Rich Dad, Poor Dad

From Ekatra Wiki
Jump to navigation Jump to search
Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Rich Dad Poor Dad.jpg


Rich Dad, Poor Dad

Robert Kiyosaki

રિચ ડૅડ, પૂઅર ડૅડ

પાવરફુલ લેસન્સ ઇન પર્સનલ ચેન્જ
રૉબર્ટ કિઓસાકી


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: અપૂર્વ વોરા


લેખક પરિચય:

રૉબર્ટ કિઓસાકી એક રોકાણકાર અને બિઝનેસમેન છે, જેમની અંગત સંપત્તિ લગભગ ૮ કરોડ ડૉલર જેટલી છે. એમની ‘રિચ ડૅડ’ એક બ્રાન્ડ છે, જેની હેઠળ ફાઇનૅન્શ્યલ સેલ્ફ હેલ્પ વિશેનાં પંદર પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેની અઢી કરોડ કરતાં પણ વધારે પ્રત વેચાઈ ગઈ છે.

પૂર્વભૂમિકા:

મને આ પુસ્તકમાંથી શું મળશે? મની મૅનેજમેન્ટ વિશે શીખવા તૈયાર થઈ જાઓ. ‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ એ રૉબર્ટ કિઓસાકી દ્વારા લખાયેલું પુસ્તક છે. તમે એને પોતાની અંગત ફાઇનૅન્શ્યલ ગાઇડ બૂક ગણી શકો. પુસ્તકનું વિષયવસ્તુ લેખકના બે ડૅડ એટલે કે પિતાની આસપાસ ફરે છે. એક તો કિઓસાકીના પોતાના પિતા (પૂઅર ડૅડ) અને એના જિગરી દોસ્ત માઇકના પિતા (રિચ ડૅડ). પૈસા કમાવા પ્રત્યેનો બંનેનો અભિગમ તદ્દન અલગ હતો. પૈસા કમાવાની બાબતમાં બંને ડૅડ એકબીજાથી જુદું જ વિચારતા હતા અને એટલે જ પૈસો કમાવાની બંનેની રીત પણ અલગ પડતી હતી. એક બાજુ એના ‘પૂઅર ડૅડ’ હતા જે પરંપરાગત શિક્ષણ અને નોકરીની સલામતીના દાયરાની બહાર નીકળવા માંગતા નહોતા. જ્યારે બીજી બાજુ એના ‘રિચ ડૅડ’ હતા જે આર્થિક બાબતોમાં સુશિક્ષિત બનવા ઉપર ભાર આપતા હતા અને ગણતરીપૂર્વકનાં જોખમ લઈને મૂડીરોકાણ કરવાના હિમાયતી હતા. પૈસા કમાવા માટે કિઓસાકી પોતાના ‘રિચ ડૅડ’ની પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે અને પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા કેટલાક કિસ્સાઓ પણ ટાંકે છે. એમના મતે આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે નાણાંકીય બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. ઍસેટ, લાયેબિલિટી, કૅશ ફ્લો અને પૈસો તમને મહેનત વગર કેવી રીતે વધારે પૈસા કમાવી આપે છે તે તમામ બાબતો વિશે જાણકારી હોવી જરૂરી છે. વધારામાં પુસ્તક તમને ‘રૅટ રેસ’ વિશે પણ જાણકારી આપે છે. રૅટ રેસ એવી બલા છે કે જેમાં અટવાયેલો માણસ રોજેરોજના ખર્ચા કાઢવા માટે મહેનત કરવામાંથી ઊંચો જ નથી આવતો, એટલું જ નહીં પણ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવાને બદલે કાયમ દેવાના ડુંગર હેઠળ દબાયેલો રહે છે. કિઓસાકી આ ચક્કરમાંથી વેળાસર બહાર નીકળી જવાની સલાહ આપે છે. એ કહે છે કે મૂડી રોકતી વખતે એ ધ્યાન રાખો કે તમારું રોકાણ તમને વધારે પૈસા કમાવી આપે, એટલે કે એક ઍસેટ સાબિત થાય. એ કહે છે કે ધનવાન બનવું હોય તો દર મહિને મળતા પગારનું પ્રલોભન છોડીને મૂડીરોકાણ દ્વારા સંપત્તિનું સર્જન કરો. ‘રિચ ડૅડ, પૂઅર ડૅડ’ સરળ અને રોચક શૈલીમાં લખાયેલું પુસ્તક છે. આર્થિક સદ્ધરતા મેળવવા માટેની ચીલાચાલુ સલાહોની ઉપરવટ જઈને એક નવી વિચારધારા રજૂ કરવા બદલ પુસ્તકની ભારોભાર પ્રશંસા થઈ છે. આર્થિક રીતે સધ્ધર બનવા માગતા વાચકોમાં આ પુસ્તક ખૂબ લોકપ્રિય થયું છે. આ પુસ્તકે અનેક વાચકોને પોતાનું આર્થિક ભવિષ્ય મજબૂત બનાવવાની પ્રેરણા આપી છે. તમારાં માબાપે તમને જિંદગી, પૈસા અને કારકિર્દીની બાબતમાં શું સલાહ આપી હતી? એમણે કદાચ એમ જ કહ્યું હશે કે ભણો, ખૂબ મહેનત કરો અને પછી સારી નોકરી કરો. તમને માનવામાં નહીં આવે પણ આ સલાહમાં બહુ દમ નથી અને છતાંયે મોટા ભાગનાં માબાપ અને સ્કૂલના શિક્ષકો બાળકોને આ જ સલાહ આપતાં હોય છે. અને હા, સ્કૂલની વાત નીકળી જ છે તો બીજો એક પ્રશ્ન: તમે ભણતા હતા ત્યારે પૈસો કમાવાની બાબતમાં તમને શું શીખવા મળ્યું હતું? જો તમારી સ્કૂલ પણ બીજી સ્કૂલ જેવી જ હશે તો એનો જવાબ છે, શૂન્ય. પણ ચિંતા કરવાની જરૂર નથી; આપણને બધાને એ જ અનુભવ થયેલો છે. પૈસો કેવી રીતે મેળવવો અને એને કેવી રીતે જાળવી રાખવો એના વિશે આપણને કોઈ ભણાવતું નથી. પણ પૈસાદાર કુટુંબો આ રહસ્યથી વાકેફ છે અને એ લોકો પેઢી દર પેઢી આ રહસ્ય વારસામાં આપતા જાય છે. સવાલ એ છે કે આપણને એ ચાવી કેવી રીતે મળી શકે?

