Outliers

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Outliers (book cover).jpg


Outliers

Jennifer Anna Gosetti-Ferencei


The Story of Success

જગથી જુદેરા ને મૂઠીઊંચેરા માનવીઓની સાફલ્યગાથા


માલ્કમ ગ્લેડવેલ


“આ પુસ્તક વાંચ્યા પછી, આવનારા દિવસોમાં, લેખકે શોધેલી થીયરી ઉપર તમને વિચારતા કરી દેશે... વાંચવું જ પડે તેવું રસિક, આનંદપૂર્ણ પુસ્તક !”
- ન્યૂયોર્ક ટાઈમ્સ બુક રીવ્યુ.


“વિસ્ફોટક, મનોરંજક, સ્ફટિક જેવી સ્પષ્ટતા, જકડી રાખે તેવું વિચાર પ્રેરક વિષયવસ્તુ...”ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય :

માલ્કમ ગ્લેડવેલ એ New Yorker મૅગેઝીનના સ્ટાફરાઈટર છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’ના વ્યાપાર અને વિજ્ઞાન વિભાગના સમાચારો-અહેવાલો મેળવવા-લખવાની પત્રકારત્વની કારકિર્દીથી એમણે પ્રારંભ કરેલો. ૨૦૦૫માં જગતના ૧૦૦ અત્યંત પ્રભાવશાળી લોકોની Times મેગેઝીનની યાદીમાં એમનો સમાવેશ થયો હતો. અને foreign policyના Top Global Thinkersનું બહુમાન મળેલું.

વિષય પ્રવેશ :

Outliers એટલે જગથી જુદેરા, મૂઠી ઊંચેરા, અસાધારણ, અસામાન્ય સફળતાને વરેલા સિદ્ધિવંતો... સાફલ્ય અને પ્રસિદ્ધિની કેડી કંડારનારા જુદાં જુદાં ક્ષેત્રોના કેટલાક વિરલાઓની આધારભૂત, અભ્યાસપૂર્ણ વાત લઈને આવે છે આ પુસ્તક ! ગણિત, સામાન્યજ્ઞાન, રમતગમત, લૉ(વકીલાત), કમ્પ્યુટર સાયન્સ, બિઝનેસ, મ્યૂઝીક જેવાં રસનાં ક્ષેત્રોમાં સામાન્ય જનોના અનુભવથી જુદાં વ્યક્તિચિત્રોનું દર્શન અહીં છે. સામાન્ય રીતે, આપણને એમ થતું હોય છે કે આવી સિદ્ધિ મેળવનારમાં કંઈક દેવદીધી, જન્મજાત ક્ષમતાઓ હશે, જેની મદદથી તેઓ સિદ્ધિના શિખરે પહોંચ્યા હશે, પરંતુ લેખક આપણું ધ્યાન દોરે છે કે એ લોકોની સફળતામાં વ્યક્તિગત તેજસ્વિતા ઉપરાંત તેમનાં પરિવાર, જન્મતારીખ, રાશિ, તેમની સાંસ્કૃતિક-સામાજિક-જીનેટિક ભૂમિકા, યુગબળ, વાતાવરણ, મળેલી તક અને તેમની મહેનત જેવાં વિવિધ પરિબળોનો સરવાળો એટલે ઝળહળતી સફળતા !

મારા રસની વાત :

‘આપ-બળે સફળતા મળે’ એવું નથી. જગથી જુદેરા-મૂઠી ઊંચેરાની સાફલ્યગાથા

૨૦૦૮માં માલ્કમ ગ્લેડવેલ દ્વારા લખાયેલા આ non-fiction(બિન કાલ્પનિક) પુસ્તકમાં લેખક સિદ્ધિવંતોની ઉચ્ચસ્તરીય સફળતામાં તેમની જન્મજાત અપવાદરૂપ વ્યક્તિગત બુદ્ધિપ્રતિભાનો જ ફાળો હોય છે તેવા પારંપરિક ખ્યાલને પડકારીને, વિવિધ બાહ્ય પરિબળો-સંજોગો-તક-વાતાવરણ-યુગબળ વગેરેના મહત્ત્વનું પણ પ્રતિપાદન કરે છે. તમે એવા કોઈ સફળ વ્યક્તિની જીવનકથા વાંચી છે ખરી કે જેમાં તેની સફળતાનો યશ માત્ર તેના નસીબને જ આપ્યો હોય? કદાચ નહિ વાંચી હોય... આપણે કોઈની સક્સેસ સ્ટોરી જોઈએ-સાંભળીએ તો આપણે એવું જ માનીએ છીએ કે એ તો એની બુદ્ધિપ્રતિભા, તેજસ્વિતા અને સખત મહેનતથી જ સફળતાને વર્યા હશે... આપ ‘આપબળે આગળ વધેલા હો’-Self-made man-એ એક myth-ખોટી કલ્પના છે. વાસ્તવ નથી, એ માત્ર નિરાધાર વાત છે. આ પુસ્તકનાં પ્રકરણોમાં તમે જોશો કે એ સફળ વ્યક્તિઓના નિયંત્રણ બહારનાં ઘણાં બધાં પરિબળો, અદૃશ્ય બાબતોએ પણ તેની સફળતામાં ઘણો ફાળો આપ્યો હોય છે.

આ પ્રકરણોમાં તમે જોશો કે —

  • બીલ ગેટ્સ અને ધ બીટલ્સ(રૉક બેન્ડ) શાથી આટલા સફળ થયા?
  • શા માટે તમારી જન્મતારીખે તમને આઈસહૉકી સુપરસ્ટાર બનતા રોક્યા છે?
  • ભાત-ચોખાની ખેતીને ગણિતના કૌશલ્ય સાથે શું લાગે-વળગે?

ચાવીરૂપ ખ્યાલો :

૧ આપણી સંસ્કૃતિ ‘આપ બળે આગળ આવવાની’ વાતને વધાવે છે.

