અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/મૃત્યુ કાવ્ય વિશે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મૃત્યુ કાવ્ય વિશે

રમણીક અગ્રાવત

મૃત્યુ
ગુલામમોહમ્મદ શેખ

આટલે દૂરથી

જો જન્મ છે તો મૃત્યુ પણ છે. જન્મની ક્ષણથી જ આરંભા છે દોડ મૃત્યુ તરફની. નવજન્મની ખુશાલીમાં નવજીવનના ઉલ્લાસમાં ભલે એની કોઈ પરવા ન કરે પણ મૃત્યુ તો હોય જ છે. જન્મથી આરંભાતી દરેક યાત્રાના અંતિમ બિન્દુએ મૃત્યુ અચૂક હોય છે. સૌ આ જાણે છે, પણ મૃત્યુનો ડરામણો ચહેરો જોવા કોને ગમે? ફૂલ ઊઘડવાની વેળાએ જ એના અમંગળ પતનને કોણ નીરખે? અકાળ મૃત્યુના જડબામાં ગ્રસાતો, ખેંચાતો કોઈ કવિ બોલી પડેઃ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…’ મૃત્યુને મંગળગાનના રાગથી શણગારે કવિ. એક નહીં અનેક સૂર્યો આથમી રહ્યા હોય નજર સામે, સાવ અવશપણે જોઈ રહેલા સિવાય કોઈ વિકલ્પ ન હોય. ભાંગેલા પગે ઢસરડાતા જવાનું હોય ઉઘાડા ભૂખાળવા મોંમાં, શબ્દથી, રંગથી, સ્વરથી, સંગીતથી નૃત્યુના ડરામણા ચહેરાને ઘડીભર તો ઘડીભર અજવાળી જોયો છે માણસે. કળાનું સંમોહન ડરનેય ખાળતું હશે?

કવિ-ચિત્રકાર ગુલામમોહમ્મદ શેખના આ કાવ્યમાં કોઈ ડાર્કરૂમમાં નેગેટિવ પર ધીમે ધીમે ઉપસતા જતા ચહેરા જેમ જોઈએ છીએ મૃત્યુનો ચહેરો. મૃત્યુ વિશેની જેટલી જેટલી કલ્પનાઓ એટલાં એનાં રૂપ. એક કલ્પનામાં અડધે પહોંચો ત્યાં એ વળી સર્જે કોઈ નવું રૂપ. કાવ્યનાયક કહે છે આટલે દૂરથી હું મૃત્યુનાં પાંસળાં ગણી શકું એમ છું. કદાચ પાસે જઈશ તો એનું રૂપ બદલાઈ પણ જાય. મૃત્યુ તો છે એક ગંજાવર મોઝેઈક, પળેપળ બદલાતી રૂપરચના. મૃત્યુના કેટકેટલાં રૂપ આપણને ગૂંચવે છે, મૂંઝવે છે. એના છીંડેછીંડામાં હજારહજાર માણસો જડેલા છે. પણ દૂરથી એ આખા માણસ જેવું લાગે છે. પ્રાણીઓને મૃત્યુ પોતાનાથી ચડિયાતા બળવાન પ્રાણી જેવું લાગે. માણસને મૃત્યુ માણસ જેવું લાગે!

કાવ્યનાયકને મૃત્યુની આંખોમાં બે-ચાર કવિઓની બળબળતી ભૂરી છાતીઓ દેખાઈ પડે છે. અને આંગળાંમાં ચિત્રકારોની નજરના ડાઘ. એ ડાઘને સ્વાદ પણ મળ્યો છે, એ કડવા ડાઘ છે, કદાચ એ કળાને દ્વેષ છે. કદાચ એ કળાની ઈર્ષા છે. કદાચ એ કળાની કચાશ છે. એ મૃત્યુ આમ લાગે છે માણસ જેવું જ. કોઈ એને વૃક્ષ પણ કહી શકે. આદિ માનવો પર આસમાનમાંથી ત્રાટકતું એટલે એને એમાં વાદળ દેખાઈ પડે એમ બને. એની ધરી નસ પર છેકો મૂકવામાં આવે તો ધખધખ કરતાં જીવડાંઓ ઊભરાઈ વળે. એ જીવડાંઓની શાપમુક્તિ સાવ નજીકમાં જ હોય તો એમાંથી કોઈ ઈશ્વર પણ પ્રગટ થઈ બેસે. જીવડું પણ ઈશ્વરના વેશમાં જાય, કશું કહેવાય નહીં!

મૃત્યુને ચારે તરફથી બરાબર ચકાસીને કોઈ જોઈ રહ્યું છે. એની ચામડીની અંદર જીભ ખોસીને એનો સ્વાદ કેવો છે એ પણ કળી રહ્યું છે કોઈ. એનાં માંસમાં કેળાના ગરની મીઠાશનું પોત માણવા મળે છે. મૃત્યુના પેટમાં સ્ત્રીઓના હોઠની લોલુપતા છે. તેના સાથળમાં શેતાનનો અદ્ભુત મહેલ છે. હાથમાં આકાશનો વ્યાપ છે. પગમાં કાચંડાના રંગની ચંચળતા છે. એની પીઠ પાણીની અને મોં રાખનું છે. જાણે શ્રીમદ્ ભાગવતના કોઈ અધ્યાયમાંથી નીકળીને વિશ્વરૂપની કોઈ ઝાંય દેખાઈ પડી છે કે શું? ફરી વાર ઉચ્ચારણ થાય છેઃ આટલે દૂરથી પણ મૃત્યુને સાવ સામે ઊભેલું જોઉં છું. આછરેલા પાણીના અરીસામાં સાવ સામે ટગરટગર તાકતું મૃત્યુ ઊભું છે. ભલે એને જોયું ન જોયું કરીએ. ગમે તેટલું જોયું ન જોયું કરીએ તોપણ દરેક ક્ષણે સાવ સામે ને સામે જ ઊભેલું હોય છે મૃત્યુ.

પાણીને ડખોળી ડખોળીને એ પ્રતિબિંબને ભલે હટાવી દો તો પણ — એ ત્યાં હોય જ છે!

(સંગત)