THINK LIKE A MONK

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


Think Like a Monk cover.jpg


THINK LIKE A MONK

Train your mind for Peace and Purpose Every Day
Jay Shetty

સાધુની જેમ વિચારીએ

મગજને શાંતિ અને ઉદ્દેશ માટેની રોજિંદી તાલિમ
જય શેટ્ટી
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય :

જય શેટ્ટી એ પૂર્વજીવનના સાધુ, પોડકાસ્ટર, અને સુખ્યાત લેખક છે. એમણે ત્રણ પરિવર્તનકારી વર્ષો ભારતમાં સાધુ-સંન્યસ્તમાર્ગની યાત્રમાં વીતાવ્યાં છે. અને આ પ્લેટફોર્મ દ્વારા અન્યને પ્રેરણા અને નવપ્રકાશ આપવાનો પ્રયાસ કર્યો છે. Think Like a Monk એમની બેસ્ટ સેલર બુક છે. તેમનું ‘On Purpose’ નામનું પોડકાસ્ટ બહુ વ્યાપક પ્રસિદ્ધિ પામ્યું છે, એના તેઓ કરિશ્માકારી યજમાન છે. એમનું જીવનકાર્ય જ જાણે લોકો સુધી આપણી પ્રાચીન પ્રજ્ઞા-જ્ઞાન પહોંચાડવાનું, લોકોને સાર્થક જીવનની પ્રેરણા આપવાનું રહ્યું છે. એક બ્રિટીશ સંન્યાસીથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા, વ્યક્તિત્વ વિકાસના અગ્રણી વક્તા, પ્રેરક વીડીઓ-માર્ગદર્શક, સોશ્યલ મીડિયાની પ્રભાવી પ્રતિભા સુધી વિસ્તરી છે. તેઓ પ્રાચીન જ્ઞાન, મૂલ્ય બોધ ઈત્યાદિને સમકાલીન વ્યક્તિત્વ વિકાસના સિદ્ધાંતો સાથે સુપેરે સંયોજીને સમાજને પીરસી રહ્યા છે.

વિષયપ્રવેશ :

Think Like a Monk એ વ્યક્તિત્વ વિકાસનું એક પરિવર્તનકારી self-help classic પુસ્તક છે. એના લેખક જય શેટ્ટી એક સંન્યાસી હતા, પછી પ્રભાવશાળી પ્રેરણાદાયી વક્તા બન્યા. ભારતમાં ત્રણ વર્ષ સાધુ તરીકે રહ્યા તેના અનુભવોને, સાધુત્વના સિદ્ધાંતો અને વ્યવહારોને, જ્ઞાનને આપણા સંસારી જીવનના લોકો માટે આ પુસ્તકમાં સુલભ બનાવ્યું છે. આધુનિક જગતમાં આપણે જીવનનો સાચો અર્થ શોધી શકીએ, સામાજિક સંબંધો સુદૃઢ કરી શકીએ, તનાવ ઘટી શકે, નકારાત્મક વિચારોને ઓળંગી જઈએ તેવું શાશ્વત વિચાર ભાથું પીરસીને લેખકે આ પુસ્તકને એક મૂલ્યવાન માર્ગદર્શક સીમાસ્તંભ જેવું બનાવ્યું છે. વાચકો જીવનનો મર્મ અને હેતુ સમજી શકે તેવું આ વાચન છે, કહો કે સંત-વચન છે.

પ્રસ્તાવના :

આ પુસ્તકની પ્રસ્તાવનામાં જય શેટ્ટી કહે છે કે આ પુસ્તક લોકોને કોઈ અમુક ધર્મ, પંથ, માન્યતા કે ફિલોસોફીમાં બદલાવવા માટે નથી. એ તો ઊલટાનું, લોકોને તેમના દૈનિક જીવનમાં ‘monk mindset’ સાધુ-મનોવૃત્તિ અપનાવવામાં મદદરૂપ થવા માટે છે. તમને વળી થશે કે આ monk mindset શું છે?—એ એક એવી વિચારણા-વિચાર તરાહ કે જે શાંતિ, પ્રસન્નતા, પ્રેમ, ભાઈચારો, સેવા અને જીવનના હેતુનો વિચાર અને આચરણ કરતા શીખવે. જય શેટ્ટીની જીવનયાત્રા, એક સફળ છતાંયે અંદરથી અસંતુષ્ટ એવા કોર્પોરેટ કર્મચારીમાંથી જીવનનો હેતુ શોધનાર, ભારતમાં ભ્રમણ કરનાર monkની રહી છે. એમના સાધુ જીવનના અનુભવો અને પ્રાચીન પરંપરાનાં સાહિત્યોના અભ્યાસે એમનો જીવન વિશેનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો અને જે અમૂલ્ય પાઠો એમને શીખવા મળ્યા તે અહીં વિશાળ વાચકવર્ગ સાથે એમણે શેર કર્યા છે. આ પુસ્તક ૩ ભાગમાં વહેંચાયેલું છે : Let Go, Grow, અને Serve.

ભાગ - ૧. Let Go : જતું કરો, ક્ષમાભાવ :

નકારત્મક વિચારો, આપણી વધુ પડતી અપેક્ષાઓ, અને વળગણો જે આપણને બાંધી રાખે છે, સંસાર પ્રત્યે ખેંચી રાખે છે તેને કેવી રીતે છોડવાં, જતાં કરવાં તે વસ્તુ આ પહેલા ભાગમાં સમજાવી છે. તેઓ કહે છે કે આપણી બધી વ્યથા-વેદનાનું મૂળ આ જ છે—આસક્તિ, અપેક્ષા ને મમત્વ. આ વિભાગના કેટલાક ચાવીરૂપ મુદ્દાઓ આ પ્રમાણે છે :

  • તમારા Monkey Mind (ચંચળ-ચતુર મન)ને ઓળખો :
    આ ‘કપિરાજ-મન’ તમારા મનનો જ એક ભાગ છે. જે સતત બકબક કરતું, ચિંતા કરતું અને વ્યક્તિ-વસ્તુને જજ કરતું રહે છે. એને એકવાર તમે ઓળખી લો કે એનાં સ્વભાવ-કાર્ય કેવાં છે તો પછી તમે એનું નિયમન-નિયંત્રણ કરી શકશો.
  • સતર્કતા, મનોજાગૃતિની ટેવ પાડો :
    કોઈના પણ કાજી બન્યા વિના, તમે વર્તમાન ક્ષણ ઉપર જ ધ્યાન આપવાની ટેવ સભાનતાપૂર્વક પાડો. તેથી તમને તમારા વિચારો, લાગણીઓ પ્રત્યે જાગૃત રહેવામાં મદદ મળશે અને નકારાત્મક વિચારો દૂર થશે.
  • આભારવશતા કેળવો :
    જીવનના-જગતમાં જે સારી વસ્તુઓ, વ્યક્તિઓ-સહાયક સંજોગો છે તેના પ્રત્યે આભારની ભાવના વિકસાવો. આથી તમને તમારી આસપાસના લોકો અને પરિસ્થિતિમાંથી હકારાત્મક પાસાં ઉપર જ ધ્યાન કેંદ્રિત કરતાં અને નકારત્મક લાગણીઓથી મુક્ત થતાં આવડશે.
  • ક્ષમાવૃત્તિ વિકસાવો :
    તમને ન માફક આવતાં, નડતાં-અડતાં બીજા લોકોનાં કાર્યોને માફ કરતા જાઓ. આથી તમને તેમના પ્રત્યે ગુસ્સો નહિ આવશે, તમે વાંધા-વિરોધ, સંઘર્ષના બનાવોથી દૂર રહી શકશો... લોકોને માફ કરો ને ભૂલી જાવ કે આવું થયું હતું—Forgive and Forget.

ભાગ - ૨. Grow. આંતરિક વૃદ્ધિ પામો.

