The Tipping Point

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ


The Tipping Point-title.jpg


The Tipping Point

Malcolm Gladwell

ધ ટીપિંગ પોઈન્ટ

માલ્કમ ગ્લેડવેલ


How Little Things Can Make a Big Difference.
નાની નાની વસ્તુઓ/વિચારો, કેવી રીતે બહુ મોટો તફાવત પાડી દે છે?
વ્યાપક પ્રસારનું સર્વોચ્ચ શિખર (ટીપીંગ પોઈન્ટ)


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ


લેખક પરિચય:

માલ્કમ ગ્લેડવેલ કેનેડામાં જન્મેલા સુખ્યાત પત્રકાર, લેખક અને સમાજવિજ્ઞાની છે. માનવ વર્તન અને સમાજ મનોવિજ્ઞાન ઉપરનાં એમનાં લખાણો દૃષ્ટિપૂર્ણ હોય છે. એમની લેખનશૈલી વાર્તાકથન, પ્રસંગવર્ણન અને શૈક્ષણિક સંશોધન દ્વારા વિશાળ વાચકવર્ગને સંકુલ વિષયો સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવે તેવી રહી છે. એમની કૃતિઓની, પોપ્યુલર કલ્ચર ઉપર અને માનવ સ્વભાવ તથા વિવિધ સામાજિક પાસાંઓ અંગે લોકો કેવું વિચારતા હોય છે, તેના ઉપર ભારે અસર પડી છે. એમનાં પુસ્તકો ૩૫ જેટલી ભાષાઓમાં અનુવાદિત થયાં છે. જેની દુનિયામાં ૩૫ મિલિયન નકલો વેચાઈ ગઈ છે.

ગ્લેડવેલનો જન્મ ૧૯૬૩માં કેનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા લંડનમાં થયેલો. ટોરેન્ટો યુનિવર્સિટીમાં એમણે ફિલોસોફીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ધ વૉશિંગ્ટન પોસ્ટ અને ધ ન્યૂયૉર્કરમાં તેમણે પત્રકાર તરીકે કામ કર્યું. હાલ તેઓ ધ ન્યૂયૉર્કરના સ્ટાફ રાઈટર છે. એમને National Magazine Award for Feature Writing અને Pulitzer Prize for Non-Fiction જેવાં સન્માનો મળ્યાં છે. Outliers, Blink, Power of Thinking without Thinking જેવાં અન્ય નોંધપાત્ર પુસ્તકો એમણે લખ્યાં છે.

વિષય પ્રવેશ :

The Tipping Point એક મજેદાર મુદ્દો લઈને આપની સમક્ષ આવે છે કે શાથી કેટલાક વિચારો, કોઈક પ્રોડક્ટ યા અમુક પ્રકારનાં વર્તન—સમાજમાં ચેપી રોગની જેમ પ્રસરી જાય છે, અને તેને સભાનપણે અટકાવવા કે નિયંત્રિત કરવા આપણે શું કરી શકીએ?

પ્રસ્તાવના :

માલ્કમ ગ્લેડવેલનું આ પુસ્તક non-fiction છે, જે નાનાં નાનાં કાર્યો, વિચાર પ્રવાહો કે ઘટનાઓ, સમાજનાં વિવિધ પાસાઓમાં, આકસ્મિક-નાટ્યાત્મક બદલાવ તરફ કેવી રીતે દોરી જાય છે? આ નાટ્યાત્મક પરિવર્તનને લેખક Tipping Point કહે છે. જેમ કે સામાજિક ચેપ જેવા ટીપીંગ પોઈન્ટ માટે કેવાં પરિબળો જવાબદાર છે તે લેખક વાસ્તવિક જીવનના ઉદાહરણથી પોતાની થીયરી સમજાવે છે. વાચકોને, ‘સામાજિક પરિવર્તન’ને સમજવા અને તેનાથી અસરગ્રસ્ત થવાની મૂલ્યાવાન આંતરદૃષ્ટિ અહીં અપાઈ છે.

વિચારો તો ચેપી રોગની જેમ કે દાવાનળની જેમ ફેલાય છે. એ તો વાઈરલ ઇન્ફેક્ષન જેવા છે. થોડાં વર્ષ તો વાઈરસ સુષુપ્ત રહે, માત્ર થોડા લોકોને અસર કરે, પણ પછી, એકદમ ટૂંકા ગાળામાં જ એ ચેપી રોગનું સ્વરૂપ(કોરોના) ધારણ કરી લે છે. વિવાદાસ્પદ બનેલા, Hush Puppiesએ બજારમાં મૂકેલા શૂઝનું ઉદાહરણ લઈએ. ૧૯૯૦ના મધ્ય દાયકા સુધી તો એ શૂઝ દુકાનનાં શૅલ્ફની શોભાના ગાંઠિયા જ હતા, તો એકાએક તેનું વેચાણ કેવી રીતે વધી ગયું? એક જ વર્ષમાં ૩૦ હજારથી લઈને સીધું ૪૩૦ હજાર જોડીઓ કેવી રીતે ચપોચપ ઉપડી ગઈ? અને વળી બીજે વર્ષે હશ પપીઝની બે મિલિયન જોડી ગ્રાહકો પહેરી ગયા....