અગત્યના મુદ્દાઓ:

૧. આજેમની પાસે પૈસો છે એ લોકો પૈસા માટે કામ નથી કરતા.

પૈસો કમાવાના પાઠ શીખતાં પહેલાં તમને એક કિસ્સો જણાવીએ. આ કિસ્સો બન્યો ત્યારે કિઓસાકીની ઉંમર હતી નવ વર્ષ. ૧૯૫૦ના દશકની આ વાત છે. રૉબર્ટ અને એનો દોસ્ત માઇક અતિશય મહત્ત્વાકાંક્ષી હતા. બંને ભારે જિજ્ઞાસુ. એમને મોટા થઈને પૈસાદાર થવું હતું. પણ એ કેમ થવાય એ વિશે એમને કોઈ જાણકારી નહોતી. એમણે પહેલાં તો ટૂથપેસ્ટની ટ્યૂબ્ઝ પિગાળીને એમાંથી સિક્કા બનાવવાનો પ્રયત્ન કરી જોયો઼, પણ સ્વાભાવિક રીતે જ એમાં એમને સફળતા ન મળી. એટલે પછી એમણે કોઈની સલાહ લેવાનું નક્કી કર્યું. બંનેએ પોતાના ડૅડને પૂછી જોયું કે પૈસાદાર કેવી રીતે થવાય. રૉબર્ટના ડૅડ, કે જે ભણેલા તો હતા પણ પૈસાદાર નહોતા. એમનો જવાબ તમે કલ્પી શકો એવો જ હતો, ‘સ્કૂલે જાઓ, ભણો અને સારી નોકરી કરો.’ સલાહ જાણીતી છે પણ એ ગેરમાર્ગે દોરનારી છે. જો તમે એ સલાહને અનુસરશો તો આખી જિંદગી કમર તૂટી જાય એવું વૈતરું કર્યા પછી કોઈક વાર તમને પગાર વધારો કે પ્રમોશન મળશે, પણ મલાઈ ખાઈ જશે બીજા બધા જ લોકો - સરકાર, વેપારીઓ અને ખાસ તો તમારા બૉસ. બીજા શબ્દોમાં કહીએ તો રૉબર્ટના પૂઅર ડૅડનું કહેવું હતું કે બેટા, રૅટ રેસમાં જોડાઈ જા અને તારા પોતાના સિવાય બધા માટે વૈતરું કર. જો કે ઘણા લોકો આજે પણ પૂઅર ડૅડના રસ્તે ચાલે છે, પણ એમની સમસ્યા છે ડર. સમાજે આપણા મનમાં અમુક ગ્રંથિ ઘુસાડી દીધી છે. આપણી પાસે ભણીગણીને નોકરી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે અને એટલે એ ધૂંસરી ઉખાડીને ફેંકી દેવાનો આપણને ડર લાગે છે. આપણને કહેવામાં આવ્યું છે કે સારી નોકરી કર્યા સિવાય પૈસો પ્રાપ્ત કરવો અશક્ય છે. એટલે આપણે પહેલાં તો ભણવા માટે મહેનત કરીએ છીએ અને પછી એનાથીયે વધારે મજૂરી નોકરી કરવામાં કરીએ છીએ. પરિણામ? આપણે ગરીબીથી તો બચી જઈએ છીએ, પણ અમીર કદી થઈ શકતા નથી. પણ બધા જ લોકો પોતાનાં સંતાનોને મજૂરી કરવાની સલાહ નથી આપતા. માઇકના ડૅડ જેવા કેટલાક એવા લોકો પણ છે, જે પૈસો કમાવાની તરકીબ જાણે છે. એમણે બંને મિત્રોને પાંખમાં લીધા અને પૈસાદાર થવાના રસ્તા બતાવ્યા. માઇકના ડૅડનું સૂચન શું હતું? શરૂઆતમાં તો એમણે કાંઈ ના કહ્યું. એમણે કિઓસાકી સાથે એક ડીલ કરી, ‘તું મારા માટે કલાકના દસ સૅન્ટના પગારે કામ કરવા તૈયાર હોય તો હું તને પૈસાદાર થવાની તરકીબ બતાવીશ.’ રૉબર્ટ તૈયાર થઈ ગયો. પણ થોડાં અઠવાડિયાં સુધી એનું શોષણ થયું એટલે એ ‘રિચ ડૅડ’ પાસે પાછો ગયો. એના ગુસ્સાનો પાર નહોતો. એણે નોકરી છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. ‘વચન પાળવાને બદલે તમે મારું શોષણ જ કર્યું છે. આટલાં અઠવાડિયાં થઈ ગયાં પણ પૈસા કમાવાનો કક્કો પણ મને શીખવાડ્યો નથી.’ પણ એના ગુરુએ એને સસ્મિત જણાવ્યું કે એ જ એનો પહેલો પાઠ હતો! રૉબર્ટ કિઓસાકીને ભાન થઈ ગયું કે જિંદગીમાં ઘણી વાર તમારે ઠેબાં ખાવાં પડે છે. એને એ પણ સમજાયું હતું કે પૈસા માટે નોકરી કરવાથી અમીર બનાતું નથી. એટલે જ કહ્યું છે કે પૈસાદાર લોકો પૈસા માટે કામ કરતા નથી. તમને થશે કે એ લોકો પૈસા માટે કામ કરતા નથી તો એમની પાસે આટલો પૈસો આવે છે ક્યાંથી! ચોરી-ચકારી? કે પછી લૉટરી?