પુસ્તકના આ બીજા વિભાગમાં લેખક વાચકોને વ્યક્તિ તરીકે કેવી રીતે વિકસવું તે શીખવે છે. આનો ઉત્તમ રસ્તો છે-તમારું goal setting- ધ્યેય નિર્ધારણ અને તે મુજબ વ્યક્તિત્વનો વિકાસ કરો. આ વિભાગના કેટલાક ચાવીરૂપ મુદ્દાઓ આ રહ્યા :

  • તમારો હેતુ શોધો :
    દરેકને જીવનમાં પોતાનો વિશિષ્ટ હેતુ હોય છે (હોવો જોઈએ) માટે એ હેતુ શો છે તે ઓળખવો, શોધવો અને તે મુજબનું જીવન ગોઠવવું એ સૌથી અગત્યનું છે.
  • તમારી પ્રતિભા ખીલવો :
    દરેક મનુષ્યને પ્રભુએ કોઈક ને કોઈક વિશેષ શક્તિ, કળા, કૌશલ્ય ક્ષમતા આપેલાં હોય છે. પરંતુ એને ઓળખીને વિકસાવો તોજ તમે સંતુષ્ટ જીવન જીવી શકો અને જગત ઉપર તેનો વિધાયક પ્રભાવ પાથરી શકો.
  • ધ્યેય નિર્ધારણ :
    જો તમે ધ્યેય નક્કી કરશો તો જ તમને તે તરફ પ્રયત્નશીલ થવાની દિશા મળશે અને પ્રેરણ પણ મળશે. આમ ધ્યેય જ તમારું દીવાદાંડીરૂપ ગંતવ્ય બનશે. એ દિશામાં તમે પ્રયત્નની નાવ હંકારો.
  • પડકારોનો સામનો કરો :
    જીવનમાં પડકારો તો દરેકને આવવાના જ, પણ તેનાથી ગભરાવાને બદલે તેનો હિંમતથી સામનો કરશો તો જ આગળ વધાશે અને એમાંથી કંઈક શીખવા પણ મળશે.

ભાગ - ૩. Serve. નિઃસ્વાર્થ સેવા કરો.

બીજાની નિઃસ્વાર્થ સેવા કેવી રીતે થાય તે લેખક આ વિભાગમાં બતાવે છે. બીજાને મદદરૂપ થવામાં તમને આંતરિક સુખ અને સંતોષનો અનુભવ થશે. અહીં ચાવીરૂપ ખ્યાલો આ પ્રમાણે છે:

  • તમારી પેશનને ઓળખો :
    તમને કઈ બાબતની પેશન છે તે શોધી કાઢો. અન્યની સેવા કરવાના અનેક માર્ગો છે, તમને માફક આવે તે શોધીને, જરૂર કોઈક ને કોઈક રૂપે લોકોને, સમાજને મદદરૂપ થવાનું શરૂ કરો. એ તમારું સામાજિક પ્રદાન ગણાશે અને એનાથી અવશ્ય ફરક પડશે.
  • તમારા સમય અને સંસાધનો પ્રત્યે ઉદાર બનો.
    ઉદારતા એટલે માત્ર પૈસાની જ વાત એવું નથી. તમારો સમય અને સંસાધનોને પણ સમાજસેવામાં ઉદારતાથી-છૂટથી પ્રયોજો. કશેક સ્વયંસેવક તરીકે કામ કરો, કાંઈક દાન કરો અથવા કમ સે કમ બીજા પ્રત્યે દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ બની મદદરૂપ થાવ...
  • કરુણાસભર બનો :
    કરુણાસભર બનવું એટલે બીજાને સહાનુભૂતિપૂર્વક સાંભળવાની સમજવાની શક્તિ, તેમની સાથે લાગણીપૂર્વક વર્તવાની ક્ષમતા. તેઓ ભૂલ કરે તો પણ તેમને સમજી, ક્ષમા કરી સૌહાર્દ વધારવું ખૂબ જરૂરી હોય છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. તમારી ઓળખ ઊભી કરો :

તમારી પોતાની એક ઓળખ, તમારા મનમાં પણ વ્યાખ્યાબદ્ધ હોવી જોઈએ કે ‘હું — એટલે આવી વ્યક્તિ !’ ચાર્લ્સ હોર્ટન કૂલીનું વિધાન છે : ‘હું પોતાને જે ધારું છું તે હું નથી, તે જ રીતે, તમે મારા વિશે માનો છો તે પણ હું નથી. મને લાગે છે કે તમે જે વિચારો છો તે હું છું..’ આનો અર્થ એ થયો કે આપણી ઓળખ ઉપર બાહ્ય-અન્યનાં પરિબળોનો ખૂબ પ્રભાવ હોય છે. આપણામાંના ઘણા લોકો સંઘર્ષ કરતાં જોવા મળે છે કારણ કે આપણે આપણી સભાન પસંદગી વિના, બીજાનાં મૂલ્યોને આપણી માન્યતાઓ અને અગ્રિમતાઓને આકાર આપવા દઈએ છીએ. આપણને આપણાં પોતીકાં મૂલ્યો ભાગ્યે જ હોય છે. અથવા હોય તો તેની સ્પષ્ટતા હોતી નથી. માટે સાધુ –સંન્યાસીની જેમ વિચારવાના સિદ્ધાંતનું પહેલું પગથિયું છે—સ્વ-મૂલ્યોની સ્પષ્ટ ઓળખ ! એ તમારાં મૂલ્યો જ તમારા માર્ગદર્શક કંપાસ બનશે, તમારાં કાર્યોને પ્રેરશે, તમારી ટેવો, કાર્યપદ્ધતિને તમારી ઓળખ બનાવશે. આ પ્રક્રિયાને સમજાવવા જય શેટ્ટી Media Mind Game આપે છે : ૧. તમારાં valuesની યાદી બનાવો. ૨. એ દરેક વેલ્યુ(મૂલ્ય)નું ઉદ્ગમસ્થાન તપાસો. ૩. હવે એ વિચાર કરો કે તે દરેક વેલ્યુ તમારા આંતરિક સ્વ સાથે, તમારા વ્યક્તિત્વના હાર્દ સાથે મળતું આવે છે ખરું? તમને ચિંતા, હતાશા અને તનાવ કે પીડા તરફ દોરી જનારાં નિમ્ન પ્રકારનાં મૂલ્યોમાંથી તમે બહાર આવો, મુક્ત થાવ અને એને બદલે તમને ખુશી, સંતોષ અને કંઈક અર્થપૂર્ણ જીવન તરફ લઈ જાય તેવાં ઉચ્ચ મૂલ્યોને અપનાવો. લેખક સમજાવે છે કે સુખ અને સફળતા એ બંને પરિણામો છે, વેલ્યૂઝ પોતે નથી. તમારાં મૂલ્યોને ઓળખ્યા પછી અને તેને તમારી માન્યતાઓ જોડે સરખાવી જોયા પછી, તમારા જીવનનું મૂલ્યાંકન કરો, તપાસો કે તમારાં મૂલ્યો સાથે તમારા જીવાતા જીવનની સંવાદિતા, તાલમેલ છે કે કેમ? જય શેટ્ટી સૂચવે છે કે એક અઠવાડિયું પ્રયોગ કઈ જુઓ કે તમારા નિર્ણયો ને કાર્યો તમારા મૂલ્યોને આધારે થાય છે કે કેમ? તમારી જાતને સતત અને સભાનપણે પૂછતા રહો કે ‘મારા અમુક કાર્યને કયું મૂલ્ય દોરી રહ્યું છે?’ ‘હું આ નિર્ણય કે પ્રવૃત્તિ કયા મૂલ્યને આધારે કરી રહ્યો છું?’ લેખક એવી પણ સલાહ આપે છે કે તમારાં મૂલ્યોને શેર કરતા હોય તેવા લોકોની વચ્ચે તમે રહો. હા, એ મૂલ્યો ઉચ્ચ હોવાં જરૂરી છે. તો તમારા જીવનમાં ઘણો વિધાયક સુધારો થશે. આ રીતે, તમારી ઓળખની સ્પષ્ટતા કરો અને આધારભૂત જીવન જીવો, આનાથી સુખી અને અર્થપૂર્ણ, સંતુષ્ટ જીવન તરફનો તમારો માર્ગ કંડારાતો જશે.

