અર્વાચીન કવિતા/‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘સાગર’ – જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી
[૧૮૮૩ – ૧૯૩૬]

સાગરની શક્તિ-અશક્તિ

થાકેલું હૃદય (૧૯૦૯), દીવાને સાગર (૧૯૧૬), દીવાને સાગર ભા.ર (૧૯૩૬). બાલાશંકરથી પ્રારંભાયેલો ગુજરાતી કવિતાનો મસ્ત રંગ છેલવહેલો સાગરમાં ઝળકી જાય છે. સાગરના સાહિત્યજીવનના બે કાળ પડે છે. તે પૂર્વકાળમાં કલાપી અને ન્હાનાલાલ વગેરેની કવિતાની અસર હેઠળ લખવાનું શરૂ કરે છે, ગઝલોનું સંપાદન કરે છે, પણ જીવનના ઉત્તરભાગમાં તે આધ્યાત્મિકતા તરફ વળી જતાં તે સમયનું કાવ્ય સૂફીવાદ, અદ્વૈતવાદ વગેરેના મિશ્રણવાળી એક રીતની વિલક્ષણ છટા ધારણ કરે છે. તેમની કવિતાનો મોટો ભાગ, સાહિત્યપ્રધાન કૃતિઓનો છે, પણ તેમની આધ્યાત્મિક સંસ્પર્શવાળી મસ્તીભરી થોડીક કૃતિઓ તેના કરતાં વિશેષ ગુણવાળી છે. આ આંતરિક મસ્તીમાં રહેતા કવિઓમાં, મણિલાલના અપવાદ સિવાય, બુદ્ધિનું જાગરૂક તત્ત્વ બહુ ઓછું જોવામાં આવે છે. અને તેનો સૌથી વધુ અભાવ સાગરમાં દેખાય છે. સાગર જ્યારે આધ્યાત્મિક મસ્ત જીવન તરફ પૂર્ણ રીતે વળેલા નથી ત્યારે પણ તેમની રચનાઓમાં બુદ્ધિની-કળાદૃષ્ટિની મંદતા તો દેખાય જ છે. સાગર પોતાના ઉત્તરજીવનમાં પણ જ્યાંજ્યાં બૌદ્ધિક રીતે સ્પર્શ કરવા જેવા વિષયોને તે રીતે નિરૂપવા જાય છે ત્યાં પણ તે બુદ્ધિની નિર્બળતા બતાવે છે. છતાં તેમનો જે કંઈ આધ્યાત્મિક અનુભવ છે તેમાં એક રીતની સચ્ચાઈનો રણકાર છે, અને એમાંથી તેમની કવિતાને કળાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ મસ્તરંગની કવિતામાં સાગરની કવિતા પોતાનું અનુસંધાન સૂફીવાદની મસ્તી અને કબીર વગેરેની વાણી સાથે સાંધે છે. અને તે તેની ખાસ વિશેષતા છે.

ગઝલિસ્તાન

સાહિત્યપ્રધાન માનસવાળા પૂર્વજીવનમાં સાગરનું સૌથી મહત્ત્વનું કાર્ય ગુજરાતી ગઝલોનું સંપાદન છે. બાલાશંકરથી પ્રારંભાયેલા આ ગઝલ- કાવ્યપ્રકારનું તેની નબળીસબળી બંને બાજુ રજૂ કરતું ૧૯૧૩ લગીનું સરવૈયું આ સંગ્રહમાં છે. ચોસઠ જેટલા લેખકોની ૨૪૫ જેટલી ગઝલો આમાં સંગ્રહાયેલી છે. બધી ગઝલો એકસરખી કોટિની નથી. બાલાશંકર, મણિલાલ, કલાપી સિવાય બીજા લેખકોની ગઝલોમાં દેખાદેખી, અનુકરણ તથા કાવ્યગુણનો સર્વથા અભાવ દેખાય છે. માત્ર એક ‘મસ્તાન’ની ગઝલો સારી દેખાય છે, જેમાં તે લેખક કેટલીક વાર કલાપી કરતાં યે વધારે સારી શક્તિ બતાવે છે. સાગરની ઉત્તમ ગઝલો તો હજી ઘણાં વરસ પછી લખાય છે, એટલે તે આ સંગ્રહમાં તો ન જ હોય. ગઝલો કરતાં યે તેનો ઉપોદ્‌ઘાત વધારે કીમતી છે. ગઝલના કાવ્યપ્રકારનો તથા તેને જન્મ આપનાર સૂફીવાદનો જે અભ્યાસપૂર્ણ પરિચય સાગરે એમાં આપેલો છે તે હજી પણ એ વિષય જાણવા માટે ગુજરાતીમાં એકમાત્ર ઉપલબ્ધ સાધન રહ્યો છે. સાગરે પોતાના જીવનના ઉત્તરકાળમાં પોતાના ગુરુ કલાપીના ‘કેકારવ’નું ખૂબ મહેનત લઈને સંપાદન કર્યું છે. તેમાં ઘણી માહિતીનો સમાવેશ થયેલો હોવા છતાં, એ બધાનો ઉપયોગ જોઈએ તેવો થઈ શક્યો નથી. દિવસેદિવસે સાગરની ગદ્યશૈલી જે આવેશભર્યું, આડંબરયુક્ત, શિથિલ, શુદ્ધ વિચાર પર ટકી શકવાને અસમર્થ એવું રૂપ ધારણ કરતી ગઈ છે તેનો ભોગ કલાપીને અંગેની આ કીમતી માહિતી પણ થઈ પડી છે.