આવા ચમત્કારિક સેલ પાછળ કંપનીની કાંઈ કરામત કે કસબ નથી. એ તો મેનહટ્ટનમાં થોડાં હીપ્સ્ટર્સ આ જૂતાં પહેરીને નાચ્યા હશે, જેણે જુવાનિયાંઓને એનો ‘ચેપ લગાડ્યો’ અને ‘હશ પપીઝ’ કંપનીનાં જૂતાં જ પહેરવાનો ટ્રેન્ડ ચાલી નીકળ્યો.

સામાજિક ચેપ પણ આવાં જ લક્ષણો, દેખાદેખી, ગાંડી ફેશન—ચાલી જાય છે, વાઈરલ થઈ જાય છે. જેમ શિયાળામાં ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય ત્યારે તેમને ચેપ જલ્દી લાગી શકે, તેવું જ સામાજિક ચેપનું પણ છે. થોડાક નાના નાના ફેરફારો, જે તે વસ્તુને ઝડપથી ફેલાવી દેવામાં કારણભૂત હોય છે. અને બંને આખરે Tipping Point પર પહોંચી જાય છે: વિશાળ જનસમૂહ સુધી એ પહોંચી જાય કે પછી તેને રોકવું અશક્ય, બની જાય છે. માટે જ કહેવાય છે કે વિચારો, નવા ખ્યાલો ચેપી રોગની જેમ પ્રસરે છે...

મુખ્ય મુદ્દાઓ: :

૧. એક વખત Tipping Pointનો ઊંબર ઓળંગી જાય પછી એ વિચાર/idea ચેપી રોગની જેમ વાઈરલ થઈ જાય છે :

આપણે આગળ જોયું કે ‘ટીપીંગ પોઈન્ટ’ એ એવી ક્ષણ છે, જયારે કોઈ એક ટ્રેન્ડ/ફેશન/વિચાર ચેપી રોગમાં તબ્દીલ થઈ જાય અને જંગલની આગની જેમ સર્વત્ર ફેલાઈ જાય છે. દા.ત. ઇન્ફ્લુએન્ઝા(ફ્લુ) તાવની વાત કરીએ. શરૂમાં એ થોડા લોકોને થાય, પછી દિનબદિન એનો ચેપ વધુ ને વધુ લોકોને લાગતો જાય અને એક એવા જાદુઈ બિંદુ સુધી પહોંચે છે, જયારે એનો ટ્રાન્સમીશન રેટ નાટ્યાત્મક ઢબે ઊંચો ચડી જાય અને રોગના ફણીધરને નાથવો મુશ્કેલ બની જાય...આનું જો ગ્રાફીકલ પ્રેઝન્ટેશન કરીએ તો, શરૂમાં તેનો ઉદ્ભવ અને તરતનો વિકાસ એક નાના ઢાળ જેવો વળાંક લાગે અને પછી તો લગભગ સીધા ખૂણે ગ્રાફ ઉપર જતો જાય, એ નાટ્યાત્મક વળાંક તે ટીપીંગ પોઈન્ટ ! Tip એટલે એવું શિખર, જ્યાંથી એનો ફેલાવો જાણે અસીમ-અનંતતામાં ચાલ્યો જતો હોય !

આવો જ વિકાસ ટેકનોલોજીકલ ઇનોવેશન્સમાં જોવા મળે છે. જયારે ૧૯૮૪માં Sharp નામની ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ પહેલીવાર વાજબી ભાવનાં Fax મશીન બનાવ્યાં, ત્યારે પહેલા વર્ષે તે લગભગ ૮૦ હજાર જેટલાં વેચાયાં, અને પછી દર વર્ષે આ આંકડો વધતો ગયો-૧૯૮૭ સુધી આ દશા રહી, પરંતુ પછી તો એના વેચાણમાં ટીપીંગ પોઈન્ટ આવ્યો ને રોકેટ ગતિએ Fax મશીન ઉપડ્યાં...એવો દિવસ આવ્યો કે જાણે આજે દરેકના હાથમાં મોબાઈલ દેખાય જ, તેમ બધાને ત્યાં Fax હોય જ, જેની પાસે નહોતું તેમને ય મન થાય કે ભાઈ, Fax મશીન તો લઈએ જ.

