અશ્રુઘર/૨૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૧

છેવટે કંટાળીને પ્રોફેસર મૅયોને પત્ર લખ્યો :

પૂજ્ય,

પાછો ક્ષય થઈ ગયો છે. તાવ બે અઢી માસથી આવ-જા કરે છે. ઘરનાંને ઉથલાની ઝાઝી ખબર હોય એમ નથી લાગતું. એક રીતે કહું તો મેં એ વાત છુપાવી છે. આ વખતે મેં અને રોગે નિશ્ચય કર્યો છે; ધાર્યું કરવું. મારા માટે તમે કંઈ ઓછું નથી કર્યું! ને એટલે જ તમારો આ રીતે આભાર માનું છું. ખોટું ન લગાડશો. તમારી ઇચ્છા વિરુદ્ધ જઈને – મેં રોગને પાછો બોલાવ્યો છે, તેમાં હું મારું ભલું ઇચ્છું છું.

તમારો સત્ય.

આજે તાવ નહોતો, પણ છાતીમાં કળતર થયા કરતું હતું. મૂત્રાશયમાં પણ એ જ રંગ હતો. સત્ય પોતાના પર રોષના તાંડવ ઉતારીને પથારીમાં પડયો હતો. સૂર્યા આવી. એને આ રીતે સુનમૂન બેઠેલો જોઈ તેને બોલવાનું મન થયુંુ.

‘તમે પેલી વાર્તા – નવલકથા લખતા હતા એનું શું થયું?’

સત્યે એના મોં ભણી જોઈ રહ્યો. થોડી વારે ઉત્તર આપ્યો :

‘ધરપત રાખ જરી. એ જ થાય છે. તું તારી નજરે વાંચી શકીશ.’

સત્યને વાત કરતો. જોઈને એની સાથે એ બેઠી.

‘હું સમજી નહીં.’

‘સમજાશે એ તો. માને બોલાવ.’

‘એ તો તળાવે ગયાં છે.’

‘હંઅ તો એટલે જ તમે મારી પાસે આવ્યાં છો નહીં કે!’

સૂર્યાએ બહાર નજર કરી.

‘થોડી વાર થોડી વાર, તમારી જોડે બેસીને મારે પ્રાયશ્ચિત્ત કરવું છે.’

‘પ્રાયશ્ચિત્ત?’ સત્ય ખડખડ હસ્યો. બેત્રણ ઉધરસ ખાધી. પછી શરૂ કર્યું : ‘પ્રાયશ્ચિત્ત તો મારે કરવાનું છે, મારે.’

સૂર્યાની નજર બહાર હતી.

‘સારું ત્યારે તમારી ઇચ્છા ન હોય – તમને હું બેસું એ ન ગમતું હોય તો મોટીબેનને ઘેર જઉં છું.’

સત્ય અનુત્તર રહ્યો.

સૂર્યા બહાર આવી. ખડકી તરફ દૃષ્ટિ કરી. થોડી વાર ઊભી રહી અને પછી મનહરને ઘેર જતી રહી.

સૂર્યા ગઈ એટલે સત્યે મિત્રનો એક પત્ર કાઢયો. સેનોટોરિયમમાં એ હતો ત્યારે એના પર મુંબઈથી એના મિત્રે લખ્યો હતો :

‘શૂન્યતાના રાક્ષસને તું પંપાળ્યા કરે છે, એ મરી જાય. તું જલદીથી સાજો થઈ જાય. પણ દોસ્ત, હું તને ઓળખું છું, તું એને પણ પંપાળવાનો મોહ નહીં ત્યજે. મને તો લાગે છે મનુષ્યનો મોટામાં મોટો શત્રુ હોય તો તેની સ્વભાવગત નબળાઈ. આપણને આપણામાંની કોઈ ને કોઈ નબળાઈને વારે વારે ચૂમ્યાં જ કરવાનું મન – વ્યસન રહેતું હોય છે. કોઈ ગરીબીને બચીઓ ભરે, તો કોઈ દુરાચારી બૈરીને આખો દિવસ ધિક્કાર્યા કરે, ન મળેલી ઇચ્છાને મૂર્તિમંત કરી એને ચાટયા કરે, કોઈ ખૂબ પૈસાને સંભોગે, નહીં તો પછી કોઈ નબળાઈ હાથે કરી ઊભી કરે અને એને ગળે વળગાડે. તું કદાચ તારા ટી.બી.ને વ્હાલ કર્યા કરતો હશે. why do you identify yourself with your disease? દોસ્ત, એમ કરવામાં માલ નથી. તું મારી પ્રકટ જાત કરતાં પણ વધુ વિસ્તરેલો છે. અને એ વિસ્તારને ગમ્ય કરવાને બદલે જો તું રોગની મર્યાદાઓમાં જ રહીશ તો પછી તારો જ ભગવાન તને હસશે. તારો ભગવાન તું જ. તું જ વિસ્તરીને રહ્યો છે. પણ ભઈલા, તું તારો સ્વીકાર નહીં કર તો તારો કોઈ અર્થ જ નહીં રહે. હું તો એમ કહું છું, તું તારા ભવિષ્યને મુઠ્ઠીમાં બાંધી દે. ભૂતને લાત મારીને પેસેફીક મહાસાગરમાં ઉશેટી દે, વિષમતાઓને ચાવીને થૂંકી નાખ;’ અને બચુ, તારા શ્વાસ પર સત્તા મેળવ. શ્વાસોશ્વાસનો રાજા બનીને તારી ઇચ્છાને મેળવવા યત્ન કર. એય ન કર, હું તો કહું છું. એની મેળે તારી પાસે આવશે. બસ ત્યારે, હું આણંદ તરફ આવીશ, હુંય તારી પાસે આવીશ. મારે તને બચી કરવી છે.’