૨. પૈસો કમાતાં શીખો, ઍસેટ કોને કહેવાય એ સમજો અને ગણતરીપૂર્વકનું મૂડીરોકાણ કરો:

પહેલાં તો પેલા પ્રશ્નનો જવાબ આપીએ: ના, એ લોકો ચોરી પણ નથી કરતા અને લૉટરીની ટિકીટો પણ નથી ખરીદતા. પૈસાદાર લોકો પોતાની મૂડી એવી રીતે રોકે છે કે પૈસો જ એમને વધારે પૈસા કમાવી આપે. કિંમતી વસ્તુઓ અને વૈભવ પાછળ બિનજરૂરી ખર્ચા કરવાને બદલે એ લોકો પોતાની સંપત્તિનો અમુક ભાગ વિવિધ પ્રકારની ઍસેટ્સમાં રોકે છે. પછી પૈસા માટે એમણે જાતે કામ કરવાની જરૂર રહેતી નથી; એમની ઍસેટ્સ જ એમને પૈસા રળી આપે છે. પણ આપણે ખોટા આગળ નીકળી ગયા. આપણે છેલ્લે વાત કરી ત્યારે રૉબર્ટ હજી બચ્ચું હતો. ઍસેટ એટલે શું એની એને ખબર જ નહોતી. પણ માઇકના ડૅડ, એટલે કે ‘રિચ ડૅડ’ની શિખામણથી હવે બધું બદલાઈ જવાનું હતું. એક દિવસ એમણે બંને છોકરાઓને પાસે બેસાડ્યા અને એમને ઍસેટ વિશે સમજણ પાડી. એમણે કહ્યું કે પૈસાદાર લોકો ઍસેટ્સમાં રોકાણ કરે છે. જેમની પાસે ઓછા પૈસા છે એ લોકો લાયેબિલિટીઝ એટલે કે ખોટના ધંધા પાછળ પૈસા વેડફે છે, જો કે એમને એવી ગેરસમજ હોય છે કે પોતે જે ખરીદી રહ્યા છે એ ઍસેટ છે. એમણે સમજાવ્યું કે ઍસેટ એટલે એ મૂડીરોકાણ કે જે તમને વધારે પૈસો કમાવી આપે. લાયેબિલિટી એટલે એવું મૂડીરોકાણ કે જે તમને ખર્ચા કરાવે. આ તફાવતને ધ્યાનમાં રાખવો બહુ જરૂરી છે. ઘણા લોકો આ સમજવામાં થાપ ખાય છે. ઉદાહરણ જૂઓ. લોકો માને છે કે મકાન ખરીદવું એક ઍસેટ છે. બરાબર? પણ હકીકતમાં એ બહુ મોટી લાયેબિલિટી છે. મકાન ખરીદવું એટલે સરેરાશ ૩૦ વર્ષ સુધી લોનના હપ્તા ભરવાના અને વધારામાં પ્રૉપર્ટી ટૅક્સનો ખર્ચો. મતલબ કે તમારી મૂડીનું ધોવાણ. લોનથી ઘર લેવામાં બેવડું નુકસાન છે. એક તો તમારે આવતા ત્રીસ વર્ષ સુધી દર મહિને હપ્તા ભરવા પડે. એ પૈસા ક્યાંક બીજી રીતે રોકવાથી તમને એમાંથી જે કમાણી થાત એ ગુમાવવી પડે એ બીજું નુકસાન. ‘રિચ ડૅડ’ની વાતનો સાર એટલો જ કે પૈસાદાર થવા માટે ઍસેટમાં રોકાણ કરો. જો લાયેબિલિટીમાં ફસાયા તો કદી ઊંચા નહીં આવો. એક ગરીબ માણસનો પગાર ભાડું, ટૅક્સ અને ગ્રોસરી જેવા રોજિંદા ખર્ચામાં વપરાઈ જાય છે. મધ્યમવર્ગના માણસને આ બધા ઉપરાંત ઘરની લોનના હપ્તા, બાળકોની કૉલેજ લોનના હપ્તા, ક્રેડિટ કાર્ડના હપ્તા અને બીજાં દેવાંના પણ ખર્ચા હોય છે. જ્યારે પૈસાદાર લોકો? એમને પગારની જરૂર જ નથી હોતી. એમનું મૂડીરોકાણ જ એમની કમાણીનું સાધન હોય છે અને એ કમાણી એટલી હોય છે કે એમાંથી શૅરબજાર અને રીયલ ઍસ્ટેટ જેવી બીજી ઍસેટમાં રોકાણ કરી શકાય કે જેમાંથી ડિવિડન્ડ અને ભાડાના રૂપમાં વધારાની આવક ઊભી થાય છે , અને આ રીતે એમની સંપત્તિમાં સતત વધારો થતો રહે છે. આ એટલો અગત્યનો મુદ્દો છે કે હું ફરી વખત એને દોહરાવીશ: તમારા ખર્ચા ઘટાડો, લાયેબિલિટી ઘટાડો અને એ રીતે જે બચત થાય એનું ઍસેટમાં રોકાણ કરો. એ રીતે તમારો પૈસો તમારે માટે કમાણી કરશે. થોડા વખતમાં જ તમારી પાસે સારી એવી સંપત્તિ એકઠી થઈ જશે.

૩. માઇન્ડ યૉર ઓન બિઝનેસ, તમારા પોતાના માટે કમાઓ:

