What Are You Doing with Your Life?

From Ekatra Wiki
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપWYDWYL-Title.jpg


What Are You Doing with Your Life?

Jiddu Krishnamurti

તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?

જીવનના સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ
જિદ્દુ કૃષ્ણમૂર્તિ


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: રાજ ગોસ્વામી


લેખક પરિચય:

J Krishnamurti.jpg

જિદ્દુ કૃષ્ણમૂર્તિનો જન્મ 11 મે 1895ના રોજ દક્ષિણ ભારતના એક નાનકડા શહેર મદનપલ્લેમાં થયો હતો. તેમને અને તેમના ભાઈને તેમની યુવાનીમાં થિયોસોફિકલ સોસાયટીના તત્કાલીન પ્રમુખ ડૉ. એની બેસન્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. ડૉ. બેસન્ટ અને અન્યોએ જાહેરાત કરી હતી કે કૃષ્ણમૂર્તિ એક એવા વિશ્વ ગુરુ બનવાના છે, જેમના આગમનની થિયોસોફિસ્ટોએ આગાહી કરી હતી. વિશ્વ ગુરુ માટે વિશ્વને તૈયાર કરવા માટે, સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડર નામની એક વિશ્વવ્યાપી સંસ્થાની રચના કરવામાં આવી હતી અને યુવાન કૃષ્ણમૂર્તિને તેના વડા બનાવવામાં આવ્યા હતા. 1929 માં, જો કે, ક્રિષ્નામૂર્તિએ વિશ્વ ગુરુની ભૂમિકાને ફગાવી દીધી હતી અને વિશાળ અનુયાયીઓવાળા સ્ટાર ઓફ ધ ઇસ્ટ ઓર્ડરનું વિસર્જન કરી નાખ્યું હતું. તેમાં તેમના નામે દાનમાં આપવામાં આવેલાં તમામ નાણાં અને મિલકતો પરત કરવામાં આવ્યાં હતાં. 17 ફેબ્રુઆરી, 1986ના તે દિવસથી શરુ કરીને તેમના મૃત્યુના લગભગ સાઠ વર્ષ સુધી તે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા રહ્યા હતા અને વિશાળ પ્રેક્ષકોથી લઈને એકલદોકલ વ્યક્તિઓ સાથે માનવજાતિમાં આમૂલ પરિવર્તનની જરૂરિયાત વિશે વાત કરતા રહ્યા હતા. કૃષ્ણમૂર્તિને વૈશ્વિક સ્તરે સર્વકાલીન મહાન વિચારકો અને ધાર્મિક ગુરુઓ પૈકીના એક ગણવામાં આવે છે. તેમણે કોઈ ફિલસૂફી કે ધર્મનો પ્રચાર કર્યો નથી, પરંતુ તેમણે એ બાબતો વિશે વાત કરી હતી જે આપણા રોજિંદા જીવનમાં આપણા બધાને વિચારતા કરે છે. આધુનિક સમાજની હિંસા અને ભ્રષ્ટાચાર, સુરક્ષા અને સુખ માટેની વ્યક્તિગત શોધ તેમજ માનવજાતને ભય, ગુસ્સો, પીડા અને દુઃખના આંતરિક બોજથી મુક્ત કરવાની જરૂરિયાત તેમની ચર્ચાના વિષયો રહ્યા હતા. તેમણે માનવ મનના સૂક્ષ્મ વ્યવહારને ઘણી ચોકસાઈથી સમજાવ્યો હતો અને આપણા રોજિંદા જીવનમાં ઊંડાણપૂર્વક ધ્યાન અને આધ્યાત્મિક ગુણવત્તા લાવવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું હતું. કૃષ્ણમૂર્તિ કોઈ ધાર્મિક સંગઠન, સંપ્રદાય કે દેશ સાથે સંકળાયેલા ન હતા, ન તો તેઓ કોઈ રાજકીય કે વૈચારિક વાદના અનુયાયી હતા. તેનાથી વિપરીત, તેમનો મત હતો કે આ જ બાબત મનુષ્યને વિભાજીત કરીને યુદ્ધ અને સંઘર્ષ લાવે છે. તે શ્રોતાઓને વારંવાર યાદ કરાવતા હતા કે આપણે બધા સૌ પ્રથમ માણસ છીએ, હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી નહીં. આપણે એકબીજાથી જુદા નથી અને બાકીની માનવતાની જેમ એક જ છીએ. તેમણે કહ્યું હતું કે પોતાને કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આપણે આ ગ્રહ પર ધીરે-ધીરે ચાલવું જોઈએ. તેમણે પ્રકૃતિ પ્રત્યેના તેમના ઊંડા આદરને શ્રોતાઓ સમક્ષ વ્યક્ત કર્યો હતો. તેમના ઉપદેશો પ્રચલિત આસ્થા પ્રણાલીઓ, રાષ્ટ્રવાદી ભાવના અને સંપ્રદાયવાદથી ઉપર હતા. તે સાથે, તેમણે માનવજાતની સત્યની શોધને નવો અર્થ આપ્યો હતો અને નવી દિશા આપી હતી. આધુનિક યુગ સાથે સુસંગત હોવા ઉપરાંત, તેમનું શિક્ષણ કાલાતીત અને સાર્વત્રિક છે. કૃષ્ણમૂર્તિ ગુરુ તરીકે નહીં પણ મિત્ર તરીકે વાત કરતા હતા. તેમની વાતો અને ચર્ચાઓ પરંપરા આધારિત જ્ઞાન પર આધારિત નથી પરંતુ માનવ મનની તેમની આંતરદૃષ્ટિ અને પવિત્રના તેમના દૃષ્ટિકોણ પર આધારિત છે, તેથી તે હંમેશા તાજગીસભર અને સીધી હોય છે. તેમના સંદેશાઓનો સાર વર્ષોથી બદલાયો નથી. તેઓ જયારે વિશાળ પ્રેક્ષકગણને સંબોધિત કરતા, ત્યારે લોકોને લાગતું કે કૃષ્ણમૂર્તિ તેમાંની દરેક સાથે વ્યક્તિગત રીતે વાત કરી રહ્યા છે, તેમની ચોક્કસ સમસ્યાને સંબોધિત કરી રહ્યા છે. તેમની ખાનગી મુલાકાતમાં, તેઓ એક એવા માયાળુ ગુરુ તરીકે નજર આવતા, જે દુઃખમાં તેમની પાસે આવતા દરેક પુરુષ અથવા સ્ત્રીને ધ્યાનથી સાંભળતા હોય, અને દરેકને તેમની પોતાની સમજણ દ્વારા પોતાને સાજા કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય. ધાર્મિક વિદ્વાનોને લાગ્યું હતું કે તેમના વિચારોએ પરંપરાગત વિભાવનાઓ પર નવો પ્રકાશ ફેંક્યો છે. કૃષ્ણમૂર્તિએ આધુનિક વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોના પડકારોનો સામનો કર્યો હતો અને તેમની સાથે પદ્ધતિસર રીતે તેમના સિદ્ધાંતોની ચર્ચાઓ કરી હતી અને ઘણીવાર તે સિદ્ધાંતોની મર્યાદાઓથી તેમણે વાકેફ કરાવ્યા હતા. કૃષ્ણમૂર્તિ તેમનાં જાહેર પ્રવચનો, લખાણો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને ધાર્મિક વ્યક્તિઓ સાથે ચર્ચાઓ, વ્યક્તિઓ સાથે વાર્તાલાપ, ટેલિવિઝન અને રેડિયો ઇન્ટરવ્યૂ તેમજ પત્રોના સ્વરૂપમાં વિપુલ સાહિત્ય આપી ગયા છે. તેમાંથી ઘણું સાહિત્ય પુસ્તકો, ઑડિઓ અને વિડિઓ રેકોર્ડિંગ સ્વરૂપે પ્રકાશિત થયું છે.

