અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પરમ ધન

ન્હાનાલાલ દ. કવિ

પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
રૂપું ધન, ધન સોનું,
         હો અબધૂત! હીરા મોતી ઝવેર,
         હો અધબૂત! હીરા મોતી ઝવેર;

સત્તા ધન, ધન જોબન ચળ સહુ;
         અચળ બ્રહ્મની લહેર;
         પરમ ધન પ્રભુનાં લેજો, લોક!

નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
         હો અબૂધત! નહીં વીજળીચમકાર,
         હો અબધૂત! નહીં વીજળીચમકાર,
અગમનિગમનીયે પાર, અપાર એ
         બ્રહ્મ તણા ભંડાર;
         પરમ ધન પ્રભુનાં લેજો લોક!
દૂર થકી પણ દૂર;
         હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
         હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
         એ ધન છે અવિનાશ :
                  પરમ ધન પ્રભુનાં લેજો લોક!

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)




ન્હાનાલાલ દ. કવિ • પરમ ધન • સ્વરનિયોજન: ભાઇલાલ શાહ • સ્વર: કલ્યાણી કૌઠાળકર