Mindset

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Mindset cover.jpg


Mindset

The New Psychology of Success Paperback
Carol S. Dweck

માઈન્ડસેટ: સફળતાનું નવું મનોવિજ્ઞાન


કેરોલ ડ્વેક


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી

તમારા જીવનનાં અમુક પાસાંઓને બદલવા માટે તમને વ્યવહારુ અને આસાન રસ્તો બતાવવામાં આવે તો તમને કેવું લાગે?

‘માઈન્ડસેટ’ પુસ્તક આ કામ કરે છે. તે મનોવૈજ્ઞાનિક સંશોધન અને કિસ્સાઓની વાતો કરીને લઈને સ્થાયી (fixed) માનસિકતા અને પ્રવાહી (growth) માનસિકતા વચ્ચેનો ફરક સમજાવે છે. સ્થાયી માનસિકતા એટલે એવી માન્યતા કે બુદ્ધિ, પ્રતિભા અને અન્ય ગુણો પ્રકૃતિદત્ત હોય છે અને એમાં કોઈ ફેરફાર ના થઈ શકે. કોઈ વ્યક્તિને કશુંક ના આવડતું હોય તે શીખવાનો રસ્તો નથી. પ્રવાહી માનસિકતા કહે છે કે બુદ્ધિ અને પ્રતિભા પ્રયત્નપૂર્વક કેળવી શકાય છે. રમતગમત, બિઝનેસ, સંબંધો અને શિક્ષણ જેવા સંદર્ભોનો આધાર લઈને કેરોલ આ પુસ્તકમાં સ્પષ્ટ કરે છે કે શા માટે જીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રવાહી માનસિકતા જરૂરી છે.

કેરોલ ડ્વેક, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનનાં પ્રોફેસર છે, અને મોટિવેશન તેમજ માનસિકતા પર રિસર્ચ કરે છે. તેમનો મૂળ સૂર એ છે કે જીવનની ગુણવત્તા વિચારોની ગુણવત્તા પર નિર્ભર હોય છે. આ પુસ્તકમાં તે તાર્કિક દલીલોથી સાબિત કરે છે કે આપણે જે રીતે વિચારો કરીએ છીએ તેમાં બદલાવ લાવીને આપણે આપણું જીવન બદલી શકીએ છીએ. પ્રવાહી માનસિકતા કેળવવા માટે શું કરી શકાય તેના વિભિન્ન સંદર્ભો આપીને, કેરોલ એ પણ શીખવાડે છે કે આપણે આપણા કામને નોંધપાત્ર રીતે વધુ સારું કેવી રીતે કરી શકીએ.

વધુમાં, તે આવો અભિગમ બાળકોમાં કેવી રીતે કેળવી શકાય તેની પણ સમજણ આપે છે.

ડો. કેરોલે, વર્ષોના તેમના મનોવૈજ્ઞાનિક સંશોધન પછી, માનસિકતાના વિકાસ પર તેમનું ધ્યાન એકત્ર કર્યું છે. તેમની યુવાનીમાં તે જયારે સંશોધન કરતાં હતાં ત્યારે, તેમણે બે બાળકોને એક જટિલ પઝલ ઉકેલવા માટે મથામણ કરતાં જોયાં હતાં. તેમાં એક 10 વર્ષના બાળકે કહ્યું, “મને પડકાર ગમે છે!” જયારે બીજાએ કહ્યું, “મને એમ હતું કે આમાંથી કશું શીખવા મળશે!” કેરોલને આ બે ભિન્ન પ્રતિક્રિયાઓમાં રસ પડ્યો. અમુક માણસો કેમ નિષ્ફળતાને પડકાર તરીકે અને એક મૂલ્યવાન અવસર તરીકે ગણે છે, જયારે અમુક લોકો તેમની અણઆવડત તરીકે જુએ છે? આ પ્રશ્નમાંથી કેરોલનું સંશોધન આવ્યું હતું.

