અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દીપક બારડોલીકર/નથી હોતા
Jump to navigation
Jump to search
નથી હોતા
દીપક બારડોલીકર
અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા!
નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા!
નથી હોતી વસંતોની છબીમાં લ્હાણ સૌરભની;
હકીકત જેટલા સધ્ધર કદી નકશા નથી હોતા!
નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા!
તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા!
કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી;
કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા!
સમજપૂર્વક બધીયે ચીજની અહીંયાં સમીક્ષા કર;
નિહાળે છે જે દુનિયામાં, બધાં સ્વપ્નાં નથી હોતાં!
અસરથી હોય છે વાતાવરણની મુક્ત એ ‘દીપક’;
મહોબતનાં ગુલાબો લેશ કરમાતાં નથી હોતા!