The Courage to be Disliked

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Courage to be Disliked-Cover.jpg


The Courage to be Disliked
The Japanese Phenomenon That Shows You How to Change Your Life and Achieve Real Happiness

Ichiro Kishimi

નાપસંદ હોવાનું સાહસ

જીવનમાં પરિવર્તન અને અસલી આનંદ લાવવાની જાપાનીસ પદ્ધતિ
ઇચિરો કિશિમી


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી

તમને લાગે છે કે તમારે દૃષ્ટિકોણ બદલવાની તાતી જરૂર છે? તમને લાગે છે કે બીજા માટે જીવવાને બદલે ખુદ માટે જીવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે?

‘નાપસંદ હોવાનું સાહસ’ એક એવું લોકપ્રિય પુસ્તક છે જે આપણને બીજા લોકો માટે જીવવાનું બંધ કરીને ખુદને માટે જીવવાનું શીખવાડે છે. આલ્ફ્રેડ એડલર નામના મનોવૈજ્ઞાનિકની ધારણાઓ આધારિત આ પુસ્તકમાં, કોઈ બાંધછોડ કર્યા વગર પ્રમાણિક પરિવર્તન કરવાનું સાહસ કેવી રીતે પેદા કરવું તે સમજાવવામાં આવ્યું છે.

આપણી ઇચ્છા મુજબનું જીવન જીવવા માટે સાહસની જરૂર પડે છે અને આપણા અસલી અંતરઆત્માની ખોજ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેવી આત્મ-જાગૃતિ માટે આપણે ભૂતકાળના આપણા અનુભવો અને અપેક્ષાઓથી છુટકારો મેળવવો પડે. આપણે અસમર્થ છીએ અથવા શું થશે તેની ચિંતા કર્યા વગર પરિવર્તનનું સાહસ કેળવવું જોઈએ.

‘નાપસંદ હોવાનું સાહસ’ પુસ્તકની અત્યાર સુધીમાં 35 લાખ નકલો વેચાઈ છે અને તેના લેખકો ઇચિરો કિશિમી અને ફૂમિતાકે કોન્ગા પૂરા એશિયામાં ઘરે ઘરે જાણીતા થઈ ગયા છે. જીવનમાં વધુ સક્રિયતા અને નિયંત્રણ લાવવા માટે એડલેરિયન ધારણાઓ કેવી રીતે ઉપયોગી નીવડે છે તેની આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે.

પશ્ચિમમાં છેક હમણાં સુધી માનસિક સ્વાસ્થ્યની ચર્ચા કરવાનું ટાળવામાં આવતું હતું. માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશન વર્જિત વિષયો હતા, પરંતુ હવે તેના પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એ સંદર્ભમાં, ‘નાપસંદ હોવાનું સાહસ’ પુસ્તક, પ્રચલિત ફ્રોઈડિયન (સિગમંડ ફ્રોઈડ) અને જંગિયન (કાર્લ જંગ) મનોવિશ્લેષણો સામે ક્રાંતિકારી વિપરીત અભિગમ અપનાવે છે.

આપણે અહીં ટૂંકમાં એ સમજવાનો પ્રયાસ કરીશું કે, કેવી રીતે આલ્ફ્રેડ એડલરના એક સદી જૂના સિદ્ધાંતો, માનસિક સ્વાસ્થ્યની ચર્ચામાં નવી સમજણ આપે છે. લેખકોએ આ પુસ્તક, સોક્રેટિસની જેમ, સંવાદના સ્વરૂપમાં લખ્યું છે, જે સિદ્ધાંતો અને મુદ્દાઓને સમજવામાં આસાન બનાવે છે. તેમાં, માનવીય મનની તાકાત અને સ્વાધિનતાની ઊંડી સમજ મળે છે.

પરિવર્તનનું પરાક્રમ

આપણામાંથી મોટાભાગના લોકો જીવન માટેના નિયતિવાદી દૃષ્ટિકોણ સાથે મોટા થયા છીએ.

આપણને એવું માનવાનું ગમે છે કે વ્યક્તિત્વ અચળ ચીજ છે અને આપણે એ લઈને જ પેદા થયા છીએ. હકીકત એ છે કે, આપણામાં પરિવર્તનની ક્ષમતા હોય છે, અને જીવનના ગમે તે તબક્કે આપણે આપણામાં બદલાવ લાવી શકીએ છીએ.

