અર્વાચીન કવિતા/દામોદર ખુશાલદાસ બોટાદકર
‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩), ‘શૈવલિની’ (૧૯૨૫). બોટાદકર આપણા એક ઘણા લોકપ્રિય તથા શિષ્ટસંમત બનેલા કવિ છે. તેમની આર્થિક દરિદ્રતા તેમની કવિતા તરફ સાક્ષરોનો અને વિવેચકોનો વિશેષ સદ્ભાવ મેળવવાનું કારણ બની છે. તેમનાં શરૂઆતનાં કાવ્યો જેને નરસિંહરાવ પૂર્વાશ્રમનાં કાવ્યો કહે છે તે દલપતરીતિનાં તથા જૂના કવિઓની શૈલીનાં ‘કલ્લોલિની’ પૂર્વેનાં કાવ્યોને બાદ કરીએ તો તે પછીની નવી શિષ્ટ અર્વાચીન રીતિની કૃતિઓમાં આપણને આ નીચેની વસ્તુઓ જોવા મળે છે. માનવજીવનના સૂક્ષ્મ ભાવોમાં તેમણે ગૃહજીવન અને ગ્રામ્યજીવનના વિવિધ ભાવોને તથા પ્રસંગોને અને એથી વિશાળ ક્ષેત્રમાં જઈ ઉદાર ત્યાગ-બલિદાનથી ભરેલી પ્રણયભાવનાનાં વિવિધ પાસાંને સ્પર્શ કર્યો છે. તેમણે કાલિદાસને નજર આગળ રાખ્યો છે તેમજ તેમના સમકાલીન અર્વાચીન ગુજરાતમાં ખેડાતી રહેલી ગુજરાતી કવિતાનાં છંદો, રૂપો, વિષયો, રચનારીતિ વગેરેની હરોળમાં રહેવા સતત પ્રયત્ન કર્યો છે. અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેઓ અંગ્રેજી કવિતાનો સીધો પરિચય મેળવી શક્યા નથી. તોપણ મિત્રોની સહાયથી વડ્ર્ઝવર્થ જેવા કવિઓની કેટલીક કૃતિઓના સંસ્કારો તેમણે ઝીલ્યા છે. પણ કાલિદાસની કળાનું, કે ગુજરાતમાં કલાપી, કાન્ત, ન્હાનાલાલ કે અંગ્રેજીના વડ્ર્ઝવર્થ આદિની કળાનું હૃદય શેમાં રહેલું છે તે ઓ તેમના મિત્રોના કે વિવેચકોના સહવાસથી કે પોતાના અભ્યાસબળથી કે સ્વયંસ્ફુરિત સહજ જ્ઞાનથી પામી શક્યા લાગતા નથી. કળાની અને રસની લોકોત્તર ચમત્કૃતિ આ ઉત્તમ કવિઓમાં ઉત્તમ રૂપે કેવી રીતે પ્રકટ થઈ છે તેનું સંપૂર્ણ દર્શન તેમને થયું નથી અને તેથી તેમની ઉત્તમોત્તમ કૃતિઓમાં પણ તે રસની ગહનતામાં અને કળાની અલૌકિકતામાં કે ચમત્કૃતિમાં ગુજરાતના પ્રતિભાશીલ કવિઓની નજીક બહુ ઓછું પહોંચી શક્યા છે. બોટાદકરની પાસે ખંતપૂર્વક સંચેલી સમૃદ્ધ સંસ્કૃત તત્સમોથી ભરેલી તથા ‘રાસતરંગિણી’નાં કાવ્યોમાં લોકબોલીના રણકાવાળી પદાવલી છે, છંદોનું સૌષ્ઠવ છે, પદનું લાલિત્ય અને માધુર્ય છે, નિરૂપણમાં અર્થની વિશદતા અને પ્રસાદ છે, કુમળી મધુર ઊર્મિઓ છે, કેટલુંક હળવું, સામાન્ય રીતે ઉછીનું લીધેલું અને એટલે સપાટી પરનું રહેલું જીવનદર્શન છે, કેટલીક સાચી પણ બહુ ઊંડી નહિ એવી ભાવુકતા અને આદર્શપરતા છે, પરંતુ એમના શબ્દોમાં જેટલું બાહ્મ આંગિક લાલિત્ય, માધુર્ય અને ગાંભીર્ય છે તેટલું કલ્પનાનું કે વિચારનું લાલિત્ય અને ગાંભીર્ય નથી. તેમની નિરૂપણરીતિ તેમના આદર્શરૂપ કવિઓમાં જે કલોચિત સંયમ, કલ્પનાનો રણકાર, સુઘટ્ટ સ્થાપત્યવિધાન, અને અનુરણનભરી ઊંચી વ્યંજનાશક્તિ-ધ્વનિતત્ત્વ રહેલાં છે તેથી વંચિત રહેલી છે. બોટાદકરની કાવ્યરીતિ શિષ્ટતા-મિષ્ટતા અને સરળતાનો મોહક સ્વાંગ ધરાવતી હોવા છતાં તેના મૂલગત રૂપમાં તે આંગિક ચમત્કૃતિમાં અટકી જતી, શિથિલ પ્રબંધવાળી, બોધ અને રંજનપ્રધાન દલપતરીતિની નજીકની છે. બોટાદકરની કવિતા શૈલી પરત્વે ત્રણ તબક્કે વિકસી છે : પહેલો તબક્કો પ્રાચીન કવિઓની અને દલપતરામની શૈલીનો, બીજો સાક્ષરી રીતિનો, અને ત્રીજો લોકવાણીની સરળ રીતિનો