The Communist Manifesto

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The-Communist-Manifesto.jpg


The-Communist-Manifesto

Karl Marx & Friedrich Engels

સામ્યવાદનું ઘોષણાપત્ર

કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંજલ્સ
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન


અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

પુસ્તક પરિચય

વિશ્વભરના શ્રમિકો સંગઠિત થાવના નારા સાથે સામ્યવાદના પ્રણેતા અને પુરસ્કર્તા કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંજલ્સે આ સામ્યવાદના ઘોષણાપત્રનું ગઠન કર્યું છે. લંડનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સામ્યવાદી પરિષદમાં સૌ પ્રતિનિધિઓએ ભેગા મળી, મૂડીવાદી ભદ્રવર્ગ અને શ્રમજીવીવર્ગ વચ્ચેના સંઘર્ષમાં રાજકીય સામ્યવાદની શી ભૂમિકા કે વલણ હોઈ શકે, તેની સુરેખ રૂપરેખા આમાં દોરી આપી છે.

લેખક પરિચય :

કાર્લ માર્ક્સ (૧૮૧૮-૧૮૮૩) જર્મન ફિલોસોફર અને સામ્યવાદી રાજકીય વિચારધારાના ભીષ્મ પિતામહ, અને ‘દાસ કેપીટલ’ જેવા સીમાસ્તંભરૂપ પુસ્તક દ્વારા માર્ક્સવાદના સ્થાપક છે. ફ્રેડરિક એંજલ્સ (૧૮૨૦-૧૮૯૫) લેખક અને સમાજવિજ્ઞાની. માર્ક્સના રાજકીય સાથી તથા તેમની સાથે કેટલાંક મહત્ત્વપૂર્ણ પુસ્તકોના સહલેખક છે.

પ્રસ્તાવના :

આમાં વાચકના રસનું છે: સામ્યવાદ વિશે પાયાની સમજ કેળવવી : વિશ્વભરના શ્રમજીવીઓના ભયંકર શોષણ અને અસમાનતાના પ્રવર્તમાન માહોલમાં સામ્યવાદના ઘોષણાપત્રનું આ પુસ્તક સામ્યવાદી વિચારધારાના મૂળભૂત સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડે છે. જગતના ઇતિહાસે જોયેલી-અનુભવેલી મૂડીવાદી શોષણની વ્યથા-કથાની વરવી વાસ્તવિકતા વેઠીને, કેવો સમાજ ઘડવો જોઈએ તેનું તીવ્ર પૃથક્કરણ અહીં આપ્યું છે. એક તરફ દુનિયામાં કારમો ભૂખમરો છે તો બીજી તરફ અન્નનો વરવો વેડફાટ જોવા મળે છે. દૂરનાં સીવીલ વૉરમાં બાળસૈનિકોને એકબીજાને મારવા દબાણ કરી તેમાંથી કંપનીઓ નફો રળે છે. કપડાંનાં કારખાનેદારો, મજૂરણો પાસે ઓછા દરે કપડાં સીવડાવે-શોષણ કરે અને પશ્ચિમના જગતમાં તે ઊંચા દરે વેચી અઢળક નફો કરે. આ બધા દૃશ્યો આર્થિક ઉત્પાદનની આધુનિક મૂડીવાદી વ્યવસ્થામાં જોવા મળતાં ભયંકર શોષણનાં નિદર્શનો જેવાં છે.

જોકે, એમાં કાંઈ નવું નથી. ૧૯મી સદીમાં ઔદ્યૉગીકરણની કરવટ લેતા યુરોપનાં કારખાનાંઓમાં સામ્યવાદીઓ આ પરિસ્થિતિ જોઈ ડરી ગયા, કે આ શું? માનવીનું આવું પાશવી, અમાનવીય શોષણ? અને તેમાંથી જન્મી, શ્રમજીવીઓની યાતનાની વહારે ધાતી સામ્યવાદી રાજકીય વિચારધારા ! આ પુસ્તક, ત્યારની પ્રારંભિક મજૂર ચળવળની રૂપરેખા અને આયોજનનો ખ્યાલ આપે છે, જે આપણને સામ્યવાદના જનકના મુખેથી સાંભળવા મળશે, અને તમે વાંચશો કે:-

• શા માટે કોઈને પણ પ્રાઈવેટ પ્રોપર્ટી ધરાવવાનો અધિકાર ન હોવો જોઈએ?
• સામંતશાહી સમાજના સમય કરતાં શા માટે આપણું અત્યારનું જીવન બહુ જુદું નથી?
• સમાજના સંપન્ન, ધનિક વર્ગના અત્યાચારો-શોષણની સામે લડત આપવામાં તમે શું કરી શકશો?

