનોમન વહાલ કર્યું.

સ્ટુઅર્ડેસને ડીનર માટેની કાર્ટ લઈને આવતી જોઈને સોહનને અચાનક ખ્યાલ આવ્યો કે એણે ભોજનમાં નૉન-વૅજની થાળી લખાવી હતી. રીતુને બહુ ગમતું નહીં કે એ નૉન-વૅજ ખાય. રીતુની સામે તો એ ક્યારે પણ ના ખાતો, ને તેથી આ એકલી મુસાફરીમાં એ તક લઈ લેવાનું એણે વિચારેલું.

પણ આ બધા વિચારોથી એનું મન જરા ભારે થઈ ગયેલું, અને રીતુ સાવ પાસે હોય તેવું લાગતું હતું. એકદમ એણે પસંદગી બદલી, અને એક વેજિટૅરિયન થાળી ઍક્સ્ટ્રા હોય તો તે માટે સ્ટુઅર્ડેસને વિનંતી કરી. છેલ્લે વધશે તો આપીશું, એમ કહી એ આગળ ચાલી ગઈ.

સોહન રાહ જોતો બેઠો. ફરી એની નજર બારીમાંથી બહાર ગઈ. વિન્ગના ખૂણા પરની ઝબુકતી ઝીણી લાલ બત્તી એ જોઈ રહ્યો. હલકાં સફેદ વાદળો પસાર થાય ત્યારે વિન્ગ અને અમેરિકાનો ધ્વજ ઢંકાઈ જતાં હતાં, પણ ઝબુકતી દેખાતી રહેતી લાલ નંગ જેવી ઝીણી બત્તી જાણે એક હિપ્નોટિક બિન્દુ બનતી ગઈ.

પછી તો પોતે કોઈ વિશાળકાયી વિહંગ પર આરુઢ થયો હતો. પહોળી વિસ્તરેલી બે પાંખોથી સફેદ વાદળોનાં સ્તર કપાતાં જતાં હતાં. હલકો પવન એનાં અંગ-મનને સ્પર્શતો હતો. એણે જોયું તો વિહંગની એક પાંખ પર અમેરિકાનો ધ્વજ ફરકતો હતો. એણે માથું બીજી પાંખ તરફ ફેરવ્યું, તો એના પર ઇન્ડિયાનો ધ્વજ ફરકતો હતો. એ સાથે, હવે એને બરાબર દેખાયું કે એ વિશાળકાયી વિહંગ તો ગરુડજી પોતે હતા, અને પૃથ્વીથી ક્યાંયે ઉપર, અનંત આકાશમાં કોઈ દેવની જેમ સોહન વિહરતો હતો.

એ ખુશ ખુશ થઈ ગયો. એના દિલમાં બેવડા ગૌરવનો ભાવ ઊભરાઈ આવ્યો. પોતે જાણે બે હાથમાં બે ધ્વજ ફરકાવતો સ્વર્ગ તરફ જઈ રહ્યો હતો. મિલન બે હાથમાં રંગરંગીન ફરકડી લઈને કેવો દોડતો હોય છે. મિલન યાદ આવતાં, મિલનની જેમ અમેરિકાના ધ્વજ સામે જોઈને એણે સૅલ્યુટ ભરી.

ઇન્ડિયાના ધ્વજને તો વંદન જ કરવાનાં હોયને. એણે સાદર નમન કરવા બે હાથ જોડ્યા. એમ કરવામાં ગરુડજી પરથી એની પકડ સાવ છૂટી ગઈ. એ નીચે ગબડવા લાગ્યો. આકાશમાંથી નીચે નીચે, છેક પાતાળ સુધી. એ ગભરાયો. કોઈને વહારે ધાવા બોલાવવા મથ્યો. ગળામાંથી શબ્દ નીકળ્યા નહીં. ચારે બાજુ કડાકા થતા લાગ્યા, બ્રહ્માંડ આખું હચમચતું લાગ્યું. નક્કી એ હવે પછડાવાનો. હમણાં પછડાવાનો.

સર, સર, તમારી વૅજિટૅરિયન થાળી, સોહનને જરા હલાવીને સ્ટુઅર્ડેસ કહી રહી હતી.