છે. પહેલા તબક્કાની કવિતામાં પણ બોટાદકરનું શબ્દસૌષ્ઠવ ધ્યાન ખેંચે તેવું છે અને એ શૈલીની એ રચનાઓ સાવ મૂલ્યરહિત નથી. સાક્ષરી રીતિમાં બોટાદકરે ખૂબ મહેનત લીધી છે અને એ શૈલીમાં ઘણો કાળ પોતાની કવિતાની કૃતાર્થતા જોઈ છે. કાળે કરીને ફિસ્સી વાચ્યાર્થપ્રધાન અને ભારેખમ સંસ્કૃત શબ્દોથી ભરેલી એ રીતિ નિષ્પ્રાણ પણ બની ગઈ છે. એ શૈલીમાં લખાયેલાં કાવ્યોના વિષયોના બાહ્ય સ્વરૂપ પરથી ત્રણ ભાગ પડે છે : પ્રકૃતિ, ગૃહ અને ગ્રામ્યજીવન, અને વર્ણનાત્મક કાવ્યો. બોટાદકર પ્રકૃતિનાં કાવ્યોમાં પ્રકૃતિના નિરપેક્ષ સૌંદર્ય કરતાં, નરસિંહરાવની રૂઢ રીતે યથેચ્છ માનવભાવોનું આરોપણ કર્યાં કરે છે. આ આરોપણમાં ‘ઉષા’ જેવા કાવ્યમાં કદીક માધુર્ય આવે છે, પણ પ્રકૃતિના પદાર્થોને વિષય કરી યોજનાપૂર્વક લખેલાં સંખ્યાબંધ કાવ્યોમાં એ રીતિ છેવટે ચમત્કાર વગરની બની જાય છે. કોઈ પણ પ્રકૃતિનું સત્ત્વ લઈ કવિ એની આસપાસ માનવભાવના તંતુ વીંટાળવા લાગે છે, અને એ તંતુઓમાં પોતે માનવજીવનમાં જોયેલું ઊર્મિનું રસત્વ કે ત્યાગબલિદાનનું ઉચ્ચ ગંભીર તત્ત્વ ગૂંથે છે; પણ તેમાં દર્શનનું બહુ ઊંડાણ ન હોવાથી જ્યાં કાંઈ સહજ સૌંદર્ય સધાયું હોય છે તેટલા પૂરતું જ તે રસાવહ બને છે. પ્રકૃતિના પદાર્થોનાં અલંકારયુક્ત અથવા સ્વભાવોક્તિપૂર્વક કરેલાં વર્ણનોમાં બોટાદકર કેટલીક વાર પ્રશસ્ય ચિત્રશક્તિ બતાવે છે :
અહો! આ અધ્યાપિ ઉદયકકુભાલંબ કરતો
નિશીથે જો! આવે રજનીકર કૈં કંપિત થતો.
જેવી પંક્તિઓમાં તથા ‘ઉષા’ ‘શત્રુંજય’ જેવાં કાવ્યોના અમુક ભાગમાં કવિની રચના સંસ્કૃત કવિતાનું ગૌરવ પણ ધારણ કરે છે. કાવ્યસમગ્રની રીતે જોતાં એમાંની પ્રચ્છન્ન તેમજ પ્રકટ અન્યોક્તિ અર્થાન્તરન્યાસપ્રધાન સંસ્કૃત સુભાષિતોની કોટિની ઘણી લંબાયેલી કૃતિઓ બની જાય છે. આમાં ‘અનવસર’ જેવી (‘સ્રોતસ્વિની’માં) કૃતિ વિરલ અપવાદરૂપે ચિંતનની અને નિરૂપણની સુભગતા સાધે છે. ‘આવળને’ તથા ‘તન્મયતા’ જેવાં વડ્ર્ઝવર્થના વિષયોને લઈને લખેલાં કાવ્યોને મૂળ સાથે સરખાવતાં કાવ્યના રહસ્યમાં તથા તેના સંયમિત ધ્વનિપૂર્ણ નિરૂપણમાં અને કલાસામર્થ્યમાં બોટાદકરને કેટલી ઓછી સૂઝ છે તે બહુ સારી રીતે જણાઈ આવે છે. બોટાદકરે પ્રણય મૈત્રી વગેરે ભાવો ઠીક પ્રમાણમાં ગાયા છે, પણ તેમાં વિશેષતઃ કલાપીનું શિથિલ અનુકરણ લાગે છે. આ તથા બીજા ‘સૂક્ષ્મ ભાવો’નું, સ્ત્રીપુરુષના હૃદયની ઊર્મિઓનું જ્યાં જ્યાં નિરૂપણ છે ત્યાં તે બહુશઃ મનઃસૃષ્ટિ ઊર્મિના વાચ્ય આલેખન જેવું છે. તેમનું કાવ્ય ઊર્મિનું પુનઃસર્જન સાધીને રસત્વની કોટિ લગી બહુ ઓછું પહોંચે છે. આ વર્ણનોમાં ક્યાંક ચારુતા આવે છે, પણ તેથી કાવ્યના અંતઃસ્થ રસનું સંવર્ધન નથી થતું, લગ્નજીવનનાં ક્રમબદ્ધ સોપાનસરણી જેવાં કાવ્યોમાં રસ વાચ્યાર્થથી માત્ર કથિક જ બને છે. ગ્રામજીવનને લગતાં કાવ્યોની અંદર કવિએ મૂકેલી ભાવુકતાની પણ આવી સ્થિતિ છે. બોટાદકરે કથાત્મક કાવ્યો પણ ઠીકઠીક લખ્યાં છે. એમાંનાં ઘણાંખરાં તો પ્રચલિત કથાનકનાં તેવાં ને તેવાં જ કશા ય નવીન રહસ્ય વિનાનાં માત્ર પદ્યબદ્ધ નિરૂપણ છે. કેટલીક વાર ઘણા સુંદર પ્રસંગો કે જેમાં રસ સર્જવાનો ખૂબ અવકાશ હોય છે ત્યાં પણ કવિ તે તક ઝડપી