ચાવીરૂપ ખ્યાલો :

૧. જે વર્ગ અર્થતંત્રનું નિયંત્રણ કરે છે તે જ વર્ગ સમાજનું પણ નિયંત્રણ કરે છે.

શા માટે આપણને ગરીબ શ્રમિકો સરકારમાં જોવા મળતા નથી અને ધનવાન જમીનદારો કારખાનામાં પસીનો પાડતા દેખાતા નથી? ધન સંપન્ન વર્ગ સત્તાનાં કેંદ્રોમાં છે અને બાકીના સમાજનો મોટો મજૂર/કારીગર વર્ગ તેમની દયા પર જીવે છે. આવું કેમ થયું? એનો જવાબ છે અર્થશાસ્ત્ર. જો દેશનું અર્થતંત્ર બદલાય તો સમાજ બદલાય. સામાજિક સંબંધનું પ્રત્યેક પરિવર્તન, ઉત્પાદન પદ્ધતિના પરિવર્તનથી જન્મે છે. દા.ત. રોટી, કપડાં, મકાન, ટ્રાન્સપોર્ટેશન જેવી મૂળભૂત જીવનજરૂરિયાતો જે પદ્ધતિ દ્વારા પોષાય છે તે. પાષણયુગમાં શિકાર કરીને ખોરાકની જરૂરિયાત પૂરી કરતો માણસ તેના પરિવાર કે જૂથ પૂરતું મેળવી લેતો. આથી, તે જૂથો (સમાજ)માં ભાગ્યે જ કોઈ વર્ગભેદ હતો. બધા જ સરખા હતા. પછી ધીરે ધીરે રખડું શિકારીજીવન ઓછું થતાં ખેતીની શરૂઆત અને સ્થાયી નિવાસ બનતાં ખોરાક/અનાજ-શાકભાજી પ્રાપ્તિની વધુ સારી પદ્ધતિ ઉદ્ભવી. ધરતીમાતાએ જરૂરતથી વધારે પકવી આપ્યું, અનાજ સંગ્રહ પણ થતાં, ખેડૂત તે અન્યને વેચીને પણ ગુજરાન ચલાવવા લાગ્યો. આ ઉત્પાદનપદ્ધતિના બદલાવથી, અન્ન પૂરવઠો નિયંત્રણ કરનાર જમીનમાલિક અને ખેતર ઉપર કામ કરનાર ખેતમજૂર, તો વળી અનાજ વેચનાર વચેટિયો વેપારી આવા સમાજના વર્ગો ઊભા થયા. એમાંથી જેની પાસે અર્થનિયંત્રક શક્તિ આવી તેણે રાજકીય સત્તા પણ કબજે કરી. ઈતિહાસ ઉપર નજર કરીએ તો જણાશે કે, લગભગ બધા સમાજોમાં વર્ગસંઘર્ષીય જટિલ શ્રુંખલા ઊભી થઈ. અને એ શ્રુંખલાના વર્ગો વચ્ચેની વિભાજક રેખા, જે તે વર્ગ ઉત્પાદનનાં સાધનો ને પદ્ધતિઓ ઉપર કેવું નિયંત્રણ ધરાવે છે તેના ઉપર આધારિત બની. ટૂંકમાં, સાધન-સંપન્ન વર્ગ સમાજનો નિયંત્રક બન્યો, એટલે તેણે વિપન્નોનું શોષણ કરી તેમના ઉપર આધિપત્ય સ્થાપ્યું. દા.ત. રોમન જગતમાં તો મજૂરોને-ગુલામોને પ્રોપર્ટી વસાવવાનો અધિકાર પણ ન આપ્યો, જેથી ધનિકોના જુલમ, દમન વધી ગયા. મધ્યયુગીન યુરોપમાં સામંતશાહી દરમ્યાન આવી જ પરિસ્થિતિ રહી. ગરીબ મજૂરોને જમીન જોડે જકડેલા રાખ્યા, ધનિક જમીનદારોના તેઓ આજીવન ઋણી, ગુલામ બની રહ્યા. એ જમીનદાદાઓ માત્ર જમીનના જ નહિ, તેમના ખેતમજૂરોના પણ માલિકો ગણાતા, અને તેમની પાસે ઢોરની જેમ કામ લેતા... આથી શોષક અને શોષિતો વચ્ચે વર્ગસંઘર્ષ ન થાય તો બીજું શું થાય? ઈતિહાસ એનો સાક્ષી છે.

