Many-Splendoured Love/રંગ રંગનો સ્નેહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રંગ રંગનો સ્નેહ

ઘણી વાર બે હાથથી માથું પકડીને નયનાબેન ઘરમાં બેસી રહેતાં. તો ક્યારેક બબડતાં, “આ તો ભયાનક રાક્શસ છે. મને ભરખી જશે ત્યારે એને જંપ વળશે”, ને પછી માઇગ્રેનની પીડા અસહ્ય લાગે ત્યારે બે હાથે માથું કૂટતાં. સુકુભઇ તરત ઊઠીને એમને રોકતા, માથું પોતાના ખભા પર ટેકવતા, ને કહેતા, “બસ કર, નયનુ. આ મારાથી નથી જોવાતું. થોડું તો સહન કરી લે.”

કોઈ દિવસે વળી સારું હોય ત્યારે નયનાબેન પૂજા-પ્રાર્થના પછી ફરિયાદના સૂરમાં કહેતાં, “સાધારણ જેવા અમારા જીવનને આમ રફેદફે કરી દીધું, લાલજીબાવા. જીવમાં જરાયે શાંતિ રહેવા ના દીધી.” આંખોમાં છલકાઇ આવેલાં આંસુને સાલ્લાના છેડાથી લુછીને એ રસોડા તરફ જતાં.

એમની દીકરી રુચિરા હજી અમેરિકન કૉલૅજમાં ભણતી હતી. પહેલાં બે વર્ષ તો ઘેર રહી, પણ હવે બે બહેનપણીઓ સાથે ભાડાના ફ્લૅટમાં રહેવા માંડી હતી. એમાંની એક સ્પૅનિશ હતી, ને બીજી આફ્રીકન-અમેરિકન હતી. એમને મળ્યા પછી નયનાબેન નિરાશ થયાં હતાં. એમણે રુચિરાને કહ્યું હતું, “કોઈ ઇન્ડિયન છોકરીઓ ના મળી સાથે રહેવા માટે? આ કાળિયણો જ મળી તને?”

રુચિરા તરત ચિડાઇને બોલી હતી, “આવા શબ્દો તારા મોઢામાંથી નીકળે છે કઈ રીતે? એમને માટે બ્રાઉન ને બ્લૅક શબ્દ વાપરવાના હોય છે, તને ખબર તો છે. ને નયનુ, આપણે વળી કયાં દેવનાં દીધેલાં છીએ તે? અહીંના ગોરા લોકો માટે તો આપણે પણ કાળાં જ છીએ. એ ક્યારેય વિચાર્યું તેં?”

એ હજી ભણતી હતી, ને કોઈ ખાસ છોકરા સાથે એને ઓળખાણ થયેલી લાગતી નહતી, તેથી નયનાબેન બહુ ગભરાટમાં નહતાં. પણ એમના રાજા માટે સરસ છોકરી શોધવાનું એમણે ક્યારનું ચાલુ કરી દીધેલું. એ અને સુકુભઇ ગુજરાતી સમાજના કોઈ પણ પ્રોગ્રામમાં જાય એટલે નયનાબેનની નજર યુવાન છોકરીઓ અને સારાં દેખાતાં મા-બાપ ઉપર ફરવા માંડે. કોઈ વાર પરાણે રાજાને સાથે ખેંચી જાય, ત્યારે એ બીજાં છોકરા-છોકરીઓ સાથે વાતો કરે, પણ કોઈ છોકરી એને પસંદ પડતી લાગે જ નહીં.

સુકુભઇ કહે, “તું ઉતાવળ ના કર. છોકરો હોશિયાર છે, વખત આવ્યે પોતાને લાયક એ શોધી લેશે.” નયનાબેન વિચારે, “હા, વાત સાચી છે. જેને પરણવાનું છે એને ગમવી જોઇએ. આપણે તો સાથ આપવાનો.” છેવટે એક વાર રાજારામે આવીને કહ્યું કે એને એક છોકરી ગમી છે, ને એની સાથે એ પરણવા માગે છે. નયનાબેને એક શ્વાસે એને કેટલાયે પ્રશ્નો પૂછ્યા -કોણ છે, ક્યાંની છે, દેખાવમાં કેવી છે, ક્યાં નોકરી કરે છે, નામ શું છે, એનાં મા-બાપને ક્યારે મળવાનું છે?