થાકેલું હૃદય

સાગરનાં કાવ્યોના લૌકિક અને આધ્યાત્મિક એમ બે ભાગ પડે છે. પોતાના પહેલા સંગ્રહ ‘થાકેલું હૃદય’માં તે ન્હાનાલાલની અસરમાં પણ ખેંચાયેલા લાગે છે. ન્હાનાલાલના બીજા કોઈ અનુકરણકાર કરતાં સાગરે વધારે સફળતા મેળવી છે, છતાં તે મોટે ભાગે કલાપીની ઢબે જ કલાપીના જેવા વિષયો લઈને વધારે લખે છે. પણ ક્રમેક્રમે તેમનાં કાવ્યો આધ્યાત્મિક પ્રેમની મસ્તી ગાવા તરફ વળી જાય છે. ‘થાકેલું હૃદય’ એક સળંગ કથાકાવ્ય છે. તેમાં જે ઘણીએક કચાશ છે તેનો લેખકે પોતે જ સ્વીકાર કરી લીધો છે. કલાપીના ગુણો અને દોષો બંનેએ આમાં વિસ્તૃત રૂપ લીધું છે. વસ્તુનું નિરૂપણ કલાપીના જેવું જ પ્રાસાદિક અને સ્પષ્ટ છે. વચ્ચેવચ્ચે સૂત્રાત્મક કડીઓ પણ લેખક મૂકે છે. પણ દરેક પ્રસંગમાં કે ભાવમાં શિથિલતા અને દીર્ઘસૂત્રતા હદ બહારનાં વધી ગયેલાં છે. છતાં ગમે ત્યાંથી વાંચતાં કાવ્યના છૂટક અંશો આનંદ આપે તેવા છે. આખા કાવ્યનું ઉત્તમ અંગ વચ્ચેવચ્ચે મૂકેલાં ગીતો છે.

દીવાને સાગર

‘દીવાને સાગર’નાં ૭૦૦ પૃષ્ઠોના બે ભાગમાં સાગરની અનેક પ્રકીર્ણ કૃતિઓ સંગ્રહાયેલી છે. એમાંની કલાપીની ઢબે લખાયેલી નાનીમોટી કૃતિઓનું મુખ્ય લક્ષણ છે તેમની અસાધારણ શિથિલતા. એક નાનકડી ઊર્મિ કે વિચારની આસપાસ પાનાંનાં પાનાં લેખક ભરે છે. સાગરે ગઝલો પણ શરૂઆતથી જ લખવા માંડેલી છે, પણ તે બધી શિથિલ છે, અને કેટલીક વાર તો મણિકાન્તની કોટિથી પણ ઊતરી ગયેલી છે. આ બધાંમાંથી ચાર-પાંચ જ સઘન ગંભીર કાવ્યો હાથ આવે તેમ છે.

