અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ
‘ક્લાન્ત કવિ’ – બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા | ( ૧૮૮૫ ) |
મણિલાલ નભુભાઈ દ્વિવેદી | ( ૧૮૮૭ ) |
‘કલાપી’ – સુરસિંહજી ગોહિલ | ( ૧૮૯૩ ) |
‘મસ્ત કવિ’સ – ત્રિભુવન પ્રેમશંકર | ( ૧૮૯૪ ) |
‘સાગર’ – જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી | ( ૧૯૦૯ ) |
આ સ્તબકના મસ્તરંગના આ પાંચ કવિઓ ગુજરાતી કવિતામાં એક નવી ભાત પાડી ગયા છે. આપણા પ્રાચીન ભક્તિમસ્ત કવિઓની પ્રેમમસ્તી એમણે નવી રીતે ગાઈ છે. ૧૮૪૫ પછીની કવિતામાં ગુજરાતી કવિતાની મસ્ત રીતિની શુદ્ધ પ્રાચીન પ્રણાલીને અનુસરનારા નભુલાલ, અનવર, અર્જુન વગેરે થોડાક કવિઓ થયા છે; એમને પણ ગણવા હોય તો આ કવિઓ ભેગા ગણી શકાય. અને જોકે તેમનું અવલોકન જૂના પ્રવાહના વિભાગમાં મૂક્યું છે છતાં તેમની કૃતિઓને આ કવિઓની સાથે વાંચવા જેવી છે. આ પાંચ મસ્ત કવિઓમાં પ્રાચીન પ્રણાલીના કવિઓનું, વધુઓછા અંશમાં જે કંઈ આંતરિક ખમીર હતું તે નવીન અસરો-સૂફીવાદની, દેવીભક્તિની, સંસ્કૃત તથા ફારસી કવિતાની, તથા અંગ્રેજી કવિતાની પ્રકૃતિરહસ્યવાદી અસરો હેઠળ નવા રૂપે પ્રકટ થયું. આ કવિઓને અર્વાચીન ગાળાના સૌથી વધુ રંગદર્શી કવિઓ કહેવા હોય તો કહી શકાય.