જો તમે કોઈ અસાધારણ તેજસ્વી ગણિતજ્ઞને મળો તો એની સિદ્ધિ-બુદ્ધિ, એની તાર્કિક વિચારણા એની જન્મજાત ભેટ હશે એમ માનવા પ્રેરાશો. બીજા બધા ઘણામાં નથી ને એનામાં જ ક્યાંથી આવી? એવું જ તમને ધંધાદારી રમતવીરની ઝડપ કે સંગીતકારની રીધમ-સેન્સ કે કમ્પ્યુટર પ્રોગ્રામરની પ્રોબ્લેમ-સોલ્વીંગ પ્રતિભાને જોઈને લાગશે, કારણ કે એ જે તે ક્ષમતા તેના પોતાનાં પ્રયત્નો, સખત મહેનત અને અંતનિર્હિત ક્ષમતાને આભારી હોવાનું માનવાનું આપણું વલણ હોય છે. જ્યારે જેબ બુશ ફ્લોરિડાના ગવર્નરની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે તેમની પ્રચારયાત્રામાં તેમણે પોતાને ‘self-made man’ તરીકે ઓળખાવ્યા. કેવું હાસ્યાસ્પદ ગાંડપણ! એ વળી શેના સેલ્ફ-મેઈડ? એના પોતાના પરિવારમાં બે અમેરિકન પ્રમુખો, એક ધનવાન વૉલ સ્ટ્રીટ શેરબજાર બેંકર અને એક અમેરિકન સેનેટર હતા. બુશના ઘડતરમાં આ બેકગ્રાઉન્ડનો કોઈ ફાળો નહિ હોય? પણ એવું છે ને કે વ્યક્તિગતવાદ આપણા કલ્ચરમાં(અમેરિકન સંસ્કૃતિમાં) એટલો પ્રબળ પ્રભાવક છે કે બુશે એનો કોઈપણ રીતે ઉપયોગ કર્યો. જેબ બુશની સિદ્ધિઓએ તેમને Outlier બનાવ્યા, અસામાન્ય ગણાવ્યા. પરંતુ જેમ બુશની લાભકારક પૂર્વભૂમિકાએ તેમને સિદ્ધિશિખરે પહોંચવામાં મદદ કરી, તેમ બીજા આઉટલાયર્સને ઘણા ઓછાં બાહ્યપરિબળોએ સામાન્યમાંથી ઉપર ઊઠવામાં મદદ કરી હશે...પણ આપણે તો વીરપૂજામાં વ્યક્તિની ‘આપબળે’ મેળવેલી સફળતાના તેજમાં ઘણીવાર અન્ય પરિબળોને સભાનતાપૂર્વક અવગણીએ છીએ. એટલે ફરી ફરીને કહેવાનું મન થાય છે કે ‘‘self-made man’ એ એક ભ્રમણા છે, પ્રચારજાળ છે, અહંપોષક આવિષ્કાર છે. કોઈ અતિસફળ માણસ પોતાના જ બળબૂતા ઉપર કેવી રીતે એકલો સફળ કહેવાઈ શકે? એની સફળતાની સીડીનાં બીજાં બધાં પગથિયાં ભૂલી જવાનાં?

૨ તમે એક ચોક્કસ મુકામે પહોંચો પછી, તમારી વધેલી ક્ષમતાઓ તમને સફળ થવામાં ઝાઝી મદદ નથી કરતી.

સફળતા માટે જન્મજાત ગુણો, લાક્ષણિકતાઓ ઉપયોગી છે તેની ના નથી, પણ માત્ર એટલું જ હોત તો ૬ ફીટ ૧૦ ઈંચની ઊંચાઈવાળાને મિલિયન ડૉલર બાસ્કેટબોલનો કોન્ટ્રાક્ટ મળી જ જાત? કે તમારો IQ ગગનચૂંબી હોય એટલે તમને નૉબેલ પ્રાઈઝ મળે જ એવું છે ખરું? નહિ ને? આમ કેમ?

સફળતાને કંડારનાર છે ગુણવત્તા. બાસ્કેટબોલ પ્લેયરને માટે તેની ઊંચાઈ અથવા ગણિતમાં સાંખ્યિકી બુદ્ધિશક્તિ હોવી તે ‘એક મુકામ છે જેમકે એક ચોક્કસ ઊંચાઈએ પહોંચો પછી બાસ્કેટબોલ ખેલાડીને વધારાની એકાદ બે ઈંચ ઊંચાઈ ઝાઝો ફરક પાડતી નથી. પછી તમારી સ્કીલ જ તમને સફળતા તરફ દોરતી હોય છે. શિક્ષણમાં પણ આવું જ છે. સર્વગ્રાહી અને સાર્વજનિન શિક્ષણ-પ્રસાર નીતિ અન્વયે જાતિય લઘુમતીઓને માટે શાળાપ્રવેશના નિયમો ને શરતો, જરૂરિયાતો હળવી રાખવામાં આવે છે. આવા અશ્વેત વિદ્યાર્થીઓ લૉ કોલેજ કક્ષાએ શ્વેત વિદ્યાર્થીઓ કરતાં અભ્યાસમાં જરા નબળા કે પાછળ પડતા જણાય, પરંતુ કાનૂન શાખાના અનુસ્નાતક કોર્સમાં લઘુમતી અને બિનલઘુમતી વિદ્યાર્થીઓનાં પરીક્ષાકીય પરિણામોમાં કોઈ ફરક દેખાતો નથી. તેઓ શ્વેત વિદ્યાર્થીઓની બરોબરીમાં ઊભા રહી શકે તેવા હોશિયાર થઈ જાય છે. અરે, વકીલાતમાં પણ તેમને સરખી જ આવક, સન્માન-સ્થાન મળતાં હોય છે. કાનૂન જગતમાં એમનું યોગદાન અને ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની રહે છે. પૂરતી કાનૂની તજજ્ઞતા અને અનુભવ મેળવી લીધા પછી, અન્ય પરિબળો તેમની સફળતામાં વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે તે ક્ષેત્રમાં, સંબંધિત કૌશલ્યો અને લાક્ષણિકતાઓ સિદ્ધિ મેળવવા પાયાના પથ્થર બની રહે છે. જો તમારી પાસે તાર્કિક દલીલની કળા જ ન હોય તો તમે સફળ વકીલ ન બની શકો. જોકે એકવાર તમે આ કળાના ઊંબરે પહોંચી ગયા પછી, તમારી જન્મજાત તાર્કિક ક્ષમતાઓમાં થોડોઘણો વધારો થાય તો પણ ખાસ ફરક પડતો નથી. બીજાં પરિબળો તમારાં સામાજિક ક્ષમતા, સંબંધો, પરિચયો અને તમને મળેલો લકી બ્રેક કે તક મોટો ભાગ ભજવી જાય છે. વ્યાખ્યામાં આવેલ આ ‘યુ ટર્ન’ ઉપર જ અસ્તિત્વવાદ ટકેલો છે. એ કહે છે કે આપણે કોઈ ઇમેજમાં બંધાયેલા નથી: આપણે ચાહીએ એમ વર્તવા માટે મુક્ત છીએ.