આ તબક્કે તમને વાંધા કાઢવાનું સૂઝશે. તમને થશે કે નોકરીને વખોડવાનું આસાન છે, પણ જો એવી એવી પણ નોકરી નહીં હોય તો રોકાણ કરવા જેટલી મૂડી ભેગી ક્યાંથી થશે? પૈસા કાંઈ ઝાડ ઉપર નથી ઊગતા. ના. અમે તમને નોકરી છોડી દેવાનું નથી કહેતા. કમ સે કમ હમણા તો નહીં જ, પણ કિઓસાકી એમના ત્રીજા લેસનમાં કહે છે એ પ્રમાણે તમારે વહેલો મોડો તો પોતાનો ધંધો ચાલુ કરવો જ પડે. માઇન્ડ યૉર ઓન બિઝનેસ એટલે બીજાની વાતમાં માથું ન મારો એવું નહીં. અહીં તમારે સાદો શાબ્દિક અર્થ કાઢવાનો છે, મતલબ કે પોતાનો ધંધો ચાલુ કરવાનો છે, તમારા બૉસ માટે નહીં પણ તમારા પોતાના માટે કમાવાનું છે. પૈસા કમાવા માટે પગાર વધારવા કે બોનસ કે પછી પ્રમોશન ઉપર આધાર રાખવાને બદલે તમારા પોતાના ઍસેટ પોર્ટફોલિયોમાંથી કમાણી કરવાની છે. પણ જ્યારે પર્સનલ ફાયનાન્સની વાત આવે ત્યારે તમારા પ્રોફેશન અને તમારા ધંધા વચ્ચેની ભેદરેખા પણ સમજવી જરૂરી છે. પ્રોફેશન એટલે તમે તમારો ખર્ચો કાઢવા માટે અઠવાડિયાના ચાળીસ કલાક જે પ્રવૃત્તિ કરો છો તે. એમાં તમને ડૉક્ટર અથવા રેસ્ટોરન્ટ માલિક કે એવું કોઈ લેબલ મળે છે. જ્યારે તમારો ધંધો એટલે એવી પ્રવૃત્તિ જેમાં સમય અને નાણાંનું રોકાણ કરવાથી તમારો ઍસેટ પોર્ટફોલિયો તૈયાર થાય, જે આપોઆપ તમારા માટે પૈસા પેદા કરે. આપણે એ જોઈએ કે આ વાતને રૉબર્ટની આર્થિક સદ્ધરતા સાથે શું સંબંધ છે. જ્યારે એ નાનો હતો ત્યારે એના ‘પૂઅર ડૅડ’ તો એને સલામત નોકરી શોધવાની જ સલાહ આપતા, જ્યારે એના ‘રિચ ડૅડ’ એને ઍસેટ એકઠી કરવા માટે સમજાવતા. તો એણે કોની સલાહ માની હશે? હા, તમારું અનુમાન સાચું છે: એણે ‘રિચ ડૅડ’ની જ સલાહ માની હતી. એણે નવ વર્ષની ઉંમરે પોતાનો પહેલો બિઝનેસ ચાલુ કર્યો. એણે પોતાના એક મિત્રની બહેનને આસપાસના વિસ્તારનાં બાળકોને કૉમિક બૂક્સ ભાડે આપવા માટે કામે રાખી. કામ બીજા કરે, એણે ફક્ત પૈસા કમાવાના! મોટા થયા પછી એણે નિયમિત નોકરી પણ કરી. એણે ઝેરોક્સ અને સ્ટાન્ડર્ડ ઑઇલ ઑફ કૅલિફૉર્નિયા જેવી મોટી કંપનીઓમાં પણ કામ કર્યું. એ વખતે પણ એ ખર્ચા અને લાયેબિલિટીઝ ઓછાં રાખવા પ્રત્યે સજાગ રહેતો, અને પગારમાંથી જે બચત થતી એનું ઍસેટ પોર્ટફોલિયો બનાવવામાં રોકાણ કરતો. આ રીતે એ પોતાનો ધંધો કરતાં શીખ્યો. એની નોકરી તો ચાલુ જ હતી પણ એ અમીર બન્યો એ એની ઍસેટની વૃદ્ધિ થવાને કારણે. જે રીતે એ પોતે પેલી કંપની માટે કામ કરતો હતો એ ઉપરથી એને સમજાયું કે એની ઍસેટ એને એક કર્મચારીની જેમ કમાવી આપે છે. એ જેટલા ડૉલર ઍસેટ્સમાં રોકાણ કરવા પાછળ ખર્ચતો હતો એ તમામ જાણે એને માટે કામ કરીને એને ધીમે ધીમે અમીર બનાવતા હતા, એ આરામથી ઊંઘતો હોય ત્યારે પણ પેલા ઍસેટમાં રોકેલા ડૉલરની કમાણી ચાલુ જ રહેતી. મજા પડે એવી વાત છે, નહીં? તમારે પણ પૈસાદાર થવું હશે તો આમ જ કરવું પડશે. પગાર, બોનસ અને પ્રમોશન ભેગાં મળીને પણ તમને અમીર બનાવી નહીં શકે, પણ તમારા પગારમાંથી તમે ઍસેટ બનાવવા માટે શરૂઆત જરૂરથી કરી શકો. તો એનો અર્થ એ થયો કે તમારે તમારા પ્રોફેશન અને બિઝનેસ વચ્ચેનો તફાવત સમજવો રહ્યો, કારણ કે બેમાંથી એક જ તમને પૈસાદાર બનાવશે, અને એ છે ઍસેટ મૅનેજમેન્ટનો ધંધો.

૪. ટૅક્સના નિયમો અને નાણાંકીય કાયદાઓનો અભ્યાસ કરશો તો જે સિસ્ટમ તમને અટકાવવા માટે બનાવવામાં આવી છે એનાથી તમે હંમેશાં આગળ જ રહેશો.

રૉબર્ટ સ્કૂલમાં ભણતો ત્યારે રૉબિન હૂડની વાર્તા એને બહુ ગમતી. રૉબિન એક બહારવટિયો હતો જે અમીરોને લૂંટતો અને ગરીબોની મદદ કરતો. રૉબર્ટને આ વાર્તામાં બહુ મજા આવતી પણ એના ‘રિચ ડૅડ’ના મતે રૉબિન હૂડ બદમાશ હતો. એમને ટૅક્સ સિસ્ટમ પર ગુસ્સો હતો. એ માનતા કે ટૅક્સ સિસ્ટમનાં મૂળ રૉબિન હૂડ જેવી વાર્તાઓમાં જ રહ્યાં છે. એમના મતે સરકાર પણ રૉબિન હૂડની જેમ પૈસાદાર લોકો પાસેથી પૈસા પડાવીને ગરીબોમાં વહેંચીને સેવા કર્યાનો સંતોષ માને છે. પણ હકીકતમાં આમ નથી બનતું. ‘રિચ ડૅડ’ માનતા કે ટૅક્સનો ખરો બોજ પૈસાદાર વર્ગ ઉપર નહીં પણ મધ્યમ વર્ગના માથે હોય છે. પૈસાદાર વર્ગ પાસે તો વકીલોની ફોજ હોય છે. એ લોકો ચાલાકી વાપરીને કાયદાની છટકબારીઓ શોધી કાઢે છે અને ટૅક્સ ભરવાની માથાકૂટમાંથી આબાદ બચી જાય છે. ટૅક્સથી બચવા માટે પૈસાદાર લોકોનું એક સાધન છે કૉર્પોરેટ સેટ અપ. એનો ઉપયોગ કરીને એ લોકો ખર્ચામાં બાદ મેળવે છે અને એ બધી બાદબાકી પછી વધેલી રકમ પર જ ટૅક્સ ભરે છે. વ્યક્તિગત ટૅક્સ પેયરને પહેલાં ટૅક્સ ભરવો પડે છે અને પછી જ બાકીની રકમ વાપરી શકે છે. આ મુદ્દો સમજવા જેવો છે. તમે કલ્પના કરી જુઓ કે તમે જે વાપરી નથી નાખતા એટલા જ પગાર ઉપર તમારે ટૅક્સ ભરવાનો હોય તો કેવું સારું પડે! કૉપોરેટ કંપનીનો તો પોતાની ઍસેટને બાજુએ રાખી દે છે એટલે એમને મધ્યમ વર્ગના લોકોની જેમ ટૅક્સ નથી ભરવો પડતો. કૉર્પોરેટ કંપની બનાવવામાં બીજા પણ અનેક ફાયદા છે. તમે કૉર્પોરેટ કંપની બનાવો એટલે તમારી જવાબદારીઓ મર્યાદિત થઈ જાય છે. એટલે કે તમારી કંપની ડૂબી જાય તો પણ તમારી અંગત સંપત્તિને ઊની આંચ નથી આવતી. જો તમે વ્યક્તિગત ટૅક્સ પેયર છો તો તમારે તમારી બધી જ પ્રૉપર્ટી વેચી સાટીને, નાદારી નોંધાવીને પણ બાકી લોનનું લેણું ચૂકવવું પડે છે. એને બદલે જો કૉર્પોરેટ કંપની દેવાળામાં જાય અને લેણદારોને એમનું લેણું ચૂકવવી ન શકે તો? એ સંજોગોમાં માલિક પોતાનું મૂડીરોકાણ ગુમાવે છે, પણ એનાથી વધારે કાંઈ નહીં. એમનાં વૈભવી મકાન કે ફાર્મ હાઉસને કોઈ હાથ પણ લગાડી શકતું નથી. તો આમાંથી શું શીખવા જેવું છે? એ જ, કે ટૅક્સની માયાજાળને સમજીને પૈસાદાર લોકો એનાથી આસાનીથી બચી જાય છે.