સ્થાયી માનસિકતા શું અને પ્રવાહી માનસિકતા શું એ આપણે અહીં સમજવાનો પ્રયાસ કરીએ. ડો. કેરોલ આ તફાવત મારફતે, પ્રવાહી માનસિકતા કેમ ઉપયોગી છે તેની પર ભાર મૂકે છે. તે આપણને અને આપણા બાળકો માટે વિચારોમાં કેવી રીતે બદલાવ લાવી શકાય તેનાં વ્યવહારિક સૂચનો કરે છે.

પ્રવાહી (Growth) માનસિકતા વિરુદ્ધ સ્થાયી (Fixed) માનસિકતા

પેલાં બે બાળકોની પઝલ ઉકેલવાની મથામણમાંથી, કેરોલને પ્રવાહી માનસિકતાનો વિચાર આવ્યો હતો. તેમની દૃઢ માન્યતા છે કે આપણે જો અનુભવોમાંથી શીખીએ અને આત્મસાત કરીએ તો, આપણી કુદરતી માનસિક ક્ષમતાઓ અને વ્યક્તિગત આવડતો બદલાઈ શકે છે અને વિકસી શકે છે. નિષ્ફળતા ડરામણી ચીજ નથી અને ભૂલો શીખવાની તકો પૂરી પાડે છે તેવી માનસિકતા ગમે તેવા પડકારોને રસપ્રદ બનાવે છે.

સ્થાયી માનસિકતાવાળી વ્યક્તિ એવું માનતી હોય છે કે આપણી ક્ષમતા, બુદ્ધિ અને વ્યક્તિત્વની ખાસિયતો અપરિવર્તનીય હોય છે. એનો અર્થ એ થયો કે એવી વ્યક્તિ જયારે નિષ્ફળ જાય ત્યારે, તે તેને કમજોરી ગણે છે અને કોઈપણ ભોગે નિષ્ફળતાથી બચવા માટે ફાંફા મારે છે.

નીચેના ક્યા પ્રશ્નો તમને ઉચિત લાગે છે?

તમને એવું લાગે છે કે તમારી બુદ્ધિ એટલી નક્કર છે કે એમાં ઝાઝો ફેરફાર કરવો તમારા માટે શક્ય નથી? તમે અમુક પ્રકારમાં માણસ છો જેમાં કશો બદલાવ થાય તેમ નથી? શું તમને એવું લાગે છે કે તમારામાં ગમે તેટલી બુદ્ધિ હોય, તેમાં હંમેશાં ઉમેરો થઈ શકે છે? તમને એવું લાગે છે કે તમે તમારા વ્યક્તિત્વનાં પાસાંઓ બદલી શકો છો?

માનસિકતાને હંમેશાં સંદર્ભોથી મૂલવવી જોઈએ. ઉપર, પહેલા બે પ્રશ્નો સ્થાયી માનસિકતાને લગતા છે. કેરોલ આપણને સચેત કરે છે કે અમુક પરિસ્થિતિઓઓમાં આપણામાંથી દરેકને સ્થાયી માનસિકતાનો અનુભવ થાય છે. દાખલા તરીકે, અમુક સમયે આપણે આપણી નિષ્ફળતાઓ અને ભૂલોથી એટલા પીડાઈએ છીએ કે આપણી અક્ષમતાઓને છુપાવી દઈએ છીએ. આપણી જાતને પૂરવાર કરવી અને આદર્શ સાબિત કરવી એક સહજ પ્રતિક્રિયા છે, પણ તે આપણને આગળ વધતા અટકાવી પણ શકે છે.

કેરોલ એકરાર કરે છે કે અગાઉ તે સ્થાયી માનસિકતામાં માનતી હતી, સ્કૂલનાં વર્ષોમાં તેને જે અનુભવો થયા હતા, તેમાં આ માન્યતા દૃઢ બની હતી. સમય જતાં તેને પ્રવાહી માનસિકતા સમજમાં આવી અને પછી તે એકસાથે એવું વિચારતી થઈ કે “આ તો બહુ અઘરું છે! પણ મજા પડે તેવું ય છે!”

