The Science of Happily Ever After

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Science of Happily Ever After Ty Tas-Title.jpg


The Science of Happily Ever After

Ty Tashiro

શાશ્વત પ્રેમની ખોજ

સ્થાયી પ્રેમની શોધમાં ખરેખર મહત્વનું શું છે?
ટાય તાશિરો


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: અપૂર્વ વોરા


લેખક પરિચય:

ટાય તાશિરો લેખક અને સોંશિયલ સાયન્ટિસ્ટ છે. આ પહેલાં એમનું પુસ્તક ઑકવર્ડ પ્રકાશિત થઈ ચૂક્યું છે. એમનાં લખાણો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ અને ‘વૉશિંગટન પોસ્ટ’માં પ્રસિદ્ધ થયાં છે. યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડ અને યુનિવર્સિટી ઑફ કૉલોરાડોમાં ઍવૉર્ડ વિનિંગ પ્રૉફેસર તરીકે પણ એમણે સેવા આપી છે.

પુસ્તક વિશે:

આપણે જોઈએ છીએ કે કેટલાંક યુગલનો પ્રેમ જીવનપર્યંત ટકી રહે છે તો કેટલાંક એ સૌભાગ્યથી વંચિત રહી જાય છે. આવું કેમ બને છે એ પ્રશ્નનો ઉત્તર શોધવાનો પ્રયાસ આ પુસ્તક કરે છે. માણસજાતની ઉત્પત્તિના સમયથી એની પ્રજનનવૃત્તિ અમુક ચોક્કસ પરિબળો દ્વારા નિયંત્રિત થતી આવી છે. જીવનસાથીની પસંદગી પાછળ આજે પણ આ જ મૂળભૂત જન્મજાતવૃત્તિ કામ કરે છે. જેને આપણે પ્રેમનું નામ આપીએ છીએ એની પાછળ મનુષ્યની પ્રજોત્પત્તિ કરવાની વૃત્તિ જ કામ કરે છે એવું આ પુસ્તકનું પ્રાથમિક તારણ છે. આ પુસ્તક દ્વારા આપને ઇતિહાસ અને નૃવંશશાસ્ત્ર વિશે તો જાણવા મળશે જ, પણ તદુપરાંત, જે વાચક પ્રેમની પ્રાપ્તિ માટે ઉત્સુક છે, તેને પણ ઉપયોગી માર્ગદર્શન મળી રહેશે.

આ પુસ્તક કોના માટે છે?

• જેમને હજુ સુધી પ્રેમ મળ્યો નથી. • જેમને પ્રેમ મળ્યો તો છે, પણ લાંબું ટક્યો નથી. • જે યુગલ ઈચ્છે છે કે પોતાનો પ્રેમ અખંડ રહે.

પૂર્વભૂમિકા:

આ પુસ્તકમાં મારા માટે શું છે? તમારે ‘હૅપીલી એવર આફ્ટર’નાં સપનાંને સાકાર કરવાં છે? તો વાંચો આ પુસ્તક. કિસ્મતની મહેરબાનીથી જિંદગીના એક હસીન મોડ ઉપર તમને કોઈ પરિપૂર્ણ પાત્ર મળી જાય, એની સાથે નજર મળે, દિલમાં લાગણીનાં ઘોડાપૂર ઉમટે અને પછી જિંદગીભર બંને એકમેકને પ્રેમ કરતાં રહો એવાં સપનાં તમે જોયાં હોય તો એ ભ્રમણામાંથી બહાર આવવા માટે તૈયાર થઈ જાવ. તમને એ ખ્યાલ છે કે ‘યોગ્ય પાત્ર’ શોધવા માટેનો તમારો ‘સૉફ્ટ વૅર’ આઉટ ડેટેડ હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો યોગ્ય પાત્ર શોધતી વખતે તમારી સાહજિક વૃત્તિ -ઇન્સ્ટિંક્ટ- કે જે સદીઓથી પ્રાણીસૃષ્ટિની પ્રજનન પ્રવૃત્તિનું નિયમન કરતી આવી છે તે- તમારો વંશવેલો આગળ વધે એ મુદ્દાને પ્રાધાન્ય આપે છે. સંવનન કરો, બચ્ચું પેદા કરો અને ચાલતા થાઓ. જિંદગીભર સાથ નિભાવવાની વાત સાથે આ વૃત્તિને નહાવા-નિચોવવાનો પણ સંબંધ નથી. જ્યારે તમારું દિમાગ શાશ્વત પ્રેમની તલાશમાં છે. સહજ પ્રકૃતિ અને દિમાગ તદ્દન અલગ દિશામાં વિચારે છે અને દેખીતી રીતે બંને ધ્યેય તરફ જવા માટે અલગ રસ્તા અજમાવવા પડે એમ છે. આ પુસ્તકમાં આપણે જોઈશું કે પાત્રની પસંદગી માટે તમારે ત્રણ ગુણોને ધ્યાનમાં રાખવાના હોય છે. અથવા કહો કે પરીકથાઓમાં આવે છે એ પ્રમાણે કોઈ પણ સંબંધને સાચવવા માટે તમને ફક્ત ત્રણ વરદાન મળે છે. આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે પાત્રની પસંદગીમાં આપણે થાપ કેમ ખાઈ જઈએ છીએ. અંતમાં આપણે પેલા ત્રણ ગુણો અથવા તો પરીકથાવાળાં ત્રણ વરદાનોની પસંદગી કરતાં શીખીશું જેથી આપણે પાત્ર પસંદ કરતી વખતે ભૂલ કરવામાંથી બચી શકીએ.