ટૂંકમાં, એક પાયાનું પરિવર્તન ટીપીંગ પોઈન્ટ પછી આવે છે, જયારે એનો ‘ચેપ’ કોરોના વાઇરસની જેમ અચાનક અને વાયુવેગે ફેલાય છે. બસ એક વાર એ ઉંબર ઓળંગાવો જોઈએ ! પછી પત્યું...

૨. થોડાક ચાવીરૂપ લોકો જ મોટે ભાગે ચેપ ફેલાવાના કારણરૂપ હોય છે :

અહીં ’૮૦-૨૦નો નિયમ’ લાગુ પડે છે. કોઈ પણ સામજિક ઘટનામાં ૨૦% લોકો બાકીના ૮૦%ના સમૂહને અસર કરતા હોય છે. દા.ત. ઘણા સમાજોમાં :

• કંપનીમાં ૨૦% કર્મચારીઓ (સન્નિષ્ઠ)હોય તે કંપનીનું ૮૦% કામ ઉપાડી લેતા હોય છે. • ૨૦% બેદરકાર ડ્રાઇવરો જ રસ્તા પરના ૮૦% અકસ્માતો માટે જવાબદાર હોય છે. • ૨૦ %અઠંગ દારુડિયાઓ જ કુલ દારુ ઉત્પાદનનો ૮૦ % દારુ ગટગટાવી જતા હોય છે. ચેપી રોગનો વાઇરસ પણ તદ્દન થોડાક જ લોકોથી શરૂ થયો હોય છે, પણ તેનો સરેરાશ આંક આત્યંતિક હોય છે. માત્ર થોડાક ટકા લોકો, મોટાભાગનું કામ ખૂબ ઝડપથી કરી શકતા હોય છે. અમેરિકામાં AIDSનો પ્રારંભિક કેસ, એક વિમાનના ફ્લાઈટ એટેન્ડન્ટમાં જોવા મળેલો, તેના કહેવા પ્રમાણે, નોર્થ અમેરિકામાં ૨૫૦૦ લોકોને જાતીય શ્રુંખલાબદ્ધ સમાગમથી તેણે તેનો વાઈરસ પ્રસાર્યો હતો. એ જ રીતે, સામજિક ચેપમાં પણ થોડાક જ એવા લોકો(સંખ્યા)હોય છે જે ફેલાવાના દરની ઝડપ વધારી આપે છે, મોટા ભાગે તેઓ નોંધપાત્ર વ્યક્તિઓ હોય છે અથવા તો એમનાં સોશ્યલ કનેક્શન્સ વધારે હોય છે. આવા મુઠ્ઠીભર માણસો ચેપના વાહકો બનતા હોય છે.

૩. ખાસ કરીને નવા વિચારો, મોટા કનેક્ટર્સ દ્વારા ઝડપથી ફેલાતા હોય છે કે જેમનું સોશ્યલ નેટવર્ક વિશાળ હોય..

જેમના સામાજિક સંબંધો વિશાળ અને પ્રભાવ અસરકારક હોય તેવા થોડાક જ લોકો વિચારના વ્યાપક પ્રસારક હોય છે. આવા ‘જોડનારાઓ-કનેક્ટર્સ-સંયોજકો’ માત્ર સમાજના એક જ ક્ષેત્રમાં નહિ, પણ ઘણાં ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે—જેમ કે ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય, રાજકારણ, ધર્મ વગેરે. આવા સંયોજકો Nodal Points ગણાય છે. તેમને અસંખ્ય જુદા જુદા લોકો સાથે કમ્યૂનિકેટ કરવાની આવડત અને ઇચ્છા-અભરખો બંને હોય છે. તેઓનું સબળું પાસું એ છે કે તેઓ લોકોની ‘નબળી કડીઓ’ જાણતા હોય છે. એ ‘દુઃખતી નસ’ દબાવતાં તેમનું કામ થઈ જાય છે. થોડાક અંગત મિત્રવર્તુળ કરતાં, તેમને વિવિધ ક્ષેત્રના વ્યાપક પરિચયો હોવા એ વધારે મૂલ્યવાન લાગતું હોય છે.