પ્રવાહી માનસિકતાનો અર્થ એ કે આપણે માનીએ છીએ કે આપણી બુદ્ધિનો વિકાસ કરી શકીએ અને ખુદને એ રીતે તાણવાનો આનંદ લઈએ છીએ. સફળતાનો અર્થ આપણે શું શીખ્યા છીએ અને આપણે શું અવરોધો પાર કરવાના આવશે તેની સમજ છે. વધુમાં, આપણે જયારે પરિણામની ચિંતા કર્યા વગર શીખવાની પ્રક્રિયાને મહત્વ આપીએ છીએ ત્યારે, તે એક સકારાત્મક શરૂઆત ગણાય છે. એ નોંધવું જરૂરી છે કે જે લોકો શરૂઆતથી જ હોંશિયાર હતા તે અંતે વધુ હોંશિયાર સાબિત થાય છે. સ્થાયી માનસિકતાવાળા જે લોકો એવું માનતા હોય છે કે તેમણે તેમના નામ અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે, તેમની દૃઢતા નબળી પડે છે. એટલા માટે, અમુક લોકો, નિષ્ફળ જવાનું જોખમ ઉઠાવવાને બદલે અધવચ્ચે છોડી દેવાનું મુનાસીબ માને છે.

સતત પુષ્ટિ મળતી રહે તેવી અપેક્ષા રાખવામાં સમસ્યા છે. એનું કારણ એ છે કે પાયાની અમુક બાબતો વણઉકેલેલી છે. એવું નથી કે પ્રવાહી માનસિકતા અપ્રિય અહેસાસો અને અનુભવોને દૂર કરે છે, પણ તે નિષ્ફળતાઓને અવરોધ તરીકે નહીં પણ ઉકેલ માંગતી સમસ્યાઓ તરીકે જોવાનું શીખવાડે છે.

જે સમાજમાં મહેનત વગરની સિદ્ધિઓનાં ગુણગાન ગવાતાં હોય અને કુદરતી પ્રતિભા અને ક્ષમતાની આરતી ઉતારવામાં આવતી હોય, ત્યાં પ્રવાહી માનસિકતાની વાતો કરવી અઘરી હોય છે. તેનું કારણ એ છે કે સ્થાયી માનસિકતા આપણા જીવનના ઘણા હિસ્સાઓમાં પ્રવર્તમાન છે અને તેની શરૂઆત બાળપણમાંથી જ થઈ ગઈ હોય છે. આ પુસ્તક માટે લેખકે શિક્ષણ અને બાળ ઉછેરના કરેલા અભ્યાસમાં એ જાણવા મળ્યું હતું કે બાળપણમાં ઘડાયેલી માનસિકતાઓ વયસ્ક વયમાં પણ યથાવત રહે છે, પછી ચાહે તે બિઝનેસની દુનિયા હોય, સ્પોર્ટ્સ હોય કે સંબંધોની વાત હોય.

વિભિન્ન પરિસ્થિતિઓમાં માનસિકતા

અલગ અલગ પરિસ્થિતિઓમાં માનસિકતાનો પ્રભાવ કેવો હોય છે તે સમજવા માટે આપણે કેટલાક સ્પોર્ટ્સમેનની વાત કરીએ. મોહમ્મદ અલી, માઈકલ જોર્ડન અને ટાઈગર વૂડ્સ જેવા રમતવીરોમાં પ્રવાહી માનસિકતા છે, જે તેમને સફળતા તરફ સતત ધક્કો મારે છે. તેમનામાં શરૂઆતમાં જે પ્રતિભા હતી તેના કરતાં વધુ મહેનત તેમણે કરી હતી. પ્રવાહી માનસિકતાના કારણે જ ચેમ્પિયન લોકો જરૂર હોય તેના કરતાં વધુ પ્રયાસો કરતા હોય છે.