૨. ઊચ્ચ/ભદ્રવર્ગનું અર્થતંત્ર ઉપર નિયંત્રણ રહ્યું તેથી સમાજ ઉપર પણ તેમનું આધિપત્ય છવાયું.

રાજા, નોબલ્સ-અમીર ઉમરાવો અને ચર્ચની સત્તાનો પ્રભાવ જોવા-સમજવા તમારે મધ્યયુગનાં કેસલ(કિલ્લા) કે કેથેડ્રલ જવાની જરૂર નથી. એ તો ઈતિહાસમાં તમે વાંચી શકશો. પણ હવેના સમયમાં એના જેવી સત્તા-શક્તિની ધરી હવે ઉદ્યોગમાલિકોના હાથમાં આવી છે. આજે ઉદ્યોગપતિઓ સમાજ/દેશના અધિપતિ બની બેઠા છે. આ કેવી રીતે થયું? સામંતશાહીના પતન પછી એમણે સત્તા-શક્તિનું હસ્તાંતરણ કરી લીધું. સામંતશાહી સમાજરચનામાં, ઉત્પાદનનાં સાધનો (મુખ્યત્વે ખેતીની જમીન) તાજ, ઉમરાવોના હાથમાં હતાં, ભદ્રવર્ગ અને ચર્ચના હાથમાં હતાં. તેથી તેઓ કૃષિ ઉત્પાદન અને ખેતમજૂરો ઉપર નિયંત્રણ રાખતા. મજૂરોએ જીવન ટકાવવા ગુલામ બની વેચાઈ જવું પડતું. ત્યાર પછી ૧૮મી સદીના ઔદ્યોગિકરણે સામંતશાહી ગુલામીને બદલે ઉત્પાદનની નવી તરાહ આપી. ખેતમજૂરોને ખેતર ઉપર ઢોરની જેમ મહેનત કરવાને બદલે કારખાનાંઓમાં કામ કરવાનો વહાલો વિકલ્પ આપ્યો... ખેડૂત તો જમીન છોડીને દોડ્યો કારખાને ! આથી જૂની સમાજ રચના ભૂંસાતી ગઈ... તોયે તેમનું શોષણ, યાતના, જુલમ ન ભૂંસાયા. હવે એક નવો શોષકવર્ગ ઊભો થયો. જમીનદારોને બદલે ઔધોગિક કેંદ્રોના માલિકો, મિલમાલિકો, ધનિકો ! મુક્ત બજારના અદૃશ્ય હાથોએ અને તેમના નગ્ન સ્વાર્થે સામંતશાહીનું જ બીજું રૂપ લીધું. મજૂરો તો ઠેરના ઠેર ! તેમણે તો તેમનો શ્રમ જ વેચવાનો રહ્યો. પરંતુ તેમના શ્રમના બદલામાં અને તેમણે પેદા કરેલ ઉત્પાદનના પ્રમાણમાં તેમને બહુ ઓછી રોજી મળતી. દા.ત. એક કારીગર ફેક્ટરીમાં ખુરશી બનાવે છે, તો એને મોંઘાભાવે વેચાતી ખુરશીની કિંમતમાંથી કેટલું મળે છે? બહુ જ થોડો અંશ... બાકીની મલાઈ તો માલદારોનાં મોંમાં જ જાય, ને પેલો બિચારો કારીગર તો અડધો ભૂખ્યો જ રહે ! આથી ધનવાનની સત્તા-શક્તિમાં પણ વધારો જ થાય. એટલું જ નહિ, મિલમાલિક તેનો ધંધો કેમ વધે, ધન કેમ વધે તેની જ કાયમ ફિરાકમાં હોય, અને આ તો વૈશ્વિક ઘટના છે. આજના સમયને ઓળખવાનો આર્થિક સિદ્ધાંત એ મૂડીવાદ બની ગયો છે.

