આંગણે ટહુકે કોયલ/પિયુ પરદેશથી રે
૧૮. પિયુ પરદેશથી રે
પિયુ પરદેશથી રે ઘેર આવ્યા,
પિયુ તમે શું રે કમાણી કરી લાવ્યા?
દરિયો ડોળીને ઘેર આવ્યા.
ઝાંઝરીની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી રાધાજી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
ચૂડલાની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી માનેતી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
નથણીની બબ્બે જોડય અમે લાવ્યા,
એ તો મારી રાધાજી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
હારલો વોરીને અમે લાવ્યા,
એ તો મારી માનેતી સાટુ લાવ્યા.
પિયુ પરદેશથી રે...
લોકગીત એટલે લોકનાદ. લોકગીત એટલે લોકનાડનો ધબકાર. લોકગીત એટલે લોકે આલાપેલો રાગ. લોકશાહીની વિશ્વપ્રસિદ્ધ વ્યાખ્યા ‘ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ’ જેવું જ લોકગીત વિશે કહી શકાય. લોકગીત લોકોનું, લોકો વડે અને લોકો માટે છે. લોકગીત મનોરંજન પછી પીરસે છે, પહેલા તો એ સંદેશો આપે છે પણ આપણું ધ્યાન સંદેશો તરફ જતું નથી, જો કે એમાં લોકગીતનો કઈ વાંક નથી. ઘણીવાર આપણે કલ્પના કરતાં હોઈએ કે તુક્કા લડાવતાં હોઈએ છીએ કે સ્ત્રી ન હોત તો શું થાત?એના જવાબો પણ સૌ પોતપોતાના સ્વાનુભવે આપતા હોય છે પણ સ્ત્રી ન હોત તો આપણને આટલાં અમૂલખ લોકગીતો ન મળત એ નિર્વિવાદ વાત છે. સ્ત્રીના અન્ય ઉપકારો કેટલા હશે એ ગણવા બેસીએ ત્યારે ખબર પડે પણ પોતે લોકગીતનો વિષય બની, પોતે જ લોકગીતો જન્માવ્યાં અને ચોક વચાળે રાસડા લેતાં લેતાં ગાયાં એમાં કોણ ના પડી શકે? આપણી માતાઓ-બહેનો દુઃખી થઇ તોય એણે ગામના પાદર કે ચોરાના ચોકમાં આવીને ગીતના રૂપના પોતાનું દુઃખ ગાઈ નાખ્યું! ને એ લોકગીત બની ગયાં. દુઃખનુંય ગીત કરીને ગાઈ નાખે એવી આપણી માનુનીઓ માટે માત્ર ૮ માર્ચે જ નહિ પણ બાકીના ૩૬૪ દિવસો ‘મહિલા દિન’ જ હોય છે...! ‘પિયુ પરદેશથી રે ઘેર આવ્યા...’ સાવ સરળ, અજાણ્યું લોકગીત છે. વર્ષો પહેલા ગુજરાતીઓ વિદેશ કમાવા જતા એ વખતનું આ લોકગીત છે. એક પુરૂષ પરદેશથી આવ્યો તો સ્વાભાવિકપણે જ પત્ની ઉત્કંઠા સેવે કે કેટલી કમાણી કરી? પોતાના માટે શું શું લાવ્યા? ‘દરિયો ડોળીને ઘેર આવ્યા’ એવું પત્ની કહે છે એ સાચું છે કેમકે એ વખતે હવાઈસેવા હતી નહિ, દરિયાઈ માર્ગે જવું પડતું. આપણા લોકો બર્મા, આફ્રિકન દેશોમાં જતા તો સ્ટીમરમાં બે-ત્રણ અઠવાડિયા મુસાફરી કરે ત્યારે પહોંચાતું હતું. લોકગીતનો નાયક કહે છે કે હું ઝાંઝરી, ચૂડલો, નથણી, હારલો જેવાં આભૂષણોની બે બે જોડી લાવ્યો છું પણ એ તો હું રાધા માટે, મારી માનેતી માટે લાવ્યો છું! અહિ પતિના જવાબથી ગૂંચવાડો ઊભો થાય એવું લાગે છે કેમકે પરદેશથી પતિ ઘણા લાંબા અંતરાલ પછી આવ્યો, પત્નીના વિરહનો હવે અંત આવ્યો એનો ભારોભાર આનંદ છે પણ ઘરેણાં કોના માટે લાવ્યો એ વાતથી બીજા સવાલો ખડા થયા... પતિએ જેને રાધા કે માનેતી કહ્યાં એ કોણ? એક નાનકડી શંકા વર્ષોના મધુરા દામ્પત્યજીવનને હચમચાવી નાખે એ સર્વવિદિત છે. અહિ પત્નીએ ચોખ્ખું જ પૂછી લેવું જોઈએ કે જેના માટે અલંકારો લઈ આવ્યાનું કહો છો એ રાધા અને માનેતી કોણ છે? તો પતિ એક જ જવાબ આપત કે તું...તારા સિવાય બીજું કોણ હોય?