૩ કોઈપણ ક્ષેત્રમાં વિશ્વસ્તરીય તજજ્ઞતા કેળવવા માટે લગભગ ૧૦,૦૦૦ કલાકની પ્રેક્ટિસ જરૂરી છે; જે ખાવાના ખેલ નથી.

સફળતાની વાનગીમાં ટેલેન્ટ અને હાર્ડવર્ક એ બે સરખાં જ મહત્ત્વપૂર્ણ મસાલા છે. બીલ ગેટ્સે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવા માટે વિદ્યાર્થી કાળથી જ લાંબો સમય લેબમાં વીતાવ્યો. બીટલ્સ મ્યૂઝીક બેન્ડે અસંખ્ય કલાકોની સ્ટેજ પ્રેક્ટિસ કરી. તેઓ અસાધારણ બુદ્ધિવાળા માનવો હતા, તોયે અથાક પરિશ્રમે, મહેનતે અને રિયાઝે તેમને ખરેખરી વિશ્વસ્તરીય તજજ્ઞતા બક્ષી છે. લેખક અનેક ઉદાહરણો દ્વારા એક નિયમ તારવે છે કે આવી નેત્રદીપક સિદ્ધિ માટે તમારે કમસે કમ દસ હજાર કલાકની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. જોકે બધા પાસે આટલો બધો ટાઈમ નથી હોતો, એવાં તક, વ્યવસ્થા, સંજોગો પણ નથી હોતાં.

સૌ પ્રથમ તો, તમને જે તે ક્ષેત્રમાં તમારી નાની ઉંમરથી પ્રવેશવાની, અભ્યાસની તક મળવી જોઈએ, તો તમે તેમાં હરિફાઈનો સામનો કરવામાં અગ્રેસર રહી શકો... આ ઉપરાંત, તમારી કે તમારા પરિવાર પાસે તમને સહાય કરવાનાં સંસાધનો, અનુકૂળતાઓ, સમય અને ખાસ તો ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. વિશ્વસ્તરીય વાયોલિન વાદક બનવા અઠવાડિયાના ૪૦-૫૦ કલાક પ્રેક્ટિસનો સમય તમને તમારા કામમાંથી મળવો એ પણ મુશ્કેલ બાબત છે. વળી, તમારે જેમાં નિપુણ થવું છે તેની પ્રેક્ટિસ કરવાનાં અદ્યતન, મોંઘાં સાધન-સામગ્રી પણ તમને મળવાં જોઈએ. એમાં તમને તમારાં પરિવાર, સગાં-સ્નેહી, મિત્રો, પરિચિતો-અપરિચિતોનો પણ પ્રેરક સહયોગ સાંપડવો ઘટે. અને જો તમે બીલ ગેટ્સ કે બીટલ્સની જેમ નસીબદાર હો તો આ બધી વસ્તુઓ તમને સહજ ઉપલબ્ધ થઈ પણ જાય... પરંતુ વાચકો, ઘણા બધા આગળ વધવા ઈચ્છતા પ્રતિભાવંતોને વિશ્વસ્તરીય તો શું રાષ્ટ્ર કે રાજ્ય સ્તરીય સફળતા માટે પણ આ બધી સવલતો મળતી નથી. તેઓ બિચારા પ્રતિભા હોવા છતાં અટવાઈ જાય છે.

૪ તમારી જન્મતારીખ-માસ-વર્ષની પણ તમારી સિદ્ધિ ઉપર ભારે અસર હોય છે.

તમારા વિકાસ જૂથમાં અન્યની તુલનામાં તમે કેવડા છો—એ તમારી “સાપેક્ષ ઉંમર” તમને સફળ કે નિષ્ફળ બનાવી શકે છે. દા.ત. કેનેડીયન યુવા હૉકી લીગ મેચમાં પ્રવેશની યોગ્યતા ૧ જાન્યુઆરી છે. એમાં પ્રવેશનારાં, સ્પર્ધક બધાં બાળકો એક જ કેલેન્ડર વર્ષમાં જન્મેલાં જોવા મળશે, જરાતરા ફેરફાર હોય ખરો, બરાબર ને?

પરંતુ ના... એન્યુઅલ કટઑફ ડેઇટ દ્વારા બીજા બધા મહિનાઓમાં જન્મેલાં બાળકો કરતાં જાન્યુઆરીમાં જન્મેલાને વધુ પસંદ કરે છે. એનો અર્થ એ થયો કે, ડિસેમ્બર અંતના પહેલાં જન્મેલાં બાળકોએ પેલાં જાન્યુઆરીવાળાં(એટલે કે એક વર્ષ મોટાં ગણાતાં) બાળકો સાથે સ્પર્ધા કરવાની રહે. આવા જૂથમાં તાલીમ લેતાં બાળકોમાંથી તેમના કોચ પણ પેલાં મોટાં અને વધુ મજબૂત, વધુ સારું રમનારની જ પ્રશંસા કરશે, તેમને વધુ પ્રોત્સાહન આપશે. જ્યારે ડિસેમ્બર બોર્ન બાળક પેલાંથી થોડા જ દિવસ નાનાં હશે, પણ આગલા વર્ષનાં ગણાવાથી ઉપેક્ષા પામે છે, અન્યાય સહન કરે છે. આથી કેનેડીયન હૉકી પ્લેયર્સની ટીમના મોટાભાગના સારું રમનાર ખેલાડીઓનાં જન્મતારીખ-માસ જોશો તો તેઓ જાન્યુ.થી માર્ચ દરમ્યાન જન્મ્યા હશે. તેથી જ તેઓ ટીમમાં, વર્ષના ઉત્તરાર્ધમાં જન્મેલાઓ કરતાં, જલ્દી પસંદગી પામ્યા છે અને વધુ સારો દેખાવ પણ કરે છે. તમને થશે કે એમાં શું? આ કાંઈ મને લાગુ નથી પડતું. કારણ કે હું/આપણે ક્યાં હૉકી પ્લેયર છીએ કે કેનેડીયન પણ છીએ? પરંતુ આ ‘સાપેક્ષ ઉંમર’નો ખ્યાલ જ્યાં કટ ઑફ ડેઇટથી જૂથને વહેંચવામાં/બે-ત્રણ જૂથમાં ડિવાઈડ કરવામાં આવતા હોય તેવા કિસ્સાઓમાં અસમાન તક, તાલીમ અને સિદ્ધિ સર્જે છે. શાળામાં કે નર્સરીમાં પાંચ વર્ષનું બાળક જો સ્પેલિંગ હોમવર્કની સામે ક્રેયોન રંગપૂરણીનું હોમવર્ક પસંદ કરે છે તો શિક્ષક તે બાળકને ‘પ્રોબ્લેમ ચાઈલ્ડ’—વિકાસની ધીમી શક્યતાવાળું બાળક માની લેવાની ભૂલ કરે છે. જ્યારે એવા બાળકની સાથેનું જ પણ જાન્યુઆરીથી માર્ચમાં જન્મેલું હોવાથી છ વર્ષના લેબલવાળું-જૂથવાળું બાળક વધુ પ્રગતિ કરશે.