નયનુ, તું શ્વાસ તો લે. જો, એનાં મા-બાપ અહીં નથી રહેતાં. ને એનું નામ સોફિયા છે.

નામ સાંભળીને જ નયનાબેન ચમક્યાં. તોયે પૂછ્યું, સોફિયા? આવું નામ હવે ઇન્ડિયનોમાં હોય છે?

હોય કે નહીં તે ખબર નથી, મમ્મી, પણ સોફિયા ઇન્ડિયન નથી.

પણ પછી રાજારામે જ્યારે કહ્યું કે એ સેનેગાલની છે, ત્યારે નયનાબેનનો વિવેક છૂટી ગયો. “આફ્રીકન? એટલેકે કાળી ભૂત? એટલેકે મારાં ગ્રાન્ડ-ચિલ્ડ્રન પહોળાં નાકવાળાં, જાડા હોઠવાળાં, ગુંચળાં ગુંચળાં વાળવાળાં થવાનાં. હું કોઈ દિવસ એવાં છોકરાંને વહાલ નહીં કરી શકું, કે મારાં ગણી નહીં શકું.”

હજી એક વાર રાજારામે સમજાવી જોયાં એમને. “નયનુ, તું સોફિયાને એક વાર મળી તો જો. તને એ જરૂર ગમશે. બરાબર આપણાં જેવી જ છે.”

“અરે શું આપણાં જેવી? આપણાં જેવી એ હોઈ જ કઈ રીતે શકે? કોણ જાણે કેવું લોહી હોય એનાં બાપદાદાનું.” સાવ સ્તબ્ધ થઈ ગયેલા રાજાને પટાવતાં હોય તેમ નયનાબેન કહેવા માંડ્યાં, “તું તો મારો રામ જેવો દીકરો છું. તું જોજેને, હું તારે માટે સીતા જેવી સરસ, ગોરી ગોરી છોકરી શોધી લાવીશ. એ દરમ્યાન તારે પેલીની સાથે હરવું-ફરવું હોય તો ફર ને. અહીં તો એમ જ ચાલતું હોય છેને.”

“ના, નયનુ, હું એવું કરી નહીં શકું. હું સોફિયાને પ્રેમ કરું છું, ને મારે લાયક એ એક જ છોકરી છે. હું એને જ પરણવાનો છું, અને ----”

“તને ખબર છે અમેરિકામાં મેં અને તારા પપ્પાએ તને મોટો કરવા, ભણાવવા કેટલી મહેનત કરી છે? અમે જાતે કોઈ શોખ ના કર્યા, કશા ખર્ચા ના કર્યા, તને ને તારી બહેનને જે જોઇએ તે આપવા માટે અમે કરકસર કરતાં રહ્યાં. તારે માટે અમે કેટલી આશા રાખી એનો ખ્યાલ આવે છે? કે અમે ઘરડાં થઈશું ત્યારે તું અને તારી સરસ વહુ અમારી કાળજી રાખશો. હવે એ સમય આવ્યો ત્યારે તું ---”

જરા શ્વાસ લેવા રોકાઈને, ધ્રુસકું રોકીને નયનાબેન બોલ્યાં, “જો તું મારી -એટલેકે અમારી -ઇચ્છાની વિરુદ્ધ જઈને લગન કરીશ, તો તને કહી દઉં છું, હું તારું મોઢું નહીં જોઉં. તું મને મરી ગયેલી માનજે.”

“નયનુ, આ શું બોલે છે?”, સુકુભઇ જરા ઊંચે અવાજે બોલ્યા. નયનાબેન ચૂપ થયાં, પણ બીજા રૂમમાં જઈને બારણું બંધ કરી દીધું. રાજા ઘરની બહાર નીકળી ગયો. સુકુભઇનું કશું જ ચાલ્યું નહીં.

સોફિયા સાથે કૉર્ટમાં જઈ સાવ સાદાઇથી લગ્ન કરી લીધા પછી, ફોનથી જણાવીને, મા-બાપને પગે લાગવા રાજારામ સજોડે આવ્યો હતો. ઘરને બારણે તાળું હતું. કાળી વહુને આવકારવાને બદલે માતાએ ઘર બંધ કરીને બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. પિતા પરવશ હતા.