અગત્યના મુદ્દાઓ:

૧. પસંદગી કરવામાં શાણપણ

ઍના હાઇસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થિની હતી. એક દિવસ એને થયું કે સ્કૂલ છોડતાં પહેલાં એક વાર તો સેક્સનો અનુભવ કરી લેવો જોઈએ. વર્જિનિટી બહુ લાંબી ચાલી. જ્યારે સેક્સ માટે પાર્ટનર શોધવાની વાત આવી ત્યારે એણે વિચાર્યું કે છોકરો દેખાવડો તો હોવો જ જોઈએ. ઉપરાંત એ ઍથ્લેટિક અને કૅથલિક પણ હોવો જોઈએ. એની નજર જૅક ઉપર ઠરી. એનામાં આ ત્રણે ગુણ એને દેખાયા. બંને જણાએ ડેટ ઉપર જવાનું નક્કી કર્યું. છેવટે એ ઘડી આવી પહોંચી. બંને જણાં એટલાં ઉત્તેજિત હતાં કે ખરે વખતે કૉન્ડોમ વાપરવાનું તો ભુલાઈ જ ગયું. ઉન્માદ શમતાંની સાથે જ ઍનાને પોતાની ભૂલ સમજાઈ. એ વખતે એને જૅક જરા પણ આકર્ષક ન લાગ્યો. એ પછીના બે અઠવાડિયાં એને પ્રેગનન્સીનો ડર સતાવતો રહ્યો. જે છોકરો જરાયે ગમતો નથી એના બાળકની મા કેવી રીતે બનાય? સામાન્ય રીતે સંબંધોમાં આમ જ થતું હોય છે. ઍનાની ભૂલો તપાસતાં પહેલાં આપણે પ્રેમની વ્યાખ્યા સમજીએ. આ પુસ્તકના સંદર્ભમાં પ્રેમ એટલે કોઈ વ્યક્તિ ગમી જવી અને એના માટે શારીરિક આકર્ષણ થવું. કોઈ વ્યક્તિ આપણને ક્યારે ગમે? એનામાં ત્રણ લક્ષણ હોય તો: લૉયલ્ટી એટલે કે વફાદારી, કાઇન્ડનેસ એટલે કે દયાળુ સ્વભાવ અને ફૅરનેસ એટલે કે ન્યાયપ્રિયતા. સામાન્ય રીતે જોવા મળતું હોય છે કે કોઈ વ્યક્તિ માટેનું શારીરિક આકર્ષણ સૌથી પહેલાં ઓસરી જતું હોય છે; ભલે ને એ વ્યક્તિ આપણને ગમતી હોય! અને એમાં નવાઈ લાગે એવું છે પણ શું? હનીમૂન આખી જિંદગી તો ન જ ચાલે ને! એટલે જ કોઈ પણ વ્યક્તિને પસંદ કરતી વખતે એના દેખાવને બદલે એના ગુણને વધારે મહત્ત્વ આપવામાં શાણપણ રહેલું છે. આ વાત તમને ભારેખમ અને અનરોમૅન્ટિક લાગી? તો હજી બીજા ઝટકા માટે તૈયાર થઈ જાવ! તમને જીવનસાથી પસંદ કરતી વખતે ત્રણ જ વરદાન મળતાં હોય છે. આ કોઈ તુક્કો નથી પણ સંભાવના અને આંકડાશાસ્ત્ર (પ્રૉબેબિલિટી અને સ્ટૅટેસ્ટિક્સ) ના સિદ્ધાંતોનો શુદ્ધ નિચોડ છે. બ્રહ્માંડમાં રહેલા તમામ ગ્રહોમાંથી કેટલા ઉપર માનવજીવન શક્ય છે એનું અનુમાન કરવા માટે વૈજ્ઞાનિકો ડ્રેક ઇક્વેશનનો ઉપયોગ કરે છે. આમ જોવા જાવ તો આમાં વણજોઈતી બાબતોનો છેદ ઉડાડી દેવાની જ વાત છે. ઉદાહરણ તરીકે, જીવન શક્ય બનાવવા માટે કોઈ પણ ગ્રહ સૂર્યને મળતા આવતા કોઈ તારાની આજુબાજુ પરિભ્રમણ કરતો હોવો જોઈએ. આ બાબત ઘણા ગ્રહોની આપોઆપ બાદબાકી કરી દે છે અને એટલે શક્યતાઓનો વ્યાપ સંકોચાઈ જાય છે. એ જ રીતે સાથીની પસંદગી કરતી વખતે પેલાં ત્રણ વરદાનો એટલે કે ત્રણ ગુણનો વિચાર કરવામાં આવે તો લાયક વ્યક્તિઓની સંખ્યા નાની થઈ જ જાય. જેમ કે પુરુષ છ ફૂટ ઊંચો જ હોય અથવા સ્ત્રી પીએચ.ડી. થયેલી જ હોય એવી શરત મૂકો એટલે ઉમેદવારોની સંખ્યા સ્વાભાવિક રીતે જ નાની થઈ જાય. આ ભલે અનરોમૅન્ટિક લાગે પણ છેવટે તો ‘હેપીલી એવર આફ્ટર’ આંકડાની જ રમત છે. આ હકીકત અનરોમૅન્ટિક કેમ લાગે છે એનો વિચાર કરીએ. આપણે નાનપણથી જ પરીકથાઓ સાંભળતા આવ્યા છીએ. અરે અત્યારે, વયસ્ક થયા પછી પણ ફિલ્મો અને નવલકથાઓ પરીકથાના એ ભૂતને આપણા દિમાગ પર બરાબર સવાર થયેલું રાખે છે! મનપસંદ વ્યક્તિનું મિલન રોમાંચક હોય છે. કેમિસ્ટ્રીની દૃષ્ટિએ એવે પ્રસંગે શરીરમાં એન્ડોર્ફિન્સનું પ્રમાણ વધી જાય છે. જેને આપણે આવેગ કહીએ છીએ એ આ કેમિકલ લોચાનું જ પરિણામ છે. સામી વ્યક્તિમાં આપણને ઉમદા ગુણો જ દેખાય છે. આપણને લાગે છે કે જાણે સમગ્ર પ્રકૃતિ આપણું મિલન ચાહે છે! પણ તમારે માટે આદર્શ હોય એવી વ્યક્તિનો ભેટો નસીબના જોરે ન થાય; એના માટે તો પ્રયત્ન કરવો પડે. પણ કમનસીબે લોકો આ અગત્યની વાતમાં થાપ ખાઈ જાય છે અને એટલે જ દસમાંથી છ યુગલોને આદર્શ પ્રેમથી વંચિત રહેવું પડે છે. પેલાં ત્રણ વરદાન પર પાછા આવીએ. આ વરદાન એટલે કે એ ત્રણ ગુણ જે તમારા આદર્શ પાત્રમાં હોવા ઘટે. પાત્ર પસંદ કરતી વખતે કયા ગુણને પ્રાધાન્ય આપવું એ જરૂરી બની જાય છે. ઍના એક બાબતમાં સાચી હતી: એના લિસ્ટમાં ત્રણ જ લક્ષણો હતાં- દેખાવ, એથ્લીટ અને કેથલિક, પણ એણે શારીરિક આકર્ષણને બીજી બાબતો કરતાં વધારે મહત્ત્વ આપ્યું, જે એની ભૂલ હતી. એનું નસીબ સારું હતું કે એ પ્રેગ્નન્ટ ના થઈ ગઈ. આ અફેર પછી એ એક પાઠ શીખી. એને ભાન થયું કે શારીરિક આકર્ષણને એટલું બધું મહત્ત્વ ન આપવું જોઈએ કે ખોટા પાત્ર સાથે ભરાઈ જવાય. એ પછી એણે એવી વ્યક્તિની પસંદગી કરી કે જેની સાથે જીવન સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે હતી.