૫ તમે કેવા સફળ નીવડશો તેનો આધાર તમારા ઉછેર ઉપર ખાસ્સો રહેતો હોય છે.

જે તે કૌશલ્ય શીખવાના ચોક્કસ પડાવ ઉપર પહોંચ્યા પછી તમારી સફળતાની શોધમાં/દોડમાં, તમારી કુદરતી ક્ષમતાઓ ખાસ ભાગ નથી ભજવતી. ત્યાર પછી તો તમારી વ્યવહારુ બુદ્ધિ જ તમને આગળ લઈ જાય છે.

આ વ્યવહારુ બુદ્ધિ એક પ્રકારનું પ્રક્રિયાત્મક જ્ઞાન છે. તમારે જે સફળતા મેળવવાની છે તેની સામાજિક-વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં કેવી રીતે કામ કઢાવવું-કરવું અને માહિતી કે જ્ઞાનનું વ્યવહારિક અર્થઘટન કેમ કરવું તે અગત્યનું બની જાય છે—કોને ક્યારે શું કહેવું, પૂછવું, કેવી રીતે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપવાં, ઉપરી સાથે કેમ વિચાર વિનિમય કરવો વગેરે જેવી બાબતો તમને સફળતાના શિખર નજીક પહોંચવામાં સહાયક નીવડે છે. અને આ બધું કાંઈ સૈદ્ધાંતિક અભ્યાસક્રમમાં નથી આવતું કે ન તો જન્મજાત હોય છે. એનેટ લેરીયુ નામના સમાજવિજ્ઞાની નોંધે છે કે ગરીબ યા નિમ્નવર્ગનાં માબાપો કરતાં, સંપન્ન માબાપો તેમનાં સંતાનોમાં એક પ્રકારની હક્કની કે અધિકૃતતાની લાગણી વધુ સીંચે છે, સામાન્ય રીતે, બાળકો તરફ વધુ ધ્યાન આપીને, સારી વિકાસની તાલીમ અને તકો આપીને તેમના બૌદ્ધિક વિકાસને પોષણ આપે છે. આવાં ધનવાન માબાપો તેમનાં બાળકોને આદર-માન કેવી રીતે મેળવવું-(demand respect) અને પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટેની પરિસ્થિતિ કેવી રીતે ઊભી કરવી તે શીખવતાં હોય છે. એ છે; વ્યવહારુ ડહાપણ, શાણપણ ! જ્યારે આથી વિપરીત, ગરીબ માબાપો સત્તાવહિતાથી દબાઈ જાય છે અને તેને જ તેનાં બાળકો નેચરલ ગ્રોથની પરિસ્થિતિ માની લે છે. આથી તેઓ સંપન્ન માબાપનાં બાળકોની જેમ હિંમતવાળાં, પોતાનો માર્ગ કાઢી લેનારાં હોતાં નથી. આનો સીધો અર્થ એ થયો કે ગરીબ સંતાનોને વ્યવહારુ બુદ્ધિ કેળવવાનું શીખવવામાં નથી આવતું આથી સફળતા મેળવવાના તેમના ચાન્સીસ ઘણા ઘટી જાય છે.

૬ તમારું જન્મવર્ષ તમને સફળ કે નિષ્ફળ બનાવી શકે.

જીવનમાં ‘અન્યાયી કે ગેરવાજબી લાભો’ અણધાર્યાં સ્થાનોએથી આવી મળી શકતા હોય છે. ચાલો ઉદાહરણ જોઈએ :

કમ્પ્યૂટરની સોફ્ટવેર ટેકનોલોજીના કરોડપતિઓ બીલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ અને સન માઈક્રોસિસ્ટમના સ્થાપક બીલ જૉય આ બધા તાર્કિક વિચારક્ષમતા અને મહત્ત્વાકાંક્ષાની અસાધારણ બક્ષિસ લઈને જન્મ્યા હતા, વળી, પ્રેક્ટિકલ ઈન્ટેલીજન્સ અને તેને અમલમાં મૂકવાની સમયસરની તક પણ તેમની છાબડીમાં આવી પડી હતી. આટલાથી જ અપાર સફળતાનું તેમનું રહસ્ય છતું થઈ જશે કે? –ના, એટલું ઝડપથી તો ન જ થાય...તેમને માત્ર સાદી તક મળી એટલું જ નહિ, પણ ઇતિહાસના ચોક્કસ સમયે તેમને કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ શીખવા-કરવાના પેલા ૧૦,૦૦૦ કલાકના પ્રેક્ટિસના નિયમની પણ તકશ્રુંખલા તેમના જીવનમાં/ઘડતરમાં સર્જાતી ગઈ. આ કાંઈ જેવું તેવું પરિબળ નથી. ઝડપથી બદલાતી જતી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં બુદ્ધિનું રોકાણ અને ધનનું રોકાણ કરવાને માટે જ તેઓ સમયપ્રવાહના એવા જ યોગ્ય તબક્કે જન્મ્યા હતા. પ્રોગ્રામિંગ બગ્સને સહેલાઈથી મારી હઠાવે તેવા નવાં કમ્પ્યૂટર મોડેલ્સ ત્યારે હજી આવ્યાં નહોતાં. તેઓ એટલા મોડા પણ નહોતા જન્મ્યા કે તેમના સંશોધક વિચારો અન્ય લોકો પહેલાં અમલમાં મૂકી દે. તેમને તેમની વિશ્વવ્યાપી સફળ કંપનીઓ સ્થાપવાનો પણ સુયોગ્ય સમય અને તેમની પોતાની યોગ્ય ઉંમર પણ કામ આવી ગઈ. જો તેઓ ત્યારે વધુ મોટી ઉંમરના હોત તો સફળતા માટે ભારે જોખમ ઉઠાવવા કરતાં તેમણે ધંધામાં સેટલ થવાનું વધુ યોગ્ય માન્યું હોત. યુવાનીનાં ઉત્સાહ-અરમાન અને આત્મવિશ્વાસે તેમને ઊંચું સાહસ ખેડવા પ્રેર્યા-એ શું નાનીસૂની વાત છે?-ઉંમર ભાગ ભજવે તે આનું નામ! પરંતુ વાચકમિત્રો, એવું પણ નથી કે બધાં જ સફળ સોફ્ટવેર ટાયકૂન્સ ૧૯૫૪થી ૧૯૫૬ની વચ્ચે જ જન્મ્યા હતા. પરંતુ ઘણાને લાગે છે કે તમે જે તે ચોક્કસ સમય અને સ્થાન ઉપર હો તેનાથી સફળતામાં ઘણો ફરક તો પડે જ છે.