અમુક કોચ વ્યક્તિની લાક્ષણિકતાઓ અને કામ કરવાની રીતનું મહત્વ સમજી જાય છે અને માત્ર તેની પ્રતિભા કે શારીરિક તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પ્રવાહી માનસિકતા પાછળ મહેનત કરે છે. એક સ્પોર્ટ્સ કોચનું કામ સ્પર્ધા જીતવાનું હોય છે, પરંતુ એક સારો કોચ સ્પોર્ટ્સમેનની પૂરી માનસિકતાને સમજે છે અને તેને માત્ર સ્પર્ધા માટે જ નહીં, જીવન માટે ઉત્સાહિત કરે છે. એવા કોચ તેનામાં ચારિત્ર્યનું ઘડતર કરે છે અને તે માનસિકતામાંથી આવે છે.

માત્ર સ્પોર્ટ્સમાં જ નહીં, બિઝનેસની દુનિયામાં પણ કુદરતી પ્રતિભા કરતાં પરિશ્રમ ચઢે છે. એવી ઘણી નાની અને મોટી કંપનીઓનાં ઉદાહરણો છે, જે સ્થાયી માનસિકતામાં અટવાયેલી છે. એનરોન તેનું ઉમદા (કે ખરાબ) ઉદાહરણ છે. એનર્જી ક્ષેત્રમાં તે એક જમાનામાં સૌથી ખમતીધર હતી, પણ જન્મજાત પ્રતિભામાં વિશ્વાસના કારણે અને પોતે બહુ મહાન છે તેવી માનસિકતામાં જ તેનું પતન થયું હતું. એનરોન પ્રતિભામાં માનતું હતું અને છેક નીચે સુધીના સ્ટાફમાં આ વાત ગઈ હતી અને તેમને લાગ્યું કે તેમણે સૌએ અસાધારણ રીતે પ્રતિભાવાન દેખાવાનું છે. એવી સ્થાયી માનસિકતાના કારણે તેઓ તેમની ખામીઓને સ્વીકારવાથી બચતા હતા અને પોતાનામાં સુધાર કરવાને બદલે તેને છુપાવતા થયા.

બીજું એક ઉદારહણ, ક્રાઈશલર મોટર્સના સીઈઓ લી લાકોકાનું છે. તેમના માટે કહેવાય છે કે તે તેમને ‘સીઈઓની બીમારી’ હતી. આ કથિત બીમારીમાં, બિઝનેસના માંધાતાઓ તેજીથી સફળ થવા માટે તેમની તાકાતનો ઉપયોગ કરે છે અને કમજોરીઓનો ના સ્વીકાર કરે છે કે તેને સુધારે છે. ઉપરથી, તેઓ ટીકા સહન કરી શકતા નથી. આવી જડતાથી તેમના સહકર્મચારીઓ તેમને સાચું કહેવાનું ટાળે છે અથવા તેઓ કંપનીમાં તેમની ભૂમિકામાં પ્રવાહી માનસિકતા અપનાવતા નથી.

બીજી તરફ, જે કંપનીઓ લાંબા ગાળા સુધી પ્રગતિ કરે છે, તેમાં વિનમ્ર લીડરો હોય છે, જે ઘણા સવાલો પૂછે છે, અઘરા જવાબોને સ્વીકારે છે અને દરેક સ્તરે સ્ટાફ સાથે મળીને વ્યૂહરચનાઓ ઘડે છે જેથી સહિયારા પ્રયાસોથી આગળ વધી શકાય. સ્થાયી માનસિકતાવાળા એક લીડરનું ધ્યાન “હું” પર હોય છે, જયારે પ્રવાહી માનસિકતાવાળા લીડરનું ધ્યાન “અમે” અને “આપણે” પર હોય છે.