૨. આપણે આટલા રોમૅન્ટિક કેમ છીએ?

ઓગણીસમી સદીમાં, રોમૅન્ટિક પીરિયડ દરમિયાન, ફ્રેડરિક શોપાં નામનો એક પ્રસિદ્ધ કંપોઝર થઈ ગયો. દૂબળો પાતળો શોપાં ક્ષય રોગને લીધે કાયમ માંદો જ રહેતો. એક રાતે કોઈ સમારંભમાં ઍમેટીન લ્યૂસીલ ઑરોર ડ્યૂપોં નામની સ્ત્રી સાથે એની મુલાકાત થઈ. એ એક લેખિકા હતી અને એનું તખલ્લુસ હતું જ્યોર્જ સેન્ડ. એ સ્ત્રી શોપાં કરતાં છ વર્ષ મોટી હતી અને ઘણીવાર એ શોપાં સાથે એક બાળકની સાથે થાય એવો વ્યવહાર કરતી. એમનો પ્રેમ રોમૅન્ટિસિઝમની વ્યાખ્યા પ્રમાણે આદર્શ કહી શકાય એવો હતો: ઉન્માદ અને સૌંદર્યથી ભરપૂર. પણ એક સંબંધની દૃષ્ટિએ જોવા જઈએ તો એ લાંબો ટકશે નહીં એવાં પૂરતાં એંધાણ હતાં. એક તો શોપાંને એ સ્ત્રીમાં કાંઈક એવું દેખાતું હતું કે જે એને પસંદ નહોતું. અને એ સ્ત્રીની દૃષ્ટિએ શોપાંમાં કોઈ સાતત્ય જ નહોતું, સિવાય કે એની સાથે કાયમ રહેતી એની ખાંસી: ક્ષયને કારણે શોપાં કાયમ ખાંસતો રહેતો . પણ એ બે જણાએ લાંબો વિચાર કરવાને બદલે પરસ્પરના સ્વાભાવિક શારીરિક આકર્ષણને પ્રાધાન્ય આપ્યું અને એમાં એમનો વાંક પણ નહોતો. કેમ? એનાં પણ કારણો છે. સૃષ્ટિની શરૂઆતથી સાથીની પસંદગી કરવા પાછળનો મુખ્ય આશય પ્રજોત્પત્તિ કરવાનો છે, જેથી વંશવેલો ચાલુ રહે. સદીઓ સુધી મનુષ્ય એ ડરમાં જીવતો કે વારસ પેદા કરતાં પહેલાં જ કદાચ એ મરી જશે. એ સમયે પણ ઉત્તેજનાસભર પ્રેમનું અસ્તિત્વ તો હશે જ, પણ સાથીનું ચયન કરતી વખતે એની તંદુરસ્તી અને તકાત (= બાહ્ય દેખાવ) જ ધ્યાનમાં લેવામાં આવતી. એટલે કે આજથી ૫૦૦ વર્ષ પહેલાં સાથીની પસંદગી કરતી વખતે સ્ત્રી એટલું જ જોતી કે પુરુષ ઊંચો અને દેખાવડો હોય, જે એની તંદુરસ્તીની અને લાંબો સમય મજૂરી કરી શકવાની ક્ષમતાની ખાતરી આપતાં લક્ષણો હતાં. બીજા શબ્દોમાં, આવો પુરુષ પોતાનાં બાળકો પોતાના વારસ પેદા કરવા જેવડાં થાય ત્યાં સુધી કુટુંબનું ભરણપોષણ કરવા સક્ષમ હતો. આમાં કશું રોમૅન્ટિક નહોતું. પછીના સમયમાં, ખોરાકનું ઉત્પાદન અને આરોગ્યનાં ધોરણ સુધરવાને કારણે મનુષ્યની આવરદા લંબાઈ. સંતાનો પોતાનાં બાળકો પેદા કરવાની ઉંમરે પહોંચે એ વાત લગભગ સામાન્ય બની ગઈ. બદલાયેલા સંજોગોને લીધે માણસની પાસે ફાજલ સમય બચવા લાગ્યો અને એ આ સમય આનંદ- પ્રમોદની પ્રવૃત્તિ પાછળ ગાળતાં શીખ્યો. પણ આપણા દિમાગને ઉન્માદક પ્રેમ પામવાની રીતો સાથે તાલ મિલાવતાં શીખે એ માટે આટલો સમય પૂરતો નહોતો. આપણું દિમાગ તો આજે પણ સુંદરતાની પાછળ જ ભાગે છે, કારણ કે સુંદરતા એ તંદુરસ્તીનું, સમૃદ્ધિનું અને દીર્ઘાયુનું પ્રતીક છે. અને સુંદરતા અને સમૃદ્ધિ ગમવી એમાં કશું ખોટું પણ નથી. તો ચાલો, પાછા પેલી ત્રણ ઈચ્છાઓ કે વરદાનોની વાત કરીએ. એ ઈચ્છાઓ બીજું કશું નથી પણ તમારા સાથી સાથે એક સુરક્ષિત ભવિષ્ય નિશ્ચિત કરવા માટેનું