૭ ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે તમે ક્યાંથી (આવો) છો, તેની તમારી સિદ્ધિઓ ઉપર ભારે અસર પડતી હોય છે.

તમે પેલી ગતાનુગતિક વાત જાણતા હશો કે એશિયન્સ ગણિતમાં કુશળ હોય છે આ સાંભળીને કોઈક કહેશે કે એ તો ‘રાજકીય જૂઠાણું’ છે. પરંતુ પૂર્વીય સંસ્કૃતિનાં કેટલાંક પાસાંઓ સારા ગણિતજ્ઞો પેદા કરે છે ખરાં. તેમાંનું એક પાસું છે ભાષા...એશિયન ભાષાઓમાં બાળક જ્યારે સંખ્યાવાચક શબ્દો શીખે છે ત્યારે તે આપોઆપ જ સંખ્યાની ગણતરી શીખતા જ થાય છે, જેમ કે એકવીસ(૨૧) એટલે એક+વીસ, ત્રેવીસ(ત્રણ+વીસ) વગેરે આ રીતે બહુ નાની ઉંમરથી તેમનો ગણિત પ્રત્યે ઝુકાવ વિકસતો જાય છે...ભાષા ઉપરાંત, ચોખા(ભાત) અથવા ડાંગરની ખેતી...એશિયન આહારનું એ મુખ્ય ધાન્ય પણ ગણિત શિક્ષણ સરળ બનાવે છે, કારણકે ભાતની ખેતીમાં ખાસ્સું ‘વર્ક એથીક’ વિકસે છે. પાશ્વાત્ય દુનિયામાં અન્ય પાકો કરતાં ભાતની ખેતી કઠિન હોય છે. નફાકારક ભાત પકવવા ખૂબ ઝીણવટ, સહયોગ-સંયોજન અને ધીરજની જરૂર હોય છે. ચીનમાં આખું પરિવાર ડુંગરાળ વિસ્તારમાં પાળા પદ્ધતિથી ભાતની ખેતી કરવામાં જોતરાય છે. જાત જાતના ભાત પકવે, ગણતરીપૂર્વક ખેતીની કાળજી કરે.

જ્યારે યુરોપની સામંતશાહી વ્યવસ્થામાં ખેડૂતો મોટા જમીનદારો, બહુ મોટાં ખેતરોમાં યંત્રોની મદદથી ખેતી કરે, જાતમહેનત ઓછી, આરામ ને આળસ પોષાય. આવું એશિયામાં નથી. અહીં તો જેટલી જાતમહેનત કરો એટલું વધુ પાકે. પરિણામેં અહીં સખત મહેનતની સંસ્કૃતિ વિકસી છે. ચીની કહેવતો પણ મહેનત-પ્રેરક રહી છે- “જે કોઈ ખેડૂત ૩૬૦ દિવસ પ્રભાતપૂર્વે ઊઠી (ખેતર )જતો નથી, તે તેના પરિવારને સમૃદ્ધ બનાવવામાં નિષ્ફળ જાય છે.” વગેરે... એ તો બરાબર, પણ આને ગણિત સાથે શું લેવાદેવા? ભાતની ખેતીની જેમ જ ગણિત પણ અઘરો વિષય-મહેનત માંગી લેતો વિષય છે, ભેજાંમારી કરવાના દાખલા ધીરજથી ગણો તો જ જવાબ આવે. કંટાળી ગયા તો દાખલા ખોટા પડે. સંશોધનોએ બતાવ્યું છે કે પૂર્વીય દેશોના વિદ્યાર્થીઓ કરતાં, પાશ્વાત્ય દેશોના વિદ્યાર્થીઓ ગણિતનાં અટપટા દાખલા, સૂત્રો-સમીકરણો, પ્રમેયોથી જલ્દીથી કંટાળીને છોડી દે છે. આમ, એશિયનોનું ગણિત પાવરફૂલ હોવાનું કારણ, ગણતરીઓ તેમના સાંસ્કૃતિક વારસાનો એક ભાગ જ છે. આ લોકોના બાપદાદાઓ ભાતની ખેતી કરતા. તેમનો ખેતીકામ પ્રત્યેનો અભિગમ ગણિત સંવર્ધક હતો...આજે એ વલણ પેઢીઓ પછી પણ જીન્સમાં ઉતરી આવે છે. આજે ભલે તેઓ ખેતી ન કરતા હોય તો પણ ગણિતલગાવ તેમના લોહીમાં છે, જે ગણિતને સરળ બનાવે છે.

૮ જો આપણે સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ સમજીશું તો, વધુ ને વધુ લોકોને સફળતાગામી બનાવી શકીશું અને નિષ્ફળતા ખાળી શકીશું.

હવાઈ દુર્ઘટનાઓ જેવા કેટલાક કિસ્સાઓમાં પાયલટ્સ outliers નથી હોતા. હા, તેઓમાં વ્યાવસાયિક કુશળતા જરૂર હોય છે. પરંતુ કોરિયન એર લાઈન્સ એક જમાનામાં પ્લેનક્રેશ માટે બદનામ અને બહિષ્કૃત હતી. એમના અનુભવી પાયલટ્સ પણ નાની નાની તેમની સાંસ્કૃતિક વારસાગત ખામીને લીધે એરક્રેશ કરી બેસતા હતા. power-distance-કૉ-પાયલટ્સ વચ્ચે અધિકારપૂર્ણતા, વાતચીતની અસ્પષ્ટતા, ભાષાનો ઉપયોગ જેવી ઘણી નગણ્ય બાબતોને લીધે અકસ્માતો થતા હતા. બીલ ગેટ્સ જેવાને એક પછી એક સારી તકો નસીબજોગે મળતી જ ગઈ, પણ આ બિચારા પાયલટ્સ નાની નાની ભૂલોથી એરલાઈન્સને કમનસીબી તરફ દોરી ગયા.

