What I Talk About When I Talk About Running
‘એકત્ર' સંકલિત શ્રેણી
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
What I Talk About When I Talk About Running
Haruki Murakami
હારુકી મુરાકામી.
એક જાપાની લેખક-કમ-દોડવીરની સ્મરણગાથા.
‘પેન અને પગની પરસ્પર પ્રોત્સાહક સર્જનાત્મક જીવનયાત્રા....’
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ
લેખક પરિચય:
હારુકી મુરાકામી એક સુખ્યાત સમકાલીન જાપાનીઝ નવલકથાકાર અને લેખક છે. ૧૨ જાન્યુ. ૧૯૪૯ના રોજ ટોકિયો, જાપાનમાં જન્મેલા આ લેખકની કૃતિઓમાં ચમત્કૃત વાસ્તવવાદ, અતિવાસ્તવવાદ અને એકાકીપણું, સ્વઓળખ, માનવીય પરિસ્થિતિ જેવી વિષયવસ્તુઓનું અદ્ભુત સંયોજન જોવા મળે છે.
એમનાં લખાણમાં, અસાધારણ અને ક્યારેક અદ્ભુત પરિસ્થિતિમાં ફસાયેલાં સાધારણ પાત્રોનાં ચિત્રણ જોવા મળે છે. Norwegian Wood એ એમની પ્રખ્યાત નવલકથાઓમાંની એક છે જેમાં આવનારા યુગના સંદર્ભે પ્રેમ અને ગુમાવવાપણા કે અભાવયુક્ત જીવનની વાત છે. બીજી નોંધપાત્ર કૃતિ Kafka on the shoreમાં વિવિધરંગી પાત્રો, સમાનાંતર સ્ટોરીલાઈન અને સંકુલ નેરેટીવ પ્રસ્તુત થયાં છે.
સ્વપ્નસમી, આંતરદૃષ્ટિવાળી લાક્ષણિકતા અને વિશિષ્ટ શૈલી એ મુરાકામીના લેખનનું આગવું અંગ છે. એમનાં લખાણોમાં વાસ્તવ અને કલ્પનાની ભેદરેખા બહુધા ઝાંખી હોય છે જેથી રહસ્યાત્મક આનંદનું સર્જન થયેલું જોવા મળે છે. જાપાનીઝ અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય જગતમાં એમના પ્રદાન બદલ મુરાકામીજીને અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે. The Wind-up Bird Chronicle એમનું અન્ય એક પુસ્તક છે. તો વળી, Underground અને Portraits in Jazz જેવાં ૪૦ જેટલાં non-fiction પ્રકાશનો પણ એમના નામે છે. ચાલો, આ જાપાનીઝ લેખકને રસપૂર્વક વાંચીએ....
વિષય પ્રવેશ :
પ્રસ્તાવના :
લેખક હારુકી મુરાકામી પોતે એક દોડવીર પણ છે અને લેખક પણ છે. તો આ સ્મરણગાથાના સ્વાનુભવો વર્ણવે છે. તેઓ એક પ્રખ્યાત જાપાનીઝ લેખક છે. તેમના મેરેથોન-લાંબી દોડના અનુભવો, તેના ઉપરનું તાત્ત્વિક જીવન ચિંતન, અને લેખન સાથે તેનો આંતરસંબંધ, લખવાની પ્રક્રિયા સાથે દોડવાનો અનુબંધ વગેરે રસિક વાચન આ પુસ્તક પૂરું પાડે છે.
૧૯૮૦ના દાયકામાં પ્રારંભથી હારુકીએ સ્વપ્નસમી, અતિવાસ્તવવાદી નવલકથાઓ લખી જાપાની વાચકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. તેમણે તેમની પ્રલંબ અને પ્રગલ્ભ સાહિત્યિક લેખન કારકિર્દીમાં આમ વાચક અને વિવેચકોને મોહિત કર્યા હતા. તેઓ જયારે તેમના લેખન ડેસ્ક ઉપર નથી હોતા, ત્યારે તેમનો બીજો શોખ લાંબી મેરેથોન દોડનો સક્રિય રહેતો હોય છે.
કોઈ લોકપ્રિય વિદ્વાન લેખક નોટ-પેન મૂક્યા પછી રનીંગ ટ્રેક ઉપર દોડતા જોવા મળે તે જરા અટપટું લાગે, પણ હાંફતા-ફાંફતા દોડતા પસીનો વહાવતા લેખકની પેનને એમાંથી જ તો પોષણ મળતું. આથી, ૨૦૦૫માં ન્યૂયોર્ક સીટી મેરેથોનની તાલીમ એમણે શરુ કરી ત્યારે એમણે નક્કી કર્યું કે એમનાં નિરીક્ષણો, વિચારો, અનુભવોને ટપકાવી લેવા એક ડાયરી-પેન પણ સાથે રાખવી. અને તેનું પરિણામ તે આ પુસ્તક ! જેમાં એમના સમકાલીન મનોજગતનાં આલેખ, વળાંક, વિચારણા અને શારીરિક વ્યાયામ દ્વારા તે કેવી રીતે ઘડાયા છે તેનું નિરુપણ છે.
સાહિત્યકાર અને મેરેથોન દોડવીર—ડબલ રોલમાં મુરાકામીના જીવન-કવન ઉપર પ્રકાશ પાડનાર આ સ્મરણગાથા, બે જુદાં જણાતાં શોખક્ષેત્રોમાં ઊંડી સફર ખેડે છે. આ વાચન સફર દરમ્યાન તમે જોશો કે દોડવાનો શોખ પણ એમની સાહિત્યસર્જન પ્રક્રિયામાં કેવો સુસંગત બેસે છે, એમના તાલીમકાળની વિગતો-અનુભવો કેવા વણાયા છે, શરીરના દોડતાં દોડતાં એમનાં મન-વિચાર પણ ક્યાં દોડી રહ્યાં છે, આંખો-કાન ક્યાં મંડાતાં રહ્યાં છે !
આ પુસ્તકનાં પ્રકરણો ઉપર એક નજર :
- લેખક મુરાકામી ચેઈન-સ્મોકરમાંથી અલ્ટ્રામેરેથોન રનર કેવી રીતે બન્યા?
- લેખન અને દોડ - બંનેમાં સામાન્ય તત્ત્વ કયું છે?
- અલ્ટ્રામેરેથોનને આધ્યાત્મિક અનુભવો કઈ વસ્તુ બનાવે છે?
મુખ્ય મુદ્દાઓ:
૧. મુરાકામીને માટે દોડવું એટલે મનનું વિશુદ્ધિકરણ કરવું.
For Murakami, running is all about clearing the mind.