૫. આપણામાંથી મોટા ભાગના લોકોને આર્થિક બાબતોમાં કોઈ ગતાગમ પડતી નથી.

ઓકે, તો આપણે રૉબર્ટ કિઓસાકીની વાત ઉપર પાછા આવીએ. જ્યારે માઇક અને રૉબર્ટ બંને નાના હતા, ત્યારે રિચ ડૅડે બંનેને પોતાની પાંખમાં લીધા અને એમને પોતાની ધંધાકીય લેવડદેવડની સંપૂર્ણ માહિતી આપી. એ બંને જણા બૅંકર્સ, લૉયર્સ અને અકાઉન્ટન્ટ્સ સાથેની મીટિંગોમાં પણ હાજર રહેતા. એને કારણે સફળ ધંધાદાર બનવા માટે શું શું જરૂરી છે એ બાબત એ લોકો સારી રીતે સમજી શક્યા. બંને છોકરાઓને આ રીતે ઘણું અને ઘણું ઝડપથી શીખવા મળ્યું, પણ સાથે સાથે જ એક સમસ્યા ઊભી થઈ. એ લોકો ધંધાની આંટીઘૂંટીઓ તો શીખી રહ્યા હતા પણ સ્કૂલના અભ્યાસમાં બંને જણા પાછળ રહી જવા લાગ્યા. એમને તો વારંવાર એમ જ કહેવામાં આવ્યું હતું કે સફળ થવા માટે ખૂબ ભણવું જરૂરી છે, પણ એ માટે આર્થિક બાબતોની જાણકારી પણ અગત્યની છે એવું તો રિચ ડૅડ સિવાય કોઈએ કહ્યું નહોતું. સેવિંગ્ઝ અને ઇન્વેસ્ટમેન્ટ કરવા વિશે બાળકોને શીખવવામાં નથી જ આવતું. એટલે જ ચક્રવૃદ્ધિ વ્યાજ અને એવા બધા વિષયોમાં એ લોકોને કોઈ ગતાગમ પડતી નથી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ ક્રૅડિટ કાર્ડ વડે લિમિટ બહારના ખર્ચા કરી દે છે એ આ વાતનો એક પુરાવો છે. અને આવી બાબતોમાં ‘ઢ’ હોવું એ માત્ર કૉલેજમાં ભણતા જુવાનિયાઓની જ સમસ્યા છે એવું નથી. ભણેલા ગણેલા પુખ્ત ઉંમરના ઘણા લોકો પણ પૈસાની વાતમાં કશું જાણતા નથી. વિચારી જુઓ. મોટા ભાગના લોકો રીટાયરમેન્ટ પછી પોતાનું ગાડું કેવી રીતે ગબડશે એ વિશે કશું વિચારતા જ નથી. યુ એસ એ માં ૫૦% લોકોને પૅન્શન નથી મળતું, અને જેમને મળે છે એમાંના લગભગ ૮૦%ના પેન્શન પ્લાન કોઈ કામના નથી. મતલબ કે આપણી શિક્ષણ વ્યવસ્થા જ એવી છે કે આપણે આર્થિક બાબતો વિશે સાવ અંધારામાં રહીએ છીએ. કિઓસાકી આ જ બાબત શીખવા ભારપૂર્વક જણાવે છે. તો હવે પૈસા કમાતા શીખો અને એક યોજના તૈયાર કરો.

૬. આર્થિક બાબતોનું શિક્ષણ મેળવવાનાં ત્રણ પગલાં- તમારી હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો, તમારું લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય સુધી પહોંચવાની યોજના બનાવો.