વર્ષ ૨૦૦૦ પહેલાં કોરિયન એરલાઈન્સનો સેફટી રેકોર્ડ ખતરનાક હતો. ઉડ્ડયન ઉદ્યોગના સરેરાશ એર-ક્રેશ-રેઈટ કરતાં ૧૭ ગણો વધારે કોરિયન એરનો હતો. જેમ એશિયનોની ગણિત ક્ષમતામાં તેમની સાંસ્કૃતિક વિરાસતને ગણાવી શકાય તેમ, કોરિયન એરના તળિયે ગયેલા ટ્રેક રેકોર્ડને પણ તેમની સાંસ્કૃતિક વિરાસતથી સમજી શકાય... કોરિયન સાંસ્કૃતિક મૂલ્યો power distanceને પોષે છે. એટલે કે પોતાના ઉપરી, અધિકારી કે વડીલ, ગુરુ જો ભૂલ કરતા હોય તો તેમના નિમ્ન પદાધિકારીથી તેમને કહેવાય નહિ/સુધારાય નહિ, એમ કરવું એ અવિનય, ઉપરીનું અપમાન, અવમાનના, અવગણના ગણાય. આ મૂલ્યમાં ઉછરેલા કોરિયન પાયલટ તેમના ક્રૂ મેમ્બર, મુખ્ય પાયલટની નાની ભૂલને બતાવવાની હિંમત નહોતા કરતા. વળી ફ્લાઈટ દરમ્યાન તેમને પેપર વાંચવાનું, નિયમોનાં ઉલ્લંઘન કરવાનું ને કામમાં બેદરકારી દાખવવાનું સામાન્ય થઈ પડ્યું હતું. તેઓ સાથી પાયલટ કે કન્ટ્રોલ ટાવરની સૂચના કે ભાષાનું બરાબર સ્પષ્ટ અર્થઘટન પણ કરતા નહોતા. ૫ ઑગસ્ટ ૧૯૯૦ના રોજ ગુઆમ એરપોર્ટ ઉપર થયેલ કોરિયન પ્લેન ક્રેશનું કારણ આવું જ પ્રત્યાયનની નિષ્ફળતા હતું. મુખ્ય પાયલટ (કેપ્ટન)થાકેલા હતા, તેમને તેના સહપાયલટે (ફર્સ્ટ-ઓફિસર) ધ્યાન દોરતાં કહેવાની કોશિશ કરી કે ‘રન-વેની વીઝીબીલીટી પુઅર છે, વિમાનનું લેન્ડીંગ સલામત નહિ હોય’...પણ કેપ્ટનને આ સ્પષ્ટ શબ્દોમાં કહેવાને બદલે, તેને ખોટું લાગશે તેવા સાંસ્કૃતિક મૂલ્યવાળા ડરને લીધે, તેણે આદેશાત્મક રીતે નહિ, પણ સામાન્ય વાતચીતના ટોનમાં જ કહ્યું—‘કેપ્ટન, આપને નથી લાગતું કે અત્યારે વરસાદ કંઈક વધારે જ પડી રહ્યો છે?’ (એટલે કે તમે હમણાં લેન્ડીંગ ના કરાવશો, રન-વે બરાબર દેખાતો નથી.) પણ કેપ્ટને તેના નીચેના ઓફિસરની વાત ડરપોક કોમેન્ટ ગણીને અવગણી કાઢી...ખરાબ વાતાવરણ ઉપર કોમેન્ટ કરવાની આ ક્ષણ નહોતી. ત્યાં તો સ્પષ્ટ નિર્ણય લેવાનો હતો...અને આખરે વિમાન ટેકરી જોડે બરાબરનું અથડાઈને તૂટી પડ્યું! આવી ઘણી શ્રુંખલા સર્જાતાં કોરિયન સરકારે પ્રશ્નનો મૂળગામી ઉપાય કર્યો. અમેરિકન કંપનીને હવાઈ કર્મચારીઓની communication skills સુધારવાનો પ્રોજેક્ટ સોંપાયો. કર્મચારીઓ-પાયલટ્સ વગેરેને રાષ્ટ્રીય મહત્તાનું ભાન કરાવતાં કડક કાર્યવાહીઓ થઈ, બેદરકારી, ઢીલાશ, આળસ, સાંસ્કૃતિક તૂટ દૂર કરવામાં આવી પછી કોરિયન એરલાઈન્સે તેની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવી. ૨૦૦૬માં એને આ પરિવર્તન બદલ એર ટ્રાન્સપોર્ટ વર્લ્ડ દ્વારા ફીનીક્ષ એવોર્ડ મળ્યો.

૯ આપણાં રમતનાં મેદાનો (કાર્યક્ષેત્રો) ખામીભર્યાં હોવાનાં કારણો જાણીને તે સુધારીશું તો ખેલાડીઓને(લોકો) સફળ થવાની વધુ તકો સર્જી શકીશું.

આપણા આશાસ્પદ ખેલાડીઓની તાલીમ અને ઘડતર પ્રક્રિયાઓ ભાગ્યે જ સક્ષમ ને અસરકારક હોય છે, જેથી માત્ર જૂજ ખેલાડીઓ સફળતાના શિખરે પહોંચે છે.