આપણે ભલે ‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય’ એવું માનતા હોઈએ, પણ વ્યક્તિત્વ અચળ નથી.

એ વાત સાચી કે આપણો ભૂતકાળ આપણને પ્રભાવિત કરે છે, આપણે જે પણ છીએ તેમાં ખાલી તેનો જ હાથ નથી. આપણે એક દુઃખી વ્યક્તિને તેના ભૂતકાળના કર્મનું પરિણામ માનીએ છીએ અને એવું ધારી લઈએ છીએ કે વર્તમાનમાં જે પણ થઈ રહ્યું છે તેનો સંબંધ ભૂતકાળ સાથે છે. આપણામાં કાર્ય અને કારણની માનસિકતા છે, જે આપણને એવું માનવા પ્રેરે છે કે આપણું અમુક વર્તન માનસિક આઘાતનું પરિણામ છે. દાખલા તરીકે, આપણે એવું માનતા હોઈએ છીએ કે બાળકો તેમના માહોલ અને ઉછેર પ્રમાણે મોટા થાય છે. એક એવી પણ પ્રચલિત માન્યતા છે કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનાં મૂળિયાં ભૂતકાળના અનુભવોમાં છે.

એડલર કહે છે કે આપણે આપણા ભૂતકાળમાંથી મુક્ત થઈ શકીએ છીએ અને જરૂરી નથી એ આપણું ભવિષ્ય તે રીતે આકાર લે. આપણા ભૂતકાળના અનુભવો અને આઘાતોથી આપણે સતત પ્રભાવિત થતા રહીએ છીએ તે સાચું નથી. એ જાણવું જરૂરી છે કે વર્તમાનમાં આપણે જે અનુભવીએ છીએ તેની પાછળ ઘણાં બધાં પરિબળો હોય છે. બધા પ્રશ્નોનો કોઈ એક જવાબ નથી હોતો. આપણી માનસિક સમસ્યાઓ અને વ્યથાઓ કોઈ એક ઘટનાથી નિર્મિત થતી નથી. આપણને શું અને કેમ એવો અહેસાસ થાય છે તેનાં કારણો પ્રવાહી હોય છે, અને રોજિંદા જીવનમાં આપણે જે વ્યવહાર કરીએ છીએ તેને બદલી શકીએ છીએ.

આપણે દુનિયા જેવી દેખાય છે તેવી સ્વીકારીએ છીએ

તમને પરિવર્તન અંગે શું લાગે છે?

આપણામાંથી ઘણા લોકો પરિવર્તનનો વિરોધ કરે છે કારણ કે આપણને જૈસે થેની સ્થિતિ માફક આવી ગઈ છે. આપણે મોટાભાગની બાબતોમાં આપણા દૃષ્ટિકોણને પણ બદલતા નથી કારણ કે એમાં ઘણી માનસિક કવાયત કરવી પડતી હોય છે.

આપણને બેવડા વિચારોની ટેવ પડી ગઈ છે. આપણને નાનપણથી જ એવું શીખવાડવામાં આવે છે કે દુનિયામાં સારું અને ખરાબ હોય છે, ઠંડું અને ગરમ હોય છે, પ્રકાશ અને અંધારું હોય છે. આપણને કુતરા જેવા બિન્દાસ્ત કે બિલાડી જેવા શરમાળ પ્રકૃતિના માણસમાં અથવા અડધો ગ્લાસ ભરેલો જોનારા કે અડધો ગ્લાસ ખાલી જોનારા તરીકે પણ વિભાજિત કરવામાં આવે છે. આપણે દુનિયાને બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈએ છીએ.

મજાની વાત એ છે કે આપણો અંતરઆત્મા કહે છે કે દુનિયા બ્લેક કે વ્હાઈટ નથી. આપણને ખબર છે કે દુનિયામાં ગ્રે એરિયા પણ છે, છતાં, આપણે દુનિયા સંબંધી અચળ દૃષ્ટિકોણમાં બંધાઈ જઈએ છીએ. માણસો એટલી સરળતાથી વર્ગીકૃત થઈ શકે તેવા નથી; આપણે તેના કરતાંય વધુ જટિલ છીએ. આપણાં વ્યક્તિત્વ સ્થાયી નથી, અને એડલરિયન માન્યતા પ્રમાણે, આપણે વ્યક્તિત્વ વિશેષતાઓ (personality traits)ને બદલે જીવનશૈલી શબ્દ વાપરવો જોઈએ.