આઆર્થિક લક્ષ્યાંકો નક્કી કરીને એ સિદ્ધ કરવાનો પ્રયત્ન તમે કોઈ પણ ઉંમરે ચાલુ કરી શકો છો, પણ સ્વાભાવિક રીતે જ, ૨૦ વર્ષની ઉંમરથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરશો તો ૩૦ વર્ષે ચાલુ કરો એના કરતાં વધારે જ ફાયદો થવાનો છે. જો કે ઉંમર જેટલી હોય એટલી, સફળ થવાનાં ત્રણ પગલાં તો એનાં એ જ રહે છે. પહેલાં તો તમારી હાલની આર્થિક પરિસ્થિતિનો ક્યાસ કાઢો. ત્યાર બાદ તમારા લક્ષ્યાંક નક્કી કરો અને છેલ્લે, ત્યાં સુધી પહોંચવા માટે જરૂરી આર્થિક જ્ઞાન મેળવી લો. આપણે આ ત્રણ મુદ્દાઓની જરા વધુ છણાવટ કરીએ. હાલની નોકરીમાંથી તમે કેટલી આવક મેળવી શકો છો? એ આવકમાંથી કેટલા ખર્ચા તમે આરામથી કરી શકો એમ છો? તમને ખ્યાલ હોવો જોઈએ કે જે નવી મર્સીડીસ જોઈને તમારા મોંમાં પાણી આવે છે એ અત્યારે તમને પરવડે એમ નથી. યાદ રાખો, તમારું આકલન પ્રામાણિક હોવું જરૂરી છે. ઉપરાંત જે પૈસા હજી તમારા હાથમાં નથી આવ્યા એની ઉપર આધાર ના રાખો. આ પછી તમે સમજી વિચારીને વાસ્તવિક હોય એવા લક્ષ્યાંકો નક્કી કરો. પાંચ વર્ષમાં મર્સીડીસ ખરીદવાનો પ્લાન બનાવવામાં કોઈ તકલીફ નથી. કિઓસાકીની પત્નીએ વર્ષો સુધી રાહ જોયા પછી પોતાનાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્ઝના ભાડાની આવકમાંથી મર્સીડીસ ખરીદી હતી. અને હવે વાત આવે છે કમાણી કરવા માટેનું જરૂરી જ્ઞાન મેળવવાની. યાદ રાખો: તમારું દિમાગ એ તમારી સૌથી કિમતી ઍસેટ છે અને એનું ઘડતર એ તમારું સૌથી અગત્યનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઉદાહરણ તરીકે, જો તમને રીજેક્ટ થવાનો ડર લાગતો હોય તો કોઈ નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં થોડો સમય કામ કરી જુઓ. તમને બહુ જબરદસ્ત પગાર તો નહીં મળે, પણ તમારા આત્મવિશ્વાસમાં અને સેલ્સની આવડતમાં તો નક્કી વધારો થશે, જે ભવિષ્યમાં બહુ ઉપયોગી સાબિત થશે. તમે તમારા ફાજલ સમયનો ઉપયોગ આર્થિક બાબતોને સમજવા માટે કરી શકો છો. એનું શિક્ષણ આપતા ક્લાસીઝ કે સેમિનારમાં પણ જોડાઈ શકો છો. એ વિષયનાં પુસ્તકો વાંચવાથી પણ લાભ થશે, અને નિષ્ણાતો પાસેથી સલાહ લેવાના ફાયદા તો છે જ. તમે સમજ્યા? પૈસા કમાવા માટે ઉપર જણાવેલાં ત્રણ પગલાં ભરશો તો તમારા પૈસાદાર થવાની અને પાંચ વર્ષ પછી તમારા ગરાજમાં પેલી મર્સીડીસ પાર્ક થયેલી હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

૭. ફાઇનેન્શ્યલ ઇન્ટેલિજન્સ અને હિંમતના ઉપયોગથી પૈસાદાર લોકો કોઈ પણ પરિસ્થિતિમાં પૈસો પેદા કરી શકે છે.

આપણે જોઇશું કે પૈસો કમાવા માટે તમારો ઍટિટ્યૂડ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે. પોતાની આર્થિક પરિસ્થિતિ બદલવી હશે તો તમારે પૈસા જરા જુદી રીતે વાપરવાની ટેવ પાડવી પડશે. સૌથી પહેલાં તો તમારે જોખમ લેતાં શીખવું પડશે. દુનિયામાં સફળ થવા માટે બુદ્ધિ કરતાં હિંમત વધારે મદદરૂપ થાય છે. તમામ ધનવાન લોકોમાં જોખમ લેવાની સાહસિક વૃત્તિ હોય જ છે. જો ડરતા રહેશો તો આવેલી તક ગુમાવવાનો વારો આવશે. એટલે જ ભણેશ્રી અને બુદ્ધિશાળી લોકો પૈસા કમાવાની બાબતમાં ગોથાં ખાતા હોય છે. નોકરી છોડીને ધંધા પાછળ દોડીશું તો લોકો શું કહેશે એનો ડર એમને રૅટ રેસ છોડીને સાહસ કરતાં અટકાવે છે. પૈસા ગુમાવવાનો એમને એટલો ડર લાગતો હોય છે કે શેરબજાર કે બીજી ઍસેટ્સમાં એ લોકો રોકાણ કરતા જ નથી. સફળ થવા માટે જિગર જોઈએ એ વાત જ એ ભૂલી જાય છે. એટલે મૂડીબજારમાં સફળ થવા માટે બે બાબતો જરૂરી છે. એક તો આવડત અને બીજી હિંમત. પૈસાદાર માણસોની આ જ બે ખાસિયતો છે કે જે એમને સામાન્ય લોકોથી જુદા પાડે છે. પૈસા વિશેની સમજણના જોરે અમીર લોકો કોઈ પણ પરિસ્થિતિમાંથી પૈસો પેદા કરી શકે છે. તક પારખવામાં એ લોકો પાવરધા હોય છે, એનો લાભ લેતાં એમને આવડે છે અને એ માટેની હિંમત એમની પાસે હોય છે. બહારથી જુઓ તો તમને એમ જ લાગે કે એ લોકો નસીબદાર છે, પણ હકીકતમાં પોતાનું નસીબ એ લોકો જાતે ઘડે છે. ‘રિચ ડૅડ’ની બિઝનેસ મીટિંગમાં નિયમિત રીતે હાજરી આપ્યા પછી માઇક અને રૉબર્ટ એ પાઠ શીખ્યા જે એમને કોઈ સ્કૂલમાં શીખવા ન મળત. વાસ્તવમાં સફળ થવા માટે માત્ર મહેનત નહીં, હિંમત પણ જરૂરી છે. હિંમત અને પૈસા વિશેની જાણકારીની મદદથી તમે તક પારખતાં શીખો છો અને એનો બને એટલો લાભ ઉઠાવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો ન હોય ત્યાંથી પણ તમે પૈસા ઊભા કરી શકો છો.