મુરાકામી આ રીતે દરરોજ બીચ ઉપર દોડવા જતા. દરરોજ એક કલાક, અઠવાડિયાના ૬ દિવસ એટલે મહિનાના ૧૫૬ માઈલ થાય. ત્યારે એમની ઉંમર ૫૦ની હતી. કોઈ વ્યક્તિગત રેકોર્ડ બનાવવાનો હતો નહિ. પણ જુવાની જેટલા હવે જોશીલા ને સક્રિય તેઓ નહોતા. તેઓ કાંઈ રેસ જીતવા, મેડલ પહેરવા કે મસલ્સ બનાવવા દોડતા નહોતા. એમને તો બસ એક અનુભવ લેવો હતો. તન-મનને પરોવાયેલાં ને તાજાં-માજાં રાખવાં હતાં.
અહીં ચાવીરૂપ સંદેશ એ છે કે મુરાકામીને માટે દોડવું એટલે તન-મનની સફાઈ...
ત્રીસીની ઉંમર પહેલાં મુરાકામીનાં પેન અને પગ બંને સક્રિય નહોતાં. લેખક અને દોડવીર થયા પહેલાં તેઓ જાઝ બારના માલિક હતા. તેમણે ક્યારેય લેખક કે દોડવીર થવાનું ગંભીરતાથી વિચાર્યું નહોતું. ૧૯૮૨ની પાનખરમાં પૂર્ણકાલીન લેખક થવાને એમણે બાર વેચી નાખ્યો. બોટલ છોડી, સિગારેટ છોડી, પેન-પેપર પકડ્યાં. થોડા જ વખતમાં, દોડવામાં પણ તેઓ સક્રિય થયા. ત્યાર પછી બે દાયકા દરમ્યાન દોડવાની પ્રવૃત્તિને એમણે વ્યવસ્થિત રીતે વિકસાવી. ત્યાર પછી એમાં ક્યારેક ભરતી તો કયારેક ઓટ આવતી રહી, પણ તે દોડરસ સંપૂર્ણ સુકાયો તો ક્યારેય નહિ. પછી તો એક વાર પગ અને રસ્તાની દોસ્તી થઈ ગઈ તો એમણે લાગલગાટ ૨૩ મેરેથોન પૂરી કરી—દર વર્ષે એક !
દોડની રમતની એકાકી પ્રકૃતિ, મુરાકામીને ગમી, એમાં કોઈની સ્પર્ધા કરવાનું, જીતવાનું મોટીવેશન એમને નહોતું. તેમને તો વ્યક્તિગત અનુભવ લેવો હતો, કેટલીક પોતીકી અપેક્ષાઓ પૂરી કરવી હતી. લેખનનો પણ એમનો દૃષ્ટિકોણ ‘સ્વાન્ત: સુખાય’ હતો, તેવું જ દોડનું પણ હતું. તેથી જ તો વધતી ઉંમર અને ઘટતી શક્તિ છતાં એમણે દોડવાનું તો ચાલુ જ રાખ્યું હતું - ડેઈલી જોગીંગ ! એનાથી એમને ખૂબ જ માનસિક શાંતિનો અનુભવ થતો. તેઓ જયારે દોડવાની ટ્રેઈલ પર હોય ત્યારે એમનું મન સ્વસ્થ-સ્વચ્છ બનતું જતું. હા, ક્યારેક પ્રસંગોપાત મનમાં વિચાર તો આવતા, કાંઈક સરકી જતી સ્મૃતિરેખાઓ, અથવા તો ક્યાંક લાગણીની વાદળી વહી જતી - પણ મોટેભાગે તેઓ મનના આવા ઝોનમાંથી બહાર નીકળી આવતા, મનશૂન્ય, વિચારશૂન્ય ખાલીપો-void અનુભવી લેતા. દરરોજ, આ voidના પ્રદેશમાં પહોંચવા તેઓ એમનાં બૂટની દોરી બાંધતા, ને કહેતા, ‘ચલ પગ, મનકે મંદિર મેં !’ અને જે એમને મનની શાંતિ અને સંવાદિતા અનુભવાતી તે ધ્યાનની કક્ષાથી ઊતરતી નહોતી, જેમાં એમના (દૈનિક)જીવનની કર્કશ બાજુઓ, નાની-મોટી નિરાશા-હતાશા, ક્રોધ-કટુતા-કડવાશ, રાગ-દ્વેષ, ઈર્ષ્યા વગેરે અવાંછનીય ભાવોનું વિગલન થઈ જતું, મનની સપાટી સ્મૂધ થઈ જતી.. ક્યારેક પણ આવા ભાવો-નકારાત્મક લાગણી, બાહ્ય જગત તરફથી એમને આવી મળતી, તો તેઓ તરત પગના ઘોડા જોડી, દોડી જતા. મનને સ્વસ્થ-સ્વચ્છ કરવાની દિશામાં...
૨. મુરાકામીની સાહિત્યિક જીવનશૈલીમાં રનીંગ એ એક આવશ્યક કૉર્નર સ્ટોન જેવું હતું.
Running is an essential corner stone of Murakami’s Literary lifeStyle.
ટૉકિયોના હાર્દસમા વિસ્તારમાં એક નાનકડા જાઝ બારના સ્વામી સંતોષીનર મુરાકામીએ સ્વપ્નમાં પણ નવલકથાકાર બનવાનું વિચાર્યું નહોતું. પરંતુ ૧૯૭૮માં એક દિવસે કંઈક બદલાવ આવ્યો. તે દિવસે સ્થાનિક જીંગુ સ્ટેડીયમમાં તેઓ બાસ્કેટ બોલની મેચ જોઈ રહ્યા હતા, ત્યારે દિમાગમાં અચાનક, ઝબકાર થયો કે, ‘હું નવલકથા લખી શકું એમ છું !’
આવા ક્ષણિક-મનોઝબકારના થોડા જ મહિનાઓમાં એમની પ્રથમ નવલ Hear, the Wind Sing પ્રગટ થઈ અને ખૂબ પ્રસંશા પામી. જાઝ બારના માલિકને તો નવાઈ લાગી કે સૂરામાંથી સરસ્વતી અવતર્યાં ક્યાંથી? એમણે મજબૂતીથી પેન પકડી, ૧૯૮૧ સુધીમાં તો તેઓ સાહિત્યકાર તરીકે પ્રતિષ્ઠા પામી ચૂક્યા હતા, હવે બાર ચલાવવાનું સારું લાગે? આટલા મોટા સાહિત્યકાર બારના કાઉન્ટર ઉપર બેસે? એમણે એ જાઝ ક્લબ વેચી કાઢી અને નર્મદની જેમ કલમને ખોળે માથું મૂક્યું.
