અપરાધી/૪૩. જળમાં ને જ્વાળામાં સંગાથે –

૪૩. જળમાં ને જ્વાળામાં સંગાથે –

“સ્પ્લેન્ડીડ જજમેન્ટ!” આધેડ વકીલોમાંથી એકનો અવાજ ઊઠ્યો. “ચલો, નીચે ઊતરો!” એવા પહેરેગીર સિપાઈના તોછડા શબ્દોએ શિવરાજને અપરાધીના પીંજરામાં સૂનમૂન સ્થિતિમાંથી હલાવી દીધો. આગળ ચાલતા શિવરાજની પીઠ પાછળ પોલીસો બોલતા હતા: “ક્યા બદમાશી બઢ ગઈ દુનિયામેં! હેવાનિયત દેખ કે તાજુબ હો જાતે હૈં અબ તો, ભાઈ!” શિવરાજને સમજાઈ ગયું કે આગલી સાંજરે જેલમાં એના પ્રત્યે સિપાઈઓએ વિનય બતાવેલો, કેમ કે તેઓ શિવરાજના ગુનાનું સ્વરૂપ સમજ્યા નહોતા. કોર્ટમાં ચાલેલી ગુજરાતી ભાષાએ સૌને આ હેવાનિયતથી માહિતગાર કરી મૂક્યા. બહાર નીકળતા શિવરાજે પોતાની પાછળ સરકારી વકીલની ઠેકડી થતી સાંભળી: “કાં કાકા, આટલું બધું હેત ક્યાંથી ઊભરાઈ હાલ્યું’તું? કાંઈ ચાંપી તો નથી દીધુંને ભાઈસાહેબે? અરે કાકા, આખી જિંદગી તો નિર્દોષો માથેય સાવજ જેવા ગાજ્યા, ને આખરે આ નપાવટનો બચાવ કરવા ચીથરાં ફાડ્યાં? ધૂળ પડી તમારા ધોળામાં, કાકા!” શિવરાજ આ બધા ઠઠ્ઠા સાંભળતો હતો. પબ્લિક પ્રોસિક્યૂટરનો એકેય ઉચ્ચાર એને કાને પડતો નહોતો. પણ એણે મશ્કરી કરનારાઓના છેલ્લા બોલ આટલા સાંભળ્યા: “અરે, અરે કાકા, રડવું આવી ગયું? ઘરડા આખા થઈને આંસુ પાડો છો? જોઈ લ્યો ભાઈઓ! આ પબ્લિક પ્રોસિક્યૂટરને.” જેલના દરવાજા સુધી શિવરાજની પાછળ ટોળાં થયાં હતાં. લોકવર્ણની બે-ચાર સ્ત્રીઓ પણ દૂર ઊભી ઊભી વાતો કરતી હતી: “ઓલી અંજુડી નૈ, ઇ ને આવડે આણ્યે રાખી’તી ને પાછી ભગાડી.” “લાજ્યોય નૈ બધું કબૂલ કરતાં?” “અરે, ઓલી બચાડી મોયલા ડિપોટીની ભણેલી છોકરીનોય ભવ બગાડ્યો.” “પરણ્યો’તો?” “ના રે, પરણે શું? આવાં ને આવાં કામાં! મોટાઓનું માયલું બધું ખોટું જ હોય, માડી!” રેલવે-સ્ટેશન પર હોહા ન થાય તે સારુ કેદીને તે જ રાતની આગગાડીમાં ચડાવી રાજકોટ ઉપાડ્યો. નાના સ્ટેશનેથી એને જુદા ખાનામાં લઈને પોલીસપાર્ટી બેઠી. બારીઓ પણ બંધ રાખી. પોલીસોની સતત ચાલુ બીડીઓના ધુમાડામાં આખું ખાનું ગૂંગળાતું ચાલ્યું ત્યારે શિવરાજે પૂછ્યું: “જરા બારી ખોલું?” “બિલકુલ નહીં.” પોલીસ તાડૂકી ઊઠ્યો. પોતે કરેલું આચરણ કેટલું કલંકિત હતું તેની શિવરાજને પ્રતીતિ થઈ. અજવાળીના પરિત્રાણનો તેમ જ પોતાના પાપના એકરારનો જે મુક્તિ-આનંદ તેણે મેળવ્યો હતો, તે ધીરે ધીરે ઊતરી ગયો. તેને સ્થાને ત્રણ વરસની જેલવાસની દુર્દશા, અને જો ત્રણ વર્ષે જીવતાં છુટકારો થાય તો તે પછીની બદનામ દશા, કોઈ મોટી ઢેઢગરોળીની માફક ધીરાં પગલાં મૂકતી મૂકતી જાણે પોતાને ગળી જવા ચાલી આવતી હતી. પોતે એક જંતુ બની