હૉકીની રાષ્ટ્રીય લીગ મેચોમાં ખેલાડીની એન્યુઅલ કટ ઑફ ડેઈટ જાન્યુઆરીની હોવાને લીધે આગલે વર્ષે જન્મેલા જૂનીયર ખેલાડીઓએ તેમનાથી એક વર્ષ મોટા ખેલાડી જોડે રમવું પડે છે. પરંતુ ૨૭ ડિસેંબરે જન્મેલો કેનેડિયન હૉકી પ્લેયર તેની મમ્મીને વીતી ગયેલા કાળમાં લઈ જઈને એમ તો નથી જ કહી શકતો કે ‘મમ્મા, તેં મને ૨૭મી ડીસેંબરે જ કેમ જન્માવ્યો? બે-ચાર દિન લેબર પેઈન લંબાવીને ૧ જાન્યુઆરીએ મને જન્મ આપ્યો હોત તો કેવું સારું થાત? હું ટીમમાં પાછળ ન પડત.’ કારણ કે વર્ષના પાછલા ભાગમાં જન્મેલાઓને સંશોધનો, તાલીમ, તક વગેરેમાં પણ અગ્રભાગે જન્મેલાઓ કરતાં પાછળ રહેવું પડતું હોય છે... કેટલાક ખેલાડીઓનો ‘ક્યૂમ્યુલેટીવ એડવાન્ટેજ’ તેમને માટે સામુહિક ગેરફાયદો બની જતો હોય છે. બાકી એ લોકો પણ સારી રીતે રમી શકતા હોય અને સિદ્ધિ પણ મેળવી શકવાને સક્ષમ હોય છે. આવી કટ ઑફ ડેઇટની ભૂલ સિસ્ટમમાં નજરમાં આવે પછી પણ તે ફિક્સ થઈ જાય છે. શિક્ષણ સંસ્થામાં પણ એવું જ થાય છે. આવી રમતજગત જેવી એન્યુઅલ કટ ઑફ ડેઈટ પદ્ધતિ કરતાં, યુવા હૉકી પ્લેયર્સને ચાર જૂથમાં વહેંચી કાઢવા જોઈએ, જેથી આવો સાપેક્ષ ઉંમરનો લાભ બધાને મળી શકે, કોઈને અન્યાય ન થાય. જાન્યુઆરીથી માર્ચમાં જન્મેલાં બાળકોનું એક જૂથ અને એપ્રિલથી જૂનવાળાનું બીજું.. આ રીતે જૂથ પાડવાં જોઈએ. શાળામાં પણ જન્મતારીખ મુજબ ન્યાયી જૂથ બનાવવાં જોઈએ. ધનિક પરિવારોનાં બાળકોને વધુ સંસાધન અને ફાળવવા કરતાં, ન્યૂયોર્કની ગરીબ વસ્તીમાં આવેલી south Bronx સ્કૂલમાં ૧૯૯૦ના દાયકા મધ્યે KIPP(knowledge is power program) શરૂ કરાયો તેમ, એમાં પ્રવેશ માટે કોઈ પરીક્ષા કે પ્રાવેશિક જરૂરિયાતો રખાયાં નહિ, જેથી વંચિતો-ગરીબોનાં બાળકોનાં પણ ધનિકો જેવો લાભ મળી શકે. પછી તેમના શિક્ષણની સમાન સવલતો, પ્રવિધિઓ, કૌશલ્ય વિકાસની પ્રવૃતિઓ આપવામાં આવી. આફ્રિકન-અમેરિકન કામદારો-મજૂરોનાં ગરીબ બાળકોની સાંસ્કૃતિક અને વંશીય વિશેષતાઓ-તાકાતોને પારખીને તેમને યોગ્ય ઘડતર ને શિક્ષણ આપતી આવી તો ૫૫ શાળાઓ આખા અમેરિકામાં સ્થાપવામાં આવી. પરિણામે ધનિક શાળાઓ કરતાં આ બાળકો ગણિત અને રમતગમતમાં ખૂબ હોશિયાર નીવડ્યાં. એનાં ૮૪% બાળકો પોતાના ધોરણ કરતાં ગણિતમાં ઉપલાં ધોરણ જેટલી ક્ષમતા દર્શાવતાં થયાં હતાં. અને આઠમા ધોરણ સુધી પહોંચતા તેઓ ધનિક બાળકોની હરોળમાં સ્પર્ધા કરી શકે તેવાં સક્ષમ બની ગયાં હતાં. સારાં આયોજન-વ્યવસ્થાપન અને પ્રવિધિઓનું આ ચમત્કારી પરિણામ હતું.

ઉપસંહાર :

Outliers પુસ્તક આપણાં સફળતા/સિદ્ધિ વિષયક જરીપુરાણા ખ્યાલોને પડકારે છે કે સફળતા એ માત્ર ને માત્ર વ્યક્તિગત તેજસ્વિતા અને સખત મહેનતનું જ પરિણામ હોય છે. સફળ વીરોની પાછળ તેમનાં સાંસ્કૃતિક વારસા, સામાજિક વાતાવરણ, યુગબળ અને મળેલી તકનો બહુ મોટો ફાળો હોય છે. લેખક આપણને સફળતાની પૂર્વભૂમિકામાં રહેલાં અદૃશ્ય એવાં અનેક પરિબળો ઉપર પ્રકાશ ફેંકી તેના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વ્યક્તિઘડતરની પ્રક્રિયાને જોતાં શીખવે છે. કોઈ જ પુરુષ, સ્ત્રી, બાળક યા કેનેડીયન હૉકી પ્લેયર એકાકી ટાપુ જેવો નથી. તે ઘણી બધી બાબતો, પરિબળો સાથે ઘણી રીતે જોડાયેલો-સંકળાયેલો હોય જ છે, ત્યારે જ તેનો વિકાસ શક્ય બને છે. અસાધારણ સફળતા, તેને મળેલી વિવિધ તક-શ્રુંખલા, લકી બ્રેક્સ અને ઘટના સમુચ્ચય, તેની ૧૦ હજાર કલાક જેવી પ્રેક્ટિસ જેવાં ઘણાં પાસાંઓને આભારી હોય છે.

ચાવીરૂપ ખ્યાલો :

૧ - ૧૦,૦૦૦ કલાકનો નિયમ :

ગ્લેડવેલ તેનાં સંશોધન અને ઉદાહરણોથી તારવે છે કે કોઈપણ વિશ્વસ્તરીય તજજ્ઞતા, સિદ્ધિ અને સફળતા માટે જે તે વ્યક્તિએ લગભગ ૧૦ હજાર કલાકની પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. આને માટે તેનો સાંસ્કૃતિક ઉછેર અને મળતી જતી વિવિધ તક પણ ખૂબ મહત્ત્વનાં છે.

૨ - સાંસ્કૃતિક વિરાસત : વ્યક્તિના ઘડતરમાં તેની પારિવારિક પશ્વાદભૂમિકા, સાંસ્કૃતિક-વ્યાવસાયિક વિરાસત મુજબ તેનો ઉછેર અગત્યનાં હોવા ઉપર લેખક ભાર મૂકે છે. વ્યક્તિનાં વલણો અને વ્યવહાર, તેના દૃષ્ટિકોણ તેના સાંસ્કૃતિક વારસાથી ઘડાતાં હોય છે જે તેની સફળતા કંડારવામાં અસરકારક ભાગ ભજવે છે.

૩ - મેથ્યુ અસર : એટલે એક્યૂમ્યુલેટેડ એડવાન્ટેજ-સંચિત લાભનો નિયમ. જેઓ ઉંમરમાં, તકમાં, તાલીમમાં, સંસાધન ઉપયોગમાં ઓલરેડી આગળ હોય તેમને પ્રગતિ અને પ્રાપ્તિ જલદી થાય છે. જ્યારે જેઓ ગેરલાભ સાથે જ શરુઆત કરે છે તેમણે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.

