અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીતિન મહેતા/એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)
Jump to navigation
Jump to search
એક કાવ્ય (ચાલવું થાકવું ફરી...)
નીતિન મહેતા
ચાલવું
થાકવું
ફરી ફરી
ચાલવું
એ જ
ક્રમ
સપનાંઓ અને વિસ્મૃતિથી
ભરેલાં વર્ષો
ખભા પર ઊંચકી
હાંફતા તો હાંફતાં
ચાલવું
એ જ રઢ
કોરી દાભે
પડછાયો
પ્લેટમાં પડેલી
સફરજનની ચીરને
તાકી રહે
સ્મૃતિમાં બાઝેલી
કડવાશને
નખથી કોતરી ન શકું
કે ફૂંકથી ઉરાડી ન શકું
કોરડાઓ ને અપમાનો
ટીકડીની સાથે ગળવાં રોજ રોજ
જિન્દગી ને મરણ
એ તો હવે
લોહીની ટેવ
પણ ખોડંગતા
તોયે ચાલવું
એ જ હઠ
શાલ નીચે
શરીર
રોજ રોજ
આથમતું જાય
છતાં
અડધાપડધા
ભૂંસાયેલા અક્ષરોને
ઉકેલવા
ચંદ્રથી દીવો પ્રગટાવું
પાનીમાંથી
દરિયો
આકાશને આંબવા
માથું
ઊંચકે
ને
ફરી
આરંભ.
નવેમ્બર, નવનીત સમર્પણ