ગયો. રાજકોટ સ્ટેશન આવ્યું ત્યારે એ જરીક ઝોલે ગયો હતો. “ચલ એઈ!” કરીને એને પોલીસે ઢંઢોળ્યો. સ્ટેશન પર એણે ટોળેટોળાં દીઠાં. શું આ બધાં મારી બેશરમી જોવા ભેગાં થયાં છે? આ સર્વની વચ્ચે થઈને હું શી રીતે માર્ગ કરી શકીશ? ફાટી આંખે જોતો છતાં એક પણ ચહેરાને ન ભાળી શકતો દૃષ્ટિશૂન્ય બનીને એ ચાલ્યો. એના કાન પર શબ્દો પડતા હતા: “આ એ જ? એ પોતે જ?” રાજકોટ સેન્ટ્રલ જેલ ઑફિસની બારી પર શિવરાજને ક્લાર્કે પ્રશ્ન કર્યો: “કાંઈ કેશ જ્વેલરી (રોકડ અથવા દાગીનો) છે? હોય તો સુપરત કરો.” શિવરાજે માથું હલાવ્યું. એ કશું જ સાથે નહોતો લાવ્યો. અંદર જઈને એને કપડાં બદલવાનું કહેવામાં આવ્યું. એણે પહેરણ ઉતારવા માંડ્યું. તે પળે જ એણે એક સ્ત્રીને ઓરતોની બરાકમાં જતી જોઈ. સ્ત્રીના શરીર પર જેલનો જ લેબાસ હતો. શિવરાજ એને પૂરી નિહાળે-ન નિહાળે ત્યાં એ ઓઢણીનો છેડો સંકોડતી સંકોડતી અંદર પેસી ગઈ. અધૂરા કાઢેલા પહેરણે શિવરાજ સ્તબ્ધ બની ગયો. “યે ક્યા હૈ?” એની ભુજા પર બાંધેલા માદળિયાને ખેંચતાં ખેંચતાં એક વૉર્ડરે કહ્યું. “યે ક્યોં ઑફિસ પર દે નહીં દિયા?” “યે ન તો કેશ હૈ, ન જ્વેલરી હૈ.” શિવરાજે જવાબ દીધો. “વો ક્યા હૈ ઔર ક્યા નહીં, વો મુકરર કરનેકા કામ કૈદી કા નહીં હૈ. છોડ દો.” પોતાની માતાએ મરતાં મરતાં પહેરાવેલું, પછી એક દિવસ પોતાની વફાઈના બંધનરૂપે માલુજીએ અજવાળીને હાથે બાંધેલું, ને પછી અજવાળીને નસાડી મૂકતે મૂકતે શિવરાજે એની પાસેથી માગી લીધેલું એ તાવીજ આજે શું હતું? જેલના નિયમોમાં એ ‘રોકડ’ હતું કે ‘દાગીનો’? જગતની ગણતરીમાં પણ આજે એ શું હતું? શિવરાજે વૉર્ડરની વાત સાચી માની. એ શું હતું, કયા વર્ગમાં પડનાર વસ્તુ હતી, તે મુકરર કરનાર પોતે કોણ? એણે કાઢી આપ્યું ને સોંપતાં પૂર્વે આંખે અડકાડી લીધું. મનમાં મનમાં એ બોલ્યો: “મા! તારું ચિહ્ન હારું છું, તારી રક્ષાને ન હારું એવું કરજે.” એ ક્ષણે જેલ સુપરિન્ટેન્ડેન્ટ દવાખાનું જોઈને પાછા વળતા હતા. તેમણે કેદીના મોંને પિછાન્યું. એ દૂર ચાલ્યા ગયા. એણે ચુપચાપ જેલરને હુકમ દીધો: “આટલી પણ માણસાઈ નથી યાદ રહેતી! જાઓ, એમને આંહીં કપડાં ન બદલાવરાવો, અંદર લઈ જાઓ. જુદી બરાકમાં રાખો. અદબથી વર્તવા વૉર્ડરોને કહી આવો. એને પહેલા વર્ગની ટ્રીટમેન્ટ આપવા હું ઉપરથી પરવાનગી મંગાવું છું.” વળતા દિવસે શિવરાજને દવાખાના પર તેડવામાં આવ્યો ત્યારે પણ એણે પેલી તરુણીને ઓરતોની બરાક તરફ ચાલી જતી દેખી. એનો વહેમ વધુ ને વધુ સજ્જડ બન્યો. આઠેક દિવસે એણે પોતાના વૉર્ડરને પૂછ્યું: “કોઈ નવી ઓરત-વૉર્ડર રાખી છે?” “હાં, સા’બ!” હવે એને અદબથી