લઈ શકતા નથી. આવાં વર્ણનાત્મક કાવ્યોમાં ‘મહામારી’ અને ‘પુનર્લગ્ન’ વધારે સારાં થઈ શક્યાં છે. ‘નિર્ઝરિણી’નાં કાવ્યોમાં બોટાદકર કંઈ રહસ્ય ઉમેરવા મથે છે. ટાગોરના ‘કાવ્યેર ઉપેક્ષિતા’માંથી સૂચન મેળવી લખેલું ‘ઊર્મિલા’ કે ‘બુદ્ધનું ગૃહાગમન’ તથા ‘એભલવાળો’ એ કવિનાં વિશેષ જાણીતાં તથા જરા ઊંચી કોટિનાં છે. પણ પહેલાં બેમાં કવિની દૃષ્ટિ સ્પષ્ટ રીતે બોધપ્રધાન છે; ‘ઊર્મિલા’માં નાયકની વહારે જતા ટાગોરના વિચારબિંદુનો માત્ર વિસ્તાર છે, તેમજ બુદ્ધના મનોભાવનું આલેખન પણ વાચ્ય અને ગૌરવહીન તત્ત્વવાળું છે; ‘એભલવાળો’ બોટાદકરની શક્તિનું લગભગ સારામાં સારું પ્રતીક છે. ‘શૈવલિની’માંથી ‘કાલનિદ્રા’ અને ‘દીવાદાંડીનો રક્ષક’ સારાં છે. કવિના સંખ્યામાં વિપુલ છતાં વિચાર અને ભાવનાના પટમાં મર્યાદિત એવા કૃતિસમુચ્ચયમાં સાચી ઊર્મિથી પ્રેરાયેલી કેટલીક સારી કૃતિઓ પણ મળી આવે છે. એમાં કવિની પ્રભુ તરફની ભક્તિ, તેમજ ઊર્ધ્વ જીવન તરફની આશાઅપેક્ષાને વ્યક્ત કરતાં ‘મુમૂર્ષા’, ‘પ્રભુને’ અને ‘અભિલાષ’ને સૌથી ઊંચું સ્થાન આપી શકાય. બોટાદકરની કવિતાનો ત્રીજો તબક્કો ‘રાસતરંગિણી’નાં કાવ્યોમાં છે. અહીં સાક્ષરરીતિની ભારેખમ શૈલીનો ત્યાગ કરી લોકવાણીની હળવાશવાળી છતાં ઘણી વાર વધારે અર્થસાધક બાની બોટાદકર પ્રશસ્ય સફળતાપૂર્વક અપનાવી લે છે. પ્રથમ દર્શને તો એ એક ચમત્કાર જેવું જ લાગે છે. આ રાસકૃતિઓમાં બોટાદકરને ન્હાનાલાલના રાસમાંથી પ્રેરણા મળેલી છે, તોપણ એ જ વિષય તેમણે આ પૂર્વેના ચાર સંગ્રહોમાં અનેક રીતે ગાયો છે. બલ્કે, ગૃહજીવનને લગતાં એ સાક્ષરી રીતિનાં કેટલાંક કાવ્યો આ રાસોના પૂર્વાવતાર જેવાં પણ છે. ગૃહજીવનને લગતાં એ કાવ્યોમાંના કેટલાક ભાવ તેમણે ફરીથી આ નવા ઘાટમાં મૂકેલા છે. અને એ બંનેની તુલના પણ મનોરંજક બને છે. બોટાદકરની બધી કૃતિઓમાં આ રાસ તેમની શક્તિના સૌથી વધુ સાચા સ્મારક તરીકે રહેશે. આ રાસોમાં કેટલાક ગીત કરતાં કાવ્યની કોટિના વિશેષ છે. એમાંના કેટલાક, બેશક, સારાં ઊર્મિકાવ્યો બન્યાં છે, તો કેટલાક કવિનાં બીજાં પ્રકૃતિકાવ્યોના જેવી જ યદૃચ્છારોપિત બોધક ભાવમયતાની ગૂંથણીમાં સરી પડ્યા છે. આ રાસોનો સૌથી વધુ લોકપ્રિય થયેલો વિભાગ ગૃહજીવનને અંગેના વિષયોનો છે. એમાં ભાવનાત્મક અને વાસ્તવિક એવા બે ભાગ પડે છે. ગૃહજીવનના સંબંધોને તેમણે ઘેરી આદર્શાત્મકતાથી નિરૂપ્યા છે, પણ એ ભાવનાઓ એટલી તરંગિત છે કે તે રસનો યોગ્ય વિભાગ બની શકતી નથી. એ કરતાં જીવનની મર્યાદાઓ અને વ્યથાઓનો જ્યાં જ્યાં વાસ્તવિક સ્પર્શ થયો છે ત્યાં વધારે સારું કાવ્ય થઈ શક્યું છે. એવાં કાવ્યોમાં વાત્સલ્ય અને પ્રણયના ભાવનું નિરૂપણ સૌથી ઉત્તમ છે. ‘માતૃગુંજન’ અને ‘ભાઈબીજ’ એનાં ઉત્તમ દૃષ્ટાંત છે. આમાં ય, ‘ભાઈબીજ’માં કવિ સ્ત્રીહૃદયની બહેન અને પત્ની તરીકેની લાગણીને સૂક્ષ્મ ભેદપૂર્વક બહુ સુંદર રીતે વ્યક્ત કરી શક્યા છે. ‘માતૃગુંજન’માં સાસરે જતી દીકરી પ્રત્યે માતાને થતી લાગણીનું કરુણાઘેરું ચિત્ર ઉત્તમ કળામય છે. જોકે આમાં ઊર્મિના નિરૂપણમાં કવિ વધારે પડતા ઘેરા રંગો રેલાવે છે, તથાપિ તેમની શક્તિનું સૌથી વધારે રસવત્ પ્રાકટ્ય આ અને એવાં બીજાં કાવ્યોમાં છે.