• • •

સુકુભઇ રિટાયર થયા તે પછી એ લોકોએ ઘર કાઢી નાખ્યું. મોટા ઘરની હવે ક્યાં જરૂર રહી છે?, કરીને એમણે એક કૉમ્પ્લેક્સમાં ફ્લૅટ લઈ લીધો. નયનાબેનના મનમાં અન્યાય જેવો ભાવ લાંબો રહ્યો હોત જો ચાર-પાંચ દિવસમાં જ એમની ઓળખાણ રત્ના સાથે ના થઈ હોત.

એ દિવસે ડોરબેલ વાગ્યો, ને એમણે બારણું ખોલ્યું તો એક યુવતી હાથમાં ફૂલોનો ગુચ્છ લઈને હસતી હસતી ઊભી હતી. સાથે ચારેક વર્ષનો લાગતો બાબો હતો. નયનાબેનને જોઈ તરત એણે કહ્યું, “આ રહેવાસમાં તમારું સ્વાગત છે”. બાબાને આન્ટીને ફૂલો આપવા કહ્યું, ને આગળ બોલી, “હું રત્ના છું, ને આનું નામ ક્રિશ છે”.

કદાચ પહેલી જ વાર નયનાબેનની જીભ ચાલી નહીં. આ છોકરી સાવ કાળી છે. ના, કાળી-કથ્થાઇ લાગે છે એનો રંગ. પણ કેટલી સરસ લાગે છે. મનોમન જ કહેવા ગયાં હશે, પણ એ બોલી બેઠાં, “રત્ના? આ નામ તો---આ તો ઇન્ડિયન નામ છે.”

હા, તે હું ઇન્ડિયન જ છું ને. કેમ, લાગતી નથી?

નયનાબેન વિચારે કે આ કાળી છે, પણ જાણે એવી દેખાતી નથી. તે કેમ? એની ચામડીનો રંગ જાણે વચમાં આવતો જ નથી. તે કેમ? એનું મોઢું આવું હસતું છે તેથી હશે? એની આંખોમાં લાગણીના ભાવ છે તેથી હશે? ને આ બાબો પણ કાળો છે. ના, ના, શ્યામ કહેવાય. એ પણ મીઠું મીઠું હસતો ઊભો હતો. નયનાબેને એને ઝટ તેડી લીધો.

આ પછી રત્ના અને ક્રિશ ક્યારે સુકુભઇને ‘દાદા’ અને નયનાબેનનું ‘નયનુ’ સંબોધન સાંભળીને ભૂલમાં “નાનુ” કહેતાં થઈ ગયાં એનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. કોઈ વાર રત્ના ના દેખાય, કે ક્રિશને વહાલ ના કરે તો નયનાબેનને ચેન ના પડે. રત્નાના વરને ગુજરાતી ખવડાવવાનો એમને બહુ શોખ થતો. ત્યારે દીકરાની યાદ આવતી હશે કે નહીં તે સુકુભઇ પણ કહી શકતા નહીં.

એક દિવસે રત્નાએ કહ્યું કે ક્રિશના પપ્પાની ઇચ્છા હવે એને બાળ-કેન્દ્રમાં મૂકવાની છે. હજી છે નાનો, પણ બીજાં છોકરાં સાથે રહે-રમે તો કંઇક શીખતો થાયને. વળી, રત્ના એની સાથે કેન્દ્રમાં જશે, અને ત્યાં થોડા કલાક મદદરૂપ થશે, એમ વિચાર્યું હતું. નયનાબેને બતાવી તો ખુશી, પણ મનમાં એ ગભરાઈ ગયાં. જાણે પોતે એકલાં પડી જવાનાં ના હોય. ફરી માઇગ્રેન નામના રાક્શસનો પણ ડર લાગવા માંડ્યો.

કેન્દ્રમાં જવાનું શરૂ કર્યાના બીજા-ત્રીજા દિવસે રત્નાએ નયનાબેનને કહ્યું કે “કેન્દ્રમાં તો મદદની ઘણી જરૂર છે, નાનુ. તમે પણ આવોને અમારી સાથે.” પહેલે દિવસે એ સંકોચ અનુભવતાં ગયાં, પણ ત્યાં વાતાવરણ સહજ હતું, બાળકો રમતિયાળ હતાં, અને લંચ વખતે એમની ઝડપ બહુ કામમાં આવવા માંડી. રત્નાએ એમને કહેલું તેમ બાળકો ઓછી આવકવાળાં કુટુંબોનાં હતાં -લગભગ બધાં સ્પૅનિશ અને આફ્રીકન-અમેરિકન હતાં. બ્રાઉન, બ્લૅક, વ્હાઇટ -પણ નયના સુકુમાર શોધનને કદાચ પહેલી જ વાર કશો ફેર પડ્યો નહીં. નાનકડાં, સરખે સરખાં બાળકો એમને વહાલાં લાગ્યાં, અને બધાં ત્યાં પણ એમને ‘નાનુ’ જ કહેવા માંડ્યાં.