બોલાવતા વૉર્ડરે કહ્યું, “બડા ડિપટી સા’બકી લડકી... રહમદિલસેં ઓરતોંકી ખિદમત કરનેકો આતી હૈ, બચ્ચોંકો ખેલાતી હૈ, ઓરતોંકો લિખના-પઢના સિખાતી હૈ. બડી સમજદાર ઓરત હૈ, સા’બ! કિસીકી સાથ બેમતલબ બોલતી ભી નહીં.” “આંહીં જ રહે છે?” “હાં, રાતકો ભી યહાં ઓરત-બરાકમેં સબકે સાથ ગિરફતાર હો કર સોતી હૈ, ઔર ‘શિવ’ ‘શિવ’ રટતી હૈ.” સાંભળીને શિવરાજ પોતાની તુરંગમાં પેસી ગયો; કોઈ ન દેખી જાય તેવી એકાંતે એનાં આંસુ ખળખળ્યાં. એને મળવા માટે સુપરિન્ટેન્ડેન્ટ કોઈ દિવસ આવતો નહીં. જેલરને એની પૂરી સંભાળ લેવાની સૂચના આપી દીધી હતી. વૉર્ડરો આઠ દિવસમાં તો એના બની ગયા હતા. વૉર્ડરોને ધીમે ધીમે ખબર પડી ગઈ હતી કે આ બેઉ પરણવાનાં હતાં; ને બાઈ આંહીં આવીને રહી છે તેનું કારણ પણ આંતરિક અનુરક્તિ જ છે. એક દિવસ વૉર્ડરે હિંમત કરીને પૂછ્યું: “સા’બ, ઉનકો કુછ ખબર પહુંચાવે?” શિવરાજ હેઠું જોઈ ગયો. એ જાણે કે વધુ ને વધુ અપરાધી બની રહ્યો હતો. સરસ્વતીનું જેલમાં હોવું એને માટે અસહ્ય હતું. પોતે જ જાણે કે એ યુવતીના જીવનમાંથી પ્રકાશ શોષી લીધો હતો. રવિવારની સાંજ હતી. પોતે પોતાની બરાકમાં એકલો જ હતો. કેદીઓ બધા પુરાઈ ગયા હતા. શિવરાજ કાગળ લખવા બેઠો – તમે મારે ખાતર શું કરી બેઠાં છો તે મેં જાણ્યું છે. મારાં પાપનો અરધો ભાર આખરે શું મેં તમારા પર જ નાખ્યો છે! આંહીં આવીને પુરાઈ જવામાં મારો એક આશય તો તમને જ મુક્તિ આપવાનો હતો. મારી પાપ-ચૂડમાંથી છૂટીને તમે તમારા જીવનમાં નવો સૂર્યોદય નિહાળશો એવી મારી આશા હતી. તેને બદલે તો, ઓ સરસ્વતી! તમે આંહીં, આ કબરમાં પણ મારી પાછળ પાછળ આવ્યાં છો! “સરસ્વતી! તમે આંહીંથી ચાલ્યાં જાઓ. નહીં તો મને એક ક્ષણ પણ નીંદ નથી મળવાની. મારી સજા મને એકલાને ભોગવવા દો. આ કાળા કિસ્મતમાં એટલું તો એક સુખકિરણ પડવા દો કે મેં તમારું જીવન ભુક્કો નથી કર્યું! ચાલ્યાં જાઓ, સુખી થાઓ, પ્રભુની કૃપા ઊતરો તમારા પર... સૂર્યાસ્તે આ કાગળ આટલો લખાય છે ત્યાં તો બહાર ચોગાનમાં બત્તી દેખાઈ. કાગળ પોતે ઢાંકી દીધો. એને જરીક જેલર દેખાયો, પણ પછી જુએ છે તો બત્તી ઉંબરમાં પડી હતી. જેલર અદૃશ્ય બન્યો હતો; તેને સ્થાને જાણે કોઈક સ્વપ્નમૂર્તિ સમી, હવાની પૂતળી સમી, પરલોકમાંથી આવેલા સુંદર પ્રેત સમી સરસ્વતી ઊભી હતી. એના શરીર પર શ્વેત સાડી હતી; એના હાથમાં મીંઢોળ બાંધ્યું હતું; કપાળે ચાંદલો હતો; એને ખભે એક ઉપરવટણી લટકતી હતી. “તમે? સરસ્વતી! તમે આંહીં? અત્યારે?” શિવરાજ ઝબકીને ઊભો થયો. “આજે આપણી લગ્નતિથિ છે.” “એવું ન બોલો. એ ન બને. આ જેલ છે. સરસ્વતી! પાછાં જાઓ, પિતાજીની