સામાજિક વાતાવરણોને અતિક્રમી જાય તેવા સંબંધો-પરિચયો, આવા ચેપી વિચારના ફેલાવામાં મહત્ત્વના બની જાય છે. નાના સર્કલ કરતાં વિશાળ વર્તુળ હોય તો ચેપ વધુ ઝડપથી ફેલાય એ સ્વાભાવિક છે. તેથી જ વિશાળ નેટવર્કવાળા કનેક્ટર્સ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

૧૯૬૦ના દાયકામાં, સમાજ વિજ્ઞાનીઓએ કરેલા એક પ્રયોગમાં જોવા મળ્યું હતું કે આ દુનિયામાં દરેક માણસ, એકબીજા સાથે, બહુ થોડા લોકો દ્વારા જોડાયેલો હોય છે, વળી એનાં જોડાણો સમાન પણ નથી હોતાં. સામાજિક વાતાવરણની સીમા પાર કરાવનારાં નાનાં જૂથો પણ ‘વેલ-કનેક્ટેડ’ વ્યક્તિઓનાં જ બનેલાં હોય છે, પણ તે જબરાં પ્રભાવશાળી હોય છે. એનામાં એકાદ વિચાર વહેતો મૂકી દો તો પાણીમાં પથ્થર નાખતાં ઊઠતાં વલયોની જેમ તે આખા જળાશયમાં વ્યાપી જશે.

તો, આવા ચાવીરૂપ સંયોજકો-કડી-દ્વારા વિચારો વિશાળ જનસમુદાય સુધી પ્રસરી જતા હોય છે.

૪. કેટલાક લોકોને સમજાવટની કળા અને વિચારો વેચવાની કુનેહ જાણે જન્મજાત હોય છે :

કેટલાક લોકો જન્મજાત સેલ્સમેન હોય છે, તેઓ હકારાત્મક જ વિચારતા હોય છે અને ખૂબ જ ઉત્સાહ ને એનર્જી ધરાવતા હોય છે. તમને એની વાત/વિચાર ગળે ન ઊતરે ત્યાં સુધી તેઓ લાગી જ રહે છે, જો કે એ ગુણ જ એમને સફળ સેલ્સમેન બનાવે છે—નવા વિચારના કે નવી પ્રોડક્ટના !

થયેલાં સંશોધનોએ બતાવ્યું છે કે આવા વિશિષ્ટ સેલ્સમેન પાસે બોલવા ઉપરાંત ‘નોન-વર્બલ કમ્યૂનિકેશન’ની પણ માસ્ટરી હોય છે. તેઓ વાર્તાલાપની યોગ્ય રીધમ પકડીને તમારી સાથે સંવાદિતા સાધી લે છે અને થોડી જ વારમાં તમારો વિશ્વાસ જીતી તમારી જોડે આત્મીયતા પણ સ્થાપી દે છે. ટૂંકમાં, આવા વાક્પટુ, વ્યવહારકુશળ વેચાણિયા વાણિયાઓ(સેલ્સમેન) સામેનાની સાથે ઝડપથી તાલમેલ બેસાડી દે છે. અને એવા તો તમને શીશામાં ઉતારશે કે તમે એની ધૂન ઉપર નાચવા લાગશો. આવા જન્મજાત વેચાણિયા પાસે તેની લાગણી વ્યક્ત કરવાની પણ વિશિષ્ટ રીતો હોય છે : લાગણીઓ ચેપી હોય છે અને સેલ્સમેન તે એટલી કુશળતાથી વ્યક્ત કરે છે કે તમે તરત તેના કહ્યામાં આવી જાવ અને તમારાં માન્યતા અને વિચાર વર્તન-પણ બદલી નાખો...તમારી અંદર(મન)થી લઈને બહાર (વાણી-વર્તન) સુધી તે એવી સિફતથી ઝાડુની સફાઈ કરી દેશે કે તમે માની જશો કે વિચારોના ફેલાવા માટે આ જ તો આદર્શ વ્યક્તિ છે !

એટલે જ કહું છું મિત્રો, કે કેટલાક લોકો સમજાવટની કળામાં ને વિચાર-વસ્તુ વેચવાની કળામાં જન્મજાત માહિર હોય છે.

૫. દરેક નેટવર્કમાં કેટલાક Mavens (ચુંબકો-મેગ્નેટ) હોય છે, જે માહિતી ખેંચી લે, ઢગલો કરે અને પછી બીજાઓ સુધી તે ફેલાવે છે :

સામાજિક ચેપ ફેલાવનારાઓમાં છેલ્લા પ્રકારના લોકો Mavens હોય છે, તેનાં લક્ષણો આવાં હોય છે :-

• તેઓ વિવિધ વસ્તુઓ અંગે ઘણું બધું જાણતા હોય છે અને સતત માહિતી એકત્ર કરતા રહેતા હોય છે. જેમ કે કયા નવા ટ્રેન્ડ્સ ચાલે છે, કઈ નવી પ્રોડક્ટ, તેની શી કિંમત છે વગેરે...

