અનુનય/વહેતાં પાણીનું ગીત

વહેતાં પાણીનું ગીત

વ્હેતાં પાણીને હવે વાળવાની વાત
અને ખાળવાની વાત બધી મેલો;
નવસેં નદીઓની આ તો રેલ અને છેલ,
નથી પાદરના નેળિયાનો રેલો!

પડતાં પાણીમાં કોરાં કરવાની વાત
ફોરાં ગણવાની વાત બધી મેલો!
ધારા ધારામાં અહીં વાદળાં વણાય
અને વસ્તર વાયુનાં ભીંજેલાં!

ઘૂઘવતાં પાણીમાં તરવાની વાત
પાર કરવાની વાત બધી મેલો;
પ્હાડો ને ઝાડો પછાડતી આ તાણ—
આ તો ઠેઠથી આવેલ કોઈ ઠેલો!

અંકાશી હાથ લિયે પ્રથમીને બાથ
તયે અળગાં રહેવાની વાત મેલો;
પ્રલ્લેનાં પૂર જાય દોડ્યાં ચકચૂર
ભલે આપણોય ભવ જાય ભેળો!

૧૯-૭-’૭૫