એક રોકાણ- ઇન્વેસ્ટમેન્ટ છે. શારીરિક આકર્ષણ ભલે તમારી દૃષ્ટિએ અગત્યનું હોય પણ અનુભવનું તારણ કહે છે કે લાંબા ગાળે એ આકર્ષણ ઓછું થવા માંડે છે. બાળકોને ઉછેરવામાં કે જાતે જીવતા રહેવામાં હવે બહુ મહેનત જરૂરી નથી. એટલે તમારા સાથી અત્યારે ભલે પોતાની સુંદરતાને લીધે તમને આકર્ષક લાગતા હોય, પણ એ આકર્ષણ જળવાઈ રહે એ માટે એમણે ભવિષ્યમાં કાંઈક વધારે પ્રયત્નો કરવા પડશે. તમારો સંબંધ તો જ લાંબો ચાલશે. ધન દોલતનું પણ એવું જ છે. એક વખત આર્થિક સદ્ધરતા આવી જાય પછી એનું બહુ મહત્ત્વ રહેતું નથી. તમારા સંબંધોમાં તકલીફ પડી શકે એ હદ સુધીની આર્થિક સમસ્યા આવી પડે એની શક્યતા ૨૦% કરતાં પણ ઓછી છે. એટલે પૈસો ભલે અગત્યનો લાગતો હોય, પણ તમારી અપેક્ષા યાદીમાં એને કેટલું મહત્ત્વનું સ્થાન આપવું એ વિશે તમારે બહુ સમજી વિચારીને નક્કી કરવાનું છે. હમણાં જ આપણે શોપાં અને એના પ્રેમસંબંધ વિશે ચર્ચા કરી. આ વાતને સારી રીતે સમજવા માટે આપણે રોમૅન્ટિક લવની વ્યાખ્યા કરીએ. આવો પ્રેમ પ્રૅક્ટિકલી વિચારવાને બદલે પૅશનને- ઉન્માદને પ્રાધાન્ય આપે છે. અઢારમી સદી પહેલાં પણ લોકોને પ્રેમનો ઉન્માદ તો ચઢતો જ હતો પણ જીવનસાથીની પસંદગી કરવા પાછળ સલામતીને મહત્ત્વ આપવામાં આવતું. અત્યારે સલામતી એવડી મોટી બાબત નથી રહી એટલે લોકો પોતાની લાગણીઓમાં વહી જવા માટે આઝાદ છે. પહેલા ભાગમાં જોયું એ પ્રમાણે પ્રેમ એ પસંદગી - લાઇકિંગ - અને શારીરિક આકર્ષણનું મિશ્રણ છે. શારીરિક આકર્ષણના પ્રભાવ હેઠળ દિમાગ તર્કબદ્ધ રીતે વિચારવાની ક્ષમતા ખોઈ દે છે. એટલે જો દીર્ઘકાળ સુધી ટકી શકે એવો- ચિરંજીવ પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો તમારી અપેક્ષાની યાદીમાં લાંબા ગાળા સુધી ટકી શકે તેવી બાબતોને મહત્ત્વ આપવું જરૂરી છે, જેથી તમને પણ તમારો શોપાં કે તમારી સૅન્ડ મળે ત્યારે તમે ઉન્માદના પ્રવાહમાં તણાઈને કોઈ એવો સંબંધ ન બાંધી બેસો કે જે સફળ થવાની કોઈ શક્યતા ન હોય. તંદુરસ્ત સંબંધ ઉભય પક્ષનો ઉદ્ધાર કરે છે. પ્રેમ એવો હોવો જોઈએ કે જેમાં બંનેને નુકસાન થવાને બદલે બંને કાંઈક મળે. તાશિરોનાં માબાપ આવા દીર્ઘકાલ સુધી ચાલેલા લગ્નજીવનનું જીવંત ઉદાહરણ છે. તાશિરોએ પોતાના પિતાને એમના સાહચર્યની સફળતાનું રહસ્ય પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એમને પોતાને નાટક જોવાનો શોખ નહોતો, છતાં ટીવી ઉપર કોઈ સ્પોર્ટ જોવાને બદલે પત્નીની ખુશી માટે નાટક જોવા જતા. પત્નીને કંપની આપવામાં એમને મજા પણ આવતી. એટલે પોતાના સ્વાર્થને બદલે એ પત્નીની ખુશીને મહત્ત્વ આપતા. યાદ રાખો: કોઈ વ્યક્તિના ત્રણ ગુણ એને ચાહવાયોગ્ય બનાવે છે: દયાળુ સ્વભાવ, પ્રામાણિકતા અને વફાદારી. જીવનભર સાથ નિભાવવો હોય તો આવા ગુણ ધરાવતી વ્યક્તિ આદર્શ છે.

