ઋણાનુબંધ/પ્રિસ્ક્રીપ્શન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રિસ્ક્રીપ્શન


સ્મશાન અને કબ્રસ્તાન
બન્નેની વચ્ચે રહીને
નવા જન્મેલા બાળકનું રુદન સાંભળવાની
તમારી તૈયારી છે?—

આથમતી સાંજનો તડકો
અને
આવતી રાતનો અંધકાર
આ બન્ને વચ્ચે રહીને
સૂર્ય અને ચંદ્રને
એકીસાથે
આલિંગન આપવાની તમારી તૈયારી છે?—

ઉનાળો વીત્યો નથી
અને
ચોમાસું આવ્યું નથી
આ બન્નેની વચ્ચે ઊભા રહીને
સુકાઈને ભીંજાવાની
કે
ભીંજાઈને સુકાવાની
તમારી તૈયારી છે?—

જો આટલી જ સજ્જતા હોય
તો તમે
કદાચ
કવિતા લખી શકો.