અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આસિમ' રાંદેરી/ચર્ચામાં નથી હોતી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચર્ચામાં નથી હોતી

`આસિમ' રાંદેરી

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી;
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે `ના'માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો `હા'માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે!
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે `લીલા'ની આંખોમાં,
અલૌકિક–રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ `આસિમ' કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.