અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `ઉશનસ્' નટવરલાલ પંડ્યા/અંતરતમ સખાને
Jump to navigation
Jump to search
અંતરતમ સખાને
`ઉશનસ્' નટવરલાલ પંડ્યા
(શિખરિણી સૉનેટ)
હવે મેં જાણ્યું કે મુજ ભીતરમાં ગૂઢ કંઈ છે
કશું જે તારા શું અદીઠ, મુજને જાળવી રહ્યું,
વિપત્તિવેળાએ અમથું ઊંચકી તારવી રહ્યું,
નહીં તો માન્યું’તુંઃ મુજ મીત જગે કોઈ નહીં છે.
મને હું એકાકી, મન હિ મન, નિઃસંગી નીરખી
રહ્યો’તો મૂંઝાઈ, પણ રજનીએ જ્યાં સૂઈ ગયો
કળીઓ ચિંતાની તવ ચરણ મૂકી હળુ થયો;
સવારે જોયું તો ખીલી’તી ફિકરો ફૂલ સરખી!
થયું કે કોઈ છે નકી, વિપદવેલે મુજ સખા
સદા મારી સાથે અણદીઠ રહી સહાય કરતો,
પ્રતિચ્છાયા જેવો, ફિકરમહીં મારી જ કરતો,
અને એને જોયા પછીથી મન એવા અભરખા...
હું પૂછું છું તારસ્વરથી ‘કુણ તું’ કહે તવ કથા
અજાણ્યા બંધુ હે, બહુ થયું, હવે તો પ્રગટ થા.
(બુદ્ધિપ્રકાશ, જુલાઈ)