તેનું કારણ એ છે કે જીવનશૈલી શબ્દથી આપણને સંદર્ભ અને માહોલનો પરિચય મળે છે અને આપણે દુનિયા વિશે અને આપણા વિશે જે અનુભવીએ છીએ તેમાં સંદર્ભ અને માહોલની ભૂમિકા મહત્વની હોય છે. દસ વર્ષની વયે આપણે આપણી આસપાસની દુનિયા વિશે ધારણાઓ બાંધીએ છીએ અને તેમાં સકારાત્મક અને નકારાત્મક અનુભવોનું મિશ્રણ હોય છે.

આપણે જયારે નકારાત્મક લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે, આપણે એવું માની લઈએ છીએ કે તે લોકો તેમની પરિસ્થિતિઓને બદલવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. જોકે, એડલર કહે છે કે આ લોકો જો સાચેસાચ ખુશ રહેવા માંગતાં હોય તો, તે બદલાઈ ગયા હોત, પરંતુ તે લોકો પરિચિત અવસ્થાનો શિકાર થઇ ગયા છે. આપણે પરિવર્તનને ટાળીએ છીએ તેનું આ પ્રમુખ કારણ છે. આપણામાં કુદરતી રીતે જ અપરિચિત અવસ્થાનો ડર હોય છે અને એટલે જ આપણે જે અવસ્થામાં હોઈએ તેમાં રહેવાનું પસંદ કરીએ છીએ.

આ પુસ્તક કહે છે કે આપણામાં અપરિચિતતા અને નિષ્ફળતાનો સામનો કરવાનું સાહસ હોવું જ જોઈએ.

કોઈપણ વ્યક્તિ પરિપૂર્ણ નથી, તો અપૂર્ણતા સામે સંઘર્ષ શા માટે?

આપણને જયારે ખબર છે કે આપણે પરિપૂર્ણ બની શકીએ તેમ નથી, તો પછી તેના માટે આટલો બધો પ્રયાસ શા માટે?

તમારે જો તમારી અંદર કોઈ એક બાબતને બદલવાની આવે, તો તે શું હોય? તમે માત્ર એક જ બાબત માટે સંઘર્ષ કરશો?

વખતો વખત, આપણી નાનામાં નાની અપૂર્ણતાઓ આપણા માટે મોટી બની જાય છે. આપણી ખામીઓ આપણને અપંગ બનાવી દે છે અને તે જીવનના અન્ય હિસ્સાઓને પણ અસર કરે છે. આપણે એવું માનીએ છીએ કે આપણા અસંતોષના મૂળમાં આપણી ખામીઓ છે અને તેને ઠીક કરવા માટે સક્રિય પ્રયાસ કરીએ છીએ. મુશ્કેલી એ છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, ક્ષુલ્લક બાબતો ઠીક કરવાથી વધુ મોટી અને મહત્વની બાબતો ઉકેલાતી નથી.

આપણી અસલામતીઓની આપણને જ ખબર હોય છે, અને બીજા લોકોને ત્યારે જ તેની જાણ થાય જયારે આપણે તેમનું ધ્યાન ખેંચીએ. આપણે જયારે આપણી નકારાત્મક બાબતો પર ધ્યાન આપીએ ત્યારે લોકોને તેની તરત ખબર પડે છે. દાખલા તરીકે, ‘લોકોને હું કેવો કે કેવી લાગીશ’ એવા ડરથી આપણે જો આપણી જાતને બધાથી અલગ કરી દઈએ તો, ઉલટાના લોકો આપણા વિશે એવી જ ધારણા બાંધશે. આપણે જે ત્રુટીઓના કારણે દૂર થઈ જઈએ છીએ, લોકોને એ જ વધુ નજર આવતી હોય છે. ‘ડેરિંગ ગ્રેટલી’ નામના પુસ્તકમાં, લેખિકા બ્રેને બ્રાઉન કહે છે કે આપણે આપણી કમજોરીઓનો સ્વીકાર કરવો જોઈએ અને એ સ્વીકારમાંથી જ અસલી હિમ્મત આવે છે.