૩. હેપીલી એવર આફ્ટર સુધી જવાનો રસ્તો ક્યાં મળશે?

ડૅનને એલીઝ માટે જબરદસ્ત ક્રશ હતો. કૅફેટેરિયામાં પહોંચવામાં એલીઝ સૌથી પહેલી હોય. એ જ કારણે એ ડૅનની નજરે ચઢી ગઈ હતી. એ સુંદર હતી, ઠરેલ હતી અને વ્યવસ્થિત પણ હતી. એ સવારના નાસ્તામાં સલાડ લેતી જે ડેનને જરા વિચિત્ર તો લાગતું પણ એ કોઈ બહુ મોટી વાત નથી એવું એ માનતો. એલીઝ સાથે વાત કરવાનું ડૅનને બહુ મન હતું પણ એટલી હિંમત ભેગી કરવામાં એને કેટલાંય અઠવાડિયાં લાગ્યાં. આખરે એક દિવસ એણે એલીઝ સાથે વાત કરવાનું નક્કી કરી લીધું. એણે પોતાની ટ્રેમાં પૅનકેક્સ લીધી અને પછી એલીઝ બેઠી હતી એ તરફ વળ્યો. પણ એને પોતાના નાસ્તાની શરમ આવી એટલે સલાડ કાઉન્ટર પર જઈને થોડું સલાડ પણ પોતાની ડિશમાં મૂક્યું. પોતાની ડિશ કેવી લાગે છે એ જોવા એ સહેજ રોકાયો ત્યાં એણે જોયું કે એલીઝ એની બાજુમાં આવીને ઊભી હતી. એણે સસ્મિત ડૅનને પોતાના ટેબલ ઉપર આવવા કહ્યું. આટલી વાત ઉપરથી લાગે છે કે એક લવ સ્ટોરીની આ શુભ શરૂઆત છે; તો આપણે જરા થોભીને ફરી એક વાર આ પુસ્તક જે વચન આપે છે એની વાત કરીશું: તમે પસંદ કરેલા ગુણ તમારી લવ સ્ટોરીનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરે છે? અગાઉ જણાવ્યા મુજબ અપેક્ષા યાદી એટલે પસંદગી કરતી વખતે સામી વ્યક્તિમાં જોયેલા ગુણ કે એના સ્વભાવની લાક્ષણિકતાઓ. એ સિવાય બીજું કશું જ નહીં, કારણ કે વ્યક્તિના ગુણ કદી બદલાતા નથી. હા, વ્યક્તિ પોતાના સ્વભાવ પર કાબુ રાખી શકે, પણ એની મૂળભૂત પ્રકૃતિ કાયમ રહે છે. એ દૃષ્ટિએ જોતાં એમ લાગે કે સામી વ્યક્તિનો સ્વભાવ જ તમારો તિલસ્મી ગોળો- ક્રિસ્ટલ બૉલ છે. પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરાવા માટે આ ત્રણ બાબતને અનુસરો. પહેલું: સામી વ્યક્તિના સ્વભાવનાં અગત્યનાં પાસાંને સંબંધની શરૂઆતમાં જ ઓળખી લો. બીજું: એ પાસાંઓની વ્યવસ્થિત નોંધ કરો; જરૂર લાગે તો ડાયરીમાં ટપકાવી રાખો. અને ત્રીજું: સામી વ્યક્તિનાં લક્ષણોને આધારે સંબંધની સફળતાનું અનુમાન કરો. કેટલું સરળ લાગે છે, નહીં? કમનસીબે કોઈ વ્યક્તિ સાથે પૅશનેટ અફૅર ચાલતો હોય ત્યારે શારીરિક જરૂરિયાતોને કારણે આપણે સામી વ્યક્તિનાં લક્ષણો પારખવામાં ખરાબ રીતે થાપ ખાઈ જઈએ છીએ. ના તો આપણે મોટી બાબતો વિશે નિર્ણય લઈ શકીએ છીએ કે ના નાની બાબતો વિશે. મૂળભૂત રીતે કોઈ પણ નિર્ણય લેવામાં આપણે કાચા પડીએ છીએ. વધારે તકલીફની વાત તો એ છે કે તમારા પરિવારના સભ્યો અને તમારા મિત્રોને પેલી વ્યક્તિનાં એ લક્ષણો બરાબર દેખાય છે, જે તમે નથી જોઈ શકતા. તમારી લાગણીઓના ઘોડાપૂરને લીધે તમને એ વ્યક્તિના દુર્ગુણો દેખાતા જ નથી અથવા તો એને તમે યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરો છો અને સદ્ગુણો તો તમને મોટા દેખાવાના જ છે. તો, બાકીની ચર્ચા દરમિયાન તમને ત્રણ વિશ, એટલે કે સામી વ્યક્તિના વ્યક્તિત્વનાં ત્રણ પાસાંનું એક cheat list- કહો કે બદમાશી કરવાનો કીમિયો- આપીશું, અને એવી