૩. મજૂર વર્ગ ઉપર શોષણ અને અન્યાય થાય છે, તો પણ એમનામાં હવે સંગઠન વધી રહ્યું છે.

આજે દમનકારી રાજાનું સ્થાન શોષક સંપન્ન વર્ગે લીધું છે તો તેમની નીચે નવો શોષિત મજૂરવર્ગ ઊભો થયો છે. શ્રમિકોને, તેમના કામમાં પહેલાં જેવો ઉમળકો, રસ રહ્યાં નથી. તે હવે પોતાને માટે કંઈ ઉત્પાદન નથી કરતો, પરંતુ કારખાનાના માલિક માટે કરે છે, ને તે એને જીવન ટકાવવા પૂરતી જ રોજી આપે છે, તંદુરસ્ત, આનંદી જીવન જીવવા માટે નહિ. તેને તો પોતાની ફેક્ટરી ચાલુ રહે તેમાં જ રસ હોય છે. આમ, મજૂરને કામ મળે ત્યાં સુધી તે જીવશે, પછી તે કામ કરવા માટે કારખાનેદારને ત્યાં સક્ષમ ન હશે ત્યારે એને કાઢી મૂકાશે... કામદાર પણ હવે ઉપયોગીતાવાદની એક વસ્તુ બની રહ્યો છે. આટલું પૂરતું ન હોય તેમ, શ્રમવિભાજન આવ્યું. એક ચીજ ઉત્પાદન કરવાના નાના નાના પગથિયાં વધુ ને વધુ સ્પેશ્યલાઈઝ્ડ થતાં ગયાં તેમ તેમ કારીગર વધુ બિનમહત્ત્વનો થતો ગયો. પહેલાં એક સુથાર આખી ખુરશી પોતે એકલો બનાવતો, હવે ખુરશીના વિવિધ ભાગો જુદા જુદા વિભાગોમાં અલગ અલગ મજૂરો દ્વારા બને છે. એટલે એ મજૂરે એક જ પ્રકારનું કંટાળાજનક કામ આખો દિવસ તદ્દન ઓછા પગારે, ઘાંચીની ઘાણીના બળદની જેમ કરતા રહેવાનું. એટલે ઉત્પાદનનો આનંદ એને ન રહ્યો. આવા મૂડીવાદી ચગડોળમાં માનવતાનાં કોઈ પાસાંનું મહત્ત્વ નથી હોતું. વ્યક્તિની ઉંમર, જાતિ, આશા-અરમાન, લાગણી, ભાવના બધું ગૌણ બની જાય છે. એ તો બસ કારખાનાના મોટા મશીનનો એક ભાગ જ બની ગયો ! વધુમાં, આવા મજૂરોની મોટી ફોજ શહેરો કે ઔદ્યોગિક કેન્દ્રોમાં જમા થઈ, શહેરોમાં કે કારખાનાંની આસપાસ તેમની બસ્તી, ઝૂંપડપટ્ટી બની ગઈ જેમાં મજૂરોની હાલત તો ઓર કફોડી થઈ. મજૂરોનો ભરાવો એટલો થયો કે તેમની વચ્ચે જ કામ મેળવવામાં શોષણ શરુ થયું. આનો એક જ ઉપાય હતો કે મજૂરોએ સંગઠિત થવું પડે, અવાજ ઉઠાવવો પડે, તાકાત કેળવવી પડે. અન્યાયની સામે થવું હોય તો એકલદોકલ મજૂરનું કામ નહિ. આમાંથી જન્મ્યો મજૂર સંગઠન–ટ્રેડ યુનિયનનો ક્રાંતિકારી વિચાર ! બસ, ત્યારથી શ્રમજીવી સંગઠનો, અન્યાયકારી-શોષણકર્તા કારખાનેદારો, ઉદ્યોગપતિની સામે મોરચો માંડી રહ્યાં છે.

૪. સામ્યવાદીઓ અને શ્રમજીવી સંગઠનો બંનેનું એક કૉમન ધ્યેય છે : વ્યક્તિગત-અંગત સંપત્તિ મિટાવી દેવી અને રાજકીય સત્તા હાંસલ કરવી.