૨. Spot – Stop - Swap થકી નકારાત્મકતા ભગાવો :

લેખક નકારાત્મક શબ્દો, વિચારો ને વાણીને હેરાન કરનાર મચ્છરો સાથે સરખાવે છે. એ આપણી આંતરિક શાંતિને ડહોળી નાખે છે. જય શેટ્ટી ત્રણ વસ્તુને ‘માનસિક કેન્સર’ તરીકે ઓળખાવે છે : સરખામણી કરવી, ફરિયાદ કરવી, અને ટીકા-આલોચના કરવી....આ ત્રણ વિધ્વંસક ટેવોને હરાવવા-હઠાવવા માટે એમણે spo t- stop - swap મેથડ બનાવી છે. Spot એટલે નકારાત્મક લાગણી અને વિચારોના સ્થાનને ઓળખો, એ ક્યાંથી આવે છે તે જગ્યા પર ધ્યાન આપો. તો જણાશે કે તે મોટેભાગે આપણી અસલામતીની ભાવનાને છતી કરે છે. Stop એટલે નકારાત્મક વર્તનને એક holt કે stop આપો, શ્વાસોચ્છવાસ ઉપર ધ્યાન આપી સ્વયંશિસ્તની પ્રેક્ટીસ કરો અને પોતાની જાતને સાચી રીતે, સર્જનાત્મક રીતે, કરુણાસભર હૃદયે અને સમયસર સંભાળી લો, અને સંવાદિત રીતે બોલો. એ ધ્યાન રાખો કે તુલના કરવાથી, ફરિયાદ કરવાથી અને ટીકા કરવાથી પરિસ્થિતિ વણસી શકે છે. Swap એટલે અવિચારી વાણીવિલાસને બદલે વિચારશીલ વિધાયક અભિવ્યક્તિ ! નકારાત્મકતાને પણ સંયમ-વિવેકપૂર્વક, વિશિષ્ટ રીતે વ્યક્ત કરવી. દા.ત. તમારા પાર્ટનર(જીવનના કે વ્યવસાયના) કંઈક ભૂલ કરે કે મોડા પડે તેથી તમને ગુસ્સો આવે છે, ત્યારે ફરિયાદ કે કલેશ કરવાને સ્થાને કાળજીભરી વિનંતી કરો, શાંતિ ને પ્રેમથી સમજાવો-સમજો તો તમારું પ્રત્યાયન અને સંબંધો સુદૃઢ થશે. એ જ રીતે પોતાની જાતને ક્ષમા આપવી એ પણ એટલું જ અગત્યનું છે, તેનાથી ઈમોશનલ હીલીંગ થાય છે. એ નેગેટીવ ઈમોશન્સ ઘણીવાર ભય અને અહમ્-માંથી આવતી હોય છે. આ બાબત પુસ્તકમાં વિગતે સમજાવી છે. અંતે લેખક, નકારાત્મકતાનાં મૂળ તપાસવાનો અને તેને સમજવાનો તથા તેને વિચારપૂર્વક મેનેજ કરવાનો પ્રયાસ કેમ કરવો તે બતાવે છે. આ Spot – Stop - Swap અભિગમ, અવિચારી અને ક્રોધપૂર્ણ વાણી-વર્તનને સ્થાને અવલોકન, ચિંતન અને નવા હકારાત્મક વર્તનને વિકસાવવાનો માર્ગ ચીંધે છે.

૩. મુક્તિ માટે ભય ઉપર લગામ લગાવો અને અસંગ ભાવ કેળવો :

ભયની લાગણી એ અંગભૂત રીતે નકારાત્મક નથી, એ એક મહત્ત્વપૂર્ણ ચેતવણીનો સંકેત છે. ભયને આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ, તેના ઉપર એ સર્જનાત્મક શક્તિ બનશે કે આપણને ડરાવીને બેસાડી દેશે, તેનો આધાર રહેલો હોય છે. જયારે લોકો ભયનો સામનો કરે છે ત્યારે ચાર જાતની પ્રતિક્રિયા આપે છે : ગભરાટ, સૂનમુન થઈ જવું-નિષ્ક્રિય થઈ જવું અથવા ભયને ફગાવી દેવો. આ બધી પ્રતિક્રિયાઓ ભયને ઉત્પાદકતાપૂર્ણ પ્રયોજતાં આપણને રોકે છે. તો પછી ભયને અસરકારક અને ઉપયોગી રીતે નાથવાનાં આ પગલાં અજમાવી જુઓ :

  • ભયનો સ્વીકાર કરો, માનો :
    આમ કરવાથી તેની સાથે તમારી જોડાવાની તૈયારી સાબિત થશે. ભય જે આપણું ધ્યાન ખેંચે છે તેનો સ્વીકાર કરો, ધ્યાન આપો.
  • ડરનો દર (Rate) નક્કી કરો :
    ભયને એક આંકડાકીય દર, રેઈટ આપો કે કેટલા પ્રમાણમાં ભય લાગે છે. ડરની ઘનતા માપતો આંકડો, ટકા,થી એને માપો, જેથી એ પરિસ્થિતિ તમારે માટે કેટલી ભયાવહ છે તેનો દૃષ્ટિકોણ નક્કી થશે. જેમ કે એક પહોળો ખાડો છે માર્ગમાં, તે કૂદીને સામે જવામાં તમને કેટલો ડર લાગે? પૂરેપૂરો ૧૦૦% ખતરનાક છે કે કૂદાઈ જવાની શક્યતા ૫૦% છે? વગેરે..
  • ભયની પેર્ટન ઓળખો :
    આપણા જીવનમાં ભય ક્યારે અને કેવી રીતે, કઈ વસ્તુનો લાગે છે, આવે છે, તેની તરાહ જુઓ. અને પછી તપાસો કે આપણા ક્ષણભંગુર અસ્તિત્વ જોડેના લગાવમાંથી જ આપણા ભય ઉદ્ભવે છે.
  • ભયથી અસંગ બની જાઓ :
    ભયને ભગાવવો હોય તો ક્ષણભંગુર વસ્તુ સાથેનું તાદાત્મ્ય દૂર કરો. અસંગ બની રહો. દા.ત. જય શેટ્ટીનું માર્ગદર્શન લેનાર, એક બહેન પોતાની વકીલાતની કારકિર્દી બદલવા માંગતાં હતાં, એને વકીલાતમાં નિષ્ફળ જવાનો ડર હતો, તેઓ અવારનવાર આ પ્રશ્નનો સામનો કરતાં—કે ‘તમને ખરેખર શેનો ડર લાગે છે?’ આખરે તેમણે કબૂલેલું કે લોકો એને ઓછી બુદ્ધિવાળી-કમબુદ્ધિ–સમજશે કે સમર્થ બુદ્ધિશાળી માનશે-એવો ડર રહેતો હતો. પોતે પણ પોતાની બુદ્ધિપ્રતિભા માટે સશંક હતી, કે તે પ્રતિષ્ઠિત બની શકશે કે નહિ? આ ડર સાથે જ તે કામ કરતી જતી હતી... આખરે તેણીએ વકીલાતના વ્યવસાયની સાથે સંકળાયેલી ક્ષણભંગુર પ્રતિષ્ઠાથી પોતાની જાતને detach-અસંગ કરી દીધી અને જોઈ લીધું કે આ પ્રતિષ્ઠા-માન-મોભો-ઈજ્જત તો ચાલી જઈ શકે છે, ચિરસ્થાયી નથી રહેતી. તો પછી ડરવાનું શું? આ દૃષ્ટિકોણ થકી એણે વકીલાતની કેરિયર છોડીને અન્ય રસનાં ક્ષેત્રોમાં સફળ થયેલા વ્યક્તિઓને રોલ મોડેલ તરીકે શોધી કાઢ્યા.

તો અહીં સલાહ એ અપાઈ કે તમારાં વળગણ-attachments શેમાં શેમાં છે? મને શું ગુમાવવાનો ડર છે? ભૌતિક માલિકીની વસ્તુઓ, તમારો દેખાવ-દેહ સૌંદર્ય-સૌષ્ઠવ ગુમાવવાનો ડર છે? તો એની તો પ્રકૃત્તિ જ પરિવર્તનશીલ હોવાની છે, બદલાતા રહેવાની છે, આખરે ચાલી જવાની છે. આથી તેને કાબૂમાં રાખવાની ઈચ્છા છોડી દો. આમ ડર ઉપર નિયંત્રણ રાખવાનું છોડશો તો ડર ઓગળી જશે. આભારની ભાવના માટે જગ્યા થશે અને તમને ઊંડી મુક્તિનો અનુભવ થશે.

ટૂંકમાં, આપણા ભયોની પાછળ રહેલું આપણું એટેચમેન્ટ ઓળખો અને તેનાથી છૂટવાનું (ડીટેચમેન્ટ) કેળવો તો પછી તમે મુક્તિની હવા માણી શકશો, સાચા આનંદપૂર્વક જીવનને આશ્લેષમાં લઈ શકશો.