પણ કાગળ-કલમ અને કલ્પનાનાં કરતબ કરતાં કરતાં એમનું જીવન બેઠાડુ અને શરીર રોગ-નિમંત્રક બનવા તરફ ચાલ્યું. લેખક ચેતી ગયા અને શરીરને સ્વસ્થ અને મનને તીક્ષ્ણ બનાવવા કંઈક પરિવર્તન જરૂરી બન્યું.
આથી સાહિત્યિક જીવનશૈલીમાં એક આવશ્યક કૉર્નર સ્ટોન જડ્યો—રનીંગ !
યાદ રહે, લખવાનું શરૂ કર્યું ત્યારે તેઓ ત્રીસીના પ્રારંભમાં હતા. વળી બાર-ક્લબના માલિક તરીકે એ યુવાનની જીવનશૈલી જરાયે તંદુરસ્તીગામી નહોતી. દિવસની ૬૦ સિગરેટ પીતા, રાત્રે મોડે સુધી ઉજાગરા કરતા તેથી શરીર થાકેલું રહેતું. આથી સર્જનાત્મકતાને શણગારવા-સંવારવા એમણે બિનઆરોગ્યપ્રદ આહાર-વિહારની ટેવો છોડવાનો નિર્ધાર કર્યો. સમજદાર પત્નીએ પણ સાથ આપ્યો. સૌ પ્રથમ એમણે ટોકિયોનું મહાનગર જીવન છોડી નાના ટાઉન નારાશિનોમાં ઘર લઈ શાંત, ગ્રામ્ય પરિવેશમાં વસવાનું ગોઠવ્યું. દૈનિક જીવન પણ બદલ્યું. મોડા સૂવું, ડ્રીન્કીંગ, સ્મોકીંગ વગેરેને તેઓ ટોકિયોમાં મૂકી આવ્યા, અહીં તો ‘રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર...’ને બરાબર અમલમાં મૂક્યું. ખુલ્લી હવામાં, સૂર્યપ્રકાશમાં, ગગનના ચંદરવા નીચે દોડવાનું શરુ કર્યું.
શરુઆતમાં તો ટ્રેક ઉપર એમને જરા આકરું ને અટપટું લાગ્યું. વીસેક મિનિટ દોડવામાં પણ તેઓ હાંફી જતા, શરીર ભારે હતું, આજ પહેલાં દોડવાની ટેવ નહોતી, પણ તેમણે મન મજબૂત કરી શરીરને સમજાવ્યું, દોડ ચાલુ રાખી. થોડા સમયમાં આ વ્યાયામ પ્રકાર એમને માફક આવવા લાગ્યો, લેખનની જેમ. પછી તેઓએ અટકવાનું નામ ન લીધું. ઊલટાનું, સમય જતાં દોડવાનો સમય વધાર્યો. એના ફાયદા એમને આપોઆપ જણાવા લાગ્યા, સ્ટેમીના વધ્યો, ભૂખ ઉઘડી, શરીર ક્સાયું. ઘણાને આવાં જોરદાર, ન અનુભવેલાં પરિવર્તનો વિચિત્ર લાગે, પણ મુરાકામીને તો એ અપેક્ષિત, ઇચ્છિત ને આવકારદાયક લાગ્યાં. ક્યારેક કોઈક આવી પ્રવૃત્તિ તમને જડી જાય, અનુકૂળ આવી જાય અને એવી મઝા આવી જાય કે તમે વિચાર્યું પણ ન હોય ! મુરાકામીને એવું જ થયું : એક વખતના બાર ક્લબના બેઠાડુ, ભીડભાડવાળા મહાનગરના રગશિયા જીવનશૈલીના સ્વામીને બે મનગમતા જીવન વળાંકો અચાનક જ આવી મળ્યા : લેખન અને દોડ !
૩. દોડવીરોએ શરીરને આજ્ઞાંકિત બનવાનું શીખવવું જ જોઈએ.
Runners must teach their body to obey commands.
ચાવીરૂપ શિખામણ એ જ કે - દોડવીરે પોતાના શરીરને આજ્ઞાંકિત બનતાં શીખવવું જ પડે, ચાલે જ નહિ.
Chiba ખાતે દોડના આ અનુભવે મુરાકામીને એક કડક પાઠ શીખવ્યો કે દોડવું એ માત્ર ફીઝીકલી ફીટ રહેવાનો જ એક માર્ગ નથી, મનની માન્યતા મરોડવાનો અને મસ્તીમાં મહાલવાનો પણ એક માર્ગ છે. દોડવીરને તે મનોમક્કમતા અને શારીરિક શિસ્ત પણ શીખવે છે. તેઓ આખી મેરેથોન દોડીને પૂરી ન કરી શક્યા તેનું કારણ તેમનો વીલપાવર નબળો નહોતો પણ સ્ટેમીના ઓછી થઈ તે હતું. થોડા મહિના પછી ફરીથી આવનારી મેરેથોનમાં એમણે તૈયાર થવું હોય તો એમણે એમના શરીરની એનેટોમીને એ માટે re-tool, પુનઃસજ્જ કરવી પડશે.
તેઓ સખત તૈયારીમાં લાગી ગયા. દરરોજ દોડવાના માઈલ તો વધારતા ગયા, પણ સાથોસાથ તેના વર્કઆઉટની ગુણવત્તા પણ તેમણે ધ્યાનપૂર્વક સુધારી. દરેક દોડ વખતે ઝડપ પણ વધારી અને સ્નાયુ-ખેંચાણ પણ વધાર્યું. આ આકરું જરૂર લાગ્યું, પણ અંતે એનો સારો બદલો એમને મળ્યો, મહેનત ફળી.
આ અનુભવે એમને એમની પહેલી મેરેથોન ઉપર વિચાર કરતા કર્યા. એ મેરેથોન રુટ ગ્રીસના એથેન્સ અને મેરેથોન નામના ટાઉન વચ્ચે ૨૬ માઈલનો રુટ હતો. જુલાઈ ૧૯૮૩માં એક ટ્રાવેલ મૅગેઝીનના ઈશારે એમણે આ ચેલેંજ સ્વીકારી. શરત એ હતી કે લેખકે એથેન્સથી શરુ કરીને આખો રેસ-રુટ પૂરો કરવો અને પછી એના અનુભવો વર્ણવવા. ગ્રીસના ગ્રામ્યપ્રદેશનો એ માર્ગ ખરબચડો અને મુશ્કેલ લાગવાનો હતો. આજે તો આકરા ઉનાળામાં કોઈ દોડવા બહાર ન નીકળતાં, ઇન્ડોર પ્રેક્ટીસ કરે, એનર્જી બચાવે...પણ મુરાકામીની મેરેથોન તારીખો ભર ઉનાળે ગોઠવાઈ હતી.. તેઓ શહેરથી નીકળ્યા ત્યારે ઉષ્ણતામાન ઊંચું હતું, એમણે ગરમીનાં મોજાંને ચીરતા દોડવાનું હતું. દરેક વીતતા જતા માઈલ સાથે તેઓ થાકતા જતા હતા, તોયે સફળ થવાની તમન્ના ને તરખાટ તેમને દોડાવ્યે જતો હતો, આગળ ને આગળ ધપાવ્યે જતો હતો... આખરે, તાપમાં શેકાતા ને પસીને નહાતા તેમણે ફાઈનલ લાઈન ક્રોસ કરી દીધી !