થાળી એણે છેડા પરની સીટ પાસે મૂકી હતી. સોહન બારી પાસેથી માંડ ખસી શક્યો. થોડી વારે એ સ્વસ્થ થયો ત્યારે એના દિવાસ્વપ્નથી થયેલો ગભરાટ એક પ્રકારની ઉત્તેજનામાં ફેરવાઈ ગયો. ગજબનો અનુભવ થયો હતો. એના માનસમાં એકદમ તાદૃશ હતું એ દૃશ્ય. બે ધ્વજ, વાદળ, આકાશ, વિહંગ- અરે, ગરુડજી.

આ આખા અનુભવની સાર્થતા એને સમજાતી લાગી. અમેરિકા અને ઇન્ડિયાના બે ધ્વજ, બંને ત્રિરંગા. હા, રંગનાં નિરૂપણ જુદાં ખરાં; તોયે એકમાં તારા, ને બીજામાં ચક્ર. વળી, ગરુડ પંખી પણ બંને દેશ સાથે સંકળાયેલું છે. અમેરિકાનું એ સત્તાવાર પ્રતીક, ને ઇન્ડિયાનો તો એ દૈવી સંદર્ભ છે. વાહ, શું સામ્ય.

સોહનને ઊંડે સુધી કશીક અનુભૂતિ થયેલી લાગી. એને રીતુએ કરેલી એક વાત યાદ આવી. રીતુએ એક ચર્ચા કરતાં ભારપૂર્વક કહેલું કે કોઈ વ્યક્તિ અમેરિકાનું ગ્રીન કાર્ડ કે સિટિઝનશીપ લે તો એ પોતાની દેશીયતા ગુમાવી નથી બેસતી. બલ્કે કદાચ અન્યદેશીયતા એ વ્યક્તિમાં ઉમેરાય છે. આ ઉમેરાની, આ સંમિશ્રણની અગત્ય રીતુ સમજી ગયેલી - ઘણી વહેલી.

એ માનતી કે આ જમાનામાં જિંદગી પાસેથી વધારે પામવું શક્ય છે. આ તો તૅકનિકી સાધનોનો કાળ છે. જરાક વારમાં હવે ઘણી માહિતી મળી જાય છે. આંગળીનાં ટેરવાં દ્વારા છેક મન તથા બુદ્ધિ સુધી કેટકેટલી જાતની જાણકારી - ક્નૉલૅજ - પહોંચી શકે છે. રીતુનું કહેવાનું એમ હતું કે જ્યાં પણ વસો ત્યાં વિકસો.

રીતુની આવી વાતો સોહનને અત્યાર સુધી ચાંપલાશ જેવી, કે વધારે પડતા ડહાપણ જેવી લાગતી, તે યાદ આવતાં હવે એ મનોમન શરમાયો. ખરેખર બહુ ડહાપણ હતું એની રીતુમાં. એ ક્યારની યે બેવડું પામી ગઈ હતી જીવનમાં. એ સમજતી હતી કે મૂલ્યોની સાચવણી તો ક્યાંય પણ રહીને કરી શકાય, અને દેખીતી રીતે જ, એના મનમાં એ ખ્યાલ પણ ખરો જ કે અહીં હોઇએ તો દેશમાં કુટુંબને મદદરૂપ થવાય.

બહુ ધીરજ રાખી એણે મારી સાથે. એને લાયક મારે થવું જ પડશે, સોહને ગંભીરપણે વિચાર્યું.

એક બીજો બિયર, સર? સ્ટુઅર્ડેસ વિવેકથી પૂછી રહી હતી.

સોહનને કશા બાહ્ય નશા-તરંગની અત્યારે હવે જરૂર નહતી રહી. એણે થૅન્ક્સ કહીને ના પાડી. એણે બહાર જોયું. પેલી ઝીણી બત્તી ઝબુકતી જતી હતી. વાદળ ખસી ગયેલાં, ને વિમાનની પાંખ પરનો અમેરિકન ધ્વજ સ્પષ્ટ દેખાતો હતો. એણે સૅલ્યુટ ભરી. એની સીટ પરથી નહીં દેખાતી વિમાનની બીજી પાંખ પર જાણે ઇન્ડિયાનો ધ્વજ ચીતરેલો ના હોય એમ એણે, એ તરફ જોઈ, બે હાથ જોડીને નમન કર્યું. આ વખતે એ પડ્યો નહીં. હવે એને સમતોલન મળી ગયેલું હતું.