અર્વાચીન કવિતા/કવિ હીરાચંદ કાનજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કવિ હીરાચંદ કાનજી

મિથ્યાભિમાન-ખંડન (૧૮૫૯), ગાયનશતક, ભાગ ત્રણ (૧૮૬૩-૬૫), કુમારબોધ, કુમારિકાબોધ (૧૮૬૩), પિંગળાદર્શ (૧૮૬૫)*[1] આ ગાળાની કવિતાનો મોટો ભાગ, પ્રધાનતઃ દલપતરામની અને અંશતઃ નર્મદની શૈલીમાં લખાયેલો છે. પણ એ શૈલીઓની છાયામાં આવ્યા સિવાય, અથવા તો આવ્યા હોય તોપણ પોતાની કંઈક મૌલિકતા કે વિશેષ કળાશક્તિ બતાવી કાવ્ય રચનાર અને જેમનામાં આ બે કરતાં ય વિશેષ કવિત્વ ગૂઢઅગૂઢ રહ્યું હોય એવા સાચા કવિ કહી શકાય તેવા થોડાક લેખકો પણ છે. આ ગાળાના કવિઓમાં દલપત-નર્મદ પછી તેમનું સ્થાન આવે છે. અથવા કેટલીક બાબતોમાં તો તેમણે અમુક સ્થળે અંશતઃ છતાં તેજસ્વી રૂપે બતાવેલી પ્રતિભાને બળે, તેમને આ બે નામીચા કવિઓ કરતાં પણ ઊંચે સ્થાને મૂકી શકાય તેમ છે. આવા લેખકોમાં પહેલું ગણનાપાત્ર નામ કવિ હીરાચંદ કાનજીનું છે. નર્મદની કવિતા તથા સાહિત્યપ્રવૃત્તિ ઉપર સૌથી પહેલી સખત ટીકા તેની મળે છે. નર્મદ નોંધે છે કે કવિ હીરાચંદે આ લખાણ દલપતરામના ચડાવવાથી કરેલું અને પછી પોતાની માફી પણ માગેલી. હીરાચંદના મોંમાં નર્મદે જે શબ્દો* [2]મૂકેલા છે તે સા ચા હોય તો હીરાચંદને દલપતરામ માટે પણ કંઈ ખાસ માન દેખાતું નથી. હીરાચંદમાં એક પ્રકારની ખૂબ સ્વતંત્ર મનોવૃત્તિ છે અને તે તેનાં કાવ્યોમાં દેખાઈ આવે છે. તેની કવિતાની પદ્ધતિ દલપતનર્મદથી તદ્દન જુદી છે. તેનામાં કવિતાની કોઈ ખાસ દૃષ્ટિ નથી, પણ તેનાં ભાષા, છંદો તથા લેખનરીતિમાં અનોખું વ્યક્તિત્વ છે. તે બેધડક રીતે ભારે અપરિચિત સંસ્કૃત શબ્દો કે તદ્દન નવા કે ફારસી અંગ્રેજી શબ્દો વાપરે છે.x[3] તેણે ઘણું લખેલું છે, પણ તે પ્રસિદ્ધ ન કરી શકવાને લીધે તેણે જામેલા કવિઓ સામે ખૂબ રોષ જણાવેલો છે. કવિનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોમાંથી જે મળી આવે છે તેમનાં નામ ઉપર આપ્યાં છે. કવિઓને પ્રાસાનુપ્રાસ મેળવવામાં સહાય થાય તે દૃષ્ટિએ કવિએ ‘કોશાવલી’ નામે એક શબ્દકોશ પણ બહાર પાડેલો છે. અને તે નર્મદની પણ પહેલાંનો ગુજરાતીમાં પ્રથમ શબ્દકોશ છે. કવિનું અગત્યનું કાવ્ય ‘મિથ્યાભિમાનખંડન’ છે. દલપતરામની ઉશ્કેરણીથી લખાયું હોય તોપણ તેમાં બતાવેલી સ્થિતિ કંઈ સાવ ખોટી નથી. નર્મદની કવિતાની તેણે કરેલી ટીકા :

અરેરે હાય હાય ઠેકાણે ઠેકાણે ગાય,
એવી શું કવિતા થાય અંઅં અઃઅઃ શું ભશાય....