આજે આટલા વર્ષે, તેઓ દર વર્ષના પોતાના મેરેથોનના મેરેથોન અનુભવો વર્ણવતાં લખે છે કે ‘મને માત્ર ને માત્ર મનની મક્કમતા ને દૃઢ નિર્ધારની લાગણી જ મુશ્કેલમાં મુશ્કેલ રેસમાં સતત દોડાવી રહી હતી.’
૪. નવલકથા લેખન અને દોડ—બંનેમાં સાતત્ય જોઈએ.
Writing a novel and running a Marathon both take persistence.
ધ્યાનાર્હ બાબત અહીં એ જ કે લેખન અને દોડ બંનેમાં અતૂટ સાતત્ય જોઈએ.
ઇન્ટર્વ્યુમાં એમને ઘણીવાર પૂછાતું કે, ‘સર સફળ નવલકથાકાર બનવા કયાં લક્ષણો હોવાં જોઈએ?’ એમનો પ્રારંભિક સ્વાભાવિક જવાબ રહેતો : ટેલન્ટ-બુદ્ધિ પ્રતિભા ! બિલકુલ સાદું છે કે કથાસાહિત્યકાર નવીન કલ્પનાકાર, શબ્દ-રમતવીર અને રસિક વાર્તાકાર હોવો જોઈએ. તેમ છતાં, ઘણા પ્રતિભા સંપન્ન નવલકથાકારો પણ તેમની ક્ષમતાના શિખરે પહોંચી શકતા નથી. એમનામાં બીજી પણ બે ગુણવત્તાઓ જોઈએ : ધ્યેયની એકનિષ્ઠા-એકાગ્રતા અને સહનશીલ સાતત્ય !
મુરાકામીને મન દોડની જેમ, લેખન પણ શારીરિક મજૂરી જ છે. અમુક કલાકો સુધી સતત ધરતી પર દોડતા રહેવાનો અથાક અભ્યાસ જેમ મેરેથોન પ્રેક્ટીશનરને હોવો જ જોઈએ, તેમ લેખકે પણ કલ્પનામાં ચિદાકાશમાં આકર્ષક વાર્તા ન ઊગે, તેને પાત્રો-ઘટના-પરિસ્થિતિનું માફકસરનું માળખું ન ઘડાય, સુંદર અર્થપૂર્ણ-મર્મસ્પર્શી શબ્દાવલિ ન સાંપડે-યાદગાર વાક્યરચના, પાવરફૂલ પેરેગ્રાફ અને સંઘેડાઉતાર પ્રકરણો વહેવા ન માંડે ત્યાં સુધી જંપવાનું કેવું હોય?- ભલે દિવસભર પેન-પેપર પકડી બેસી કેમ ન રહેવું પડે, પણ અદ્ભુત નવલકથા અવતાર્યે જ છૂટકો અનુભવાય તો લેખક થવાય!
તો ભાઈઓ, પ્રાશ્નિકો, રમત અને લેખન - બંનેમાં ‘ધ્રુતિ-ઉત્સાહ સમન્વિતા:’ સાતત્ય, લગની, એકનિષ્ઠા, ધ્યેયલક્ષિતા, સમર્પિતતા જોઈએ. સમર્પિત દોડવીરે રેગ્યૂલર વર્ક આઉટ શીડ્યૂલ જાળવવાનું મનોબળ મક્કમ કરવું પડે, શરીર ચીસ પાડે, થાક ખાવા-બ્રેક લેવા વિનવે તોયે શિસ્તબદ્ધ સૈનિકની જેમ એણે દોડતા જ રહેવું પડે... આવા શારીરિક શિસ્ત અને ફીટનેસવાળા લેખક જ લેખનમાં સફળ થાય; નહિ તો આરામ-આળસ અને લાસરિયાપણામાં નવલકથા કોઈ દિવસ પૂરી ન થાય. વર્ષોનાં વર્ષ, મહિના લંબાતી રહે. માટે એ તો નિશ્ચિત રીતે બેસીને લખવું જ પડે, પેનને પસીનો પડાવવો પડે !
સદ્ભાગ્યે, કોઈપણ આશાસ્પદ લેખક કે દોડવીરનાં ધ્યેયનિષ્ઠા અને સહનશીલ સાતત્ય- સમય જતાં કેળવાઈ જતાં હોય છે. ટેલન્ટ તો માનો કે જન્મજાત, ઈશ્વરદત્ત હોય કે ન હોય એમ માનીએ, પણ પેલા બે ગુણો તો પ્રેક્ટીસથી જ શીખાય. અશક્ય અને પહોંચની બહાર જણાતાં લક્ષ્યો પણ તન-મનની દરરોજની નિયમિત પ્રલંબ કેળવણીથી હાંસલ થઈ શકતાં હોય છે.
૫. હૃદયની લાગણીના કૂવામાં ઊંડા ઊતરવા માટે શરીરથી પણ તંદુરસ્ત રહેવું જરૂરી છે. તન તંદુરસ્ત તો (જ) મન તંદુરસ્ત !
Staying healthy is essential for delving into deeper wells of emotion.
ઑક્ટોબર માસ અને અમેરિકાનું બોસ્ટન શહેર. ઠંડો મદમાતો પવન, હરિયાળાં પર્ણો ઉપર પીળી પીંછી ફેરવતો કૂમળો તડકો, પાનને ખરવા માટે વીનવી રહ્યો છે. આકાશે કેનેડિયન હંસોનાં ઝૂંડ શિયાળો શરૂ થવાના સમાચારે દક્ષિણ તરફ વિહાર કરી રહ્યાં છે. અને એ શ્વેત પક્ષીઓની નીચે શ્વેત રમત પોષાકમાં ચાર્લ્સ નદીને કિનારે દોડવીરોની ટૂકડી જોગીંગ વ્યસ્ત છે. આવા સુંદર ચિત્રાત્મક પરિદૃશ્યમાં આપણું ધ્યાન, હે વાચકબંધુ, આપણા કથાનાયક મુરાકામી ઉપર રાખવાનું છે - તેઓ પણ અલબત્ત બગલા જેવા સફેદ શોર્ટ્સ અને શૂઝમાં દોડી રહ્યા છે. એક પછી એક કદમ ઉપાડતા દોડ-મશગૂલ લેખક તેમની સંવાદિત, સ્થિર, શાંત-પ્રશાંત, સ્વસ્થ જીવનશૈલી અને તદ્જનિત સ્વચ્છ મનોજગત વિશે વિચાર પણ કરી રહ્યા છે. ઘણા લોકોને જાપાનમાં નવાઈ લાગે છે કે મુરાકામીએ આવું પ્રશાંત-પ્રસન્ન-પ્રિય જીવન અને ભવન કેવી રીતે વિકસાવ્યું છે? એક સર્જક, કલાકારને આવું બિનપરંપરાગત, નાટ્યાત્મક, સ્ફૂર્તિલું જીવન કેવું પ્રેરણાદાયક નીવડતું હશે !