• તેમની પાસે પોતાનું ‘જ્ઞાન’ બીજાને વહેંચવાની કળા, કુશળતા અને તૈયારી સતત રહેતી હોય છે.

આવા લોકો પાસે અપવાદરૂપ એવું મોટું નેટવર્ક નથી હોતું, પણ જે પણ એના નેટવર્કમાં હોય છે તેના ઉપર એમનો પ્રભાવ પહાડ જેટલો હોય છે, કારણ કે બધા એને માહિતીના ભંડાર ને જ્ઞાનના ખજાના તરીકે માનતા હોય છે. આવા લોકો વાતોડિયા, બહિર્મુખી, બધે ફરનારા-આંખ-કાન ખુલ્લાં રાખનારા, બીજાને મદદરૂપ થવાનો દેખાવ કરનારા અને સોશ્યલી મોટીવેટેડ હોય છે. તેમનો સાચો કે ખોટો, પણ આત્મવિશ્વાસ જબરો હોય છે. તેથી તે પોતાની પ્રોડક્ટ કે સેવા, મિત્ર વર્તુળમાં કે અન્યત્ર વહેંચવા, વેચવા, ભલામણ કરવા સક્ષમ હોય છે...એ જ એમનાં શક્તિ, સામર્થ્ય, હથોટી, આવડત-કુનેહ-જે ગણો તે-હોય છે. તો ભાઈ, દરેક નેટવર્કમાં આવા જન્મજાત પ્રસારકો, ચુંબકો હોય જ છે, જે માહિતી ભેગી કરી તેનો ફેલાવો કરતા ફરે છે.

૬. કોઇપણ વિચાર તમારા મનમાં ચોંટવો/ઊતરવો જોઈએ, પછી તે ફેલાઈ શકે...

કોઈપણ વિચાર તમારો ફેલાવવો હોય તો, તમને પહેલાં તે સમજાવો જોઈએ, સ્પર્શવો જોઈએ. એમાં કંઈક ખાસ, વિશિષ્ટ હોવું જોઈએ, કંઈક અપીલિંગ હોવું જોઈએ. જુદું જ લાગવું જોઈએ—ભલે કંઈક તદ્દન નાની નવી વસ્તુ હોય-પણ તે મેસેજ કેવી રીતે રજૂ થયો છે તેનાથી બહુ મોટો ફરક પડી જાય છે.

દા.ત. ૧૯૫૪માં, Winston નામની સિગરેટ બ્રાન્ડે તેની નવી ફિલ્ટર સિગરેટની જાહેરાતમાં સૂત્ર મૂક્યું : ‘Winston tastes good, like a cigarette should.’ ‘એક ઉમદા સિગરેટની જેવી લિજ્જત હોવી જોઈએ તેવી આ વિન્સ્ટનમાં માણો.’ બસ, થઈ રહ્યું ! લોકો ‘ઉમદા લિજ્જત’ની શોધમાં વિન્સ્ટન ઉપર તૂટી પડ્યા અને અમેરિકામાં એનું વેચાણ સિગરેટના ધૂમાડાની જેમ ફેલાઈ ગયું.

બીજું ઉદાહરણ ટેલીવિઝનની દુનિયાનું લઈએ : Sesame Street નામનો શૉ તેના નાનકડા ઈનોવેશનને લીધે બહુ જ પ્રખ્યાત થયો. જયારે શૉ પહેલીવાર ટેલીકાસ્ટ થયો ત્યારે, તેમણે fictional charactersથી શરૂ કરવાની પરંપરા જાળવી, (જેમ કે Muppets), પછી શૉનાં Real Characters on the street ઉપર કેમેરો ફેરવાય...આ ટ્રીક કારગત નીવડી. પણ થોડો સમય પછી એમણે જોયું કે બાળકોને આ Muppets અને વાસ્તવિક પાત્રોનું સેપરેશન ગમ્યું નથી, આથી શૉ મેકર્સે વાસ્તવિક દૃશ્યોમાં સ્ટ્રીટ ઉપર પણ પાત્રોની વચ્ચે Muppetsને ઉતાર્યાં...આ જરાક અમસ્તો નાનો બદલાવ બહુ મોટી અસર ઊભી કરી ગયો, અને પછી જે શૉની સફળતા શિખરે પહોંચી છે !

આમ, નવો વિચાર, ભલે રાઈના દાણા જેવડો હોય, પહેલાં તમને સ્પર્શવો જોઈએ, ભાવવો જોઈએ, પછી એને ફેલાતાં વાર નહિ લાગે..