ધોરી! ધીરે ધીરે તમે ચાલજો રે મારું ફૂલ ન ફરકે,
ઊડી જશે પળ એકમાં રે એનું કાળજું ધડકે.
સૂનું થયું જગ સામટું રે ભૂમિ ડોલતી ભાસે.
‘માતૃગુંજન’
આપણા ગૃહજીવનનો મોટામાં મોટો માંગલિક અને છતાં કારુણ્યથી ભરેલો આ પ્રસંગ આપણી કવિતામાં પુનઃ પુનઃ ગવાયો છે. બોટાદકરનો પણ એમાં મૂલ્યવાન ફાળો છે. શંકરલાલ મગનલાલ પંડ્યા – ‘મણિકાન્ત’નાં ‘મણિકાન્તકાવ્યમાળા’ (૧૯૧૭-પાંચમી આવૃત્તિ) અને ‘સંગીત મંગલમય’ (૧૯૧૩) પુસ્તકોની ‘ગઝલો’માં દલપતરીતિનો આ નવા જમાનાને અનુરૂપ બજારુ અવતાર છે. લેખક પોતાની મર્યાદાઓ સમજે છે છતાં પોતાની મર્યાદિત શૈલીમાં હિંમતભેર લખ્યે ગયા છે. ‘ગઝલ’ ને તેના મૂળ આધ્યાત્મિક અર્થવાળા કાવ્યરૂપમાંથી ગમે તે વિષયને સ્પર્શતા માત્ર અમુક છંદના જ પર્યાયસૂચક તરીકે બનાવી મૂકવામાં આ લેખકની ઘણી જવાબદારી છે. એમની ભાષા સીધી સરળ તથા બજારુ ચમકદાર શબ્દોની છાંટવાળી છે. દલપતના જેવી ઝડઝમક પણ તે વાપરે છે. લેખકની શૈલી દલપતરીતિના જેવી રંજનપ્રધાન, વાચ્યાર્થમાં રમતી, બોધ આપનારી અને સપાટી પર રમ્યા કરનારી છે. આ શૈલીમાં બજારુ ચેવડાની પૂરીપકોડીની અને કદીક દહીંવડાની લિજ્જત બેશક છે, પણ તે ખૂબ લોકપ્રિય થવા છતાં કવિતાદેવીના અન્નકૂટમાં સ્થાન પામી શકે તેવી કલાપુનિત અને ગૌરવાન્વિત ભાગ્યે બને છે. અર્વાચીન શહેરી સંસ્કૃતિનાં વ્યસનો, આર્થિક બેકારી, વિષમતા, ચાલુ સામાજિક કુરૂઢિઓ, તથા સમાજમાં વ્યાપેલી હરકોઈ તત્કાલીન સામાજિક, રાજકીય કે ધાર્મિક લાગણીને સ્પર્શતા વિષયો લઈ તેમણે ઘણું લખ્યું છે. દલપતરામની રીતે તેઓ કેટલીક વાર અસરકારક ચમત્કૃતિ પણ નિપજાવે છે :
અમે વ્યંજન બધા જોયા, નજર ગગ્ગા પર સાંધી,
સ્વદેશી કાર્યમાં સ્નેહે શુરા છે–ગોખલે ગાંધી.
લેખકે ‘નિર્ભાગી નિર્મળા’ જેવી પ્રણયવૈફલ્યની સરળ હળવી કરુણ કથાઓ પણ લખી છે. ‘મની કલદાર લાવોને’ નામના કન્યાવિક્રયના અંગેના કાવ્યમાં તેમનો કટાક્ષ બળવાન બને છે. ‘વાંઢાની વિનંતી’માં દલપતની ઢબનો હાસ્યરસ છે. લેખકે શૃંગાર ઉપર ગાંભીર્યથી લખેલું છે, પણ તે બહુ સ્થૂલ અને વિવેક વગરનું છે. લેખકની દૃષ્ટિમાં ઊંચું જીવનદર્શન કે ઊંડો તત્ત્વપરામર્શ નથી, પણ તેમની હળવી કટાક્ષાત્મક કૃતિઓએ તથા કળાના સંયમ વગરની છતાં અતિ વાચ્ય ઊર્મિલતાના બળે પ્રચલિત થયેલી કૃતિઓએ તેમને લોકપ્રિય કર્યા છે. મહારાણીશંકર અંબાશંકર શર્માનાં ‘સતીસંગીતાવલિ’ (૧૯૧૨), ‘શંકરસંગીતાવલિ’ (૧૯૧૩), અને ‘સન્ધ્યાસ્તવનાંજલિ’ (૧૯૨૦)માં કેટલાંક સુંદર ગીતો છે. આ આર્યસમાજી લેખક જૂના અને નવા કાવ્યમાનસની વચલી અવસ્થામાં રહી મુખ્યત્વે સુધારક માનસથી લખે છે. એમની રચનાઓમાં સંસ્કૃતની શિષ્ટ મધુર છાંટ છે, ક્યાંક યમકનો સંસ્કૃત રીતે અતિરેક છે, અને કલ્પનાનું થોડુંક ચારુત્વ છે, જોકે તે એકાદ-બે પ્રસંગે જ.