પણ ખરેખર એવું નથી. મુરાકામીને માટે એથી વિપરીત છે...
અહીં મેસેજ એ છે કે - લાગણીની લેખનમાં માગણી વધારવી હોય તો શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે.
ઘણા લોકો, સર્જકની કલ્પના અને પ્રેરણા ક્યાંથી આવતી હશે તે અંગે વિનોદી વિચારતા હોય છે, વિચિત્ર અનુમાન કરતા રહેતા હોય છે કે લેખકો તો તેમની સર્જકતાનાં બીજને સેવવા માટે સંઘર્ષનું, મુશ્કેલીભર્યું ગરીબડું જીવન જીવતા હોય છે, કદાચ પોતાની જાતને (અને પરિવારને!) આવા ખળભળાટ અને સુદામા શૈલીના જીવનમાં ધકેલવાથી જ તેમને શુદ્ધ, અણીશુદ્ધ સર્જકતાનું સૌંદર્યદર્શન સાંપડતું હશે. મિત્રો, કદાચ કોઈક સર્જક માટે આ સાચું પણ હશે, પણ એ તો મોટેભાગે ફિલ્મ કે ટી.વી.માં સરસ્વતી સેવકને આવો કંગાળ બતાવવામાં આવે છે.
આપણા દોડવીર લેખક મહાશયનું આથી ઉલટું છે. તેઓ એવું અસ્તવ્યસ્ત, વિચલિત જીવન ન જીવી શકે. કારણ કે લેખનકાર્ય પોતે જ એટલું અનહેલ્ધી છે. એ માને છે કે ઉચ્ચ કલાત્મક, સૌંદર્યાત્મક સમૃદ્ધ વિચારો આપણા હૃદયનાં ઊંડાણમાં રહેલા જોવા મળે છે, જો કે તે હંમેશા તિમિરઘન વિઘાતક લાગણીઓથી આવૃત્ત હોય છે. તેથી પોતાની સર્જનાત્મકતાના ઉત્તમ પ્રસ્ફૂટન માટે, એમણે નિયમિત રીતે વિષાક્ત વિચારોનો સામનો કરવાનો રહે, જે ભયાનક અને થકવી નાખનારું હોઈ શકે. આ બધી નકારાત્મક લાગણીની અસરોને ખાળવા માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવાનું એમને અત્યાવશ્યક લાગે છે. સર્જનાત્મક પ્રક્રિયા દરમ્યાન સતત સામનો કરવી પડતી પીડા અને વેદના, યાતના-યંત્રણાઓ સામે એમને સબળ રીતે ટકી રહેવા માટે દરરોજ વહેલા સૂઈ વહેલા ઊઠવાની અને નિયમિત દોડવાની ટેવ ખૂબ મદદરૂપ થાય છે. આ સંતુલન ખૂબ સંકુલ, સૂક્ષ્મ અને સુકોમળ હોય છે, પણ એના વિના ભીતરનો સાહિત્યિક દઝારો એમને તાપતો-સંતાપતો અને દઝાડતો-દુભાવતો રહેતો હોત. આથી અન્ય સર્જકો-કલાકારો અસ્તવ્યસ્ત જીવનની ગલીકૂંચીઓ ને અનૈતિકતાની આંધીમાં પણ અટવાય છે ત્યારે મુરાકામી અલગ ઉન્નત માર્ગ અપનાવે છે, મનસુધારક અને આરોગ્યદાયક પ્રવુત્તિમાં પ્રવૃત્ત થાય છે. બાગમાં અપરિચિતોનું અવલોકન કરે છે. એક સરખાં સાદાં શૂઝ વારંવાર ખરીદે છે, તેના માનીતા ઍરિક ક્લેપ્ટનની રેકોર્ડ સાંભળે છે અને ઉપરાંત દરરોજ દોડવાનું તો ખરું જ !
૬. અલ્ટ્રા મેરેથોનમાં દોડવું એ અતિવાસ્તવિક અને જીવન પરિવર્તક અનુભવ છે.
Running an ultra marathon is a surreal and life changing experience.
એક ઉનાળાની વહેલી સવારનું દૃશ્ય....! જાપાનના હોકિઆડોમાં, સરોમા સરોવરને કિનારે પશ્ચિમે, યુબેત્સુ નગરે જરાક ઠંડકવાળી ખુશનુમા હવા ખાતાં ખાતાં, હળવે હળવે ઉગતા સૂર્યનાં કિરણોમાં નહાતાં નહાતાં તેઓ દોડી રહ્યા હતા...દોડતાં દોડતાં ૨૬ માઈલનો માઈલસ્ટોન પસાર થયો, કલાકો વીત્યા... હવે સ્નાયુ જવાબ દઈ રહ્યાં હતાં... પગલે પગલે પગ દુઃખતા હતા...આંખે અંધારા અવતરવાની તૈયારી જાણે થઈ રહી હતી, સમયનો કાંટો હૃદયમાં ચૂભી રહ્યો હતો... સમય તેનો અર્થ ગુમાવી રહ્યો હતો...તોયે દોડ ચાલુ હતી, જાણે દુનિયા થંભી ગઈ હતી... અંતે ૧૨ કલાક પછી, સરોવરને પૂર્વ કિનારે વાક્કા નેચરલ ફ્લાવર ગાર્ડન પાસે ફીનીશ લાઈન લહેરાતી જણાઈ...
‘કોંગ્રેચ્યુલેશન્સ ...! કોંગ્રેચ્યુલેશન્સ..તમે અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી છે !’
અભિનંદનની સરવાણી સાંભળતા સાંભળતા ને સફળતાના શિખર સર કરનાર સર મુરાકામી એ ક્ષણે બદલાઈ ચૂક્યા હતા, પહેલાં જેવા નહોતા !
અહીં કી મેસેજ છે કે અલ્ટ્રામેરેથોન પૂરી કરવી એ એક અતિવાસ્તવવાદી અને જીવન-પરિવર્તક અનુભવ હતો.