૭. આપણા વિચાર-વર્તન ઉપર, બાહ્ય પરિસ્થિતિની આપણે વિચારી ન હોય તેવી ભારે અસર હોય છે.

આપણું વર્તન બહુધા બાહ્ય સંજોગો ઉપર ખાસ્સું આધારિત હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણા વર્તનમાં, એક નાનકડો ફેરફાર પણ મોટું પરિવર્તન લાવી શકે છે. દા.ત. થયેલા અભ્યાસો બતાવે છે કે સમયનું દબાણ, આપણી અન્યને મદદરૂપ થવાની ઇચ્છા ઉપર કેવી અસર કરે છે. એક વાર વિદ્યાર્થીઓને વાર્તાલાપ આપવા માટે લેકચર હૉલમાં મોકલવામાં આવ્યા...અડધાને તેમાંથી કહેવામાં આવેલું કે કંઈ ઉતાવળ ન કરશો, આરામથી જજો...અને બાકીના અડધાને કહેલું કે મોડા નહિ પડતા, સમયસર પહોંચી જજો...તો બન્યું એવું કે જતાં જતાં રસ્તામાં એક અકસ્માતે પડી ગયેલા ઈજાગ્રસ્ત માણસને તેમણે જોયો. તો પહેલા જૂથના ૬૩% વિદ્યાર્થીઓ એને મદદ કરવા થોભી ગયા, વ્યવસ્થા કરવા લાગ્યા...જયારે બીજા જૂથના ૧૦ % જ વિદ્યાર્થીઓ પેલા ઈજાગ્રસ્તને મદદરૂપ થવા થોભ્યા...અન્ય ઉપર તો હૉલમાં સમયસર પહોંચવાનું દબાણ હતું.

બીજા એક અભ્યાસમાં—Stanford Prison Experimentમાં ૨૪ તંદુરસ્ત પુરુષોને, એક બનાવટી જેલમાં, ચોકીદાર કે કેદીનો રોલ ભજવવા, બે અઠવાડિયાં રહેવાનું ટાસ્ક સોંપાયું...અહીં માત્ર પાત્રે અભિનય જ કરવાનો હતો, પરંતુ પરિણામ ચોંકાવનારું આવ્યું. ‘ચોકીદાર’ના પાત્રવાળા પુરુષોએ તો ખરેખર તેની સત્તાનો ઉપયોગ કરી, વધુ ને વધુ દાદાગીરી, ક્રૂરતા અને જમાદારગીરી કરવા માંડી, આથી ઘણા ‘કેદી’ના રોલવાળાં પાત્રો તો માનસિક રીતે ભાંગી પડ્યાં, એમને સાચે જ કેદી હોવાનો ઝટકો લાગ્યો. આથી માત્ર છ જ દિવસમાં આ પ્રયોગ પડતો મૂકવામાં આવ્યો. અને ૨૪ જણાને બહાર બોલાવી લેવાયા, કે ભાઈ, તમે કોઈ ચોર કે ચોકીદાર નથી, નોર્મલ-તંદુરસ્ત માણસ જ છો. જાવ, ખાઈ પીને મઝા કરો !

આમ બનાવટી પરિસ્થિતિ સર્જીને પણ થયેલા પ્રયોગ બતાવે છે કે સંજોગોમાં ફેરફાર થાય તો માણસનું વર્તન બદલાઈ જાય છે.

આપણે વિચાર્યું પણ ન હોય તેવું વર્તન, જો પરિસ્થિતિ બદલાય તો આપણામાં પરિવર્તન લાવી દે છે.

૮. નાનામાં નાનું એકાદ સંદર્ભ-પરિવર્તન, આ ચેપ ફેલાશે કે નહિ તે નક્કી કરતું હોય છે:

Epidemicsનો ઉદ્ભવ મોટેભાગે બાહ્ય સંજોગો ઉપર અને નાનાં નાનાં પરિવર્તન ઉપર મોટો આધાર રાખતો હોય છે.

૧૯૯૦ના મધ્ય દાયકામાં, ન્યૂયોર્ક સીટીના સત્તાવાળાઓને ‘ક્રાઈમ રેટ’ ખૂબ વધી ગયેલો જણાયો, જાણે અનિયંત્રિત હદે અપરાધો વધી ગયા હતા, એનું કારણ તેમણે નિર્દોષ જણાતાં ઘણાં પરિબળોમાં શોધવાની કોશિશ કરી. તેમણે વિચાર્યું કે ગમે તેવાં ચિતરામણ કરેલી સબવે કાર કે સબવે-ભાડું ન ચૂકવનાર સજા વિના છટકી જાય છે, આથી તેમણે એવી સૂચના જારી કરી કે બગડતી જતી પરિસ્થિતિની કોઈ કાળજી લેતું નથી—આથી કોઈને પણ જે કરવું હોય તે કરી શકે છે...