તરકીબ શીખવીશું જેના વડે તમે હવે પછીના- આશા રાખીએ કે ફૉર એવર ટાઈપના- સંબંધનું સફળતા પૂર્વક આયોજન કરી શકશો. જે લક્ષણો ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું એ છે વ્યક્તિત્વ, વર્તણૂક અને સંબંધના સમીકરણનો પ્રકાર, જે તમે હાલના સંબંધમાં અનુભવી રહ્યા છો. વ્યક્તિત્વ એટલે તમે શું વિચારો છો, કેવી રીતે વર્તો છો અને કેવી અનુભૂતિ કરો છો તે. મૂળભૂત રીતે તમે કોણ છો, કયા પ્રકારના માણસ છો તેની પારાશીશી એટલે તમારું વ્યક્તિત્વ. તમને મળતાં આવતાં લક્ષણો ધરાવતી વ્યક્તિ શોધવા ઉપરાંત તમારે બીજી ત્રણ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલાં તો ઓવર-રીઍક્ટ કરતી વ્યક્તિથી દૂર રહો. સામાન્ય રીતે આવા માણસો પોતાના સ્વભાવ પ્રત્યે સભાન હોય છે અને થોડા સમય માટે એને છૂપાવી પણ શકતા હોય છે, એટલે એમના અસલી સ્વભાવનો પરચો મેળવવામાં થોડો સમય લાગી શકે છે, એટલે કટોકટીભરી પરિસ્થિતિમાં અથવા તો સંજોગો એમની અપેક્ષાથી વિપરિત હોય ત્યારે તમારા પાર્ટનર કેવું વર્તન કરે છે એ ધ્યાનથી જુઓ. બીજી વાત એ કે તમારી સાથે બેવફાઈ કરનાર લોકોથી સાવધ રહો. બેવફા લોકો પોતાની બેવફાઈનો ઢંઢેરો નથી પીટતા. પણ જેમને હંમેશાં કાંઈ નવું જોઈતું હોય એ લોકો સંબંધોમાં પણ જલ્દી કંટાળી જતા હોય છે. એટલે જે વ્યક્તિની સાથે સમય પસાર કરવામાં મજા આવી જતી હોય એ વ્યક્તિ લાંબા ગાળાના સંબંધ બાંધવા માટે સદંતર અયોગ્ય નીવડી શકે છે. અને છેલ્લી વાત. સ્વભાવની સાલસતાને કદી ઓછી ન આંકો. એવું નથી કે સારા માણસો હંમેશાં હારી જ જાય છે. હકીકતમાં તો એવા લોકો લાંબો સમય સાથ આપે એવા હોય છે. સાથી પસંદ કરતી વખતે સ્વભાવની સહૃદયતાને સૌથી વધારે મહત્ત્વ આપો. એનો અર્થ એ નથી કે સામી વ્યક્તિ સાવ નબળી કે હંમેશાં તમારી મરજી પ્રમાણે વર્તે એવી હોય. સારા સ્વભાવનો અર્થ એ જ કે એ વ્યક્તિ સાથે કમ્યુનિકેટ કરવું આસાન હોય, અને એ વ્યક્તિ એવું માનતી હોય કે સંબંધને સાચવવો એ બંને જણની સહિયારી ફરજ છે. તો હવે જોઈએ કે સંબંધમાં કયા ત્રણ પ્રકારનાં સમીકરણ હોઈ શકે. વ્યક્તિ જ્યારે સંબંધમાં સલામતી અનુભવે ત્યારે એને પોતાને સામી વ્યક્તિ સાથે નિકટતા અનુભવવામાં સમસ્યા નથી હોતી અને એ જ રીતે સામી વ્યક્તિને નિકટ આવવા દેવામાં પણ એ મોકળાશ અનુભવે છે. બીજા પ્રકારના સમીકરણમાં વ્યક્તિ પોતે કોઈની નિકટ જઈ નથી શકતી અને કોઈનામાં વિશ્વાસ મુકતાં પણ અચકાય છે. ત્રીજા પ્રકારના સંબંધમાં વ્યક્તિ હંમેશાં એક પ્રકારના ઉચાટમાં જીવે છે. એ એટલી અસલામતીની લાગણી અનુભવે છે કે સંબંધની બહાર પોતાનું અલગ અસ્તિત્વ હોઈ શકે છે એ વાત પણ સ્વીકારવા તૈયાર હોતી નથી: પોતાનું સમગ્ર અસ્તિત્વ સંબંધ પર ટકેલું હોય એ હદ સુધીનું અવલંબન આ સમીકરણમાં જોવા મળે છે. તમારે માટે કયા પ્રકારનું સમીકરણ આદર્શ છે એ કહેવાની જરૂર નથી. જે સંબંધમાં બંને પાત્રોને સલામતી લાગતી હોય એ જ સંબંધમાં સંતોષ મળે, એ જ સંબંધ લાંબો ટકે અને એ જ સંબંધમાં