સત્યની આંખ ભીની થઈ ગઈ. જોયું તો પાસે લલિતા ઊભી હતી.

‘કેમ આવી?’

‘રજા વગર નથી આવી. તબિયત કેમ છે?’

‘……’

‘આમ જોયા શું કરો છો? હું કંઈ તમારી દુશ્મન થોડી છું.’

‘તું જતી રહે. હું તને મારી બેસીશ.’

‘બસ? મને તમારો ભય નથી લાગતો. પણ કહું, તમે જાણી કરીને શા માટે આમ દુ:ખી થાવ છો? તમારે ન જીવવું હોય પણ કોઈ બીજાને તો સુખ થાય એમ રહો ને.’

‘તું ડાહી ન થા. મેં બહુ સાંભળ્યું. જતી રે’ કહું છું. વિશ્વાસઘાતી, દુષ્ટા, રાક્ષસી, નાલાયક….’

‘સત્ય મને આવું બધું ન કહેવાય. મારી સહનશક્તિ બહારનું છે આ બધું.’

‘તું જતી રે લુચ્ચી.’

એક વેધક પણ અસહાય દૃષ્ટિ ફેંકી લલિતા વીજળીની જેમ ચાલી ગઈ.

સત્ય વિવેકબુદ્ધિ ખોઈ બેઠો હતો. એણે પોતાનો આત્મઘાત કરવા જેટલો રોષ પોતા પર ઉતાર્યો હતો.

એના બાપુજીએ દવાખાનાની વાત કરી તો દુશ્મનની જેમ કતરાતી દૃષ્ટિએ એમના ભણી તાકી રહ્યો અને પછી માથાવાઢ જેવું થોડુંક બોલ્યો :

‘તમારા દવાખાનામાં જ છું. પરણાવ્યો છે ત્યારનો.’

‘મર ત્યારે’ કહીને એના બાપુજી પોતાને કામે વળ્યા. કેટલુંક કહે ત્યારે. નાનો થોડો છે

આખું અઠવાડિયું તાવમાં ગયું. સત્ય હજી બદલાયો નહોતો. એની મા ઘરગથ્થું ઔષધ કરી કરીનેય થાકી. રડયે, સમજાવ્યે કંઈ આ જિદ્દી માનવાનો નથી. સૂર્યાને તો એ સામે ઊભી પણ રહેવા ક્યાં દેતો હતો કે સેનેટોરિયમ જવાની એ વાત કરી-સમજાવી શકે. પ્રોફેસરનો ઉત્તર નહોતો. ભલુને ગઈ કાલે પત્ર આપ્યો, તેનોય જવાબ ન આવ્યો. સત્ય બે વર્ષનો મંદવાડ લઈને બેઠો હોય એમ ઉદાસીન મુખે બેઠો હતો. મંજુ દોડતી દોડતી આવી. એણે સમાચાર આપ્યા:

‘સતિકાકા, દિવારીબા, તમારે ઘેર કોક ભુરાભટ આવે છે.’

થોડીવારમાં તો પ્રોફેસર મૅયોની પાતળી ઊંચી દેહયષ્ટિ ઘરમાં વંકાઈ પ્રવેશી. સત્ય ‘આવો’ કહેતાં લગભગ ખાટલામાંથી ઊતરી પડયો. પ્રોફેસરના પગ આગળ પુત્રને ઢળતો જોઈ દિવાળીને યાદ આવ્યું :

‘આ તે દહાડે આવ્યા’તા.’