સરખામણી અનુચિત છે

તમને ક્યારેય એવું થયું છે કે તમે બીજા કોઈના જેવા હોત તો કેવું સારું થાત?

આપણે એક સ્પર્ધાત્મક સમાજમાં જીવીએ છીએ. આપણને દેખાદેખીની ટેવ પડી ગઈ છે અને હવે સોશિયલ મીડિયાના કારણે આ બધુ વધી ગયું છે.

આપણે જે પણ કરીએ છીએ તે પુરતું નથી એવું વિચારવાનું વલણ વધતું જાય છે. સ્પર્ધા હોવી એ ખરાબ વાત નથી. સ્પર્ધા છે એટલે જ આપણે પ્રગતિ કરી શકીએ છીએ, આપણા લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ. જોકે, સ્પર્ધાની નકારાત્મક બાજુ પણ છે. સતત જીતવાની મહેચ્છા, પોતાની જાતને સાબિત કરવાની તમન્નાથી બિનજરૂરી સ્ટ્રેસ અને વ્યથા પણ પેદા થાય છે.

સ્પર્ધાના કારણે આપણે સ્વ-કેન્દ્રિત થઈ ગયા છીએ કારણ કે સ્પર્ધાનું પરિણામ કાં તો વિજયમાં આવે છે અથવા પરાજયમાં. આપણે એવું માનતા થઈ ગયા છીએ કે પરાજયનો અર્થ નિષ્ફળતા થાય છે; તેમ છતાં, આપણે જાણીએ છીએ તેમ, આપણે માત્ર નિષ્ફળતામાંથી જ કશું શીખીએ છીએ.

એટલે, આપણી સ્પર્ધાત્મક વૃતિને કાબુમાં રાખવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા માટે લક્ષ્યો નિર્ધારિત કરીએ. તેના માટે આપણે આત્મપરીક્ષણ કરીને એ નક્કી કરવું પડે કે મારે જીવનમાં શું કરવું છે. હકીકત એ છે કે સફળતા સુખનો ઉત્તમ માપદંડ નથી કારણ કે દુનિયામાં ઘણા બધા સફળ માણસો સુખી નથી. એક વાત સમજવા જીવી એ છે કે આપણે જયારે સ્પર્ધા કરતા હોઈએ છીએ ત્યારે, આપણે આપણા પર એકચિત્ત હોઈએ છીએ અને સમુદાય કે સહકાર પર ધ્યાન હોતું નથી. આપણે સહિયારા પ્રયાસોથી કામ કરવાની માનસિકતા કેળવવાની અને એ સમજવાની જરૂર છે કે બીજા લોકો આપણા

વિશે કશું વિચારતા નથી કે આપણેને નીચા સાબિત કરતા નથી. મોટાભાગના કિસ્સાઓમાં, બીજા લોકો શું વિચારતા હશેના ડરમાં આપણે જીવનથી દૂર ભાગતા રહીએ છીએ.

જાત માટે જીવો

અસલી સ્વતંત્રતા ખુદની પસંદગીઓ અને નિર્ણયો અનુસાર જીવવામાં છે.

તમે ક્યારેય નોંધ્યું જે કે તમે કેટલાં બધાં કામ બીજા લોકોની પુષ્ટિ મેળવવા માટે કરો છો?

આપણે સૌ ક્યારેકને ક્યારેક તો બીજા લોકોની પુષ્ટિ મેળવવાની આપણી વૃતિ આગળ ઝૂકી જ જઈએ છીએ. આ પુસ્તકના લેખકોની સલાહ છે કે આપણે આપણા આ વ્યવહારને ત્યજીને ખુદને સારું અને સાચું લાગે છે એટલા માટે અમુક ચીજો કરવાનું શરૂ કરીએ.

આપણે અમુક ચીજો એટલા માટે ન કરવી જોઈએ કે તે કરવાની આપણી ફરજ છે, પણ એટલા માટે કરવી જોઈએ કે એ કરવાની આપણી ઇચ્છા છે. ફરજના ભાગ રૂપે કે વફાદારી નિભાવવા માટે કશું કરવું એ ઉત્તમ રસ્તો નથી; તેમાં આપણે બીજા લોકો માટે જીવતા થઈ જઈએ છીએ.

દાખલા તરીકે, ખુદને પૂછો; તમે તમારા જીવનનો એક ચોક્કસ રસ્તો અને કારકિર્દી કેમ પસંદ કરી?