૪. ઉમદા ઈરાદાઓ સેવો :

‘જ્યાં મન, હૃદય અને ઈરાદાઓ વચ્ચે, સંવાદિતા હશે ત્યાં કશું જ અશક્ય નહિ હોય...’ -ઋગ્વેદ. આ ચાવીરૂપ વિચાર, આપણાં કાર્યોમાંથી મળતાં સુખને નક્કી કરવામાં આપણા ઈરાદાઓની બહુ મોટી ભૂમિકા હોય છે. તે સમજાવે છે. ચાર મૂળભૂત પ્રેરણો તારવવામાં આવ્યાં છે: ડર, ઈચ્છા, ફરજ, અને પ્રેમ.

  • ડર :
    માંદગી કે ગરીબી જેવા નેગેટીવ પરિબળોથી ઉદ્ભવતો ડર, ચેતવણીના સંકેત તરીકે કાર્ય કરે છે, પણ તે કાંઈ ખાસ પ્રેરક ન નીવડી શકે. ડર ઉપર વધુ પડતો આધાર નિષ્ક્રિયતા કે પેરેલીસીસ તરફ દોરી જઈ શકે.
  • ઈચ્છા, કામના :
    સત્તા-સંપત્તિ, સફળતા કે આનંદની વ્યક્તિગત પરિતૃપ્તિમાં રોપાયેલી ઈચ્છા સરી જનારા સુખના આભાસ તરફ દોરી જાય છે. જે તે સુખની વસ્તુઓ કરતાં, એના માલિકીભાવની લાગણી તે જન્માવે છે તેની આપણે ઈચ્છા કરતા હોઈએ છીએ. સાચું સુખ તો મનના નિગ્રહનાં અને તેને આત્મતત્ત્વ સાથે જોડવામાં રહેલું છે.
  • ફરજ, કર્તવ્ય :
    આભારવશતા, જવાબદારી અને સારું-ભલું કરવાની ભાવનાથી પ્રેરિત થઈને બજાવેલી ફરજ, માણસને કંઈક હેતુની ભાવના અને અસ્તિત્વનો અર્થ પૂરાં પાડે છે. તેનાથી માણસ એના તનાવને વધુ અસરકારકતાથી હેન્ડલ કરી શકે છે, કારણ કે તેનાં કાર્યો તેનાં મૂલ્યો અને જવાબદારીઓ સાથે સુસંગત-સંલગ્ન હોય છે.
  • પ્રેમ:
    બીજાને મદદરૂપ થવા કે કાળજી કરવાથી પ્રેરાયેલો પ્રેમ સાચું સુખ આપે છે. એનાથી પરોપકારવૃત્તિ પોષાય છે અને માણસને કંઈક સારું કર્યાનો સંતોષ મળે છે.

Why Ladder ટેક્નિક, ઈચ્છાઓ પાછળના ખરેખરા ઈરાદાઓને પ્રકાશમાં લાવવાનું એક સાધન છે એમાં ‘આપણને શા માટે કંઈક જોઈએ છે?’ એવા સવાલ જ પૂછાતા નથી, પણ ‘તમારા આંતરિક સ્વ સાથે સુસંગત હોય તેવા વ્યક્તિ તમારે બનવું છે કે કેમ?’ એવું પણ પૂછવામાં આવે છે. એ પણ નોંધવું જોઈએ કે, પ્રેમ, કરુણા અને સેવાભાવનાથી પોષાયેલા તમારા ઉમદા ઈરાદાઓને બીજની જેમ વિકસાવવા જોઈએ, કારણ કે તે સુખ-સંતોષ અને અર્થપૂર્ણ પરિણામ તરફ દોરી જાય છે. આથી ઉલટું, અભિમાન, લોભ કે તનાવ જેવાથી પ્રેરિત ઈરાદાઓ લીલ કે શેવાળ જેવા હોય છે, જેનું કોઈ ચિરસ્થાયી મૂલ્ય હોતું નથી. તો પછી, ઉમદા ઈરાદાઓ ઉપર કાર્ય કરતા જાવ, પછી તે ભૌતિક સંપત્તિ મેળવવાનો કે અન્ય કોઈ ધ્યેય હોય, તેમાંથી-પ્રક્રિયામાંથી આનંદ મેળવતા જાવ, એના પણ પરિણામ ઉપર ધ્યાન ન આપો, તો તમને વધુ સંતોષ મળશે. સામાન્ય રીતે એવું સ્વીકારાય છે કે, ઈરાદાઓ પૂર્ણપણે ભાગ્યે જ શુદ્ધ હોય છે, પરંતુ તે જેટલા વધુ શુદ્ધ હશે તેટલા જ વધુ સુખદાયક હશે. ટૂંકમાં, એટલું જ તારવવાનું કે, કર્તવ્ય અને પ્રેમના ઈરાદાઓને પોષણ આપો, તેમને કાર્યમાં ઢાળતા જાવ અને તમે જોશો કે વ્યક્તિના શુદ્ધ ઈરાદાઓનો સીધો ને ઊંડો પ્રભાવ તમને સુખ-સંતોષનો અનુભવ કરાવશે.

૫. તમારો હેતુ સાધો, પણ ધર્મને અનુસરીને :

‘તમારું પેશન તમારા પોતાને માટે છે. તમારો હેતુ(ઈરાદો) બીજાઓને માટે છે’— જય શેટ્ટી. અહીં જય શેટ્ટી ‘ધર્મ એટલે પેશન. તજજ્ઞતા અને ઉપયોગીતાનું સંયોજન’ એવી વિભાવના સમજાવે છે...વાસ્તવમાં, આપણે જ્યારે આપણી પેશન, આવડતને બીજાની કંઈક ભલાઈ માટે ઉપયોગમાં લાવીએ છીએ ત્યારે આપણને સાચો આનંદ ને સંતોષ-પ્રાપ્ત થાય છે. આ જ તો ધર્મ પણ શીખવે છે ને? ઉપરોક્ત ત્રણેય બાબતોનું સંવાદિત સંયોજન એ જ ધર્મ છે. ક્યારેક એવું જોવા મળે છે કે કેટલાક લોકો પોતાના કાર્ય માટે જરૂરી પેશન ધરાવતા નથી હોતા, જયારે બીજાઓ પેશનવાળા હોવા છતાં કાર્યમાં ધારેલી સફળતા નથી મેળવી શકતા. આ બંને કિસ્સામાં તેઓ ધર્મ મુજબ જીવતા નથી માટે એવું થાય છે. જય શેટ્ટી વૈદિક વ્યક્તિત્વના ચાર પ્રકારો બતાવે છે : માર્ગદર્શક, નેતા(લીડર), સર્જક, અને રચનાકાર(મેકર)...જો માણસ આ ચારમાંથી પોતાનો કયો પ્રકાર છે તે ઓળખે તો, અને તેને ધર્મ સાથે જોડે તો તે વ્યક્તિની શક્તિ ખૂબ વધી જશે...ઉપરોક્ત ચારેય પ્રકારોની પોતાની અનોખી વિશેષતા અને હેતુ હોય છે. કોઈ કોઈનાથી ચડિયાતું કે ઉતરતું નથી. દરેકનાં પોતાનાં વિશિષ્ટ સ્વભાવ અને કાર્યો છે. ટૂંકમાં, ધર્મ પ્રમાણે જીવવું એટલે પેશન, તજજ્ઞતા અને સમાજની ઉપયોગીતા-આ ત્રણેનું સંયોજન આપણા જીવનમાં લાવવું, પોતાની વૈદિક પર્સનાલિટીને ઓળખવી. તમે ચારિત્ર્ય નિર્માણ કરીને પોતાની ભૂમિકા સુપેરે ભજવશો તો તેની સમાજ ઉપર ચિરસ્થાયી અસર પડશે અને તમને જીવનમાં ઊંડો સંતોષ પણ મળશે.