૮. સલામત રસ્તા શોધવાને બદલે શેર, બૉન્ડ અને ટૅક્સ લીએન સર્ટિફિકેટમાં નાણાં રોકો

સારું, તો આપણે જોખમ લેવું એટલે શું તે વિશે જરા વિસ્તારમાં સમજીએ. પહેલાં તો જોખમ લેવું એટલે સેવિંગ્ઝ એકાઉન્ટ કે ફિક્સ્ડ ડીપોઝિટ જેવાં સલામત રોકાણ કરવાને બદલે કાંઈક અલગ કરવું. શેર માર્કેટ કે બૉન્ડ્ઝમાં પૈસા રોકવા. હંમેશાં સેફ રમવાને બદલે શેરબજારમાં અને બૉન્ડમાં નાણાં રોકવાનું શરૂ કરો. અલબત્ત, બૅંકમાં ફિક્સ્ડ ડીપોઝિટમાં રોકાણ કરવાની સરખામણીએ આમાં જોખમ વધારે તો છે પણ એમાં વળતર પણ અનેક ગણું વધારે મળે છે. અને ઘણી વાર એમાં સમય પણ ઓછો લાગે છે. શેરબજારમાં ન પડવું હોય તો રોકાણ કરવાના બીજા પણ ઘણા રસ્તા છે, જે લાંબે ગાળે તમારી સંપત્તિમાં વધારો કરી આપે છે. રીયલ ઍસ્ટેટ કે પછી ટૅક્સ લીએન સર્ટિફિકેટમાં રોકાણ કરી શકાય. એમાં ઘણી વાર ૩૦% જેટલું ઊંચું મળતર રહેતું હોય છે. અલબત્ત, કમાણી વધારે હોય એવા રસ્તામાં જોખમ પણ વધારે હોય. શેરબજારમાં તમારે ઘણી વાર મૂડીથી પણ હાથ ધોવાનો વારો આવી શકે છે. પણ જોખમ નહીં લો તો ક્યારે ય કમાઈ નહીં શકો. જોખમ વધુ તો કમાણી પણ વધું. રિચ ડૅડ આપણને એ જ સલાહ આપશે.

૯. પૈસા માટે કામ કરવા કરતાં શીખવા માટે કામ કરવું વધારે અગત્યનું છે.

અત્યાર સુધી આપણે એ શીખ્યા કે તમારો પૈસો તમારે માટે કમાઉ દીકરો પુરવાર થવો જોઈએ. એ સિવાય પૈસા કેવી રીતે કમાવાય એની સમજણ અને હિંમતનું મહત્ત્વ પણ આપણે સમજ્યા. પણ રિચ ડૅડ પાસેથી હજી એક અગત્યનો પાઠ શીખવા જેવો છે. કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થયા પછી રૉબર્ટને તરત એક ઊંચા પગારવાળી નોકરી મળી ગઈ. મોટા ભાગના લોકો માટે તો આ સપનું સાકાર થવા જેવડું લાગે. રૉબર્ટના ભણેલા પણ ગરીબ ડૅડને પણ એમ જ લાગ્યું હતું. એમને મન તો સલામત કારકિર્દી એટલે કાયમની નિરાંત. પણ રિચ ડૅડનો અને રૉબર્ટનો મત જુદો હતો. છ મહિનામાં તો નોકરી છોડીને વિમાન ઉડાડતાં શીખવા માટે એ મરીન કૉરમાં જોડાયો. એના પૂઅર ડૅડને તો આંચકો લાગ્યો. પણ રિચ ડૅડ બહુ ખુશ થયા. કેમ? એમને આંધળું જોખમ ખેડવાનો શોખ હતો એટલે? ના, પણ એમને ખ્યાલ હતો કે રૉબર્ટ શું વિચારતો હતો. એ જોઈ શક્યા કે સારા પગારની સલામત નોકરી પકડીને બેસી રહેવું રૉબર્ટને પસંદ નહોતું; એ કાંઈક નવું શીખવા માગતો હતો, કાંઈક નવું જાણવા માગતો હતો. એના રિચ ડૅડ એને કહેતા આવ્યા હતા કે પૈસા કમાવા હોય તો ઘણી બધી વસ્તુઓ વિશે જાણકારી મેળવવી જરૂરી છે. એમને ખ્યાલ આવી ગયો કે રૉબર્ટ પૈસા માટે નહીં પણ કાંઈક શીખવા માટે કામ કરવા માગતો હતો. પૈસા તો એ ઍસેટ્સ ભેગી કરીને કમાઈ જ લેવાનો હતો. પણ એના પૂઅર ડૅડ આ વાત સમજી ન શક્યા. એમની દૃષ્ટિએ આવી મૂર્ખામી કરે એ કદી પૈસા કમાઈ ન શકે. એ પોતે ઍકેડેમિક હતા. એમણે પીએચડી કર્યું હતું. એ માનતા હતા કે જાતજાતની બાબતો વિશે અછડતી માહિતી હોય એ કરતાં કોઈ એક વિષય ઉપરનું પ્રભુત્વ હોવું વધારે મહત્ત્વનું છે. ભણવામાં તો જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમારું અભ્યાસનું ક્ષેત્ર નાનું ને નાનું થતું જાય છે, જેમ કે ડૉક્ટરોમાં જોવા મળતું હોય છે. ઘણા લોકો આનાથી અલગ વિચારી જ શકતા નથી. જો કે, પૂઅર ડૅડને એમની પીએચડીની ડીગ્રીએ ખાસ કમાણી કરાવી આપી નહોતી, જ્યારે રિચ ડૅડ આઠમી ફેલ હતા તો યે એમને ઘણાં બધા વિષયોની જાણકારી હતી અને એ સમૃદ્ધિમાં આળોટતા હતા. એટલે જ એમણે રૉબર્ટ અને માઇક બંનેને પોતાના બિઝનેસમાં જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં અનુભવ લેવાની સલાહ આપી. બે જણાએ ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, ક્યારેક સેલ્સમાં, માર્કેટિંગમાં અને ક્યારેક અકાઉન્ટ્સમાં કામ કરવાનો અનુભવ લીધો. આમ કરવાનો મતલબ એ નહોતો કે એમાંથી એક કામ પસંદ કરીને એમાં કારકિર્દી બનાવવી. મૂળ મક્સદ એ હતો કે બિઝનેસનાં બધાં જ પાસાં વિશે પાયાનું જ્ઞાન મેળવવું, જે આગળ ઉપર એમને પૈસો કમાવામાં મદદરૂપ થઈ પડે. પૈસા માટે જ કામ કરવા કરતાં શીખવા માટે કામ કરવું જરૂરી છે.

સારાંશ:

તો આપણે રૉબર્ટ કિઓસાકીના રિચ ડૅડ અને પૂઅર ડૅડ બંને પાસેથી અમીર બનવા વિશે છ અગત્યના પાઠ શીખ્યા. યાદ રાખો કે કિઓસાકી પોતાનું કરોડો ડૉલરનું સામ્રાજ્ય ઊભું કરી શક્યા એના પાયામાં આ કેળવણી જ હતી. તમારા કાન ચમક્યા, ખરું? તો ચાલો, પાછા એ પાઠ ઉપર ફરી એક નજર નાખી લઈએ.