બહુ બધી વખત, આપણે સામાજિક દબાણોમાં આ નિર્ણયો લેતા હોઈએ છીએ અને આપણા પરિવાર, વરિષ્ઠો અને મિત્રોનો આપણી પસંદગીઓ પર પ્રભાવ પડતો હોય છે. દેખીતું જ છે કે જો મનનું કરીશું તો આ લોકો નારાજ તો થવાના જ છે. તમે તેના માટે તૈયાર છો? એનો જવાબ સ્પષ્ટ રીતે “હા” હોવો જોઈએ. તમારે કેવી રીતે જીવન જીવવું જોઈએ એ તમારાં મૂલ્યો અને તમને જે સાચું લાગે છે તેના આધારે નક્કી થવું જોઈએ.

આપણા માટે શું મહત્વનું અને કામનું છે તેની આપણને સૌને ખબર હોય છે અને આપણે તદનુસાર સચ્ચાઈથી જીવવું જોઈએ. આ પુસ્તકના લેખકો બીજા લોકોના જીવનમાં વધુ ઊંડા ઉતારવા સામે આપણને ચેતવે છે. આપણે બોજા લોકોની ટીકા કરવાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આપણે જો બીજા લોકો પર બહુ દબાણ લાવીએ તો તેઓ વિદ્રોહ પર ઉતરી આવે છે. શિક્ષણ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણને એવું શીખવાડવામાં આવ્યું છે કે ભણવામાં કાં તો સરપાવ મળે અથવા સજા. આમાં ફરીથી એ જ વસ્તુ આપણી સામે સાબિત થાય છે કે સારું વર્તન હશે તો ઇનામ મળશે અને ખરાબ હશે તો સજા. આ પ્રકારની મૂલ્ય પ્રણાલી બરાબર નથી કારણ કે એનો અર્થ એ થયો કે કાં તમને શાબાશી મળે અથવા શરમ.

પુસ્તકમાં લેખકો એવાં બાળકોના દાખલા આપે છે જેમને સ્કૂલમાં સારા માર્ક્સ નથી મળતા. એવાં બાળકો પ્રત્યેની પહેલી પ્રતિક્રિયા તેમની પર સખત થવાની હોય છે, પણ તેનાથી ભાગ્યે જ સમસ્યાનું નિરાકરણ આવે છે. આપણે જયારે એ પરિસ્થિતિમાં દબાણનો ઉમેરો કરીએ છીએ ત્યારે ચીજો વધુ બગડે છે. તેના બદલે, આપણે બાળકોને તેમના કામની જવાબદારી સ્વીકારવા માટે પ્રેરવા જોઈએ. તેમનામાં દખલઅંદાજ કરવા કરતાં આ વધુ તંદુરસ્ત અભિગમ છે, તેનાથી બાળકો નિષ્ફળતામાંથી શીખવા તત્પર થાય છે.

અલબત્ત, તેમના પર દબાણ લાવવા જેવું આ સરળ તો નથી, પરંતુ તેની લાંબા ગાળાની અસર એવી હોય છે કે આપણે બાળકોની એક એવી પેઢીને મોટી કરીએ છીએ જે સ્વતંત્ર રીતે અને પરિપક્વતા સાથે શીખવા માટે સક્ષમ હોય છે.

દબાણની રીત અજમાવાનો અર્થ એ થયો કે તમે તમારી મનમાની કરાવવા માંગો છો, જયારે તેમને મદદ કરવાની ભાવનામાં તેમનું હિત તમારા હૈયે હોય છે. મૂળ વાત એ છે કે આપણે સૌ સ્વતંત્ર વ્યક્તિઓ છીએ. આપણા પર બીજા લોકોનો પ્રભાવ પડે છે તે સાચું, પરંતુ આપણામાં આપણી પોતાની ઇચ્છાશક્તિ પણ હોય છે. એ કારણથી, આપણે બાળકોને અંગૂઠા નીચે રાખવાને બદલે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું વલણ અખત્યાર કરવું જોઈએ.

અહંકારને વશમાં કરો

આપણે સૌ માનવતાનો હિસ્સો છીએ, અને કોઈ એક બીજાથી ચઢિયાતું નથી.