ફોર્ચ્યુન 500 અને ફોર્ચ્યુન 1000 કંપનીઓ પરના એક અભ્યાસમાં, અભ્યાસકર્તાઓને જાણવા મળ્યું હતું કે કર્મચારીઓને જયારે લાગે કે તેમની કંપનીમાં પ્રવાહી માનસિકતાનો માહોલ છે, ત્યારે તેઓ પોતાને વધુ સશક્ત અને બિઝનેસ પ્રત્યે વધુ નિષ્ઠાવાન અનુભવતા હતા. મજાની વાત એ છે કે, સ્થાયી માનસિકતાવાળી કંપનીઓની સરખામણીમાં આ કંપનીઓના સુપરવાઈઝરોને તેમના સ્ટાફમાં વધુ સંભાવના નજર આવતી હતી. હકીકત એ છે કે, ‘પ્રતિભાશાળીઓની સંસ્કૃતિ’થી વિપરીત, ‘પ્રગતિની સંસ્કૃતિ’ ખીલવવા માટે દરેક મેનેજેરોમાં પ્રવાહી માનસિકતા કેળવી શકાય છે.

કદાચ તે વિચારવાનો સમય પાકી ગયો છે કે આપણે સ્થાયી કે પ્રવાહી માનસિકતાવાળા માહોલમાં કામ કરીએ છીએ કે નહીં અને તે પણ પૂછવું જોઈએ કે આપણી ટિપ્પણીઓ અને વર્તનમાં આપણે કઈ માનસિકતા પ્રતિબિંબિત કરીએ છીએ. આ આત્મ-જાગૃતિ આપણને અનુકૂલન માટે અને કદાચ આપણી માનસિકતાને બદલવા માટે વધુ ખુલ્લા બનાવશે.

વ્યક્તિગત સ્તરે, આપણે જે પણ માનસિકતા અપનાવીએ છીએ તે આપણા સંબંધોને પણ ગંભીર રીતે અસર કરે છે. જ્યારે સંબંધોમાં કોઈ દુઃખ થાય ત્યારે, પ્રવાહી માનસિકતા ધરાવતા લોકો તેમનામાં અયોગ્યતાની ભાવના દૃઢ થવા દેતા નથી કે બદલો લેતા નથી. તેમને લાગે છે કે તેઓ નવા સંબંધોમાં જે શીખ્યા છે અને જે અનુભવ કર્યો છે તેને આત્મસાત કરી શકે છે. વધુમાં, સ્થાયી માનસિકતા સંબંધોનાં ત્રણ સ્તરો પર કેળવાય છે- આપણા જન્મજાત ગુણો, આપણા જીવનસાથીના ગુણો અને સંબંધના ગુણો-અને આવું ત્યારે થાય છે જ્યારે આપણે માની લઈએ કે કશું બદલાવાનું નથી. દરેક વસ્તુની જેમ, સંબંધો પણ સંપૂર્ણ નથી હોતા અને તેમાં ઘણીવાર લવચીકતા, ખુલ્લા મન અને સખત મહેનતની અવશ્યકતા રહે છે.

બાળકોમાં પ્રવાહી માનસિકતા કેળવો

બાળકોને પ્રવાહી માનસિકતાનું પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે, અને તેનો વિકાસ કરવા માટે શિક્ષણ તેમજ ઉછેર નિર્ણાયક બને છે. બાળકોમાં પ્રવાહી માનસિકતા ત્યારે જ શક્ય બને જયારે પેરેન્ટ્સ અને શિક્ષકો પૂરા દિલોદિમાગથી તેના વિકાસ માટે પ્રતિબદ્ધ હોય.

લોકો ખોટી રીતે એવું ધારી લે છે કે પ્રવાહી માનસિકતાનો આગ્રહ રાખીએ તો ઊંચા માપદંડો સાથે બાંધછોડ કરવી પડે. બાળકોને શીખવવાના આપણા અભિગમમાં બદલાવ કરવાનો અર્થ એ નથી કે આપણે શ્રેષ્ઠતાને જતી કરીએ છીએ. ઉલટાનું, તેમાં શીખવાના અને ભણવાના તંદુરસ્ત રસ્તાઓ ખોલવાની વાત છે.

એટલે, તમે બાળકના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ અભિનંદન આપતી વખતે એવું કહો કે “વાહ! તું તો બહુ હોંશિયાર છે, ભણ્યા વગર જ આટલા બધા માર્ક્સ લાવ્યો ને કંઈ!” તો એમાં તમારો હેતુ તો ઉમદા છે, પરંતુ તે નુકસાનકારક પણ સાબિત થાય છે.