પહેલો પાઠ : પૈસાદાર લોકોને કમાવા માટે કામ કરવું નથી પડતું, કે આખી જિંદગી રૅટ રેસમાં ભાગવું નથી પડતું. એમ કરવાથી તો તમારા બૉસ કમાય છે.

બીજો પાઠ : પૈસો કમાતાં શીખો. સમજી વિચારીને ઍસેટ્સમાં નાણાં રોકો.

અને ત્રીજા પાઠમાંથી બોધપાઠ લો, એવું હોય તો નોકરી ચાલુ રાખો, ખર્ચા ઘટાડો, બચત કરીને સાઇડ બિઝનેસ દ્વારા સંપત્તિ એકઠી કરો.

ચોથો પાઠ : ટૅક્સના કાયદા સમજો. એ રીતે તમારા પૈસા હાથમાંથી સરી જતા અટકશે.

પાંચમો પાઠ : પૈસા પેદા કરવા માટે હિંમત જરૂરી છે. જોખમ લેશો તો તમે તક ઝડપીને ચાહો ત્યાંથી પૈસો પેદા કરી શકશો.

છઠ્ઠો પાઠ : શીખવા માટે અને અનુભવ મેળવવા માટે કામ કરો. બહોળા વિષયો વિશે જાણો. સ્પેશ્યલાઇઝેશનનું કામ ડૉક્ટર્સ અને રીસર્ચર્સને કરવા દો.


પુસ્તકમાંથી શીખવા જેવા બોધપાઠ

૧. વિચારોમાં બદલાવ લાવો. આર્થિક સ્વતંત્રતા અને સંપત્તિનું સર્જન કરવા વિશે લેખક પ્રકાશ પાડે છે. પરંપરાગત વિચારસરણીથી વિપરિત રીતે વિચાર કરવા માટે વાચકોને ઉત્તેજન આપે છે.

૨. નફાકારક રોકાણ અને ખોટના ધંધા વચ્ચેનો તફાવત સમજો. પૈસો કમાવા માટે નફો કમાવી આપે એવાં રોકાણ કરવાની અને ખિસ્સામાંથી પૈસા તાણી જાય એવાં ખોટનાં રોકાણથી દૂર રહેવાની લેખક સલાહ આપે છે.

૩. આર્થિક બાબતો વિશે ઊંડી સમજણ કેળવવાની જરૂર ઉપર લેખક ભાર આપે છે. એમનું કહેવું છે કે પરંપરાગત શિક્ષણ આ વિષય ઉપર મૌન જ રહે છે, એટલે આ જાણકારી મેળવવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવો રહ્યો.

૪. સંપત્તિનું સર્જન કરો. લેખકની સલાહ છે કે સંપત્તિનું સર્જન કરવા એકથી વધારે ક્ષેત્રોમાં રોકાણ કરવું જોઈએ, જેમ કે રીયલ ઍસ્ટેટ અને શેરબજારમાં ઝંપલાવવું અને પોતાનો ધંધો ચાલુ કરવો. તમે કામ કરતા ન હો ત્યારે પણ તમારા કમાયેલા પૈસા તમારે માટે વધુ કમાણી કરે એ પ્રકારના રોકાણ કરવાની પણ લેખક સલાહ આપે છે.

૫. ડર ઉપર કાબુ મેળવીને જોખમ લેતા શીખો. લેખક કહે છે કે મનમાંથી ડર કાઢીને ગણતરીપૂર્વકનાં જોખમ લેવાથી જ પૈસા કમાઈ શકાય છે. એ માટે વિષયની જાણકારી જરૂરી છે અને સાથે સાથે કોઈ વાર નુકસાન વેઠવાની માનસિક તૈયારી રાખવી પણ જરૂરી છે.

૬. સાહસવૃત્તિનું મહત્ત્વ સમજો. કિઓસાકીની દલીલ છે કે નોકરી કરવાને બદલે પોતાનો ધંધો કરવાથી તમારી આર્થિક બાબતોની લગામ તમારા પોતાના હાથમાં રહે છે. તક ઝડપીને ધંધો કરવાની અને નફો રળવાની લેખક સલાહ આપે છે.

૭. રૅટ રેસથી દૂર રહો. રોજરોજના ખર્ચા કાઢવા માટે, પગાર માટે મજૂરી કરતા રહેવાની ઘટમાળથી દૂર રહેવાની અને પોતાનો સ્વતંત્ર કારોબાર શરૂ કરવાની લેખક સલાહ આપે છે.

અવતરણો:

1. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પૈસા કમાવા માટે જાતે મજૂરી કરે છે. પૈસાદાર લોકો માટે પૈસો જ નવો પૈસો પેદા કરી આપે છે. 2. આપણું દિમાગ આપણી સૌથી કિંમતી મૂડી છે. 3. સ્કૂલમાં આપણને શીખવવામાં આવે છે કે ભૂલ કરવી ખરાબ છે. ભૂલ કરવા બદલ તો આપણને શિક્ષા કરવામાં આવે છે. પણ હકીકતમાં માણસ ભૂલો કરીને જ શીખે છે. આપણે પડી-આખડીને જ ચાલતાં શીખીએ છીએ. પડીએ નહીં તો ચાલતાં આવડે જ કેવી રીતે? 4. લોકોથી જુદા તરી આવવાની બીક આપણને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો નવો રસ્તો અજમાવતા રોકે છે. 5. બચત કરનારા લોકો લાંબે ગાળે ખોટ ખાય છે. 6. જે પૈસો તમારાં સપનાં સાકાર કરવાના કામમાં ન વપરાય એ પૈસાની કોઈ કિંમત નથી. 7. તમે કેટલા પૈસા કમાઓ છે એના કરતાં કેટલા પૈસા ભેગા કરો છો અને એ પૈસો તમારા માટે કેટલો પૈસો પેદા કરી આપે છે એ વધારે અગત્યનું છે. 8. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પૈસા માટે કામ કરે છે, અમીરો માટે એમનો પૈસો કામ કરે છે. 9. જે લોકો સવાલો પૂછે છે એ જ સફળ થાય છે. એ લોકો નવું નવું શીખે છે અને આગળ વધે છે. 10. અસ્વીકારનું જોખમ લેશો તો જ તમને વધારે લોકો સ્વીકારશે.