ઘણી વાર આપણે અલગથલગ પડી જઈએ છીએ અને વ્યગ્ર થઈ જઈએ છીએ. આપણને અનુકૂળતા મહેસુસ નથી થતી એટલે જાતને સંકોચી લઈએ છીએ. આ પુસ્તકમાં લેખકો કહે છે કે આપણે એ સમજવાની જરૂર છે કે આપણે સૌ એક વૈશ્વિક સમુદાયનો હિસ્સો છીએ, અને આપણે એકલતા અનુભવવાની જરૂર નથી.

વૈશ્વિક સમુદાયનો હિસ્સો હોવાનો અર્થ માત્ર બીજા મનુષ્યો સાથે સંપર્ક હોવા એટલો નથી. આપણે સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં અને આપણી આસપાસની દુનિયા પર આપણા પ્રભાવના સંદર્ભમાં વિચારવું જોઈએ. એક મોટા હેતુની ભાવનાને પોષવાનો અર્થ એ કે આપણે માત્ર આપણા સ્વાર્થ માટે નહીં, પણ પૃથ્વીના હિતમાં કામ કરવું કરવું જોઈએ.

દુનિયાની દરકાર કરવાનો અર્થ એ કે એક વૈશ્વિક નાગરિક તરીકે આપણે આપણું મૂલ્ય વધારીએ છીએ. બહુ લાંબા સમય સુધી આપણે એવું માનતા હતા કે ભ્રહ્માંડના કેન્દ્રમાં આપણે છીએ, પરંતુ તેનાથી આપણી સંકુચિત માનસિકતામાં કોઈ ફરક નથી આવ્યો. આપણે જો પારસ્પરિકતા અને ઉદારતાને પ્રોત્સાહન આપીએ તો, આપણે મોટું ચિત્ર જોવા માટે અને મોટો હેતુ પોષવા માટે સક્ષમ બનીશું. આપણે કશા પર અહેસાન નથી કરતા; બલ્કે, આપણે આસપાસની દુનિયાથી અહેસાનમંદ છીએ. એટલા માટે આપણે દુનિયાને કેવી રીતે બદલી શકીએ અને હકારાત્મક પ્રભાવ કેવી રીતે ઊભો કરી શકીએ તેનો ઊંડો વિચાર કરવો જોઈએ.

ટૂંકમાં કહીએ તો...

સુખનો ભાવ એક માનસિકતા છે, અને આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ તેમાં બદલાવ લાવી શકીએ છીએ. અહીં એક નિર્ણાયક બોધ એ છે કે સ્વતંત્ર બનવું જોઈએ, અને એક બીજા સાથે હરિફાઈ કરવાની અને સરખામણી કરવાની વૃતિમાંથી મુક્ત થવું જોઈએ. બીજા લોકો શું માને છે તેની દરકાર કરવાને બદલે, આપણે આપણા સમુદાયમાં યોગદાન આપવાની ભાવનાને મજબૂત કરવી જોઈએ. આપણે રોજ આપણને પ્રશ્ન પૂછતા રહેવું જોઈએ, “આ દુનિયાને વધુ સારી બનાવવા માટે હું શું કરી શકું તેમ છું?”

દુનિયામાં યોગદાન આપવાની ભાવનાથી આપણે જો આપણો દિવસ શરૂ કરીએ તો, આપણે એ માનસિકતામાંથી મુક્ત થઈ જઈશું કે બ્રહ્માંડ આપણી આસપાસ ફરે છે. બલ્કે, આપણે એવા સજાગ થઈશું કે આપણે સૌ એક સમાન છીએ અને દુનિયામાં એક સમાન ભૂમિકા ભજવવાની છે.

અંતે, આપણે એવી ભાવનામાંથી બહાર આવી જવું જોઈએ કે આપણે પીડિત છીએ અને આપણા કરતાં બીજાઓનું જીવન આસાન છે. જીવનની મજા લેવી જોઈએ અને દરેક ક્ષણમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. આસપાસના લોકોને ધ્યાનથી જોવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. અમુક લોકો નઠારા પણ હશે, પણ બધા તેવા નથી હોતા. એટલે, સંકુચિત વિચારોમાંથી બહાર નીકળવું જોઈએ અને દુનિયાને તેની વિશાળતામાં અનુભવવી જોઈએ. આપણે આપણા પ્રમાણિક હેતુ માટે જીવન જીવવું જોઈએ.