૬. તમારી દિનચર્યા અને ટેવો સુધારો :

તમારા દૈનિક જીવનક્રમમાં સમય-સ્થળ અને પ્રવૃત્તિનું સુંદર આયોજન કરી ઈરાદાપૂર્વક હકારાત્મક વલણ-વર્તન અને ટેવો વિકસાવો એ ખૂબ જરૂરી છે. તમારી સવાર અને સાંજ–દિવસનો આરંભ અને અંત-એવાં સરસ, અસરકારક વીતવાં જોઈએ કે જે તમારા જીવનને સફળ, અર્થપૂર્ણ અને ઉત્પાદક બનાવે. તમે એક સાથે અનેક કામો હાથ પર લઈને ચાલવા કરતાં એકાદ બે મનગમતી ઉપયોગી પ્રવૃત્તિ ઉપર જ ફોકસ કરવાનું જય સૂચવે છે. સંશોધન પણ સૂચવે છે કે multitasking જેવું કાંઈ હોતું નથી, એ ભ્રમણા છે. કારણ કે ઝડપથી એક પછી એક કાર્યો બદલ્યા કરનાર વ્યક્તિની શક્તિ વિખેરાઈ જાય છે અને તેની ઉત્પાદકતા ઘટતી જાય છે. એના કરતાં એક જ પ્રવૃત્તિમાં ઊંડું ફોકસ તમારી પરિણામગામી ઉત્પાદકતા વધારશે અને તે વ્યાપક અર્થમાં સમાજને માટે કલ્યાણકારી પણ બનશે. ટૂંકમાં, દિનચર્યા અને ટેવો સુધારવી એટલે સવાર-સાંજની પ્રવૃત્તિનું અસરકારક આયોજન કરવું, જે તે પ્રવૃત્તિનાં સમય-સ્થળ સમજીને પસંદ કરવાં. આવું આયોજન અમલમાં મૂકવાથી વ્યક્તિ તેની પ્રવૃત્તિની ગુણવતા અને ઉત્પાદકતા સુધારી શકશે અને વધુ સંતુષ્ટ, સંતુલિત સુખીજીવન જીવી શકશે.

૭. આંતરિક શાંતિ માટે મનોનિગ્રહ :

ક્રોધ, ઈર્ષ્યા, લોભ, ભય અને ઈગો જેવા શત્રુઓને ડામવા, નકારાત્મક ટેવોમાંથી છૂટવા અને હકારાત્મક વલણ કેળવવા મનને વશમાં કરવું, મનની તાલીમ કરવી ખૂબ જરૂરી છે. અને મનોનિગ્રહ માટે detachment – અસંગતતા – કેળવવી એ માસ્ટર કી છે. નકારાત્મક લાગણીઓ સાથે મનને જોડી દેવાને બદલે, તેમને કોઈપણ જાતના જજમેન્ટ વિના નિરીક્ષણ કરવા ઉપર લેખક ભાર મૂકે છે. તેઓ Monkey Mindનો ખ્યાલ રજૂ કરે છે. આપણા વિચારો, વાંદરો જેમ એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદાકૂદ કરે તેમ, જાતજાતના, અવ્યવસ્થિત અને આવેગમય ખ્યાલોમાં કૂદાકૂદ કરતા રહે છે. આવા ચપળ-ચંચળ-અસ્થિર Monkey Mind કરતાં Monk Mind વિક્સવાવવાનું લેખક સૂચવે છે, જેનો અભિગમ પરિપક્વ, સ્થિર અને તાર્કિક હોય. monkey Mindને નકારાત્મક રીતે જોવા કરતાં, એને સહયોગી તરીકે લો. અવચેતન ચંચળ મન ઉપર ચેતન પેરન્ટ માઈન્ડે વધુ ધ્યાન આપવું જોઈએ. આપણા મનના તરંગો-વિચારોને સમજવા અને બદલવા આપણી ભીતર એક રચનાત્મક સંવાદ ઊભો કરવા ઉપર જય શેટ્ટી ભાર મૂકે છે. નકારાત્મક કે નિરાશાજનક વિચારોને પણ તમે હકારાત્મક પ્રતિભાવ આપો, તેમને પુનઃગઠિત કરીને વધુ તંદુરસ્ત માઈન્ડસેટ બનાવો.

૮. આતમ-ગૌરવ ઊભું કરો, મિથ્યાભિમાન – ઈગો નહિ... :

ઈગો-મિથ્યાભિમાનને બદલે સ્વ-માન, આતમ-ગૌરવ ઊભું કરવા ઉપર લેખક વધુ ભાર આપે છે, કારણ કે ઈગોથી તો પરિવાર અને સંબંધોમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. ૧. મિથ્યાભિમાનથી અપ્રમાણિકતા જન્મે અને સંબંધોમાં સંઘર્ષ, અવિશ્વાસ પેદા થાય. ૨. તેનાથી ખોટી હુંસાતુંસી, ઊંચનીચ ભાવના જાગે અને દયા, કરુણા, સ્નેહ ઘટતાં જાય. ૩. ઈગોથી આપણે એકમેકને જજ કરતા થઈએ અને ચારિત્ર્ય પણ ઝાંખું પડે છે. ૪. ઈગોવાળી વ્યક્તિ ઉદ્ધત બનતી જાય અને એનો વ્યક્તિત્વ વિકાસ અને શીખવાની વૃત્તિ અવરોધાય છે. મિથ્યાભિમાનને નાથવા અને સ્વ-ગૌરવ સાચો આત્મવિશ્વાસ વધારવા, લેખક આપણા વ્યક્તિત્વના વિરોધાભાસો ઉપર ચિંતન કરવાનું કહે છે. તમારા બાહ્ય વ્યક્તિત્વ અને આંતરિક સ્વ-ને તપાસો. તેમાં તાલમેલ છે? ન હોય તો, તેમાં સંવાદિતા લાવો. તમે કરેલી પસંદગીઓ વિશે વિચારો. તમે પોતે એકલા કોઈ પસંદગી કરી હતી કે અન્યની સ્વીકૃતિ-સંમતિ જાણીને પસંદગી કરી હતી? જો એમાં બહુ મોટો ફરક પડ્યો હોય, તો તમારો આત્મવિશ્વાસ વધારવાની અને ઈગો ઘટાડવાની જરૂર છે એમ માનજો. સાચો આત્મ-વિશ્વાસ અને સ્વ-ગૌરવ ખીલવવા થોડી શક્તિ તો તમારે લગાવવી જ પડશે, નમ્રતા કેળવતાં ઈગો ઝાંખો થાય એવી ટેકનિક જય બતાવે છે.

  • નમ્રતાભાવ કેળવવા આટલું કરો :
    • તમે કોઈકનું કંઈક ખોટું/ખરાબ કર્યું હશે તે યાદ કરો અને બીજાઓએ તમારે માટે જે સારું કે ભલાઈ કરી હોય તે યાદ કરશો તો નમ્રતા અને આભારવશતા કેળવાશે.
    • તમે બીજા માટે જે સારું કર્યું હોય તે ભૂલી જાઓ અને બીજાઓએ તમારા પ્રત્યે જે ખરાબ કર્યું તે પણ ભૂલી જાઓ. આનાથી ડીટેચમેન્ટ વધશે અને એટેચમેન્ટ(મોહ, લગાવ) વિના કોઈકને કંઈક આપવાની વૃત્તિ ખીલશે.
    • દયા, કરુણા અને નમ્રતાથી પ્રેરાયેલી ક્ષમાવૃત્તિ કેળવો. પૂર્વગ્રહો દૂર કરો.
  • મિથ્યાભિમાન(ઈગો)થી છૂટવા આટલું કરો :
    • યાદ રાખો કે તમે તમારી સિદ્ધિઓ-સફળતા, નોકરી, પદ, વ્યવસાય, યુવાની કે દેખાવ દ્વારા ઓળખાતા નથી. આ બધાં તો જીવનનાં અસ્થાયી, કામચલાઉ કે હંગામી પાસાં છે.
    • ઇગોથી છૂટવાની તક શોધો, જેમ કે, તમારું અપમાન થાય તો એને વ્યાપક દૃષ્ટિકોણથી જુઓ, તમારી પ્રસંસા માટે આભાર માનો, સામેનાની દલીલનો મુદ્દો સમજો અને બીજાઓ ઉપર છવાઈ જવાની ભાવનાથી બચો.
    • લેખક, નોબેલ પ્રાઈઝ વીનર કૈલાશ સત્યાર્થીનું ઉદાહરણ આપે છે, કે એમને બાળકોના અધિકારો માટે વ્યાપક અને સફળ પ્રયત્નો કરવા બદલ નોબેલ મળ્યું ત્યારે તેમણે નમ્રતાથી પૂછેલું કે ‘મેં આ ક્ષેત્રમાં પૂરતા પ્રયત્નો કર્યા છે ખરા?’ એટલે કે આમાં તો ઘણું બધું હજી કરવા જેવું છે, મેં તો માત્ર શરૂઆત જ કરી છે. આ નમ્રતાનું ઉદાહરણ છે. બીજાને ઉપર લાવવાની પ્રતિબદ્ધતા છે એમની...

