અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/ઘણ ઉઠાવ
Jump to navigation
Jump to search
ઘણ ઉઠાવ
સુન્દરમ્
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા!
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા!
અનંત થર માનવી હૃદય-ચિત્ત-કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા! ધમધમાવ સૃષ્ટિ બધી!
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઈ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર ફુત્કારથી.
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું,
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી ર્હે ઘા, ભુજા હે, લઈ ઘણ, જગને ઘા થકી ઘાટ દે ને!
(વસુધા, પૃ. ૭૦)