પુસ્તક વિશે:

2001માં પ્રકાશિત ‘તમારે તમારા જીવનમાં શું કરવું જોઈએ?’ (What Are You Doing with Your Life?) નામનું આ પુસ્તક જિદ્દુ કૃષ્ણમૂર્તિનાં વિભિન્ન પુસ્તકોમાંથી સંકલિત વિચારોનો પહેલો સંગ્રહ છે. જીવનના હેતુથી લઈને સુખ અને વ્યક્તિગત સુધાર જેવા મુદ્દાઓની ચર્ચા કરતું આ પુસ્તક જીવન યાત્રાના દરેક પડાવ પર તત્ત્વવિચારાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે.

પૂર્વભૂમિકા:

જીવન સૌને કષ્ટ આપે છે, પરંતુ એ આઘાતોનો સામનો કેવી રીતે કરવો તે જવલ્લે જ આપણને શીખવા મળે છે. 20મી સદીના મૌલિક ચિંતક જિદ્દુ કૃષ્ણમૂર્તિ સંબંધો, પ્રેમ, ડર અને એકલતા જેવા જીવનના પાયાના મુદ્દાઓનો આપણો પરિચય કરાવે છે. ‘જીવનનું મહત્ત્વ શું છે?’ અને ‘જીવનનો હેતુ શું છે?’ જેવા પ્રશ્નો તેમના વિચારોના કેન્દ્રમાં છે. તેમનો મત છે કે આપણી અંદર જયારે અંધાધૂંધી અને અનિશ્ચિતતા હોય ત્યારે આપણને આવા પ્રશ્નો પજવે છે. આપણે કેવા વિકલ્પો પસંદ કરીએ છીએ અને કેવી રીતે જીવવાનું નક્કી કરીએ છીએ તે અંતત: આપણી જવાબદારી છે. આ પુસ્તકમાંથી તમને જીવનનું ઊંડું જ્ઞાન મળશે. એક યા બીજા પ્રસંગોએ, આપણામાંથી મોટાભાગના લોકોને સવાલ થયો હશે કે, જીવનનો હેતુ શું છે? કદાચ તમને વિસ્મય પણ થયું હશે કે અમુક લોકો કેવી રીતે નિરંતર સુખેથી જીવી શકે છે. તમે કદાચ સમાજમાં જોયેલી સમસ્યાઓ પર ચિંતન કર્યું હશે અને તેનાં સંભવિત સમાધાનો પણ વિચાર્યાં હશે. પાયાના આ મુદ્દાઓ પર તમને અહીં આ પ્રકરણોમાં અમુક વિચારો સમજવા મળશે. હા, તેના જવાબો સરળ નથી- વાસ્તવમાં, અમુક વિચારો પરેશાન કરે તેવા અને ઉશ્કેરણીજનક પણ લાગશે. દાખલા તરીકે, ‘સ્થાયી સુખ’ જેવું કશું નથી એવી તમને ખબર પડે તો? જીવનમાં ‘હેતુ’ શોધવાનો પ્રયાસ ખોટો છે એવી ખબર પડે તો? તમે આ પુસ્તકમાં જે વાંચશો, તે તમારી સ્થાપિત માન્યતાઓની કસોટી પણ લેશે અને તમને ઘણી બધી પ્રેરણા પણ આપશે. એ અર્થમાં કૃષ્ણમૂર્તિ ક્રાંતિકારી વિચારક હતા. અહીં આપણને આ ત્રણ બાબતો અંગેની સમજ મળશે: • કેવી રીતે સાંસ્કૃતિક કન્ડિશનિંગ આપણને પ્રભાવિત કરે છે • કેમ સામાજિક ક્રાંતિઓથી મૂળભૂત રીતે કશું બદલાતું નથી. • જ્ઞાન કેવી રીતે બુદ્ધિમત્તાથી અલગ પડે છે

અગત્યના મુદ્દાઓ:

1. આપણું અનુકૂલન (conditioning) ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે.

