અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં
એમનાં પદો પાછળ તત્ત્વદર્શનનો સાચો રણકાર છે. તેમણે ગુજરાતી તથા ઉર્દૂ બેય ભાષામાં લખ્યું છે. બેય ભાષા ઉપર એમનો સારો કાબૂ છે. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો તેમની સારી રચનાઓ ઉર્દૂમાં વધી જાય ખરી. ગુજરાતી પદો બધાં એકસરખાં રસાવહ નથી. તેમાં ધ્યાન કરવાની કે ભક્તિની નાની નાની વિગતો અરસિક રીતે આવે છે, પરંતુ કેટલીક કૃતિઓમાં તેમજ બાની ખૂબ જ ઊંચી કલામયતા સાધે છે. ગુજરાતી પદોમાં એમણે લખેલી ગરબીઓમાં દયારામના જેવી જ મીઠાશ છે. વળી નોંધવા જેવી બાબત એ છે કે આ ગરબીઓને તથા તેમાં આવતી પ્રેમાભિવ્યક્તિની આપણી આ પરિભાષાને તેમણે સૂફીવાદની પરિભાષામાં ભાષાંતર કરી મુસલમાનો માટે ઉર્દૂમાં સમજાવી છે. ગુજરાતી સાહિત્યમાં આ એક અપૂર્વ બીના છે. તેમની વાણીમાં ચમત્કૃતિ આપોઆપ આવી જાય છે. કબીર વગેરે સંતોની વાણીનું લાઘવ, પાસાદાર ઉક્તિઓ તથા બળ એમની વાણીમાં છે. એમની ગુજરાતી તથા ઉર્દૂ બંને પ્રકારની કૃતિઓમાંથી થોડાંક ઉદાહરણો જોઈએ. આ એક ગરબી છે :
દિલડાં પ્રભુજીને દીધાં રે, પ્રેમરસ ભર પીવા,
હરિએ હરખથી લીધાં રે, થયાં અમે મરજીવા.
થઈ આનંદથી હેલી રે, રંગીલાથી રાસ રમી,
હૈડે હરખ ન માયે રે, પિયુના હું મનમાં ગમી.
મને હરિ રંગ લાગ્યો રે, આપો મારો ભૂલી ગઈ,
મારું તન મન ધન સૌ રે અર્પણ કરી અળગી થઈ.
હવે હું મને ખોળું રે, હું તો કહીં જડતી નથી
મારો પિયુ મને દરસે રે, સર્વ વસ્તુમાં સખી.
મારું હુંપણું ખોઈ રે, પિયુનું હું અંગ બની,
જ્ઞાની આતમ ઈશ્વર રે મળી એક રંગ બની,
ઉર્દૂ પદોમાં કેટલીક ઉત્તમ સંગીતક્ષમ ચીજો પણ છે :
કોહરિયા૧[1] રે, તું ક્યું કૂકૂ કરે?
મૈં બીરછી પિયા ઢૂંડના નિકસી,
તું બેરન દુઃખ દે. કો.
કૂકૂ સુનત મેરા દિલ ધરકત હૈ,
દુઃખ સે છતિયાં ભરે. કો.
પિયા કારન મેં બનબન ફિરતી,
કાહુ સંગ જિયા ન ઠરે. કો.
જ્ઞાની પિયાકા યહાં ખોજ મિલત હે
ક્યૂં દુઃખ મનમેં ધરે. કો.
ઉર્દૂમાં લખેલી ગઝલો પણ સારી છે :
રૂઢિચુસ્ત મુસલમાનોને એમણે લગાવેલા ચાબખા અખાને યાદ કરાવે તેવા છે :
ગોશ્ત ખાનેસે મુસલમાં નહીં કહાતા અય મિયાં,
ઔર બડી દાઢી રખેસે ભી મુસલમાંન નહીં હૈ જાન.
ગોશ્ત તો ખાતે હૈં હિંદૂ બહોતસે અય ભાઈ જાન.
ઔર સીખ રખતે હૈં તુમસે ભી લંબી પ્હેછાન.
આપણા થોડા સંત કવિઓમાં અનવર જ્ઞાનીને માનવંતું અને મુખ્ય સ્થાન મળે છે.