૪ - તકો અને ટાઈમિંગ : લેખક ગ્લેડવેલ કહે છે કે વ્યક્તિની સફળતાયાત્રામાં અને વિકાસરેખામાં તેની જન્મતારીખ, ટાઈમિંગ, તકો, તાલીમ, સંસાધન પ્રાપ્તિ વગેરેની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહે છે.

૫ - સખત મહેનત અને સફળતા : વ્યક્તિની આંતરિક ક્ષમતા, બુદ્ધિશક્તિનું તેની સફળતામાં યોગદાન સ્વીકારવાની સાથોસાથ લેખક, કાર્ય પ્રત્યેની સમર્પિતતા, પ્રતિબદ્ધતા અને લગનપૂર્વકની સખત મહેનતને પણ એટલું જ મહત્ત્વ આપે છે. અને તે માટેનાં વાસ્તવિક જીવનનાં ઉદાહરણો પણ આપે છે.

અવતરણક્ષમ વિધાનો :

૧ - “કોઈપણ જટિલ કાર્યને ઉત્તમતાપૂર્વક પાર પાડવામાં કે કોઈપણ કળાના પરફોર્મન્સની તજજ્ઞતા મેળવવામાં વારંવારની પ્રેક્ટિસ, નિરંતર અભ્યાસ ખૂબ જરૂરી છે. સંશોધકોએ અનેક સફળ દૃષ્ટાંતોના અભ્યાસ પરથી એક જાદુઈ આંકડો તારવ્યો છે કે ૧૦,૦૦૦ કલાકની પ્રેક્ટિસ તમને પૂર્ણ સફળતાની નિકટ મૂકી આપશે.”

૨ - “સિદ્ધિ એટલે બુદ્ધિમત્તા અને મહેનતપૂર્વકની તૈયારીનો સરવાળો, એમ મનાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિકોના ઝીણવટભર્યા સંશોધને જોયું છે કે એવા ગીફ્ટેડ લોકોની કારકિર્દીમાં જન્મજાત બુદ્ધિપ્રતિભાનો ફાળો ઓછો, પરંતુ સખત મહેનતપૂર્વકની તૈયારી-પ્રેક્ટિસનો ફાળો વધુ હોય છે.”

૩ - “ખૂન-પસીનો સીંચ્યા વિના ખેતરમાં અનાજ ન પાકી શકે.” ચીની કહેવત.

૪ - “વર્ષનાં ૩૬૦ દિવસ જે(ખેડૂત) પ્રભાતે વહેલો ઊઠીને ખેતર જતો નથી, તે તેના પરિવારને સમૃદ્ધ બનાવવામાં નિષ્ફળ જાય છે.”

૫ - “પ્રેક્ટિસ એટલે તમે એક વાર સરસ રીતે કરી લીધી અને મૂકી દીધી એવું નહિ, પણ પ્રેક્ટિસ એટલે નિરંતર અભ્યાસ- જે તમને સદાયે સારા-કુશળ બનાવી રાખે.”

૬ - “જેઓ સફળ થાય છે તેઓ સૌથી તેજસ્વી જ હોય એવું નથી. એ જ રીતે સફળતા એટલે માત્ર આપણા વતી આપણે લીધેલા નિર્ણયો અને પ્રયાસોનો સરવાળો એવુંયે નથી. એ તો એક ‘વરદાન’-ગીફ્ટ ‘બક્ષિસ’ છે. જેમને તકની ભેટ મળી છે તે ‘outliers’ છે. જેમણે પોતાની આંતરિક તાકાત અને સમયસૂચકતાથી એને ઝડપી લીધી છે.”

૭ - “આજના આપણા સફળતાના માપદંડ જેવા લકીબ્રેક્સ અને આકસ્મિક લાભો-નસીબવંતી જન્મતારીખો અને ઇતિહાસના સુખદ અકસ્માતોનાં થાગડથીંગડ જેવા ખ્યાલોને બદલવા પડશે, અને સર્વને સમાન વિકાસની તક આપતા સમાજનું નિર્માણ કરવું પડશે તો બહેતર વિશ્વનું સર્જન શક્ય બનશે.”

૮ - “નિરર્થક અને સમજ્યા વગરની મહેનત કે ગધ્ધાવૈતરું એ તો જેલની સજા જેવું છે. સાર્થક અને સમજપૂર્વકની મહેનત, લગની અને સાતત્ય જ સફળતાનાં દ્વાર ખોલી આપે છે. બસ, પછી તમે તમારી પત્નીની કમરમાં હાથ નાખી ડાન્સ કરતા રહો, મઝા કરો!”

૯ - “આપણે ઘણી વખત બહુ ઉતાવળે અમુક લોકો ઉપર નિષ્ફળતાનું લેબલ મારી દઈએ છીએ, કારણકે અન્યની સફળતા જોઈને અંજાયેલી આપણી આંખો નિષ્ફળતાઓને-લોકોને જલદીથી પડછાયામાં ધકેલી દે છે.”

૧૦ - “કોઈપણ સિદ્ધિવીર, સફળ માનવી પોતે એકલો જ પોતાની સફળતા માટે જવાબદાર કે કારણભૂત હોતો નથી, પછી ભલે તે રોકસ્ટાર, પ્રોફેશનલ એથ્લેટ કે પ્લેયર, કરોડપતિ સોફ્ટવેર એંજીનિયર કે બુદ્ધિમંત વિદ્ધાન કેમ ન હોય ! પોતા ઉપરાંત ઘણાં બીજાં બાહ્યાંતર પરિબળોએ તેને સફળ બનાવ્યો હોય છે.”

આવાં ઘણાં અવતરણો આ પુસ્તકના મુખ્ય વિચારો અને દૃષ્ટિકોણને પ્રગટ કરનારાં જોવા મળે છે. સફળતાના સહભાગી એવાં ઘણાં પાસાંઓ-સંજોગો, મહેનત, તક, સાંસ્કૃતિક વરસો, પારિવારિક વાતાવરણ, યુગબળ, સંસાધનપ્રાપ્તિ, તાલીમ, લગની વગેરેને પણ ધ્યાનમાં લેવાનું વાચકને પ્રોત્સાહન મળે તેવી આ વાચનસામગ્રી છે.

આવા અસરકારક અને પ્રભાવી લેખકનાં અન્ય પુસ્તકો છે :

1-The Tipping Point 2-How Little things make a Big Difference 3-The Power of Thinking Without thinking. 4-Blink 5-What the Dog Saw 6-David and Goliath