એક ક્ષણ માટે અટકીને વિચાર કરીએ કે આપણે કેવી રીતે દુનિયાનો અનુભવ કરીએ છીએ, કેવી રીતે તેને સમજીએ છીએ. દાખલા તરીકે, પ્રેમની વાત લો. આપણો જન્મ થાય છે ત્યારથી જ આપણને આપણી આસપાસના લોકો પ્રેમ શું કહેવાય તેની, પ્રત્યક્ષ કે પરોક્ષ, સમજણ પૂરી પાડે છે. મોટા થયા પછી આપણું મન એ જ રીતે વિચારતું થાય છે. આપણે એવું માનતા થઈએ છીએ કે લગ્નના મંડપમાં એકબીજાને હાર પહેરાવતું યુગલ પ્રેમનું પ્રતીક છે અથવા જન્મદિવસ પર ફૂલોથી આચ્છાદિત સરપ્રાઈઝ ગિફ્ટ આપવી એ પ્રેમની અભિવ્યક્તિ છે. પ્રેમની આ વ્યાખ્યા આપણને ક્યાંથી મળી? આપણે ગમે તે તર્ક આપીએ, હકીકત એ છે કે આપણે જે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશમાંથી આવીએ છીએ, તેનો પ્રભાવ પ્રેમની આપણી સમજણ પર પડે છે. આનો અર્થ એ થયો કે હું પ્રેમને હંમેશાં મારા કન્ડિશનિંગના સીમિત દૃષ્ટિકોણમાંથી જ જોઉં છું અને શક્ય છે કે પ્રેમની અટપટી સચ્ચાઈ મારી સમજની બહાર રહી જાય. ટૂંકમાં, હું પ્રેમને તે જેવો છે તેવી રીતે નહીં, પણ મારી સમજણ પ્રમાણે જોઉં છું. એવી રીતે, મારી સામેની વ્યક્તિ પ્રેમને સાવ જુદી જ રીતે સમજે છે, કારણ કે તેનું કન્ડિશનિંગ મારા કરતાં ભિન્ન છે. અહીં આ સમજવા જેવું છે : આપણું અનુકૂલન ચીજવસ્તુઓને તે જેવી છે તેવી જોતાં આપણને રોકે છે. આપણી આસપાસની દુનિયા ઘણી સંકુલ છે, પરંતુ આપણી આંખ પર અનુકૂલનનાં ચશ્માં છે, એટલે આપણે તેને એ જ રીતે જોઈએ છીએ જેવો ચશ્માંના કાચનો રંગ (અને નંબર!) હોય. જીવન નિરંતર પ્રવાહી છે, પરંતુ આપણે તેને એ રીતે જોઈએ છીએ જાણે તે સ્થિર હોય. આપણું મન આપણા સાંસ્કૃતિક અનુભવો, માન્યતાઓ અને રૂઢિઓમાં બંધાયેલું છે અને તે પ્રમાણે જ ચીજવસ્તુઓને જૂએ, સમજે કે અનુભવે છે. જીવનને નિરંતર પરિવર્તનશીલ અને પ્રગતિની અવસ્થામાં જોવા માટે આપણે આપણાં મન અને આપણાં દૃષ્ટિકોણને બદલવાં પડે. આપણે જો જીવનનાં સૂક્ષ્મ અને અવિરત પરિવર્તનો સાથે તાલ ન મિલાવીએ, તો આપણને તેનું સંપૂર્ણ ચિત્ર જોવા નહીં મળે- આપણે તેને એક નાનકડી છબી તરીકે જોઈશું. દાખલા તરીકે, આપણે જો એક ફૂલને સતર્ક બનીને રોજ ખીલતું અને બદલાતું જોઈએ, તો આજે આપણે તેનું જે વર્ણન કરીશું, તે ગઈકાલ કરતાં અને આવતીકાલના ફૂલ કરતાં અલગ હશે. ફૂલ જે તે ક્ષણે જેવું દેખાય છે તેવું કહેવા માટે આપણે તેને પૂરી ઈમાનદારીથી જોવું પડે. જીવનનું પણ એવું જ છે- તેના માટે ઘનિષ્ઠ એકાગ્રતાવાળી દૃષ્ટિ જોઈએ. જીવનને ઈમાનદારીથી જોવું એટલે શું? આપણું મન જાતભાતનાં સિદ્ધાંતો અને વ્યાખ્યાઓથી ભરેલું હોય છે અને તેના માધ્યમથી આપણે જીવનને તેની સમગ્રતામાં સમજવા પ્રયાસ કરીએ છીએ. આપણાં વિચારો અને માન્યતાઓ કરતાં જીવન ઘણું વિશાળ અને ગહન છે. તેને તેની આ વિશાળતામાં જાણવું હોય, તો આપણે આપણા મનને મતો અને માન્યતાઓમાંથી આઝાદ કરવું પડે. આ કામ અઘરું છે. જેમ કે - એક વ્યક્તિ પોતાને સમાજવાદી માને છે, બીજી વ્યક્તિ પોતાને મૂડીવાદી માને છે, ત્રીજી વ્યક્તિ પોતાને ઈસાઈ અને ચોથી પોતાને હિંદુ માને છે. આ વ્યક્તિઓને તેમની વૈચારિક કે ધાર્મિક માન્યતાઓમાં એટલી શ્રદ્ધા છે કે જીવનની પરિસ્થિતિઓને તેમના એ દૃષ્ટિકોણમાં ગોઠવે છે, પછી ભલે તે પરિસ્થિતિઓ તેમની માન્યતાઓ કરતાં વિપરીત હોય. આવી સ્થિતિમાં આપણે વિશ્વ સાથે કેવી રીતે તાલ મિલાવી શકીએ? તેના માટે આપણે આપણું મન કેવી રીતે વર્તે છે તેને સતર્ક બનીને જોવું જોઈએ. આપણે જાણે થિયેટરમાં સિનેમા જોતાં હોઈએ તે રીતે સાક્ષી ભાવે મનની ગતિવિધિઓનું નિરીક્ષણ કરવું જોઈએ. એવી તટસ્થતાનો ભાવ કેળવીએ તો જ આપણે એ સમજી શકીએ કે કેવી રીતે આપણું કન્ડિશનિંગ આપણી દૃષ્ટિને સીમિત કરે છે. જીવનની માફક જ, આપણી સમસ્યાઓ પણ નિરંતર બદલાતી અને વિકસતી રહેતી હોય છે. તેનો સામનો કરવા માટેનું પહેલું પગલું એ છે કે આપણે આપણી જાતને અને વિશ્વ સાથે આપણા સંબંધને તટસ્થ ભાવે જોતા શીખવું જોઈએ.

