Talk:દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૪. ખાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪. ખાડી

વસંતતિલકા


નૌકા વિષે રહિ જનો જળ પંથ ચાલે,
તે દોડતાં તરુવરો નિધિ તીર ભાળે;
તે જેમ હોય નિજ દુર્ગુણ જે અલેખે,
પોતા વિષે ન પરઠે પર દોષ દેખે.

જો નાવ માંહિ રહીને કદિ દૂર જૈયે,
કાંઠા સલીલ ડુબતાં દ્રુમ દેખી લૈયે;
આઘે જઈ વળિ જુઓ કરી દૃષ્ટિ ભાઈ,
જાણે જમીન સઘળી જળમાં સમાઈ.

નાવો બીજાં વિચરતાં બહુ આસપાસે,
તે દૂરથી પ્રથમ તો શઢ માત્ર ભાસે;
જાણે ધજા નિધિશિરે બહુ છે ચડાવી,
કાં તો અનેક વસિયા બગ પક્ષિ આવી.

જો આ શિકારિ જન જાળ જળે ધરે છે,
સ્વાર્થે ગરીબ મછના જીવને હરે છે;
તે જેમ ઢોંગી ગુરુ શબ્દની જાળ નાંખી,
અજ્ઞાનિ લોકતણી લે ઠગી મૂડિ આખી.

ખોરાક વાળિ ગળ કોઈક તો ધરે છે,
જો સ્વાદ લોભિમછ તે ગળિને મરે છે;
તે જેમ લોભિ જન સૌ ઠગથી ઠગાય,
લેવા જતાં અધિક લાભ બધુંય જાય.

ડોળું જણાય જળ સાગર નીર તીર,
આઘે જતાં નિરખિયે વળિ સ્વચ્છ નીર;
બે દેશ સંધિ થળમાં, જન મિશ્ર વાણી,
મધ્ય સ્થળે પ્રબળ નિર્મળ જેમ જાણી.