આકાશના મેદાનમાં ફૂટબોલ ઉછળે જ્યોતિના,
જેવી પંક્તિમાં લેખક કલ્પનાના વિવેકનું દારિદ્ર્ય બતાવે છે. પણ તે સાથે તેમનામાં
આ રવિશશીના ઉદયઅસ્તો તુજ નિમેષોન્મેષ છે.
જેવી પંક્તિઓ પણ છે.
મંગલ પૂર્વદિશામુખી! તારાં ઉષસહાસ્યને નમું નમું,
...મંજુલ લાલ મૃણાલ બાલ રવિ-કિરણ પદાંગુલિ ચુમું ચુમું,
...પાવન મલય પવન તવ શ્વસન-પરિમલમાં અલિ ભ્રમું ભ્રમું.
જેવી પંક્તિઓમાં કોમળ લલિત સૌંદર્યનું દર્શન પણ છે. પણ તેમનામાં આખી કૃતિને કલ્પનાના અને વાણીના સમુચિત નિયોગથી કળારૂપ આપવાની શક્તિ ઓછી છે. ગીતોની કેટલીક લઢણ સારી છે. બીજા પુસ્તકમાં તેમણે “દયાનંદનું શિવપૂજન’માં કાન્તની શૈલીનું ખંડકાવ્ય રચવા યત્ન કર્યો છે. એ કૃતિ કંઈક વિશેષ સારી બની છે. તેમની બધી કૃતિઓમાં નોંધવાલાયક એ જ કૃતિ છે. ‘સન્ધ્યાસ્તવનાંજલિ’નું છેલ્લું પદ ‘તુંહિ તુંહિ’ કર્તાની સારામાં સારી કૃતિ કહેવાય. ગુજરાતી સાહિત્યની વિવિધ રીતે સેવા કરી ગયેલા સ્વ. ચન્દ્રશંકર નર્મદાશંકર પંડ્યાના ‘સ્નેહાંકુર’ (૧૯૧૪)માં સ્નેહનો વિષય લઈ રચાયેલી ૧૪ કૃતિઓ છે, પણ એટલા ઉપરથી એમની કાવ્યશક્તિનો ખ્યાલ આવી શકે તેમ નથી. આ સંગ્રહ પછી ‘વસંત’માં તેમનાં કાવ્યો પ્રસિદ્ધ થતાં રહ્યાં હતાં. અને એમાંની ઘણીએક સરસ રચનાઓ હજી અસંગ્રહિત રહી છે. ‘સ્નેહાંકુર’માંનાં કાવ્યોમાં ચન્દ્રશંકર ઘણુંખરું ‘મણિકાન્ત’ની ભૂમિકાએ વિચરે છે, જ્યારે તેમનાં કેટલાંક છેવટનાં કાવ્યોમાં તે કાન્ત અને ન્હાનાલાલની નજીક આવી જાય છે. ‘કોકિલે, રેલવ મીઠાં ગીત’ ‘વરસો કે વિખરાઓ વાદળાં!’ ‘કાળજડાં હો! કહોને કૂંળાં કાં થયાં?’ ‘દયામય, મુક્તિ સનાતન તું દે’ જેવી ગીતોની પ્રથમ પંક્તિઓમાં તેમની પ્રાસાદિક વાણીનું સ્વરૂપ જોવા મળે છે. તેમનામાં ઊર્મિને લડાવવાની એક નાજુક હથોટી પણ છે. જોકે કાવ્યમાંના વિચારો અને ઊર્મિઓ હમેશાં રસની ચમત્કૃતિ ધારણ કરતાં નથી, તથાપિ કેટલીક મર્યાદિત ભૂમિકા ઉપર તેઓ ઘણું સારું લખી જાય છે; જેમકે,
લાગણીઓ કાં લડાવે?
હૃદય હો! લાગણીઓ કાં લડાવે?
ભાવભૂખ્યું આ કૂંળું હૈયું પ્રેમપાશ ગૂંચાય;
નવ લીન થાતું નવ છૂટાતું, દિલ લાચાર મૂંઝાય. હૃદય હો.
સ્નેહસુધાનું ભૂખ્યું મૃગલું અવશ તણાયું જાય;
નિર્મલ માની મમતા કરતાં જો જો રખે પસ્તાય. હૃદય હો.
‘વ્હાલાંને આમંત્રણ’માં તેમના સ્નેહાળ અને સ્નેહપિપાસુ હૃદયની અભિલાષા ઉત્તમ રીતે વ્યક્ત થઈ છે :
આવો આવો વ્હાલાં! સાથે ઊડીએ,
ભોગવવાને કૈં કૈં ભવ્ય વિલાસ જો;
ઊંચાં ઊંચાં તેજોમય આકાશ છે,
ઊંચા ઊંચા આત્માના અભિલાષ જો.