એ અભિનંદનમાં, સ્થાયી માનસિકતાનાં વખાણ છે અને તેનાથી તેના ભાવી મોટિવેશન અને પરફોર્મન્સને હાની પહોંચશે. બાળક એવું માનતું થઈ જાય કે તે તો જન્મથી જ પ્રતિભાવાન છે અને કોઈ મહેનત કરવાની જરૂર નથી. એટલે, શિક્ષકો અને પેરેન્ટ્સે એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો તેમને મળતા પ્રતિસાદ પ્રત્યે કેવું વલણ કેળવે છે. શ્રેષ્ઠ શિક્ષકો એને કહેવાય છે જે પરિણામો પર ધ્યાન આપવાને બદલે પ્રક્રિયા પર ધ્યાન આપે છે. એક વધુ મહત્વની વાત એ છે કે શિક્ષકો અને પેરેન્ટ્સે બાળકો સાથે પ્રમાણિકતાથી પેશ આવવું જોઈએ અને તેમને વાસ્તવિક અને હાંસલપાત્ર લક્ષ્યો આપવાં જોઈએ. તેમાંય, બાળકોને તેમનાં લક્ષ્યો હાંસલ કરવા માટેનાં હથિયારો આપવાં જરૂરી હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે માનવ મગજ અતિ જટિલ છે. મગજનો વિકાસ કેવી રીતે થાય છે અને મગજ કેવી રીતે શીખે છે, તે જાણવું વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય છે. આ સંદર્ભમાં, આ પુસ્તકના લેખકે બાળકો માટે એક ઓનલાઇન પ્રોગ્રામ વિકસાવ્યો છે, જેને "બ્રેઇનોલોજી" કહેવાય છે. ઘણીવાર બાળકો તેમનાં માતા-પિતા તેમને શું બનાવવા માંગે છે તે વિચારો રજૂ કરે છે અને તેને જ હાંસલ કરવા પ્રયાસ કરે છે. સ્વયંની આ છબી સ્થાયી માનસિકતામાંથી આવી હોય તેવી શક્યતા છે. પરિવારમાં દરેક વ્યક્તિ જો આખા દિવસમાં તે શું શીખી તેની તેની આપ-લે કરવાની એક કૌટુંબિક પ્રવૃત્તિમાં હિસ્સો લે તો, તે પ્રવાહી માનસિકતાના વિકાસમાં મદદરૂપ થઈ શકે. તે શું શીખ્યા, શું ભૂલો કરી અને આ અનુભવે તેમને શું શીખવ્યું તેની તેઓ જો વિગતે વાતો કરે તો, પરિવારના સભ્યો પ્રવાહી માનસિકતા સાથે અનુકૂલન કરવાનું શીખશે.

એક ચેતવણી: એવું શક્ય છે કે આપણે પ્રવાહી માનસિકતાનો ભ્રમ પાળતા થઈ જઈએ. આપણે જે પ્રયાસો કરવામાં જ ન આવ્યા હોય તેનાં વખાણ કરવા લાગીએ તો આવું થાય. પ્રવાહી માનસિકતાની સાબિતી પરિણામોમાં હોય છે, ઠાલાં વચનોમાં નહીં કે નહીં કે બાળકોને એવું કહીને ફૂલાવામાં કે તમે તો કશું પણ કરવા માટે સક્ષમ છો! એક તંદુરસ્ત અને કુશળ બાળકનો વિકાસ કરવાનો અર્થ તેની પ્રતિભા અને સંસાધનોનું આકલન કરવાનો અને નિષ્ફળતાને પચાવતાં શીખવવાનો છે. કોઈ લક્ષ્ય માટે તેનામાં સ્થાયી માનસિકતાનો ભાવ હોય તો, બાળકને તેના માટે લડવા કરતાં, આપણે એ સમજવા પર ધ્યાન આપવું જોઈએ કે તેને એવું કેમ લાગે છે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એક પેરેન્ટ્સ કે શિક્ષક તરીકે આપણામાં પ્રવાહી માનસિકતા હોય, તો તેનો અર્થ એ નથી કે તે બાળકોમાં પાસ કરી દઈએ. આપણે તો સાવધાનીથી એ આકલન કરવું જોઈએ કે આપણે કેવી રીતે તેમનાં વખાણ કરીએ છીએ, આપણા સંઘર્ષ અંગે આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ અને આપણે કેવી રીતે શીખવામાં ઊંડા ઉતરીએ છીએ.