આખરમાં, જય શેટ્ટી, કહે છે કે બીજાઓને મદદરૂપ થવામાં, સશક્ત-સમર્થ બનાવવામાં અને આ રીતે એક હકારાત્મક પરિવર્તનની લહર ફેલાવવામાં ખરી મોટાઈ છે.

૯. આભારવશતા, કૃતજ્ઞતાની અવારનવાર, વિશેષ અને વ્યાપક ટેવ પાડો :

સંતુષ્ટ અને આનંદી જીવન જીવવા માટે તમે તમારા ઉપર જેનો ઉપકાર છે, જેઓ તમારા સાથી-સહયોગીઓ છે તેમના પ્રત્યે નિત્ય આભાર ભાવના રાખો, આમ કરવાથી તમારી મન દુરસ્તી, સ્વ-સભાનતા અને સુદૃઢ સામાજિક સંબંધોની ભૂમિકા સુધરશે. તમને એક પ્રકારનો સંતોષ મળશે. આપણે જયારે કોઈનો આભાર, ઉપકાર માનીએ છીએ ત્યારે આપણું મગજ ડોપામાઈન રીલીઝ કરે છે-એ ‘રીવોર્ડ કેમિકલ’ છે. જે આપણને આવી હકારાત્મક લાગણી કેળવતા રહેવાને પ્રેરતું રહે છે. વસ્તુના આર્થિક મૂલ્ય કરતાં, તેનું સાંવેગિક-લાગણીનું મૂલ્ય સમજી તેનો આભાર માનતા રહો. દા.ત. જમવા બેસો ત્યારે તમારું ભોજન બનાવનાર, એ અનાજ-શાકભાજી ઉગાડનાર, એ લાવનાર વગેરે બધાનો આભાર માનીને પછી ભોજન આરોગો. તમારા જીવન માટે જેઓ જેઓ સેવા પ્રદાન કરે છે તે બધાનો તમારે ઉપકાર ગણવો જોઈએ.. આથી તમને આંતરિક રીતે સારું લાગશે, તમારો વિકાસ થશે. ઘણા લોકો પોતાની સામજિક દશાને લીધે જીવનના નકારાત્મક પાસાં ઉપર જ વધુ ફોકસ કરવાની ટેવવાળા થઈ જાય છે. જય શેટ્ટી, એમના સાધુજીવનના અનુભવ યાદ કરીને કહે છે કે એમના શિક્ષકે(ગુરુ) શિષ્યોને કહ્યું કે, તમે ભૂતકાળના એવા પ્રસંગો યાદ કરો કે જે તમે માનતા હો કે આને માટે હું લાયક નહોતો. તો તેના પ્રતિભાવો લગભગ એવા જ આવ્યા કે જ્યાં તેમને ખરાબ ટ્રીટમેન્ટ મળી હતી કે પોતે કમનસીબ હતા એવું લાગ્યું હતું. એટલે કે બધા શિષ્યોએ નકારાત્મક અનુભવો પર જ ફોકસ કર્યું. લેખક અહીં કહે છે કે કોઈપણ શિષ્યે જીવનમાં નસીબજોગે સારી મળેલી ચીજો, ઘટનાઓ, પરિસ્થિતિઓનો ઉલ્લેખ ના કર્યો... એટલે કે આપણે આપણા જીવનમાં હકારાત્મક, સારા ઉત્સાહી પાસાંને ધ્યાનમાં લેવા ટેવાયા જ નથી. માત્ર નકારાત્મકતા જ આપણી સ્મૃતિમાં જડાઈ ગઈ હોય છે. તેનાથી છૂટવાની જરૂર છે. જય એમના બાળપણની એક ઘટના યાદ કરતાં લખે છે કે, ભારતની ઝૂંપડપટ્ટીની કચરાપેટીમાંથી, એક વિકલાંગ નાની છોકરી ખાવાનું ફંફોસી રહી હતી. તેના બંને હાથ નહોતા. બિચારી ખાવાને માટે કચરામાં ફાંફા મારી રહી હતી. આથી વિપરીત, રેસ્ટોરાંમાં લોકો પાસે ખાવાની કેટલી બધી ચોઈસ હોય છે, અને તેઓ બુફેમાં ન ખવાય એટલું ભોજન લઈને કેટલો બધો બગાડ કરે છે. ભૂખે મરતા ગરીબોની તુલનામાં, જયને પોતાનો ખ્યાલ આવે છે કે એને કશી મહેનત વિના, પિતાજીની મહેનતને પરિણામે, કેવી સારી સંપન્નતા-સમૃદ્ધિ માણવા મળી છે. એમનો આભાર કયા શબ્દોથી ને કાર્યોથી માની શકાય? એટલે, આપણે ફરિયાદ-વૃત્તિને બદલે આભારવૃત્તિ કેળવવાની જરૂર છે. લેખક કહે છે કે એક અઠવાડિયું તો આમ કરી જુઓ? એક ‘આભાર-ડાયરી’ બનાવો. તેમાં દરરોજ સૂતા પહેલાં, તમારા માટે આભાર-ઉપકારની જે બાબતો દિવસ દરમ્યાન બની હોય તેની નોંધ કરો. આ રીતે સાત દિવસમાં તમારી આભાર-કળા ખીલી જશે. અને તમે જોશો કે તમને ઊંઘ પણ સારી આવશે તમારા માનસિક સ્વાસ્થયમાં પણ સુધારો જોવા મળશે. તમને કોઈના પ્રત્યે શત્રુતા, તિરસ્કાર, ઈર્ષ્યા રહેશે નહિ, સદ્ભાવ અને સ્નેહ વધશે. હવે આભાર પણ ખાસ પ્રસંગોએ જરૂર માનો. જેમ કે તમને કોઈએ પાર્ટીમાં આમંત્રણ આપ્યું. સુંદર પાર્ટી તમે માણી તો એમને Thanks for the great party કહો યા મેસેજ કરો...પાર્ટીની વિશેષતાઓ, પ્રવૃત્તિઓ, ભોજન-વાનગીઓ વગેરેની પ્રશંસા કરો...જુઓ તમને અને યજમાનને બહુ સારું લાગશે. એક હકારાત્મક-સંવાદિત સેતુ રચાશે. અને તેની સારી અસર પડશે. આભાર-ભાવનાને વિસ્તૃત અને સુદૃઢ બનાવવા, લેખક જરૂરિયાતમંદોને મદદરૂપ થવા ઉપર ભાર મૂકે છે. સમાજની સ્વૈચ્છિક સેવા કરો. આનાથી તમારા જીવનનો દૃષ્ટિકોણ વ્યાપક તો થશે જ, સાથોસાથ, તમને ક્રોધ, તણાવ, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓમાંથી પણ બહાર લાવશે. તમારું ડીપ્રેશન હોય તો તે દૂર થઈ કલ્યાણમાર્ગે તમે આગળ વધશો.

૧૦. પરસ્પર વિશ્વાસ અને જોડાણો દ્વારા સંબંધોને સમજો અને વિકસાવો :