વર્ષોથી શોષાયેલા, અન્યાય પામેલા શ્રમિકોનો ગુસ્સો વાજબી હતો, પણ તેને વ્યક્ત કેવી રીતે કરવો, તેમની હતાશાઓને રાજકીય ચળવળમાં કેવી રીતે બદલવી કે જે સમાજ પરિવર્તન લાવી શકે એ મહાપ્રશ્ન હતો. એટલે સામ્યવાદીઓ પાસે તેની પોતાની રૂપરેખા હતી. તેઓ મજદૂરોને એક સમાન સામાન્ય ધ્યેય માટે સંગઠિત કરવા માગતા હતા. દરેક દેશો, પ્રદેશો, ઉદ્યોગોમાં તેમનું નેટવર્ક, મૂડીપતિઓની તાકાત અને સત્તાના પ્રમાણમાં ઘણું નાનું છે. મૂડીપતિઓ પાસે તો અનેકઘણી આર્થિક શક્તિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો છે. તોયે આંતરરાષ્ટ્રીય સામ્યવાદીઓએ કામદારોના હિતોને એક વૈશ્વિક વર્ગ તરીકે રજૂ કરવાની જાણે પ્રતિજ્ઞા લીધી છે. આ સામ્યવાદીઓ કામદાર કે શ્રમિક પક્ષોમાંથી આવે છે, તેઓ રાષ્ટ્રીય સરહદોને વળોટી એક મોટું વૈશ્વિક શ્રમિક સંગઠન કે ચળવળ હોવાની સહિયારી સમજ ઊભી કરે છે. ઘણા લોકોને આ જરા ગૂંચવણભર્યું લાગે છે કારણ કે, તેઓ માને છે કે મૂડીવાદ હેઠળ પૈસા કમાવા અને પ્રાઇવેટ પ્રોપર્ટી મેળવવી એ જ લોકોનું કામ કરવાનું ધ્યેય હોય છે. તેઓને લાગે છે કે પ્રાઇવેટ પ્રોપર્ટી દૂર કરવાનાં આર્થિક પરિણામો ઘાતક આવશે, કારણ કે કશું જ કદી પેદા કરી શકાતું નથી. પરંતુ શ્રમિકો મજૂરો દ્વારા કોઈ માલ-મિલ્કત વસાવી શકતા નથી. કારણ કે એમને તો માંડ જીવન ટકાવવા જેટલું લઘુત્તમ વેતન જ મળતું હોય, તેમાંથી એ લોકો ક્યાં પ્રોપર્ટી ખરીદવા જવાના? પ્રોપર્ટી તો એમના શ્રમ દ્વારા મૂડીપતિઓ જ વસાવે કે સર્જે છે, અને એ માલ-મિલ્કત દ્વારા જ તેઓ શ્રમિકો ઉપર આધિપત્ય ભોગવે છે, તેમને દબાયેલા, શોષિત રાખે છે. આમ, વાસ્તવમાં, પોતાના પસીનાથી સર્જેલી પ્રોપર્ટી, મજૂરોના જ શોષણનું હથિયાર બને છે. આ છે મૂડીવાદ ! તેથી જ શ્રમિક સિદ્ધાંત મુજબ, અંગત મૂડી કે વ્યક્તિગત માલમિલકત ધરાવવાનો કોઈ વાજબી આધાર જ નથી. મૂડી કે મિલકતનું સર્જન અને માલિકી કોઈ અમુક વ્યક્તિ કે વર્ગની નહિ, પણ સર્વની હોવી જોઈએ, આ છે સામ્યવાદ ! ઉત્પાદનનાં સાધનો, તેમાં વપરાયેલો શ્રમ અને તેની પેદાશ ઉપર બધાનો સમાન, સરખો હક કે હિસ્સો હોવો જોઈએ. માત્ર માલદારો જ એકલા શા માટે મલાઈ ખાઈ જાય, મજૂરોના પસીનાની પેદાશ છે એ તો ! એમને પણ આપો. આમ સામ્યવાદીઓની વાત કે રીતરસમ તો તડને ફડ છે : શ્રમિકો સંગઠિત થાવ અને માલદારોની સત્તા-શક્તિને ઊંધી પાડો અને સંપત્તિને છીનવી લઈ સમાજમાં બધાને સમાન રીતે વહેંચી દો. તો ગરીબી-શોષણ-અન્યાય-ગુલામી-કોઈનું આધિપત્ય રહે જ નહિ. બધા જ સમાન ! માલિક-મજૂરના ભેદભાવ જોઈએ જ નહિ.

