આચમની/૩૧

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૧

ભગવાન બુદ્ધ અને કિસા ગોતમીનો પ્રસંગ જાણીતો છે. કિસા ગોતમીએ પોતાના મૃત બાળકને સજીવન કરવાનું બુદ્ધને કહ્યું. બુદ્ધે તેને કહ્યું કે જ્યાં કોઈ પણ સ્વજનનું મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી તે રાઈનો દાણો લાવી આપે તો જ બાળક સજીવન થઈ શકે. કિસા ગોતમી આખા નગરમાં ઘેર ઘેર ભમી પણ ક્યાંયથી એવો રાઈનો દાણો ન મળ્યો. મૃત્યુએ મુલાકાત ન લીધી હોય એવું કોઈ ઘર નહોતું. મૃત્યુની આ સર્વવ્યાપકતા અને સર્વ મનુષ્યોની મૃત્યુ પાસે પરવશતા જોઈને ‘પોતાના જેવું દુ:ખ સહુને ભોગવવું પડે છે’ તે એ સમજી ગઈ. બુદ્ધનાં જ્ઞાનભર્યા વચનોથી તેને સાંત્વના મળી. આથી ઉલટો જ દાખલો કૃષ્ણના જીવનમાં જોવા મળે છે. ઉત્તરાનો બાળક મૃત અવતર્યો. સમસ્ત પાંડવ કુળનો દીવો બુઝાયેલો હતો તે જોઈ પાંચે પાંડવો, દ્રૌપદી, ઉત્તરા - સહુ શોકમાં ડૂબી ગયાં. ત્યાં કૃષ્ણ આવ્યા અને ઉત્તરાના પુત્ર પરીક્ષિતને સજીવન કર્યો. બુદ્ધનું આશ્વાસન અને કૃષ્ણની સંજીવની શક્તિ, એ બંને સામસામેના છેડા છે. મૃત્યુનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી. પણ મૃત્યુના પાશમાંથી કોઈને છોડાવી શકાય એવું બને ખરું? ઈસુએ લાઝારસને કબરમાંથી બેઠો કર્યો હતો એમ કહેવાય છે. આ પ્રસંગોને દંતકથા માની લેવી એ એક વાત છે અને મૃત્યુંજય શક્તિનો સ્વીકાર કરવો એ જુદી વસ્તુ છે. બુદ્ધ એક વિશ્વ-નિયમનો સ્વીકાર કરવાનું શીખવે છે; કૃષ્ણ અને ઈસુ આવા નિયમોને ઓળંગી જવાની શક્તિ દર્શાવે છે. વર્તમાન સમયનો દાખલો લઈએ તે રમણ મહર્ષિ સત્તરમે વર્ષે મૃત્યુના અનુભવમાંથી પસાર થયા હતા અને પોતે શરીરથી અલગ એવી મૃત્યુંજયી ચેતના છે, આત્મા છે. એવી પ્રતીતિ પામ્યા હતા. ૫રંતુ સારુ યે જીવન તેમણે કોઈ ચમત્કારિક શક્તિ નહોતી બતાવી. માત્ર ‘હું કોણ છું તેની શોધ કરવાનું જ તે કહેતા રહેતા. બીજી બાજુ શિરડીના સાંઈબાબા એટલે રોજ રોજ પ્રકૃતિના કોઈ ને કોઈ નિયમનું ઉલ્લંઘન. સાંઈબાબાની સમીપ રહેનારા નૃસિંહસ્વામી દાભોલકર અને વામનરાવે આવા ઘણા પ્રસંગો નોંધ્યા છે. મૃત્યુ એટલે જીવનનું અપરાજેય પ્રતિસ્પર્ધી કે જેને વિદાય પણ આપી શકાય અને નિર્ધારિત દિવસે આવવાનું પણ કહી શકાય એવો મિત્ર. મૃત્યુનું રહસ્ય કોઈક જ પામી શકે છે. અહીં મૃત્યુનું સામ્રાજ્ય છે તે વાત સાચી, પણ મૃત્યુનું જ સામ્રાજ્ય છે એ સાચું નથી. મૃત્યુ જીવનનો ભાગ જ છે અને એક મહાનિયમ છે, પણ એ મહાનિયમનું યે ખંડન કરતો કોઈ અગમ્ય, એવો મૃત્યુનો સ્વામી અહીં બિરાજે છે. આજે મૃત્યુની કાળી છાયા અને કારમી વેદના જ જોવા મળે છે. ક્યારેક તેની પ્રકાશમય અને આનંદમય મૂર્તિનાં દર્શન પણ માનવને થશે.

***