૨. દુનિયાને બદલવા માટે પહેલાં જાતને બદલવી પડે

કલ્પના કરો કે સમાજમાં ક્રાંતિ થઈ રહી છે. લોકો અન્યાય સામે લડવા માટે એક થઈ ગયા છે. તેમને એ વ્યવસ્થા બદલવી જે, જેનો ઉપયોગ તેમની જ સામે થઈ રહ્યો છે. લોકો હડતાળનું એલાન કરે છે અને આખા તંત્રને ઠપ્પ કરી દે છે. હડતાળ સફળ થાય છે. સરકાર અને સરકારમાં બેસીને જનતાને લૂંટનારા લોકોનું પતન થાય છે. ક્રાંતિકારીઓ દેશમાં સુશાસન લાગુ કરવા માટે, કચડાયેલા લોકોનું ઉત્થાન કરવા માટે અને હિંસક સંઘર્ષનો અંત લાવવા માટે નવા કાનૂનો સાથેનું નવું બંધારણ બનાવે છે. “દુનિયા બદલો” એવું વાક્ય આપણે સંભાળીએ, ત્યારે આપણા મનમાં ક્રાંતિનું આવું દૃશ્ય દેખાય. કૃષ્ણમૂર્તિ કહે છે કે આવી રીતે વ્યવસ્થા બદલી નાખવાથી સમાજ બદલાઈ જતો નથી. અહીં આ સમજવા જેવું છે: દુનિયાને બદલવા માટે પહેલાં જાતને બદલવી પડે. અગાઉ આપણે કહ્યું તેમ, મોટા-મોટા વિચારો અને ભવ્ય સિદ્ધાંતો વાસ્તવમાં આપણને દુનિયાની વાસ્તવિકતાને જોતાં અટકાવે છે. તે આપણને કોઈ સકારાત્મક બદલાવને લાગુ કરતાં પણ અટકાવે છે. આપણે જો દુનિયાને સુધારવા માટે કોઈ મહાન ક્રાંતિ અથવા આધ્યામિક પરિવર્તનની રાહ જોઈ રહ્યા હોઈએ, તો આપણે એક સચ્ચાઈ ચૂકી રહ્યા છીએ - એ સચ્ચાઈ એ છે કે કોઇ પણ બદલાવ આપણી અંદરથી આવે છે, આપણી બહારથી નહીં. દુનિયા એકબીજા સાથે પનારો પાડતા કરોડો લોકોની બનેલી છે. રાજનીતિ કે ધર્મ કે એવી કોઈ ભવ્ય વ્યવસ્થાને બદલે, આપણી સમસ્યા એ સ્તરેથી – એક વ્યક્તિથી શરુ થાય છે. આપણી તકલીફનું મૂળ ફાંસીવાદ, મૂડીવાદ કે ધર્મ નથી, પણ આપણા વ્યક્તિગત મનની અંધાધૂંધી છે. આપણે આર્થિક અસામનતાની વાત કરતા હોઈએ કે પછી યુદ્ધ અથવા મનોવૈજ્ઞાનિક બીમારીની, તેનું કારણ આપણે “સ્વયં” છીએ. કૃષ્ણમૂર્તિ અનુસાર, આપણી સમસ્યાઓનું મૂળ આપણાં “વ્યક્તિગત સ્વયં”ની રચનામાં છે. વ્યક્તિગત સ્વયંને આપણે ઓળખ, અહંકાર કે ચારિત્ર્ય પણ કહી શકીએ. આ સ્વયં બાકી દુનિયાથી અલગ અને તેની દરેક ચીજોની વિરુદ્ધ હોય છે. એ દુનિયામાં, વ્યક્તિગત સ્વયંની લાલસા વિવિધ પ્રકારની સત્તાની, પ્રતિષ્ઠાની અને પ્રભાવોની હોય છે. આપણે આપણી આસપાસ જે સમસ્યાઓ જોઈએ છીએ તે આ લાલસાઓમાંથી જ જન્મી છે. અંગત લાભ મેળવવા માટે આપણે દુનિયામાં આ તમામ અંધાધૂંધીઓ પેદા કરીએ છીએ. એટલે, કૃષ્ણમૂર્તિના મતાનુસાર, મનુષ્ય તરીકે આગળ વધવા માટે આ “હું” અથવા અહંકારથી બચવાની જરૂર છે. જોકે, આ વિશે સખત મહેનત કરીને વિચારવાથી આ અહંકારી અસ્તિત્વની પકડમાંથી છૂટી શકાતું નથી. સૌથી પહેલાં તો, આપણે આપણું મન કેવી રીતે વ્યવહાર કરે છે તેનું નિરીક્ષણ કરવાનું શીખવા જેવું છે. પછી, મનની ગતિવિધિઓને સૂક્ષ્મ રીતે જોતા રહીને આપણે એ પકડવાનું છે કે આપણો અહં કેવી રીતે આપણને વિનાશકારી કાર્યો કરવા માટે પ્રેરે છે.