આવા અપરાધ epidemicને નિયંત્રણમાં લેવા સત્તાવાળાઓએ આવી ઘણી નાની નાની વિગતો ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું... તો રાતોરાત, ગ્રેફીટી-ચિત્ર-વિચિત્ર લખાણ અને ચિતરામણ તો દૂર થઈ ગયું, અને ભાડા-ચોરી સજાપાત્ર ગુનો બનાવાયો. આવી, ક્ષુલ્લક લાગતી બાબતો/નિયમભંગ માટે પણ પોલીસને આટલી કડક બનેલી જોતાં, લોકો અને મોટા અપરાધકર્તાઓને ભય પેઠો કે તેમનું ગેરવર્તન કે ગુના હવે આ લોકો સાંખી લેશે નહિ. પરિણામ સ્વરૂપે, પછીનાં વર્ષોમાં, ક્રાઈમ રેટ ઘણો ઘટી ગયો, અહીં ચેપ ઊંધો ફેલાયો અને નાનાં પગલાંથી સમાજમાં સુધારો આવ્યો.

બીજું સૂક્ષ્મ પરિબળ, જે ચેપ ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તે છે—જૂથનું કદ. ‘૧૫૦નો નિયમ’ એમ કહે છે કે જો અમુક વસ્તુ કરનારા, આચરનારા, વિચારનારા, એક સરખા માર્ગે ચાલનારા ૧૫૦ લોકો, અનુયાયીઓ એક સાથે મળી આવે તો એ વિચાર કે કાર્ય તે જૂથની બહાર પણ ઝડપથી ફેલાતું જશે. ટૂંકમાં, તમારે આવું ગ્રુપ બનાવવું હોય, વિચારવહન કરાવવું હોય તો કોઈ ક્લબ, મંડળ, સમુદાય કંપની કે સ્કૂલમાં એ વિચાર વહેતો કરો, દૃઢ કરાવો તો ચોક્કસ તમારો વિચાર ફેલાઈ જશે, પણ હા, શરૂમાં ગ્રુપ પ્રમાણસર નાનું રાખજો.

આમ, આવું નાનકડું સંદર્ભ-પરિવર્તન, તમારો વિચાર-ચેપ ફેલાશે કે નહિ તે નક્કી કરતું હોય છે.

ઉપસંહાર :

આ Tipping Point પુસ્તક, દેખીતાં નાનાં નાનાં પરિબળો કેવું મોટું સામાજિક પરિવર્તન લાવી શકે છે તેની ચર્ચા કરે છે. જેમને માર્કેટીંગ, સમાજશાસ્ત્રો અને માનવ વર્તનશાસ્ત્રમાં રસ હોય તેમને ટીપીંગ પોઈન્ટ્સનાં ધારાધોરણો-ડાયનેમિક્સ-સમજાવવા માલ્કમ ગ્લેડવેલ સરસ પ્રયાસ કરે છે. વાસ્તવિક જીવનનાં અનુભવો-ઉદાહરણો અને વાર્તાકથન દ્વારા લેખક ‘social epidemics’ સર્જનારાં સંકુલ પરિબળો ઉપર પ્રકાશ પાડે છે.

આ પુસ્તકનો ચાવીરૂપ સંદેશ આ છે :

સામાજિક વિચાર દાવાનળ તરફ દોરી જનારાં કેટલાંક અગત્યનાં પરિબળો હોય છે. તેમને જાણી-સમજી-અપનાવી જુઓ તો વિચાર-વર્તન-પ્રોડક્ટને મોટે પાયે પ્રસારી શકાય છે: Tipping Pointનો તેમાં શું ફાળો છે તે આ પુસ્તક સ્પષ્ટ કરે છે. • વિચારો ચેપી રોગની જેમ ફેલાય છે. • ટીપીંગ પોઈંટનો ઉંબર એકવાર ઓળંગી જવાય પછી તે વિચાર-વર્તન-પ્રોડક્ટ દાવાનળ બની જાય છે.(આપણે ત્યાં ‘ગણેશજીની મૂર્તિ દૂધ પીએ છે’ એ અફવા કેવી વ્યાપી ગઈ હતી?)

કેવા પ્રકારના લોકોનો આવા વ્યાપક વિચાર પ્રસારમાં મોટો ફાળો હોય છે?