બાળકો પણ તંદુરસ્ત જન્મે. હવે જોવાનું રહે છે કે સામી વ્યક્તિ પણ સંબંધની બાબતમાં તમારા જેટલી જ ઉત્સાહિત છે? તમારો દિવસ કેવો ગયો એ જાણવામાં એને રસ છે? તમારા પ્રેમ અને ઉત્સાહનો સ્વીકાર કરવા જેટલું આત્મસન્માન એનામાં છે? હૅપીલી અવર આફ્ટરના રસ્તા પર પ્રયાણ કરતાં પહેલાં આ મુદ્દાઓનું ધ્યાન રાખો. પહેલાં તો તમારું લક્ષ્ય નક્કી કરો. ત્યાર બાદ, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે ભૂતકાળમાં શું પ્રયત્ન કર્યા છે એ વિશે વિચારો. અને પછી તમારી દૃષ્ટિએ તમારા જીવનસાથીમાં કયા ત્રણ ગુણ હોવા જરૂરી છે એ નક્કી કરો. ત્યાર બાદ, તમારા સંભવિત સાથીમાં એ ગુણ છે કે નહીં એનું અવલોકન કરવાની આદત પાડો, શક્ય હોય તો એની એક ડાયરીમાં નોંધ રાખો. અને છેલ્લે, તમારા પ્રોગ્રેસ વિશે સજાગ રહો. તમને થશે કે પેલાં ડૅન અને એલીઝનું શું થયું? અફસોસ કે એ ક્લિક ના થયાં. બંનેનાં વ્યક્તિત્વમાં ઘણી અસમાનતાઓ હતી, જેનું સમાધાન શક્ય નહોતું. ડેન અસલામતીથી પીડાતો હતો અને એ પોતે પણ એ વાતથી વાકેફ હતો. ડૅનના વર્તનમાં પોતાની અપેક્ષાથી ઊણું કાંઈ પણ જણાય તો એલીઝ બહુ ખરાબ રીતે એની મજાક કરતી અને એને ઉતારી પાડતી. એ લોકોનો કોઈ રીતે મેળ ખાય એમ હતું જ નહીં. આપણે નક્કી કરેલ સિસ્ટમ વિશે જો ડૅનને જાણકારી હોત તો એ અગાઉથી જ સમજી શક્યો હોત કે એલીઝ સાથે કાંઈ લાંબું ચાલવાનું નથી. જેની સાથે ‘હૅપીલી એવર આફ્ટર’ જીવી શકાય એવો સાથી મેળવવા માટે પહેલાં તો તમારે પોતાની જાતને બને એટલી સુધારવી પડે. એ પછી સામેની વ્યક્તિના સ્વભાવની ખાસિયતોનું અવલોકન કરતાં રહેવું પડે અને એ જ લક્ષણોને મહત્ત્વ આપતા શીખવું પડે જે સંબંધને લાંબા સમય સુધી જાળવવા માટે જરૂરી છે. એક વ્યક્તિ તરીકે કોઈ સર્વાંગ સંપૂર્ણ હોતું નથી. એ જ રીતે બે પાર્ટનર્સ વચ્ચે ક્યારેય પરફેક્ટ મેચિંગ હોતું નથી. દરેક પાર્ટનરમાં ગમે નહીં એવાં અમુક લક્ષણો હોવાનાં જ જે તમને પાગલ કરી મૂકે, જેમ કે સંવેદનશીલતાનો અભાવ કે તોછડાઈ કે પછી ઈરાદાપૂર્વક તમારી લાગણી દુભાવવાની વૃત્તિ. આ દુર્ગુણો જો સમયસર કાબુમાં લેવામાં ન આવે તો સંબંધ લાંબો ન ચાલે. આવા સંજોગોમાં સામી વ્યક્તિ તમારું ધ્યાન દોરે અને તમારામાં બદલાવની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. આપણી નબળાઈઓ અવારનવાર આપણા ઉપર હાવી થઈ જતી હોય તો લાંબા ગાળે એ સંબંઘમાં કડવાશ પેદા કરે છે. સામી વ્યક્તિ જ્યારે આપણને આપણું વર્તન સુધારવાની વિનંતી કરે ત્યારે એના વિશે ચર્ચા કરવાની, જાતની નબળાઈ ઉદારતાપૂર્વક સ્વીકારવાની અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાની ખેલદિલી આપણામાં હોવી જરૂરી છે. સંબંધની મીઠાશ તો જ જળવાઈ રહેશે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથીં. પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરવો અને સામી વ્યક્તિની નાની નાની ખામીઓ પ્રત્યે સહિષ્ણુ બનવું એ સંબંધોને સફળ બનાવવાની ગુરુચાવી છે.