૩. સુખ ક્ષણિક છે- જેટલું વહેલું આ સમજાઈ જાય, આપણે એટલા જ વહેલા સુખી થઈશું

સૌને સુખ જોઈએ છે. જીવનનું અંતિમ ધ્યેય જ સુખ છે. આપણે પ્રેમ કરીને, કારકિર્દી બનાવીને કે પરિવાર ઊભો કરીને સુખને શોધતા રહીએ છીએ. મુશ્કેલી એ છે કે આ બધાં સુખ શાશ્વત નથી. આપણે એક પછી એક ચીજો પાછળ એવી આશામાં ભાગતા રહીએ છીએ કે તે આપણને શાશ્વત સુખ આપશે, પણ એવું સુખ હાથતાળી આપતું રહે છે. તો પછી એવા સુખની ચાવી કઈ છે? આપણે જયારે બાળક હતા, ત્યારે આપણે બહુ આસાનીથી સુખનો અનુભવ કરતા હતા. આપણે કોઈ પ્રયત્ન વગર પ્રસન્ન રહેતા હતા: આપણને રમતમાંથી સુખ મળતું હતું, દોડાદોડીમાંથી સુખ મળતું હતું, પાણીમાં તરવાથી સુખ મળતું હતું અથવા જંગલમાં નવીન અનુભવોમાંથી સુખ મળતું હતું. આપણે જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ આવી પ્રવૃત્તિઓથી સુખી થવાનું અઘરું થતું ગયું. એટલે આપણે સરળ ચીજોને બદલે થોડી વધુ અટપટી ચીજોમાંથી સુખ શોધવાનું શરુ કર્યું. જેમ કે, કોઈ વ્યક્તિ પર ભાવનાત્મક એકાધિકાર સ્થાપીને અથવા સમાજમાં પ્રતિષ્ઠા અને સત્તા સ્થાપીને. અહીં આ સમજવા જેવું છે :સુખ ક્ષણિક છે- જેટલું વહેલું આ સમજાઈ જાય, આપણે એટલા જ સુખી થઈશું. સમસ્યા એ છે કે આપણને જેની શોધ છે તેવી આ ચીજો એકવાર મળી જાય- પછી એ જીવનસાથી હોય, સુંદર ઘર હોય, અથવા મોટી કંપનીમાં સરસ નોકરી હોય- પછી આપણને તેને ગુમાવાનો ડર લાગવા માંડે છે. જે સુખ હતું, તે જ દુઃખમાં બદલાઈ ગયું. આપણને પ્રેમમાં પડ્યાના સુખનો અહેસાસ તો થાય છે, પરંતુ એ જ વખતે આપણને એ પ્રેમનો અંત આવી જવાનો અથવા તેના પર વધુ નિર્ભર થઈ જવાનો ડર પણ લાગવા માંડે છે. જે સરળ અને સુંદર હતું, તે હવે ડર અને રોષમાં બદલાઈ ગયું. આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ, સુખની શોધ એક અભિશાપ બની જાય છે. સુખની શોધનો એક અંશ એક પ્રકારની સુરક્ષાની શોધનો પણ છે - જેમ કે આપણને ઉષ્માથી કોઈ ગળે લગાવે. આપણને માનસિક સુખનો સતત અહેસાસ કરવો હોય છે. એટલે આપણે પરિવાર, લગ્ન અને મિત્રતા જેવા સંબંધોના માધ્યમથી બીજા લોકો સાથે લગાવ સ્થાપિત કરીએ છીએ. જોકે, જીવનની સચ્ચાઈ એ છે કે અહીં કોઈ સ્થાયી સુરક્ષા નથી. જીવન ક્ષણભંગુર છે અને આપણે સૌ મૂળભૂત રીતે એકલવાયા છીએ. ત્યાં સુધી કે આપણાં માતા-પિતા, જીવનસાથી કે ઘનિષ્ઠ મિત્રો સુધ્ધાં આપણને સુરક્ષા આપવામાં નિષ્ફળ જાય છે કારણ કે તેઓ પણ એકલવાયાં છે. તો શું કરી શકાય? કૃષ્ણમૂર્તિની દૃષ્ટિએ, આ નિરાશાને ટાળવા માટેનો એકમાત્ર રસ્તો એ છે કે સ્થાયી સુખની શોધ કરવાનું બંધ કરવું. એ કરવા માટે વ્યક્તિએ એ “હું”થી આગળ જવું પડશે જે સુખને સ્થાયી કરવા ઈચ્છે છે. “હું”થી આગળ કેવી રીતે જવાય? જવાબ: વર્તમાનમાં જીવવું. આપણે જો ક્ષણમાં જ રહીએ, એટલે કે ન તો ભૂતકાળની યાદોથી વ્યથિત થઈએ અને ન તો ભવિષ્યની ચિંતા કરીએ અને એવું સ્વીકારી લઈએ કે સુખ અને દુઃખ સહિત કશું પણ સ્થાયી નથી રહેવાનું, તો આપણે અસલમાં સુખી થઈશું.

૪. બુદ્ધિમત્તા એ જ્ઞાન નથી.