દીવાને સાગર, ભાગ બીજો

સાગરનો ખરો રંગ ‘દીવાને સાગર’ના બીજા ભાગનાં ભજનોમાં પ્રકટ થાય છે. એમાંની અસાધારણ ચમકની પૂર્વછાયા ‘દીવાને સાગર’ના પહેલા ભાગમાં મૂકેલાં કેટલાંક ભજનો તથા ગઝલોમાં પણ દેખાય છે. ‘દીવાને સાગર’ના બીજા ભાગમાં સાગરની કૃતિઓ એકદમ ટૂંકી થઈ જાય છે. કૃતિઓ ટૂંકી થતાં ચોટદાર બને છે. લગભગ દરેક કૃતિમાં કંઈક નવા દર્શનની, સાચી અનુભૂતિની, અને આનંદની કે મસ્તીની ચમક આવ્યા જ કરે છે. ભાષા લક્ષ્યવેધી બને છે, તેમાં નવું ચારુત્વ પ્રગટે છે, તેમાં નવી જ જાતનાં સૌંદર્ય, મોહકતા, લાડ અને માદકતા પણ આવે છે. આ ભજનો અને ગઝલોની બાની કબીર વગેરે સંતોની સાથે પોતાનું અનુસંધાન મેળવી લે છે, અને તે સાથે કાવ્યોની ભાષા એકલી ગુજરાતી જ ન રહેતાં જૂની-નવી વ્રજ થતા હિંદીના વિચિત્ર છતાં મનોહર મિશ્રણનું રૂપ લે છે. કાવ્યની રજૂઆત, તેની ભાષા, તેની લઢણ એ દરેકમાં સાગરનાં પોતાનાં જ કહેવાય તેવાં લાક્ષણિક લાલિત્ય, સામર્થ્ય અને મસ્તી આવ્યાં છે. સાગરમાં લાપરવાહીવાળી મસ્તી સાથે ઊંડો અર્થ પણ રહેલો હોય છે. જેમકે,

‘દારૂ પીએ મ્હારી બલ્લા!
હાં! હાં! મેરે યારો! દારૂ પીએ મ્હારી બલ્લા!
હૂં જ શરાબ અજાયબ જાતે! નહીં દૂલહન! નહીં દૂલ્હા!
પીવા પધારે ધરે વણ તે કયો, આપે અનલ્હક્ક અલ્લાહ!
...પ્રેમરસાયન પાવે જવલ્લા! જીરવે વિરલ કોઉ ભલ્લા!
દશવિશ મ્હાલો, અજી! શાહ સાગર! સારી જહાં ખેરસલ્લા!

સાગરની વાણી કેટલીક વાર ચોંકાવે તેવી ઉદ્ધત પણ બને છે, છતાં તેની પરમાર્થતા તે ગુમાવતી નથી. જેમકે,

દાયણ બિચારી શું કરે? મુદ્દે હમેલ રહ્યા નથી!
જ્ઞાની ગુરૂજી શું કરે? છતમાં ઝખમ લાગ્યા નથી!

તથા

અજી! ક્યાં બજી આ ટોકરી! કરી મ્હેં નઝર નીચે ઉપર–
છકી છેક! અલ્લડ છોકરી : – ‘ચલિયે! જી! રંગપલંગ પર!’
‘જી! હાં! કહો! પછી શું બન્યું?’
યારો! અજબ! કૈં કૈં બન્યું!
ના જાય વાણીથી કહ્યું! બેનાં બન્યાં એક જ અગર!

ભજનો

સાગરનાં ભજનોમાં સંગીતક્ષમતા ખૂબ છે. તેના શબ્દો જ આપોઆપ ગીતની ધૂનમાં ખેંચી જાય તેટલા સમર્થ છે. એકાદ મધુર શબ્દને લઈને તેને બેવડાવવા-તેવડાવવાની કવિની સુંદર યુક્તિ કેવળ શબ્દનું જ નહિ પણ અર્થનું પણ સંગીત સાધવામાં ખૂબ કામ આવે છે. જેમકે,

ઝબકતી વીજ અજવાળે! પરોવી મોતી લે-લે-લેઃ
ચલી – ચલી – ઓ ચલી જાશે! પછી તું વ્યર્થ પસ્તાશે.
...બૂડી બૂડી હું તો બૂડી! અહા! મધુસાગરમાં હું તો બૂડી!
...અધરે અધર અલબેલોજી ગૂંથે
ઊંચે ઊડે–હું તો ઊડી
ઊડી ઊડી–ઊ.....ડી! હે...જી
કેલી કરે રસશેષ સ્વયંભૂ!
ભાગી ભાગી ભવચૂડી!
ચૂડી–ચૂડી–ચૂ...ડી! હે....જી!

અનુપ્રાસ તથા યમક વગેરેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરીને પણ સાગર અનેરું ચારુત્વ તથા અર્થવાહકતા સાધે છે :

હાં! હાં! જડી બૂટી જડી! એક જ મતિ એક જ ગતિ :
ગુરુ શબ્દ તરુવર પર ચડી-ચડી તે ચડી દિલવેલડી,
...મુર્શિદનો લાગ્યો શબદ–
વેઠ્યાં મીઠાં દિલનાં દરદ–
રદ-રદ! અજી! ઓરત મરદ! ઉઘડી અજાયબ આંખડી!