જય શેટ્ટી આશ્રમમાં રહેલા ત્યારના અનુભવોને આધારે કહે છે કે, નિરપેક્ષભાવે અન્યને પ્રેમ આપવામાં શરૂઆતમાં એમને મુશ્કેલી પડી. પરંતુ એમના ગુરુએ એમને મૂલ્યવાન પાઠો શીખવ્યા કે જેમને તમે પ્રેમ, આદર આપો તે જ વ્યક્તિ પાસે પ્રેમાદરની અપેક્ષા ન રાખો, તમને ગમે ત્યાંથી પ્રેમ પરત મળશે જ, કારણ કે પ્રેમ એ વર્તુળ જેવો છે, જે એક જગ્યાએથી તમે આપશો તો તે પાછો તમને મળશે જ, ગમે તે સ્વરૂપે, ગમે તે જગ્યાએથી મળશે. સારા સંબંધો માટે, સ્પષ્ટ અપેક્ષાઓ, ઈરાદાઓ રાખો. લેખક ચાર પ્રકારના વિશ્વાસ સૂચવે છે જે અલગ અલગ સંબંધો વિકસાવે છે : ૧. સામર્થ્ય-યોગ્યતા : અન્યનાં જ્ઞાન અને કૌશલ્યમાં શ્રદ્ધા રાખો. ૨. કાળજી : સામેની વ્યક્તિને તમારી ભલાઈમાં રસ છે એવો વિશ્વાસ રાખો. ૩. ચારિત્ર્ય : અન્યની નૈતિક સુગ્રથિતતામાં શ્રદ્ધા રાખો. ૪. સાતત્ય : સામેનાની આધારભૂતતા અને તમને જરૂર પડ્યે મદદ કરવાની તેની તત્પરતામાં વિશ્વાસ રાખો. લેખક સલાહ આપે છે કે, સામેની વ્યક્તિ કયા પ્રકારનો વિશ્વાસ તમારામાં મૂકે છે તેની સાથે તમારી અપેક્ષાઓનું સંતુલન સાધી જુઓ. કોઈ એક જ માણસ તમારી બધી અપેક્ષાઓ પૂરી કરી શકશે નહિ. તેથી દરેક સંબંધોની પાછળ રહેલા હેતુને સમજવો જરૂરી છે. જય કહે છે કે લોકો આપણા જીવનમાં પરિચય/સંપર્કમાં કોઈક ને કોઈક કારણસર આવે છે, તે અમુક સમય માટે કે લાંબા સમય માટે પણ સંબંધમાં રહે છે. તેથી દરેક સંબંધનો સમયગાળો અને હેતુ ઓળખશો તો તે તમારી અપેક્ષાઓને મેનેજ કરવામાં અને સ્વસ્થ જોડાણો-સંબંધો વિકસાવવામાં મદદરૂપ થશે. વિશ્વાસ ઊભો કરવો એટલે તમારાં વચનો પાળવાં, સહાય ઑફર કરવી અને કપરા કાળમાં કોઈકની પડખે ઊભા રહેવું. ત્યાર પછી જય શેટ્ટી રોમેન્ટીક સંબંધોની વાત કરે છે. ચિરસ્થાયી સંબંધો માટે એકલું આકર્ષણ જ પૂરતું નથી. પ્રેમને લાંબો સમય ટકાવવા માટે લાગણીપૂર્ણ, આધ્યાત્મિક જોડાણ ખૂબ મહત્ત્વનું હોય છે. આવા રોમેન્ટીક સંબંધમાં પ્રવેશતાં પૂર્વે પોતાની જાતને અને સામેનાને સમજવું ખૂબ જરૂરી છે. Thich Nhat Hanhને ટાંકીને જય જણાવે છે કે લોકો પોતાને દુઃખ કે પીડામાંથી માર્ગાંતરિત થવા માટે સંબંધોમાં જોડાવાનું શોધે છે. સાચો પ્રેમ, પોતાની જાતને સમજવાથી અને પોતાની જાતને પ્રેમ કરવાથી શરૂ થાય છે. Toxic-કડવા સંબંધો કે અસંગત સંબંધોની વાતમાં, જય એનાથી દૂર રહેવાની સલાહ આપે છે, કારણ કે એમાં બોલાચાલીના કે લાગણીના ને શારીરિક કષ્ટના પ્રસંગો બનતા હોય છે. આવા વિષમય સંબંધો કે વેરઝેરને મિત્રતામાં બદલવા મુશ્કેલ હોય છે. લાંબા ગાળાના સંબંધોમાં, પ્રેમને જીવંત રાખવા માટે તાજગીપૂર્ણ-નવા અનુભવો સર્જવા, શીખતા રહેવા અને બંનેનો સહવિકાસ સાધવા ઉપર લેખક ભાર મૂકે છે. બંને વચ્ચે બોન્ડીંગ વધારે અને નવીનતા લાવે તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. હનીમૂન પીરીયડ ટકતો નથી, પાર્ટનરો, જીવનને ભેગા મળીને માણે-જાણે ત્યારે પ્રેમ ધબકતો રહે છે. ટૂંકમાં, સંબંધોના છોડને ઉછેરવા માટે વિશ્વાસનું ખાતર જોઈએ. દરેક સંબંધ પાછળની અપેક્ષાઓ અને હેતુને પણ સમજવા જરૂરી છે. એમાં કયા પ્રકારનો, સ્તરનો વિશ્વાસ સંકળાયેલો છે તેને પણ ઓળખવો પડે. રોમેન્ટીક સંબંધોમાં લાગણીની અને આધ્યાત્મિક સુસંગતતાને પ્રાધાન્ય આપવું પડે.

૧૧. સુખી અને સંતુષ્ટ જીવન માટે સેવા એ સીધો માર્ગ છે :

ભગવદ્ગીતામાંથી પ્રેરણા લઈ, લેખક કહે છે સ્વાર્થ-સાધનાને સ્થાને પરમાર્થ-પ્રવૃત્તિમાં જોડાવાથી સાચું સુખ અને જીવન-સાફલ્યનો આનંદ મળે છે. આશ્રમજીવનમાં સેવા કરવી એ તો સાધકોને માટે જીવનનો એક ભાગ જ ગણાય છે. સાધુઓનું તો ધ્યેય જ એ હોય કે જગ્યા-આશ્રમ-પ્રાંગણ સ્વચ્છ રાખવું, લોકોને સુખી કરવા અને દુનિયાને બહેતર બનાવવી. આવો આપણો આંતરિક સ્વભાવ બનવો જોઈએ. નાનાં બાળકો પણ એ જોઈને સેવાભાવનાવાળાં, અન્યને મદદરૂપ થનારાં બનશે. સેવાનો હેતુ અને સાધન બંને શુદ્ધ હોવાં ઘટે, નિરપેક્ષ સેવા ખૂબ જરૂરી છે. નિઃસ્વાર્થ સેવાથી, જેની તમે સેવા કરો છો તેની અને તમારી બંનેની ખુશી સર્જાય છે. જ્યારે આપણે બીજાને કંઈક આપીએ છીએ-કાંઈ ભૌતિક વસ્તુ, ઊર્જા કે અન્ય—તે આપણને પણ મળેલું હોય છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ, તેથી સેવાથી ડીટેચમેન્ટ –અસંગભાવ મજબૂત બને છે-તેરા તુઝકો અર્પણ, ક્યા લાગે મેરા ! જેમને પોતાની ઊર્જા-સમય-શક્તિ ક્યાં ફાળવવાં તેનો ખ્યાલ ન હોય તેને લેખક સૂચવે છે કે તમે બીજાનું દર્દ-પીડા જોઈ તમારા દિલમાં પણ તેવું દર્દ અનુભવો, સહાનુભૂતિભાવ લાવો, અને પછી તેને કાર્યમાં ઊતારો, સેવા શરૂ કરો. સેવાભાવભર્યું જીવન જીવવાથી સુખ મળે, ભય દૂર થાય, ભૌતિક મમત્વ ઘટે, આભાર ભાવ વધે અને જીવનનો હેતુ સમજાય... “મોહદશામાં જોયું તો જીવન આકર્ષણ છે, પણ સેવામાં સમજાયું કે જીવન આત્મસમર્પણ છે.”

ઉપસંહાર :

સાધુ-પ્રેરિત માઈન્ડસેટ અને તેવી પ્રવૃત્તિ અપનાવવાથી પોતાનું જીવન બદલવા માગતા સાધકો માટે Think Like a Monk એક રોડમેપ જેવું પુસ્તક છે. લેખક જય શેટ્ટી, સાધુ પરંપરાની પ્રાચીન પ્રજ્ઞા, શાસ્ત્રબોધ શોધી, આપણને માનસિક સ્થિતિસ્થાપકતા, જીવન અર્થની શોધ, સંબંધ-સંવર્ધન અને આંતરિક આનંદ-પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેની સુંદર-સરળ રૂપરેખા આપે છે. વધુ શાંતિપૂર્ણ, હેતુપૂર્ણ, સંતુષ્ટ જીવન તરફ દોરી જતું આ વ્યવહારુ માર્ગદર્શન છે. આનાથી વાચકો, નકારાત્મકતા, તણાવ અને માનસિક અસ્વસ્થતા-ઉદ્વેગ ઉપર નિયંત્રણ કેળવી અર્થપૂર્ણ અસ્તિત્વનો ઉત્સવ માણવા સક્ષમ બની શકે છે.