“બુદ્ધિમત્તા” એટલે શું? આ શબ્દને સાંભળીને આપણા મનમાં યુનિવર્સિટીઓના વિદ્વાનો, જટિલ સમસ્યાઓ પર કામ કરતા વૈજ્ઞાનિકો અને હોનહાર વિધાર્થીઓની છબી પ્રગટ થાય છે. બુદ્ધિ એટલે આપણી લાગણીઓથી સ્વતંત્ર રૂપે કામ કરતો વિચાર- એક પ્રકારની વિશ્લેષણાત્મક અને અનુમાનાત્મક વૈચારિક પ્રક્રિયા. બુદ્ધિ એટલે એક એવી ક્ષમતા જેને કોઈ ચોક્કસ દિશામાં કેળવી પણ શકાય. વાસ્તવમાં, આધુનિક શિક્ષણ આ જ કામ કરે છે. દાખલા તરીકે, શિક્ષણના માધ્યમથી આપણે આપણી બુદ્ધિને ગણિત, ભૌતિકશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્રમાં તેજ કરી શકીએ છીએ, પરંતુ કૃષ્ણમૂર્તિ કહે છે કે આપણે જો માત્ર બુદ્ધિનો જ ઉપયોગ કરીએ, તો વિશ્વની પૂરી સમજ મેળવી ન શકીએ. તેઓ કહે છે, વિશ્વ સાથે પનારો પાડવા માટે આપણે આપણા પૂરા જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. અહીં આ સમજવા જેવું છે : બુદ્ધિમત્તા એ જ્ઞાન નથી. બુદ્ધિ જો જ્ઞાન નથી, તો પછી જ્ઞાન અસલમાં છે શું? વાસ્તવમાં, જ્ઞાન એટલે અનુભવશક્તિ અને વિચારશક્તિ વચ્ચેની સંવાદિતા. દુનિયા અંગેની આપણી શુદ્ધ બૌદ્ધિક સમજમાં લાગણીની અવગણના થાય છે એટલે તેમાં જ્ઞાન સંલગ્ન નથી. બીજી રીતે કહીએ તો, દુનિયાની આપણને સમજ છે, પણ તેનું જ્ઞાન નથી. આપણે માત્ર આપણી બુદ્ધિને બદલે જ્ઞાનને કેવી રીતે સંલગ્ન કરી શકીએ? કૃષ્ણમૂર્તિ અનુસાર, આપણે મનને વિકસિત કરવું પડે. ચાહે વ્યક્તિ હોય, ચિત્ર હોય કે શહેર હોય, આપણે જો કોઈ ચીજને ઉચિત રીતે સમજવી હોય, તો આપણા વિચારોને સ્થિર કરવા પડે. આપણે વ્યસ્ત મન સાથે કોઈ ચીજને તર્કસંગત બનાવીએ અને તેનું વિશ્લેષણ કરીએ, તો એમાં આપણે કશુંક ચૂકી જઈએ છીએ. સત્ય સૂક્ષ્મ અને માયાવી હોય છે- તેને પકડવા માટે ધમપછાડા કરો તો હાથમાં ન આવે. આપણી અંદર જો વિચારોનો શોરબકોર ચાલતો હોય, તો કોઈ ચીજ તેની સમગ્રતામાં આપણી સમજમાં નથી આવતી. સવાલ એ છે કે પોતાના વિચારોમાંથી આઝાદ કેવી રીતે થવાય? એ અસંભવ છે? ફરીથી કહીએ તો, ઊંડી સજાગતાથી તે શક્ય છે. પહેલાં તો આપણે એ સ્વીકારવું પડે કે આપણી બુદ્ધિ વાસ્તવિકતાનું પ્રતિબિંબ ઝીલવાનું સાધન નથી, પણ તે આપણા કન્ડિશનિંગ અને શિક્ષણનું પરિણામ છે. એ કન્ડિશનિંગ પ્રમાણે જ આપણે ચીજોને તર્કસંગત બનાવીએ છીએ અને તેનું વિશ્લેષણ કરીએ છીએ. મનની આ ચાલાકીને જો આપણે બરાબર સમજીએ, તો આપણે આપણી બુદ્ધિ અને જે ચીજનો વિચાર કરી રહ્યા છીએ તે બંને વચ્ચે અમુક ફરક કરતાં શીખીશું. એ અંતરમાં જ આપણને ચીજને પહેલીવાર તેની સચ્ચાઈ સાથે જોઈ શકીશું.

૫. આપણે જયારે કંટાળી જઈએ, ત્યારે તેનાથી બચવાને બદલે, એ કંટાળામાં ઊંડા ઉતરવું જોઈએ.