પાસે જાઓ.” “પિતાએ તો કાઢી મૂકી છે. મારે કોઈક આશરો તો જોઈએ ને!” “પણ... પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટને ખબર પડશે તો... ચાલ્યાં જાવ...” “એમણે રજા આપી છે.” “પણ, પણ, આંહીં કોણ લગ્નવિધિ કરાવશે?” “હું લાવી છું એક બ્રાહ્મણને.” “કોણ છે?” “એક છે, જેના ઉપર તમે – તમે ઘણાં વર્ષો પર ઉપકાર કર્યો હતો તે. આવો આંહીં.” એક બૂઢો જર્જરિત આદમી બહાર ઊભો હતો, તે અંદર આવ્યો. એના હાથમાં તસલું ને ચંબુ હતાં. તસલામાં થોડાક ચોખા જેલના કોઠારમાંથી માગી આણ્યા હતા. ચંબુમાં કોપરેલ તેલ હતું. “આ કોણ? ગુરુદેવ?” શિવરાજે નવા માણસને ઓળખ્યો – પોતાને સોટીઓ મારનાર ને રજા આપનાર વિદ્યાગુરુ. “તમે ક્યાંથી?” “આંહીં કેદી છું, શિવરાજ! એક કલ્પિત અપરાધ માટે મેં તને સોટીઓ મારી હતી. પણ હું તો એક સાચો અપરાધ કરીને ત્રણ વર્ષથી આંહીં પડ્યો છું. તેં મારા પર ક્ષમા બતાવી હતી. આજે હું તારી લગ્નવિધિ કરવા હાજર છું.” શિવરાજને ખબર નહોતી, કે ગુજરાતના કોઈ એજન્સી તાબામાંથી આ આચાર્ય કશોક ગુનો કરીને અહીં પુરાયા હતા. શિવરાજ જોઈ રહ્યો. એણે માથું ધુણાવ્યું: “નહીં, નહીં, ન બની શકે. મારા જેવા બદનામની સાથે જીવન જોડીને બરબાદ ન બનો. હું – હું – હું તમને નિરંતર ચાહ્યા કરીશ. એથી વધુ દુષ્ટ બનવાનું મને ન કહો.” એણે માથું હેઠું ઢાળ્યું. સરસ્વતી નજીક ગઈ, નીચે બેસી ગઈ, ને એણે શિવરાજનો હાથ ઢંઢોળીને કહ્યું: “પણ મારો તો વિચાર કરો! હું આખરે નારી છું. મારું નારીત્વ માગે છે કે મને પ્રેમ પછી આપજો, પહેલી પરણી લ્યો – પરણીને પછી ભલે ન ચાહી શકો.” “નહીં, નહીં, સરસ્વતી! હું રાક્ષસ નહીં બનું!” “મને રઝળતી મૂકવી છે! એકને – પાછી બીજીને?” સરસ્વતીના શબ્દોમાં અસહ્ય મહેણું હતું, “હું હવે ક્યાં જઈશ? કોની પાસે મોકલવી છે મને? હું સ્ત્રી છું. અપરાધ પર અપરાધ કેટલાક કરશો?” સરસ્વતીના આ શબ્દોએ શિવરાજને ભાંગી નાખ્યો. “ચાલો આચાર્ય, ઝટ કરો.” એ ભાંગેલો બુઢ્ઢો કેદી પાસે આવ્યો. એણે મહામહેનતે શિવરાજના જાડા પહેરણ સાથે ઉપરવટણીની છેડાછેડી બાંધી. અગ્નિમાં એણે જેલમાંથી આણેલું કોપરેલ તેલ અને ચોખાના દાણા ‘સ્વાહા’ કરી સપ્તપદીની એકમાત્ર વિધિ કરાવી. બોલતે બોલતે બ્રાહ્મણના બોખા મોંનું થૂંક ઊડ્યું. બેઉનો હાથેવાળો મળ્યો. બે વિદ્યુતપ્રવાહ એકત્રિત બન્યા: “જીવનથી મૃત્યુ સુધી... જન્મજન્માંતરો સુધી... નર અને નારી રહેશું... સુખમાં ને દુ:ખમાં, જળમાં ને જ્વાળામાં... સાથે ચાલીશું...” બત્તી ચાલી ગઈ. સરસ્વતી બત્તીની પાછળ ગઈ... અને એ બત્તીનાં કિરણો જેવા દિન પછી દિન તબકતા ગયા.