ખૂબ ઘડાયેલા, તાલીમપ્રાપ્ત લાંબી દોડના સ્પર્ધક માટે પણ અલ્ટ્રામેરેથોન પૂરી કરવી એ એક પડકારજનક અને ભયાવહ વસ્તુ હોય છે. કોઈપણ દોડવીર ૨૬ માઈલનો માઈલસ્ટોન પાર કરે તેને અલ્ટ્રામેરેથોન કહેવાય છે. મુરાકામીએ પરંપરાગત મેરેથોન બમણાથી પણ વધુ માઈલમાં હાંસલ કરી છે-૬૨ માઈલ!
(૨૬ના આંકડાને એમના ઉત્સાહ અને ક્ષમતાએ ઊલટાવી નાખ્યો - ૬૨ કરી દીધો !) પણ આ દુસ્સાહસ તેમણે એક જ વાર કર્યું અને તે પણ પૂરેપૂરું દોડીને, વચ્ચે વચ્ચે ચાલીને નહિ. પણ પછી મહિનાઓ સુધી તેઓ અશક્ત રહ્યા.
આ અલ્ટ્રા મેરેથોન એમને માટે એક અતિવાસ્તવિક અનુભવ રહ્યો. તેનો પહેલો અડધો પડાવ આશ્ચર્યજનક રીતે સરળ-સ્મૂધ રહ્યો. પણ છેલ્લા ૨૪ માઈલ તો એમના મક્કમ નિર્ધારને ડગમગાવનારા, કપરી કસોટી કરનારા રહ્યા. એમનું આખું શરીર, અંગ અંગ, અભૂતપૂર્વ થાક ને શ્રમથી તૂટું તૂટું થઈ રહ્યું હતું, બદલાઈ રહ્યું હતું. અરે, પગ તો ફૂલી ફૂલી ગયા હતા એટલા કે એમણે બીજાં મોટાં શૂઝ પહેરવા પડેલાં... પણ અહીં એમણે મનોપરિવર્તનની તક ઝડપી. આવા ભયંકર પીડાકારી તબક્કામાંથી પસાર થતાં એમણે પીડા અને તેની અનુભૂતિ વચ્ચેનો સંબંધ વિચ્છેદ કરી લીધો. રેસના અંત તરફ જતાં, તેઓ એક અદૃશ્ય અવરોધ સાથે અફળાયા (જોકે ત્યાં કોઈ અફળાવા જેવું વાસ્તવમાં હતું જ નહિ) એટલે કે પોતાના ચેતનમનથી તેઓ આગળ નીકળી ગયા. વેદનાનો અનુભવ કરાવતા મનને એમણે પાછળ છોડી દીધું. જાણે એ આપણા જેવા ઇંન્દ્રિયાનુભવી સામાન્ય માણસ રહ્યા નહોતા... જાણે એક જ ધ્યેયગામી યંત્ર જેવા ! - બસ, દોડતું મશીન ! આવી ઇંન્દ્રિયાતીત, સંપૂર્ણ ખાલીપણાની અવસ્થા, જાણે કે આધ્યાત્મિક ધ્યાનાવસ્થાએ જ એમને ફીનીશ લાઈનની પાર પહોંચાડી દીધા !
જો કે, આ અલ્ટ્રામેરેથોન સફળતાથી પૂર્ણ કરી લીધા પછી પણ પેલી ન સમજાય તેવી ઇંન્દ્રિયાતીત અસંગ અવસ્થા (disconnectedness) એમની બની રહી. એ રેસ પૂરી કર્યા પછી પણ મહિનાઓ એમણે દોડવાનું ચાલુ રાખ્યું, પણ હવે એમને એ એટલું અર્થપૂર્ણ લાગતું નથી. પહેલાં એનો જે ચાર્મ હતો, ચમક હતી તે હવે અનુભવાતી નથી. દોડવાનાં આનંદ અને સંતોષ અદૃશ્ય થયાં હતાં. આ ઝળુંબતી પ્રલંબ લાગણીને, એમણે ગ્લાનિ, માનસિક થાક કે કંટાળાભરી મનોસ્થિતિને Runner’s Blues નામ આપ્યું.
સદ્દભાગ્યે, વર્ષો વીતતાં, એ ગ્લાનિનાં વાદળ વિખેરાઈ ગયાં, કંટાળાનું કળણ સૂકાઈ ગયું. હવે, ફરી એક દોડવા માટે એમનાં પગ સળવળવા લાગ્યા. હવે કદાચ પહેલાંની જેમ ૬૨ માઈલ તો ન દોડે, પણ ન્યૂયોર્ક સીટી મેરેથોન જેવા બીગ ઈવેન્ટ માટે એમનો મનમયૂર થનગનાટ કરવા લાગ્યો.
૭. મુરાકામીને જ્યાં સુધી દોડતા રહેવાનું મન થશે ત્યાં સુધી તેઓ દોડવાનું ચાલુ રાખશે.
Murakami will keep running as he feels like running.
તો આજે કેમનું થશે? સરસ જ વળી. ખરાબ નહી જ, પણ બહુ ગ્રેટ પણ નહિ... આવું લાગે છે. ક્યારેક જીવનનું આવું જ હોય છે. એવી કોઈ મહાન ચરમસીમા કે જબરદસ્ત વર્ણનાત્મક પળ નથી હોતી... તમે બસ, તમારાથી જે શક્ય ઉત્તમ બની શકે તે કરતા જાવ અને હંમેશની જેમ આગળ વધતા જાવ.
અહીં ચાવીરૂપ ખ્યાલ છે કે મુરાકામીને જ્યાં સુધી દોડવાનું મન હશે ત્યાં સુધી એ દોડવાનું ચાલુ રાખશે.
મુરાકામીને ખરેખર જ આ ન્યૂયોર્ક સીટી મેરેથોનનો આગવો ઇંતજાર હતો. રેસનાં અઠવાડિયા એક પહેલાં, તેમણે એ ઈવેન્ટને વીઝ્યૂઅલાઈઝ કરવામાં ઘણો સમય વીતાવેલો. એમણે કલ્પી રાખેલું દૃશ્ય - ત્યાં હજારો સાથી દોડવીરો દોડતા હશે. દરેક બ્રીજ ઉપર ચઢતાં એમના પગમાં બળતરા થતી હશે અને એન્ડ્રેના લાઈન (ગ્રંથિ)નો ઉછાળો આવતાં જ તેઓ ફીનીશ લાઈન પાસે પહોંચી જશે.