ત્યાં ક્રિશનો ખાસ ભાઇબંધ હતો ત્રણેક વર્ષનો રાગુ. દેખાવે જરા ઘેરો ઘઉંવર્ણો, હસમુખો, કાલુ કાલુ બોલે, દરરોજ નાનુને વળગી આવે. નયનાબેનને થાય, જાણે મારા લાલજીબાવા. રાગુને એમણે ઘણી વાર બોલતો સાંભળ્યો હતો -જાણે ગાતો હોય તેમઃ “મારા પાપા કિન્ગ છે. મારી મામ ક્વીન છે.” કેન્દ્રમાંનાં બીજાંની જેમ નયનાબેન પણ વિચારતાં કે એ શું કહેતો હશે? પણ કોઈનાં મા-બાપને મળવાનું એમને થતું નહીં, કારણકે લંચ પછી છોકરાં સૂવા જાય ત્યારે એ ઘેર જતાં રહેતાં.

એક બપોરે એક સુંદર યુવતીને કેન્દ્રમાં આવતી એ જોઈ રહ્યાં. ઊંચી, પાતળી, ખભા સુધીના સીધા વાળ, લાંબી આંખો, તીણું નાક, ને સુરેખ લંબગોળ મોઢા પર સૌજન્ય દેખાય. એની ત્વચાનો રંગ કાળો કહી શકાય, તેવંુ એમને સૂઝ્યું પણ નહીં. “લગભગ મારાથી જરાક વધારે ઘઉંવર્ણી છે”, એમણે વિચાર્યું. એટલાંમાં રાગુ નાચતો ને ગાતો આવ્યોઃ “મારા પાપા કિન્ગ છે. મારી મામ ક્વીન છે”, અને એ યુવતીએ એને ઊચકી લીધો. ઓહ, તો આ રાગુની મામ છે. મા-દીકરો બંને સરખાં જ દેખાવડાં ને ગમી જાય તેવાં છે, નયનાબેનને થયું. રત્ના તો એને ઓળખતી હતી, તેથી એ વાત કરવા આવી. રાગુને આજે વહેલો લઈ જવાનો છે, તેથી એની મામ એને લેવા આવી છે, એણે નયનાબેનને કહ્યું. યુવતી નયનાબેન સામે ‘કેમ છો?’નું હસી, ને નયનાબેનથી પુછાઇ ગયું, “આ રાગુ શું ગાતો ફરે છે?”

ઓહ, સૉરી, બહુ હેરાન કરે છે અહીં બધાંને?

ના. ના, જરાયે નહીં. આ તો ‘પાપા કિન્ગ છે’ તે અમે સમજતાં નથી એટલે ---

યુવતીનું સ્મિત એના મુખને શોભાવતું હતું. એણે કહ્યું, એ તો એના પાપાનું નામ રાજા છે, ને રાગુને એક વાર કહ્યું હશે કે ‘રાજા એટલે કિન્ગ’ એટલે એને યાદ રહી ગયું લાગે છે.

“રાજા?”, નયનાબેનના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો.

હા, આન્ટી, એના પાપાનું આખું નામ તો રાજારામ છે, પણ અહીં તો જાણો છોને. નામો કેવાં ટુંકાવી દેવાય છે. બાબાનું નામ રાઘવ છે. કેવું સરસ નામ છે. એના પાપાએ ખાસ મમ્મીને યાદ કરીને પાડ્યું, પણ થઈ ગયું છે રાગુ. ને મને બધાં સોફી કહે છે, પણ મારું નામ સોફિયા છે.

રત્ના પણ કહેવા માંડેલી, “હા, જુઓને, અમે બાબાનું નામ ક્રિષ્ણ પરથી ‘ક્રિશન’ પાડેલું. તે ‘ક્રિશ’ થઈને રહ્યું છે.”