ટૂંકમાં કહી તો...

કેરોલ ડ્વેક, કોઇપણ સમસ્યાનું સમાધાન શોધવા માટે કેવી રીતે પ્રવાહી માનસિકતા કેળવવી તેનું માર્ગદર્શન આપે છે. જોકે, માત્ર એ રીતે વિચારવું એકલું જ પૂરતું નથી, તેના માટે નક્કર પગલાં ભરવાં પડે.

તમે કોઈ નિશ્ચિત લક્ષ્ય હાંસલ ન કરો અથવા નાસીપાસ થાવ, તો શું થાય?

આપણામાંથી ઘણા ઉદાસ થઈ જાય અથવા નિષ્ફળતાની ભાવનામાં ઘેરાઈ જાય. પ્રવાહી માનસિકતા કેળવવાથી, ગમે તેટલા અવરોધો કે નિષ્ફળતા છતાં. લક્ષ્યની દિશામાં ટકી રહેવાના રસ્તાઓ મળે છે. આપણે સૌને અવરોધોનો સામનો કરવો જ પડતો હોય છે, પણ વિકાસ લક્ષી વ્યૂહરચનાથી, આપણે વધુ તંદુરસ્ત અને રચનાત્મક રીતે પડકારોનો સામનો કરી શકીશું. એટલા માટે, અવરોધો અને પડકારોને પાર કરવા માટે આપણે સૌએ વિકાસલક્ષી યોજનાઓ વિચારીને તેને અમલમાં લાવવી જોઈએ.

આ વિશ્વસનીય રીત નથી. આપણે એ હકીકત સ્વીકારવી જોઈએ કે અમુક પરિસ્થિતિઓમાં આપણી સ્થાયી માનસિકતા સક્રિય થશે. દાખલા તરીકે, નિષ્ફળતા કે ટીકાઓનો સામનો કરવાનો આવે ત્યારે, આપણે આપણી જાતને સાંભળવી જોઈએ અને આપણને કેવું લાગે છે તેમજ કેમ લાગે છે તેનો વિચાર કરવો જોઈએ. કેરોલ આપણને આ વ્યક્તિત્વને એક માનસિક નામ આપવાની સલાહ આપે છે. તેનાથી, આપણને એ ખ્યાલ રહે કે જીવન યાત્રાના કેટલાય પડાવો પર તેનો સંગાથ રહેશે અને આપણે તેને પંપાળીને યાત્રાનો થોડો વધુ આનંદ માણતા રહીએ.

અંતત: પ્રવાહી માનસિકતાનો અર્થ એટલો જ થાય છે કે આપણે આપણી ક્ષમતાઓને વિકસાવી શકીએ છીએ. કેરોલના અભિગમની વ્યવહારિકતા આપણને એ સમજવામાં મદદ કરે છે કે એલાન કરવાથી પ્રવાહી માનસિકતા નથી બનતી. પ્રવાહી માનસિકતા કેળવવી એ એક યાત્રા છે. વધુમાં, આપણે જેમ જેમ આગળ વધતા રહીએ, તેમ તેમ સ્થાયી માનસિકતા પણ આપણી સાથે રહેશે. આનો આપણને ખ્યાલ હશે તો, કલ્યાણ અને વ્યક્તિગત વિકાસનાં આપણાં લક્ષ્યો તરફની આપણી યાત્રામાં આપણે તેને વધુ સારી રીતે સમજી શકીશું.