૫. આંતરરાષ્ટ્રીય સામ્યવાદીઓની ૧૦ મૂળભૂત માંગણીઓ :

વાચક મિત્રો, આપણે સામ્યવાદને બરાબર પ્રાથમિક રૂપમાં સમજવો હોય તો તેમની આ દસ માંગણીઓ જાણી લઈએ :

(૧) જમીનમાલિક અને ખેતમજૂર વચ્ચેનો વર્ગભેદ કાયમ માટે મિટાવવા સારુ, બધી જ જમીનસંપત્તિ અને તેનું મહેસૂલ જાહેર હિત અને હેતુઓ માટે જપ્ત કરી લેવાં.
(૨) બધી આવક કે ધનસંપત્તિ અમુક જ લોકો-વર્ગ કે શિખર ઉપર ભેગી ન થાય તે માટે ભારે પ્રોગ્રેસીવ ટેક્ષ નાખવો.
(૩) ધનવાનોના હાથમાં વારસાગત ધનસંપત્તિ ચાલી આવતી હોવાથી વર્ગભેદ વધુ ને વધુ મજબૂત થતો જાય છે. તેથી બધા જ પ્રકારના વારસાગત હક્કો મિટાવી દેવા.
(૪) જેઓ વિદેશ ગયા છે અને તેમની સંપત્તિ કે જમીન દેશમાં છે તેનો તેમને ઉપયોગ નથી, માટે તેને અમે ખાલસા કરી દઈશું, અને જેઓ ખેતમજૂરો-શ્રમિકોનાં હિતોની અવગણના કરે છે તેની સંપત્તિ પણ જપ્ત કરીશું.
(૫) નાણા સંસ્થાઓ માત્ર તેમના મૂડીપ્રવાહને લીધે જ અસ્તિત્વ ધરાવતી હોય છે, બાકી તે કાંઈ ઉત્પાદન તો કરતી નથી. માટે દેશની રાજધાનીમાં એક જ રાષ્ટ્રીય બેંક હોય જેની નાણાં વ્યવહાર ઉપર મોનોપોલી હોય.
(૬) દેશમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા એ દરેક નાગરિકનો અધિકાર હોવો જોઈએ, માટે વાહનવ્યવહારનાં સાધનોનું કેન્દ્રીકરણ અને જવાબદારી રાજ્યહસ્તક મૂકાય.
(૭) ઘણી બધી જમીન વણવપરાયેલી પડી રહે છે. તો હાલના રાજ્યની માલિકીનાં ઉત્પાદનનાં સાધનોનો વિસ્તાર કરવામાં આવે જેથી ખરાબ, વણખેડાયેલી જમીન સુધારીને ઉત્પાદન લઈ શકાય.
(૮) ઘણા માણસો-મજદૂરો જે વ્યાપક કામ કરે છે તેનો લાભ થોડા માલદારોને મળતો હોય છે. તેથી દરેકે જ કામ કરવું જોઈએ. વધુમાં, ખાસ કરીને ખેતી માટે ઔદ્યોગિક સૈન્ય સ્થાપવું જોઈએ.
(૯) વસ્તીની સમાન વસવાટ વ્યવસ્થા કરીને શહેરો અને ગામડાંઓ વચ્ચેની અસમાનતા ધીમેધીમે દૂર કરશે.
(૧૦) આપણા બાળપણની ગુણવત્તા ઉપર આપણા જીવનની ગુણવત્તા આધારિત હોઈ પબ્લિક સ્કૂલોમાં શિક્ષણ મફત(અને ફરજીયાત) કરવું. અત્યારની બાળમજૂરો રાખતી ફેક્ટરીઓ બંધ કરાવી દેવી.

૬. સામ્યવાદની બધી સામાન્ય ટીકા-આલોચના સહેલાઈથી નકારી શકાય છે.