દિવાળીને આશા બંધાઈ, સત્ય સાધુ જેવા પુરુષનું કહ્યું માનતો હશે.

‘તેં કેટલી બેદરકારી બતાવી છે, તારા પ્રત્યે?’ ને એમણે ખિન્નતા બતાવી માથું હલાવ્યું. ખાટલાની ધાર પર બેસી ગયા. અને સત્યની માને કહેવા મંડયા :

‘તમે બેન, આ તમારા છોકરાની બિલકુલ કાળજી લીધી નથી. એને ખૂબ કામ અને જવાબદારી સોંપવી જ ન જોઈએ.’

પાછા સત્ય તરફ વળી કહે :

‘અને તું ભણ્યો છે, પણ ગણ્યો નહીં. પોતાના જીવન પર ક્રૂર રહે એ ન ચાલે ભાઈ, આ જીવન તારું નથી, તારા એકલાનું જ નથી. એમ પણ આ પૃથ્વી પર તારી આસપાસ જીવીએ છીએ, એનો તો ખ્યાલ રાખવો જોઈએ. તું ઈશુને સમજી શક્યો જ નથી. બીજાના આત્માને દુ:ખી કરવાનું એ સંતે નથી શીખવ્યું કંઈ. તારી જંિદગી પર અત્યાચાર ગુજારવાનો તને મુદ્દલે અધિકાર નથી. કાપેલી ડાળને તું ચોંટાડી શકે છે? આ તારું સ્વાસ્થ્ય….કંઈ નહીં તારે મારી સાથે અત્યારે જ સેનેટોરિયમમાં આવવાનું છે. બોલ શું કહે છે?’ સૂર્યા પાણી લઈ આવી. એ પણ બોલતા બંધ થઈને તે જોઈ રહ્યા.

‘આ?’ સત્ય સામે જોઈને તેમણે પ્રશ્નસૂચક દૃષ્ટિ કરી.

‘એની માએ ઉત્તર આપ્યો :

‘એની વહુ છે.’

પાણીનો ગ્લાસ હાથમાં લેતાં કહે :

‘એમ!’ પછી અમદાવાદમાં પરણ્યા પહેલાં સત્ય પોતાને મળેલો તે પ્રસંગને યાદ કર્યો.

‘તમારું નામ લલિતા ને?’

પ્રોફેસર સ્મિત કરવા જાય ત્યાં જ વિદ્યુત ઝબકારો થાય એવું બેઠેલામાં થઈ ગયું. સત્યના ઉદાસીન મોં તરફ સૂર્યાએ નજર કરી સાસુ તરફ વાળી લીધી.

‘ના એનું નામ તો સૂર્યા.’

પ્રોફેસર પોતાના સંક્ષોભને ગળી ગયા. પોતે આવી ભૂલ કરી બેઠા તે બદલ સત્ય સામે જોઈ હસ્યા અને ‘સૂર્યાબેન? પણ સત્ય તું તો– કહેતો ખરો, તેં શો વિચાર કર્યો?’ પછી તેમણે દિવાળીને સલાહ આપી, ‘કંઈ નહીં, બેન ઉદાસ થવાની જરૂર નથી. એને આજે જ સેનેટોરિયમમાં દાખલ કરી દઈએ.’ સત્યને રડી પડતો જોઈને તે જ સાવ ઉદાસ થઈ ગયા. એના માથા પર હાથ મૂકી ‘કેમ રડે છે તું? તને ખબર છે, આપણા માથા પર એક વ્યાપક ઔષધ લહેરાય છે. એની પ્રાર્થના કર. તારામાં એનું અવતરણ થાય એવી….’

સૂર્યા ઘરમાં પેસી ગઈ હતી. પ્રોફેસર મૅયોને હજીય પેલો સંકોચ અનુભવ થયા કરતા હતો. એમણે સત્યના મોટાભાઈને માંડીને વાત સમજાવી. ખેતરમાંથી એના બાપુજીને બોલાવ્યા અને :

‘જુઓ ભાઈ, જેમ બને તેમ જલદી એને સેનેટોરિયમમાં દાખલ કરી દો, નહીં તો પસ્તાશો : ચલો, હું પણ સાથે આવું છું.’

અત્યાર સુધી હાથમાં મધનો શીશો લઈને પડાળીઆ નીચે ઊભેલો ભલુ પણ હવે તો સીસો હાથમાં લઈને પાછો જવાનો વિચાર કરતો જોઈ રહ્યો. તે છેક સત્યને ગાડામાં બેસાડયો ત્યાં લગી.