માણસો સમયાન્તરે ઉદાસ થઈ જાય છે. કંટાળો આવવા લાગે અને નિરુત્સાહ થઈ જાય છે. એવું થાય ત્યારે આપણે શું કરીએ છીએ? કાં તો સિનેમા થિયેટરમાં જઈને બેસી જઈએ, મિત્રની સાથે બીયર બારમાં જઈએ અથવા બગીચામાં ચાલવા નીકળી પડીએ. આ તો પ્રસંગોપાત વાત થઈ, પરંતુ ધારો કે આપણે જિંદગીથી કંટાળી ગયા હોઈએ તો શું થાય? આપણે તેને બદલવા પ્રયાસ કરીએ છીએ- નવી નોકરી કરવા લાગીએ, કોઈ ધ્યેય સિદ્ધ કરવા લાગી જઈએ અથવા દુનિયાના પ્રવાસે નીકળી પડીએ. ટૂંકમાં, આપણે આપણા બોરડમથી બચવા માટે કોઈક પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જઈએ. પણ બોરડમને ભગાડવાનો આ ઉપાય ખુદ એક સમસ્યા હોય તો? બોરડમ આપણી અંદરની પાયાની સમસ્યાનું એક લક્ષણ છે હોય તો? તો પછી, તેનાથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરીને તેની સમજ કેળવવી જોઈએ. અહીં આ સમજવા જેવું છે: આપણે જયારે કંટાળી જઈએ ત્યારે કંટાળાથી બચવાને બદલે એ કંટાળામાં ઊંડા ઉતરવું જોઈએ. કંટાળાને કોઈ પ્રવૃત્તિ પાછળ ઢાંકી દેવો એ તેનો ઉપાય નથી. આપણી વ્યસ્તતાના કારણે આપણે થોડો વખત કંટાળામાંથી ધ્યાન ભટકાવીએ છીએ એટલું જ. કંટાળો તો અંદર યથાવત જ છે, આપણું ધ્યાન બીજે છે. એમાંથી પેટાપ્રશ્ન ઊભો થાય છે: કંટાળામાંથી ધ્યાન દૂર કરવા માટે કોઈ સામાજિક ધ્યેય કે કારકિર્દી જેવા મહત્ત્વના કામને ઉપાડી લેવું ઉચિત કહેવાય? ના, વાસ્તવમાં એ રીતે કામ કરવાથી કામને તો ન્યાય મળતો નથી, ઉપરથી હાની પણ પહોંચે છે. એટલે એક ક્ષણ માટે ઊભા રહો અને કંટાળાને અનુભવો. એમાં વાંધો નથી. કામમાં બેધ્યાન થવાને બદલે ભીતરમાં જોઈને જાતને સવાલ પૂછો, હું કેમ કંટાળો અનુભવું છું? એ પ્રશ્નથી આપણને કંટાળાના મૂળમાં જવાનો મોકો મળશે અને સમજાશે કે હકીકતમાં આપણે ખુદ નીરસ થઈ ગયા છીએ. આપણે કામ-કાજ, દોડધામ અને જાતભાતનાં કષ્ટોથી જાતને થકવી નાખી છે. એકવાર આ સમજાઈ જાય, પછી તેનાથી મોઢું નહીં ફેરવવાનું, તેની સાથે બેસવાનું. મનને એ હકીકતનો સામનો કરવા દો કે તે થાકી ગયું છે, હતોત્સાહ થઈ ગયું છે, બેડોળ થઈ ગયું છે. તેનાથી એ ભાવનાઓ સાથે પનારો પાડવાનું સરળ થશે. કંટાળાનો અહેસાસ છે તો ભલે હોય, એના માટે જાતને જાતભાતની પ્રવૃતિઓમાં ડુબાડી દેવાની જરૂર નથી. આપણે જો કંટાળાનો સામનો કરી શકવા અને તેની વાસ્તવિકતા અસલમાં શું છે તે જાણવા માટે સક્ષમ હોઈએ, તો એમાંથી જ તેનો ઈલાજ શરુ થશે. આપણે જો કંટાળાને એના અસલ રૂપમાં ન સમજ્યા, તો પછી આપણે ઘાંચીના બળદની જેમ ગોળ-ગોળ ફરતા રહીને ધ્યાન ભટકાવતા રહીશું. અંતત: આપણે એ હકીકતને સમજવી પડશે કે કંટાળાથી બચવા માટે આપણે જાતભાતની પ્રવૃતિઓમાં જે રીતે જાતને સતત રોકી રાખીએ છીએ, વાસ્તવમાં તે જ આપણને વધુ કંટાળા તરફ લઈ જાય છે. ગમતી વ્યક્તિ મળે કે રસની વસ્તુ, મોટી નોકરી મળે કે ખુબ બધા પૈસા, અંતત: આપણે તેનાથી કંટાળી જ જઈએ છીએ. કંટાળો તળિયા વગરનો કૂવો છે. આપણે એને વિવિધ પ્રવૃત્તિઓથી ભરતા રહીએ છીએ, પણ એનું તળિયું ક્યારેય ઊંચું આવતું નથી. આ વાત સમજાઈ જાય, પછી આપણે આપણી જાત સાથે વધુ સહજ થઈ જઈશું.

૬. જીવનનો ઉદ્દેશ્ય સ્વયં જીવન છે.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે- જીવનનો ઉદ્દેશ્ય શું છે? સદીઓથી અસંખ્ય લોકો આ સવાલ પૂછતા આવ્યા છે. આપણા ફિલસૂફો, ધાર્મિક આગેવાનો અને ગુરુઓએ આ વિષય પર રાતોની રાતો મહેનત કરીને મહાન ગ્રંથો લખ્યા છે અને સંતોષજનક જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમનાથી જુદી રીતે, પરંતુ આપણા જેવા પામર જીવોએ પણ જીવનનો સારો એવો સમય આ પ્રશ્નનો જવાબ શોધવામાં કાઢ્યો છે. શક્ય છે કે તમે આ વાંચતા હો, ત્યારે તમારા મનમાં પણ એ પ્રશ્ન ભમતો હોય કે આ જીવનનો ઉદ્દેશ્ય શું છે? કૃષ્ણમૂર્તિ કહે છે કે આ પ્રશ્ન જ ખોટો છે. અહીં આ સમજવા જેવું છે: જીવનનો ઉદ્દેશ્ય સ્વયં જીવન છે. આપણે શું કરીએ છીએ? આપણે વિચારકો અને સફળ લોકોને આદર્શ બનાવીએ છીએ અને માની લઈએ છીએ કે તેમની આગેવાનીમાં ચાલીશું તો ઉદ્દેશ્યને પામી જઈશું. આપણે આપણા પહેલાં આવેલા લોકોના અનુભવો અને સાંસ્કૃતિક પરંપરાઓને માર્ગદર્શક માનીને આપણા જીવનને આકાર આપવા પ્રયાસ કરીએ છીએ. આપણું મન જીવન કેવી રીતે જીવવું તેનાં અનેક ઉદાહરણોથી ભરેલું છે અને તેને આદર્શ બનાવીને આપણા ખુદના જીવનનો રસ્તો બનાવીએ છીએ. આપણને ખબર નથી કે ઉદ્દેશ્યપૂર્ણ જીવન કેવું હોય. તેના માટે આપણને એક નકશો, એક વ્યાખ્યાની જરૂર પડે છે. એટલે આપણે બીજાને જોઈને, સાંભળીને કે વાંચીને જીવન કેવું હોવું જોઈએ તેનું આછું ચિત્ર નક્કી કરીએ છીએ અને તે પ્રમાણે જીવવા પ્રયાસ કરીએ છીએ. કૃષ્ણમૂર્તિ કહે છે કે જીવન કેવું હોવું જોઈએની શોધમાં આપણે જીવન કેવું છે તે ચૂકી જઈએ છીએ. જીવન એટલે આપણી સાથે અંતરંગ રીતે, વ્યક્તિગત રીતે જે ચીજ થાય છે તે- એમાં કોઈ બાહ્ય સત્તા આપણને મદદ કરી ન શકે. આપણું જીવન પર્યાપ્ત રીતે અસાધારણ છે, પરંતુ તેની પુષ્ટિ માટે આપણે જો બહાર નજર દોડાવીશું, તો આપણે એ અસાધારણતાને ચૂકી જઈશું. જે ક્ષણે આપણે સવાલ પૂછીએ છીએ કે “જીવનનો ઉદ્દેશ્ય શું છે?” તે ક્ષણે આપણે એકરાર કરીએ છીએ કે આપણું જીવન નીરસ, નિરર્થક અને એકવિધ છે. એમાં જ જીવનનો અસ્વીકાર પણ છે. ધારો કે આપણે એવું કહીએ કે જીવનનો ઉદ્દેશ્ય “ઈશ્વરની પ્રાપ્તિ” છે અથવા “સફળતાની પ્રાપ્તિ છે,” તો શક્ય છે કે આપણે આપણા જીવનની કોઈ બાબતનો સ્વીકાર કરવાને બદલે તેનાથી બચવા માટે રસ્તો શોધતા હોઈએ. જીવનને દૂરના ઉદ્દેશ્યની શોધ તરીકે જોવાને બદલે, એ જોવું મહત્વપૂર્ણ છે અત્યારે આપણી આંખ સામે શું થઈ રહ્યું છે. આપણે જયારે પૂરું ધ્યાન આપીએ અને આપણા જીવનમાં કોઈ ગરબડ દેખાય છે, ત્યારે આપણે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે એવું કેમ છે. એક વાત નક્કી છે કે આપણાં ભ્રમ, દુઃખ અથવા ભયનો સામનો કરીને જ આપણે ઉદ્દેશ્યની લાલસામાંથી બચી શકીએ છીએ. જીવન સ્વયં અસાધારણ રૂપે સમૃદ્ધ, રહસ્યમય અને સુંદર છે. આ જીવન, પોતાનામાં જ, પર્યાપ્ત હોવું જોઈએ.