૧. જીવનનો હેતુ એ જ શક્તિશાળી ચાલકબળ છે : આપણા જીવનમાં અર્થ-હેતુની પ્રાપ્તિ એ બહુ મુશ્કેલ બાબત ન હોવી જોઈએ. લેખક માને છે કે દરેકને હેતુ તો હોય જ છે, તેને માત્ર યાદ દેવડાવવાની જરૂર હોય છે, કે તું તારો હેતુ શોધવા મેહનત કર, જડી જશે, તારી પેશનને ઓળખ અને તારાં આંતરિક મૂલ્યોને સમજવાનો પ્રયાસ કર. ૨. સાવધાન-સચેત બનો : આપણું મન ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે અવારનવાર વિચાર-ફેરા મારતું રહે છે. પરંતુ વર્તમાનક્ષણમાં જીવવાથી વધુ સુખ-સંતોષ મળે છે તે આપણે ભૂલી જઈએ છીએ. માનસિક સતર્કતા એટલે આપણા વિચારો, લાગણી અને આસપાસના જગત વિશે તટસ્થ સભાનતા કેળવવી. આમ કરવાથી તનાવ મેનેજ થશે અને માનસિક સ્પષ્ટતા વધશે. ૩. સ્વસ્થ-સંવાદિત સંબંધો અગત્યના છે : આજના ઝડપી જમાનામાં, આપણી આસપાસના લોકો સાથે અર્થપૂર્ણ સંબંધો બાંધવાની કોઈને ફૂરસદ નથી. પ્રિયજનો સાથે સમય વીતાવવો, હકારાત્મક તરંગોવાળા લોકોની વચ્ચે રહેવું એ આપણા કલ્યાણ માટે ખૂબ અગત્યનું છે. આપણાં મૂલ્યોને સમજે ને શેર કરે અને આપણને ઉપર ઉઠાવે તેવા સંબંધો કેળવવા જોઈએ. ૪. મોહયુક્ત લગાવ દૂર કરો : લગાવ, વળગણ, મોહ રાખશો તો જીવનમાં દુઃખી થશો. આપણે મોટેભાગે વિચારો, વસ્તુઓ, વ્યક્તિઓ સાથે એટેચમેન્ટ રાખતા હોઈએ છીએ આથી એ આપણી અપેક્ષા કે આયોજન મુજબ ન ચાલે/મળે ત્યારે આપણને હતાશા-નિરાશા-દુઃખ થાય છે. આથી ડીટેચમેન્ટ-મમત્વભાવનો ત્યાગ શીખી લો. એટલે કે વસ્તુ જેવી છે તેવી સ્વીકારો. અને વર્તમાનમાં જીવો. આવો માઈન્ડસેટ જીવનમાં સુખ-સંતોષ આપશે. ૫. સહેતુક જીવન જીવો : કોઈક ઉચ્ચ હેતુ સાથે જીવવું એટલે આપણાં કાર્યો વિશે અને તેની અન્ય ઉપર પડનાર અસર વિશે સભાનતા રાખવી. આપણાં મૂલ્યો અને ધ્યેયોને સુસંગત જીવન જીવવા આપણે મથવાનું છે, આપણાં કાર્યોનાં પરિણામો/અસર વિશે જાગૃત રહેવાનું છે. તો જીવન વધુ અર્થસભર અને સંતુષ્ટ જીવાશે. ૬. સ્વયંશિસ્ત અનુસરો : આપણાં ધ્યેયો પ્રાપ્ત કરવા અને સફળ જીવન જીવવા સ્વયંશિસ્ત ખૂબ જરૂરી છે. એ દૈનિક નિયત દિનચર્યા અનુસરવાથી આવે છે. જેમ કે વહેલા સૂઈ, વહેલા ઊઠવું, રોજિંદાં કર્યો નિયમસર કરવાં, તેમાં સતર્કતા રાખવી, તો લક્ષ્યપ્રાપ્તિ થાય. સ્વયંશિસ્ત માટે તમારે સમય આપવો પડે, પ્રયત્ન કરવા પડે. તો વ્યક્તિગત વિકાસ સારો થાય. ૭. આંતરિક શાંતિ શોધો : સુખી-સંતુષ્ટ જીવનનો પાયો છે આંતરિક શાંતિ ! દરરોજ ધ્યાન કરવાથી, કાર્યસજાગ રહેવાથી અને આભાર ભાવના આચરવાથી આંતરિક શાંતિ મળે. એ માટે નકારાત્મક વિચારો-લાગણીઓથી છૂટકારો મેળવી હકારાત્મકતા અને કરુણા ઉપર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ. ૮. નિષ્ફળતાને સ્વીકારો : નિષ્ફળતા એ સફળતા તરફની યાત્રાનો સાહજિક પડાવ છે. તેથી ત્યાં થોભો, જુઓ, તેને સ્વીકારો અને તેને વિકાસની સબળ તક તરીકે ગણો. માણસ ભૂલમાંથી જ તો શીખે છે અને નિષ્ફળતામાંથી વધુ મજબૂત અને સ્થિતિસ્થાપક બની આગળ વધે છે. ૯. સેવાને અગ્રિમતા આપો : અન્યની સેવા એ સંતુષ્ટ જીવનનો એક પાયાનો અંશ છે. સમાજે તમને આપ્યું છે તે સેવા દ્વારા પરત કરો, તેથી સમાજ ઉપર એક હકારાત્મક ઊર્જા ઊભી થશે. નાનાં નાનાં દયા-કરુણાનાં કામથી સેવાની શરૂઆત કરો, ચેરીટેબલ સંસ્થા, ધર્માદા સંસ્થામાં જોડાઓ.

સમાપનકારી અવતરણો :

  • ‘તમારી પેશન તમારા માટે છે, પરંતુ તમારો હેતુ અન્યને કાજે.’*
  • ‘તમારા જીવનની ગુણવત્તા એ તમારા સંબંધોની ગુણવત્તાનું સીધું પ્રતિબિંબ છે.’
  • ‘તમારો સમય એ જ તમારું જીવન છે. માટે જે રીતે તમે સમય વીતાવશો, તેવું તમારું જીવન વીતશે.’
  • ‘વર્તમાન ક્ષણ જ એવો સમય છે, જેમાં તમે આનંદ, પ્રેમ અને સંતુષ્ટિ અનુભવી શકો.’
  • ‘બહારનાં અવાજો ને દૃશ્યોથી વિમુખ થઈને અંદર જોશો તો અર્થપૂર્ણ જીવનનો માર્ગ જડશે.’
  • ‘મનને નિયંત્રણમાં રાખવાનો એકમાત્ર માર્ગ તેની કેળવણીનો છે.’
  • ‘આભારવશતા એ સુખની ચાવી છે.’
  • ‘બીજાનાં કાર્યોને માફ કરવાં એ ક્ષમા નથી, ક્ષમા એ તો તમે આચરેલા ક્રોધ અને વિરોધભાવમાંથી પોતાની જાતને મુક્ત કરવી તે છે.’
  • ‘સુખ-સંતોષ પામવાનો ઉત્તમ માર્ગ છે બીજાને મદદરૂપ થવાનો.’
  • ‘આભારવશતા એટલે જીવનમાં નાની-મોટી બધી જ સારી વસ્તુઓ માટે આભાર માનતા રહેવાનો અભ્યાસ.’
  • ‘સ્વીકાર એટલે છોડી દેવું એમ નહિ, પણ વાસ્તવિકતાનો સ્વીકાર અને જેને બદલી શકવાના નથી, તેને બદલવાનો પ્રયત્ન ન કરવો.’
  • ‘સ્વયંશિસ્ત એટલે તમારા, વિચારો, લાગણીઓ અને કાર્યોને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા.’
  • ‘ફોકસ એટલે વર્તમાન ક્ષણ ઉપર કેંદ્રિત કરવાની અને વિચલનથી દૂર રહેવાની ક્ષમતા.’
  • ‘સેટબેક અને નિષ્ફળતાથી પાછા વળવાની ક્ષમતા એટલે સ્થિતિસ્થાપકતા.’
  • ‘સંતુષ્ટ જીવન માટે જીવનનો હેતુ શોધવો ખૂબ જરૂરી છે.’
  • ‘આપણાં સુખ ને કલ્યાણ માટે સ્વસ્થ સંબંધો ખૂબ જરૂરી છે.’
  • ‘જીવનનો અર્થ અને હેતુ શોધવાનો એક ઉત્તમ માર્ગ સેવાનો છે.’