‘હરમીસ’ – હોરમસજી સોરાબજી મીસ્ત્રીએ “મધૂરિકા’ (૧૯૧૪)માં શિષ્ટ ગુજરાતીમાં પચાસેક ગીતો આપ્યાં છે, પણ તેમાં પારસી બોલીમાં લખતા કવિઓ જેટલી ચમક પણ નથી આવી. લેખકે પોતાની સદ્ગત દીકરી ‘ખુરશેદ’ને કરેલું અર્પણ ધ્યાન ખેંચે તેવું છે. ખબરદારની ‘દર્શનિકા’નું અર્પણ પણ આ જ જાતનું છે. કરીમ મહમદ માસ્તર ગુજરાતી સાહિત્યમાં જે મુસલમાન લેખકોએ ફાળો આપેલો છે તેમાંની એક અગ્રગણ્ય વ્યક્તિ છે. તેમના જેવી બીજી સંસ્કારસંપન્ન વ્યક્તિઓ મુસલમાન કોમે સાહિત્યક્ષેત્રમાં બહુ થોડી આપી છે. ‘કવિતાપ્રવેશ’ જેવા સંગ્રહનું સંપાદન કરી ગુજરાતી સાહિત્યની કવિતાપ્રવૃત્તિ સાથે સંપર્ક સાધવા ઉપરાંત તેમણે કેટલીક પ્રકીર્ણ કૃતિઓ પણ લખેલી છે. એમની ૧૯૦૩થી ૧૯૧૫ સુધીની કૃતિઓ ‘કરીમ મહમદનાં કાવ્યો અને લેખો’ (૧૯૩૬) બીજા સ્તબકની પ્રારંભિક દશાની કવિતાના વાતાવરણની છે. ગુજરાતી ભાષાનું એક સરળ પ્રાસાદિક પ્રકારનું શિષ્ટ વહન તેમનાં કાવ્યોમાં છે. તેમની પચીસેક જેટલી કૃતિઓમાંથી અર્ધા જેટલી કૃતિઓ અંગ્રેજી તથા ફારસી કવિતાના સારા એવા અનુવાદો છે; બાકીનામાં કેટલાંક આત્મલક્ષી ઊર્મિકાવ્યો અર્વાચીન ઢબે સારાં બનેલાં છે. ‘બેદરકાર’ જેવાં કાવ્યોમાં ક્યાંક કલાપીની ગઝલની શૈલી પણ આવી છે. ઊર્મિકાવ્યોમાં ‘ઓ બાળકી’ ‘બંધુવિરહ’ તથા ‘સહચરી’ અંગત વિરહની ઊર્મિમાંથી જન્મેલાં હોઈ રસાવહ બનેલાં છે. મણિભાઈ ખંડુભાઈ દેસાઈએ સાહિત્ય પરિષદના ઇનામ માટે લખેલા ‘અનુક્રમણિ રામાયણ’ (૧૯૧૫)ની પંદરસો લીટીઓમાં રામાયણના વસ્તુને પદ્યમાં મૂકવાથી વિશેષ કશું સિદ્ધ થયું નથી. કાવ્યમાં ભાષાની થોડી મીઠાશ છે. અર્પણમાં લેખકે નવા કવિઓથી થતાં પાપ ગણાવ્યાં છે તે જરા રમૂજી છે. મુખ્યત્વે નરસિંહરાવ સામે તેમાં પ્રહાર છે. મનસુખરામ કાશીરામ પંડ્યાનું ‘કાવ્યદેવી અને તેનો પ્રિયતમ’, (૧૯૩૫) ૧૩૫ કડીનું એક ખંડકાવ્ય છે. છંદ અને ભાષામાં કલાપી અને કાન્તનું આછું અનુસરણ છે; પણ વિષયની માંડણીમાં સ્થિરતા નથી, વસ્તુનો તંતુ અસ્પષ્ટ અને ગૂંચવાયેલો છે, કાવ્યના વસ્તુને એક રૂપક તરીકે નિરૂપવામાં પણ પૂરતી વિશદતા કે સમસૂત્રતા રહી નથી. શિષ્ટતાની દૃષ્ટિએ ભાષામાં કદીક અસુભગ છાંટ આવી જાય છે છતાં કુદરતનું વર્ણન કરતી કેટલીક પંક્તિઓ સારી છે :
આકાશે ઘનઘોર અસ્તર વિષે ગાજી રહ્યા મેઘ છે,
તીણી ખડ્ગ સમી પીળી વિજળીઓ, વ્યોમાંડ ચીરે અરે!
વાયુ મન્દ સુગન્ધને હૃદયમાં છૂપાવી છાનો રહે,
પૃથ્વીમાં નભમાર્ગથી અવનવી છાયા ફરન્તી દિસે.