તેમ છતાં, રેસમાં જેવું ધાર્યું કે આયોજન કર્યું હતું તેવું થયું નહિ. જયારે એમણે રેસ શરૂ કરી ત્યારે જે ગ્રેટ ફીલીંગ આવી હતી, તે પછી એમને ઈચ્છિત ઝડપ જાળવી રાખવામાં ખૂબ મુશ્કેલી પડી. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કના રનીંગ ટ્રેક ઉપર રોલીંગ સ્લોપના લાકડા ઉપર એમણે પગ મૂક્યો ત્યાં સુધીમાં એમનાં પગ જાણે ખેંચાવા લાગ્યા અને પોતે જાણે આમતેમ હાલવા-ડોલવા લાગ્યા... જો કે એમણે ચાર કલાકને અંતે રેસ પૂરી કરી ખરી, તોયે એમને ક્ષણિક નિરાશા ઘેરી વળી. આવું થતું હોય છે. પરીક્ષામાં ધાર્યા કરતાં ઓછા ટકા આવે તો વિદ્યાર્થીને અસંતોષ થાય તેવું થયું. કદાચ એમની વધતી ઉંમરને લીધે કે પછી વધુ પડતી સખત તાલીમને લીધે આમ થયું હોય.
છ માસ પછી, એમની એક ફેવરીટ અને વિશ્વમાં સુખ્યાત એવી બોસ્ટન મેરેથોનમાં તેઓ દોડ્યા. આ વખતે એમણે જુદો અભિગમ અપનાવ્યો. એમણે પહેલાં જેટલી સખત તાલીમ ન લીધી, અને શરુઆતમાં ધીમો સ્ટાર્ટ લીધો, જેથી પાછળથી એનર્જી જળવાઈ રહે. પણ તેનું પરિણામ લગભગ સરખું જ મળ્યું - ન વધારે, ન ઓછું. એમણે સરેરાશ સમયમાં રેસ પૂરી કરી. આ વખતે પણ થોડી નિરાશા અનુભવી, પણ તેઓ આગળ વધ્યા.
મુરાકામીને થયું કે ‘આ તો આમ જ થવાનું છે. ભલે મારું દોડવામાં પર્ફોર્મન્સ ઘટતું જાય, ઉંમર વધતાં અશક્તિ પણ આવે, પરંતુ દોડવાનું બંધ શા માટે કરવું? આખરે મને દોડવામાં મઝા તો આવે જ છે. એ તો મારી જીવનશૈલી અને રોજનીશીનો ભાગ બની ગયું છે, માટે મારે એને ચાલુ રાખવું જ જોઈએ, ખૂબ સહજ રીતે. જેમ સાલમન માછલી સામા પ્રવાહે પણ સ્વાભાવિક રીતે તરી શકે છે, વાઈલ્ડ ડક પણ એમ કરે છે તો હું શા માટે પગ વાળીને બેસી જાઉં?
૮. તમારી અંતર્નિહિત ક્ષમતાઓને શોધવાની લાંબી પ્રક્રિયા એટલે જ જીવન.
Life is a long process of discovering your potential.
હવે ૧૯૬૦ના દાયકાનાં પાછલાં વર્ષોમાં આવીએ, મુરાકામીની કિશોરાવસ્થા છે. તેમના બાથરૂમમાં અરીસાની સામે તે નિર્વસ્ત્ર ઊભા છે અને પોતાના પ્રતિબિંબમાં શરીરની અપૂર્ણતાઓ કાળજીપૂર્વક નીરખી રહ્યા છે- ‘મારી આઇબ્રો ખૂબ જાડી છે,નખ ગમે તેમ આકારના વધેલા છે...વગેરે વગેરે..’ યાદી લંબાતી જાય છે.
ચાર દાયકા પછી, પુખ્તવયે લેખક નીગાટાના કિનારે ઊભા રહીને મુશ્કેલ ટ્રાયથ્લોન દોડ શરૂ કરવા જઈ રહ્યા છે. એમને પેલી કિશોરવસ્થાની છબી યાદ આવી રહી છે કે મારા શરીરની કેટલી બધી ઊણપો, કમીઓ હજી પણ છે. પણ, હમણાં જ, ટ્રાયથ્લોનની ૩ સ્પર્ધાઓ - ૧ માઈલ તરણ, ૨૫ માઈલ બાઈકીંગ અને ૬ માઈલ દોડવાનું - ઉપર ધ્યાન કેંદ્રિત કરવાનું છે. અત્યારે કાંઈ પોતાની મર્યાદાઓ, કમીઓ ઉપર વિચારવાનો સમય નથી. નજર સામેનું ટાસ્ક શરૂ કરવાનું ને તેને સફળતાથી પૂરું કરવાનું છે એટલે કમીઓ વિશે વિચારવા કરતાં પોતાની સટ્રેન્થ્સ વિશે પોઝીટીવ માઈન્ડ સેટ ઘડવાની ઘડી છે. મારામાં હાલ કઈ સુંદર શક્યતાઓ, સામર્થ્યો સૂતાં છે તેને જગાડવાનો સમય છે.
તો કી મેસેજ પુનઃ યાદ કરી લઈએ : જીવન એટલે તમારી ભીતરી શક્તિઓને શોધવાની એક પ્રલંબ પ્રક્રિયા !
મુરાકામીનો રમત ઇતિહાસ ટ્રાયથ્લોનથી ભરપૂર છે. રનીંગ એમને સ્વાભાવિક જ આવી મળ્યંસ હતું. બીજી બે સ્પોર્ટ - બાઈકીંગ અને તરણ જરા વધુ મુશ્કેલ હતી. તરણની એમને કોઈ યોગ્ય તાલીમ નહોતી તેથી મુશ્કેલ લાગતું. રેસનાં થોડાં વર્ષો પૂર્વે સાગર તરણમાં તકલીફ થતાં તે ટ્રાયથ્લોન અધવચ્ચે છોડી દેવી પડી હતી.
તરણમાં એમનો શરીર સાથે સમ્પર્ક છૂટી ગયો હતો. આ ભયપ્રેરક દુર્ઘટનાએ તેમને થોડીક સીઝન ટ્રાયથ્લોનથી દૂર રાખ્યા હતા. એ દરમ્યાન એમણે સમુદ્ર તરણની વિવિધ પ્રવિધિ શીખવા એક ઇન્સ્ટ્રકટર શોધી કાઢ્યો, જેમણે મુરાકામીને તરણની ટેકનીક્સમાં પાવરધા અને આત્મ વિશ્વાસુ બનાવી દીધા.