• કેટલાક ચાવીરૂપ પ્રભાવી લોકો આ ચેપનું કારણ હોય છે. • ‘કનેક્ટર્સ’- સંયોજકો-જેમના વિશાળ સામાજિક સંપર્કો હોય છે, તેઓ ઝડપથી વિચાર વહન કરાવે છે. • કેટલાક લોકોને જન્મજાત ‘સમજાવટની કળા’ ભેટમાં મળી હોય છે, તેમને વિચાર/પ્રોડક્ટ વેચવાની જબરી હથોટી હોય છે. • દરેક નેટવર્કમાં ‘Mavens’ (માહિતી સંગ્રાહક અને પ્રસારક ચુંબક જેવા લોકો) હોય છે, જે ઢગલો માહિતી ભેગી કરી તે બીજા સુધી પહોંચાડવામાં જ જીવન-સાર્થક્ય માને છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. Tipping Point એટલે શું? ગ્લેડવેલ આ ટીપીંગ પોઈંટનો ખ્યાલ સમજાવતાં કહે છે કે ‘એ એવી ક્ષણ કે તબક્કો છે જયારે કોઈ ટ્રેન્ડ, વિચાર યા વર્તન એક ઉંબરો ઓળંગી જાય પછી ચેપીરોગની જેમ પ્રસરી જાય છે, તેને રોકવો મુશ્કેલ બની રહે છે’ આવું થવાનાં ૩ પરિબળો છે : થોડાનો નિયમ, સ્પર્શી/ચોંટી જનારું પરિબળ અને સંદર્ભની તાકાત. ૨. થોડાનો નિયમ : Low of the Few : માત્ર થોડા જ વિશિષ્ટ લોકો જે તે વિચાર કે વર્તનને પ્રસારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે તેવા લોકો વિશે લેખક અહીં ચર્ચા કરે છે. તેમની આવી કક્ષા પાડી છે : Connectors, Mavens અને Salesmen...આ ત્રણે કેવી રીતે સામાજિક ચેપ ફેલાવે છે તેની વાત અહીં સમજાવી છે. ૩. સ્પર્શી/ચોંટી જનારું પરિબળ : Stickness Factor- કોઈપણ વિચારને યા સંદેશાને યાદગાર, સ્પર્શી જનાર અને પ્રસાર યોગ્ય બનાવનારી કઈકઈ બાબતો છે તેની લેખક ઉદાહરણ સહિત ચર્ચા કરે છે, જેમ કે બાળકોનો ટી.વી. શૉ અને કંપનીઓની પ્રોડક્ટનાં વિજ્ઞાપનો... ૪. સંદર્ભની તાકાત : Power of Context : વિચાર કે ટ્રેન્ડને સાકાર કરનારાં વાતાવરણ અને સંદર્ભના મહત્ત્વની અહીં ચર્ચા છે.નાનાં લાગતાં પરિવર્તનો પણ વર્તન ઉપર મોટી અસર કેવી રીતે કરે છે તે બતાવ્યું છે.

અવતરણો:

• “Tipping Point એવી ચમત્કારિક ક્ષણ છે, જ્યાંથી કોઈ વિચાર, ટ્રેન્ડ કે સામાજિક વર્તન એનો ઉંબર, Tip અંતિમ છેડો ઓળંગીને દાવાનળની જેમ ચોમેર પ્રસરી જાય છે.”
• “થોડાનો નિયમ એટલે બહુ ઓછા ૨૦% લોકો, જે તે ક્ષેત્રમાનું મોટા ભાગનું ૮૦% કામ કરી દેતા હોય છે.”
• “કંઈક બહુ જ નાનો-નગણ્ય પ્રશ્ન, જયારે બહુ જ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે ટીપીંગ પોઈન્ટ આવી ગયું એમ ગણાય છે.”
• “અંતે, ટીપીંગ પોઈન્ટ એ પરિવર્તન ક્ષમતાનું પરિચાયક અને બૌદ્ધિક કાર્યની શક્તિનું સૂચક હોય છે.”
• “કેટલાક એવા અપવાદરૂપ લોકો હોય છે જે વિચાર-ચેપ ફેલાવવાને સમર્થ હોય છે. તમારે માત્ર તેમને શોધી કાઢવા પડે, તો તમારો બેડો પાર”
• “વિચાર કે મેસેજમાં સ્પર્શી/ચોંટી જાય તેવું તત્ત્વ જ તેને યાદગાર, મર્મસ્પર્શી અને સરળ બનાવે છે.”
• “સંદર્ભની તાકાત એટલે જે તે સંદર્ભ કે સામાજિક સંજોગોમાં વિચાર/ મેસેજ ફેલાય છે તેની, જે તે વિચારની સફળતા ઉપર બહુ મોટી અસર પડે છે.”