સીતારામ જે. શર્માના ‘પ્રસૂનાંજલિ’ (૧૯૧૫)નાં છત્રીસેક ગીતોમાં આ તબક્કાના લગભગ દરેક જાણીતા કવિ નરસિંહરાવ, મણિલાલ, ખબરદાર, કાન્ત, લલિત, કલાપી તથા ન્હાનાલાલનાં અનુકરણો છે. કર્તાના મન પર ન્હાનાલાલનો રંગ સૌથી વધુ ચડ્યો દેખાય છે. લેખકનાં કેટલાંક બાળગીત પ્રાસાદિક અને જાણીતાં છે. બીજાં કાવ્યોમાં સાધારણ પદબંધથી વિશેષ કાંઈ નથી. શબ્દવિવેકનો મોટો અભાવ દેખાય છે. ‘સ્વદેશગીત’ (૧૯૨૧)માં પણ લેખકનું કાવ્ય આવું જ અનુકરણ રૂપનું રહ્યું છે. રવીન્દ્રનાથ ટાગોરનાં તથા બીજાં કાવ્યોના અનુવાદો લેખકે કર્યા છે, પણ તેમાં મૂળનો રસ બહુ થોડો આવી શક્યો છે. આવાં કેટલાંક કાવ્યોમાં મૂળના અર્થનો નિરર્થક વિસ્તાર પણ થયો છે. મણિલાલ હરગોવિંદ ઉર્ફે પ્રેમવિલાસીના ‘પ્રેમનાં ઝરણાં’ (૧૯૧૫)માં સોએક પૃષ્ઠોમાં ન્હાનાલાલની ડોલનશૈલી તથા રાસનો અતિ ક્ષુદ્ર રીતે પ્રયોગ છે. લેખકે કાવ્યોમાં કશા ઔચિત્ય વગર ‘પ્રેમ પ્રેમ’ કર્યા કર્યું છે. કાવ્યોની ભાષામાં પ્રસાદ છે. લેખકનું સારામાં સારું કાવ્ય પણ ન્હાનાલાલના પગ પાસે માંડ બેસે તેવું છે. હરગોવિંદ કાનજી ભટ્ટે ‘રામાયણનો રસાત્મક સાર’ (૧૯૧૫)માં રામકથાને પલટાતાં રૂપમેળ વૃત્તોમાં ગોઠવી છે. ભાષા અને છંદોરચના સારી છે, પણ કાવ્યમાં વાર્તાની રૂઢ શિષ્ટ રીતિ સિવાય રસનો ચમત્કાર કે નવા ચૈતન્ય જેવું કશું નથી. ગોવરધનદાસ ડાહ્યાભાઈ એંજિનિયરનું ‘શ્રીરામકથામૃત’ (૧૯૧૭) સાહિત્ય પરિષદે જાહેર કરેલા ઇનામ માટે લખાયેલાં ૨૨ કાવ્યોમાં સફળતાને વરેલું કાવ્ય છે. અને તેમાં એ પ્રકારની ગુણવત્તા સાચે જ છે. કાવ્યના અઢાર સર્ગ કરવામાં આવેલા છે અને દરેક સર્ગ સ્વતંત્ર ખંડકાવ્યની રીતે લખાયો છે. રામાયણના પ્રસિદ્ધ વસ્તુને આ રીતે રજૂ કરી તેમાં લેખક નવી તાજગી લઈ આવ્યા છે. દરેક સર્ગ એકસરખી એકાગ્રતા અને ઊંચાઈ ધરાવતો નથી. કાવ્ય ઘણે ઠેકાણે શબ્દાળુ પણ થઈ જાય છે, છતાં છંદ, ભાષા, વસ્તુવિન્યાસ, બધું રમણીય શિષ્ટ પ્રૌઢિયુક્ત છે.
ઘણીક વીતી શરદો સુભાગ્યની, પ્રજાતણા પાલન-લાડ-કોડમાં;
પરંતુ ના સાંપડી ધન્ય તે ઘડી નૃપેન્દ્રને નંદનચંદ્રદર્શની.
જેવા મનોહારી શ્લોકો પણ કાવ્યમાં ઠીક ઠીક છે.
બુલાખીરામ રણછોડ પંડ્યાનું ‘કુલિનની કન્યા’ (૧૯૧૭) ‘મણિકાન્ત’ની ‘નિર્ભાગી નિર્મળા’ની પદ્ધતિનું ૨૧૮ કડીનું ‘એક દુઃખી તરુણીની હૃદયદ્રાવક આત્મકથા’ કહેતું પ્રાસાદિક કાવ્ય છે. મણિભાઈ હરિભાઈ દેસાઈ – ‘મસ્તમણિ’ના ‘હૃદયપુષ્પાંજલિ’ (૧૯૧૭)માંનાં એંસીએક પ્રકીર્ણ કાવ્યોમાં છંદ અને ભાષા પર સારો કાબૂ છે, પણ કાવ્યનો વિષય સમગ્રતા પામીને કળાનો પુદ્ગલ બનતો નથી. લેખકના ‘રાષ્ટ્રીય ગીત યાને દેશભક્તિનાં કાવ્યો’ (૧૯૧૮)નાં વીસેક ગીતોમાં ટાગોર અને હ. હ. ધ્રુવનાં દેશભક્તિનાં કાવ્યોની અસર છે. કાવ્યોમાં ભાષાની રોચકતા છે, પણ વિચાર કે ભાષાની સમૃદ્ધિ અલ્પ છે, અને વીરરસને નિપજાવે તેવું કશું નથી.
જ્યાં જ્યાં નઝર મારી પડે ત્યાં હિન્દ દર્દે ઝૂરતું!
નિજ ખુશ બદન મિશ્કીન થતાં કો ચશ્મ આબે ઝૂરતું!
તથા
કસુમ્બી કસુમ્બી કસુમ્બી રંગ હો ગયો!
આભે જો!
પીળી રેખાઓ!
ભારત જોને ભોર ભયો!
