અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/તું: કવિતા
Jump to navigation
Jump to search
તું: કવિતા
મણિલાલ હ. પટેલ
આંબે મંજરી આવે એમ
તું આવે છે હોઠ સુધી
પાતાળો વીંધીને...
કૂંપળે કૂંપળે લીલાશ
આંખોમાં ભીનાશ
તું હણહણતી ઋતુ
રણઝણતી મહેક
રોમેરોમે તું
ઊઘડે તડકો થઈને
હવાઓ રમણે ચઢે
કાંટાળા થૉરને
વેલ વીંટળાઈ વળે
તીતીઘોડા જોડું બનાવે
ઊંડે ધરબાયેલી ગાંઠને
પાછો અંકુર ફૂટે
ખેડેલા ખેતરની
કંસાર જેવી માટીમાં
પિયતનાં પાણી પ્રવેશે
એમ તું પ્રવેશે છે કણેકણમાં
હવે ચાસે ચાસે લહેર ઊઠશે
તું મૉલ થઈને
લચી પડશે ખેતરમાં —
મારામાં...!
તા. ૧૪.૦૨.૨૦૧૬ રવિઃ વહેલી સવાર