અંતિમ સારાંશ

ટાય તાશિરો પ્રેમ સંબંધની સફળતા પાછળ જવાબદાર પરિબળોનું પૃથક્કરણ કરીને તેનો અર્ક વાચકો સમક્ષ આ પુસ્તક દ્વારા રજૂ કરે છે તેઓ પ્રણય સંબંધને લગતી પ્રચલિત ભ્રમણાઓનો મનોવિજ્ઞાન સંબંધી અભ્યાસનાં તારણોના આધારે છેદ ઉડાડે છે, તેમ જ વાચકોને હકીકતમાં કેવા નિર્ણયો દીર્ઘજીવી પ્રેમની પ્રાપ્તિમાં મદદ કરે છે તેનું વિવરણ આપે છે.

વ્યક્તિત્વનાં વિવિધ પાસાં, પરસ્પર અનુકૂલનની શક્યતાઓ, શારીરિક આકર્ષણનું મહત્ત્વ, વૈચારિક મતભેદનું ચર્ચા દ્વારા નિવારણ કરવાનું મહત્ત્વ, સંબંધની સફળતામાં ધ્યેય અને મૂલ્યોનું યોગદાન અને બદલાતા સમયની સાથે સંબંધને જાળવવા માટે જરૂરી પ્રયત્નો જેવાં અનંક પાસાં આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. ઉપરાંત તાશિરો જણાવે છે કે પોતાની જાતને સમજવી અને એ રીતે સમગ્ર વ્યક્તિત્વને નિખારવું એ પણ પ્રેમની સફળતા માટે આવશ્યક છે.

આ પુસ્તકમાં ઠેકઠેકાણે લેખક વાચકને જુદી જુદી ટિપ્સ આપે છે, જેનાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંબંધોનું જતન કરવાની આવડત કેળવાય. ઉપરાંત લેખક પોતાના મુદ્દા વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે કેટલીક સત્ય ઘટનાઓ ટાંકે છે, જેથી વૈજ્ઞાનિક તથ્યો વાચક સરળતાથી સમજી શકે.

ટૂંકમાં, આ પુસ્તક પ્રેમ સંબંધની સફળતા માટે જવાબદાર પરિબળોની વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચા કરે છે અને દીર્ઘજીવી પ્રેમને પામવા અને એનું જતન કરવા માટે વાચકને બહુમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.

અવતરણો

૧) પ્રેમ પામવા માટે માત્ર લાગણી પૂરતી નથી, એ માટે આવડત પણ જરૂરી છે. ૨) દીર્ઘજીવી પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ પર ટકતો નથી. બંને પાત્રોનાં લક્ષ્ય અને મૂલ્યો પણ સમાન હોય તે જરૂરી છે. ૩) પોતાની જરૂરિયાતોને સમજતાં પહેલાં પોતાની જાતને સમજવી પડે. ૪) મતભેદ અને મનભેદના ઉકેલ માટે સંવાદ જરૂરી છે. ૫) આકર્ષક દેખાવ પરથી સંબંધના આયુષ્યનું અનુમાન બાંધી ન લેવાય. ૬) મૃદુ સ્વભાવ અને સામા માણસને સમજવાની આવડત એ સંબંધની મજબૂતીનો પાયા છે. ૭) તમારા સાથી સાથે મળીને નવી પ્રવૃત્તિઓ કરવાથી સંબંધ તરોતાજા રહેશે અને એકબીજાથી કંટાળવાની નોબત નહીં આવે. ૮) જે યુગલ પ્રસારના મજબૂત પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની સફળ થવાની શક્યતા વધારે રહે છે. ૯) જાતનો વિકાસ કરવાના પ્રયત્નો કરતા રહેશો તો સંબંધમાં મીઠાશ જળવાઈ રહેશે. ૧૦) સંબંધને જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહો. કમિટમેન્ટ અને કપરા સમયમાં સાથે રહીને પરિસ્થિતિનો સામનો કરો. સંબંધ આપોઆપ મજબૂત બનશે.