જેવી કંટલીક પંક્તિઓ પણ મળે છે. લેખકે કાવ્ય રચવાનો સૌથી ગંભીર અને શિષ્ટ શૈલીને અનુસરવાની મહત્ત્વકાંક્ષાભર્યો પ્રયત્ન ‘સંગીતધ્વનિ’ (૧૯૧૯)માં કર્યો છે. આ લાંબું કાવ્ય ‘સ્નેહામુદ્રા’ના સ્વરૂપનું અને શૈલીનું અનુસરણ કરે છે. તેના અંતભાગમાં નરસિંહરાવની સ્મરણસંહિતાનું પણ અનુકરણ છે. કાવ્યની સમગ્ર શૈલીમાં તથા કાવ્યથી દશેક ગણા વિસ્તારવાળી તેની ટીકા લખવામાં પણ લેખકે નરસિંહરાવની અસર ઘણી ઝીલી છે. આ બંને રીતની અસરો ઝીલતાં આના જેવાં કાવ્યો ગુજરાતીમાં થોડાં છે. કાવ્યમાં જગતના કોયડાનો ઉકેલ શોધતા એક પ્રેમીનું વિમર્શન છે. છંદો ક્યાંક ખોટા છે. ભાષાનું સૌષ્ઠવ નરસિંહરાવ જેવું છે, પણ નિરૂપણ શિથિલ છે. કાવ્યની કેટલીક પંક્તિઓ સારી કહેવાય. કાવ્યની ટીકામાં લેખકે તત્ત્વજ્ઞાનનું ઘણું સંદિગ્ધ કોટિનું પીંજણ કર્યું છે અને નરસિંહરાવ પેઠે પોતાનાં જ પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ કાવ્યોની લીટીઓ મૂકી સરખામણીઓ કરી છે. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશીના ‘કવિતાકલાપ’ (૧૯૧૮)માં સિત્તેરેક છૂટાં કાવ્યો છે, જેમાંનાં કેટલાંક ગીતો સારાં છે. લેખકની શૈલી સરળ પ્રાસાદિક છે, પણ તેમની દૃષ્ટિ બોધાત્મક છે. પ્રભુભક્તિ તથા દેશભક્તિનાં કાવ્યો સાધારણ છે. લેખકે બીજાં છૂટક કાવ્યો પણ લખેલાં છે. ભાનુનંદ પ્રાણજીવનદાસ રંજૂરના ‘ગઝલે રંજૂર’ (૧૯૧૮)માં કલાપી, સાગર વગેરેની ઢબે ‘ગઝલો’ લખવાનો પ્રયત્ન છે, પણ એમાંની ૮૦ ગઝલોમાંથી ભાગ્યે એકાદ સારી કૃતિ બની શકી છે. લેખકનું કાવ્ય ઘણુંખરું ‘મણિકાન્ત’ની સપાટીએ ચાલે છે. ભાવની ગાઢતા કે ચમકારા ક્યાંય દેખાતાં નથી.
હમારી આંખમાં વ્હાલા! તમે આવી રહ્યા છો તો,
ન અંજન આંજતાં જેથી ઘટે દર્શન ગતિ જોજો.
જેવા રમણીય તર્કો ક્યાંક મળી આવે છે. ‘તરંગાવલી’ (૧૯૧૮)નાં ૨૭ કાવ્યોમાં રામમોહનરાય જસવંતરાયનાં ૨૪ અને એક બીજા લેખકનાં બીજાં ત્રણ કાવ્ય છે. રામમોહનરાયની કૃતિઓ વધુ ધ્યાન ખેંચે તેવી છે. તેમનામાં શબ્દનું બળ છે, છંદ ઉપર કાબૂ છે, તથા નિરૂપણની સારી હથોટી છે, પણ કાવ્યમાં વિચાર તથા ભાવની સ્પષ્ટતા, એકાગ્રતા અને ઘનતા બહુ ઓછા પ્રમાણમાં સધાયાં છે. માતા, બહેન અને પત્નીને વિશે લખેલાં કાવ્યો સારાં છે. કેટલાંક તદ્દન સાધારણ પ્રાસંગિક કાવ્યો છે. લેખકની શબ્દશક્તિ વર્ણનોમાં સારી ખીલે છે; જેમકે,
ધીમા ને ઝીણાઝીણા ઝરમર ઝરતા, વ્યોમથી નાદ આવ્યા,
અન્ધારાં ઘોર વાધ્યાં, ધૂળધૂસર બધાં, ગાઢ ભૂકંપ લાગ્યા;
ઝૂલી વીજો કરાળી, નભસ ભૂમિ ધરન્તા જલસ્તંભ ઊભા,
ને જાગી ત્રાસઘેલી નવીન બળભીની યૌવના, મેઘ ગર્જ્યા!
વસનજી દયાળજી ગણાત્રા – ‘વસંત’ના ‘વસંતવિહાર’ (૧૯૧૮)માં ૧૬૦ જેટલાં ‘ગઝલ’કાવ્યો છે. કાવ્યોની ભાષા અમુક લીસી રીતે વહે છે. સાગર અને ‘મણિકાન્ત’ની વચલી કોટિએ લેખકનું નામ આવે છે. કેટલીક ગઝલો ‘નજર તું આવશે ક્યારે’ તથા ‘રિહાઈ કે બેવફાઈ’માં લેખક ભાવનો આવેશ પ્રગટાવી શક્યા છે :
‘જિગર શોધું ત્હને દર દર, નજર તું આવશે ક્યારે?
લખ્યું બહુએ ત્હને દિલબર! નજર તું આવશે ક્યારે?
ત્હને હું ખેલતી દેખું રસીલી પુષ્યક્યારીમાં,
ધરીને રૂપ કળિયોનું નજર તું આવશે ક્યારે?’