૨૦૦૬માં મુરાકામી ફરીથી સાગર તટે ટ્રાયથ્લોન માટે તત્પર થઈ આવી પહોંચ્યા અને મોજાંની છાલક મારીને તરવા પડ્યા, ઝડપ અને આત્મવિશ્વાસથી તેઓ અડધે પહોંચ્યા, ત્યાં એમના ગોગલ્સ ઉપર ધુમ્મસ છવાયું. દેખાવું મુશ્કેલ થઈ ગયું, તેઓ જરા ગભરાયા. પણ તેમણે થોડા ઊંડા શ્વાસ લીધા, તેમની તાલીમ યાદ કરી, અને ફરીથી સ્વસ્થતા મેળવી લીધી, થોડા સમયમાં તેઓ જળમાર્ગ પૂરો કરી જમીન પર બાઈકીંગ માટે આવી ગયા. એ પણ સંતોષપૂર્વક પૂર્ણ કર્યું. આખી ટ્રાયથ્લોન તેમણે પાર કરી તેનો આનંદ હૈયે અપાર હતો—હાર-જીતનો તો પ્રશ્ન નહોતો, અશક્ય લાગતી અટપટી આ ત્રિવેણી ટ્રાયથ્લોન તેમણે શક્ય બનાવી બતાવી. આ સાબિત કરે છે કે એમનામાં ઊંડે ઊંડે પણ શક્તિ ને સામર્થ્યો સૂતાં હતાં, જેને હકારાત્મક સંદેશાથી જગાડ્યાં, કમીઓ-મર્યાદાઓની નકારાત્મકતાને દરિયામાં ડૂબાડી વિજેતા બની બહાર આવ્યા.
ઉપસંહાર :
૧. દોડ એ તો એક રૂપક છે : મુરાકામી કહે છે જીવન એ પણ એક દોડ જ છે ને? સફળ દોડવીર અને સમર્થ લેખક થવા માટે કેટલાંક સમાંતર સામાન્ય સૂત્રો - શિસ્ત, પ્રતિબદ્ધતા- સાતત્યપૂર્ણ સહનશીલતા, ખંત, લગન, વગેરે બંને ક્લાઓમાં જરૂરી હોવાનું તારવે છે.
૨. એકાંત અને ચિંતન : દોડવું એ એકાકી રમત છે અને તે મુરાકામીને આંતરદર્શન અને ચિંતનની તક આપે છે. રનીંગની રીધમ વિચારોની સ્પષ્ટતા શોધવામાં કેવી સહાયક થાય છે, લેખકના લખવાના ગૂંચવાડા કેવી રીતે ઉકેલે છે અને પોતાના જીવનમાં ઝાંકવાની આંતરદૃષ્ટિ આપે છે. વગેરેની ઊંડી ચર્ચા આ પુસ્તક કરે છે.
૩. શિસ્ત અને સાતત્ય : આ બંનેની જરૂર લેખન અને દોડમાં આવશ્યક છે. લેખક પોતાના વહેલા સૂઈ –વહેલા ઊઠવાના અનુભવો, દોડવા અને લખવાની સમાંતર દિનચર્યા અને ધ્યેય પ્રાપ્તિ માટે પ્રતિબદ્ધતા, શિસ્તપૂર્ણ સાતત્યની ભૂમિકા ઉજાગર કરે છે.
૪. શારીરિક માનસિક પડકારો : મેરેથોન્સ જેવી લાંબી દોડ દરમ્યાન આવેલી શારીરિક પીડા અને માનસિક સહનશીલતા અંગે ચર્ચા કરી છે. અને એ પડકારોને એમણે સર્જન પ્રક્રિયા જોડે સાંકળીને મુશ્કેલીઓમાંથી આગળ વધીને પ્રગતિ અને સ્વના આંતર સત્વની શોધ કેવી રીતે થાય તે બતાવ્યું છે.
૫. સંતુલન અને કલ્યાણ : શારીરિક સ્વાસ્થ્ય અને સુદૃઢતા, લેખન જેવી સર્જનાત્મક પ્રક્રિયા જોડે કેવો આંતરસંબંધ ધરાવે છે તેની તપાસ લેખક કરે છે. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માત્ર શરીર માટે જ નહિ પણ વ્યક્તિની કલા-કારીગીરી-સર્જકશીલતાની હકારાત્મકતા માટે પણ ખૂબ જરૂરી છે, એનો લેખકે સ્વીકાર કર્યો છે.
ચાવીરૂપ સંદેશ : આ પુસ્તકમાં લેખક હારુકી મુરાકામી, લેખન અને દોડના પોતાના જીવનના સ્વાનુભવોની ચિંતનાત્મક ઝલક વાચકોને આપે છે. મેરેથોન જેવી લાંબા અંતરની દોડના દુર્લભ દૂરબીનમાંથી શિસ્ત, એકાકીપણું, દિનચર્યા જેવી બાબતો અને શારીરિક-માનસિક સ્વાસ્થ્યના તાણાવાણાનું દર્શન કરાવે છે. લેખન-પ્રક્રિયા અને દોડના પડકારો વચ્ચેની સમાંતરતાઓ ઉપરના ધ્યાન જેવું આ પુસ્તક સોદાહરણ સમજાવે છે કે વ્યક્તિની કોઈક પ્રકારની પેશન તેના સ્વ-ખોજ અને સ્વ-વિકાસની સીડી બની રહે છે.
મુરાકામી જેવા બાર-ક્લબ ચલાવતા વ્યક્તિએ કદી કલ્પ્યું પણ નહોતું પોતે એક પ્રખ્યાત નવલકથાકાર અને માહિર દોડવીર બનશે, પરંતુ તેની આંતરવૃત્તિ અને પેશનના બળે તેમણે બંને વાનાં સિદ્ધ કર્યાં. એમણે સ્વાનુભવે જોયું કે એ બંને જુદી અને એકાકી લાગતી કલાઓ વચ્ચે ઘણું સામ્ય પણ છે. બાહ્ય પરિબળોને ધ્યાનમાં ન લો તો એ તમારી એની પાસેની અપેક્ષાઓ પૂરી કરવા માટે શિસ્ત, સહનશીલતા, સાતત્ય અને સંકલ્પબદ્ધતા તો જોઈએ જ. એમની બેઠાડુ જીવનશૈલીમાંથી બહાર આવવા રનીંગ બહુ જરૂરી અને મહત્ત્વપૂર્ણ લાગ્યું કે એના વિના એમની સાહિત્યિક કારકિર્દી કદી પોષાઈ કે સફળ થઈ ના હોત.
અવતરણો:
“મોટાભાગના દોડવીરો લાંબું જીવવા માટે નથી દોડતા, પણ તેઓ જીવનને સભરરીતે –પૂર્ણતાથી જીવવા માટે દોડે છે. જો તમારે જીવનનાં વર્ષો આમ જ વીતાવી દેવાનાં હોય તો એના કરતાં કોઈ સ્પષ્ટ ધ્યેય સાથે જીવો ને! મને લાગે છે કે રનીંગ તમને એમાં સહાયક થશે, તમારી વ્યક્તિગત શારીરિક (અને માનસિક) મર્યાદા પ્રમાણે તન-મનને કસીને જીવો—એ દોડનો સાર છે અને દોડ એ જીવનનું જ રૂપક છે. અને મારે માટે તો લેખનનું પણ એવું જ છે.”