ઉપરોક્ત દસ માંગણીઓ કેવી કડક ને ક્રાંતિકારી, કઠોર ને કડવી લાગે છે? પણ વાચકો, સામ્યવાદીઓ આવું જ પાયાનું પરિવર્તન માગે છે. તેથી પરંપરાગત ઢાંચાઢાળ સમાજે તો એનો ભારે વિરોધ કર્યો, તેની ટીકા-નિંદા કરી કે આવું તે વળી હોતું હશે? એમ કાંઈ ધનિકોની સંપત્તિ ઝૂંટવીને ગરીબોને વહેંચી દેવાથી સમાનતા થોડી જ આવી જાય? પણ આવા બધા વાંધા-વિરોધ કાલ્પનિક, ભ્રામક અને અમાન્ય છે. અહીં કેટલાક સામાન્ય મુદ્દાઓ જોઈશું :- પારંપરિક પરિવાર મૂલ્યો અને કૌટુંબિક સંબંધોને નબળા પાડી દેવાનો સામ્યવાદીઓ ઉપર આરોપ છે. તેઓ બાળકોને ઘરને બદલે પબ્લિક સ્કૂલોમાં ભણાવવા માગે છે, જેથી પરિવાર તૂટી જાય છે. પણ આ સાચું નથી, હાંસી કરવા જેવું છે. મૂડીવાદ દ્વારા પરિવારો તો ક્યારનાં તૂટી ગયાં હતાં. ઉજડી ગયાં હતાં. માતાઓ અઠવાડિયાના ૬૦ કલાક કામ કરતી, અને બાળકો ચાલતાં થાય એટલે તેમને કારખાનાંઓમાં ગુલામી કરવા મોકલી દેવાતાં. સામ્યવાદીઓ કહે છે કે શિક્ષણ મુક્ત હોવું જોઈએ, પણ મુક્ત એટલે શાસકપક્ષના પ્રભાવ અને દખલગીરીથી. કેટલાક માને છે કે સામ્યવાદે કામદારોની રાષ્ટ્રીયતા છીનવી લીધી છે. તોયે કહેવાય કે શ્રમિકોને વળી રાષ્ટ્રીયતા કેવી? દેશના નામ સાથે તેમનું શું કામ? એમને કોઈ મહાન મૂલ્યો કે ઈતિહાસ હોતો નથી. તેઓ તો તેમની મજૂરી અને શોષણના પ્રતિનિધિ છે. એમની પાસે જે નથી, તે સામ્યવાદીઓ લઈ શકવાના નથી. રાષ્ટ્રીય સ્તરે સામ્યવાદ રાજકીય નિયંત્રણથી શરૂ કરીને, દેશની સીમાઓ ઝાંખી કરી દેવાના ધ્યેય સુધી જશે. કારણ કે મજૂરો/કામદારોની સ્થિતિ તો બધા દેશોમાં લગભગ સરખી જ છે. આથી તેમને સંગઠિત કરવાનું સરળ થશે. વધુમાં, કેટલાક બળાપો કરે છે કે સામ્યવાદ ધર્મની બહુ દરકાર નહિ કરે, એનું મૂલ્ય ઓછું આંકશે, ખરેખર ! આપણા મૂડીવાદી સમાજની દમનકારી અને શોષકવૃત્તિથી ઘડાયેલા હાલનાં મૂલ્યોને સામ્યવાદ હટાવી દેશે. પરંપરાગત રીતે તો, ધર્મ(સત્તા)નો પ્રાથમિક હેતુ રાજકીય સત્તાને સપોર્ટ કરવાનો હતો. સામંતશાહી સમાજ માળખામાં, તેણે રાજાના રાજ કરવાના અધિકારને ટેકો આપ્યો; તો મૂડીવાદી સમાજ રચનામાં, ચર્ચ સમાજવાદી અને સામ્યવાદી ચળવળોની વિરુદ્ધમાં રહ્યું. એણે તો વર્ગોની ક્રમિકતા ટકી રહે, જેથી ધર્મને ગમે ત્યાં ઉછાળી શકાય એમાં રસ લીધો... આમ સામ્યવાદ સામેની ટીકાઓ નબળી છે... હજી ઘણા લોકો આ શ્રમિક ચળવળનાં કારણો અને માંગોને બરાબર સમજ્યા જ નથી, તેથી આ સામ્યવાદી ઘોષણાપત્ર મહત્વનું છે.