નયનાબેનનું આખું અસ્તિત્વ ધ્રૂજવા માંડેલું. રત્ના ને સોફિયા વાતો કરતાં હતાં, ને એ માંડ માંડ ત્યાંથી સરકી ગયાં. ક્યારે નીકળીને ઘેર જતાં રહ્યાં તેની ખબર રત્નાને પણ પડી નહીં. એ પછી એમણે કેન્દ્રમાં જવાનું બંધ કરી દીધું. રત્નાએ બહુ કહ્યું, “નાનુ, ચલોને. બાળકો યાદ કરે છે, રાગુ તો નાનુ-નાનુ કરીને રડે છે ક્યારેક.” પણ નયનાબેન “બસ, હવે થાક લાગે છે”, એ જ કારણ આપતાં રહ્યાં. એમનું માઇગ્રેન પણ પાછું આવવા માંડ્યું, પણ હવે એ ના તો માથું કૂટતાં, ના તો લાલજીબાવા પાસે કશી ફરિયાદ કરતાં. ચૂપચાપ બેસી કે પડી રહેતાં. સુકુભઇને ચિંતા થવા માંડી. રુચિરાને બોલાવવી જોઇએ એમ એમને લાગવા માંડ્યું.

પણ રુચિરાને ચિંતા કરાવતાં પહેલાં, છેવટે એમણે રત્નાને પૂછ્યું કે કેન્દ્ર પર કાંઈ થયું હતું? એમની પૂછપરછ અને રત્નાની યાદદાસ્ત પરથી એ છેલ્લી બપોર વિષે વાત થઈ. રાજારામ, રાઘવ, સોફિયા જેવાં નામો સાંભળીને સુકુભઇ સમજી ગયા, કે હકીકત શું હતી. પણ હવે નયનાબેનની તબિયતની ચિંતાને બદલે એમનું મન આનંદ અને આશાથી ભરાઈ ગયું. રત્ના પણ આખી વાત સાંભળ્યા પછી નિશ્ચિંત થઈ ગઈ.

• • •

એક સાંજે નયનાબેન ચ્હા પી રહ્યાં હતાં ત્યારે બારણા પર ધબ ધબ અવાજ થયો. કોણ આવું કરે છે, કહેતાં ભવાં ચઢાવીને એમણે બારણું ખોલ્યું. ચાર નાના હાથ એમને વળગી પડ્યા. “નાનુ, નાનુ”નો ઘોંઘાટ થઈ ગયો. એક તરફથી ક્રિશ અને બીજી તરફથી રાગુ એમને ખેંચતા અને વળગતા રહ્યા. સુકુભઇએ તો બિસ્કીટનો મોટો ડબ્બો કાઢ્યો. આ જ સાંજ માટે છાનામાના એ લઈ આવેલા. રત્નાએ ફ્રિજ ખોલીને દૂધ બહાર કાઢ્યું. નયનાબેનને બંને છોકરા છોડે શાના? એમને પણ દૂધ અને બિસ્કીટ ખાવાં પડ્યાં.

કલાકેક પછી બારણા પર સહેજ ટકોરા થયા. રાહ જ જોઈ રહેલા સુકુભઇએ જલદી બારણું ખોલ્યું. સામે વહાલો દીકરો ને સુશીલ વહુ ઊભાં હતાં. કેટલાં વર્ષે બાપ-દીકરો સામસામે આવ્યા હતા. બંને ભેટ્યા ત્યારે બંનેની આંખોમાં આંસુ હતાં. સોફિયાએ નીચા વળીને પ્રણામ કર્યા, ત્યારે સુકુભઇએ એને પણ વહાલી કરી. હજી કશા શબ્દો બોલાયા નહતા. કદાચ અત્યારે એવી જરૂર પણ નહતી. રત્નાએ પણ બંનેને ચૂપ રહેવાનો ઇશારો કરતાં આવકાર્યાં.

અંદરથી નયનાબેનના ગાવાનો અવાજ આવતો હતો. રત્નાએ ધીરેથી રૂમનું બારણું ખોલ્યું. રાજારામે જોયું તો નયનુ ખાટલાની વચમાં બેઠી હતી. બંને બાજુ નાના દીકરા સૂતા હતા -એક તરફ ક્રિશ, બીજી તરફ રાઘવ. નયનુ બંનેના માથા પર હળવેથી હાથ ફેરવતી હતી. એની ભીની આંખો બંધ હતી, ને એ ભાવપૂર્વક ગાઈ રહી હતીઃ રઘુપતિ રાઘવ રાજારામ, પતીતપાવન સીતારામ -----