સાગરનાં ભજનોએ જૂના સંતકવિઓની મધુરતા તથા વેધકતા પણ ધારણ કરી છે. ‘નવાનગરના રાજવી’ પરમાત્માનો સત્કાર કરતાં તે લખે છેઃ

નથી રે નગર! મ્હોલાતો નથી! વાસ્યાં અમે તો મશાણ જી!
મૌજો રે ધૂણીની માણશું; ત્રિવેણીને ન્હવાણ જી!
શરીર ચીરી રે કર્યો સાથરો, આસન નવલાં નયન જી!
ખેલો રે ખેલો મ્હારે આંગણે, ચોખ્ખાં ચૌદે ભુવન જી!
...નમું રે નમું સાગર રાજવી! સ્વાનુભવી મહાજન જી!
અનલ પંખીનો રે ઈંડવો! જુગ જુગ જીવો જીવન જી!

એક બીજા ભજનમાં તે કહે છે :

મોત તો બેટી! મટી ગયું રે! જાગી અનભે જ્યોત!
અણલિંગી ઊગ્યો આત્મા! રે! બળી જળી ગયું નિજ પોત રે!
પૂર્વે જન્મ્યા એક કબીરા! કે બીજા સાગરરાજ!
પણ સાચું દલ હો આપણું રે, તો તારે ગુરુજી જહાજ રે!

આ ભજનોમાં ‘ગુરૂ ઘનચક્કર’નાં ભજનો તેમની મસ્તી તથા બળને લીધે ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. સાગરની શક્તિ ભજનો, ધૂનો તથા ગઝલોમાં એકસરખી પ્રગટે છે, છતાં ગઝલોમાં તેમની લાક્ષણિકતા સૌથી વિશેષ છે.

સંતબાની

સાગરનાં કાવ્યોમાં સાહિત્યિક છટાઓ ઉપરાંત આ જે સંગીતક્ષમતા, ધૂન તથા સંતની બાની છે, તેનું કારણ એ છે કે તે માત્ર કાવ્યકાર જ નથી રહ્યા, પણ જીવનના ઉત્તરકાળમાં એક અચ્છા ભજનિક, તથા ‘સ્વાનુભવી’ સંત બનેલા છે. જૂની સંતપ્રણાલી સાથે તેમણે આધ્યાત્મિક અને વાચિક ઉભયવિધ સંબંધ જાળવ્યો છે. તેમનું આધ્યાત્મિક અનુયાયી મંડળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સુધી ફેલાયેલું છે. આ કાવ્યો અનેક વાર ભજનમંડળોમાં ગવાયેલાં છે. તેમના એક ભક્તના કથન મુજબ ‘રસોન્મત્ત સૂફીની અને ગોપીની બ્રાહ્મી ભાવનાઓ દ્વારા પરમાત્માનો સંપૂર્ણ સ્વાનુભવ તેમણે આ વાણીમાં પ્રગટ કર્યો છે.’ પરમાત્માના અનુભવની ગૂઢ વસ્તુ બાજુએ મૂકીએ તોપણ સાગરની વાણીમાં રસોન્મત્ત બ્રાહ્મી ભાવનાઓ તો છે જ. અને સાગર પોતાને ‘સ્વાનુભવી મહારાજ!’, ‘શાહ સાગર’ તથા કબીર પછી બીજો જન્મેલો ‘સાગરરાજ’ કહે છે તેની પાછળ કોઈક જીવનાનુભવનો સાચો રણકાર છે એમાં શંકા નથી. એમના પ્રત્યક્ષ જીવનમાં ઘણી મસ્તી હતી, નિજાનંદનો સાક્ષાત્કાર હતો, અને તે તત્ત્વને તેમણે વાણી આપી છે એમ કહેવું પડશે. કવિતા કરવાના ઉત્સાહભર્યા પૂર્વકાળમાં સાગરને જે કલાસિદ્ધિ નથી મળી, તે ઉત્તરકાળમાં મળી શકી છે. તેમનું કાર્ય સ્વસ્થ જાગ્રત કળાકાર કરતાં આપોઆપ બની આવતી કળાકૃતિઓના રચનાર તરીકે વિશેષ છે. આ મસ્તરંગની કવિતા હંમેશાં પોતાની મસ્તી ઉપર જ નજર ઠેરવેલી રાખે છે. તેમાં બૌદ્ધિક શિથિલતા હોવા છતાં તેના ઉત્તમ આવિષ્કાર વખતે કળા તેમાં આપોઆપ આવી જાય છે, તોપણ તે હંમેશાં આવે જ છે એમ નથી. અને આ મસ્તોને તેની પડી પણ હોતી નથી. સાગરના પછી આ રીતનો કોઈ ‘સ્વાનુભવી’ કવિ ગુજરાતી કવિતામાં હજી લગી થયો નથી.