આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/Z

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સંજ્ઞાકોશ
Z

Zaum તર્કાન્તરવાદ

૧૯૧૩–૧૯૨૩ દરમ્યાન પરાવાસ્તવવાદ પહેલાં ફ્રાન્સમાં રશિયન ભવિષ્યવાદની શાખા રૂપે આ વાદ આવ્યો. દૃશ્યકવિતા પહેલાંના વિશેષ મુદ્રણવિષયક અણસાર આ વાદમાં પડેલા છે. આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓમાં એ. ક્રુ. ચોનીક, વી. ક્લેબનિકોવ અને ઈલ્ય દનેવિચ છે.

Zeugma સંયુક્તિ

કોઈ એક જ ક્રિયાપદ કે વિશેષણ જ્યારે બે નામ સાથે સંલગ્ન હોય અને એમાંય ફક્ત કોઈ એક નામ સાથે જ ઉચિત રીતે સંલગ્ન હોય ત્યારે એ સંયુક્તિ અલંકાર છે. પરંતુ અધિયુક્તિ અલંકારમાં કોઈ એક ક્રિયાપદ કે વિશેષણ ઉચિત રીતે એક જ નામ સાથે નહિ પણ બંને સાથે સંલગ્ન હોય છે, તેમ જ સાચા વ્યાકરણિક સંબંધમાં હોય છે. જેમ કે, ‘ખોદે ઘાસ, ઘાસનો રંગ’ (મનહર મોદી’) સંયુક્તિનું ઉદાહરણ છે. કારણ ‘ખોદે’ ક્રિયાપદ ઘાસને લાગુ પડે પણ ઘાસના રંગને લાગુ પડી શકે તેમ નથી, એમ છતાં બંને સાથે સંકલિત થાય છે; જ્યારે ‘આંસુ જાગે અથવા કવિતા/જેવા જેના અંજળ જીવજી’ (નયન હ. દેસાઈ) અધિયુક્તિનું ઉદાહરણ છે, કારણ ‘જાગે’ ક્રિયાપદ આંસુ અને કવિતા બંનેને લાગુ પડી શકે તેમ છે.