અવતરણો:

પુસ્તકનાં નોંધપાત્ર અવતરણો: “સામૂહિક અને વ્યક્તિગત, આપણને આપણી બંને પ્રકારની પ્રતિક્રિયાઓ અંગે જાગૃતિ હોવી જોઈએ. વ્યક્તિમાં જયારે એ બાબતની જાગૃતિ હોય કે પરસ્પર વિરોધી ઇચ્છાઓ અને પ્રવૃતિઓ, આશાઓ અને ભય સાથે તે શું કરે છે, ત્યારે જ સ્વયંથી પરે જવાની સંભાવના હોય છે.” “જીવનપાર્જન કરવાનું તો સૌ કોઈ શીખી શકે: જીવન જીવવાની કળા જો કે આપણે સૌએ આપણા દમ પર શીખવી પડે.” “ચેતનાના ક્ષેત્રમાં આપણે ગમે તે કરીએ, જીવનનું દુઃખ ક્યારેય ખતમ નથી થતું.” "આપણી ઈચ્છા અનુસાર આપણે કશુંક અદ્ભુત, પૂરી રીતે અને નિષ્ઠાથી સિદ્ધ કરીએ તેને મહત્વાકાંક્ષા ન કહેવાય; મહત્વાકાંક્ષામાં ડર ન હોય.” “આપણે જયારે કોઈ વિશેષ આસ્થા, રૂઢિમાં જકડાઈ જઈએ છીએ, અથવા આપણા ઝંડાના ચિંથરા વડે કોઈ રાષ્ટ્રીયતાની પૂજા કરીએ છીએ, ત્યારે આપણે બહુ રક્ષાત્મક હોઈએ છીએ, અને એટલે આક્રમક હોઈએ છીએ.” “જીવનનું મહત્ત્વ જીવવામાં છે.” “આપણા વિશેની ધારણા આપણે અસલમાં કોણ છીએ તેનાથી બચવાનો રસ્તો છે.” “દુનિયામાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે લડાઈ કરી રહી છે. એક માણસ બીજા માણસ કરતાં ઉતરતો છે. કોઈ પ્રેમ નથી, કોઈ આદર નથી, કોઈ વિચાર નથી. દરેક વ્યક્તિ કશુંક બનવા માંગે છે. સંસદનો એક સભ્ય નેતા બનવા માંગે છે, વડાપ્રધાન બનવા માંગે છે વગેરે. નિરંતર લડાઈ જારી છે. આપણો સમાજ એક વ્યક્તિનો બીજી વ્યક્તિ વિરુદ્ધ એક નિરંતર સંઘર્ષ છે, અને એ સંઘર્ષને કશુંક બનવાની મહત્વાકાંક્ષા કહેવામાં આવે છે. વડીલ લોકો આપણને આવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમારે મહત્વકાંક્ષી બનવું જોઈએ, તમારે કશુંક બનવું જોઈએ, તમારે અમીર પુરુષ કે અમીર સ્ત્રી સાથે લગ્ન કરવાં જોઈએ, તમને સારા મિત્રો હોવા જોઈએ. એટલે, જૂની પેઢી, જે ડરેલી છે, જે દિલથી કુરૂપ છે, તે તમને તેના જેવા બનાવવાની કોશિશ કરે છે અને તમે પણ તેમના જેવા બનવા માંગો છો કારણ કે તમને એમાં ગ્લેમર દેખાય છે. જયારે રાજ્યપાલ આવે છે, ત્યારે સૌ ઝૂકી જાય છે...” “મહત્વકાંક્ષી વ્યક્તિને ક્યારેય તેના અસલી લક્ષ્યની ખબર પડતી નથી.”