પણ સાચી જ છે, ‘ઘણા માસ્તરો અસ્તરો લૈ ફરે છે, ગુણી ગુર્જ્જરી બોડવાનું કરે છે.’ એ જાણીતી પંક્તિઓ પણ આ જ કાવ્યમાં છે. તે વખતના ભણેલાઓને હાથે ગુજરાતી ભાષા અને કવિતા ઉપર થતા અત્યાચારોની કવિએ સખત ધારદાર ભાષામાં ખબર લીધી છે,* [4] જોકે એ દોષો તેને પોતાને હાથે પણ થયેલા છે. તેની ભાષામાં આડંબર અને ક્લિષ્ટતા છે છતાં એક પ્રકારનું બળ પણ છે. આવી સાક્ષરયુગની કવિતાનો અવિદગ્ધ રૂપે પ્રારંભ અહીં જ, ૧૮૫૯ની સાલથી જ થઈ જાય છે. ‘ગાયનશતક’ના ત્રણ ભાગોમાં ચાલુ રીતિના અનેક વિષયો પર કાવ્યો છે. કવિ અનુપ્રાસ, યમક, ઝડઝમકનો ખૂબ પ્રયોગ કરે છે. સુધારાના કુધારા ઉપર પણ કવિ ખૂબ પ્રહારો કરે છે. કવિની ગરબીઓ સારી છે. વિદેશે ગયેલા પતિ ઉપર પત્નીનો પત્ર તથા પતિનો જવાબ એક નાનકડા ઊર્મિક જેવાં છે. પત્નીના પત્રમાં આવે છે :

દશ દીશામાં જે દીશેં વશ્યા વાલમ વીમળ ચરિત્ર,
દૃષ્ઠિ રહે તે દીશ વિષે રે દેખું આવતા ચીત્રવિચીત્ર
પતિના જવાબમાં તે કરતાં ય વિશેષ પ્રેમનો ઉદ્‌ગાર છે :
સર સરિત સરિતાપતી જળ અમળ થળથળ પૂર,
તેમાં બાપૈયાની નૈં મતી રે જેનું સ્વાતી અંબુદ બુંદ શૂર.


  1. * આ ઉપરાંત આ લેખકનાં નીચેનાં પુસ્તકોના ઉલ્લેખો મળે છે. એમાંથી કાવ્યનાં કે ગદ્યનાં કયાં કયાં છે તે કળી શકાતું નથી. ‘જૂના રીતરિવાજોની કવિતા રૂપે નિંદા’, ‘નામાર્થબોધ’ (૧૮૬૪), ‘ગુજરાતી અનેકાર્થ કોશ’, ‘સુધરેલ શાસ્ત્ર’, ‘ગુજરાતની ગાંડાઈ’, ‘ભાષાભૂષણ’-જોધપુરના મહારાણા જશવંતજીએ રચેલા અલંકારશાસ્ત્ર પર ગુજરાતીમાં ટીકા (૧૮૬૬), ‘વૈરાગ્યબોધ’, ‘પિંગલાર્થ તથા નીતિબોધ’, ‘માનમંજરી તથા અનેકાર્થમંજરી’, ‘સુંદરશૃંગાર’, તથા ‘હીરાશૃંગાર’, ‘કાવ્યકલાપ’ – નવ અંક, ‘લક્ષ્મીસહસ્ર’, ‘વિદગ્ધમુખમંડન’, ‘સટીક યોગવાસિષ્ઠ’, ‘પુરુષસૂક્ત સવ્યાખ્યાન’ ‘કોશાવળી’, ‘મિથ્યાભિમાનખંડન’ કાવ્ય ‘ઉત્તરનર્મદચરિત્ર’ (૧૯૩૯)માં ફરીથી છપાયેલું મળે છે. ‘પિંગળાદર્શ’ મારા જોવામાં આવ્યું નથી.
  2. * ‘મને તો તે આંધળાએ ભમાવ્યો હતો ને તેના જ કહેવાથી મેં મિથ્યાભિમાનખંડનમાં કેટલુંક તમારા જ ઉપર લખ્યું છે.’ ‘ઉત્તર નર્મદ ચરિત્ર’, પૃ. ૪. આ કવિ વિશે વિશેષ માહિતી પણ એ જ પૃષ્ઠ ઉપર મળે છે.
  3. X જેવા કે : દાત્યૂહ-પપૈયો, અકૂપાર-સમુદ્ર, ન્યૂસપેપર, ફરનિચર, સ્કલ્પચર, ડબલ.
  4. * બહુ ગુર્જરીનાં કવી શબ્દ મર્ડે, લઈ દેવભાષા ઘણું શક્ત ખર્ડે;
    ન તેથી ઘણાં માણસો અર્થ કર્ડે, ધરી નામ પોતાનું સ્યા કાજ ભર્ડે.