સમાપન :

માનવજાતનો ઈતિહાસ શાસકવર્ગ અને તેના શાસિત વર્ગ-પ્રજા વચ્ચેના સંઘર્ષથી ભરેલો છે, તેમાંયે મૂડીવાદીઓ દ્વારા શ્રમિકવર્ગનું દમન કે આધિપત્ય એ તો શિરમોર છે. આથી સામ્યવાદીઓ દુનિયાભરના મજૂરવર્ગને સંગઠિત કરી, ઉત્પાદન પદ્ધતિઓમાં ક્રાંતિ લાવી રાજકીય નિયંત્રણ પોતાના હાથમાં લેવા માંગે છે.

સત્તા કે શક્તિનું અર્થશાસ્ત્ર : કાર્લ માર્ક્સ અને એંજીલ્સ ભારપૂર્વક જણાવે છે કે અર્થતંત્ર ઉપરનું નિયંત્રણ સામજિક માળખાંને નિર્ધારિત કરે છે. તેમણે અહીં કૃષિ સંસ્કૃતિના આરંભથી માંડીને સામંતશાહીથી લઈ મૂડીવાદના ઉદય સુધી વર્ગભેદોનો ઉદ્ભવ કેવી રીતે થયો તે બતાવ્યું છે.

સમાજના સંપન્નવર્ગનું વર્ચસ્વ : ઔદ્યૉગીકરણથી સંપત્તિવાન ધનિક વર્ગનો ઉદય થયો. જેથી સત્તા/શક્તિનાં સમીકરણો બદલાયાં. મૂડીપતિઓનું આર્થિક પ્રભુત્વ, રાજકીય ક્ષેત્રે પણ વર્તાયું, જેથી શોષણ વધ્યું.

શ્રમજીવી સંગઠન : શોષિત હોવા છતાં, મજૂરવર્ગ એક પરિવર્તનના બળ તરીકે ઊભર્યો. ઔદ્યૉગીકરણથી તેમના સંગઠનને તાકાત મળી. આથી ઉદ્યોગપતિઓના દમન અને શોષણનીતિ સામે સંગઠિત વિરોધ મક્કમ થયો.

સામ્યવાદના સિદ્ધાંતો : મૂડીવાદના વ્યવસ્થિત-આયોજિત અન્યાયો-શોષણનીતિની સામે ન્યાય મેળવવા મજૂરોને સંગઠિત કરનારા સામ્યવાદના દસ જેટલા સિદ્ધાંતો કે માગણીઓ લેખકે ગણાવી છે, જેમાં પ્રાઈવેટ પ્રોપર્ટી ધરાવવાનો અધિકાર દૂર કરવો, ગતિશીલ કરનીતિ હોવી અને સાર્વત્રિક મુક્ત શિક્ષણનો સમાવેશ થાય છે.

સામ્યવાદની ટીકાના જવાબો : આ ઘોષણાપત્ર, સામ્યવાદના ટીકાકારોને જોરદાર જવાબ આપે છે, અને કહે છે કે, સામ્યવાદ તો કૌટુંબિક સંબંધોનાં બંધનો, રાષ્ટ્રીય ઓળખ અને નૈતિક મૂલ્યોની ખૂબ દરકાર કરે છે. આ મૂલ્યોની અવગણના કરતું નથી. ઊલટાનું વ્યક્તિને મૂડીવાદી શોષણમાંથી મુક્ત કરી, સમાજમાં સામ્ય, સમાનતા, સમરસતા લાવવાનું ધ્યેય રાખે છે.

સામ્યવાદનું ઘોષણાપત્ર – માનવ ઈતિહાસની એક ધરીરૂપ ચળવળને સ્પષ્ટ રીતે સમજાવે છે. મજૂરવર્ગોના સામજિક ન્યાય અને શોષણમુક્તિના અવિરત સંઘર્ષના વાજબીપણાને તે રજૂ કરે છે. અને જગતભરના શ્રમજીવીઓના સંગઠન, ઉત્પાદનની પદ્ધતિઓમાં પરિવર્તન અને સમાનતામૂલક વિશ્વના સર્જનની મશાલ એટલે સામ્યવાદ ! એમ સમજાવ્યું છે.